એક હત્યા કેસનો ચુકાદો Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હત્યા કેસનો ચુકાદો

ચુકાદો

...........

-વિપુલ રાઠોડ

હકડેઠઠ ભરેલી અદાલતમાં ન્યાયધીશે છેલ્લા ચાર માસમાં ચાલેલી દલીલોની વિગતો અને તેમાંથી પોતે ધ્યાને લીધેલી ખાસ બાબતો ડિક્ટેટ કરાવી દીધી છે. હવે કોર્ટરૂમમાં અને બહાર હાજર મેદનીને અદાલતનાં ફેંસલાની આખરી વિગતોની ચાતક નજરે વાટ છે. ચારેય આરોપીનાં ચહેરા ઉપર પસીનો બાઝી ગયો છે અને કોર્ટમાં પ્રસરી ગયેલા સુનકારમાં તેમના છાતીનાં ધબકારા નિરંકૂશ ગુંજી રહ્યા હોય તેવું તે ચારેયને લાગતું હતું. આ ચારેયનાં સગાવ્હાલા, મિત્રોની હાલત પણ કંઈક આવી જ હતી. જજનાં મૂખેથી બોલાતો એકેય શબ્દ ચૂકી ન જવાય એટલે બધાનાં કાન સરવા થઈ ગયા હતાં. ખીચોખીચ ગર્દીમાં આડાઅવળા ગોઠવાઈ ગયેલા પત્રકારો પણ કાગળ-પેન લઈને સાબદા બની ગયા છે. બધાની નજર જજ ઉપર સ્થિર થઈ ગઈ છે પણ આઠ-દસ લોકોનાં એક ઝુમખામાં ઉભેલી એક મહિલા એકીટસે આરોપીઓ સામે આક્રોશ ભરી નજર માંડીને ઉભી હતી. ઠાંસોઠાંસ ભરેલી અદાલતમાં પણ જાણે તે એકલી હોય તેમ લાગતું હતું. કોર્ટમાં પ્રસરી ગયેલી શાંતિમાં પણ તેના દિલ-દિમાગમાં ચાલતું ઘાતકી તોફાન હાહાકાર મચાવતું હશે તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. કોર્ટમાં થોડી ક્ષણોથી પ્રસરી ગયેલા સન્નાટામાં પંખાનો કીચુડ-કીચુડ અવાજ બિહામણો લાગતો હતો અને શું થશે? એવો સવાલ સૌ કોઈનાં માનસમાં છવાઈ ગયો હતો. નિશ્ર્ચેષ્ટ બની ગયેલી આખી અદાલતમાં જાણે ચેતનાનો સંચાર થયો અને જજે બોલવાનું શરૂ કર્યુ...

' તમામ દલીલો સાંભળ્યા બાદ ધ્યાને લેવામાં આવેલી ઉક્ત બાબતોનાં આધારે અદાલત એવા તારણ ઉપર આવી છે કે...' આટલું બોલીને અટકતાં જજે નાકની ડોંડી ઉપર પોતાના ચશ્મા સરખા કરતાં એક ઉંડો શ્વાસ લીધો... બીજી બાજુ અદાલતમાં કેટલાંયનાં શ્વાસ અધ્ધર થઈ ગયા.

'...અદાલત એવા તારણ ઉપર આવી છે કે વિશ્વાસ ભગવાનજીની હત્યામાં કોઈ જ પ્રત્યક્ષ કે સાંયોગિક પુરાવા આરોપી જગુ લાધા, મગન જીવણ, તખુભા ખોડુભા અને ભોગીલાલ ભાણજીને દોષિત ઠરાવવા માટે પુરતાં નથી. માટે શંકાનો લાભ આપીને તમામ ચાર આરોપીને...' જજ આટલું બોલી રહ્યા ત્યાં કોર્ટમાં ગણગણાટ શરૂ થઈ ગયો. બે ઘડી થોભીને જજે બધાં સામે થોડી અણગમાભરી નજર ફેરવી અને ફરીથી શાંતિ છવાઈ ગઈ અને તેણે ફરીથી બોલવાની શરૂઆત કરી કે 'તમામ ચાર આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.'

