HAWRA BRIDGE Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

HAWRA BRIDGE

હાવરા બ્રીજ (૧૯૫૮) મ્યુઝીકલ ક્રાઇમ-લવ ફિલ્મ

શક્તિ સામંત મોટા ગજાના દિગ્દર્શક. હાવરા બ્રીજ એમની પ્રથમ ફિલ્મ. આ ફિલ્મ ખૂબ જ સફળતાને વરી. એ સમયે ફિલ્મોમાં ક્રાઇમ અને લવને સંગીતમાં મઢવામાં આવતા. શક્તિ સામંતનો હાવરા બ્રીજનો પ્રેમ આ ફિલ્મથી શરૂ થઇ અમરપ્રેમ સુધી લંબાય છે. બન્ને ફિલ્મોમાં હોડી હાવરા બ્રીજ નીચેથી પસાર થવાના દૃશ્યો છે.

નિર્માતા : શક્તિ સામંત

કલાકાર : અશોક કુમાર-મધુબાલા-કે.એન.સીંઘ-ઓમ પ્રકાશ-મદન પુરી-ધુમાલ-કમ્મો-સુંદર-હેલન. મહેમાન કલાકારો : મહેમૂદ-ચમન પુરી-કૃષ્ણકાંત-મીનુ મુમતાઝ

સ્ટોરી : રંજન બોઝ

સંવાદ : વ્રજેન્દ્ર ગૌર

ગીત : કમર જલાલાબાદી-હસરત જયપુરી

સંગીત : ઓ.પી. નૈયર

ગાયક : આશા-ગીતા દત્ત-શમશાદ બેગમ-રફી

ડૅન્સ ડીરેકટર : સૂર્ય કુમાર

આર્ટ : સંતસીંઘ

સીનેમેટોગ્રાફી : ચંદુ

ઍડીટીંગ : ધર્મવીર

ડિરેકશન : શક્તિ સામંત

કથા : રંગુનમાં રહેતા પૈસાદારની તિજોરીમાંથી એક કિમતી રત્નો જડિત ડ્રેગન એનો જ નાનો પુત્ર મદન ચોરી જાય છે. પિતાને જાણ થાય છે. એ બીજા પુત્ર પ્રેમને (અશોક કુમાર) વાત કરે છે. પ્રેમ પોતાના ભાઇને શોધવા તૈયાર થાય છે. મદન એ કીમતી જણસ વેચવા જહોન ચંગની(મદન પુરી)ની હૉટલે જાય છે ત્યારે ઓળખીતો ટાંગાવાળો શામુ (ઓમ પ્રકાશ) મળે છે. જહોન ચંગ એના સાથીદાર પ્યારેલાલ (કે.એન.સીંઘ ) દ્વારા મદનનું ખૂન કરી લાશને હાવરા બ્રીજ પર મૂકી દે છે. ત્યાં ભીખુ ઉર્ફે ભિખારીલાલ (સુંદર) એમને જોઇ જાય છે.

પ્રેમ રંગુનથી સ્ટીમરમાં કલકત્તા આવવા નીકળે છે. સ્ટીમર પર ડાન્સર એડના (મધુબાલા) અને એના કાકા જો (ધુમાલ) પણ છે. રાત્રે સ્ટીમરના ડૅન્સ ફ્લોર પર ગીત-નૃત્ય યોજાયા છે. ઍડના ગાય છે : દેખતે તેરી નઝર... કલકત્તા પહોંચતાં શામુ ટાંગાવાળો એને મળે છે. એ પ્રેમને જહોન ચંગની હૉટેલ પર લઇ જાય છે. અહીં રાત્રે ડાન્સર ગાય છે : મેરા નામ ચીન ચીન ચુ.... એડના અને એના કાકા ત્યાં પહોંચે છે. પ્રેમ અને એડનાની નજર મળે છે. શામુ પ્રેમને એડનાની હોટેલ પર લઇ જાય છે. ઍડના અને પ્રેમ નજીક આવે છે. એમની વચ્ચે પ્યારેલાલ ટપકે છે. એ એડનાના એકતરફી પ્રેમમાં છે. એ રાત્રે ઍડના ડાન્સ કરતાં ગાય છે : આયીએ મહેરબાન... એડનાને પ્રેમ સાથે ડાન્સ કરતી જોઇ પ્યારેલાલ ધખી જાય છે.

