આઇન્સ્ટાઇને દીકરીને લખેલો પત્ર.
આઇન્સ્ટાઇનની પંદર વરસની દીકરી એકવાર પોતાની સ્કુલમાંથી પપ્પાને પત્ર લખે છે.
પપ્પા લવ શું છે?
તેના પપ્પા સામે પત્ર લખીને જવાબ આપે છે:
“ડીયર દીકું,
જયારે મેં થીયરી ઓફ રીલેટીવીટી સર્જી, ખુબ ઓછા માણસો તેને સમજ્યા, અને અત્યારે હું જે કઈ પણ કહીશ એ માણસોની સમજ સાથે ટકરાશે અને કદાચ એ ટકરાવ ગેરસમજ બનીને બેસશે. એટલે બેટા...તું મારા આ પત્રને સાચવીને રાખજે માનવજાતથી, અને મારા મર્યા પછી ત્યારે જ બહાર પાડજે જયારે તને લાગે કે માણસો મારા શબ્દોને સમજવા જેટલા એડવાન્સ થઇ ગયા છે. હું અહી તને કહું છું પ્રેમ શું છે:
ત્યાં એક એવી અત્યંત શક્તિશાળી લાગણી છે, હૃદયમાં, કે જ્યાં અત્યાર સુધી વિજ્ઞાન પહોંચીને તેને સમજી શક્યું નથી. તે એવું બળ છે કે જે આપણને બધાને ચલાવે છે, અને આ બ્રહાંડને ચલાવતા દરેક પરિબળ પાછળનું એ પરિબળ છે જે કોઈ ઓળખી શક્યું નથી.
આ બ્રહાંડથી પણ પર, અખિલ લાગણી પ્રેમ છે.
જયારે વિજ્ઞાને બ્રહાંડમાટેની એક સંપૂર્ણ થિયરી બનાવી ત્યારે તે એ લાગણીને લખતા ભૂલી ગયા, કારણકે તેઓ પામ્યા જ ન હતા!
પ્રેમ એ પ્રકાશ છે, અને એ એવા માણસોને પ્રકાશિત કરી દે છે જે બીજાને પ્રેમ આપી શકે છે અને પ્રેમને અનુભવે છે.
પ્રેમ એ ગુરુત્વાકર્ષણ છે, કારણકે એ માણસોને એકબીજા તરફ ખેંચે છે કોઈ રંગભેદ, નાતજાત વિના.
પ્રેમ એ પાવર છે, શક્તિ છે, કારણકે આપણે જયારે તેને આપણું બેસ્ટ બળ આપીએ ત્યારે એ કેટલાયે ગણો બની જાય છે, અને માનવજાતને પોતાના આંધળા સ્વાર્થથી મુક્ત કરે છે. પ્રેમ ઉર્જાની જેમ જન્મે છે, મરે છે, પણ છતાં સમગ્ર વિશ્વમાં તેનો જથ્થો અચલ રહે છે.
પ્રેમ માટે જ ખરેખર તો આપણે જીવીએ છીએ, અને મરીએ છીએ.
પ્રેમ ઈશ્વર છે, અને ઈશ્વર જ પ્રેમ છે.
આ શક્તિ આપણી આસપાસના દરેક સવાલનો જવાબ છે અને આપણી લાઇફને અર્થ આપે છે. જીવવાનું કારણ આપે છે. આ એવો વેરીએબલ છે જે માણસોએ ખુબ જ અવગણ્યો છે! કારણ? કદાચ માણસો પ્રેમ કરવાથી ખુબ જ ડરે છે, અને ડરનું કારણ? આ એક જ એવી શક્તિ છે જેને માનવજાત વશ નથી કરી શકી!
તને નવાઈ લાગશે. મેં પ્રેમનો સાક્ષાત્કાર કરેલો છે, અને મારા પ્રખ્યાત સમીકરણમાં એને સમાવેલો છે:
જો આપણે E=MC2 માં આપણે સ્વીકારીએ કે વિશ્વના બધા દુઃખ મટાડવા માટેની ઉર્જા જો પ્રેમ તરીકે આપીએ તો આ ઉર્જાને જયારે પ્રકાશની ઝડપના વર્ગથી ગુણાકાર કરીએ ત્યારે જે જવાબ મળે...બેટા...એ જવાબને કહી શકાય કે પ્રેમ સૌથી પાવરફુલ બળ છે કારણકે તેની કોઈ લીમીટ નથી. તે અનંત થઇ શકે. પ્રેમ અનંત કરી શકાય. અને જો માનવજાત પ્રેમને કંટ્રોલ કરવા બેસશે, કે પછી જીવવા માટે બીજા બળ વાપરશે તો શું થશે એની ચિંતા છે મને. આપણી જાતને ઉગારવાનો રસ્તો પ્રેમ જ છે.
