‘અતરાપી’
ધૃવ ભટ્ટ
બુક રિવ્યુઝ
હિરેન કવાડ
પ્રસ્તાવના
પ્રેમ – મને બહુ મળ્યો છે, છતા હું ભૂખ્યો તરસ્યો જ છું અને પ્રેમમાં તો દરેક વ્યક્તિ તરોતાજા જ હોય ને. આ વખતે થોડુક નવું અને અલગ કરવાનો પ્રયત્ન છે. ખબર નહિં તમને પચશે કે કેમ ?
મોનોટોની સતત ભાંગ્યા જ કરવી એ મારો સ્વભાવ રહ્યો છે. એટલે જ માત્ર લવ સ્ટોરીઝમાંથી બહાર નીકળીને આ એક નવો પ્રયોગ છે. આ રસ્તે થોડાક સમય સુધી મારી સાથે રહેશો તો હું ચોક્કસ પણે માનુ છું તમને મજા આવશે. બટ નેવર માઇન્ડ. તમને કંટાળો આવે તો બિન્દાસ તમે કોઇ વળાંક લઇ લેજો.
તો હવેથી કેટલાક મહિનાઓ સુધી મારી કોઇ વાર્તાઓ નહિં આવે. (અને જ્યારે આવશે ત્યારે તમને મૌજ કરાવી દઇશ. વાર્તાને ખોદી રહ્યો છું. મારી નહિં આવે બટ બીજાના પુસ્તકોની વાત તો અહિં આવશે જ.) તો એ સમય દરમ્યાન હું દર શુક્રવારે હવે બુક રિવ્યુઝ લઇને આવીશ. દર શુક્રવારે એક પુસ્તકને ખોળી ખોળીને એના પર પાગલ અને મૌજીલી ચર્ચાઓ કરીશું. ક્યારેક થોડું ગાંભીર્ય પણ આવી જાય. બટ નો વરી. તમને મજા કરાવીશ. આપણને કંઇક જાણવા તો મળશે જ. રેડી છો ને ? સો લેટ્સ ગેટ સ્ટાર્ટૅડ.
અતરાપી
તેમ કરવુ મને જરૂરી લાગતુ નથી, હું જાણતો નથી, તેવુ હોઇ પણ શકે.
‘આપણે જે હોઇએ તે જ થવા માટે બીજા પાસે કંઇ શીખવું શા માટે પડે તે મને સમજાયું નહીં એટલે પૂછું તો ખરોને ?’
‘દિનભર ભાગતે રહતે હો, ઔર દેખતે નહીં, અંધે હો?’, માળીએ કહ્યુ.
‘કદાચ એવુ પણ હોય.’, સારમેયે કહ્યુ.
‘મેં ભરવાડો અને વણજારાઓની સ્ત્રીઓ જોઇ છે. તમારો વેશ બેઉને મળતો આવે છે. જોકે તમે બાંધ્યુ છે તેવુ કાળું કપડું એ લોકોના માથે નથી હોતું. હું તમારૂ નામ જાણુ તો ખબર પડે કે તમે કેવા છો!’, સરમા બોલી.
‘જેવી છું તેવી છું. તને જે ગમે તે કહેજે ભરવાડ કહીશ તો પણ અને વણજારણ કહીશ તો પણ ચાલશે.’
***
આ પુસ્તક માત્ર મનોરંજન માટે વાંચતા લોકો માટે નથી. આ રીવ્યુ પણ એવી જ રીતે લખાયેલો છે. એટલે જો તમે સસ્તી પ્રેમલા પ્રેમની વાર્તા જેવા મનોરંજન માટે આવ્યા હો તો આગળ ન વધતા. આ પુસ્તક અલગારી રખડપટી અને પોતાની ખોજમાં ફરતા વ્યક્તિઓ માટેનું છે. ફકીરીમાં જીવવા ઇચ્છતા લોકો માટેનું છે.
***
જો શ્રીમદ્ ભગવત ગીતાને વાર્તામાં ઢાળવામાં આવે તો અતરાપી બને. મને આ પૂસ્તકને આ બીબામાં ઢાળવાનું યોગ્ય તો ન લાગ્યુ. પરંતુ આનાથી વધારે બંધ બેસતુ રૂપક પણ મને ના મળ્યુ. આજ સુધી તમે ઘણી વાર્તાઓ વાંચી હશે જેમાં પાત્રો પ્રાણીઓ હોઇ શકે. કદાચ એ બાળવાર્તાઓ હશે. પરંતુ આ પુસ્તકની ઉંચાઈ અલગ છે છતા જમીન પરનું પૂસ્તક છે. કારણકે કૂતરાઓ જમીન પર રહે છે.
