જય હો ગાય માત કિ Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જય હો ગાય માત કિ

હાસ્ય નિબંધ

જય હો ગાય માત કિ !

હરીશ મહુવાકર

ભઈ મારો જીવ તો બહુ દયાળુ. માણસ કે પ્રાણી એવા ભેદ શીદને રાખવા? એરીસ્ટૉટલે આ બે વચ્ચે લીટી તાણી દીધી ને આપણે માની લીધું. ન્યાતને એ ન્યાયે નોખી પાડી પણ હું કઈ એવા ભેદભાવમાં માનતો નથી. પ્રાણી માતર સરખા! ટુકમાં મારો જીવ જીવદયાપ્રેમી.

હાલ આપણે ગાય માતાની વાત કરીશું. વાત આમ છે : અમારા સંસ્કાર મંડળ ચોકમાં હું દરરોજ રૂપિયા વિશ –પચ્ચીસનો રજકો કે જુવાર નખાવું ત્યારે મારા જીવને શાંતિ થાય છે. મારા જેવા અનેકાનેક. કારણ કે એ નેક કામ માટે કાનોકાન વાત કરવી પડે એવું થોડું છે! સદ્કાર્યનું અનુકરણ જ હોય. ચોકમાં ગાયો થોડી ને ધર્મી ઘણા. પેટ નાનું ને ઘાસ ઘણું. કલાક બે કલાકમાં ગાયોથી ખવાય એટલું ખાય. ધરાઈ જાય. પહેલા, ગાયો ગમાણમાં બંધાઈ રહેતી. માત્ર ગૌચરમાં ચરવા જતી. એ સિવાય માતાને ખીલે જ મળી રહેતું. પછી દેશની આઝાદી આવી ને એમનેય આઝાદી પ્રાપ્ત થઇ . પણ ગૌચરો ગયા. (ક્યાં? એ મને પૂછતા નહિ.) દેશને આઝાદ કરાવનારા મહાન હસ્તીઓની પ્રતિમા ચોકમાં મુકીએ છીએ તો પછી ગાયોને પણ આપણે ચોક આપવો જ રહ્યો ને! તે એવી રીતે સર્વ ગાયો ચોકમાં સ્થાન પામી. પ્રેમના બંધનોમાં દોરડા કે સાંકળ ના મળે. એમ આ ગાયોને પણ કોઈ બંધનો વળગે નહિ. બંધન તો માત્ર ચોકનું જ થઈ ગયું. આમ છતાં એ તો માતા કહેવાય. એમનું દિલ હમેશા વિશાળ, ઉદાર હોય છે. ગાયમાતા પણ આવા કોઈ ચોક કે જગ્યાના મોહને ગાંઠે લગાડે નહિ. ચોકની જગ્યામાં ઘાસ આમથી તેમ ફેલાય. ભીની માટીમાં ચગદાય. ગોબરવાળું ઘાસ થાય, મુત્રવાળું થાય, ને ઉપરથી કુદરતની મહેરબાની. સર્વ ચીજ વસ્તુઓનું મિશ્રણ અદભૂત લીલા રચી દે! એક તરફે ગાયો ભેંસો ને બીજી તરફે ડુક્કરો. ત્રીજી તરફે ગધેડાઓ (પ્રાણીઓ જ ! કોઈએ ભળતી પછેડી ઓઢવી નહિ.) વધારામાં શ્વાન વિહાર. જાણે કો’ ગોબરગેસ પ્લાન્ટનો વિસ્ફોટ થયો હો તેવી સ્થિતિ સર્જાય. સવાર સાંજ હું નીકળું મો પર રૂમાલ બાંધીને. જોતો પણ જાઉં. જોઈ લેવાનું તે કઈ મનમાં થોડું... અમુક જ્ઞાન તો ‘અનુભવે’ ને મોડેથી પ્રાપ્ત થાય: ન દેખવું દાઝવું. પણ ત્યાં સુધીમાં તો સદ્કાર્યની સુવાસ સર્વ ગુણીજનોને પ્રાપ્ત થઇ ચૂકી હોય છે.

સાચો જીવદયાપ્રેમી તમામ મુશ્કેલીઓને ઓળંગી જાય છે, આકરી કસોટીમાંથી પસાર થાય છે છતાં તે પોતાનો માર્ગ છોડતો નથી. કલેકટર હૂકમ બહાર પાડે. થોડા દિવસો ધર્મપ્રેમીઓ ગાયમાતાના ઉરના આશીર્વાદથી વંચિત રહે. ચોક પાસેથી નીકળતા મન વિહ્વળ થઈ જાય, જીવને શાતા ન વળે. હાથને ચેન ન પડે પણ એ બધામાંથી આખરે માર્ગ કાઢવો રહ્યો. આશાએ માણસ જીવતો હોય છે. આશા એજ જીવન એથી હું પણ આશા ગુમાવતો નથી. ખરાબ સમય કેટલો ટકે! આખરે એ પળ વિદા લે ને આવી પડે ફરી સોનેરી સવાર!

