BOOT POLISH Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

BOOT POLISH

સ્વાશ્રયનો સંદેશ : બૂટ પૉલીશ (૧૯૫૪) -કિશોર શાહઃસંગોઇ

રાજ કપૂરે પ્રણય ફિલ્મો સાથે સાથે બે બાળ ફિલ્મો બનાવી. એક હતી અબ દિલ્હી દૂર નહીં અને બીજી બૂટ પૉલીશ. ભૂખ અને ભીખના ભરડામાં ભીંસાતા દેશના બાળધનને સ્વાશ્રયી કરી પોતાના પગ પર ઊભા થવાનો સંદેશ આપતી બૂટ પૉલીશ ફિલ્મ એ સમયે ખૂબ ચાલેલી. આ ફિલ્મમાં જીવનનો એક પ્રાણ-પ્રશ્ન બેલુના મુખે મુકાયો છે : ચાચા, ભૂખ રોજ ક્યોં લગતી હૈ ? આ ભૂખ માણસને શું નથી કરાવતી ! આ ફિલ્મના ડિરેકટર પ્રકાશ અરોરા હતા. રાજ કપૂરને ગીતોના ચિત્રીકરણમાં મજા ન આવી એટલે ગીતોનું ચિત્રીકરણ ફરી કરવામાં આવ્યું હતું. એ સમયે કેટલીક બાળ ફિલ્મો આવેલી. જેમ કે હમ પંછી એક ડાલ કે-મુન્ના-જાગૃતિ વગેરે. આમાં જાગૃતિ, હમ પંછી એક ડાલ કે, અબ દિલ્હી દૂર નહીં અને બૂટ પૉલીશ સફળ રહી હતી. બૂટ પૉલીશને ૧૯૫૫ના કૅન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં એન્ટ્રી મળી હતી. બાળ કલાકાર તરીકે બેબી નાઝનો ખાસ ઉલ્લેખ થયો હતો. ડિરેકટર પ્રકાશ અરોરા પામ દ’ઑર માટે નોમીનેટ થયા હતા. ભારતમાં આ ફિલ્મને ત્રણ ફિલ્મફેર ઍવોર્ડ મળ્યા હતા. બેસ્ટ સીનેમેટોગ્રાફી માટે તારા દત્તને, બેસ્ટ ફિલ્મ માટે રાજ કપૂરને અને બેસ્ટ સપોટર્ીંગ એકટર માટે ડેવીડને.

નિર્માતા : રાજ કપૂર

લેખક : ભાનુ પ્રતાપ

કલાકાર : બેબી નાઝ-રતન કુમાર-ડેવીડ અબ્રાહમ-ચાંદ બુરોઉએ-વીરા-ભુપેન્દ્ર કપૂર-શૈલેન્દ્ર-બુઢો અડવાની-પ્રભુ અરોરા.

ગીત : હસરત જયપુરી-શૈલેન્દ્ર-દીપક

સંગીત : શંકર જયકિશન

ગાયક : આશા ભોસલે-મન્ના ડે-તલત મહમૂદ-મહમદ રફી-મધુબાલા ઝવેરી

સિનેમેટોગ્રાફી : તારા દત્ત

ઍડીટીંગ : જી.જી. મયેકર

ડિરેકશન : પ્રકાશ અરોરા

કથા : કોઇ શહેરમાં રોગચાળો ફાટી નીકળતાં બેલુ (બેબી નાઝ) અને ભોલા (રતન કુમાર)ની માતાનું મૃત્યુ થાય છે. બન્નેના પિતા કાળાપાણીની સજા ભોગવતા હોય છે. સેવા સમિતીનો સ્વયં સેવક મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતી એની કાકી પાસે તેમને મૂકી જાય છે. અહીં તેઓ કંજૂસ પણ માયાળુ જોન ચાચા (ડેવીડ)ના પરિચયમાં આવે છે. જુલ્મી, કર્કશ અને મગજની ફરેલી કમલા કાકી (ચાંદ બુરોઉએ)ને આ બન્ને બાળકો ભારરૂપ લાગે છે. કમલા કાકી નાચગાન અને દેહ વિક્રયનો ધંધો કરે છે. એ બન્ને બાળકોને ભીખ માગવાના કામે લગાડી દે છે. રોજના ચાર આના લાવવાની શરતે કમલા બન્નેને ભીખ માગવાની કળા શીખવે છે. બન્ને બાળકોને ગાવાનું હોય છે : હાથ મેં હોગી ખાલી ઝોલી, મુહ મેં દુવાએં હજાર. રોજેરોજ બન્ને બાળકોને કાકી તરફથી ભૂખ અને મારનો પરિચય થાય છે. એમના જીવનમાં પ્રેમ આપે છે ખ્રીસ્તી જોન ચાચા. કાખ-ઘોડીના ટેકે ખોડંગાતી ચાલે ચાલતા જોન ચાચા એમના જીવનમાં પ્રેમની સરવાણી વહાવે છે.

