MUSAFIR Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

MUSAFIR

જીંદગીના રસ્તે મુસાફર કોણ ? મુસાફિર (૧૯૫૭) -કિશોર શાહઃસંગોઇ

ઋષિકેશ મુખરજીની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મમાં એમણે નવો પ્રયોગ કર્યો હતો. આ ફિલ્મમાં ત્રણ અલગ અલગ કુટુંબોની કથા-વ્યથા સુંદર રીતે સંકળાઇ છે. પ્રથમ ફિલ્મથી જ ઋષિકેશ મુખરજી આવ્યા એવા પરખાયા. ફોર્મ્યુલા ફિલ્મોના જમાનામાં એમણે મુસાફિર જેવી પ્રાયોગીક ફિલ્મ બનાવવાનું સાહસ કર્યુ. એમણે હમેશ સંસ્કારી અને સુંદર ફિલ્મો આપી છે. આજે પણ ફિલ્મ જગતમાં એમનું નામ આદરથી લેવાય છે.

નિર્માતા-દિગ્દર્શક : ઋષિકેશ મુખરજી

કલાકાર : સુચિત્રા સેન-શેખર-બિપિન ગુપ્તા-દુર્ગા ખોટે / નઝીર હુસેન-કિશોર કુમાર-નિરૂપા રૉય-કેસ્ટો મુખર્જી-હીરા સાવંત/દિલીપ કુમાર-ઉષા કિરણ-પૉલ મહેન્દ્ર-ડેઇઝી ઇરાની/ ડેવીડ-રાજ લક્ષ્મી-રશીદ ખાન-મોહન ચોટી-બેબી નાઝ

કથા : ઋષિકેશ મુખરજી

પટકથા : ઋત્વિક ઘટક-ઋષિકેશ મુખરજી

સંવાદ : રાજેન્દ્ર સીંઘ બેદી

ગીત : શૈલેન્દ્ર

સંગીત : સલીલ ચૌધરી

ગાયક : લતા-શ્યામલ મિત્ર-કિશોર કુમાર-શમશાદ બેગમ-મન્ના ડે-દિલીપ કુમાર !

કથા : મહાનગરનું એક મકાન કેટલાયે કુટુંબોના સુખ-દુઃખનું સાક્ષી છે. આ મકાનના માલિક મહાદેવ ચૌધરી (ડેવીડ) છે. કંજૂસ અને કુશળ ચૌધરી સાહેબની જીભ પર મકાનના વખાણ વસ્યા છે. તેઓ મકાન ભાડે આપે છે. મકાન પર ‘‘ટુ લેટ’’નું પાટિયું લટકે છે. એક દિવસ અજય (શેખર) આ મકાન ભાડે લે છે. ચૌધરી ‘‘ટુ લેટ’’નું પાટિયું ઊંધું કરી દે છે. બીજા દિવસે અજય શકુંતલા (સુચિત્રા સેન)ને લઇ આવે છે. શકુંતલા મા-બાપ વિનાની કન્યા છે. એ કાકાને ત્યાં ઉછરી છે. શકુંતલાના કોઇ વૃદ્ધ સાથે લગ્ન લેવાતા હતા ત્યાં જ લગ્નને દિવસે જ અજય એને ભગાડીને આ મકાનમાં લાવે છે. શકુંતલાને કાકા પીછો કરશે તેનો ડર સતત રહ્યા કરે છે. અહીં અભયને પિતાનો ડર છે. એના પિતાનો સ્વભાવ ભયંકર ગુસ્સાવાળો છે. અભય શકુંતલાને સાંત્વન આપે છે : હર માં કે દિલ કે કોને મેં એક બહુ હોતી હૈ ઓર મેરી માં કે મન કી બહુ તુમ હો. મા-બાપ વિહોણી શકુંતલા સાસુ-સસરાના રૂપે મા-બાપનો પ્રેમ ઝંખે છે. આ મકાનની આસપાસ રાત્રે કોઇ વાયોલીન વગાડે છે. સવારે તપાસ કરતાં ખબર પડે છે કે કોઇ ધૂની પાગલ માણસ વાયોલીન વગાડે છે. પ્રેમથી બધા એને રાજા બાબુ કહેતા હોય છે.

