SUJATA books and stories free download online pdf in Gujarati

SUJATA

અસ્પૃશ્યતાને સ્પર્શતી અછૂતી ફિલ્મ

સુજાતા (૧૯૫૯)

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિમલ રૉય મિડાસ ટચ ધરાવતા નિર્માતા-દિગ્દર્શક. એ જે ફિલ્મને સ્પર્શે એ સોનું થઇ જાય. એમણે ત્રેવીસ ફિલ્મોનું નિર્માણ-દિગ્દર્શન કર્યું. એમાંથી કેટલીય ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે ઍવોર્ડ લઇ આવી. સુજાતા ફિલ્મને પણ ઘણા એવોર્ડ મળ્યા. ૧૯૫૯નો નેશનલ ફિલ્મ ઍવોર્ડ મળ્યો. ઓલ ઇંડીયા સટર્ીફિકેટ ઓફ મેરીટ ફોર થર્ડ બેસ્ટ ફિલ્મ ઇન ફિલ્મ ફેસ્ટીવલ. ફિલ્મફેર ઍવોર્ડની વાત કરીએ તો સુજાતા માટે નૂતનને બેસ્ટ એકટ્રેસનો ઍવોર્ડ, બિમલ રોયને બેસ્ટ ડિરેકટરનો અને બેસ્ટ મુવી માટે ઍવોર્ડ મળ્યા. સુબોધ ઘોષને બેસ્ટ સ્ટોરી માટે ઍવોર્ડ મળ્યો.

નિર્માતા : બિમલ રૉય પ્રોડકશન્સ - બિમલ રૉય

કલાકાર : નૂતન-સુનિલ દત્ત-શશીકલા-લલીતા પવાર-તરૂણ બોઝ-સુલોચના-આસીત સેન-પૉલ મહેન્દ્ર અને અન્ય.

સ્ટોરી : સુબોધ ઘોષ

સ્ક્રીન પ્લે : નબેન્દુ ઘોષ

સંવાદ : પૉલ મહેન્દ્ર

ગીત : મજરૂહ સુલ્તાનપુરી

સંગીત : એસ.ડી. બર્મન - આસીસ્ટન્ટ : જયદેવ

ગાયક : (ટાઇટલમાં ક્રેડીટ નથી અપાઇ) તલત મહેમૂદ-આશા ભોસલે-ગીતા દત્ત-મહંમદ રફી-એસ.ડી. બર્મન

ફોટોગ્રાફી : કમલ બોઝ

આર્ટ ડિરેકટર : સુધેન્દુ રૉય

ઍડીટીંગ : અમીત બોઝ

કોરીયોગ્રાફી : સત્યનારાયણ

ડિરેકશન : બિમલ રૉય

આધુનિક વિચારસરણી ધરાવતા સરકારી ઍન્જીનીયર ઉપેન્દ્રનાથ ચૌધરી (તરૂણ બોઝ) અને ચારૂ(સુલોચના) એક નાના શહેરમાં રહે છે. એમની પુત્રી રમાનો આજ પ્રથમ જન્મ દિવસ ઉજવાય છે. મહેમાનોનું આગમન થાય એ પહેલા ગામવાસીઓ ચૌધરી સાહેબ પાસે એક નવજાત બાળકી લાવે છે. ચૌધરીના હાથ નીચે કામ કરતા અસ્પૃશ્ય બુધનની એ પુત્રી છે. બુધન અને એની પત્ની રોગચાળામાં મરી જવાથી પુત્રી અનાથ થઇ ગઇ છે. ગામવાસીઓ ચૌધરીને એ બાળકી સાચવવા કહે છે. ગામમાં બીજા અસ્પૃશ્ય પરિવારો નથી. ચારૂ એ બાળકીની જવાબદારી લે છે અને નોકરાણીને એનો ઉછેર કરવાનું કહે છે. રાત્રે ચારુ હાલરડું ગાય છે : નન્હી કલી સોને ચલી.... ચૌધરી એ બાળકીનું નામ સુજાતા રાખે છે.

