Chello Divas Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Chello Divas

“છેલ્લો દિવસ......!!!!!”

આખરે... આજે એ છેલ્લો દિવસ આવી જ ગયો કીર્તિના અસમંજસ ભર્યા અને દોહ્યલા જીવનનો.....વૉડબૉયના પગરવે એણે તકિયા નીચેથી દવાની બૉટલ કાઢી ને પાછી મૂકી દીધી ને પલંગ પર લંબાવ્યું. અને તે સ્વગત બબડ્યો, “હાલો, લેટો નહીંતર પાછું લેકચર ચાલુ કરી દેશે.” હૉસ્પિટલના દવાઓ અને ફિનાઈલની સુવાસથી તરબત્તર વાતાવરણથી ટેવાઈ ગયેલ કીર્તિના વદન ઉપર સ્વ અંગે લેવાયેલા નિર્ણય માટે સંતોષની લાગણી સ્પષ્ટ ડોકાઈ રહી હતી. “બસ, આજે છેલ્લો દિવસ... શ્રીમાન કીર્તિકુમાર....”

પોતાના જીવનના વીતેલા ત્રીસ વર્ષના અનેક વિચાર એના મનોમસ્તિષ્કમાં ઘૂમી રહ્યા હતાં. “આમ પે’લા બન્યું હોત’તો?? આવું હોત જ નહીં તો?? મારી સાથે જ કેમ?? હું આ દુનિયામાં આવ્યો જ ન હોત’તો??”

અંતે... વિચારોની હારમાળાથી કંટાળેલો કીર્તિ ધીરે રહીને બેઠો થયો. એણે તકિયા નીચે રાખેલ ડબ્બીમાંથી ગોળીઓ મોંમાં મૂકી ને પલંગની બાજુના ટેબલ પર રાખેલ ગ્લાસમાંથી પાણી પીધું. અનાયાસે જ એની નજર બારીની બહાર પડી. એ બધું જ ભૂલી ગયો. “અહા!!! શું સુંદર નજારો છે......” કીર્તિનું મન થનગનાટ કરી ઉઠ્યું. એ મીટ માંડી જોવા લાગ્યો.

જાણે મેઘરાજાએ પણ અનરાધાર વરસીને અષાઢીબીજનું શુકન સાચવ્યું હતું. વૃક્ષો પહેલા વરસાદની ઝડીઓથી તૃપ્ત થઈને આછેરા પવનમાં ડોલી રહ્યા હતા. ધરતીમાતાએ પણ જાણે લીલીછમ ચાદર ઓઢીને નવવધુના શણગાર સજ્યા હતા. થોડીવાર પહેલા આવતો મોરલાંઓનો ટેહુક-ટેહુક અવાજ દેડકાઓના ડ્રાઉં-ડ્રાઉં અવાજમાં પરિવર્તિત થઈ ચૂક્યો હતો. ગોરંભાયેલું ગગન ધીરે-ધીરે કાળા વસ્ત્રો બદલીને પૂરબહારમાં ખીલતી સંધ્યાની જેમ લાલીમાં ધારણ કરી રહ્યું હોય એમ ભાસતું હતું. બારીની બહાર વાદળોના સામ્રાજય વચ્ચે મેઘધનુષ્ય અદ્રશ્ય હોવા છતાં કીર્તિનું મન આજે એના જીવનમાં અત્યાર સુધી ઘટેલ સારી-નરસી ઘટનાઓના મેઘધનુષી વિચારોના રંગે રંગાઈ ગયું હતું. દવાની અસરના કારણે એની આંખો ઘેરાવા લાગી. નામરજી છતાં એણે પલંગ ઉપર લંબાવ્યું તે સાથે સંજોગોવસાત લેવાયેલા નિર્ણય પર ફરી એકવાર વિચાર કરતાં-કરતાં એની અર્ધબિડાયેલી આંખો સામે એના માતા-પિતા અને ખ્યાતિના ચહેરા આવતા રહ્યા ને વિલાતા રહ્યા અને એનું મન ભૂતકાળના લેખા-જોખા કરતું ક્યારે અતીતની અસમંજસ ભરી સફરે ઉપડી પડ્યું એની કીર્તિને પોતાને પણ ખબર ન રહી.

***************

“અરે! બેટા, તારી નિશાળના માસ્તર કેતા’તા કે તું તારા વર્ગમાં છોકરીઉંની બાજુમાં બેસવાની જિદ્ કરેછે. ને આખો દી’ એના ભેળો જ ફરે રાખેછે, કેમ પણ....??” માં ની પ્રશ્ર્નસૂચક નજર એને તાકી રહી.

“હં... ઉં.... એવું તો કંઈ નથી મમ્મી....” ખભ્ભા ઉલાળતાં કીર્તિ બોલ્યો.

“નવમાં ધોરણમાં ભણતો દીકરો કોઈ છોકરી તરફ આકર્ષાય તે વાત કાંઈ અજુગતિ તો ન જ કે’વાય ને! સરુ, મને તો લાગેછે કે આપણો કીર્તિ હવે મોટો થઈ રહ્યો છે.” દીકરાની એક્ઝીટ અને સુબોધરાયની એન્ટ્રી થવાની સાથે જ તેઓ વચ્ચે બોલી ઉઠ્યા. તે સાથે એમની આંખોમાં ન સમજાય એવી ચમક આવી ગઈ.”

“હું અહિંયા ચિંતાથી મરી જાઉંછું ને તમે ભાષણ ઝાડવા લાગ્યા. હં... ઉં... કઉંછું...” મીઠો છણકો કરતાં સરિતાબહેન બોલ્યા.

સરિતાને વચ્ચેથી અટકાવતાં સુબોધરાય બોલ્યા, “ઓ.. હો... હવે એમાં કાંઈ કહેવાની જરૂર નથી. કીર્તિ મારો પુત્ર છે મારો. તો પછી એનામાં ગુણ તો મારા જ આવવાના ને વળી. હું પણ નાનપણમાં..... યાદ છે ને..?? આપણે બેઉ જણ પણ એકજ પાટિયા પર બેસતાં’ને હું પણ મારા ભાઈબંધો સાથે ક્મ ને આપની સાથે જ્યાદા દેખાતો કે નહીં માડમજી????”

“પણ... મને તમારી અને તમારા પનોતા પુત્રની વાતમાં જમીન-આસમાનનો ફરક લાગેછે.” સરિતાબહેન હોઠે આવેલા શબ્દો ગળી જતાં સ્વગત બબડયાં, “કયાંક કંઈ ન કરવાનું કરીને ભઈ’સાબ આપણાં ખાનદાનનું નામ બોળી ન નાખે તો સારું”

“ચાલો ત્યારે એક કપ ગરમાગરમ ચાય પીવડાવો એટલે હું જાઊં. આ તમારા માં-દીકરાની લમણાંજીકમાં કયાંક મારી દુકાને તાળાં ન લાગી જાય.” વિચારની ઊંડી ખાઈમાં ધસી રહેલ સરિતાબહેન બેફિકરાઈથી મુક્ત હાસ્ય વેરાવી રહેલ સુબોધરાયને જોઈ રહ્યાં.

માતા-પિતા વચ્ચે થઈ રહેલ વાર્તાલાપને બારણાંની આડશમાંથી સાંભળી રહેલ કીર્તિનું આંતરમન અજબ પ્રકારની વિમાસણ અનુભવી રહ્યું હતું. એના હ્રદયમાં કશુંક ચૂંથાઈ રહ્યું હતું. તેને કંઈક કહેવું હતું, કંઈક પૂછવું હતું... પરંતુ.... પોતાની ઈચ્છા પર પરાણે અંકુશ મૂકી તે ઘરની બહાર ચાલી નીકળ્યો.

******************

“ઓ..હો..!! મેં કહ્યું ને કે મારે લગ્ન નથી કરવા એટલે નથી જ કરવા. અત્યારે પણ નહીં ને કયારેય પણ નહીં. બસ વાત અહીં થઈ ગઈ પૂરી. નાઉ નો આરગ્યુમેંટ્સ. કેન આઈ લીવ???” કીર્તિ ગુસ્સાથી મોં ફૂલાવતાં બોલ્યો.

“હું તને એમ જવા નહીં જ દઉં. આજે તો આ પાર કે પછી પે’લે પાર. તારા પપ્પાએ ખ્યાતિના મરતાં બાપને વચન આપ્યું છે કે, ખ્યાતિના લગ્નની જવાબદારી અમારી છે. તો શું તને અમારા વચનની પણ કદર નથી?? મને કે’જોઉં ખ્યાતિમાં તને શું ખામી દેખાય છે?? વાત ખરેખર છે શું....??? કયાંક તને કોઈ બી....”

સરિતાબહેન આગળ વધુ કાંઈક બોલવા જાય ત્યાંતો સુબોધરાયે એમને અટકાવતાં બોલ્યા, “હવે આપણો કીર્તિ કંઈ નાનો કીકલો થોડી ને છે, પચ્ચીસ વર્ષનો ગભરું જવાન છે જવાન. એને માટે તો વચન-બચન પણ ઠીક છે... એવુંય હોય કદાચ આપણી પસંદ એની પસંદ ન પણ હોય અને કદાચ એ પોતાની પસંદગીની પત્નિ લઈ આવવાનો હોય એના બાપાની જેમ, તો એમાંય નવાઈ નથી કેમ ખરુંને???”

પોતાના પનોતા પુત્રની પીઠ પસવારતાં તેઓ એકીટશે કીર્તિની સામે જોતા બોલ્યા, “જો બેટા, જેમાં તારી ખુશી એમાં જ અમારી ખુશી છે. આ તો અમને એવું લાગ્યું કે, તું ને ખ્યાતિ નાનપણથી જ એક-બીજાને પસંદ કરોછો ને તું અમને કે’તા અચકાશ એટલે અમે આ .....”

“એવું કાંઈ છે જ નહીં. શેટ.. તમને લોકોને સમજાવવાનો કોઈ મતલબ નથી. મારે લગ્ન નથી કરવા નથી કરવા ને નથી.... ગુસ્સાથી બારણું પછાડતો કીર્તિ ઘરની બહાર નીકળી ગયો.

**********************

“મને ખબર હતી કે મારો દીકરો મારી વાત ક્યારે ઉથાપશે નહીં. જોયું??? હું નહોતી કે’તી...” મેજર હાર્ટ એટેકમાંથી માંડમાંડ ઉગરેલા સરિતાબહેન કીર્તિ દ્વારા ખ્યાતિ સાથેના સંબંધ ઉપર મંજૂરીની મહોર લગાવતાં ભાવવિભોર થઈ ગયા હતાં.

પણ... તમામ પરિસ્થિતિને પ્રેકટીકલી લેતાં, જમાનાના ખાધેલ એવા સુબોધરાયની નજરને કંઈક ખૂંચી રહ્યું હતું. તેમણે કીર્તિના વાળને પસવારતાં ધીમે રહીને કહ્યું, “બેટા, મને એવું કેમ લાગે છે કે તારું હૈયું કાંઈક બોલેછે ને હોઠ કાંઈક...એવું ન થાય, કે લાગણીમાં તણાઈને ક્યાંક કોઈને નવજીવન આપવામાં કોઈકનું જીવન જ રોળાઈ જાય!! એટલે મારું માન તો સમય રહેતાં બાજી સુધારી લેજે દીકરા....”

કીર્તિનું મગજ જાણે બહેર મારી ગયું હતું. એનું જીવન બે-માર્ગીય રસ્તા ઉપર આવીને જાણે અટકી ગયું હતું. એક બાજુ હતી એની લાચારી અને બીજી બાજુ... માતાની માંદગી, પિતાની પ્રશ્ર્નસૂચક નજર, ખ્યાતિની બોલતી બે આંખો, ઢોલ-શરણાઈ, રોશનીની ઝાકમઝોળ, સાજન-માજનનો કલશોર અને ‘કીર્તિ સંગ ખ્યાતિ’ની કંકોત્રી.... એટલે એણે આ બધામાંથી સાંગોપાંગ બહાર આવવા અને ખ્યાતિને તમામ હકીકતથી સુપેરે વાકેફ કરવા માટે કીર્તિએ લગ્નની પૂર્વ સંધ્યાએ એકાંતમાં મળવા બોલાવી.

“મ...ને.. મા...ફ.. કરી દે’જે ખ્યાતિ. હું તને દુ:ખી કરવા નથી માંગતો પણ હું તારી સાથે લગ્નના તાંતણે જોડાવા પણ નથી માંગતો. મને ગલત ન સમજજે. હું તારો અનાદર નથી કરતો પણ.... મેં તને હરહમેંશ એક મિત્ર તરીકે જ જોઈ છે. આ તો મારી મમ્મીની માંદગીને કારણે મેં લગ્ન માટે હામી ભરી પણ સત્ય તો એ છે કે હું લગ્ન કરવા માંગતો જ નથી એટલે આપણાં લગ્ન નહીં શકે. આઈ એમ રીયલી ફીલ વેરી સોરી.” કોઈપણ જાતની પૂર્વભૂમિકા બાંધ્યા વગર જ કીર્તિએ સ..ન..ન..ન.. કરતું એક વાક્-બાણ છોડ્યું જે સીધું જ ખ્યાતિના હ્રદય સોંસરવું ઉતરી ગયું.

“એટલે... એટલે.. તું કહેવા શું માંગેછે???” છેલ્લા પંદર વર્ષનો આપણો સુંવાળો સાથ, વારંવારનો તારો એ સ્પર્શ, સાથે ગાળેલ એ સમય, એકબીજાનો સહવાસ ઝંખતા આપણા હ્રદય..... આપણી પસંદ-નાપસંદગીની સામ્યતા.. એને શું.. શું.. કહેવાય??? પ્રેમ જ ને??? તો પછી એ પ્રેમને લગ્નના તાંતણે બાંધવાના સમયે તું આમ પીછેહઠ્ઠ કેવીરીતે કરી શકે? તને મારામાં એવી તે કેવી ખામી દેખાઈ કે......???”

વાક્ય પૂરું કરતાં પહેલાં જ કીર્તિની છાતીએ માથું મૂકીને ખ્યાતિ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. ખ્યાતિની હડપચીએ અંગૂઠો મૂકીને ચહેરાને ઊંચો કરતાં કીર્તિ નિર્લેપ ભાવે એને જોઈ રહ્યો. ક્પાળે લાલ ચાંદલો, આંસુથી છલોછલ અણિયારી આંખો, રડી રડીને રતુંબળુ થઈ ગયેલું નાક, દાંત વડે ભિંસાવાને કારણે લોહીનો ટશિયો ફૂટેલા હોઠ, વાળમાં મહેકતો ગજરો, ગળામાં શોભતું પોતે ગિફ્ટ આપેલું ગણપતિવાળું પૅન્ડંટ અને કટવર્કની ઓઢેલી ઓઢણીની પાછળ માનવમાત્રને ઝંકૃત કરવા મજબૂર કરે એવું તસતસતું જોબન....

પરંતુ કીર્તિના અફર નિર્ણય સામે આ બધાની કાંઈ કિંમત જ નહોતી. રડતાં-રડતાં ખ્યાતિની આંખે અંધારા આવી ગયા. તે બેભાન થઈને કીર્તિના ખભ્ભે ફસડાઈ પડી.

******************

એ વાતને આજે બે વર્ષ વીતી ગયા. પોતાના મનની વાત માનીને સમય રહેતા ખ્યાતિ સાથે સંબંધ વિચ્છેદનું દુ:ખ કીર્તિ તો પચાવી ગયો પણ અગણિત માનતાઓ પછી મોટી ઉંમરે પ્રાપ્ત કરેલ દીકરામાં પોતાનો વિશ્ર્વાસ સંપાદિત ન થવાનું દુ:ખ એક માં પચાવી ન શકી અને કાયમને માટે આંખો મીંચી લીધી. જીવનભર એકબીજાને સાથ આપવાના કૉલ આપનાર સુબોધરાય પત્નિની આક્સ્મિક વિદાયથી ભાંગીપડ્યા અને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ અનંતની વાટે ચાલી નીકળ્યા.

