Lagnino Chantkav Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Lagnino Chantkav

* લાગણીનો છંટકાવ *

‘જુગમાં બે જુગ માંગિયા શા ભમરી,

માંગી લેજો માત ને તાત શા ભમરી;

માતા હોય તો માન વધે શા ભમરી,

માતા-પિતા અમૃતપાન શા ભમરી.’

અડધો-એક કલાક પહેલા આકાશવાણીના ‘નારી વિશ્ર્વ’ કાર્યક્રમ દરમ્યાન વાગતાં લગ્નગીતની આ પંક્તિઓ અપેક્ષાના કાને હજી સુધી અફળાઈ રહી હતી. એનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું. અપેક્ષાના માનસ-પટ પર પડેલા ઊંડા ઘા સાથે એનો ભૂતકાળ એની આંખો સમક્ષ ચલચિત્રની પટ્ટીની માફક પસાર થવા લાગ્યો.

*********************

અ‍પેક્ષા.... એટલે શેઠ દેવચંદ્ર પારેખ અને સંધ્યાદેવીની લાડકી દીકરી. કંઈ કેટલાય શમણાં સજેલા હતા, માતા-પિતાની આંખોમાં પોતાની લાડકવાયી અપેક્ષા માટે. એનો પડ્યો બોલ ઝીલાતો, પાણી માંગે ત્યાં દૂધ હાજર. અત્યંત લાડ-કોડમાં અપેક્ષાનું બાળપણ વીત્યું એટલેજ તો માતા-પિતા વિના પોતાની જાતને પાંગળી માનતી અપેક્ષાનું સમગ્ર વિશ્ર્વ એના પિતા અને ખાસ કરીને એની માતાની આસપાસ જ સમેટાયેલું હતું. તેમ છતાં ભાઈ-બહેન વગર પોતાની જાતને એકલવાયી માનતી અપેક્ષા માટે કરીને એની માતાએ કંઈ કેટલીએ માનતાઓ રાખેલી. પણ બધું જ વ્યર્થ......

આખરે.... અપેક્ષાના બારમાં જન્મદિવસે એને એક નહીં પણ બે બાળકો એની માતાના ગર્ભમાં ઊછરી રહ્યાના સમાચાર મળ્યા ત્યારે તો એના આનંદની કોઈ સીમા જ ન રહી. ઉરે ખુશીઓનો મહાસાગર હિલોળા લેવા લાગ્યો. અપેક્ષા એના માતા-પિતા સાથે ભવિષ્યના સોનેરી સ્વપ્નોમાં ખોવાઈ ગઈ. પરંતુ......... કુદરતને કાંઈ ઓર જ મંજૂર હતું જાણે.....

અધૂરા મહિને જોડિયા પુત્રોને જન્મ આપીને સંધ્યાએ હમેંશને માટે આંખો મીંચી લીધી. બાપ-દીકરી ઉપર તો જાણે આભ જ તૂટી પડયું. અચાનક આવી પડેલ દુ:ખનો આઘાત અપેક્ષાના હ્રદય પર કારમો ઘા પાડી રહ્યો હતો. તેવામાં સગા-સંબંધીઓના દબાણ અને પુત્રોના ઉછેરના યક્ષ પ્રશ્ર્નને હલ કરવા દેવચંદ્ર ત્રણેક મહિનાના ટૂંકા ગાળામાં જ બીજા લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. સાવકી માં ના સમાચારને લઈને આડોશ-પાડોશના લોકોના ગણગણાટે અને પોતાની પ્રિય સખીની સાવકી માં દ્વારા થયેલ બદ્તર હાલતને કારણે અપેક્ષાના મસ્તિષ્કમાં ઝેર ઘૂંટાવા લાગ્યું અને એણે સાવકી માં ના ઘરમાં આવ્યા પહેલાથી જ એના માટે વેરની ગ્રંથી બાંધી લીધી હતી.