આરોપીનાં સગાસંબંધીઓ અને મિત્રોમાં જાણે ખુશીનું મોજું ફરી વળ્યું, કોર્ટરૂમ ઘડીભરમાં ઘોંઘાટથી શાકમાર્કેટ જેવી ભાસવા લાગી. ચારેય આરોપીનાં ચહેરા ઉપર મોટી ઘાત ટળી ગઈ હોય તેવો હાશકારો વરસી ગયો. અત્યાર સુધી છૂટેલો ભયનો પરસેવો હવ તેને ટાઢક આપતો હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. પત્રકારોને આજનાં સૌથી મોટા સમાચારનું મથાળું મળી ગયું હતું. અનેક ચહેરા ઉપર ખુશી ફરી વળી હતી જ્યારે અમુક ચહેરા ઉપર માયુસી જોવા મળતી હતી. ટોળા વચ્ચે આરોપીઓ સામે એકધારી જોઈ રહેલી અને એકલી-અટુલી લાગતી આછા રંગની સાડી પહેરેલી મહિલા ઉપર જાણે વજ્રઘાત થયો હતો. તેનું મન ચિત્કારી ઉઠ્યું પણ તેનો આ ભયંકર ઉંહકાર જાણે માત્ર આંખ પણ માંડ ભીની થાય તેટલાં આંસૂ વાટે બહાર નીકળી ગયેલો. અંદરથી ભાંગી પડેલી આ મહિલાને એકાદ બે માણસોએ ઝાલી રાખી હતી. પોતાની સાથે ઘોર અન્યાય થયાનો આક્રોશ કડવા ઘૂંટડાની જેમ તે પી રહી હતી અને આસપાસનાં માણસો તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરતાં હતાં. જો કે હજી સુધી તેના મુખમાંથી એકપણ શબ્દ બહાર આવ્યો નહોતો.

સામે છેડે સૌથી ખુશ દેખાતા ચારેય આરોપીને પોલીસ કઠેડામાંથી બહાર કાઢી રહી હતી. ઘણાં લોકો ચારેયને ભેટી રહ્યા હતાં, હાથ મીલાવતાં હતા અને ખુશી ઈઝહાર કરતાં હતાં ત્યારે એ મહિલાનાં સંયમનો ભંગ થયો. ઘોંઘાટને ચીરતાં તેનાં ભાંગેલા અવાજમાં જજ ભણી લાચાર નજરે જોઈને બોલી ઉઠી...

'સાહેબ...' બધાને ખ્યાલ હતો આ મહિલા કોર્ટનાં ક્યા ખુણામાં ઉભેલી હતી અને એટલે તે દિશામાંથી આવેલા અવાજે કોર્ટને ફરી એકવાર શાંત પાડી દીધી. બધાની નજર તેના ઉપર મંડાઈ અને તે આગળ બોલી 'સાહેબ હવે તો ચુકાદો આવી ગયો છે. પણ મારે થોડી વાત કહેવી છે. ફક્ત માનવતાનાં નાતે તમે સાંભળો એવી વિનંતી છે.' જજની પરવાનગીની રાહ જોયા વગર તે આગળ બોલવાનું ચાલું રાખે છે. ' આ ચુકાદા સામે મને કોઈપણ પ્રકારનો અસંતોષ નથી. કોર્ટે પોતાની ફરજ બરાબર બજાવી છે. તેની સામે આવેલા પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આ ચારેય મહાનુભાવોને નિર્દોષ જાહેર કર્યા છે તે આવકાર્ય છે. ખરેખર તો મારી ફરિયાદનાં હિસાબે આ લોકોને આટલો સમય જેલમાં રહેવું પડ્યું, હાલાકી ભોગવવી પડી, અપમાનો સહન કરવા પડ્યા હશે... આ બધા માટે મારે તેમની માફી માગવી જોઈએ.' કોર્ટમાં હાજર તમામની નજર અચરજ સાથે એ મહિલા ઉપર ચોંટી ગઈ હતી. અત્યાર સુધી દબાઈ રહેલો તેનો અવાજ હવે થોડો ખુલ્યો અને તેણે આગળ કહ્યું ' જજ સાહેબ... મને આ ચુકાદા સામે કોઈ જ વાંધો નથી અને હવે મારે ઉપલી અદાલતમાં જવું પણ નથી. આ ચારેય સામે પુરાવા નથી એટલે તે છૂટે તે સ્વાભાવિક છે પણ...'