એક દિવસ ચૌધરીની આભડછેટમાં સખત માનતી જૂનવાણી ફોઇ(લલિતા પવાર) અને એનો દોહિત્ર અધીર રમાને રમાડવા આવે છે. એની સાથે કર્મકાંડી બ્રાહ્મણ પંડિત ભવાનીશંકર શર્મા છે. ફોઇ ભૂલથી એ સુજાતાને રમા સમજી લે છે. જ્યારે એને જાણ થાય છે કે સુજાતા અસ્પૃશ્ય જાતિની છે એ જાણે વિજળી પડી હોય એમ, સુજાતાને આયાના હાથમાં ફંગોળી દે છે. ચૌધરી ફોઇને સમજાવે છે પણ ફોઇ સમજતી નથી. સુજાતાને લીધે પંડિત શર્મા પણ ઘર છોડી જાય છે. ફોઇ કશુંક અશુભ થવાનો સંકેત આપે છે એટલે ચારૂ સુજાતાને ઘરમાંથી કાઢી નાખવાનું નક્કી કરે છે. એક શરાબી સુજાતાને લેવા આવે છે. ચૌધરી એને સુજાતા નથી સોંપતા.

ચૌધરીને બદલી થતી રહે છે. સુજાતા અને રમા પણ મોટી થતી રહે છે. બન્ને વચ્ચે રીસામણા-મનામણા થતા રહે છે. રમા એના મા-બાપને મા અને પિતાજી તરીકે સંબોધે છે. સુજાતા એમને બાપુ અને અમ્મી તરીકે સંબોધે છે. રમાને ભણાવવા ટ્યુશન રખાય છે. સુજાતાને પણ ભણવું છે, એ જીદ કરે છે. ચારું સુજાતાને અનાથાશ્રમમાં મૂકવાની વાત કરે છે. કારણ કે નાદાન સુજાતા બધી વાતોમાં રમાની બરોબરી કરતી થાય છે. આશ્રમનું નક્કી થાય છે પણ સુજાતા જતી નથી. એ ભણવાનું છોડી દે છે.

ચૌધરીની બદલીઓ થતી રહે છે. એ રીટાયર થાય છે. રમા(શશીકલા) અને સુજાતા (નુતન) પણ જુવાન થાય છે. ચૌધરી અને ચારુ ફોઇને મળવા જાય છે. ફોઇનો પુત્ર અધીર પણ જુવાન થઇ ગયો છે. ફોઇ સુજાતાની વાત કાઢીને કહે છે કે હવે સમાજનો ડર રાખો. એના લીધે રમાના લગ્ન અટકી જશે. રમા પિયાનો પર ગાય છે : બચપન કે દિન ભી.... સુજાતા હમીંગ અને આલાપથી એને સાથ આપે છે.

ઉપેન્દ્ર અને ચારુને રમા અને સુજાતાના લગ્નની ચિંતા થાય છે. રમા તો ભણેલી છે પણ અભણ સુજાતાને કોણ પસંદ કરશે એ પ્રશ્ન મૂઝવે છે. સુજાતા એમની વાતો સાંભળી જાય છે અને પૂછે છે કે ‘‘હું કોણ છું ? લોકો નોકર મહાદેવના હાથની ચા પીએ છે પણ મારા હાથની નહીં, એમ શા માટે ? સુજાતાની જીદથી ચારુને ગુસ્સો આવે છે. એ સુજાતાને જણાવે છે કે એ અછૂત છે અને એમના પર બોજ છે. સુજાતાનું હૃદય તૂટી જાય છે. એ વરસતા વરસાદમાં રાત્રે ઘરેથી આત્મહત્યા કરવા નીકળી પડે છે. રસ્તામાં ગાંધીજીની પ્રતિમા નીચે ઊભી રહે છે. પ્રતિમા નીચે લખ્યું છે : ‘‘મરેં કૈસે ? આત્મહત્યા કરકે ? કભી નહી. આવશ્યક્તા હો તો જીંદા રહેને કે લીએ મરેં-ગાંધીજી’’ આ વાંચી સુજાતા ઘરે પાછી ફરે છે. ચૌધરી સુજાતાને સમજાવે છે.

એક દિવસ ફોઇ અને એનો દોહિત્ર અધીર(સુનીલ દત્ત) ચૌધરીના ઘરે આવે છે. અધીર રમાને મળે છે. એનું કાવ્ય વાંચીને ખુશ થઇ જાય છે. અધીર રમાને સુજાતા બાબત પૂછે છે. અધીરને જાણ થાય છે કે સુજાતા અભણ છે. એ સુજાતાને મળે છે. એ ફરી ફરી સુજાતાને મળવા આવતો રહે છે. એ સુજાતા તરફ લાગણીનો ઝોક બતાવે છે અને સુજાતા આનંદથી છલકાઇ જાય છે.