કદાચ આપણે પ્રેમનો બોમ્બ બનાવી નથી શક્યા, એવો બોમ્બ કે જે આખી દુનિયામાંથી ધિક્કારને બાળીને ખાક કરી દે, જે સ્વાર્થ અને લાલચને આ પૃથ્વી પરથી નામોનિશાન તરીકે પણ મિટાવી દે.
છતાં દરેક વ્યક્તિની અંદર એક શક્તિશાળી જનરેટર છે પ્રેમનું! જેની ઉર્જા રાહ જુએ છે કે ક્યારે ફૂટે, છૂટી પડે. જયારે આપણે આ બ્રહ્મ શક્તિને આપતા અને લેતા શીખીશું, ત્યારે ખબર પડી જશે કે પ્રેમ તો દરેક વસ્તુને હરાવે છે, અને તેની અંદર જ બધો સાર છે જીવનનો.
મને ખુબ પસ્તાવો છે કે મારા હૃદયમાં શું છે તે હું તને પૂરી રીતે જણાવી શકતો નથી, એ હૃદય કે જે તારે માટે હંમેશા ધબકતું રહ્યું છે. મારી માફી માટે પણ ઘણું મોડું થઇ ગયું છે, પણ સમય સાપેક્ષ છે...એટલે હું તને કહી દઉં કે હું તને ખુબ ચાહું છું. આઈ લવ યુ. અને થેંક્યું કારણકે મને છેલ્લો જવાબ ખબર પડી ગઈ છે.
તારો પિતા...આલ્બર્ટ આઇન્સ્ટાઇન.
બોબ માર્લે એ પ્રેમ પર એક જબરદસ્ત વાત કરી છે. મેં આ વાત ઘણીવાર શેર પણ કરી છે:
તમારી લાઈફમાં એકવાર, હું ખુબ દૃઢપણે માનું છું એકવાર, તમે એકવાર કોઈ એવા માણસને મળશો જે તમારી દુનિયાને પૂરી બદલાવી દેશે. તમે એ વ્યક્તિને એવી વાતો કરશો જે તમે બીજા કોઈ પણ માણસ સાથે નથી કરી, અને એ વ્યક્તિ તમારી દરેક વાતને સાંભળશે, સમજશે, અને પોતાની અંદર ઉતારશે, અને તમારી પાસેથી વધુ સાંભળવા માંગશે. તમે તમારી ભવિષ્ય પરની આશાઓ અને સપનાઓ કે બધા ક્યારેય સાચા પડ્યા નથી, એવા સાહસો કે જે તમે ક્યારેય જીતી નથી શક્યા, અને એવી કેટલીયે નિરાશાઓ જે જીંદગીએ તમારી તરફ ફેંકી છે...એ બધું તેને કહો છો. જયારે તમારી સાથે કશુક સારું થાય છે તમે સમયની રાહ નથી જોઈ શકતા. પહેલા જ ભાગીને એને કહેવાનું મન થાય છે. તમને ખબર છે તે તમારા ઉત્સાહમાં ભાગ લેશે. તે ક્યારેય શરમાશે નહી તમારી સાથે રડવા માટે, જયારે તમે દુઃખી હોય, હસતા હોય કે પોતાની ખુદની જ મજાક કરતા હોય એ બધામાં સહભાગી બની જાય છે. તે વ્યક્તિ ક્યારેય તમારી લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતી નથી, કે તમને એવું ફિલ કરાવતી નથી કે તમે ખાસ નથી. એ તો તમને ઉભા કરે છે અને તમારી વિશેની ખુબ સારી વાતો કહે છે, તમારી ખાસિયત કહે છે, અને તમને જુસ્સો આપે છે. તેઓ જયારે આસપાસ હોય છે ત્યારે તમારા પર કોઈ પ્રેશર, નિંદા, ગુસ્સો, કે સ્પર્ધા જેવું લાગતું નથી પરંતુ મનમાં એક શાંતિ અને સ્થિરતા અનુભવાય છે. તમે તમારી જાત બની શકો છો અને તમને કોઈ ઉપાધી રહેતી નથી કે તે તમારા