બીજા દિવસે અજય લગ્ન કરવા પંડિતને બોલાવવા જાય છે. ત્યારે એક પડોશણ (રાજ લક્ષ્મી)એની દિકરી (બેબી નાઝ) સાથે આવે છે. પડોશણ બેમોઢાળી હોવા ઉપરાંત પંચાતીયાણી અને ખણખોદ કરનારી પણ છે. વાતવાતમાં એ જાણી જાય છે કે આ દંપત્તિ ભાગેડુ છે. એ જાય છે ત્યારે અજય પંડિતને લઇ આવે છે. અજય અને શકુંતલા ઘડિયા લગ્ન કરે છે. હવે શરૂ થાય છે અજયનો ઘરસંસાર. ઘર સાફ કરતાં શકુંતલાને એક મેગેઝીન મળે છે. એનું શિર્ષક છે ‘‘ચુન્નુ-મુન્નુ’’. શકુંતલાને માતા બનવાનું સપનું જાગે છે. અજયે પિતાને પત્ર લખ્યો છે પણ જવાબ નથી આવ્યો. બન્નેને એ બાબતની સતત ચિંતા રહ્યા કરે છે કે વડિલો એમને સ્વીકારશે કે નહીં ? શકુંતલા આકળ-વિકળ થઇ ગુસ્સે પણ થાય છે. અજય એને મનાવી લે છે.

શુક્રવારે સવારે અજય ઘરવખરી લેવા બજારમાં જાય છે ત્યારે શકુંતલાને કહેતો જાય છે કે આજે મકાન માલિક આવશે એમને બેસાડજે. શુક્રવારે વાયદા પ્રમાણે મકાન માલિક મહાદેવ ભાડું લેવા આવે છે. મકાનના દરવાજે એને મોટી કારમાં આવેલા નિલાંબર શર્મા અને એની પત્નીનો ભેટો થાય છે. બન્ને કૉલેજના મિત્રો હોય છે. ગુસ્સાથી છલકાતા નિલાંબર શર્મા અજયના પિતા છે. અજય એમનો એકનો એક પુત્ર છે. તેઓ અજયને ફારકતી આપવા આવ્યા છે. તેઓ મકાનના કમ્પાઉન્ડમાં પ્રવેશે છે ત્યારે શકુંતલા ભજન ગાતી હોય છે. સંગીત રસીયા નિલાંબરનો અડધો ગુસ્સો ભજન સાંભળી ઓગળી જાય છે. શકુંતલા એમને મકાન માલિક સમજીને આવકારે છે. એમની આગતા-સ્વાગતા કરે છે. શકુંતલાના સંસ્કારી વર્તનથી નિલાંબરનો ગુસ્સો ઉતરી જાય છે. એ વહુ તરીકે શકુંતલાનો સ્વીકાર કરે છે. શકુંતલા ભાડાનું મકાન છોડી સ્વગૃહે જાય છે ત્યારે અજયને કહે છે કે આ મકાન તે કદી નહીં ભૂલી શકે કારણ કે અહીં જ એમના લગ્નજીવનની શરૂઆત થઇ હતી. એમના ગયા પછી ‘‘ટુ લેટ’’નું પાટિયું ફરી સીધું કરાય છે.