ચૌધરી સુજાતાના લગ્ન માટે છાપામાં જાહેરાત આપે છે. કોઇ અછૂત કન્યાને સ્વીકારવા તૈયાર નથી થતું. રમાનો જન્મ દિવસ આવે છે. મહેમાનો વચ્ચે સુજાતા એકલી પડી જાય છે. રમાની સખીઓ ગાય છે : તુમ જીઓ હજારોં સાલ... ઉદાસ સુજાતા બગીચામાં જઇ બેસે છે. અધીર ત્યાં આવીને સુજાતાને કહે છે કે એ ઉપેનબાબુની જ પુત્રી છે. એ સુજાતાને સ્પર્શે છે. સુજાતા મ્હોરી ઊઠે છે અને ગાય છે : કાલી ઘટા છાય....

ફોઇ સુજાતા માટે એક બીજવર શોધે છે જે બે બાળકોનો પિતા છે. રમા કૉલેજના નાટકમાં ભાગ લે છે. નાટકનું શિર્ષક છે ‘‘ચાંડાલીકા.’’ ફોઇને લીધે સુજાતા નાટક જોવા નથી જતી. અધીર મોકો જોઇ સુજાતાને મળવા જાય છે. એ સુજાતાને ચાંડાલીકાની વાર્તા કહે છે. ગૌતમ બુદ્ધના શિષ્ય આનંદે અસ્પૃશ્ય ચાંડાલ કન્યા પાસેથી પાણી પીધું હતું. એ ગાંધીજીનો પ્રસંગ પણ કહે છે. આ સાંભળી ઉત્સાહિત સુજાતા અધીરની બાહુમાં સમાઇ જાય છે.

ઉપેન્દ્ર અને ચારૂ સુજાતાના લગ્નની વાતો કરતા હોય છે. તેઓ રમા અને અધીરના લગ્નની પણ વાત કરે છે. સુજાતા સાંભળીને ઉદાસ થઇ જાય છે. રાત્રે અધીરનો ફોન આવે છે. ફોન પર એ ગાય છે : જલતે હૈ જીસ કે લીએ.... સુજાતા એને પ્રેમ-સંબંધ ભૂલી જવા કહે છે. બીજા દિવસે એ અધીરને રમા તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. એ અધીર સાથે વંશ અને જાતિને કારણે લગ્નનો ઇન્કાર કરે છે.

અધીરની નાની એને સુજાતાના એની જ જાતવાળા પૈસાદાર માણસ સાથે થનારા લગ્નની વાત કરે છે. અધીર ખિન્ન થઇ જાય છે. અધીર ફોન કરી સુજાતાને સગાઇ બદલ અભિનંદન આપે છે. પછી પૈસાદારને પરણવા એને ઠુકરાવવા બદલ ગુસ્સો વ્યક્ત કરે છે. કહે છે કે હલકી જાતિ આમ જ કરે. સુજાતા એને જણાવે છે કે લગ્ન બાબત એને કશી ખબર નથી. અધીર નાની પાસે સુજાતા સાથે લગ્નની વાત કરે છે. નાની પર આકાશ તૂટી પડે છે. એ સખત ના પાડે છે. અધીરને ઘર છોડી જવા કહે છે. અધીર ઘર છોડીને જતો હોય છે ત્યારે નાની અટકાવે છે.

સુજાતા અધીરને પત્ર લખીને રમા સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. ફોઇ ચૌધરી દંપતિ પાસે જઇ અધીરની અને બદલાતા જમાનાની વાત કરે છે. પોતાની મીલકત જેવા શેર-સટર્ીફિકેટ એ ઉપેનને સુજાતા માટે આપી કાશીએ જવા ઇચ્છે છે. ફોઇની વાત સાંભળી ચારૂ ગુસ્સે થાય છે. એ સુજાતાને નાગણ કહે છે. ગુસ્સામાં દાદર પરથી ઉતરતાં એ પડી જાય છે. પુષ્કળ બ્લીડીંગ થવાથી એની હાલત ગંભીર થઇ જાય છે. એને બચાવવા લોહીની જરૂર પડે છે. કોઇનું લોહી મેચ નથી થતું, માત્ર સુજાતાનું બ્લડગ્રુપ મેચ થાય છે. સુજાતા રક્તદાન કરી ચારૂને બચાવે છે. ચારૂને ખબર પડે છે કે એની નસોમાં સુજાતાનું રક્ત વહી રહ્યું છે. એ સુજાતાને પુત્રી ગણે છે. સુજાતા એને અમ્મીને બદલે મા કહી ભેટે છે. પોતાની ભૂલ કબૂલ કરે છે.

