રંગીન છીપલાઓ Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગીન છીપલાઓ

નિબંધ

રંગીન છીપલાઓ

હરીશ મહુવાકર

વહેતું રહે તે વહેણ. ગતિનું નામ વહેણ. અને ગતિ છે ત્યાં છે જીંદગી. સ્થિરતા છે ત્યાં છે તળાવ. નદીને સ્થિરતા પસંદ નથી તેમ જીંદગીને પણ તે પસંદ નથી. જીંદગીમાં એ મૃત્યુ સ્વરૂપે છે. બચપણ, યુવાની કે વૃદ્ધાવસ્થા જિંદગીના વહેણના નિરંતર પરિવર્તન પામતા, ગતિશીલ પાસાઓ છે.

સમય વીતે ભૂતકાળ પસંદ આવતો રહે છે આપણને. યુવાન થઇયે ત્યારે બાળપણમાં ડૂબકી લગાવીએ ને વૃદ્ધાવસ્થાએ યુવાનીમાં. જે સ્થિતિ હોય તે આમેય આપણને ક્યાં પસંદ આવે છે ! શિશુમાંથી કિશોરાવસ્થા ને ત્યાંથી યુવાવસ્થામાં જવાની ઉતાવળ રહે ને યુવાવસ્થા આવે ત્યારે વૃદ્ધાવસ્થાના સ્વપ્નોને પાછળ ધકેલતા રહેવાનું પસંદ કરીએ અને ચ્યવનમૂનીની ઝંખનાઓ વિકસતી રહે હંમેશ આપણામાં.

ઝાડ પર ચડતા વેલા જેવી હોય છે દૂનિયા બાળપણની. વૃક્ષનો ટેકો, ફૂલવું, ફળવું ને મોજથી ઝૂલવું. વૃક્ષને ગમતું હોય છે વેલાનું તેની ફરતે વીંટળાવું. લીલો વેલો વૃક્ષનો મસ્તાના પોશાક બની રહે છે. વૃક્ષ અને વેલો બંને ઓતપ્રોત થઇ રહે એકબીજામાં. સૂક્કો વેલો જીર્ણ-વિશિર્ણ ઝંખનાનું માળખું. વીંટળાયેલો વેલો વૃક્ષની ભીનાશને જીવંત રાખે તો સામે પક્ષે વૃક્ષ વેલને ક્યારેય વિદાય આપતું નથી. પરંતુ જીંદગી આ ક્રમને અનુસરતી નથી. અવળ-સવળ થયા કરે સઘળુ.

શુદ્ધ આતુરતા, નરી રખડપટ્ટી, વંટોળ શી તાકાત, આકાશી નિર્દોષતાના હોય છે બાળપણના દિવસો. દિગ કે દિગંત વામન લાગે. ઘર, આંગણ કે શાળા ન શીખવી શકે તેવી બાહ્ય પાઠશાળા એકધારી નિમંત્રણ આપતી ઊભી રહે. ડાળીઓની ઊંચાઈ, મજબૂતાઈ અને ફળોના સ્વાદની પરખ આપે સ્થિતપ્રજ્ઞ કે ઝૂલતા રહેતા આંબા, લીમડા, વડલા કે પીપળા. નદીના પટમાં રહેલા ઘૂના કઈ જગ્યાએ છે, ખાણો કેટલી ઊંડી છે, ડેમ સૂક્કો હોય ત્યારે કેટલો ઊંડો ને ભર્યો હોય ત્યારે કેટલો ઊંડો ને એની સરખામણીએ આપણી કેટલી ઊંચાઈ છે તેની ખબર નદીના પૂલ પરથી ઠેકડો મારવાથી, ઝૂકેલી ડાળીઓએથી વહેણમાં કૂદકો કેવોક લાગે છે એ બધું ત્યારે સમજાય. કોમળ હાથ ચોરી કરતા શીખે પણ મન તેને ક્યારેય અશુદ્ધ ન ગણે. એથી કાચી કેરી ને કાચી આમલી, પાકેલી શીંગ ને પાકેલા ગૂંદા, ભોંની અંદરના ગાજર ને ભોં માથે મૂછો ફરકાવતી મકાઈ, ઈંગર ઉપર ચડેલી ખરકોડી કે ઊંચું કરાન્ગસા-ઉમરાનું ઝાડ શોધતા રહે હાથ કોઈની વાડીએથી, શેઢાએથી, નદી કાંઠેથી કે રેલ્વે ટ્રેકની આસપાસની ઝાડી-ઝાંખરામાંથી. આ ચોરી મોટા થઈને જાળવી શકાય. ફરક માત્ર રાખવો વસ્તુઓનો-લાગણીઓનો. નિર્મળ ચોરી કરવી. ચિત્તની ચોરી કરવી કે કોઈકના દુ:ખની. આવી ચોરી તમામ ઉંમરને ન્યાલ બનાવી દે છે.

વહેંચીને ખાવાની ઉંમર છે બાળપણની જે યુવાવસ્થાએ ઓછી થઇ જાય છે ને વૃદ્ધાવસ્થાએ સાવ એકાકી બનાવી અટકાવી દે. પરંતુ બાળપણની ધરોહર મજબૂત તો કોઈ કાળ તેને તોડી શકે નહિ. એક રોટલીના બે-ત્રણ ટુકડા થતા તોય રીસેસમાં પેટ ભરાઈ રહેતું કારણ કે ભાઈબંધ લાવ્યો હોય બે જમરૂખ મોટા મોટા પણ પાંચ નાના મોંઢા એને બટકા ભરે. હોય એક વાટકી લાપસીની પણ કોળીયો બધાયનો અક્કેક. મૂઠ્ઠીભર શીંગ ને દાળિયા. અને એમ ગાંઠિયા-ચેવડો, ભાખરી, નાન ખટાઇ કે કેળા વિગેરેનું વૈવિધ્ય ઠલવાય પેટમાં. આ વૈભવ જેણે માણ્યો તેની યુવાની, વૃદ્ધાવસ્થા ભરી ભાદરી રહેવાની !

લડાઈ વિના કેમ ચાલે ? બોલા-અબોલા ગઠબંધનને સ્હેજે નબળુ ન પાડે. પરીક્ષા લે પ્રેમની. કેટલા દિ’ ટકી શકાય ? ધક્કો દઈને પાડી દીધો, મારો દાવ સરખો આપ્યો નહિ, તુ એના ઘરે શું કામ ગયો હતો ? મને કેમ લેસન કરાવ્યું નહિ ? – ના બહાનાઓ બે-ત્રણ દિવસમાં જ વરાળ બની ઊડી જાય. કહેણ મોકલાવાય: ‘બોલી જા ને.’ રીસેસ અને શાળા છૂટ્યે બધી ગાંઠો ઓગળી જાય. આવું બાળપણ હંમેશા ચક્ષુઓનું ભવ્ય આભૂષણ બની રહેવાનું !

અવળચંડાઇ, અળવીતરા યુવાનીમાં ન આવે તો નવાઈ ! પરંતુ તે ઉગમણી દિશા બાજુના હોવા ઘટે. નદીના સામે વહેણે તરવું, કાંટાળી ઝાડીઓ-વાડો કૂદવી રહી-સંસારની. પગમાં બળ, હૈયામાં ચંચળતા ભરાય ને હાથ પકડે સઘળું ને આંખો તાણી લઇ જાય શૌર્ય ને સાહસ તરફ એથી ઉત્તુંગ, હિમાચ્છાદિત નગાધિરાજ તે યુવાની. હિમાલયને હલાવતું વાવાઝોડું પણ યુવાની જ. સઘળી વ્યવસ્થા, નિયમીતતાને પડકાર એટલે યુવાની અને એટલે જ જેની ના કહે દુનિયા તેને ‘હા’માં પલટાવે યુવાની. પ્રવૃત્તિ કરતી વેળાએ કે અભ્યાસની વેળાએ- સોળના ભાવેય કોઈ પૂછશે નહિ એમ સાંભળીને ચોવીશે કેરેટ શુદ્ધ હીરો બની જાણે તે યુવાની. દોરેલી લાઈનમાં ચાલવું કે ન ચાલવું પણ ઊભા રહ્યાની છાપ છોડી જવી પડે. શરણાગતિ કશાની નહિ. નહિ મર્યાદાઓની કે નહિ સંસાધનોની, નહિ સ્ત્રોતની કે નહિ અવકાશની. ધીમી ગતિના સમાચાર કે ફાસ્ટ સાઇકલીંગ, ખભે બંદૂક ભરવી સીમાપાર દુશ્મનો પર નજર રાખવાનું, વિમાન ઉડાડવું, દરિયો તરવો કે શસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં સંશોધન કરવું, રાત્રે ખેતરમાં કડકડતી ઠંડીમાં ઘઉંને પાણી પીવરાવવું કે ગાઢ અરણ્યોમાં સિંહની ગણતરી કરવા જવું, નૃત્ય કરવું કે મિત્રો સાથે હિલસ્ટેશનમાં રખડવું. સઘળું યુવાનીનું આભૂષણ તો છે આ ! અને તો જ ભીતર અને બાહ્ય સિમેન્ટની દીવાલો કરતા મજબૂત રહેવાનું.

નાવીન્યની મોકળાશ ભરી આપે યુવાની. દુનિયાને બદલનારી મહાહસ્તીઓ પૈકી મોટાભાગના યુવાન હતા. વિવેકાનંદે સમગ્ર દુનિયાને ભારત પ્રતિ નજર માંડવાનું ઉદ્યમ કરી બતાવ્યું. ન્યાતબહાર જઈને ગાંધીએ સાગર ખેડ્યો. અંગ્રેજો સામેની સર્વ મોરચે લડાઈ. યુવા અરવિંદ ઘોષે શ્રેષ્ઠ નોકરીને અવગણીને ‘યુગાંતર’ સામયિક દ્વારા હલચલ મચાવી. માભોમ ખાતર દોરડાને વહાલુ કરનાર ભગતસિંહ અને તેના સાથીદારો. ઝાંસી રાણી સ્ત્રીજાત અને દેશને રોશની આપતી ગઈ. બુક ન વાંચનારાને ફેઇસબુકનું ઘેલું લગાડનાર યુવા સાહસી ઝુકરબર્ગ અને જીહાદને નામે દુનિયાને તબાહી તરફ દોરનારા આતંકીઓ પણ યુવાન જ.

તરંગો પણ ઘડે. શેખચલ્લી પણ આદર્શ બની શકે. કમ સે કમ એ કલ્પનાઓને જન્માવી શકે છે. ન્યુટન કે આઈન્સ્ટાઇન શરૂઆતી શેખચલ્લી હતા. ઋષિમુનીઓની હરએક વાત કપોળ કલ્પિત લાગતી હતી. વિજ્ઞાન, ટેક્નોલોજી અને સર્જનની તમામ શક્યતાઓનો સંગમ શરૂઆતમાં શેખચલ્લી સ્વરૂપે જ આવે. માર્ગે ચાલતા ઠોકર વાગવાની, પરંતુ વાદળ થંભે નહિ કારણ કે પવન થંભે નહિ. નદી રોકાય નહિ કે એને સતત ઢોળાવ મળે-ડેમ આવે તો પણ ઓળંગી જાય. પહાડ તોડી નદી આગળ વધે અને પથ્થર તોડી બીજ બહાર આવે. લાવા પેટાળમાં કેટલોક સમય ધરબાઈને રહી શકે ? દરિયો વિશાળ પણ નાની શી નૌકા કાંઠે પહોંચવા પૂરતી. આમ કોઈ તરંગ આખી યુવાનીને દીવાદાંડી બનાવી દેવા સક્ષમ છે. શક્યતાઓ અહીં જ છે.