**************

જીવનની ગાડીએ ફરી પાછું સુખરૂપ ગબડવાનું શરૂ કરી દીધું હતું. સંધ્યાના અચાનક ચાલ્યા જવાથી દેવચંદ્રના હ્રદયમાં જે ખાલીપો આવી ગયો હતો તે ૨૨ વર્ષીય સ્નેહાળ, મમતામયી અને વાત્સલ્યથી છલોછલ એવી વત્સલાના આવવાથી પુરાવા માંડયો હતો. માસૂમ શિવ અને શૈલ તો મમતામયી હૂંફમાં સામાન્ય બની રહ્યા હતા. પણ..... અપેક્ષાનું વર્તન વત્સલા પ્રત્યે દિવસે ને દિવસે અસામાન્ય બની રહ્યું હતું. રુદિયાના એક ખૂણે સંઘરી રાખેલી સાવકી માં વિષેની કટુતા જ એને વત્સલાનો ‘માં’ તરીકે સ્વીકાર કરવા માટે નકારતી હતી. ડગલે ને પગલે અપેક્ષાનો વ્યવહાર વધુ ને વધુ રૂક્ષ બની રહ્યો હતો. હ્રદયના ખૂણે વવાયેલા નફરતના બીજ, વટવૃક્ષ બનવા તરફ ગતિ કરી રહ્યા હતા.

સમય પાણીના રેલાની માફક સરી રહ્યો હતો. વત્સલાને આવે દસ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો. ત્યાંજ...... ‘અપેક્ષાની કડવાશ અને વત્સલાની લાગણી વચ્ચેની ખાઈ એક દિવસ અવશ્ય પૂરાઈ જશે’ એવી આશમાં ને આશમાં ટૂંકી બિમારી બાદ દેવચંદ્રના શ્ર્વાસ ખૂટી ગયા.

**************

દેવચંદ્રની હયાતિમાં ગોઠવાયેલા અપેક્ષા અને સુકેતુ શ્રોફના સંબંધને લગ્ન તાંતણે બાંધીને વત્સલાએ પોતાની ‘માં’ તરીકેની જવાબદારી સુપેરે અદા કરી. પણ અપેક્ષાના મનમાંથી પોતાના માટેની કડવાશ હાંકી કાઢવામાં એ સદંતર નિષ્ફળ રહી હતી. તેમ છતાં અપેક્ષા અને સુકેતુના સુખરૂપ લગ્નજીવનને નિહાળીને તેના હ્રદયમાં સંતોષ વ્યાપી રહ્યો હતો.

સુકેતુ અને અપેક્ષાનું લગ્નજીવન અપાર પ્રેમના મહાસાગર વચ્ચે હિલોળા લઈ રહ્યું હતું. ઘરમાં કોઈ જ વાતની ખોટ નહોતી. અપેક્ષાની તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ હતી. પ્રેમાળ પતિ અને સ્નેહાળ સાસુ પ્રેમલત્તાબહેનના સુમધુર વ્યવહારે માતાની વિદાયના વર્ષો બાદ પોતે પોતાના મૂળભૂત સ્વભાવે પાછી ફરી રહી હોય એવું અપેક્ષાને લાગી રહ્યું હતું.

“વધામણી પ્રેમલત્તાબેન, વધામણી... તમારી વહુ માં બનવાની છે.” ડૉકટરના આ એક જ વાક્યે અપેક્ષા, સુકેતુ અને પ્રેમલત્તાબહેનની સાથે-સાથે વત્સલા, શિવ અને શૈલના આંતરમનમાં પણ આનંદની લહેર દોડાવી ગઈ. બધું જ સમુંસુતરું પાર ઉતરી રહ્યું હતું અને જ્યારે એમને એ સમાચાર મળ્યા કે, સંધ્યાની જેમ જ અપેક્ષાની કૂખમાં પણ જોડિયા બાળક આકાર લઈ રહ્યા છે ત્યારે તો તમામે તમામની ખુશીની કોઈ સીમાજ ન રહી.

