સાચો દબંગ! Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

સાચો દબંગ!

સાચો દબંગ!

" પાંડે, આજના કેટલા ભેગા થયા ?" નાઈટ-પટ્રોલ ગાડીમાં બેઠેલા પોલિસ ઇન્સ્પેક્ટરે થાકેલા અવાજે પૂછ્યું.

" બસ 1200 રૂપિયા, સાહેબ." હતોત્સાહ કોંસ્ટેબલે જવાબ આપ્યો.

"કેટલો ખરાબ દિવસ છે! 11 તો વાગી ગયા છે. ત્રાસ જેવી નોકરી, ને કદર વગરનું ડિપાર્ટમેંટ. 15 વરસની નોકરી પછી ય આટલા વાગ્યે ઘુવડની જેમ સૂમસામ રસ્તા પર ભટકવું પડે છે."

" હજુ તો રાત શરૂ થઈ છે, સાહેબ . થોડી વાર રાહ જુઓ, કૈંક તો મળશે જ."

"મળવું જ જોઈએ. 1200 રૂપિયામાં તો સારું ખાવાનું ને વ્હિસ્કી ના મળે."

* થોડીક વાર પછી *

" સાહેબ, એક ગાડી આવે છે."

"સરસ ! ઊભી રખાવ, ને આ વખતે મને હેન્ડલ કરવા દે. BMW હોય તો સારું. મોટો તોડ કરવો હોય તો પૈસાદાર પાર્ટીને જ ખંખેરાય."

"સાહેબ, આ તો જૂની ફિયાટ છે."

"કુતરા જેવી જિંદગી છે સાલી !"

કોન્સ્ટેબલે ઈશારો કર્યો. ખખડધજ ફિયાટ ઊભી રહી.

" સાહેબ, કોઈ પ્રોબ્લેમ છે ?" ડ્રાઇવર-સીટમાં બેઠેલા પચાસેક વર્ષના માણસે પૂછ્યું, ".... કેમ કે આ મારા છોકરાને અત્યારે એક બસ પકડવાની છે."

" સાહેબ બોલાવે છે. ગાડીના પેપર લઈ આવ," એની વિનંતી અવગણીને કોંસ્ટેબલે ડિમાંડ કરી.

પેલા માણસે પેપર્સ કાઢ્યા, ને એના છોકરા સાથે બહાર નીકળીને પટ્રોલ-કાર સુધી ચાલીને ઇન્સ્પેક્ટરના હાથમાં પેપર્સ આપ્યા.
" સાહેબ, મારા દીકરાને બસ માટે મોડું થાય છે, એને ટ્રેનિંગ માટે અત્યારે જ હૈદરાબાદ જવા નીકળવાનું છે, મેહરબાની કરીને જલ્દી કરો."

" હમ્મ.. જોવા દે, લાઇસેંસ...છે. વીમો...છે. આર.સી. બૂક...છે. પીયૂસી... એક મિનિટ. તમારું પીયૂસી સર્ટિફિકેટ કાલે જ એક્સપાયર થઈ ગયું છે... રિન્યૂ કેમ નથી કરાવ્યું ? તમારે આ દેશને પ્રદુષિત કરી મૂકવો છે ?"

"સાહેબ, એ મને આજે સવારે જ ખબર પડી, પણ બધાં ટેસ્ટિંગ-સેન્ટર બંધ હતાં. આઈ એમ સોરી. કાલે સૌથી પહેલું એ જ કામ કરીશ. હવે અમને જવા દો, અમે ઓલરેડી લેટ થઈ ગયા છીએ."

" એમાં હું શું કરું ? તમે કાલે જ કેમ ના કરાવ્યું ? તમારે દંડ તો આપવો જ પડશે... 500 રૂપિયા લાવો."

માણસે આંખો ફેરવી, અચકાતાં-અચકાતાં પાકીટ કાઢ્યું, 500 રૂપિયાની નોટ કાઢીને ઈન્સ્પેકટરને આપી, ને જવા માટે ફર્યો. પણ જુવાન છોકરાએ બાપને અટકાવ્યો,, ઈન્સ્પેકટર તરફ ફર્યો, અને કહ્યું," સર, દંડની રિસીપ્ટ આપો."