બન્ને બાળકો ટ્રેનમાં ભીખ માગતા ફરે છે. ક્યારેક તેઓ મૂગા બને છે તો ક્યારેક આંધળા. એમને કાકીના હાથનો માર અને જગતના અપમાનની ટેવ પડી જાય છે. ચાચીને આપ્યા પછી કેટલી કમાણી વધી એ માટે તેઓ નિત્ય આતુર હોય છે. ગણિત નથી આવડતું છતાં એક એક પૈસાનો હિસાબ રાખ્યા કરે છે. એમની વસ્તીનો એક મુફલીસ ચીટકુ ટ્રેનમાં બૂટ પૉલીશ કરતો હોય છે. એની ગૌરવની કમાણી અને પોતાનું અપમાન, અવહેલના અને ધિક્કાર અનુભવતા બન્ને બાળકો મનોમન ભીખ માગવાનું છોડી દઇને બૂટ પૉલીશનો ધંધો કરવાનું નક્કી કરે છે. એક દિવસ માર ખાઇને ભૂખ્યા રહેલા બાળકોને જોન ચાચા મળે છે. જોન ચાચા : ભૂખ લગી હૈ ? ભૂખ લગી હૈ ? બેલુ : હાં ચાચા, મુઝે રોજ રોજ ભૂખ લગતી હૈ. ચાચા : ભૂખ હમારે વતન કા સબસે બડા બિમારી હૈ. જીંદગી કા ઠોકર ઓર મુસીબત કા હંસ કે મુકાબલા કરના માંગતા હૈ. હાં હંસ કે. ભોલા, તું ભીખ માગના બંધ કર. ભગવાનને યે દો હાથ દીયા હૈ ન ! ઇસ મેં બડા તાકત હૈ. આજ તુમ્હારા હાથ છોટા હૈ. તુમ છોટા કામ કરો. કલ યહી હાથ બડા બડા કામ કરેગા. દુનિયામેં ઐસા કોઇ કામ નહીં હૈ જો યે હાથ નહીં કર સક્તા. ભોલા તું ભૂખા મર જા. લેકીન ભીખ મત માંગ..ભીખ મત માંગ બેટા ! ભોલો ભીખ ન માગવાના સોગંદ ખાય છે. ભોલો : ચાચા આજ કીતની અંધેરી રાત હૈ ! બેલુ : હાં ચાચા આજ બહોત કાલી રાત હૈ. જોન ચાચા : હાં બેટા, અંધેરી રાત હૈ. ભોલે, યે ઝોંપડીયાં દીખતી હૈ ન ? ઇસ મેં હમ-તુમ, હમારે જૈસા હજારોં ઇન્સાન જનાવર કે માફીક રહેતા હૈ. ઓર ઇસ અંધેરી રાત

સે ભી કાલી જીંદગી બસર કરતા હૈ. મગર યે અંધેરી રાત ખતમ હોગી. જરૂર હોગી, કભી ન કભી. મેરા દિલ કહેતા હૈ. ઓર ફિર સુબહ હોગી. ઓર ફિર ઇન કી જીંદગીમેં કોઇ સૂરજ સોના ફૈલા દેગા. વો સબ કો દેખતા હૈ. સબ કો દેતા હૈ.

ભોલો અને બેલુ બુટ પૉલીશના સામાનમાં ખૂટતા પૈસા એકઠા કરવા છેલ્લી વખત ભીખ માગવા જાય છે. પૈસા ખૂટતાં જોન ચાચાને બનાવી તેની પાસેથી ત્રણ આના લે છે. તેઓ બૂટ પૉલીશની ડબ્બીઓ અને બ્રશ ખરીદે છે. ભીખના ધંધામાંથી છૂટકારો મેળવતાં ખુશ થઇ કહે છે : બેલુ : આજ અપના હિન્દુસ્તાન આઝાદ હો ગયા. ભોલો : બોલો, ભીખ માગના બંધ. મહાત્મા ગાંધી કી જય. પંડિત નહેરૂ કી જય. ચીટકુને આ ધંધાની ખબર પડે છે. ચાચી પાસેે બુટ પૉલીશની વાત ન કરવા માટે રોજનું ચાર આના કમીશન નક્કી થાય છે. નવા નિશાળીયા જેવા બાળકો બુટ પૉલીશ કરતાં કરતાં ગ્રાહકોના કપડાં, મોજાં વગેરે બગાડી નાખે છે. સ્યુએડના બુટ પર પણ પૉલીશ લગાડી દે છે અને ગ્રાહકના હાથનો માર ખાય છે. ભોલાની હિંમત ભાંગી પડે છે. એ સામનની થેલીનો ઘા કરે છે. બેલુ એને સધિયારો આપે છે. બન્ને જોન ચાચા પાસે બુટ પૉલીશના પાઠ ભણવા જાય છે ત્યારે જોન ચાચા અંગ્રેજી ગીતની તરજ બેસાડતા હોય છે. ‘‘ઇટ’સ એ લોંગ વે.....’’. ( આ પંક્તિ થોડામાં ઘણું કહી જાય છે.) જોન ચાચા પાસેથી બૂટ પૉલીશના પાઠ ભણ્યા પછી મુંબઇના વિવિધ વિસ્તારોમાં બન્નેનો ધંધો ચાલી નીકળે છે. ભોલો-બેલુ અને જોનચાચા રાજી હોય છે. એક વખત ચાર આનાની બચત થાય છે. ભોલુ અને બેલા એ ચાર આનામાં એકમેક માટે ફ્રોક અને શર્ટ ખરીદવા હઠાગ્રહ કરે છે. એક દિવસ દારૂની ડિલીવરી કરતાં જોન ચાચા પોલીસના હાથે પકડાઇ જાય છે. જોન ચાચાને એ ગુના માટે જેલ થાય છે. ભોલા અને બેલુ પરથી પ્રેમનું છત્ર ઊડી જાય છે. જોન ચાચા જેલમાં રીઢા કેદીઓને મળે છે. અહીં કેદીઓની સીનીયોરીટી એમની સજાની મુદત પ્રમાણે હોય છે. જોન ચાચાનો પ્રિય દોસ્ત છે પેદરો (બુઢો અડવાણી). જેલમાં પણ તેઓ ગીતો ગાઇને સજાનો ભાર હળવો થાય એમ રહે છે. ટાલ પર વાળ ઉગાડવા મલ્હાર રાગ ગાતાં વરસાદ પડે છે.

આ વરસાદ ઝૂંપડપટ્ટીના લોકો માટે શ્રાપ સમાન છે. વરસાદ પડતાં જ ભોલા-બેલુનો બુટ પૉલીશનો ધંધો ઠપ થઇ જાય છે. બેલુને તાવ આવે છે. એ એની મા માટે ઝૂરે છે. ચીટકુ એમની ચાડી ખાય છે અને કમલા કાકી બન્નેને ઘરની બહાર કાઢી મૂકે છે. તાવમાં ધખતી બેલુને લઇને ભોલો જોન ચાચાની ઝૂપડીમાં જાય છે. ઝૂંપડી ભાંગી ગઇ છે. તેઓ ફરી પૉલીશ કરવા માટે લોકો પાસે કરગરે છે. એક માણસ પૉલીશ ન કરાવતાં જાન છોડાવવા બે આના આપે છે. ભોલો એનો અસ્વીકાર કરે છે. પણ તાવ અને ભૂખમાં ધખતી બેલુ એ સ્વીકારે છે. ભોલો બેલુને ભીખ માગવા લાફો મારે છે. પ્રશ્નાર્થ જેવો બે આનાનો સિક્કો એ બન્ને વચ્ચે સડક પર પડ્યો છે. અન્ય ભિખારી છોકરો એ સિક્કો લઇ ચાલતો થાય છે.

ટ્રેનમાં પૉલીશનું કામ મળી જશે એ આશાએ બન્ને સ્ટેશને જાય છે. અશક્ત બેલુ દરવાજા પાસે સૂઇ જાય છે અને ભોલો કામની તપાસ આદરે છે. કોઇનું ખિસ્સું કપાતાં હો હા થાય છે. પોલીસના ડરથી ભોલો ટ્રેનમાંથી ઉતરી જાય છે અને ટ્રેન બેલુ સાથે આગળ વધી જાય છે. ટ્રેનમાં એક શ્રીમંત નિસંતાન દંપતિ ચઢે છે. બેલુને બેહોશ જોઇ તેઓ પોતાના ઘરે લઇ આવે છે. બેલુ ભોલાનું જ રટણ કરતી રહે છે. દંપતિ બેલુને એના ઘરે લઇ જવા કહે છે. તેઓ બેલુના ઘરે ઝૂંપડપટ્ટીમાં જાય છે. કમલા પાસે બેલુને દત્તક લેવાની માગણી કરે છે. કમળા બેલુને ૧૦૦ રૂપિયામાં વેચી દે છે. ભોલાની ખબર પૂછતાં કમલા જણાવે છે કે ભોલો તો મરી ગયો.