જ્ઞાન માટે એક પુસ્તક કાફી નહિ, એના માટે એક સંત કાફી નહિ, રથ માટે એક પૈડું કાફી નહિ તો જીવદયાપ્રેમીઓ માટે પણ એક ચોક કાફી નહિ. અખો ભલે કહે પથ્થર એટલા પૂજ્યા દેવ. આધૂનિક અખો કહે છે: ચોક એટલા મંદિરયા/ ગૌમાતા ત્યાં પધારિયા. આમ ચોરે ને ચૌટે, શેરીના નાકે, સર્વત્ર ગૌમાતાના સ્થાનકો. ધર્મની પ્રવૃત્તિ સ્વયં પ્રસરે. ગાય માતાનો આટલો ચમત્કાર તો હોય જ ને ! માતાના પૂજનથી સોરી તૃણદાન થકી હરકોઈને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મારી જેવા ઘાસ નંખાવવાવાળાનું ભલું થાય છે. (આત્મસંતુષ્ટિ દૂનિયાની સૌથી મોટી સંપતિ છે. ભાયો તો બંકો.) ઘાસ વેચવાવાળાનું ભલું થાય. (એનેય ભાઈ બૈરી છોકરા તો હોય જ ને !) ગૌમાતાને ટેકે આપણે એનેય તે ટેકો કરીએ છીએને ! (અહી એક કાંકરે બે પંખી માર્યા એવું યાદ કરી શકાય પણ આમ ઉતાવળ ...) વાળવાવાળાનું ભલું થાય. કચરો માટી જશે તો સ્વીપરની જરૂર નહિ રહે. નગરપાલિકા સફાઈ કામદારોની ચટણી કરી નાંખશે. ગાયમાતાની સાથોસાથ અન્ય પ્રાણીઓનુંય ભલું થાય. (હવે ગણો એક કાંકરે કેટલા...?) વળી કાનમાં કહી દઉં કે લારી લઈને જે ઘાસ વેચતો હોય છે તેની પોતાની જ ગાયો હોય છે. (આનું નામ કહેવાય સ્માર્ટ બીઝનેસ.) હજુ આડ ઉપજની વાત તો બાકી જ છે ! કથા ટાણે ગૌમૂત્ર ક્યાં ગોતવા જવાના? (મોલમાં? ગાંધીસ્મૃતિમાં? ગાંધીસ્મૃતિઓ રહી છે ખરી?) મરણ ટાણે છાણા ક્યાં ગોતવા જવાના? ગૌરી ગાયોને ચાંલ્લો કરવા સ્ત્રીઓ ક્યાં જાશે? બાળકોને કાળી ધોળી રાતી ગાય દેખાડવા ને જ્ઞાન પ્રાપ્ત કરાવવા કમ્પ્યુટર ખોલીને બેસશો? સમુદાયમાં રહીને વિકાસ કરવાની ભાવના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને શીખવવાની જરૂર પડે ત્યારે પ્રત્યક્ષ કાર્ય માટે શહેરની બહાર લઇ જશો? ખેર, આપણે એક અદના આમ આદમી પશુપાલકોની જરા સરખીય જવાબદારીમાં હાથ બઢાવી શકીએ એ કઈ નાની સૂની વાત છે!

પરંતુ હું એક જ થોડો આમ આદમી છું? મોટા ભાગના લોકોએ ગાયમાતાના ઉદ્ધારની જવાબદારી સ્વયંપ્રેરિત થઈને સાંભળી લીધી છે એથી આખુય શહેર ગાયમાતાનગરબની રહે છે. ગાય માતા તો, ધરતી પણ માતા જ ને ! ધરતીનો કોઈ છેડો નહિ તો ગાયમાતાનો પણ નહિ. ધરતી મૂક્ત તો ગાયમાતા પણ મૂક્ત. ફરે એ ચરે. (આ તો પ્રાણીઓને લગતી વાત છે. માણસે અમથે અમથું એના પોતાના માટે વાપરી નાખ્યું. ભાળ્યું કો’ જગ્યાએ કે માણસ ચરતો હોય !) નાના શા ગૃહનો ત્યાગ કરી ગાયમાતા ધરતીમાતાની વિશાળ ગોદીમાં વિહારાર્થે નીકળી પડે ત્યારે સાક્ષાત સ્વર્ગ રસ્તા ઉપર ઉતરી આવ્યું હોય તેમ લાગે! આંખ હોય તો જ સર્વત્ર ઈશ્વરના દર્શન થાય.