"રિસીપ્ટ ? તું વાત કોની જોડે કરે છે, એલા ?"

" સર, મને આની રિસીપ્ટ મળવી જ જોઈએ. "

"રિસીપ્ટ જોઈતી હોય તો 1000 રૂપિયા થશે. "

" કોઈ વાંધો નહીં, લો આ.. " છોકરાએ બીજી 500 ની નોટ કાઢી આપી.

ઇન્સ્પેક્ટરે નોટ લઈને ખિસ્સામાં નાખી, બોલ્યો- " અત્યારે મારી જોડે રિસીપ્ટ-બૂક નથી. કાલે સ્ટેશને આવીને લઈ જજે. "

છોકરાનો અવાજ ઊંચો થઈ ગયો, " મારે હાલ જ રિસીપ્ટ જોઈએ."

"ગધેડીના, માપમાં રહે. મારી જોડે મગજમારી રહેવા દે." ઈન્સ્પેકટર પણ ઊકળ્યો.

બાપે છોકરાને ખેંચીને લઈ જવા પ્રયત્ન કર્યો- " બેટા, તું આમાં ના પડ. બસ ચૂકી જઈશ. તારી કેરિયર વધારે ઇમ્પોર્ટેંટ છે. ચલ તું."

" સર, તમે મને ગાળો ના દઈ શકો. તમે પબ્લિક સર્વન્ટ છો. તમારા છીછરા વર્તાવ માટે હું તમારી વિરુદ્ધ કમ્પ્લેંટ રજિસ્ટર કરાવીશ.”
છોકરો આગળ કશું બોલે એ પહેલાં ઈન્સ્પેકટરના રાક્ષસી તાકતવાળા હાથની હથેળીની છાપ છોકરાના ગાલ પર પડી. છોકરાએ સંતુલન ગુમાવ્યું અને ભોંય-ભેગો થઈ ગયો. એટલા જોરથી એને થપ્પડ પડેલી કે એનો ગાલ લાલ રંગથી રંગેલો હોય એવું જ લાગતું હતું.

" જા... જા. જઈને નોંધાવ ફરિયાદ તારા બાપને. સુવ્વરની ઔલાદ. તને ખબર નથી કે તું કોની જોડે ભિડાયો છે. તને ડ્રગ-ડિલિંગ માટે સળિયા પાછળ નાખી દઇશ ને તારા આ બાપને વેશ્યાની દલાલી માટે જેલ-ભેગો કરીશ ત્યારે તને ભાન પડશે કે ચૂપચાપ જતાં રહેવા જેવુ હતું. હવે મારી-મારીને બંનેની ખાલ ઉતારી દઉં એ પહેલાં અહીથી રવાના થઈ જાઓ."

અચાનક જે થયું એ બધાંથી ડઘાયેલા માણસે એના છોકરાને ખેંચીને કારમાં ધકેલ્યો, દરવાજો બંધ કર્યો. છોકરો હજુ ગુસ્સાથી ધગધગતો હતો. માણસ પાછો ઈન્સ્પેકટર જોડે ગયો અને વાતને વાળવા પ્રયત્ન કરવા લાગ્યો- " સાહેબ, છોકરાને માફ કરી દો. ગરમ ખૂન છે, નાદાન છે. પ્લીઝ અમારા પેપર્સ આપી દો અને જવા દો, એ આ ટ્રેનિંગ મિસ કરી શકે એમ નથી."

" તારા છોકરામાં થોડીક અક્કલ ભર, ડોસા. જો એ નોકરીમાં ય આવું જ કરશે તો કંપની-વાળા લાત મારીને કાઢી મૂકશે. અને ક્યારનો ટ્રેનિંગ-ટ્રેનિંગ મંડ્યો છે, તે ટ્રેનિંગ શેની છે ?"