*****************

સમયને પણ જાણે પાંખો ફૂટી હોય તેમ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. આજે અપેક્ષા માટે માતૃત્વનો મોટો પ્રસંગ હતો અને એ હતો એનો શ્રીમંત પ્રસંગ... ગર્ભાવસ્થાના સાત-સાત મહિના સુધી વત્સલાના પડછાયાથી પણ દૂર રહેલી અપેક્ષા, આજના દિવસે એને પોતાના ઘેર આવતી રોકવા પોતાની સાસુની આજીજીને કારણે અસમર્થ હતી.

બધા જ વિધિ વિધાન પૂર્ણ થયા બાદ વારો આવ્યો ઉપસ્થિત તમામ મહિલાવર્ગના આશિર્વાદ લેવાનો. બધાયના આશિર્વાદ અને સલાહ-સૂચનો પછી સૌથી છેલ્લે વત્સલાનો વારો આવ્યો ત્યારે સાત-સાત મહિનાથી ઉરે સંઘરી રાખેલ અસ્ખિલત લાગણીનો વરસાદ અશ્રુ રૂપે વત્સલાની આંખો દ્વારા વરસવા કંઈક ખોટ દેખાઈ અને એણે પાછલા સાત મહિનાનું મનમાં ભરી રાખેલું ઝેર ઓકવા માંડયું….

“....મારી નજરોથી દૂર થઈ જા. હું તારું મોઢુંએ જોવા નથી માંગતી. તારી મેલી નજર મારા બાળકો ઉપર પડવી પણ ન જોઈએ. અને કદાચ તારી મેલી દ્રષ્ટિને કારણે મને કે મારા બાળકોને કંઈ થયું તો એની સંપૂર્ણ જવાબદાર તું જ હોઈશ તું જ કારણકે….. તું તો વાંઝણી છો વાંઝણી......” આટલું બોલીને ગુસ્સામાં ને ગુસ્સામાં પગ ઉપાડીને અપેક્ષા જેવી દાદરો ઉતરવા ગઈ ત્યાંતો....... એનું સમતોલન ખોરવાઈ ગયું અને એ દાદર પરથી સીધી નીચે પટકાઈ ગઈ. અચાનક થઈ ગયેલ હાદસાથી વત્સલા તો કાપો તો લોહી એ ન નીકળે એમ દિગ:મૂઢ બની ગઈ. પ્રેમલતાબહેન અને શિવ-શૈલે તો કાગારોળ મચાવી દીધી પણ સુકેતુએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા અપેક્ષાને ડૉ. સુલોચના ત્રિપાઠીના ‘સ્પંદન નર્સિંગ હોમ’ ખાતે ખસેડી લીધી.

**************

“બાળકો તો સલામત છે અને સિઝેરિયન દ્વારા તેમનો જન્મ પણ કરાવી લેવાશે અને થોડા દિવસ માટે કાંચની પેટીમાં રાખ્યા બાદ એકદમ નોર્મલ પણ થઈ જાશે. પરંતુ.....”

“પરંતુ....... શું…. ડૉ. આન્ટી...”

“પરંતુ દાદર પરથી પડી જવાથી અને માથામાંથી ઘણું બધું લોહી વહી જવાને કારણે અપેક્ષા પોતાની આંખોની રોશની હમેંશા હમેંશાને માટે ગુમાવી ચૂકી છે.....” ડૉ. સુલોચનાના આવા કથન સાંભળીને પ્રેમલત્તાબહેનની આંખોમાંથી અશ્રુ થંભવાનું નામ જ નહોતા લેતા, સુકેતુનું મગજ જાણે બહેર મારી ગયું હતું, શિવ અને શૈલ હિબકે ચડયા હતા અને વત્સલાની છાતી ફાટફાટ થઈ રહી હતી. દીકરીની વેદના અને પોતાની તેના પ્રત્યેની સંવેદના.... તેના ગળે ડૂમો બાઝી ગયો ને અચાનક..... વત્સલા ફસડાઈ પડી.

