બાપુજી રિટાયર્ડ થાય છે Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

બાપુજી રિટાયર્ડ થાય છે

“બાપુજી રિટાયર્ડ થાયછે.....”

“બાપુજી રિટાયર્ડ થાયછે....વર્ષો સુધી અમારા માટે પોતાની જાત ઘસી નાખનાર બાપુજી આજે એમની તમામ ફરજો, જવાબદારીઓ અને કર્તવ્યોથી સંપૂર્ણપણે મુક્ત થાયછે અને આજથી તેઓ હળવાફૂલ બનીને પોતાનું શેષ જીવન જીવશે.....” આવતીકાલની ફ્ક્ત કલ્પના જ કરતાં કરતાં પણ ચંદ્રશેખરભાઈને તાળીઓના ગડગડાટ સ્પષ્ટ સંભળાયા. કડપ અને મરદાનગીની નિશાની સમાન કડક મૂછો પર તાવ દેતાં એમણે સુકન્યાની અર્ધઝૂકી આંખો સામે ગર્વભેર અછડતી નજરે જોયું.

ઘરનાં તમામ સભ્યો એમની જીદ્ ને આધીન થઈને કયારના પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતાં. પરંતુ આવતી કાલના સોનેરી ખ્યાલો જ જાણે એમની ઊંઘના ખલનાયક બની ગયા હતા. જયારે અનેક વખત પડખાં ફેરવ્યા છતાં પણ એમને ઊંઘ ન જ આવી ત્યારે એમણે ઘરની ફરતે આંટો મારવાનું નક્કી કર્યું. આવતીકાલના પ્રસંગની મનોમન ગોઠવણી કરતાં કરતાં તેઓ ચાલવા લાગ્યા.

ઘર જોકે ખાસ્સું એવું મોટું તો નહોતું પણ બે દીકરાઓ‌‌-વહુઓ , પૌત્ર- પૌત્રીઓ અને પ્રસંગોપાત પધારતાં દીકરી- જમાઈનું કુટુંબ સચવાઈ જાય એવડું તો હતું જ. ચંદ્રશેખર ભાઈની ઈચ્છાનુસાર એમનો રૂમ બહારના ભાગમાં પડતા વરંડાની સામેની બાજુએ હતો. શિયાળાની શરૂઆત હોતા ગુલાબી ઠંડક વાતાવરણમાં પ્રસરી રહી હતી. ઠંડા પવનની સાથે સાથે ઝાકળના બિંદુઓ ઝાડ-પાન પર અડીંગો જમાવવાની તૈયારી કરી રહયા હતા. મલપતાં વદને અને હરખાતાં હૈયે એમણે આદત મુજબ એક ખોંખારો ખાઈને વરંડા ફરતે ચાલવા માંડ્યું.

“ અરે, આ શું....? ઘરમાંથી આછું અજવાળું દેખાઈ રહ્યું છે. કોણ છે જેને મારા જેવી અનિંદ્રાની બિમારી લાગી ગઈ છે? જોઉં તો ખરો...” એમણે મુખ્ય દરવાજો ખોલવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. ત્યાંજએમની નજર ઘરની ફરતે આવેલી ચાર બારીઓમાંની એક અધખુલ્લી બારી તરફ પડી. તેઓ એ દિશા તરફ કુતુહલતાપૂર્વક આગળ વધ્યા. દિવાનખંડના આછા અજવાસમાં ઘરના સભ્યોનો મેળાવડો જામ્યો હતો.

એમણે બૂમ પાડવાનો વિચાર કર્યો પણ.....દીકરા-વહુઓ અને પુત્રી-જમાઈ વચ્ચે થઈ રહેલ વાર્તાલાપે એમના પગને ત્યાં જ ખોડી દીધાં.

“ જો નાનકા , હું મોટો છું એટલે બાપુજીને જિંદગીભર પાળવાની જવાબદારી તારી કહેવાય.”

“ મોટાભાઈ, અમે નાના છીએ તો શું ? અમારો વસ્તાર તો તમારા કરતાયં મોટો છે અને એમાં પાછી આમની કમાણી.....”

“ચાંપલી, તું તો ચૂપ જ રે, માણસોની વાતોમાં વચ્ચે શું કરવા બોલેછે? ” મોટી વહુની આવી ભાષા???? ચંદ્રશેખરભાઈ તો હબક ખાઈ ગયા.

“ ભાભી, તમે લોકો શાંત થાવ. મને તો એ નથી સમજાતું કે, જયારે તમે લોકો એક જ ઘરમાં સાથે રહો છો ત્યારે આવી વાત....”

“ જો બહેના, મેં અને નાનકાએ આ ઘર વેંચીને શહેરમાં સારી જગ્યાએ ઘર લેવાનું......”

“ઓ..તારી..ની..વાહ ! સાળાસાહેબ વાહ! પણ એ તો કહો કે, આ ઘર વેંચશો તો એના રોકડા કેટલા આવશે.. હં..અં...??? અને એમાં અમારો ભાગ કેટલો.... હં... અં...??” જમાઈના ખંધા હાસ્યને કારણે ચંદ્રશેખરભાઈની મુખમુદ્રા વધુ તંગ બની.

“ હેં...તમારો ભાગ ? શેનો ભાગ ? આ અમારી બહેનને તમારી સાથે પરણાવી ત્યારે સોનું-ચાંદી નહોતા આપ્યા?? “ મોટા દીકરાનો અવાજ વધુ ઊંચો થઈ ગયો.

“ઓ..તારી..ની.. એમ? તો તો પછી કોરટે મળવાનો વિચાર લાગેછે નહીં....?? તમે મુને ઓળખતા નથી કે શું??”

થોડીવાર માટે મૌનનું સામ્રાજય છવાઈ ગયું. થોડી બોઝિલ ક્ષણો બાદ મોટીવહુએ મૌન તોડયું , “ભલે..ભલે..ન મામા કરતાં કાણો મામો હારો.. જે કાંઈ મળશે એના ત્રણ ભાગ થશે બસ....”

બસ.....ચંદ્રશેખરભાઈના સ્વપ્નો ચકનાચૂર થઈ રહ્યાં હતાં. આદત મુજબ ખોંખારો ખાવા ગયા પણ અવાજ ગળામાં જ રહી ગયો. ત્યાંતો નાનીવહુએ ટહુકો કર્યો, “ તમે લોકો પણ શું ? કયાંની વાત કયાં પહોંચાડી દીધી. એમાં મૂળ મુદ્દો તો રહી જ ગયો કે, આ બાપુજીનું શું કરવાનું....???”

“ .....હું એમ કે’તી તી કે , બાપુજીનું પી...એફ...કે.. એવું..કંઈ..???”

“બેનબા.. આડું અવળું બીજું કાંઈ છે નહીં ને એમની ફૂં...ફાં....જ મોટી છે. આ તો અમારી ભલમનસાઈ છે કે તેઓ એક ટૂચકી નોકરીમાંથી રિટાયર્ડ થાયછે એમાં અમે આટલો મોટો જલસો રાખ્યો છે. હં..અં..” મોટીવહુ તોછડાઈથી બોલી ગઈ. અને પોતાની પત્નિનો સાથ આપતાં મોટોપુત્ર બોલ્યો, “ પાછાં એમના સિધ્ધાંતો તેમજ સ્વભાવ બન્ને જડ, અને હ્રદય તો પથ્થરનું... બિચારી માં તો જિંદગીભર સહન કરતી રહી પણ અમે શું કામ સહન કરીએ ?? ” ચંદ્રશેખર ભાઈનું કાળજું કંપી ગયું. આંખો સામે અંધારું છવાઈ ગયું . એમનું હ્રદય પળે પળે કપાઈ જતું હતું. “ હવે...શું....??? ” એમનું મગજ જાણે બહેર મારી ગયું પણ મોટા દીકરા-વહુનો અવાજ બારીની થોડી વધુ નજીકથી આવતાં તેઓ વધુ સતર્ક બની ગયા.