એ દરમિયાન અધીરનો પત્ર ઉપેનબાબુના હાથમાં આવે છે. એ પત્ર ચારૂને વંચાવે છે. ચારુ અધીર અને સુજાતાના લગ્નને મંજુરી આપે છે. લગ્ન થાય છે. વિદાય વેળાએ ઉપેનબાબુ સુજાતાને કહે છે કે તને આ ઘરમાંથી કાઢવાની ઘણી કોશીષો કરી હતી, પણ આજે તને પ્રસન્નતાથી વિદાય આપું છું.

ગીત-સંગીત : સુજાતામાં મજરૂહના ગીતોને એસ.ડી. બર્મનનું સંગીત સાંપડ્યું છે. ફિલ્મના બધા જ ગીતો કર્ણપ્રિય-લોકપ્રિય હતા.

* નન્હી કલી સોને ચલી હવા ધીરે આના (ગીતા દત્ત) : ગીતા દત્તના મધુર કંઠે ગવાયેલા આ હાલરડાને જલતરંગના સૂરો સજાવે છે. આજની ફિલ્મોમાંથી હાલરડાં વિદાય થઇ ગયા છે.

* બચપન કે દિન ભી ક્યા દિન થે (આશા-ગીતા દત્ત) : ખોવાયેલા શૈશવના સ્મરણોનું આ ગીત છે. આ ગીતમાં ગીતા દત્ત આલાપ અને હમીંગ દ્વારા આશાને સાથ આપે છે.

* તુમ જીઓ હજારોં સાલ, સાલ કે દિન હો પચાસ હજાર (આશા-કોરસ) : જન્મદિનની મુબારકબાદીનું આ ગીત છે. ભારતમાં આ ગીત જન્મદિવસ ઉજવવા માટે જાણે રાષ્ટ્રગીત થઇ ગયું હતું. આજે દિવસ સુધી એની લોકપ્રિયતા ઓસરી નથી.

* કાલી ઘટા છાય મોરા જીયા ગભરાય (આશા) : મેઘદૂતને ઇંગીત કરતું આ ગીત મેઘ છવાય ત્યારે પ્રિયતમના આગમનને આવકારે છે. આ ગીતમાં સીતરા-વાંસળીનો સુંદર સમન્વય છે.

* નૃત્ય સંગીત : કૉલેજના કાર્યક્રમમાં અપાતા નૃત્યનું સંગીત મૃદંગનો ધબકાર ઝીલે છે.

* સુન મેરે બંધુ રે (એસ.ડી.બર્મન) : એસ.ડી. બર્મનનું આ અનોખું ગીત છે. આમ તો એમણે ફિલ્મોમાં જે ગીતો ગાય છે એ ચીલો ચાતરીને ચાલે એવા જ છે. પછી બંદિની હોય કે આરાધના. એમનો સૂર ચલણી સૂરોથી જૂદો જ પડતો રહે છે. એમના સૂરની મીઠાશ કાંઇક ઓર જ છે.

* જલતે હૈ જીસ કે લીએ, તેરી આંખોં કે દિયે (તલત મહમૂદ) : તલતનો વેલ્વેટી સ્વર આ ગીતનો આત્મા છે. એની પંક્તિ છે : દિલ મેં રખ લેના ઇસે હાથોં સે યે છૂટે ન કહીં, ગીત નાજુક હૈ મેરા શીશે સે ભી તૂટે ન કહીં. ફિલ્મોમાં ટેલીફોન પર ગવાયેલું આ પ્રથમ જ ગીત હશે. એ પછી પણ વક્તમાં સુનિલ દત્તે ટેલીફોન પર ગીત ગાયું હતું : મૈં ને દેખા હૈ... અન્ય કોઇ ટેલીફોન ગીતો હોય તો ખ્યાલમાં નથી.