આ તરફ ભોલો બેલુને શહેરમાં શોધ્યા કરે છે. એ કમલા પાસે જાય છે. કમલા રહેતી હોય છે એ ઝૂંપડપટ્ટી હટાવી દેવાય છે. કમલા અન્યત્ર ખોલી રાખીને મુજરાનો વ્યવસાય શરૂ કરે છે અને ભોલાને આવનારા ગ્રાહકોના બૂટ પૉલીશ કરવા પડે છે. કમલા અહીંથી પણ એને હાંકી કાઢે છે. બેલુને ઝંખતો ભોલો કોઇ પૂલ નીચે રસ્તા પર કૂતરાઓ વચ્ચે પડ્યો રહે છે. ભોલો પૉલીશ છોડી બોર વેચવાનો ધંધો શરૂ કરે છે. બેલુને એના પાલક માતા-પિતા ધાર્મિક વિધી અનુસાર ખોળે બેસાડે છે. બેલુનું નવું નામ રેણુ અપાય છે. બેલુના પાલક પિતા એની પાસેથી બેલુ માટે બોર લે છે. (અહીં હિંદી ફિલ્મોની એક વાત સમાન રહેતી. હોઠ અને પ્યાલા વચ્ચેનું અંતર. જ્યારે કોઇ બે-ત્રણ પાત્રો વિખુટા પડી જાય ત્યારે એ પાત્રો બે-ત્રણ વખત મળતાં મળતાં રહી જાય. આ વિખુટા પાત્રો ફિલ્મને અંતે જ મળે.) બોર વેચતા ભોલાને પોલીસ ફેરી કરવા પકડે છે. ભોલો અનાથ હોવાથી એને અનાથાશ્રમમાં દાખલ કરી દેવાય છે. અહીં બેલુનું ભણતર શરૂ થાય છે.

આ તરફ જોન ચાચા જેલમાંથી છૂટે છે. જેલમાં સજા પામેલો ચીટકુ એને બેલુ અને ભોલો વેચાયાના ખબર આપે છે. જોન ચાચા બેલુ-ભોલાને શોધવાના પ્રયાસ કરે છે. એને બેલુ ક્યાં રહે છે એ વિસ્તારની ખબર પડે છે. જોનચાચા એ વિસ્તારમાં બૂમો પાડતાં પાડતાં બેલુને શોધી લે છે. બેલુને સુખી જોતાં જોન ચાચા રાજી થઇ જાય છે. બેલુની જૂની યાદો ભૂલાવા એના માતા-પિતા બીજે દિવસે બહારગામ લઇ જવાના હોય છે. જોન ચાચા ભોલાને શોધવાનું વચન આપી, બેલુને આશિર્વાદ આપી વિદાય લે છે. બીજા દિવસે સવારે અનાથાશ્રમના સેવકો દાન માટે ગીત ગાતા ગાતા ફેરીએ નીકળે છે. બેલુના ઘર નજીક આવતાં, ભોલાને લાગ્યું કે આ દાન માગવું પણ એક પ્રકારની ભીખ છે. ભોલો ત્યાંથી ભાગી છૂટે છે. (ફરી હોઠ-પ્યાલા વચ્ચેનું અંતર). ભૂખ્યો ભોલો એક હોટેલની બહાર ઊભો છે. વાનગી જોતાં એનો હાથ લંબાઇ જાય છે. એ હાથમાં કોઇ સિક્કો મૂકી દે છે. ભોલો અવાચક બની સિક્કાને જોઇ રહે છે. ભૂખ પર ભીખનો વિજય થતાં ફરી શરૂ થાય છે ભીખ માગવાનું ચક્કર.

ભોલો ભીખ માગવા બોરીબંદર સ્ટેશને પહોંચે છે. ત્યાં સ્ટેશન બહાર જોન ચાચા પણ એને ગોતતાં પહોંચે છે. સ્ટેશનમાં બેલુ અને એના માતા-પિતા પ્રવેશી ટીકીટ માટે લાઇનમાં ઊભા રહે છે. ભોલો ભીખ માગતાં માગતાં બેલુ પાસે પહોંચે છે. ભોલાને ભીખ આપવા બેલુ એની પાકીટમાંથી બે આનાનો સિક્કો કાઢે છે. એ ભીખ આપવા જાય છે અને નજર મેળવે છે ત્યાં જ ભોલાને ભીખ માગતો જોઇ ચકિત થઇ જાય છે. એની આંખો સામે બે આનાની ભીખનો, ભૂખનો, લાફો ખાધાનો જૂનો પ્રસંગ યાદ આવી જાય છે. બેલુને જોતાં જ ભોલો પોતાની નજરોમાંથી પડી જાય છે. એ રસ્તા પર ભાગે છે. બેલુ એનો પીછો કરે છે. રસ્તે જતા જોન ચાચા પણ એમાં જોડાય છે. લંગડાતા જોન ચાચાને ટ્રામની ઠોકર વાગે છે. ભોલો જોન ચાચા પાસે આવે છે. બેલુ-ભોલાનું મિલન થાય છે. જોન ચાચા બન્નેના માથા પર વાત્સલ્યભર્યો હાથ ફેરવે છે. બેલુના માતા-પિતા ભોલાનો પણ સ્વિકાર કરે છે. ભોલો અને બેલુ બન્ને શાળાએ ભણવા જાય છે. તેઓ નવી જીંદગી શરૂ કરે છે.

ગીતો : ગીતો આ ફિલ્મનો પ્રાણ છે. એ સમયે ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. ગીતોમાં સ્વાશ્રયનો સંદેશ અને શીખામણો સરસ્વતી નદીની જેમ વહ્યા કરે છે.

*જોડકણું : આ ફિલ્મમાં એક જોડકણું છે જેનું સંગીત નથી અપાયું. ભીખ માગવાનું એ જોડકણું થોડી રમૂજ ઊભી કરે છે.

દેલાઇ દીલા દે બાબા દેલાઇ દીલા દે/દેલા નહીં દેગા તેરી ચોરી હો જાયગી/ ચોરી જો હોગી, થાને તું જાયગા/થાને જાકે તું રીપટ લીખાયગા/ઇતના જો કરેગા/ દેલાઇ દીલા દે બાબા દેલાઇ દીલા દે. /દેલા નહીં દેગા તેરી નાની મર જાયેગી/ નાની જો મરેગી, હરદ્વાર જાયગા/હરદ્વાર જાકે પંડોં કો ખીલાયગા/ઇતના જો કરેગા. દેલાઇ દીલા દે બાબા દેલાઇ દીલા દે.

* રાત ગઇ ફિર દિન આતા હૈ (મન્ના ડે-આશા-મધુબાલા ઝવેરી ) : નક્કર આશાવાદનું આ ગીત જોન ચાચા બાળકો પાસે ગાય છે. આ ગીતની કેટલીક સુંદર પંક્તિઓ માણીએ. રાત ગઇ ફીર દિન આતા હૈ, ઇસી તરહ આતે-જાતે હી યે સારા જીવન જાતા હૈ./ કદમ કદમ રખતા હી રાહી કીતની દૂર ચલા જાતા હૈ / સુખ-દુઃખ કા પહિયા ચલતા હૈ, વહી નસીબા કહેલાતા હૈ. / ચાચા ક્યા હોતી તકદીર ? ક્યોં હૈ એક ભિખારી ચાચા ક્યોં હૈ એક અમીર/ ચાચા હમકો કામ નહીં ક્યું કામ નહીં/હમે બતાદો ઐસા કામ કોઇ નહીં કરે બદનામ. આ ગીતમાં માર્ચીંગનું સંગીત છે. જોન ચાચા ખોડંગાતા પગે કાખ-ઘોડીના સહારાથી જે માર્ચીંગ કરે છે એ જોવા જેવું છે. આ ગીતની કોરીયોગ્રાફીમાં ક્યાંક ક્યાંક ભારતનો નકશો આછો આછો ઉપસતો હોય એવું જણાયા કરે. આ ગીતના અંતે ઊંચા મકાનોની પછીતે થતો સૂર્યોદય બતાવાયો છે.

* નન્હે મુન્ને બચ્ચે તેરે મુઠ્ઠીમેં કયા હૈ ? (મન્ના ડે-આશા-મધુબાલા ઝવેરી) : આ ગીત પણ આશાવાદનું છે. એની કેટલીક પંક્તિઓ.. મુઠ્ઠીમેં હૈ તકદીર હમારી. હમને કિસ્મત કો બસ મેં કીયા હૈ./ ભોલીભાલી મતવાલી આંખોં મેં ક્યા હૈ ? આંખો મેં ઝૂમે ઉમ્મીદોં કી દિવાલી, આનેવાલી દુનિયા ક સપના સજા હૈ. / ભીખ મેં જો મોતી મીલી લોગે યા ન લોગે, જીંદગી કે આંસુંઓં કા બોલો કયા કરોગે ? / ભીખ મેં જો મોતી મીલે વો ભી હમના લેંગે, જીંદગી કે આંસુઓં કી માલા પહેનેંગે/મુશ્કીલોં સે લડતે ભીડતે જીને મેં મજા હૈ/ હમસે ન છુપાઓ બચ્ચોં હમે તો બતાઓ, આનેવાલી દુનિયા કૈસી હોગી સમજાઓ/આનેવાલી દુનિયામેં સબ કે સર પે તાજ હોગા, ના ભૂખોં કી ભીડ હોગી, ના દુઃખોં કા રાજ હોગા/ બદલેગા જમાના યે સિતારોં પે લીખા હૈ. એ સમયે આ ગીત હજારો બાળકોને મોઢે હતું.