હા, આ પૂસ્તકનું મુખ્ય પાત્ર એક શ્વાન છે, સારમેય. પહેલીવારે ઘણાને હસવુ આવી જાય. એક કૂતરૂ મુખ્ય પાત્ર? કૂતરૂ? પરંતુ આ નવલકથા વાંચ્યા પછી મને લાગે છે જે વાત કહી છે એના માટે કૂતરાથી વધારે યોગ્ય પાત્ર કોઇ ના બની શકે. વાર્તા એક કુતરાના જીવનની અલગારી સફરની છે. અને જ્યારે તમે આ પૂસ્તક વાંચી પૂરૂ કરશો ત્યારે એમ કહેશો કે ધ્રુવ ભટ્ટ જ આવુ લખી શકે.
વાર્તાની શરૂઆત બે ગલૂડીયાંના જન્મથી થાય છે. બન્નેના નામ પાડવામાં આવે છે. જરાં મોટૂં દેખાતુ હોય એનું નામ કૌલેયક અને બીજાનું નામ સારમેય. જેમ જેમ ગલૂડીયા મોટા થાય છે એમ એમ એમના જીવનમાં પગથીયાઓ આવતા જાય છે. એમને શિક્ષક ભણાવવા આવે છે. એમને કહેવામાં આવે છે કે શિક્ષક જે શીખવે એ શીખવાનું.
ત્યારે સારમેય બોલે છે, ‘હું તો અહિં રોજ કંઇનું કંઇ શીખું છું.’ વાત શ્વાનને હોંશિયાર શ્વાન બનાવવાની છે. ધ્રુવભટ્ટે ખુબ સરળતાથી શિક્ષણ આપણને કેટલુ ચતુર બનાવી દે છે એ વાત ખબર ન હોય એમ પીરસી દીધી છે. કૌલેયક ભણવામાં ખુબ હોંશીયાર હોય છે સારમેય એક રખડતા કૂતરાની જેમ બેસવાની જગ્યા ફેંદી વળતો, ગાદી ફાડી તોડીને રમતુ કૂતરૂ હોય છે. એક સમય એવો આવે છે કે બધાને એમ થઇ જાય કે આ કૂતરૂ ભણી નહીં શકે. એટલે એને શિક્ષા આપવનું છોડી દેવામાં આવે છે જ્યારે મોટો ભાઇ કૌલેયક ભણે છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. સારમેય ત્યાં સુધી કોઇ વાત નથી માનતો જ્યાં સુધી એને અનૂભવમાં ના ઉતરે. એકવાર જ્યારે માળી સારમેયને કહે છે કે ‘યે પૌધે ભી સૂન સકતે હૈ’
સારમેય મા અને કૌલયેક પાસે જઇને પૂછે છે, તો બન્ને જવાબ આપે છે કે ‘જેમને મોઢું ન હોય તે બોલે કેવી રીતે?’ પણ સારમેયને ગળે ન ઉતર્યુ. એકવાર પૃથા સારમેયને પોતાની પાસે બેસાડે છે. આ વિશે સારમેય પૂછે છે. પૃથા જવાબ આપે છે, ‘માળી કહે છે તે માળીનો અનૂભવ હશે, મને નથી ખબર.’, પાત્રની કેટલી ઉંડી સમજ અને જવાબ આપવાની સહજતા.
પરંતુ સારમેય ટીપેટીપે ભરાઇ રહેલો દરિયો. જે હાલ એકદમ કોરો કાગળ જેવો છે પૂછે છે. ‘અનૂભવ એટલે શું?’, શબ્દને સાંભળવો, શબ્દને સાંભળીને બોલી નાખવો અને શબ્દને સમજવો અલગ વસ્તુ છે. આવા મૂળના પ્રશ્નો પણ આપણને નથી ઉઠતા. ‘અનૂભવ એટલે શું?’ આવા સરળ પ્રશ્નોના ઉતર સરળ નથી હોતા. છતા, પૃથા સરળ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. ‘પોતે જાણવુ, પોતે સમજવુ તેવું કંઇક.’ એકવાર છોડવા બોલે કે નહિં તે જાણવા આખી રાત બેસે છે પરંતુ કંઇ ઘટતુ નથી. એક ક્ષણ એને લાગે છે કે માળી ખોટુ બોલતો હશે. પરંતુ ફરી એને લાગે છે, માળી ખોટુ ના બોલી શકે બીજે દિવસે એ ગલૂડીયુ છોડવાની સામે બેસે છે અને ધ્રુવ ભટ્ટ લખે છે.