સમય અને રિવાજો : એ સમયે પંચાંગમાં જણાવ્યા પ્રમાણે ચોક્કસ દિવસે ચોક્કસ દિશામાં દિશાશૂળને લીધે પ્રવાસ ન કરાતો. મહેમાન સાથે ગંગાજળ લાવતા. જન્મમાસમાં ચંડિપાઠ કરાવવાથી બાળકનું કલ્યાણ થાય એમ મનાતું. ઘરમાંથી બહાર નીકળતી વખતે ખેસ અને છત્રી સાથે રખાતા. હૃદયની તકલીફ માટે કોરામીનનું ઇન્જેકશન અપાતું. ખાનગી ઘોડાગાડીઓ બગી જેવી રહેતી. લોકો કાપડની ગાર્ડ જેવી ટોપી પહેરતા. શેરીમાં ગૅસના દિવા હતા.

ડિરેકશન અને અન્ય પાસાં : બિમલ રૉયના ડિરેકશનમાં તો પૂછવાનું હોય જ નહીં. સુજાતામાં ઘણું પ્રતિકાત્મક છે. કેટલાક મુખ્ય પાસાં જોઇએ. કોઇ પણ પાત્રની મનોદશા અને એના મનોભાવોના આવેગો વ્યક્ત કરવા બિમલ’દા કુદરતને પ્રતિક બનાવે છે. આનંદ માટે ડોલતા વૃક્ષો અને છોડવાં, ઉદાસીનતા વ્યક્ત કરવા ઠુંઠા વૃક્ષ, મનમાં ઉમટતાં આનંદની લહેરો માટે લહેરાતું જળ વગેરે. ચંદ્રમણીનું ફૂલ એમને ગમતું ફૂલ હોય એમ જણાય છે. મનમાં જીવનનો પ્રકાશ દેખાય એ માટે સ્ટ્રીટ લૅમ્પનો સહારો પણ લેવાયો છે. આમ ગણ્યા ગણાય નહીં એટલા ટચ ફિલ્મમાં છે. વાચકે એ માટે ફિલ્મ જોવી જ રહી. અહીં રક્તદાનની વાત છે. એક વ્યક્તિનું લોહી અન્ય વ્યક્તિમાં ચઢાવાય છે. એ પણ ગળે ઉતરે એવું ફિલ્માવાયું છે. મેડિકલ વ્યક્તિનો સહકાર લેવાયો જ હશે. અમર-અક્બર-ઍન્થની ફિલ્મના રક્તદાનની જેમ આંખ મીચીને ગાડું નથી ચલાવ્યું. મનુષ્ય સ્વભાવની એક સુંદર રમુજ ફિલ્માવાઇ છે. એક બહેરાને કોઇ કશુંક કહેવા જાય છે ત્યારે બહેરો કહે છે કે થોભો જરા ચશ્મા પહેરી લઉં. ગાંધીજીની વાત આવે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં રઘુપતિ રાઘવ રાજારામ ગીતની ધુન લહેરાય છે.

અભિનયમાં તો નુતન મેદાન મારી જ જાય છે. લાગે છે કે નુતને અભિનયમાં ઍવોડરે પ્રાપ્ત કરવા માટે જ જન્મ લીધો હશે. અન્ય પાત્રો વચ્ચે સમય વહેંચાઇ જતાં બધા જાણે પૂરક થઇ જાય છે. આસીત સેન ચાર-પાંચ મિનિટ આવીને સનાતની બ્રાહ્મણની છાપ મૂકી જાય છે. એના સંવાદો પણ ભદ્રંભદ્ર જેવી વાણીમાં લખાયા-બોલાયા છે.

એ સમય ગાંધીજીના વિચારોનો સંક્રાંતિકાળ હતો. ભારતમાં અસ્પૃશ્યતા નિવારણ માટે પ્રયાસો થતા હતા. સુજાતાએ આ પ્રયાસોમાં જાણે પ્રાણ પૂર્યો. વિષય આટલો નાજુક હોવા છતાં પણ ફિલ્મ સફળ રહી.

-કિશોર શાહ kishorshah9999@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED