ભોપો Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોપો

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : ભોપો

શબ્દો : 1206

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

ભોપો

'
ભોપો ગાંડો.... ભોપો ગાંડો..' રોજની જેમ આજે પણ આ શબ્દો સાંભળવા મળ્યા, કિંતુ હંમેશની જેમ આજે હું સ્વસ્થ ન રહી શક્યો. ભોપાને ગાંડો કહેનાર એ સૌ છોકરાંઓને ગુસ્સે થઈ ભોપાથી દૂર હડસેલવાનો વિચાર મને આવી ગયો, પણ કોણ જાણે કેમ હું તેમ ન કરી શક્યો. હા ભોપા વિશે મનમાં વિચારો સતત ઘોળાતા રહ્યાં.
જ્યારે જ્યારે બાળકો ભોપાને 'ભોપો ગાંડો' કહી ચીડવતાં, તેને પરેશાન કરતાં ત્યારે ત્યારે મને ભોપા વિશે વિશેષ અનુકંપા જાગતી. ભોપાને તો જાણે એક પ્રકારની આદત પડી ગઈ હતી આ બધાંની, છતાં ક્યારેક તે આ તોફાની ટાંબરિયાંઓને જોઈ હસવા લાગતો . જ્યારે જ્યારે બાળકો તેને ચીડવતાં ત્યારે પોતે બે હાથથી તાલબધ્ધ તાળીઓ પાડી ખુશ થઈ ગયાંની અનુભૂતિ કરાવતો, તો વળી ક્યારેક આ જ વાત પર એટલો ઉશ્કેરાઈ જતો કે બાળકોને તે ગાળો ભાંડવા માંડતો. ક્યારેક તો કોઈ એક બાળકને લક્ષ્યમાં રાખી બે હાથથી પોતાનાં શરીરને એ બાળકની પાછળ ઘસડતાં ઘસડતાં લઈ જઈ એ બાળકને મારવાનાં મૂડમાં આવી જતો, અને ત્યારે એ સમયે કોઈનું કોઈ ત્યાં પહોંચી જઈ ભોપાને સમજાવતું અને ભોપો શાંત બની જતો.
બે હાથની મદદથી બે પગે ઘસડાઈને ચાલતા ભોપાની લાંબી ચડ્ડી કાયમ ઉતરી જતી, પણ ભોપાને એનું ભાન ક્યારેય ન રહેતું. નાહી ધોઈને સુઘડ કપડાંમાં ઓળેલાં વાળ વાળા બેઠેલાં ભોપાંને જોઈને કોઈ એમ ન માની શકે કે આ ગાંડો હશે.


તે જ્યારે રિસાતો ત્યારે સ્વચ્છ કપડાં પહેરવાનીસખત આનાકાની કરતો. પરંતુ રોજિંદા જીવનમાં, રોજિંદા વ્યવહારમાં તે જ ભોપો એકદમ સ્વચ્છ અને સુઘડ કપડાં પણ પહેરતો. સ્વચ્છતાનો જ આગ્રહી હોય તેમ સુઘડ અને સ્વચ્છ દેખાવું તેને ગમતું, હા તે રિસાયેલો હોય ત્યારની વાત જુદી હતી.
આવા આ ભોપાને 'ગાંડો' શા માટે કહેવો ? જેને કોઈનાં ચીડવવા માત્રથી ગુસ્સો આવતો હોય, જેને સ્વચ્છતા ગમતી હોય, તેને ગાંડો કહી શકાય ખરો ? પોતાનાં અપંગ શરીરને બે હાથની મદદથી ઘસડતાં ભોપાને ગાંડો કહેવો કે પછી ઘરમાં કોઈ તેનાં પર ખિજાયું હોય ત્યારે સોસાયટીનાં જ કોઈ રહીશને ત્યાં જઈ પોતાનાં પર ગુસ્સે થનાર પોતાની માતા, બહેન કે પોતાના ભાઈ વિશે ફરિયાદ કરતા ભોપાને ગાંડો કહેવો ?


તેની ફરિયાદ કરવાની રીત પણ કેવી ? તે ફરિયાદ કરતી વખતે કહેતો - 'એ કાકા, તમે આવીને મારી મા ને કહી જાઓને કે મારે નહીં.' આપણે પૂછીએ કે 'તને તારી મા એ કેમ માર્યુ ?' તો તુરત જ આંખોમાં ખૂબ જ વેદનાના ભાવ લીંપીને બહુ જ વેદનાગ્રસ્ત ચહેરે એ કહેશે : 'મારી ભાણી બહુ રડતીતી ને એટલે હું એની પર ખિજાયો એટલે....' કાંતો કહેશે ' મેં કારેલાનું શાક ખાવાની ના પાડીને એટલે '
ક્યારેક તો રડતો રડતો તે મારી પાસે આવીને મને કહેવા લાગતો - 'આ જુઓને, મને ખીજવે છે -' વળી મારી પ્રશ્નસૂચક છરને ઓળખતો હોય તેમ કોઈકના વિશે ફરિયાદ કરીને તરત જ કોઈ બાળકની સામે પોતાની આંગળી ચીંધી દેતો.