'...પણ મારા વિશ્વાસ, મારા દીકરાની હત્યા થઈ પછી અત્યાર સુધી આ ચારેય સીવાય અન્ય કોઈએ મારા દીકરાને માર્યો હોય તેવું ક્યાય જોવા, સાંભળવામાં આવ્યું નથી. આટલાં વખતમાં બીજા કોઈ ઉપર આવો આરોપ મુકાયો પણ નથી. જેટલા લોકોએ ખૂનની ઘટના જોઈ હતી એમણે મને છાનેખુણે આ ચારનાં જ નામ આપેલા. એટલે જ મારાથી આમની સામે પોલીસમાં ફરિયાદ થઈ ગઈ હતી. પણ હવે તમે કહો છો કે આ ચારેય હત્યારા નથી એટલે મારી ફરિયાદ ખોટી હતી એવું સાબિત થાય છે અને તેના માટે હું પોલીસ અને ન્યાયતંત્રની પણ માફી માગું છે. મારાથી થયેલી આ મોટી ભૂલનાં પાપે જ પોલીસ અને આ કોર્ટનો સમય બગડ્યો તેનો અફસોસ મને કાયમ રહેવાનો છે.' કોર્ટમાં ટાંકણી પડે તો પણ રણકાર થાય તેવી શાંતિ વચ્ચે મૃતકની માતા આગળ બોલેવાનું ચાલુ રાખતા કહે છે...

' મને સમજાતું નથી કે મને ન્યાય મળ્યો છે કે મારી સાથે અન્યાય થયો છે ? કદાચ મે આ ચારેય સાથે અન્યાય કરી નાખ્યો હોય તેવો પસ્તાવો પણ મને અત્યારે કોરી ખાય છે. ખેર... એ બધું બાજુંએ રાખીએ તો મારે એટલું જાણવું છે કે આ અદાલત મારા દિકરાની હત્યા જ થઈ હતી એટલું તો સ્વીકારે છે કે નહીં? જો મારા દિકરાની હત્યા જ થઈ હોય અને આ લોકો નિર્દોષ હોય તો અન્ય કોઈએ તો મારા દિકરાનો જીવ લીધો હશે ને? જો કે હજી સુધી તો બીજા કોઈએ તેને મારી નાખ્યો હોવાનું ધ્યાને આવ્યું નથી. તો તેનો મતલબ એવો થાય કે જો આ લોકોએ તેની હત્યા ન કરી હોય તો મારા દિકરાનું ખૂન જ થયું નહીં હોય ! આ લોકોએ તેને માર્યો નહીં હોય તો મારો દિકરો જીવતો જ હોવો જોઈએ. મારી અદાલતને માનવતાનાં ધોરણે માત્ર એટલી જ અપીલ છે કે જો મારો દિકરો જીવતો હોય તો તેને મારી પાસે પાછો પહોંચતો કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવે...'

આટલું બોલીને તે ભાંગી પડી. કોર્ટને સન્નાટો ઘેરી વળ્યો. જજ હવે એ મહિલા સામે અનાયાસે આંખ મિલાવતા અટકી ગયા હતાં... બધા લોકો ધીમેધીમે કોર્ટની બહાર નીકળવા લાગ્યા...

......................................