ડેડ બોડી Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેડ બોડી

ડેડ બોડી

...........

-વિપુલ રાઠોડ

છેલ્લા આઠ દિવસ જાણે ઘોર અંધકાર વચ્ચે ખુલ્લા મેદાનમાં કેડી શોધવા માટેનાં નિરર્થક પ્રયાસો જેવા બની ગયેલા. એમાં પણ મેદાની પવનની જેમ વિચારોની થપાટો અને સૂસવાટાએ એક અજ્ઞાત ભયનાં કૂવામાં ધકેલી દીધો હોય તેમ શાંતિલાલનો પરિવાર અશાંતિનાં પાણીમાં ગુંગળાઈ રહ્યો હતો. તેમના પત્ની કમળાબેન જાતજાતનાં વિચારો કરીને અધમૂવા થઈ ગયેલા. કોઈપણ અકસ્માત કે અપહરણ કે અન્ય કોઈપણ પ્રકારની અનીચ્છનીય ઘટનાનાં સમાચારમાં તેમને પોતાનો દિકરો આલોક જ સપડાયો હોવાનું દેખાવા લાગ્યું હતું.

એકનો એક દિકરો ક્યારેય સ્કુટરમાં પેટ્રોલ પુરાવા માટે પણ કહ્યા વગર ઘરની બહાર પગ મુકતો નહીં અને ઓચિંતા તે લાપત્તા થઈ જતાં બન્નેનાં પગ નીચે ધરતી સતત કંપતી હોય અને ગમે ત્યારે સરકી જાય તેવી હાલતમાં હતી. એક સામાન્ય નોકરીયાત શાંતિલાલની દુનિયા ખુબ જ નાની હતી અને તેમણે પોતાની દુનિયાનો એકેય ખુણો તપાસવાનો બાકી નહોતો રાખ્યો આ છેલ્લા આઠ દિવસમાં. પોલીસમાં જાણ કર્યા પછી પણ શાંતિલાલ અને કમળાબેનની શોધખોળ જરાય મંદ ન્હોતી પડી. ઘરમાં ક્યાય આડે હાથ મુકાઈ ગયેલી વસ્તુ મળતી ન હોય અને વારંવાર એક જ સ્થાને તેને શોધતા રહીએ તેવી રીતે પોતાના સગાવ્હાલાઓ અને આલોકનાં મિત્રોને એકથી વધુ વખત પૃચ્છા કરતું રહેતું હતું આ દંપતિ. આખી જીંદગી એકાદ અઠવાડિયાની એકસામટી રજા લઈને ક્યાંક ફરવાનાં માત્ર સપના જોયે રાખનાર આ પતિ-પત્નીએ આ આઠ દિવસમાં કેટલી રઝળપાટ કરી નાખી હતી તેનું પણ તેમને ભાન નહોતું.

હજી અઠવાડિયા પહેલા મંદિર જેવું રળીયામણું લાગતું ઘર આજે સ્મશાનવત ભેંકાર ભાસતું હતું. ઘરની દિવાલો જાણે ભણકારાનાં લાઉડસ્પીકર ગજાવતી હતી. મને કમને થોડુંક જમ્યા પછી બન્ને અત્યારે એકલા બેઠા છે. આજે કોઈ મિત્ર કે સંબંધીની ચહલપહલ નથી અને ઘરમાં સૂનમૂન બેઠા-બેઠા હવે દિકરાને ક્યા શોધવો તેની અટકળો બન્નેનાં મનમાં ચાલતી હતી. કમળાબેન સફાળા ઉભા થઈને પાડોશીને ત્યાં દોડી ગયા. તેમને અચાનક જ યાદ આવ્યું હતું કે આજે તેમના ઘરે છાપું નથી આવ્યું અને ફટાફટ બાજુમાંથી છાપું લાવીને પાના ફંફોળવા લાગ્યાં. એકેક સમાચાર ઝીણવટથી વાંચીને ફડકા સાથે પોતાના આલોક સંબંધિત કોઈ સમાચાર તો નથી આવ્યાને તેની ખાતરી કરવાં લાગ્યા. છેલ્લા ચારેક દિવસથી બધા જ સમાચાર વાંચી જવા તેમનો ક્રમ બની ગયો હતો. પાના ફેરવતા ફેરવતા છેલ્લા આટલાં દિવસોમાં રડીરડીને સુકાઈ ગયેલી આંખોને એક જાહેરાત ધ્યાને આવી... જેમાં મોટા મથાળે લખેલું હતું 'ગુમ થયેલ છે'. ફોટો સાથેની એ જાહેરાત વાંચીને તેમને સ્હેજે વિચાર આવી ગયો અને શાંતિલાલને બોલ્યા, 'આપણે પણ આવી એકાદી જાહેરાત આપી જોઈ હોય તો...'