બીજા દિવસે એડના પ્રેમને બોટીંગ પર લઇ જાય છે. વાતો કરતાં કરતાં પ્રેમને ચેંગના કરતૂતોની ખબર પડે છે. બોટીંગ કરતા આ યુગલને જોઇ કિનારે ભીખુ અને છમીયા ગાય છે : મહોબત કા હાથ જવાની કા પલ્લા... એડના પ્રેમના પ્રેમમાં પડે છે. પ્રેમ ડ્રેગનની પ્રતિકૃતિ બનાવરાવી ચંગને વેચવા જાય છે. ચંગ કશું કરે એ પહેલા એ છટકી જાય છે. ચંગનો માણસ પીછો કરે છે. પ્રેમ શામુની ઘોડાગાડીમાં સંતાય છે. કલકત્તા ફેરવતાં શામુ ગાય છે : ઇંટ કી દુક્કી પાન કા ઇક્કા.... પ્રેમ છટકી જાય છે.

પ્યારે એડનાના કાકા પાસે એડના ખરીદવાની વાત કરે છે. એડના ગુસ્સે થઇ નકારે છે. એ પ્રેમ પાસે પ્રણયનો એકરાર કરે છે. પ્રેમ લગ્નની દરખાસ્ત મુકે છે અને એડના સ્વીકારી લે છે. એડના ગાય છે : યે ક્યા કર ડાલા તુને... પ્રેમ છાપામાં ખબર આપે છે કે હાવરા બ્રીજના ખુનીની ખબર આપનારને દસ હજારનું ઇનામ. એ છાપું ભીખુના હાથમાં આવતાં શામુને વંચાવે છે. શામુ પ્રેમને આની ખબર કરવા જાય છે. ભીખુ અને છમીયા ગાય છે : મૈં જાન ગઇ તુઝે સૈયાં... ભીખુ પોલીસ સ્ટેશને જાય છે. પ્યારે અને ચંગને ખબર પડે છે. પોલીસના વેશમાં પ્યારેના માણસો ભીખુને ઉપાડી જઇ બંદી બનાવે છે. સાક્ષી ન બચે તે માટે ડ્રાઇવરનું પણ ખૂન કરી નાખે છે.

શામુ પાછો આવતાં ભીખુ મળતો નથી. શામુ પ્રેમને વાત કરે છે. ચંગ બધો માલ લઇ સીંગાપોર ભાગવાની તૈયારી કરે છે. પ્યારે એને અટકાવે છે. ઝપાઝપીમાં પ્યારેથી ચંગનું ખૂન થઇ જાય છે. પ્રેમ ત્યાં પહોંચે છે ત્યારે પ્યારે એને રૂમમાં બંધ કરી ખૂનનો આરોપ એના પર ઢોળે છે. પ્રેમ ભાગી જાય છે. પોલીસ એને શોધવા એડનાનો પીછો કરે છે. એડના એક ગેરેજમાં સંતાય છે. અહીં મીકેનીકો અને ડ્રાયવરો ગાય છે : ગોરા રંગ ચુનરીયા કાલી.... એડના છટકીને પ્રેમને મળે છે.

પ્યારે અંકલને લાખ રૂપિયા આપી એડનાને ખરીદે છે. એડના પ્યારે સાથે પ્રેમનું નાટક કરે છે. તેઓ ચાઇનીઝ ડ્રેગન માટે ગુપ્ત અડ્ડામાં જાય છે. ત્યાં પ્રેમ આવી પહોંચે છે. પછી ઝપાઝપી અને ગોળીબાર. પ્યારે કહે છે કે મદન અને ટેક્સી ડ્રાયવરનું ખૂન એણે કર્યા છે. પ્રેમ એ ટેપ કરી લે છે. પ્યારે પ્રેમને ગોળી મારે છે. પોલીસ આવી પહોંચે છે. પ્યારે ભાગે છે. પ્રેમ એનો પીછો કરે છે. પ્યારે ભાગતો ભાગતો હાવરા બ્રીજ પર પહોંચે છે અને પ્રેમ પર વાર કરે છે. પોલીસની ગોળી વાગતાં એ બ્રીજ પરથી નદીમાં પડી જાય છે. પ્રેમ અને એડના લગ્ન કરી રંગુન જવાની ફ્લાઇટ પકડે છે.