" સર, આઇપીએસ ઓફિસરની ટ્રેનિંગ. નેશનલ પોલિસ એકૈડમી, હૈદરાબાદ. હમણાં જ સિવિલ સર્વિસિસની એક્ઝામ પાસ કરી છે, અને આઇપીએસમાં સિલેક્ટ થયો છે."

અને, ઇન્સ્પેક્ટર પરસેવે રેબઝેબ થઈ ગયો !

(Prathyaksh Shetty સાથે બનેલી સાચી ઘટના Quora.com પરથી વૈભવ અમીને કરેલો ભાવાનુવાદ.)

આ વાર્તામેં વૈભવની પરવાનગી સાથે અહી લીધી છે, અને મારી બીજી બુકમાં પણ તેનો સમાવેશ કરેલ છે.

મૂળ વાત:

એક દુખી કરી નાખે એવી વાત એ છે કે જગતમાં સારા અને ખરાબ માણસો એવા ભાગ પાડીને જોઈએ તો હંમેશા દગાખોર, ભ્રષ્ટ, કામચોર, અને આતંકી માણસોને પોતાના જીવનમાં કઈ ખાસ ભોગવવાનું હોતું જ નથી. હંમેશા સારા માણસો જ વધુ સંઘર્ષ કરે છે, અને તેમને વધુ ઘસાવું પડે છે. તમને સવાલ થશે કે તો પછી જગતમાં સારા માણસો સારા કેમ હોય છે?

મારી પાસે માત્ર એક જ જવાબ છે: સારો માણસ સારો છે કારણકે પોતાની સારપ થકી જ તેને ખુશી મળે છે. સારા કામ કર્યા પછીનો જે આત્મ આનંદ છે એ એટલો પ્રચંડ અને અવિરત છે કે તમને આખું જીવન અને આખો સંઘર્ષ સાર્થક લાગે છે.

અને સારા માણસોની અત્યારે જગતને ખુબ જરૂર છે. હા...હમણાં જ વિશ્વ પર્યાવરણ દિવસ આવેલો ત્યારે મેં જોયેલું કે આપણે જ્યારે ફેસબુક પર વૃક્ષ વાવોના ક્વોટ શેર કરતા હતા ત્યારે કેટલાયે માણસો ચુપચાપ વૃક્ષ વાવી રહ્યા હતા. કેટલાયે બાળકો કચરો ગમે ત્યાં ન ફેકવાની પ્રતિજ્ઞા લઇ રહ્યા હતા.

સાચો પર્યાવરણ દિવસ તે ક્ષણ પર જ ઉજવાઈ ગયેલો જ્યારે આપણે અને આપણી ભવિષ્યની પેઢીઓ અંદરથી જાગે.

સાચો દબંગ એટલે જ તો કહેવાય.

કારણકે ચારે તરફ જ્યારે અંધારું છવાયેલ દેખાય. નિરાશા દેખાય અને ત્યારે જે માણસ પોતાની અંદરની શક્તિને પિછાણીને તેને વળગી રહે એ સાચો દબંગ.

મેં ખુદ વિદ્યુત બોર્ડમાં એન્જીનીયર તરીકે સરકારી કામ કરેલું. જ્યારે ત્યાં ભ્રષ્ટાચાર જોયો ત્યારે ત્યાં ખુબ વિરોધ કરેલો. પરિણામ એ હતું કે હું બધાને ખુચવા લાગ્યો. મારે લીધે તે બધા ને લાંચ માં પકડાઈ જવાની બીક લાગી. બધા મને ડરાવવા લાગ્યા.

મેં મચક ના આપેલી. હા...અમુક કારણથી એ નોકરી છોડી દીધેલી પરંતુ ત્યાં બધાને અહેસાસ થઇ ગયેલો કે બધા માણસો આંધળા અનુકરણ નથી કરતા હોતા. નવી પેઢી આદર્શો લઈને આવતી હોય છે અને એમણે એ બધું જીવી બતાવ્યું છે. સારી રીતે. સરખી રીતે.

તો ચાલો હવે તમારી અંદર નો દબંગ શોધી કાઢો. એકની એક લાઈફમાં કશુંક તો યાદગાર કરો.