* ઠહેર જરા ઓ જાને વાલે, બાબુ મિસ્ટર ગોરે કાલે (મન્ના ડે-આશા-મધુબાલા ઝવેરી) : આ ગીત બુટ પૉલીશનો ધંધો વધારવા જોનચાચા અને બાળકો ગાય છે. આ ગોરે-કાલે શબ્દોમાં રંગભેદ તો છે છતાં પણ એક વાત બીજી છે. મરાઠીઓમાં ગોરે અને કાલે અટક પણ હોય છે. સ્વાશ્રયનું આ ગીત પણ સંદેશ ધરાવે છે. આ ગીતમાં એ સમયે પણ બ્લેક અને નફાખોરીની વાત કહેવાઇ છે. પંડિત કો પાંચ ચવન્ની હૈ પંક્તિ દ્વારા પંડિતોની દક્ષિણા સવા રૂપિયો હોય છે એ પણ કહેવાયું છે. આ ગીતની પંક્તિઓ : મહેનત કી એક રૂખી રોટી - હાં ભઇ હાં રે. /ઓર મુફત કી દૂધ-મલાઇ - ના ભઇ ના રે. / લાનત જો ફુકટ કી ખાયે, લાનત જોે હરામ કી ખાયે, હમ મતવાલે પાલીશવાલે.

* લપક જપક તું આરે બદરવા (મન્ના ડે) : ટાલ પર વાળ ઉગાડવા, જેલમાં ગવાતું આ રમૂજી ગીત સેમી ક્લાસીકલ ગણી શકાય. મન્ના ડે એ આવા કેટલાય ગીતો ગાયા છે. આ ગીતની વચ્ચે દાંત વિનાનો બુઢો અડવાણી સારી જુગલબંધી કરે છે. તાનસેનની દંતકથાની જેમ આ ગીત પૂરું થતાં વરસાદ તૂટી પડે છે. આ ગીતના સંગીતમાં ખંજરી સરસ સાથ આપે છે. આ ગીતમાં ડેવીડ અને બૂઢા અડવાણીની અદાકારી પૂર્ણ રીતે ખીલી છે.

* ચલી કૌન સે દેસ ગુજરીયા તું સજધજ કે (મન્ના ડે-આશા) : હિન્દી ફિલ્મોમાં અને અન્યત્ર સંભતવઃ આ પ્રથમ વિદાય ગીત છે જેમાં નાયિકા ખુશી ખુશી પિયાને દેશ જવા રાજી હોય છે. નાયિકા કહે છે. દૂર દેશ મેરે પી કી નગરીયા/મૈં ઉનકી વો મેરે સાંવરીયા/બાંધી લગન કી ડોર/બાંધી લગન કી ડોર મૈને સબ સોચ સમજ કે. ફિલ્મમાં આ ગીત શૈલેન્દ્ર પર ફિલ્માવવામાં આવ્યું છે.

* મૈં બહારોં કી નટખટ રાની (આશા) : આ ગીત મુજરાનું ગીત છે. આ ગીતમાં નાયિકાની અદાઓ અને સ્ટેપ્સ સામાન્ય રખાયા છે.

* તુમ્હારે હૈં તુમ સે દયા માગતે હૈં (રફી) : આશ્રમના સેવક અને અનાથ બાળકો દ્વારા ગવાતાં આ ગીતમાં દાન આપવાની દયાદ્ર શબ્દોમાં અપીલ હોવા છતાં, બીજા અર્થમાં સોફેસ્ટીકેટેડ ભીખના ગીત જેવું છે. એક જમાનામાં આશ્રમના બાળકોને આ રીતે ગીત ગાઇને ભીખ માગતા જોયાં પણ છે.

એ સમયનું આર્થિક પાસું : રોજની ચાર આના ભીખ પૂરતી થઇ જતી. બે આનામાં બુટ પૉલીશ થતી. બે પૈસામાં જ્યોતીષ ભવિષ્ય દેખાડતો. એક પૈસાના બે બોર મળતા. એક રૂપિયો આઠ આનામાં પાલીશ કરવા બ્રશ અને પાલીશની ડબ્બી મળતી.

ચાલમાં ખોલીનું ભાડું પાંચ રૂપિયા હતું.