‘પછી તો કેટલો સમય ગયો હશે તેનું સારમેયને ભાન ન રહ્યુ. અવાજો શમી ગયા. દીવા પ્રગટ્યા અને બુજાઇ પણ ગયા. પૃથ્વી આદિકાળથી નક્કી થયેલા પોતાના માર્ગે સરકતી રહી. અનાદિકાળથી ધબકતા પરમચચૈતન્યે અનુભવ્યુ કે, આ અસીમ બ્રહ્માંડના એક ખૂણે એક નાનકડું ગલૂડિયું પોતાના સ્વભાવ વિરૂધ્ધ, એક ધ્યાન થઇ, પાષાણવત સ્થિર બેઠું છે.
વાતાવરણમાં ઠંડી વધી. પરોઢની નીરવ શાંતિમાં અચાનક ક્યાંકથી કોઇક અજાણ્યો, સુક્ષ્મ સ્પંદન સમો, અશ્રાવ્ય સ્વર આવતો તેણે અનુભવ્યો. તે સ્વરને કોઇ દિશા કે ભાષા ન હતાં. છતા પણ સારમેયને લાગ્યુ કે કોઇક તેની સાથે વાત કરવા માગે છે. ક્યાંક સુધી તે પેલા સ્વરને સાંભળતો રહ્યો. પૂર્વમાં ઉજાશ પથરાયો. મુરજાયેલા હતાં તે બધા જ છોડવાઓ ફરી તાજા થઇને મહોરી ઉઠ્યા હતા.
તે છોડવાઓ પાસે ગયો. તેમને વહાલ કરતો હોય તેમ ગળૂં લંબાવીને અડ્યો. ભાગ્યે જ હલાવતો તે પોતાની નાનકડી પૂંછડી હલાવી.’
***
પૂસ્તક સારમેયના સફરનું છે. એકવાર પોતાના ઘરની બહાર નીકળીને રસ્તા પર ચડી જાય છે. એમ પણ એને એ દિવાલનું બંધન વધારે ફાવે એમ નહોતુ. દિવાલની અંદર એ જાતવાન કૂતરો કહેવાતો અને દિવાલની બહાર રખડૂ. જ્યારે દિવાલની બહાર આવે છે ત્યારે એને ખબર પડે છે કે દરેક કૂતરાને પોતાનો ઇલાકો હોય છે. સારમેયને તો એ પણ ખબર નથી હોતી કે એનો ઇલાકો ક્યો છે. એ જવાબ આપે છે. ‘મારે કોઇ ઇલાકો નથી. એટલે હું જ્યાં જવા છું ત્યાં જ રહુ છું એટલે એ જ મારો ઇલાકો.’
જે જે વ્યક્તિએ સારમેયને અહેતુ મુક્તિ આપી છે એને સારમેય ઔપચારિકે આભાર વિના મૃદૂ સ્વરે કહે છે. એક સ્ત્રી સારમેયના ગળે બાંધેલો પટ્ટો ઢીલો કરે છે ત્યારે તે કહે છે ‘તમે મારો પટ્ટો ઢીલો કર્યો છે. તે હું હંમેશા યાદ રાખીશ. ભૂલી નહિં જાઉં.’ ઘરનો રસ્તો ભૂલેલો સારમેય કાળા નામના કૂતરાને મળે છે. એ એને નદિ પાર કરીને એક જગ્યાએ લઇ જાય છે. એ ઘરે એન નાની છોકરી હોય છે એનું નામ હોય છે શકુ. પરંતુ એ પહેલા સારમેયની હોડીમાં બેઠેલા એક શિક્ષક સાથે ચર્ચા થાય છે.
‘એ બરાબર, પણ તારા કે કોઇના પણ શિક્ષકને કેટલીક બાબતોની જાણ ન હોય તેવુ ન બને?’ ફરી જવાબમાં ત્રણમાંનો એક જવાબ. ‘કદાચ એમ પણ હોય’, થોડીવાર મૌન રહીને સારમેય મૂળનો પ્રશ્ન પૂછે છે. ‘જાણ એટલે શું?’, ઉગતુ કૂતરૂ આવો પ્રશ્ન પૂછે એટલે હોડીમાંના બધા આશ્ચર્યમાં પડે છે. પરંતુ બુઢો નાવીક બોલે છે. ‘જાણ એટલે જાણ. જો આ નદીનું નામ જીવનધારા છે તે હું જાણું છું. તે જન્મગિરિ નામના પહાડમાંથી નીકળે છે તે હું જાણું છું. તે અનાદિકાળથી વહી રહી છે તે પણ હું જાણું છું. હા તે ક્યાં જાય છે અને હજી કેટલો સમય વહેવાની છે તે હું નથી જાણતો.’ અને પછી સારમેય જે બોલે છે એ સહજ અને સરળ જેનામાં કોઇ જ્ઞાન છે એનાથી અજાણ વ્યક્તિ હોય એ જ બોલી શકે.
સારમેય કહે છે ‘એટલે જાણ્યા પછી પણ કંઇક જાણવું તો બાકી જ રહેતુ હોય છે. કેવુ મજાનું!’, નાવિક છોભીલો પડી જાય એટલુ હસ્યો.
એકતરફ રસ્તે નીકળી પડેલો સારમેય ને બીજી તરફ કૌલયેક એક ગૂરૂના આશ્રમમાં જઇને જ્ઞાનની શિક્ષા લેય છે. જ્ઞાન માણસને કેટલો ભાર આપે છે એ કૌલયેકમાં જોઇ શકાય છે. પૂસ્તકના દરેક પ્રસંગ લખી નાખુ એમ થાય છે પણ મારેય બંધન છે શબ્દોનું.
શકુ અને સારમેયની સારી મિત્રતા થઇ જાય છે. એ એને ગીતાના શ્લોક સંભળાવતી હોય છે. સારમેય પૂછે છે, ‘સવાલ વાળો શ્લોક યાદ રાખવાની શીં જરૂર હોય છે?’ એ દરમ્યાન જ એ જ ગામમાં એકવાર કથા બેસે છે અને શકુ એને કથા સંભળાવવા લઇ જાય છે. અને કથામાં કૂતરાને જોઇને ગામમાં વાત વાયુવેગે પ્રસરે છે. ગીતા વાળો જ પ્રશ્ન સારમેય કથાકારને પૂછે છે. મહારાજ જવાબ આપે છે. ‘તુ આંમાંથી કંઇ પણ નહિં કરે તો પણ ચાલશે.’ ગામના લોકો સારમેયને જોવા ઉમટી પડે છે. એમને કૂતરાનું સામૈયુ કાઢવુ હોય છે ત્યારે કોઇ પૂછે છે કે આ કૂતરૂ કોનું? ત્યારે શકુના મા-બાપ જવાબ આપે છે કે અમારૂ. ત્યારે સારમેયનું નામ શકુએ સ્વામિ પાડ્યુ હોય છે.
અંતરની યાત્રાએ નીકળેલો સારમેય કહે છે, ‘તમે ગામના માણસોને એવુ કહ્યુ કે હું તમારો કૂતરો છું. તો તમે મને એ કહો કે મારા ક્યા વર્તનથી કે વાતથી તમને એવુ માનવાનું મન થયુ કે હું તમારો કૂતરો છું.’
‘લે વળી, અમે તને પાળ્યો છે, તને રોટલા નીર્યા છે. તુ અમારા ઘરે રહે છે અમારો કૂતરો જ છે તું,’
‘એવુ તમે બે જણા માનો છો. એ નિર્ણય પણ તમારા બેનો જ છે. શકુ તું શું માને છે?’, સ્વામીએ પૂછ્યુ. શકુ ક્ષણભર મૌન રહી. પછી સ્પષ્ટ ઉતર આપતા બોલી, ‘તુ અત્યારે અહીં છે તેથી વધું કશું જ નહીં. કોઇના બનવુ કે કોઇના હોવુ તો જીવના પોતાના નિર્ણયથી જ હોય છે બીજાના નિર્ણયથી નહીં.’ સ્વામિ આગળ કંઇ ના બોલ્યો એ શાંત થઇ ગયો. એને હવે લાગ્યુ કે એને હવે અહિં ના રહેવુ જોઇએ. વહેલી સવારે શકુ સ્વામિ પાસે જાય છે. તેની ગરદન પર હાથ ફેરવે છે અને ધીરેથી ગળાનો પટ્ટો ઉતારી લે છે. સ્વામિ શકુ સામે જોઇ રહે છે. થોડી વારે શકુ પટ્ટો લઇને ચાલી ગઇ.