ઉપરા-ઉપરી આવી પડેલ દુ:ખોને કારણે કીર્તિ અંદરથી તૂટી રહ્યો હતો. તેમ છતાં પોતાના દુ:ખોને સુપેરે પચાવવાના પ્રયાસ કરીને તે સામાન્ય જિંદગી જીવવાની કોશિષ પણ કરી રહ્યો હતો. પરંતુ... ખ્યાતિએ પોતાની જાતને એક કોચલામાં સંકેલી લીધી હતી. એક તરફ કીર્તિનો અસ્વીકાર અને બીજી તરફ પોતાની માતા દ્વારા બીજી જગ્યાએ લગ્ન માટેની અધિરાઈ.... એના જીવનમાં હાસ્યનું સ્થાન મૌને છીનવી લીધું હતું. કીર્તિએ એનો અસ્વીકાર કરીને એને જે હીનતાનો અનુભવ કરાવ્યો હતો તેને એ પચાવી જ નહોતી શક્તી.

અને આખરે... એક દિવસ ખ્યાતિએ જ મૌન તોડવાની પહેલ કરી, “કીર્તિ તારા અણઘડ પગલાંથી બે જિંદગી તો પહેલેથી જ હોમાઈ ગઈ છે બાકી બચ્યાં આપણે બે. તારી તો મને ખબર નથી પણ તારી આ બેવફાઈની આગમાં હું તો રોજબરોજ ભડકે બળી રહી છું. લગ્ન માટે મારી મમ્મીનું દબાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પ્લીઝ, કાંઈક તો બોલ!! આજે તો હું તારી પાસેથી સાચી હકીકત જાણીને રહીશ. નહીંતર બાયગોડ, અહિંયા ને અહિંયા મારો જીવ દઈ દઈશ. નાઉ ઓલ ઈન યોર હેન્ડસ.....” ખ્યાતિ ત્રાડ પાડતાં બોલી.

વર્ષોથી હ્રદયમાં સંઘરી રાખેલ હકીકતને કારણે કીર્તિનું હૈયું ફાટફાટ થઈ રહ્યું હતું એમાં ખ્યાતિનું દબાણ ઉમેરાયું. એટલે મનના દ્વાર ખોલીને હૈયું હલકું કરવાના નિર્ધાર સાથે એણે ખ્યાતિની આંખોમાં આંખ પરોવીને કહ્યું, “ખ્યાતિ, આજે હું તને જે કહેવા જઈ રહ્યો છું એ વાત અત્યાર સુધી મારા સુધી જ સીમિત રાખવા હું કામ્યાબ થયો હતો ઈવન મારા મમ્મી-પપ્પાને પણ આ વાતનો મેં કયારેય અણસાર આવવા નહોતો દીધો. મે આઈ રોંગ બટ નાઉ ઈઝ ઈનફ... તો સાંભળ……”

કીર્તિ દ્વારા સત્ય હકીકતનો ઘટસ્ફોટ થયા બાદ થોડીવારતો ખ્યાતિ અપલક નયને એને તાકતી જ રહી. કીર્તિની વરવી સત્યતા પચાવ્યા બાદ એનામાં જ્યારે થોડી સ્વસ્થતાનો સંચાર થયો ત્યારે તે પોતાના હાથ વડે કીર્તિના હાથનું પ્રગાઢ મિલન કરાવતાં બોલી, “આ જ વાત હતી તો પહેલા કહેવું જોઈએ ને. જો આ વાત તેં અંકલ-આંટીની હયાતિમાં કહી હોત તો, એમણે પણ તને જરૂર સપોર્ટ કર્યો હોત. ખેર... આ ૨૧મી સદી ચાલેછે કીર્તિ.. હવે તો બધું જ પોસિબલ છે. હું કાલથી જ આ દિશામાં સર્ચ શરૂ કરીને તારી વિમાસણ સભર જિંદગીને ચોક્કસપણે હળવીફૂલ બનાવવાના પ્રયત્નો કરીશ. પણ તારે મને વચન આપવું પડશે કે હવે પછી તું મારી બધી જ વાત માનીશ.”