તે ગમે ત્યાં ગયો હોય, જમવાના સમયે અચૂકહાજર થઈ જતો, આમ તો તે બિચારો ક્યાં ક્યાંય જઈ શકે તેમ હતો ? પણ હા, આખી સોસાયટીમાં તે અચૂક આંટા મારતો જ.. કુદરતી હાજતોમાં પણ તે નિયમિત અને સ્નાન આદિ કાર્યમાં પણ તે સામાન્ય માણસજેવો જ અને એના જેટલો જ નિયમિત પણ. પંગુ હોવાં છતાં પણ તે ક્યારેય અસ્વચ્છ રહ્યો નથી કે નથી ક્યારેય અસ્વચ્છ લાગ્યો. ભલે બીજાની મદદથી પણ એને હંમેશા સ્વચ્છ રહેવું જ ગમતું. આમ તો ભોપો જનમ્યો ત્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હતો, પણ પાંચેક વર્ષનો થતાં ખૂબ તાવ આવવા લાગ્યો, અને તે તાવમાંથી મગજની નસો ખેંચાઈ જતાં તેનાં પગ સાવ નકામા થઈ ગયા અને સાથે સાથે મગજ પણ... અને ત્યાર પછી એની જીભે લોચા વળવા લાગ્યા, મગજ નકામું થતાં તે બીજું તો કાંઈ ન કરતો પણ જો તે રડવાનું શરૂ કરે તો રડ્યાં જ કરતો, અને જો હસવા લાગે તો બસ હસ્યા જ કરતો પોતાની જાતનું તેને પૂરેપુરું ભાન હતું પરંતુ કોઈના જન્મપ્રસંગ કે મલણપ્રસંગનાં હર્ષ કે શોક તેને સ્પર્શી શકતાં નહીં. તેનાં પગ વળેલાં હતાં, માથું મોટું હતું, અને તેનાં હાથ તો એટલાં દૂબળા લાગતાં કે નર્યા હાડકાં જ દેખાતાં, પરંતુ એટલાં દુર્બળ અને નિર્બળ હાથ હોવાં છતાં ધીમે ધીમે હાથની મદદથી ઘસડાઈને ચાલતાં ભોપાએ બહુ સાહજિકતાથી ચાલતા શીખી લીધું હતું, મને ઘણીવાર વિચાર આવતો કે, આ ભોપાને ક્યારેય કશાનું મન નહીં થતું હોય ? તેની પોતાની જાત માટેની દુ:ખ સુખ વ્યક્ત કરવાની લાગણી, 'મને ફાટેલાં કપડાં નથી ગમતાં' વગેરે આંતરિક હશે કે બાહ્ય ? અને જો એ આંતરિક જ હોય તો પછી ભોપાને ગાંડો ગણી શકાય ખરો ?


જેને સ્વચ્છતા ગમતી હોય, જેને કોઈના ચીડવવા માત્રથી ગુસ્સો આવતો હોય, જે ફાટેલા કે સાંધેલા કપડાં પહેરવાની આનાકાની કરતો હોય, કે જેને ઘરમાં કોઈ ખિજાય ત્યારે અન્યને પોતાનાં ભાઈ બહેન વિશે ફરિયાદ કરાનું મન થતું હોય, તેને ગાંડો કહી શકાય ખરો ?


ભોપાને મેં ક્યારેય મંદિર જતા નથી જોયો, જાય પણ કેવી રીતે ? એક તો અપંગ અને તેમાંયે હાથની મદદથી શરીરને ઘસડનાર માટેષરોડ ઓળંગીને બસમાં બેસવુંએ તો માત્ર સ્વપ્નની જ વાત ગણાય, પરંતુ એ માટેનો અસંતોષ ક્યારેય તેનાં મોં પર જોવા મળ્યો નથી. હા.... ઘરમાં તેનાં બા બાપુજી પૂજા પાઠ કરે ત્યારે ઘરમાં રહેલાં ભગવાનને નમન કરવું બેઠાં બેઠાં ઈશ્વર સ્મરણ કરવું એ બધું તેને ગમતું, તે એમ કરતો પણ ખરો, પરંતુ ઈશ્વર પાસે તેણે કંઈ માંગ્યુ હોય એવુંમેં હજી સુધી જાણ્યું નથી, ઈશ્વર જે અવસ્થામાં રાખે એ જ અવસ્થાઆં આનંદથી, સંતોષથી જીવવું એ હકીકત, એ નરી નક્કર ફિલસૂફી તો ભોપાએ ખુદ પોતાનાં જીવનમાં જ ઉતારી હોય એવું લાગે.