સ્થળ-કાળ : એ સમયે પાસપોર્ટનું ચેકીંગ સ્ટીમરની સીડી ઉતરતાં જ થતું. કોઇ અલગ ઑફિસ ન્હોતી. બી.આઇ.એસ. કંપનીની સ્ટીમર હતી. પોર્ટરના શર્ટ પર રીપોર્ટર લખેલું રહેતું. એ સમયે સીગારેટ કેસ લાઇટર સાથે આવતા અને લોકો એના પર પોતાનું નામ અથવા ઇનીશીયલ કોતરતા. ફેમસ રસગુલ્લાના વેપારી કે.સી.દાસની કંપની દેખાય છે. એ સમયે કોકાકોલાનું વર્ચસ્વ હતું. ગંગામાં પડખે ગોળ પ્રોપેલરવાળી એક સ્ટીમર દેખાય છે. એ સમયે હાવરા બ્રીજ પરથી દરરોજ અંદાજે દસથી વીસ લાખ માણસો પસાર થતા. ગુંડાઓ લુંગી અને ટી-શર્ટ પહેરતા. લુંગી પર ચારેક ઇંચ જાડો પટ્ટો પહેરતા અને કાંડે ચાર-છ ઇંચનો પટ્ટો બાંધતા. બાલીગંજ રેડ લાઇટ વિસ્તાર હતો. કલકત્તાની સડકો પર એ સમયના મોડેલની ગાડીઓ દોડતી. રસ્તા પર ટ્રામ હતી અને ઊંચા પૈડાવાળી હાથગાડીઓ પણ હતી. મેટ્રો સીનેમા અને ગ્લેક્સોની નીયોન સાઇન હતી. ગંગા કિનારે રહેતા લોકો વાતવાતમાં ગંગામૈયાના સમ ખાતા. ત્યારના ગોગલ્સની ફેશન આજે પણ ચાલે છે. ઇન્ડીયન એરલાઇન્સ કોર્પોરેશન ડાકોટા વિમાનો ઉડાડતી.

ગીત-સંગીત : આ ફિલ્મનું સંગીતે ખૂબ જ ધૂમ મચાવી હતી. એકે એક ગીત કર્ણપ્રિય હતા. એમાં પણ મેરા નામ ચીન ચીન ચુ તો આજે પણ એટલું જ તાજું લાગે જેટલું એ સમયે હતું. ઓ.પી. નૈયરનું સંગીત હોય ઘોડાના દાબડાની ઇફેક્ટ અને તાળીઓના અવાજ તો હોય જ. આ ફિલ્મમાં સારી વાત એ છે કે અશોક કુમારને એક પણ ગીત નથી ફાળવાયું. એક ગીતમાં માત્ર એ સીટી વગાડે છે.

* દેખતે તેરી નઝર (આશા-રફી) : ડાન્સ ફ્લોર પર ડાન્સ સાથે ગવાતું આ ગીત છે. એકોડર્ીયન-બોંગો અને ગીટાર ગીતને શણગારે છે.

* મેરા નામ ચીન ચીન ચુ (ગીતા દત્ત) : ડાન્સ ફ્લોરના આ ગીતે તો બધાને ગાંડા કર્યા હતા. એમાં પણ હેલનનો ડાન્સ એટલે પૂછવાનું હોય જ નહીં. ગીતમાં પણ કેટલીક વાતો અનોખી છે : બાબુજી મૈં ચીન સે આયી, ચીની જૈસા દિલ લાઇ, સીંગાપુર કા યૌવન મેરા, શંઘાઇ કી અંગડાઇ ! આ ગીતમાં બેઝ ગીટારનો જબ્બર ઉપયોગ થયો છે. આ ગીટાર એવી છે જો વગાડવામાં ભૂલ થાય તો આંગળાં કપાઇ જ જાય. ગીતના અંતમાં બેઝ ગીટારની રમઝટ જલસો કરાવી દે છે.

* આઇએ મહેરબાન (આશા) : આ ગીતમાં બોંગોનું વર્ચસ્વ છે. ટીક ટીક અવાજ કરતું એક વાજીંત્ર પણ અહીં પ્રાધાન્ય ધરાવે છે.

* મહોબત કા હાથ જવાની કા પલ્લા (રફી-આશા) : સુંદર અને કમ્મો પર આ ગીત ફિલ્માવાયું છે. આ ગીતમાં કલકત્તા હાર્બર દર્શન કરાવાયું છે. આ ગીતમાં વલ્લા અને સુબહાનલ્લા શબ્દ આવે છે. આ શબ્દો આજકાલના ગીતોમાં નથી આવતા. આ શબ્દોને ગીતવટો મળ્યો છે. આ ગીતમાં એક દ્વિઅર્થી લાઇન પણ છે : વો નદીયાં કી લહેરોં પે યે ગેંદ બલ્લા....