એક દિવસ માધવ બાબુ (નઝીર હુસેન) મકાન ભાડે રાખવા આવે છે. એમનો મોટો પુત્ર અવસાન પામ્યો છે. એમની ગર્ભવતી વહુએ (નિરૂપા રૉય) પતિ પાછળ આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો છે. એનો દિયર છે ભાનુ (કિશોર કુમાર). ભાનુને ‘‘ચુન્નુ-મુન્નુ’’ મેગેઝીન મળે છે. ભાભીને રીઝવવા એ ગીતો ગાય છે. ભાનુ પરિક્ષામાં પાસ થાય અને એને નોકરી મળે એ આશાએ આખું કુટુંબ દિવસો કાઢે છે. એમની પાસે માંડ બે મહિના ચાલે એટલું જ ધન છે. ભાનુ પાસ થાય છે. નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવા એની પાસે બસ ભાડું પણ નથી. ભાભી એની બચતમાંથી ભાનુને પૈસા આપે છે. ધીરે ધીરે બચત ખતમ થાય છે પણ નોકરી નથી મળતી. ભાનુ અત્યંત નિરાશ થાય છે. એક દિવસ પ્રશ્ન ઊભો થાય છે કે આજનું શું ? એજ દિવસે ભાનુના ખિસ્સામાંથી સિનેમાની ટીકીટનું અડધીયું મળે છે. પિતા ગુસ્સે થાય છે. પિતા એને નકામો કહી ઘર છોડીને મરી જવાનું કહે છે. ભાનુ ઘર છોડે છે. રાત્રે એ ઘરે ઝેરની બાટલી લઇ પાછો ફરે છે. પિતાને પત્ર લખી, ઝેર ગટગટાવી સૂઇ જાય છે. સવારે ટપાલી આવી એની એપોઇન્ટમેન્ટનો તાર આપે છે. બાપ હરખાઇ જાય છે. પિતાના હાથમાં એપોઇન્ટમેન્ટનો તાર અને ભાભીના હાથમાં સ્યુસાઇડ નોટ. પિતા આક્રંદ કરે છે. પસ્તાવો કરે છે. ત્યાં જ ભાનુ બેઠો થઇ જાય છે. એણે પીધેલું ઝેર ભેળસેળવાળું હોવાથી એ મરતો નથી. એ જ સમયે ભાભીને પ્રસુતી પીડા ઉપડે છે. એની કૂખે પુત્ર જન્મે છે. ઘરમાં આનંદ છવાઇ જાય છે. ભાનુની નોકરીને કારણે એમણે ઘર બદલવું પડે છે. તેઓ આ ઘર છોડે છે ત્યારે ભાભી કહે છે : આ ઘર કદી નહીં ભૂલાય, અહીં મને પુત્ર રૂપે મારો પતિ પાછો મળ્યો. બગીચામાં રોપાયેલા બીજમાંથી છોડ પાંગર્યો છે. ટુ લેટનું પાટિયું ફરી સીધું થાય છે.

સુરેશચંદ્ર નામનો વકીલ (પૉલ મહેન્દ્ર) મકાન ભાડે લેવા આવે છે. એના માંદા ભાણેજ રાજા (ડેઇઝી ઇરાની)ની સારવાર માટે બહેન ઉમા (ઉષા કિરણ) પણ આવી છે. રાજા લકવાગ્રસ્ત છે અને ચાલી નથી શક્તો. રાજાને પણ ‘‘ચુન્નુ-મુન્નુ’’ મેગેઝીન મળે છે. એમને પણ પ્રશ્ન થાય છે કે રાત્રે વાયોલીન કોણ વગાડે છે. મોહન કહે છે કે પગલે બાબુ વાયોલીન વગાડે છે. સુરેશચંદ્ર થોડા દિવસ માટે બહારગામ જાય છે. એક સવારે ડૉકટરનો પત્ર આવે છે. ડૉકટરે લખ્યું છે કે રાજાનો ઇલાજ શક્ય નથી. માતાનું હૃદય તૂટી જાય છે. રાજા સમજી જાય છે. મોહન, પગલે બાબુને બિમાર રાજા પાસે વાયોલીન વગાડવાની વિનંતી કરે છે. પગલે બાબુ વાયોલીન વગાડવા ઘરે આવે છે. એને જોતાં ઉમા અવાક્‌ થઇ જાય છે. એ એનો જૂનો પ્રેમી રાજા હોય છે. રાજા સાથે એના લગ્ન થવાના હોય છે. ઉમા દરવાજેથી જ એને ચાલ્યા જવાનું કહે છે, પણ પુત્ર રાજાની હઠ પાસે લાચાર થઇ જાય છે. પગલે બાબુ વાયોલીન વગાડે છે, વાર્તાઓ કહે છે. રાજાને ઘર બહાર લઇ જઇ કુદરતના દર્શન કરાવે છે.

મોહન પગલે બાબુ વિશે કહે છે કે એ દારૂડિયો થઇ ગયો છે. એની તબિયત પણ હવે સારી નથી રહેતી. મૃત્યુ એની નજીક છે. સાત વર્ષથી દૂર રહેલા પગલે બાબુને ઉમા ઘરમાં રહેવા કહે છે. પગલે બાબુ રાજાનું મનોરંજન કરે છે. રાજાને લાલ ફૂલની વાર્તા કહે છે. કહે છે કે જે દિવસે છોડ પર લાલ ફૂલ ખીલશે તે દિવસે બાળ રાજા ચાલી શકશે. વાયોલીનના તારના રણઝણાટ સાથે ઉમા અને રાજાના સંબંધો ફરી તાજા થાય છે. તેઓ ફોટાઓ જોઇ ભૂતકાળમાં ખોવાઇ જાય છે. તેઓ પ્રેમી હતા. એમના લગ્ન પણ થવાના હતા. લગ્નના બે દિવસ પહેલા રાજા ચાલ્યો ગયો તે સાત વર્ષ પછી મળ્યો. પ્રેમની નિશાની રૂપે ઉમાએ બાળકને જન્મ આપ્યો. એ બાળકનું નામ પણ રાજાની યાદમાં રાજા જ રાખ્યું. એક દિવસ વાર્તા કહેતાં રાજાને પેટની પીડાનો હુમલો આવે છે. એ ચાલ્યો જાય છે.