પાછુ વાળીને નજર માંડીએ તો અચંબો – નર્યો અચંબો જ હાંસલ થાય. ખુદને નવાઇ લાગે કે યુવાનીમાં તમે એ સાહસ કરી શક્યા. ધારો કે પછી ઢળતી ઉંમરે એ ફરીથી કરવાનું થાય તો ? નહિ કરવા મન કહેશે. ખુદની ધૂન પર હસવું આવશે. હિંમત નહિ થાય હવે. એટલા સારુ કે ટેકરી પર ચડી, વિશ્રામ કરતા-કરતા, હળવી હવાને માણતા, ચારે બાજુનો રમ્ય નજારો આંખોમાં ભરતા બેસી શકાય-માટે યુવાની હોય છે. એમ નહિ તો આંખોમાં નગ્ન વ્યોમ સિવાય શું ઉતરવાનું ? હૈયામાં સમંદરની ખારાશ ને રણની સુક્કાશ પથરાવા સિવાય શું થવાનું ?

મારા બાપાની વૃદ્ધાવસ્થા મારી વૃદ્ધાવસ્થા હશે એમ ધરી લઉં છું. મારા માટે એ આદર્શ છે. શરીર એનું કામ કરવાનું. અમુક-તમુક વસ્તુ ન થઇ શકે તો તેનો રંજ નહિ પરંતુ હૈયુ અને મન સાબુત સાથીદારો તો વૃદ્ધાવસ્થા રળિયાત રહેવાની. જોમ એ શારીરિક નહિ માનસિક પણ છે. હૈયે હામ તો ચરણ ક્યા રૂકે કાશી કે માથુરાએ ! બાપાના ખભે બેસીને જગત જોવું એ લ્હાવો પણ પૌત્રની આંગળી પકડીને તમે બહાર લઇ જતા હો તે તમારા પુત્ર માટે અનન્ય લ્હાવો રળાવી આપ્યો ગણાય. ઉમદા વિચારો, ઉમદા વર્તન, સ્વસ્થ શરીર, ગીરનાર સમુ અવિચળ નિર્મળ મન, ગૌરવશાળી વ્યક્તિત્વના માલિક હતા મારા બાપા. એથી હું કહીશ કે વૃદ્ધાવસ્થા એટલે એ સહુનો સરવાળો. તકલીફો હરકોઈને આવે પણ તેની ફરિયાદ કે વસવસો કરવા માટેનો સમય વૃદ્ધાવસ્થા નથી. નિયમીતતા, સહાનુભૂતિ, કલ્યાણકારી ભાવના, નિરંતર ઉદ્યમનું નામ પણ મારા બાપા હતા. એટલે મારો વૃદ્ધાવસ્થાનો ખ્યાલ આ સર્વ હકીકતોથી મંડાય છે.

નોકરીમાંથી રીટાયર થવાનું હોય પ્રવૃત્તિમાંથી નહિ. કેટલાક તેને વૃદ્ધાવસ્થા સમજે. પણ ઘણાને એ અવસ્થાએ નોકરી મળે ને કેટલાકને નોકરી મળ્યે મનની વૃદ્ધાવસ્થા આવી જતી હોય છે. કેટલાક દીકરા-દીકરીઓને પરણાવી દે એટલે નિવૃત્તિ એમ સમજી લે. કશું ન કરવું, સ્થિર થઇ જવું, સર્વ દ્વારો બંધ કરી દેવા તેને વૃદ્ધાવસ્થા ગણી શકાય. હકીકતે નથી થઇ શક્યું તે હવે કરી શકવાનો અંતરાલ અપાવે તે વૃદ્ધાવસ્થા એમ લેવું જોઈએ. જાતને ઉત્તમ સમય આપવાનો પાકી ગયો ગણાય હવે. સમાજ, રાષ્ટ્ર અને અનેકાનેક ચીજ વસ્તુઓ તમને ઝંખે છે. દટાયેલો ખજાનો ખોળવાનો વખત હવે મળવાનો. તો વૃદ્ધાવસ્થાને મહાસાગર ગણો ને ખાળતા રહો મોજાઓ ને તોફાન ને સફરનો અંત સુખદ જ હોવાનો !