“ કહુંછું કે, આ ઘર વેંચીને જે પૈસા મળે એના ત્રણ ભાગ કરીએ તો પછી બાપુજીને પણ ચાર-ચાર મહિના માટે રાખીએ તો કેવું રહે ??? ” ચંદ્રશેખરભાઈનું હ્રદય એક ધબકાર ચૂકી ગયું. એમને લાગ્યું કે, તેઓ હજુ થોડીવાર પણ અહીં ઊભા રહેશે તો આ જમીન સરકી જશે ને તેઓ એમાં સમાઈ જશે. હૈયું કણસી રહ્યું હતું અને ગળે ડૂમો બાઝી ગયો હતો. ડૂમાને ગળે ઉતારવા મહામહેનતે આદત મુજબનો ખોંખારો ખાઈને એમણે લથડતી ચાલે પોતાના રૂમ તરફ ડગ માંડયા.

ભાંગતી રાતે આ ખોંખારાનો અવાજ અંદર બેઠેલા તમામને ચોંકાવી ગયો. “બા..પુ..જી...” બધા દોડીને બારી સુધી આવ્યા. એમની નજર પોતાના રૂમનો ઊંબરો વળોટતાં ચંદ્રશેખરભાઈ પર પડી. સૌ કોઈ અનિમેષ નજરે એમની પીઠને તાકી રહ્યા.

ભારે હૈયે એમણે પોતાના ઓરડામાં પ્રવેશ કર્યો. અંદર નાઈટલેમ્પ ઝબૂકી રહ્યો હતો. એના આછા અજવાસમાં અને ભરેલી આંખે પણ સુકન્યાનું મુખ તેમને વધારે તેજોમય લાગ્યું. એમના હાથ અનાયાસે જોડાઈ ગયા. “ સુકન્યા, તને પણ જો કયારેય એવું લાગ્યું હોય કે, મારા સ્વભાવ, સિધ્ધાંત અને જડવલણને કારણે તને હમેંશા સહન કરવું પડયું છે તો મને માફ કરી દેજે.....માફ કરી દેજે.....મને...”

ચંદ્રશેખરભાઈને એવું લાગ્યું કે સુકન્યા જાણે મરક-મરક મુસ્કુરાઈ રહી છે. “ હાં..હાં..હસી લે..” ફિક્કા હાસ્ય સાથે થૂંકને નીચે ઉતારતાં એમના ગળામાંથી ડૂસકાંનો ધીમો સાદ બહાર પડયો. એમણે ફરી સુકન્યાની અર્ધ ઝૂકેલી આંખોમાં આંખ પરોવવાનો પ્રયત્ન કર્યો. “ સુકન્યા, મેં વિચાર્યું હતું શું ને થવા શું જઈ રહયું છે? ખેર, જેવી એમની મરજી .પણ મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે, તું મારો સાથ નહીં છોડે...કયારેય નહીં... કયારેય પણ ..નહીં....” સોનેરીફ્રેમમાં મઢેલી અને ગુલાબના ખુશ્બુદાર હાર વડે શોભતી સુકન્યાની છબી જાણે હામી ભણી રહી હોય એવું ચંદ્રશેખરભાઈને લાગ્યું. છબીને હૈયા સરસી ચાંપીને તેઓ સુકન્યામય બની ગયા.

*************************************

“ પપ્પા..પપ્પા.., આ વકીલ અંકલ દાદાજીને મળવા આવ્યા છે. દાદાજી ઊઠી ગયા હશે?” આખી રાતનો ઊજાગરો હોવા છતાં દિવાનખંડના સોફા પર બેઠેલા ઘરના તમામ સભ્યો એક આંચકા સાથે સફાળા બેઠા થઈ ગયા.

“ વકીલ...?? કાકા તમે?? આપને વળી બાપુજીનું....”

“ જુઓ દીકરા, મારે તમારા બાપુજીનું કંઈ કામ નથી. એકચ્યુલી એમને મારું કામ છે. વેલ, વાત જાણે એમ છે કે, તમે લોકો અત્યારે જે ઘરમાં રહોછો તે એકચ્યુલી તમારા બાપુજીના સસરાનું છે અને મરતાંપહેલા એમણે વીલ કરેલું કે, એમની વિદાય બાદ આ ઘર એમની દીકરી અને જમાઈને મળે પણ.....”

“ પણ...શું...કાકા...???? ” બધાની અધીરાઈ છૂપી ન રહી શકી.