સુરેશ ઘરે આવી ગયો છે. ઉમા એને રાજાની વાત કરે છે. સુરેશ ગુસ્સે થઇ જાય છે. ઉમાને વગર લગ્ને કલંકીત કરનાર રાજા સાથે મળવાની મનાઇ કરે છે. બીજી રાત્રે ઉમા અને રાજા મળે છે. તોફાની રાત છે. રાજા વાયોલીન વગાડે છે. સુરેશ ગુસ્સામાં વાયોલીન તોડી નાખે છે. સુરેશ રાજાને ચાલ્યા જવાનું ફરમાન કરે છે. રાજા કહે છે : મેરા જાને કા સમય આયા હૈ. બાહર કા તુફાન ઓર અંદર કા તુફાન શાયદ એક હો જાના ચાહતે હૈ. રાજા ચાલ્યો જાય છે. બીજા દિવસે રાજા ઝૂંપડામાં બેહોશ પડ્યો હોય છે. ઉમા એને ઘરે લાવી, ડૉકટરને બોલાવી સારવાર કરે છે. રાજા કશોક એકરાર કરવા માગે છે. સુરેશ ફરી ધમકાવી રાજાને કાઢી મૂકે છે. રાજા જતાં જતાં એક પત્ર ઉમા પાસે મૂકતો જાય છે. એણે લખ્યું છે કે એણે ઉમાને દગો નથી દીધો. લગ્નના બે દિવસ પહેલા ડૉકટરે એને જીવલેણ બિમારી હોવાનું નિદાન કર્યું હતું. આ કારણે એ ઉમા સાથે લગ્ન કર્યા વિના ઘર છોડી ચાલ્યો ગયો હતો. સવારે નાનો રાજા ઊઠે છે. બારીમાંથી લાલ ફૂલ જૂએ છે. એને પગલા બાબુની વાત યાદ આવે છે કે જે દિવસે લાલ ફૂલ ખીલશે તે દિવસે રાજા ચાલવા માંડશે. રાજા ધીરે ધીરે ચાલતો થાય છે. લાલ ફૂલના છોડ પાસે પગલા બાબુ-રાજા નિશ્ચેત પડ્યો છે. નાનો રાજા સવારના ઉગતા સૂર્ય તરફ પગલાં માંડે છે. મકાન પર લટકતું ‘‘ટુ લેટ’’નું પાટિયું પડી જાય છે.

આ છેલ્લી કથા જોતાં એક અન્ય કથા યાદ આવે છે. વર્ષો પહેલા ટેલીવીઝન પર ‘‘કથાસાગર’’ કાર્યક્રમ આવતો હતો. એમાં જગતની શ્રેષ્ઠ વાર્તાઓની ટેલીફિલ્મ ટેલીકાસ્ટ થતી હતી. આ કાર્યક્રમમાં એક વિખ્યાત વાર્તા પરથી ઉતરેલી ટેલીફિલ્મ જોવા મળી. વાર્તા કદાચ કોઇ રશિયન લેખક અથવા ઓ’હેન્રીની હોઇ શકે. વાર્તામાં એક કન્યા ગંભીર બિમાર હોય છે. એની પથારી પાસેની બારી બહાર એક વેલ હોય છે. પાનખરમાં એના પાંદડાં ખરતા જાય છે, ત્યારે કન્યાને લાગે છે કે છેલ્લું પાંદડું ખરતાં એ પણ મૃત્યુુ પામશે. આ કથામાં એક ચિત્રકાર છે જે એ કન્યાને પ્રેમ કરે છે. એક તોફાની રાત્રે પાંદડું ખરી જાય છે. ચિત્રકાર રાતભર જહેમત કરીને એના સ્થાને પાંદડું ચિતરે છે. સવારે કન્યા જાગે છે ત્યારે વેલ પર પાંદડું જુએ છે. એની જીંદગી બચી જાય છે. બીજી તરફ આખી રાત પાંદડું ચિતરવાની મહેનત કરતો ચિત્રકાર મરણ પામે છે.