વૃદ્ધાવસ્થામાં કાઠું અટકાવવું શીદને ? શ્રીમતી સાથે ઝૂલતા ઝૂલતા ચા પીતા પીતા પાણી પીતા પંખીઓને જોવાના. ચાલતા-ચાલતા જોગર્સપાર્કના ફૂલોની મહેક માણવાની. ફિલ્લમનો શો બહાનું કાઢી વર્તમાનની મનોરંજન કળાઓને પામવાની. પૂરબવાળા દેવતા હરરોજ પ્રગટાવે એનું સૌંદર્ય પણ આંખે મીસીંગ કર્યું હોય – એવું સૌંદર્ય ઉત્તરાખંડની ઘાટીનું, દાર્જીલિંગના ચાના બગીચાનું કે કોવાલમ બીચનું, કે ઈલોરા-અજંતાની શિલ્પકળા કે પછી મદુરાઈ મંદિરની ભવ્યતા-એ બધું ભરવાનું અંદર ને ખીલવાનું બહાર. ચોતરફના સાદને પામવાનો ને અંતરના નાદને ભેળવવાનો ને પ્રકટી જાય નાદબ્રહ્મ. વૃદ્ધાવસ્થા નાદબ્રહ્મને પામવાની ઘટના.

વૃદ્ધ ગુલઝાર મધુર ગીતો લખી યુવાનોને ડોલાવે. આપણે વાંચેલું પૂન: વાંચીએ. પુત્ર-પુત્રી ને તેના પોતાઓને કહીએ આપણી ને જગતની સંઘર્ષની કથાઓ. મહાનાયક અમિતાભ બચ્ચન ઉદ્યમનો જીવંત ફૂવારો લઇ જાય જ્યાં તે જાય ત્યાં. અબાલ-વૃદ્ધ, યુવાનો પર સઘળુ સામ્રાજ્ય ચલાવે. ચૂમ્બક, ફૂવારો આપણામાંય પડ્યો હોય-લાભ આપીએ પડોશીને, સોસાયટી બહારની સોસાયટીને, ને રાહ જોતા આપણા જીગરી યારોને ! અન્ના હજારે એક અરવિંદ આપી શકે, રાષ્ટ્રમાં યુવાનોને જાગતા કરી દે છે. આપણે આપણા અરવિંદને જગાડી અનેક શાળા-મહાશાળાઓમાં ઢબૂરાયેલા, છૂપાયેલા અરવિંદોને કોઈને કોઈ રીતે જગાડવાનો વખત અહીં જ મળવાનો. ડો. કલામ છેક લગી સ્વપ્નોને સજાવતા રહ્યા એમના અને આપણા. અને વૃદ્ધ સદામ સજેલી દુનિયાને ખતમ કરતો રહ્યો. એમ પણ બને.

સંસાર સાગરની રેત પર પડેલા રંગીન છીપલાઓ છે આ ત્રણ અવસ્થાઓ – બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. હરએક અવસ્થા એની વત્તા-ઓછી, ખટ્ટી-મીઠ્ઠી, ધરા-નભ લઇ આવે તમારી સાથે. એવે ટાણે આ છીપલાઓની સુંદરતા અને સુંવાળપ પામવી એ ઉપક્રમ રાખવો રહ્યો. યાદ રાખવું ઘટે કે હરેક છીપલાનું સૌંદર્ય અલગ છે ને હરેક છીપલાની મજા અલગ છે. ચાલો જે છીપલું હાથમાં છે તેની પરવા કરીએ, ને નજર મહાસાગર-જીવનસાગર ભણી માંડીને પરમને પામ્યાની અનુભૂતિ મેળવીએ.

.....................................................................................................................