“ભલે ચલ આપ્યું વચન. પણ તારે બી મારી વાત માનવી જ પડશે. આ છેલ્લા અઢાર વર્ષમાં તને મારા પ્રત્યે જે લાગણી થઈ હતી એના સમ, તારા મમ્મી તને જ્યાં કે’છે ત્યાં તું રાજી-ખુશીથી પરણી જા અને તારા લગ્નનો તમામ ખર્ચ હું ઉપાડીશ. એમ કરીને હું પણ આ જનમમાં મારા પપ્પાએ તારા પિતાને જે વચન આપ્યું હતું એમાંથી મુક્ત થાઉં. ને રહ્યો સવાલ આપણાં સંબંધનો તો... આપણે સારા મિત્ર હતાં, છીએ ને હમેંશા-હમેંશા માટે રહેશું......” હમેંશ કરતાં અલગ ભાવે કીર્તિને ગાઢ આલિંગન આપતા ખ્યાતિની આંખોમાંથી અશ્રુની ધાર વહેવા લાગી અને એનો સાથ પૂરાવવા જાણે મેહુલિયો અનરાધાર વરસી પડયો.

************************************

ધોધમાર પડી રહેલ વરસાદ, હાથિયો ગાજવાનો અવાજ અને વીજળીના ચમકારાએ કીર્તિની તંદ્રા તોડી અને તે વર્તમાનમાં પાછો ફર્યો. પોતાના હાથે ખ્યાતિનું જીવન રોળાઈ જતાં અટક્યું એનો સંતોષ અને પોતાના માતા-પિતાને પોતાની સાચી હકીકતથી અજાણ રાખવાનો અફસોસ એની આંખોમાંથી આંસુ રૂપે સરવા લાગ્યો.

“ભારે વિમાસણમાં મેં મારી જિંદગીના મહામૂલા ત્રીસ વર્ષ બરબાદ કરી નાખ્યા, પણ જાગ્યા ત્યાંથી સવાર, હવે તો મને આવતીકાલનો જ ઈંતજાર છે. કારણકે આવતીકાલનો સૂર્યોદય મારા માટે નવી આશા, નવા ઉમંગો, નવો જનમ લઈને આવશે. આવતીકાલથી મારી અસમંજસ ભરી જિંદગીનો સુખદ અંત આવવા જઈ રહ્યો છે. ખ્યાતિના ભરપૂર પ્રયાસોને કારણે જ હું ખરા અર્થમાં જે છું તે અસ્તિત્વ પામવા જઈ રહ્યો છું. આવતીકાલથી હું પણ દુનિયા સાથે નજર, તાલ અને કદમ મિલાવીને ચાલી શકીશ. અત્યાર સુધી હું પોતાની જાતને સ્ત્રૈણ સમજીને મિસ્ટર કીર્તિ તરીકે સંકોચનો અનુભવ કરનાર, ‘ટ્રાન્સ સેક્સ્યુઅલ સર્જરી’ દ્વારા કુમારી કીર્તિ બનીને ખરાં અર્થમાં હમેંશા હમેંશાને માટે સ્ત્રીત્વ પામી શકીશ.” પરમ સંતોષની લાગણી અને હળવી મુસ્કુરાહટ સાથે હૉર્મોંસની ટ્રીટમેંટ દ્વારા પરિવર્તિત થઈ રહેલા પોતાના પૌરૂષી શરીરનો જિંદગીમાં પહેલી અને છેલ્લી વાર માર્દવતાથી સ્પર્શ કરતાં કરતાં તેણે આંખો મીંચી એ સાથે જ તે પોતાના આવનારા જીવનના સુખદ સ્વપ્નમાં ગરકાવ થઈ ગયો.

*********************અસ્તુ************************