આવા આ ભોપા માટે મારા મનમાં અત્યંત કરુણા ઉભરાયેલી રહેતી. તેનાં મોં પરની નિર્દોષતા જોઈને મને તેનો ચહેરો વારંવાર જોવો ગમતો, તેની આંખો હંમેશા ભાવવાહી લાગતી.
તેનો ચહેરો ક્યારેય દંભી નહોતો લાગતો એ તેની તેનાં ચહેરાની, તેનાં સ્વભાવની એક ખાસ વિશેષતા હતી , કે તે જેવો છે તેવો જ દેખાવાનો તે વિશેષ પ્રયત્ન કરતો. ' હું કેવો દેખાઈશ ?' કે પછી 'હું કેવો લાગીશ ?' એ પ્રશ્ન એને ક્યારેય ઉદ્દભવ્યોશહોય તેવું તો હું કલ્પી પણ શકતો નથી. જ્યારે જ્યારે હું લોકોના ચહેરા પર દંભનું મહોરું જોઉં છું ત્યારે ત્યારે મને ભોપો અવશ્ય યાદ આવે આવે જ... મારી નજરમાં તો તે હંમેશ નિર્દોષ ને નિખાલસ જ રહ્યો.


હા તેનાં સ્વભાવની એક ખાસિયત કે કુટેવ જે ગણો તે એક જ અને તે એ કે તેને કંઈક ન ગમતું થાય એટલે તે એટલો બધો તો ગુસ્સે થાય કે તેનાં હાથમાં જે કોઈ ચીજ આવે તેનો તે છૂટ્ટો ઘા કરે, અને જો એમ કરતાં તેને કોઈ રોકે તો એ રડવા લાગે અથવા તો પછી બબડતો બબડતો ઘરની બહાર જ નિકળી જાય. બહાર નિકળ્યા પછી કોઈનાં ઘરનાં ઓટલે કે પછી સોસાયટીનાં કૉમનપ્લૉટમાં પહોંચીને ખૂબ જ બબડે, અને પછી જ તેનો ગુસ્સો શાંત થાય. આમ પોતાની દરેક લાગણી તે જાહેરમાં વ્યક્ત કરી શકે એટલી હદે ભોળો હતો.
વળી સૌને આવજો કહેવું તેને ખૂબ ગમે, સોસાયટીમાં આવતા જતા દરેક જણને તે ચહેરાથી ઓળખે અને તેથી જ સોસાયટીનાં રહીશોમાંનું કોઈ બહાર જતુ હોય તો પોતાનાંઘરનાં પગથિયે બેઠો બેઠો સૌને.. ' એ આવજો....' એમ અચૂક કહે જ, તે જ રીતે કોઈ બહાર ગામથી પાછું ફરે ત્યારે ઓપાનાં 'આવી ગયા ?' નાં પ્રશ્નાર્થમાં પણ આત્મીયતા અવશ્ય હોય જ.


મને તો તેની એક જ વાત સદાય ગમી છે અને ગમશે - તેનું વાસ્તવિકતા સ્વીકારીને નિર્દંભ રીતે જીવવું. લોકોની નજરમાં 'ગાંડો' ગણાતો ભોપો મારાં માટે તો વાસ્તવિક જીવનનું એક આદર્શ રૂપ છે.


ક્યારેક આવતા જતાંતેનાં તેનાં ઘરનાં પગથિયા પર બેઠેલો તેનાં પર મારી નજર પડી જાય ત્યારે એ આવજો... કહેવા તેનો અધ્ધર થયેલો હાથ અને તેને 'ગાંડો' ગણી સપાટ ચહેરે તેનાં તરફ નજર કર્યા વગર જ ચાલ્યા જતાં સૌમાં તેનો એ હાથ મારી નજરે ખરેખર ઊંચકાયેલો જ રહે છે. એ હાથ તે એનાં મનનું પ્રતિબિંબ છે, તેમ મેં સતત અનુભવ્યુ છે. ભરબપોરનાં ધોમધખતા તાપમાં પણ એ હાથ અધ્ધર થતો રહે છે ને તેનો પડછાયો ક્યારેક લંબાતો, ટૂંકાતો ક્યારેક એમ ને એમ જ સ્થિર થઈ નિરાશ થઈ પાછો ખેંચાઈ જાય છે.

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843