“પણ...ન કરે ને નારાયણ...એ બન્નેને કાંઈ થઈ જાય તો આ ઘર સેવા ટ્ર્સ્ટના નામે થઈ જશે.”

“તો અમારું શું થાય ??? ”

“વેલ, વીલ અનુસાર તો તમને રસ્તે રઝળવાનો ....”

“એવું તો બને જ નહીં. અમારા નાના અમારા વિષે આવું વિચારે જ નહીં . જરૂર બાપુજીએ જ એમને અમારા......”

“જુઓ દીકરા,” ઊંચા અવાજે તેઓ બોલ્યા, “ તમે જ્યારે આ ઘરમાં આવ્યા ત્યાં સુધી તો વડીલ આ દુનિયા પણ છોડી ચૂકયા હતા.”

“આ ઘરમાં આવ્યા એટલે....??? ”

“ એટલે......ના..ના...કાંઈ નહીં.”

“કાંઈ નહીં એટલે શું ?? તમારે કહેવું જ પડશે....”

“તમને....તમે....અં...વેલ, તમે ...શેખરના પોતના સંતાન નથી. તમને બે ભાઈઓને મંદિરના ઓટલેથી અને આ ગગીને આશ્રમમાંથી આ ઘરમાં લઈ આવ્યો છે મારો દોસ્તાર....”

“..................”

“જો કે આ વાતની તમને કયારેય જાણ ન થાય એની તકેદારી રાખી હતી મારા મિત્રે. પણ... આજે જયારે એ દેવ જેવા માણસ ઉપર તમે આવો આળ ચડાવ્યો એટલે હું મારી જાતને રોકી ન શકયો. ખેર, જ્યારે શેખર તમને આ ઘરમાં લઈ આવ્યો છે એટલે તમે લોકો હંમેશ માટે આ ઘરમાં રહી શકો એ માટે એણે આ નવું વીલ બનાવડાવ્યું છે જે મુજબ આ ઘર તમારા ત્રણેના નામે કરી દીધું છે અને આજના એના રિટાયર્ડમેંટના જલસાના કાર્યક્રમમાં એ તમને આ પેપર્સ સોંપવાનો છે. ચલો જલ્દીથી જલ્દી એની સાઈન કરાવીને હું અહીંથી છૂટ્ટો થાઉં. પછી તમે જાણો ને તમારો બાપ જાણે. મારું તો કદીએ માન્યું જ કયાં છે એણે..ખેર....”

વકીલકાકાની વાત સાંભળીને સૌ કોઈ દિંગ્મૂઢ બની ગયા. અને કાપો તો લોહીએ ન નીકળેની સ્થિતમાં મૂકાઈ ગયા. ગઈકાલની લાંબી વાટાઘાટનો અપરાધભાવ તમામના વદન પર સ્પષ્ટ ડોકાઈ રહયો હતો. ઉપરથી બાપુજી એમની વાત સાંભળી ગયા હતા એનો ખચકાટ એમને ડંખી રહયો હતો. તેમ છતાં હિમ્મત કરીને સૌ કોઈ વકીલકાકાની પાછળ જોતરાયા. ધ્રુજતાં હાથે મોટા દીકરાએ બારણે ટકોરા પાડયા “બા....પુ...જી...બા...પુ...જી....” કરતાંકને બધાએ ધડકતાં હૈયે અંદર પ્રવેશ કર્યો.

પ.......ણ........સામેનું દ્રશ્ય જોતાં જ સૌ કોઈ સ્તબ્ધ બની ગયા. મંદ મંદ મુસ્કુરાતી સુકન્યાની છબીને છાતી સરસી ચાંપીને અર્ધખુલ્લી આખેં ચંદ્રશેખરભાઈનો નિષ્પ્રાણ દેહ ઝૂલી રહ્યો હતો ....

............અને ચો તરફથી જાણે અવાજ ગુંજી રહ્યો.......” બાપુજી રિટાયર્ડ થાયછે............જિંદગીથી..........”

************xxxxxxxxxxxxxx************

આશા આશિષ શાહ

ભુજ-કચ્છ.

૯૧૭૩૨૨૧૨૩૪