‘શકુ, તે મને પટ્ટાથી મુક્ત કર્યો છે. તે હું હંમેશાં યાદ રાખીશ. ભૂલી નહીં જઉં.’, સારમેય બોલે છે. સવારે સામૈયા માટે હાજર થવાનું કહેણ આવ્યુ ત્યારે આખુ ખેતર સ્વામિને શોધતું હતું. માત્ર શકુ આંબા તળે ખાટલા પર શાંત બેસીને ક્ષિતિજ તરફ જોઇ રહી હતી. (ક્યા બાત હૈ !)
***
સારમેય મોટો થતો જાય છે એક એનુ વર્તન શાંત બનતુ જાય છે એ વાર્તામાં અનૂભવી શકાય છે. એ ઘરે જાય છે માંને મળે છે. એને કોઇ જીવન વ્યવહારની પરવાહ નથી. એને શિક્ષણ નથી લેવુ. ફરી એ નીકળી પડે છે. આ વખતે એ નાવમાં મળેલા પૂજારી પાસે પહોંચે છે. પૂજારી એને ત્યાંજ રોકાઇ જવાનું રખેવાળી કરવાનું કહે છે. પરંતુ સારમેય કહે છે. ‘હું રખેવાળી કરીશ નહીં, એ આપોઆપ થશે તો ઠીક. અને મારે જ્યારે જવુ હશે ત્યારે ચાલ્યો જઇશ.’. સારમેય ક્યાંય બંધાવા નથી માંગતો. ત્યાંજ એની મુલાકાત સરમા નામની કૂતરી સાથે થાય છે. એ મામદૂને ત્યાં રહેતી હોય છે જે ઘેંટા સાચવતો હોય છે અને સરમા એને મદદ કરતી હોય છે. સારમેય મામદૂને ત્યાં જાય અને મામદૂ સરમાને કહે છે, ‘દેખ સરમા તુજે સાથી મિલ ગયા.’
ત્યારે પહેલીવાર જોઇ રહેલા સારમેયને સરમા કહે છે, ‘આવ્યો જ છે તો ઉભો ના રહે, પેલી તરફ ઘેંટાને કેડી પર વાળ.’, કેવુ અદભૂત. જાણે બન્ને એકબીજાને વર્ષોથી ઓળખતા હોય. કોઇ આવરણો નહિં. નક્કર સહજતા. પ્રેમ શબ્દ આની સામે પાંગળો થઇ જાય.
સરમા અને સારમેય શહેર તરફ નીકળી પડે છે ત્યારે સરમા ત્રણ ગલૂડીયાને જન્મ આપે છે. એ લોકો એક ગુફામાં રોકાઇ જાય છે. એકવાર સરમા કોઇ સંદર્ભમાં કહે છે કે ‘આપણે દયાવાન છીએ.’ ત્યારે સારમેય જે વાત કહે છે તે અદભૂત છે.
‘જે ક્ષણે જીવ કશાકવાન બને તે પળે જ તે બંધનને પણ સ્વીકારે છે. મુક્તિ તો ત્યારે જ શક્ય છે જ્યારે તમે માત્ર હો, કશાવાન ન હ હો. સરમા, એક વાત સમજી લે, મુક્તિ માટે માત્ર હોવુ જરૂરી છે. તું હાથે કરીને કશાકવાન બનીને તારૂ હોવું જ ગુમાવવા ઇચ્છે તો મને વાંધો નથી. સરમા, તુ જાણે છે આ રીતે દયાવાન કે ક્રુર હોવામાં કોઇ ફરક નથી.’
હવે માત્ર સારમેયના અને બીજા પાત્રોનાં અમુક સંવાદો માત્ર લખી દવ છું. કારણ કે પ્રસંગો વધારે છે અને શબ્દો ઓછા. કદાચ તમને આ સંવાદો સમજાઇ જાય. અને ન પણ સમજાય.