* ઇંટ કી દુક્કી પાન કા ઇક્કા (રફી) : ફિલ્મમાં ઓમપ્રકાશ દ્વારા ગવાયેલા આ ગીતમાં કલકત્તા દર્શન અને કલકત્તાના ગુણદોષ સમાવાયા છે. આવું જ એક ગીત સી.આઇ.ડી. ફિલ્મમાં હતું : યે હૈ બમ્બઇ મેરી જાન. આ ગીતમાં એક કડી કલકત્તાને બરોબર વર્ણવે છે : યે બસતી હૈ આગ કા દરિયા, જીસ પે હાવડા પુલ હૈ.... આ ગીતમાં કપડા-લત્તા જેવો ગુજરાતી શબ્દ પણ પ્રાસ માટે વપરાયો છે.

* યે ક્યા કર ડાલા તુને (આશા) : પ્રેમના એકરારના આ ગીતને સીટીનો ધ્વનિ નિખારે છે.

* મૈં જાન ગઇ તુઝે સૈયાં (રફી-શમશાદ) : આ સામાન્ય પ્રણયગીત છે.

* ગોરા રંગ ચુનરીયા કાલી (આશા-રફી) : આ ભાંગડા ગીત મહેમૂદ અને મનોરમા પર ફિલ્માવાયું છે. ગીત રંગ જમાવે છે પણ કથા સાથે તાલ મીલાવતું નથી. અહીં મહેમૂદ છવાઇ જાય છે.

ડિરેકશન અને અન્ય બાબતો : આ ફિલ્મનું ડિરેકશન સરળ કહી શકાય . ક્રાઇમ અને લવ આ બે જ પાસાં અહીં છે. છતાં એક વાત કહેવી પડે કે પ્રેક્ષકને જાણ છે કે ગુનેગાર કોણ છે. પછી એ તો માત્ર પ્રણય અને ગીતો જોવાજ બેઠો રહે, રાહ જુએ કે ગુનેગાર ક્યારે પકડાય. શક્તિ સામંતને હાવરા બ્રીજ નીચેથી પસાર થતા સીન લેવાનું વળગણ છે.

ફોટોગ્રાફી અને એડીટીંગ સામાન્ય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝીકમાં આ જ ફિલ્મના ગીતોના ટ્યુન ગુંજે છે. ફિલ્મમાં મધુબાલા અને એનું મારકણું સ્મિત છવાઇ જાય છે. અશોક કુમાર એક પીઢ પ્રેમી જેવો લાગ્યા કરે છે. એને ફાળે પૈસાદાર દેખાવા સીવાય અદાકારીનો ઝાઝો અવકાશ નથી મળ્યો. એના કરતાં ઓમપ્રકાશને ફાળે વધુ સારી ભૂમિકા આવી છે જે સફળતાથી નિભાવી જાય છે. ધુમાલ અને કમ્મો પણ બે નૃત્ય-ગીતમાં છવાય છે. આ ફિલ્મને સફળ બનાવવામાં હેલનનો ફાળો ખાસ્સો કહી શકાય. મેરા નામ ચીન ચીન ચુ ગીતમાં એણે કરેલો ડાન્સ અફલાતુન છે. આ ફિલ્મ એ સમયે ચાલતા પ્રવાહને હિસાબે બનાવાઇ હતી. એકંદરે આ ફિલ્મ મધુબાલા અને સંગીતને હિસાબે સફળ રહી હતી એમ કહી શકાય.

અંતે કલક્ત્તા અને હાવરા બ્રીજ વિશે એક કવિતા..

કલકત્તા

મારે કલકત્તા વિશે લખવું છે

મારી એક આંખ મુંબઇની

એક આંખમાં કચ્છનું રણ

પણ, મારે લખવું છે...

હુગલીના બન્ને કિનારા

જોડતો ઊભો છે

હાવડા બ્રીજ

તમને ખબર છે

એ શેનો બનેલો છે ?

ખરબચડા પથ્થરિયા રસ્તા પર

રીક્ષા ખેંચતા

ઊંડા પેટને સમથળ બનાવવાના

કાળઝાળ પ્રયત્નોમાં

કપાળ પર લથબથ પરસેવો રેલાવતા

લાખો મનુષ્યોનાં હાડપિંજર અને હાડકાં

સૂર્યની ભઠ્ઠીમાં ઓગળ્યાં

ત્યારે

હાવડા બ્રીજનું લોખંડ બન્યું

મારે કલકત્તા વિશે લખવું છે

પણ

કલકત્તાએ પોતાનું મૌન કદી ઉકેલ્યું છે ખરું ? કિશોર શાહ

-કિશોર શાહ kishorshah9999@gmail.com