***********************

ઑપરેશન બાદ આજે પહેલીવાર અપેક્ષાની આંખો પરથી પટ્ટી હટાવાઈ રહી હતી. ઉપસ્થિત તમામના હૈયા તીવ્રગતિથી થડકાર અનુભવી રહ્યા હતા. સંપૂર્ણપણે પાટો હટી જતાં ડૉકટરની સૂચના મુજબ ધીરે રહીને અપેક્ષાએ જેવી આંખો પટપટાવીને ખોલી ત્યાંતો તેની નજર સમક્ષ સોને મઢેલી ફ્રેમમાં વત્સલાનો હસતો-મુસ્કુરાતો ચહેરો નજરે પડયો.

“હે ભગવાન કયા જનમનું વેર વાળી રહી છે આ વાંઝ......????” વાક્ય પૂરૂં થાય એ પહેલા જ ફટાક દેતી’કને એક લપડાક અપેક્ષાના ગાલ પર સુકેતુએ લગાવી દીધી.

*********************************

“ધડામ-ધૂમ” હવાની ઠંડી લહેરખીએ બારીની બાજુમાં રાખેલી ફોટોફ્રેમ જમીન પર પટકી ને તે સાથે રુદ્ર-તપસ્યાનું સમૂહગાન સમાન ઉંવા-ઉંવા શરૂ થઈ ગયું. અવાજને કારણે અપેક્ષાની તંદ્રા તૂટી અને તે વર્તમાનમાં પાછી ફરી. પરંતુ આજે પણ એ લપડાકની અસર પોતાના ગાલ ઉપર અનુભવાતી હોય એમ એનો હાથ અનાયાસે ગાલ પર ફરવા લાગ્યો.

અને.... આજે એ લપડાકના મર્મથી સારી પેઠે વાકેફ હોવાને કારણે અપેક્ષાને એ વાત સુપેરે સમજાઈ રહી હતી કે, કોઈનો પ્રેમ કયારેય ઓછો નથી હોતો માત્રને માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે હોયછે. એટલે જ એને પોતાની જાત ઉપર નફરત થઈ રહી હતી. જિંદગીભર પોતાની નજર સમક્ષ સ્નેહાળ અને પ્રેમના મહાસાગર સમી માતૃત્વથી છલોછલ એવી મમતામયી માતા હોવા છતાં પોતે એવી તો અભાગણી કે, હાથે કરીને માં ના પ્રેમથી વંચિત રહી હતી. સગી માં ને તો કુદરતે છીનવી લીધી પણ સાવકી હોવા છતાં ત્રણે ભાઈ-બહેનોને કોઈ વાતે ઓછું ન આવે તે માટે પોતાના ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઑપરેશન કરાવીને જિંદગીભર માટે વાંઝણી બની રહેવાનું મહેણું સહન કરીને સવાઈ માં બનીને પોતાને નવજીવન આપનાર માતાને હાથે કરીને ગુમાવી દેવાનો રંજ એને અંદરથી કોરી રહ્યો હતો..

હરહમેંશ પોતાની લાગણીના છંટકાવ દ્વારા પોતાના સંતાનોની ગૃહવાટિકા સીંચનાર વત્સલાના ગયા બાદ એને સાચી હકીકતનું ભાન થતાં ભારોભાર વેદના, પશ્ર્યાતાપના બોજ અને ખરડાયેલા ભૂતકાળમાંથી બહાર આવવા માટે અપેક્ષાને વત્સલાની ખૂબ જ યાદ આવવા લાગી. તેનો લાગણી નીતરતો ચહેરો નજર સમક્ષ તરવરવા લાગ્યો એટલે પરોક્ષ રીતે એના પ્રેમનો સાક્ષાત્કાર કરવા અપેક્ષા ઊભી થઈ અને અરીસા સામે મીટ માંડીને જોવા લાગી. કારણકે, આ શરીર તો પોતાનું હતું પરંતુ જે આંખોની દ્રષ્ટિ વડે પોતાની જાતને નીરખવાથી એને જે શાતા મળી રહી હતી તે કરૂણામયી દ્રષ્ટિ તો વત્સલાની હતી ને..... જે અપેક્ષા પર લાગણીનો છંટકાવ કરી રહી હતી.

*********************અસ્તુ*********************