અમારું ગામ ભાવનગર. અમેરિકા સ્થિત ભાવનગરી લેખક કિશોર રાવળ અમને ભાવનગરીઓને વ્હાલથી (સાચું તો રામ જાણે) ભાન વગરના કહે છે. પણ હું કિશોરભાઈને કહું છે - અમારું બમ્પનગર. રોડના બ્મ્પથી ટેવાઈ ચૂક્યા છીએ. માણસે હંમેશા જાગરૂક રહેવું જોઈએ એ જ્ઞાનનું અવતરણ કરાવવા ખૂદ ગાયમાતા સ્વયં પ્રકટ થયા છે. જ્યાં જૂઓ ત્યાં તેઓ મૂવીંગ ડીવાઈડરની સેવા બજાવે છે. રોડ ઉપર બમ્પ હોવા જરૂરી નથી. રોડની વચ્ચોવચ, જમણી કે ડાબી બાજૂએ, એની મરજી મુજબ તેઓ બેરીકેડ, ડીવાઈડર બની ખડા પગે ઊભા રહે છે. બાપડા ટ્રાફિક પોલીસ કેટલું કરી શકે ! અને જૂઓ પરિણામ ! ભાવનગરમાં અકસ્માતોનું પ્રમાણ કેટલું ઓછું થઇ ગયું ! માત્ર ગાયમાતાના આશીર્વાદથી અમો આ સિદ્ધિ હાંસલ કરી શકયા છીએ.

કોઈ કોઈ કે નવાસવા ગાયમાતાની સેવા બાબતે ઢીલા પડી જાય છે. પોતાની ફરજનું ભાન ગૂમાવી બેસે છે ને ગાયમાતાની પૂંછને કે લંબાયેલા ચરણોને પોતાના વાહનનો સ્પર્શ કરાવી બેસે છે ત્યારે માતા બિચ્ચારા સ્થિતપ્રજ્ઞ જ રહે પરંતુ તેમના ભક્તોનો પૂણ્યપ્રકોપ ભડકી ઊઠે છે ને એ ‘દૂરાચારી’ વ્યક્તિ પર અનરાધાર ‘આશીર્વાદ’ વરસાવી દે છે. કો’ક કો’ક અદેખાઓ, ધર્મવીરુધિઓ માતાના સ્થાનકોને હટાવવાની જીદે ચડે છે ત્યારે એને સમજાય છે એને પોતાના લઘુમતી સ્ટેટસની વાત. પછી એવા લોકોએ સ્વયં જ એમનો મારગ કંડારવો પડે છે. વધારામાં ‘જ્ઞાન’ પ્રાપ્ત થાય છે કે પારકી (મહાનગરપાલિકાની) આશ સદા નિરાશ.

અમારે ત્યાં શિવાજી સર્કલ ખૂલ્લી માર્કેટ ભરાય. કોઈક વખત વાતચીત થાય શાકવાળાઓ સાથે. કહે ગાયમાતાના હંમેશા આશીર્વાદ જ વરસે. બવ બવ તો બે ચાર રીંગણા બટેટા જ જાય. પણ ખરો ત્રાસ તો ખૂટીયાવનો સે. મને કઈ સમજાયું નહિ. તો મારી સામે જીણી આંખ કરીને કહે: તે આયાં લારી ઉભી રાખવી પડે કે નઈ? તે કાય એમને એમ થોડી ઊભી ર્યે. હું કઈ બોલવા જાઉં એ પહેલા એણે મને પરખાવી દીધું: ભલા માણસ હવે કઈ પૂછતાં નઈ આ ખૂટીયાવનું.

માતા જ બાળકોને માટે પ્રેરણા સ્ત્રોત હોય. સદ્કાર્યની શરૂઆત એ જ ચીંધી બતાવે. કારણ કે એ સ્વયં જ એ રાહે ચાલી હોય છે. યાદ કરો ‘એનિમલ ફાર્મ’. ભાઈ જ્યોર્જ ઓરવેલને પણ ચાલ્યું નહિ ગાયમાતા વગર. શરાબના નશામાં મિસ્ટર જોન્સ પોતાના સર્વ પાલતું પ્રાણીઓને ખાવા-પીવાનું આપવાનું ભૂલી જાય છે. પછી કેટલા દિ’ એમ ચાલી શકે? હદ તો આવે ને?તે એક રાત્રે આપણા ગાયમાતા તેમના સર્વ બંધનોનો ‘ત્યાગ’ કરી દે છે ને સર્જાય છે સર્વ પ્રાણીમાત્રની ક્રાંતિ! તો હે ભક્તો ગાયમાતાની સેવા જે કરશે તેમને જ અનેકાનેક લાભો પ્રાપ્ત થશે. હવે આટલું કહ્યા પછી તમે શેની વાટ જૂઓ છો? ભલા એકાદ પૂળો તો ધરાવો ગાય માતને!

ભમરો કે મમરો: દેશને આઝાદ કરાવવા માટેની ક્રાંતિનું સૌથી મોટુ પ્રેરક બળ કયું? ગાયમાતા જ વળી. આવે છે સ્મરણમાં ૧૮૫૭નો વિપ્લવ, મંગળ પાંડે ને એ બધું? તમે એમ તો સમજુ છો . ખરું કે નહિ? તો હવે ક્રાંતિ હાથવેંતમાં કે નહિ?

......................................................................................................................................................