'હમમમ... હા, એ પણ કરી જોઈએ. આજે જ સાંજે હું જાહેરાત આપી આવીશ.' શાંતિલાલ પણ આલોકની શોધમાં કોઈ કસર છોડવા માગતા ન હતાં.

'સાંભળો... મુંબઈમાં મનુમામાને ફોન કરી જોઈએ તો ? કદાચ છેલ્લા એકાદ બે દિવસમાં એ ત્યાં પહોચ્યો હોય તેવું ન બને?' ચિંતાતૂર કમળાબેને ફરીથી મુંબઈ ફોન કરવાં માટે સુચન કર્યુ પણ શાંતિલાલે હજી ગઈકાલે જ રાત્રે ત્યાં ફોન કર્યો હોવાની તેમને ખબર નહોતી. એટલે શાંતિલાલ ભાવહીન બોલ્યા 'કાલે રાત્રે જ ફોન કર્યો હતો મે. એ ત્યાં નથી ગયો.' ફરીથી બન્ને મૂંગા થઈ ગયા અને પોતાના વિચારોમાં ગુંગળાવા લાગ્યા.

ઘર જાણે અવાજ પણ શોષી ગયું હોય તેમ બહેરાશ જેવી પીડાદાયક શાંતિ છવાયેલી હતી. ત્યાં જ શાંતિલાલનો મોબાઈલની રીંગ ધીમી-ધીમી સંભળાઈ અને કમળાબેન તુર્ત જ ઉભા થઈ રૂમમાંથી ફોન લેવા દોડી ગયા. ફોનમાં અજાણ્યો નંબર જોઈને તેમણે ઓસરીમાં શાંતિલાલને ફોન લંબાવવાની ધીરજ પણ ન રાખી અને કોલ રીસીવ કરીને બોલ્યા 'હલ્લો...'

'હું દેવલોક વિસ્તારનાં પોલીસ સ્ટેશનેથી બોલું છું... તમે કોઈનાં ગૂમ થયાની જાણ કરેલી છે !' કમળાબેને કંઈ જ જવાબ આપ્યા વગર ફોન તરત જ શાંતિલાલને લંબાવ્યો અને કહ્યું 'આ લ્યો તો જલ્દી... પોલીસ સ્ટેશનેથી ફોન છે કદાચ કંઈક જાણ મળી લાગે છે...'

શાંતિલાલે તરત જ ફોન લઈને કહ્યું 'હા સાહેબ...'

'તમે ગૂમ થયાની જાણ કરી છે ને? તાત્કાલિક સરકારી હોસ્પીટલનાં શબઘર આવી જાઓ... એક મૃતદેહ આવ્યો છે. ઓળખ માટે આવવાનું છે.' સામે છેડેથી ભાવશૂન્ય અવાજે બોલાયેલા આ શબ્દોએ શાંતિલાલને હૃદયનાં બે ઉભા ફાડા કરી નાખતો ધ્રાસકો પાડી દીધો. તેઓ આગળ કંઈ પૂછે એ પહેલા જ સામેથી ફોન કપાઈ ગયો અને આ બાજુ શાંતિલાલની જાણે જીભ પણ કપાઈ ગઈ... વિચારશૂન્ય શાંતિલાલનું મન ચિત્કારી ઉઠ્યું. કપાળે ઓચિંતા પસીનો બાઝી ગયો અને આંખની કોરમાં ભીનાશ આવી ગઈ. કમળાબેનને પણ કંઈક માઠા વાવડનો અણસાર આવી ગયો. કંઈ જાણ્યા જોયા વિના તેમણે રોકકળ શરૂ કરી...

સ્હેજ સભાન થઈ શાંતિલાલે તેને શાંત્વના આપી અને હોસ્પીટલે કોઈ મૃતદેહની ઓળખ માટે જવાનું છુપાવીને પત્નીને કોઈ ઈજાગ્રસ્તને ઓળખવા માટે જવાનું હોવાનું કહ્યું.

ઘરથી હોસ્પીટલ તો આંખનાં પલકારામાં આવી ગઈ પણ ત્યાં સ્કૂટર પાર્ક કર્યા પછી શાંતિલાલનાં પગે જાણે જહાજનું લંગર બાંધ્યું હોય તેવો ભાર આવી ગયો. એક એક ડગલું ભરવામાં જાણે ભારેખમ પગને ઢસડી જવા જેવું બની ગયું. બીજીબાજુ કમળાબેનને સંભાળી રાખવાની પોતાનાં ખભ્ભાની જવાબદારી પણ ખરી. હોસ્પીટલનાં પરિસરની ચહલપહલ જાણે થંભી ગઈ અને સ્મશાનનાં ભેંકાર રસ્તે ચાલ્યા જતાં હોય તેવો બોજ શાંતિલાલની છાતી ભીંસતો હતો. દૂરથી દેખાતું શબઘરનું પાટીયું અને તેની જ દિશામાં મંડાતા પગલાં કમળાબેનને પણ કંઈક અશુભનાં અપશુકન કરાવતાં હતાં. તે હવે બસ કમકમાટીભર્યુ રુદન શરૂ કરે એટલી જ વાર હતી...