એ સમયની અન્ય બાબતો : રાશન માટે લાઇનો લાગતી. પોલીસ ઇન્સપેકટર પણ હાફ પેન્ટ પહેરતા અને ઘુંટણ સુધી મોજાં પહેરતા. જનરલ શોપમાં જીલેટની જાહેરખબર દેખાતી. બ્રાયલ ક્રીમની દોઢેક ફૂટ ઊંચી બાટલી જોવા મળે છે. બેંક ઑફ ઇંડીયાની પાસે કોક બર્ન્સ આર્ટ એન્ડ ક્રાફ્ટની દુકાન છે. બેન્ડ બોક્ષ પણ છે. રસ્તાની વચ્ચે કીપ લેફ્ટની સાઇનવાળા સ્ટેન્ડ છે. એ સમયે પણ સેલ લાગતા. એક ક્વીક સ્ટેશનરી માર્ટ નામની દુકાન પણ હતી. કોકાકોલાના અમેરીકન લેડીના ચારેક પ્રકારના અલગ અલગ પોસ્ટરો દેખાય છે. બાળકો ફેરફુદરડી રમતા હતા. રેડીમેડનો સમય શરૂ થઇ ગયો હતો. ત્રણથી ચાર રૂપિયામાં શર્ટ-ફ્રોક મળતા. ડાલ્ડાના ડબ્બા ઘરમાં દેખાતા. જનશક્તિ છાપું હતું. બધા જ રહીશો ૫૬ ઇંચનો ડગલો પહેરતા. હિંદુઓ ડગલા નીચે ધોતીયું અને પારસીઓ પેન્ટ પહેરતા. પારસીને માથે પારસીશાહી ટોપી રહેતી અને હિંદુઓ ગાંધી ટોપી પહેરતા. ફેરીયાઓ ચા બંબામાં બનાવતા. ડોસીના વાળ વેચાતા. મરીન ડ્રાઇવ વિસ્તાર મરીયમ ડ્રાઇવ તરીકે ઓળખાતો. સ્ટેશનો પર લાકડાના ઇન્ડીકેટરો હતા. ટેકસીને બી.એમ.આર. સંબોધવામાં આવતી. પ્રવાસમાં બિસ્તરો સાથે રહેતો. જોય આઇસ્ક્રીમનો જમાનો હતો. એ વખતે મહિલાઓ અંબોડામાં વેણી નાખતી. કાકીનો ત્રાંસો ચાંદલો અર્ધચંદ્રાકાર છે. ગરીબોના ઘરમાં વાંસની પટ્ટીનો હેન્ડલવાળો કરંડિયો રહેતો. એ સમયનું વડાલા રોડ સ્ટેશન આજે વડાલા થઇ ગયું છે.

અભિનય : આ ફિલ્મને રતન કુમાર-બેબી નાઝ અને ડેવીડ ગતિમાં રાખે છે. બન્ને બાળકોનો અભિનય જમા પાસું છે. ગીતોમાં રતન કુમાર અને બેબી નાઝને જે સ્ટેપ્સ અપાયા છે, એ અદ્‌ભૂત છે. નાના બાળકો જે ઉલટથી સ્ટેપમાં નૃત્ય કરે છે જાણે એમણે નૃત્ય આત્મસાત કરી લીધું હોય. રતન કુમાર અને બેબી નાઝના અભિનયની જુગલબંધી સુંદર છે. બન્નેના ચહેરા પર મૂઝવણ અને મજબૂરીના ભાવો, કમાણી વખતે આનંદના ભાવો જે કંડારાયા છે એ અનન્ય છે. ડેવીડનો અભિનય પણ સર્વાંગ છે. કાખ-ઘોડીને સહારે ખોડંગાતા ચાલવા માટે કેટલી મહેનત કરવી પડી હશે ! એક જમાનામાં આવતી હાલતી-ડોલતી ઢીંગલીનીે જેમ માથું હલાવવું. પ્રશંશા વખતે ચહેરા પર શરમના ભાવ લાવીને મોઢું સંતાડવું. લપક જપક તું આરે બદરવા ગીત વખતે સૂરોને હાથથી પકડવા અને રમાડવા. એવું લાગે છે કે ડેવીડને આ ફિલ્મ પછી નાના રોલ ઘણા મળ્યા હશે પણ આવો અદભૂત રોલ અને ફૂટેજ નહીં મળ્યા હોય. એની આંખોમાંથી છલકાતો પ્રેમ અને ચમક માણવા જેવો છે. આમેય હિંદી ફિલ્મોમાં ખ્રીસ્તી પાત્ર હમેશાં પ્રેમાળ રહ્યા છે. જેમ કે અનાડીની મીસીસ ડીસા(લલિતા પવાર), ફિર સુબહ હોગીમાં મકાન માલકણ ટુનટુન, બોબીમાં પણ બ્રીગેન્ઝાનો ખ્રીસ્તી પરિવાર પ્રેમાળ હતો. રાજ કપૂરને ખ્રીસ્તી માહોલ ફળતો હોય એવું લાગે છે.

આ ફિલ્મના સંગીતમાં શંકર-જયકિશને ચાર ચાંદ લગાવ્યા છે. એ સમયે ગરીબોને સંગીત માટે બુલબુલ તરંગ-બેન્જો સસ્તું વાજીંત્ર હતું. બેન્જોનો કેટલાંયે ગીતોમાં સુંદર ઉપયોગ થયો છે. લપક જપક ગીતમાં ખંજરી મધુર લાગે છે. જ્યાં જ્યાં જોન ચાચા હોય છે ત્યાં બેકગ્રાઉન્ડમાં દેવળમાં વાગતું ઓરગનનું સંગીત ખ્રીસ્તી છાયા મૂકે છે. એકોડર્ીયન પણ બેકગ્રાઉન્ડ સંગીતને નિખારે છે. કોઇ પારસીની ભાષામાં કહીએ તો આ ફિલ્મના ગીતો ‘જાઇવીંગ’ છે. ક્યાંક વાયોલીનનો સુર પણ શોટને ચાર ચાંદ લગાડે છે. આ ફિલ્મમાં મધુબાલા ઝવેરીએ કંઠ આપ્યો હતો. આ પ્રતિભાશાળી ગાયિકા બૂટ પૉલીશ ફિલ્મ પછી ક્યાં ખોવાઇ ગઇ ખબર નથી પડતી.