ગીતો : મુસાફિરનું સંગીત સલીલ ચૌધરી એ આપ્યું છે. એના બધા ગીતો લોકપ્રિય ન થયા.

* મન રે હરિ કે ગુન ગા (લતા) : આ ભજન ખાસ જાણીતું ન થયું.

*એક આયે એક જાયે મુસાફિર, દુનિયા એક સરાહ રે.... (મન્ના ડે) : આ અર્થસભર ગીત લોકપ્રિય થયું હતું. ગીત સાંભળતા પ્રશ્ન ઊભો થાય કે દુનિયાના મુસાફરખાનાનો મુસાફર કોણ છે ? કહે છે : ‘‘અલબેલે અરમાનોં કા તુફાન લેકર આયે, નાદાન સો બરસ કા સામાન લે કર આયે, ઔર ધૂલ ઉડાતા જાયે.... અંતે તો ધૂળમાં જ મળી જવાનું છે. આ ગીત મોહન ચોટીના મુખે ગવાયું છે.

*મુન્ના બડા પ્યારા, અમ્મી કા દુલારા (કિશોર કુમાર) આ ગીત એ જમાનામાં ખૂબ જ લોકપ્રિય થયું હતું. ત્યારે આવા બાળગીતોનો જમાનો હતો. આ ગીતમાં સરસ કલ્પના છે ‘‘ક્યોં ન રોટીઓં કા પેડ હમ લગાયે, આમ તોડે રોટી તોડે, રોટી આમ ખાયે..’’ આ ગીતમાં બેઝ ગીટારનો સુંદર ઉપયોગ થયો છે. બેઝ ગીટાર આ ગીતને ધબકતું રાખે છે.

* ટેડી ટેડી હમસે ફીરે સારી દુનિયા (શમશાદ બેગમ-શ્યામલ મિત્ર) : એ સમયે ગલીઓમાં નૃત્ય-ગીતની પ્રથા હતી. આ એક ગલી-નૃત્ય છે. ગીત તો સામાન્ય છે પણ એમાં જીવન સંદેશની એક પંક્તિ મમળાવા જેવી છે. ‘‘સાંસ કા કૌન ઠિકાના હૈ રાજા, કલ આયે કલ ચલે જાના હૈ રાજા, તેરા મેરા ફિર ક્યોં કરે સારી દુનિયા’’આ ગીતમાં કેસ્ટો મુખર્જીનો અભિનય દાદ માગી લે એવો છે.

* લાગી છૂટે ના ચાહે જીયા જાય (દિલીપ કુમાર-લતા) : દિલીપ કુમારે પોતા માટે પ્લેબેક આપ્યું હોય એવું પહેલી વખત જાણવા મળે છે. આ ગીત સાથે જ બીજું ગીત પણ સંકળાયું છે. રીમઝીમ રીમઝીમ બુંદિયાં બરસે. આ પણ દિલીપ કુમાર અને લતાએ ગાયું છે.

એ સમયના ચમકારા : એ સમયે ખાલી મકાનો પર ટુ લેટ-ભાડે આપવું છેના પાટિયા લટકતા રહેતા. પાંચ ખંડનું મકાન ૮૦ રૂપિયા ભાડામાં મળી જતું. એ સમયે પણ અનાજમાં ભેળસેળ થતી. મકાનમાં આર્ય સોપ વર્કસનું કેલેન્ડર છે. આજની પીગી બેન્ક ત્યારે માટીના નાના ઘડાની રહેતી. મકાનોમાં તુલસી કયારો રહેતો. પુરૂષોનો પહેરવેશ ધોતિયું-ઝબ્બો અને જાકીટ અથવા બંડી રહેતા. લોકોના મુખે ગાયે ચલા જા અને જીયા બેકરાર હૈ ગીતો રમતા. લખવા માટે નીબવાળું હોલ્ડર રહેતું. રેડ એન્ડ વ્હાઇટ અને કેવેન્ડર્સ સિગારેટની જાહેરાતના પોસ્ટર દેખાય છે.