માંડ શબઘર પહોચ્યા, ત્યાં ઉભેલા એક પોલીસમેન સાથે વાત કર્યા બાદ બન્ને વિચિત્ર પ્રકારની વાસ મારતાં ખંડમાં પહોચ્યા. અંદર લાઈટ ચાલું હતી પણ ધૂળથી રંગાઈ ગયેલી દિવાલો એ ઓરડાને અંધારીયો બનાવી રાખતી હતી. અંદરનાં કર્મચારીએ રોજીંદા બની ગયેલા ઘટનાક્રમનું નિરસ પુનરાવર્તન કરતાં બન્નેને અંદર બોલાવ્યા. એ એરડામાં ત્રણ ઢાંકેલી લાશ હતી. દુકાનદાર પોતાનો માલ વેંચવા માટે દેખાડવા આગળ જતો હોય તેમ એ છેલ્લી ડેડબોડી પાસે પહોંચ્યો. 'આવો... આ બોડી તમને દેખાડવાનું છે.'

કમળાબેનનું હૃદય હવે બેકાબૂ હતું. છાતી ઉપર ઘણ પડતાં હોય એમ ધબકારા સાથે તેમનાં ઉંહકાર નીકળવા લાગ્યા, દીકરો ગુમાવ્યાની દહેશતે તેમનું શરીર વીજળીનો કરન્ટ લાગ્યો હોય તેમ કંપવા લાગ્યું. શાંતિલાલ કેમેય કરીને પોતાની સ્વસ્થતા જાળવી રાખવા, કમળાને સંભાળી લેવા શક્તિ એકઠી કરવાનાં પ્રયાસમાં આગળ વધ્યા જતા હતાં. બન્ને એ નિષ્પ્રાણ દેહની નજીક પહોચ્યા કે તરત જ પેલા કર્મચારીએ ઢાંકેલું કપડું ફટાક દઈને હટાવી દીધું.

ઘડીભર માટે સમય જાણે થંભી ગયો... ધબકારા થંભી ગયા... મોત સામે આવી ગયું હોય તેવો સૂનકાર ફરી વળ્યો... તમરા વાગવા લાગ્યા અને...

એક લાંબો હાશકારો.... બન્નેની આંખમાં જાણે હર્ષનાં આંસૂ આવી ગયા... રાહતથી બન્ને એકબીજાને ભેટી પડ્યા... આ દેહ આલોકનો નથી ! મોટી ઘાત ટળી ગયા પછી પણ ઓસરતા ડર વચ્ચે એક વિચિત્ર રાહત અનુભવાતી હોય તેવી લાગણી થઈ. 'ના... આ ભાઈને અમે નથી ઓળખતા' બોલીને શાંતિલાલે પત્ની કમળાનો હાથ ઝાલી બહારની વાટ પકડી.

ત્યાં જ સામે એક બીજું દંપતિ મળ્યું. જાણે કોઈ ઔપચારિકતા પૂરી કરવાં આવ્યા હોય તેમ કોઈપણ પ્રકારની ભીતિ વગર તે પણ અંદર ઓળખવિધિ માટે જ આવ્યું હતું. અંદર પ્રવેશતા તેમના વચ્ચે થયેલી વાતચીત શાંતિલાલ અને કમળાબેનનાં કાને અથડાઈ...

બન્ને વચ્ચેની વાતમાંથી ખ્યાલ આવ્યો કે છેલ્લા ચાર મહિનામાં એ બન્ને અહીં નવમો મૃતદેહ ઓળખવા આવ્યાં છે. જો કે શાંતિલાલ અને કમળાબેન પોતાની રાહતનાં સંતોષ સાથે આગળ ચાલતાં રહયા અને બહાર નીકળીને પોલીસમેનને જાણ કરી કે અંદર રહેલાં બોડીનાં જીવ સાથે પોતાને કોઈ સંબંધ ન હતો. આ વાતચીત ચાલતી હતી ત્યાં જ....

અંદરથી પડઘાતી પોક સંભળાઈ... પોલીસમેન, શાંતિલાલ અને કમળાબેનને બે ઘડી એ બિહામણા રુદનથી ફાળ પડી પણ સાથેસાથે એટલું સમજાઈ ગયું કે ડેડબોડી ઓળખાઈ ગઈ... પોલીસમેનને જાણે પોતાની જવાબદારી ઘટ્યાનો હાશકારો થયો... કદાચ ચાર-પાંચ માસથી પોતાના સ્વજનને શોધતા રહેલા એ અજાણ્યા દંપતિને પણ આ લાશ જોઈને પોતાની તલાશ પુરી થયાનો હાશકારો થયો હોય તો કોણ જાણે...

..................................................