દિગ્દર્શનના ચમકારા : પ્રકાશ અરોરાનું સફળ દિગ્દર્શન આ ફિલ્મનું જમા પાસું છે. નાના બાળકો પાસે મનધાર્યું કામ લેવું મોટી વાત છે. ફિલ્મના ટાઇટલમાં જ એક સાંકેતીક પેઇન્ટીંગ છે. આ પેઇન્ટીંગમાં બે બાળકો વાદળો વચ્ચેથી સૂર્યોદય થતો જૂએ છે. રાત ગઇ ફિર દિન આતા હૈ ગીતમાં કેટલાય બાળકો હાથ લાંબા કરીને કામ માગી રહ્યા છે. આ બાળકો ભારતભરના બાળકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવું લાગે છે. આ ગીતની કોરીયોગ્રાફીમાં ભારતનો આછો આછો નકશો ઉપસતો હોય એવું પણ લાગ્યા કરે. આ ગીતમાં કિસ્મત સામે લડવા બાળકો અને જોન ચાચા માર્ચીંગ કરે છે. જેલના માહોલમાં ગવાતા લપક જપક ગીતનું ફિલ્માંકન દાદ માગી લે એવું છે. આ ગીતમાં એક પણ પાત્ર સુંદર નથી છતાં એમના વાળ માટેના વલોપાતની વાત અસરકારક રીતે ફિલ્માવાઇ છે. દારૂણ ગરીબી દર્શાવવા ભોલાને ફિલ્મના અંત સુધી એક જ ફાટેલું શર્ટ પહેરાવાયું છે. બેલુને પણ ખોળે બેસે છે ત્યાં સુધી એક જ ફાટેલું ફ્રોક પહેરાવાયું છે. અહીં રાજ કપૂર પણ આલ્ફ્રેડ હિચકોકની જેમ પાંચેક સેકંડ માટે ટ્રેનમાં ઊંઘતો હોય છે. જોન ચાચા પકડાયા પહેલા બન્ને હાથમાં શરાબની બોટલ સાથે હાથ ઊંચા કરે છે. જાણે ઇશુ વધ સ્થંભે ચઢાવાતા હોય અને એ પછી એની ધરપકડ થાય છે.

ફિલ્મની સીનેમેટોગ્રાફી સુંદર છે. કેટલાક શોટમાં કમલાની ક્રૂરતા સુંદર રીતે ઝીલાઇ છે. લાગે છે કે આ ફિલ્મ પણ ગ્રે શેડની નહીં પણ બ્લેક એન્ડ વ્હાઇટ છે. એ સમયે રાજ કપૂર શુદ્ધ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મનું સજર્ન કરતા.

ભારે કોસ્ચ્યુમ અને ડ્રેસના કોઇ પણ ઠઠારા કે ભારે સેટ વિનાની વાસ્તવિક્તાને સ્પર્શતી આ ફિલ્મ છે. મેલાઘેલા-ફાટેલા વસ્ત્રોમાં પણ બાળકોનો અભિનય નિખરી ઊઠે છે. આવી ફિલ્મો સાબિત કરે છે કે મોટા સ્ટારો વિનાની ફિલ્મો યોગ્ય માવજત અને સબળ કથા અને સંગીત હોય તો સફળ થઇ શકે. આંતરરાષ્ટ્રિય ખ્યાતી પામી શકે. આ ફિલ્મમાં દેશમાં સોનેરી સવાર ઉગવાની પ્રબળ આશા કેટલીયે વખત કહેવાઇ છે. ચાર વર્ષ પછી આવેલી ફિલ્મ ‘‘ફિર સુબહ હોગી’’નું શિર્ષક અહીંથી જ મળ્યું હોય એવું લાગે છે. આજની ગરીબી અને લાચારી એ સમયની ગરીબીને લાચારી જેવી જ રહી છે. આશાવાદ જરાયે ફળ્યો નથી. પચાસ-પંચાવન વર્ષો વીત્યા પછી પણ સોનેરી સવાર હજી ઊગી નથી. હવે ભવિષ્યમાં આ સોનેરી સવાર ઊગે એની આપણે આશા રાખવી ખરી ?

-કિશોર શાહ

kishorshah9999@gmail.com