‘પ્રાયશ્ચિત કરવું મને જરૂરી લાગતુ નથી.’
‘કંઇ પણ કરવું સારૂં છે કે ખરાબ તે હું નથી જાણતો. સરમા, મને ક્યારેય, કોઇ દિવસ હું સાચું કરૂ છું કે ખોટું તેવો વિચાર નથી આવ્યો.’
‘ઝાડવાં કોઇ ભાષા જાણતા હશે તેવું તમને લાગે છે? એમને બોલયેલી ભાષા સાથે કંઇ લેવા દેવા નથી. હું આજ સુધીમાં જે સમજ્યો છું તે પરથી મને લાગે છે કે તમારો વિચાર ભાષા કે બોલી રૂપે પ્રગટે તેના પહેલા તે તેના ઉદગમ પ્રદેશમાંથી વહીને સીધો જ પ્રકૃતિને પહોંચી જતો હોય છે.’
‘પરસ્પરને સાંભળવાનો આનંદ પ્રાપ્ત થાઓ એવી તમને શુભેચ્છા.’
‘તમે પ્રયત્ન કરેલો, તે બચ્યો નહીં તેનો અફસોસ ન કરો.’ પછી વધુ સ્પષ્ટ રીતે શબ્દો છૂટા પાડીને દ્રઢતાપૂર્વક કહ્યુ. ‘સપનામાં વળી બચવુ શું ને મરવું શું!’
‘મળ્યા તો હશું કોક ફેરે. ઓળખાણ પણ હશે. તે વગર તો તુ અહીં આવી ન હોય.’
‘કોણ ક્યાંથી આવ્યુ છે તે કોણ જાણે છે !’
‘ક્યારની શોધું છું તને. કેટલા વખતથી તેં કોઇની ખબર પણ ન લીધી !’
‘કેમ? બધાને પોતપોતાની ખબર નથી હોતી?’
‘તું અહીં રહે તો તને બધી ખબર પડવા માંડશે. તારે સાધના કરવી હોય તો હું તને શીખવીશ પણ ખરો.’
‘મને એ જરૂરી નથી લાગતુ.’
‘મને સારમેય કહે છે. તું કોણ છે?’
‘મારા ઘણા નામ છે. સાચું નામ અજન્મ્ય.’ (યાદ રાખજો. હું સારમેય નહીં. પણ મને સારમેય કહે છે એમ લખ્યુ છે. સાક્ષીભાવ)
‘ઘણા અવાજોમાંથી જે સાંભળવા જે યોગ્ય લાગ્યુ તે મેં સાંભળ્યુ છે, હું હંમેશા જે કહેવા ઇચ્છતો હતો તે જ બોલ્યો છું, દ્રષ્ટિ સામે આવેલુ તમામ મેં ધ્યાનપૂર્વક જોયું છે અને અંતે મેં જાણ્યુ કે હું જાણતો નથી.’
‘પ્રકાશ કરવો પડે, અંધકાર કરવો પડતો નથી. તે તો હોય જ છે.’
‘જે વિશે હું જાણતો ન હોઉં કે સાશંક હોઉં તે વિશે કશું બોલવું હું યોગ્ય ગણતો નથી. જ્ઞાન એવ બંધનમ્’
‘તે વખતે શકુએ મને કહેલુ, મારે સ્વામિને જવા દેવો નહોતો પણ મને એવુ લાગ્યુ કે તેણે બંધનના ભયથી મુક્ત થવાનું બાકી છે એટલે મેં રોક્યો નહિં’
‘સારમેય પટ્ટા વગર રહેવા માટે પટ્ટો ત્યાગવો જરૂરી નથી. ન કર્મ લીપ્યતે.’
***
સારમેય જ્યારે પોતાની અંતિમ અવસ્થામાં હોય છે. ત્યારે તેનો ભાઇ કૌલયેક તેની પાસે આવે છે અને કહે છે. ‘તો આજે તો ચાલ. દૂર પહાડોમાં આ પ્રદૂષણથી દૂર, પ્રકૃતિના ખોળે મારો નવો આશ્રમ બને છે, ત્યાં રહેજે. દ્રશ્યજગતનાં રહસ્યો પારનું જ્ઞાન આપતી વાતો સાંભળજે. મારી પાસે મહાન ગૂરૂઓનાં પ્રવચનોનો સંગ્રહ છે, તું નિરાંતે એ સાંભળી શકીશ. હવે છેલ્લા દિવસોમાં તો આત્મોદ્ધાર માટે તું કંઇક કરે તો સારૂ.’