લેખન-ડિરેક્શનના ચમકારા : મુસાફિર ઋષિકેશ મુખરજીની પ્રથમ ફિલ્મ. એમને સાથ મળ્યો છે વિખ્યાત દિગ્દર્શક ઋત્વિક ઘટકનો. એ સમય પ્રમાણે આ ફિલ્મ ત્રણ ભાગમાં વહેંચાયેલી હોવા છતાં ગમે એવી છે. ઋષિકેશ મુખરજીએ પ્રણય ત્રિકોણથી અલગ જ કેડી કંડારી છે. આ ફિલ્મમાં પ્રણય તો છે. પ્રણયભંગ પણ છે. નવજીવન છે અને મૃત્યુ પણ છે. છતાં એની કક્ષા અલગ જ પડે છે. ફિલ્મની પટકથા ચૂસ્ત હોવાથી ત્રણ કથાઓ સુપેરે સમાઇ ગઇ છે. ફિલ્મના અબોલ પાત્રમાં ‘‘ચુન્નુ-મુન્નુ’’ મેગેઝીન શરૂઆતથી અંત સુધી છે. એ ઉપરાંત બે મોઢાળી પાડોશણનું પાત્ર પણ મનુષ્યના અટપટા મનને ઉપસાવે છે. ત્રણેય કથાઓમાં પોસ્ટમેન મહત્વના પાત્ર તરીકે ઉપસી આવે છે. બધા પરિવારોનું સુખ-દુઃખ એની પાસે બંધ પરબિડીયામાં સચવાયેલું છે. પૂર્વાર્ધમાં ન દેખાતો વાયોલીન વાદક વાયોલીનના સૂર સ્વરૂપે પાશ્ચાદમાં છવાય છે. ડેવીડ લાલચુ મકાનમાલિકનું પાત્ર અને કેસ્ટો મુખરજીનું પાત્ર માત્ર ચારેક મિનીટ માટે છે. આ ચાર મિનીટમાં કેસ્ટો મુખરજી અવિસ્મરણીય અભિનય પાથરે છે. ગલી નૃત્યમાં એ વક્ર અંગ ધરાવનારનું પાત્ર ભજવે છે. આ પ્રકારનો અભિનય કેસ્ટો મુખરજી પાસે કોઇ કઢાવી શક્યું નથી. બધી ફિલ્મોમાં એને દારૂડિયાનો રોલ મળ્યો. અંતિમ કથામાં ફિલ્મના સંવાદો અને સંદર્ભ વાર્તાઓ કથા સાથે વહ્યા કરે છે. ઋષિકેશ મુખરજીને ફૂલદાની અને ફૂલો બતાવવાનું વળગણ આ પછીની ઘણી ફિલ્મોમાં દેખાય છે. મુસાફિરમાં ભેળસેળની વાત વારંવાર આવે છે. લાગે છે કે લેખક અથવા દિગ્દર્શકને ભેળસેળનો કટુ અનુભવ થયો હશે.

સલીલ ચૌધરીનું સંગીત સુંદર છે પણ મુન્ના બડા પ્યારા ગીત સિવાય અન્ય ગીતો લોક્પ્રિય ન થઇ શક્યા. બેકગ્રાઉન્ડ સંગીત પર તો એમની હથોટી છે જ. બેકગ્રાઉન્ડમાં મૃદંગ અને વાંસળી દ્વારા બાઉલ સંગીતની છાયા ઉપસી છે. રાજા દ્વારા વગાડાતા વાયોલીનના પીસ પણ સુંદર છે. ક્યારેક આ પીસ દુઃખની લાગણી વ્યક્ત કરે તો કયારેક આનંદની. આશ્ચર્યની વાત એ છે કે દિલીપ કુમારે પોતાના માટે પ્લેબેક આપ્યું છે. ફોટોગ્રાફી સામાન્ય છે. ગોગલ્સમાં પડતા પ્રતિબિંબનો શોટ સુંદર છે. દબંગનો ગોગલ્સ પર પડતા હૃદયનો શોટ એની કૉપી લાગે.

મુસાફિર એકંદરે સ્વચ્છ સામાજીક ફિલ્મ છે. ઋષિકેશ મુખરજીએ અન્ય ફિલ્મો પણ એવી જ આપી છે. ક્યારેક હાસ્ય પ્રધાન ફિલ્મો પણ આપી છે. આ જગતમાં મુસાફર આવે અને જાય છે. આવે છે ત્યારે સો સો અરમાનોનો ગંજ લઇને આવે છે અને જાય છે ત્યારે........-કિશોર શાહ

kishorshah9999@gmail.com