વિષે શું વિચારશે, અને તમારી આ કુદરતી જાતને પ્રેમ કરશે કે નહી. તમને ખબર હોય છે કે તમે જેવા છો તેવા છો, અને એ આવા વ્યક્તિને જ પ્રેમ કરે છે. જે વાતો મોટા ભાગના માણસોને કોઈ કામની ન લાગે એવું કોઈ ગીત, કોઈ પત્ર, કોઈ નાનકડી લટાર તમારે માટે એક અમુલ્ય યાદ અને પ્રિય લાગણી બનીને રહી જાય, અને તમારા હૃદયમાં એ હંમેશા સચવાઈ જાય. તમારા બાળપણની યાદો પાછી આવે, અને એટલી ગમતી યાદો યાદ આવે કે તમે પાછા જાણે બાળક બની જાવ. જીવનના રંગો વધારે ઘાટા લાગે અને આંખોને ઠંડક આપે. તેની સાથેનું હસવાનું જાણે રોજની લાઈફનો અમુલ્ય હિસ્સો લાગે, જે પહેલા કદાચ હતો કે નહી એ પણ તમને પડી ન હોય. દિવસમાં તેઓ એક કે બે વાર આવતો ફોન જાણે તમારી આખા દિવસની કામ માટેની શક્તિ પૂરી દે, અને ચહેરા પર મુસ્કાન ચમકાવી રાખે. તેની હાજરીમાં તમને એકધારી વાતોની પણ જરૂર ન રહે. ચુપકીદી પણ ઘણુબધું કહેતી હોય, અને તમને ખુબ જ નિરાંત અનુભવાતી હોય કારણકે એ વ્યક્તિ તમારી બાજુમાં બેઠી છે. જે વસ્તુઓમાં તમને ક્યારેય રસ નહોતો પડ્યો એવી વસ્તુઓ તમારે માટે સ્પેશીયલ બની જાય છે, કારણકે તમને ઉત્સાહ હોય છે કે આ વસ્તુ એ વ્યક્તિ માટે સ્પેશીયલ છે જે વ્યક્તિ તમારી સ્પેશીયલ છે! તમે દરેક સમયે અને દરેક કામ કરતી સમયે એ વ્યક્તિ વિષે વિચારતા હોઉં છો. કુદરતની સીધીસાદી સુંદરતા તમારા દિમાગમાં એની યાદ લઇ આવે છે, વાદળી આકાશ, ધીમો પવન, ક્ષિતિજ પર દેખાતી સંધ્યા કે પછી તેની પાછળ દેખાતી આંધી તમને એની યાદ આપે છે. તમે જાણો છો કે એક દિવસ એ જરૂર ભાંગવાનું છે છતાં તમે તમારું દિલ ખોલો છો, અને તમને એ પણ ખબર હોય છે કે દિલ ખોલ્યા બાદ તમે એવો પ્રેમ પામશો જેની તમે સપનેય કલ્પના કરી ન હતી. તમે જાણી જાવ છો કે ‘જખમ ખાઈને પણ’ તમારા હૃદયને એક સાચો ખજાનો મળવાનો છે, એ જખમ એટલો સાચો હશે કે તેની બીક તમને અત્યારથી જ લાગી જાય છે. પરંતુ...પ્રેમ તમને શક્તિ આપે છે. તમને ખબર છે કે તમને એક એવો દોસ્ત મળી ગયેલ છે જે આત્મીય છે, આત્માથી જોડાયેલ છે, અને તમે ભરોસો રાખો છો કે તે છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે વફાદારીથી જીવશે. જીંદગી આખી બદલાયેલી લાગે છે, ઉતેજીત લાગે છે, અને જીવવા જેવી પણ લાગે છે.
...અને દોસ્તો કોઈ એવી વ્યક્તિ મળી ન હોય તો યાદ રાખજો: આવી વ્યક્તિ બનવાનો સમય આવી ગયો છે. જેવા બનશો એવું જ જગત બનશે, કોઈ એક વ્યક્તિ તમારી જેવી જ બનશે.
(બોબ માર્લેએ પોતાના પત્રોમાં લખેલી પ્રેમ વિશેની આ લાગણીઓ છે)