સારમેય એ જ જવાબ આપે છે. ‘એમ કરવું મને જરૂરી લાગતુ નથી.’
***
જો તમારે ખરેખર અંદરની યાત્રા કરવી હોય અને એમાં મદદ જોઇતી હોય તો આ પૂસ્તક અચુક વાંચવા જેવુ છે. જે જે સંવાદો ઉપર લખ્યા છે એની પાછળ મંત્રમુગ્ધ કરી દેતી વાર્તાઓ છે. પાત્રો છે. મેં કેટલાંય અદભૂત પાત્રોની ચર્ચા જ નથી કરી. હું નથી ચાહતો કે તમે આ પૂસ્તકનો રસ ગુમાવો. પરંતુ એક પાત્રનું નામ આપીશ. દોસ્તાર કરીને એક પાત્ર છે એની અને સારમેય વચ્ચે સપનાની રમત ચાલે છે. આ જીવન શું હોઇ શકે એ અદભૂત રીતે કહેવાયુ છે. આ પૂસ્તક વિશે જેટલુ કહીશ એટલુ ઓછું. વધારે લખવુ મને જરૂરી લાગતુ નથી.
પરંતુ આ પૂસ્તક જીવનમાં એકવાર વાંચવાનું ચુકતા નહીં. આ પૂસ્તક જીવંત છે અને જીવંત કરી દેતુ પૂસ્તક છે. ધ્રુવ ભટ્ટ લિખીત પૂસ્તક અને Wbg Publications દ્વારા પ્રકાશિત આ પૂસ્તક ‘અતરાપી’ ૧૫૯ પેજીસનું પૂસ્તક છે અને તેની કિંમત ૧૩૦ રૂપિયા છે. પૂસ્તક ઓનલાઇન અને કોઇ પણ બુક સ્ટોર પર પણ મળી શકશે. એકવાર અચુક વાંચજો. પરંતુ રીવ્યુ પૂરો કરૂ એ પહેલા મારે પૂસ્તકનો એક છેલ્લો સંવાદ લખવો છે. આવતા શુક્રવારે ફરી મળીશું કોઇ નવા પુસ્તક સાથે પરંતુ એ પહેલા આ છેલ્લો અંશ વાંચતા જાવ.
***
‘બધાંનું પુણ્ય ભરપાઇ થવા સાથે જ તમારે ફરી જન્મ લેવો જ પડશે.’, અદ્રશ્ય દેવાત્માએ કૌલેયકને કહ્યુ. કોઇ સાધનામાં ખામી રહી હશે કે કેમ તેણે વિચાર્યુ. કોઇ ભૂલ ન જડી છતા તેણે મૌન સેવી ફૈસલો સ્વિકારી લીધો.
‘મને થોડી પળો નર્કમાં જવા મળશે?’
‘પૂણ્ય કમાયેલા કોઇ જીવ નર્કમાં જવાની ઇચ્છા નથી કરતા હોતા. તમને આવી ઇચ્છા કેમ થઇ’. અદ્રશ્ય દેવાત્માએ પૂછ્યું.
‘પૃથ્વી પર મારો એક નાનો ભાઈ હતો. સારમેય, એણે કોઇ પુણ્ય કર્યુ નહોતું. કદાચ હવે એ નર્કમાં હોય તો મારે તેને મળવુ છે.’
‘નર્કમાં જવાની રજા તો તમને ન મળે. પરંતુ તમે જેને મળવા માંગો છો તે તમને ત્યાં નહીં મળે, તે નર્કમાં નથી. હકીકતમાં તો તે ક્યાંય પણ નથી.’, અદ્રશ્ય દેવાત્માના શબ્દો સંભળાયા પછી ચારે તરફ શુન્યતા વ્યાપી.
લેખક વિશે
હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.
Social Media
Facebook.com/meHirenKavad
Facebook.com/iHirenKavad
Instagram.com/HirenKavad
Mobile and Email
8000501652
HirenKavad@ymail.com