મારો બેટો એ જ લાગનો છે. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો બેટો એ જ લાગનો છે.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

મારો બેટો એ જ લાગનો છે. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

જજ: (આરોપીને) : આશ્ચર્ય એ વાતનું છે, કે તમે ફરિયાદીના બંધ કોટના અંદરના ખિસ્સામાંથી પૈસા ચોર્યા શી રીતે?

આરોપી: સાહેબ, એ કલા શીખવવાના હું હજાર રુપિયા લઉં છું.

આવા અનોખા ચોર લોકોની દુનિયા પણ અનોખી હોય છે. એમની દુનિયામાં ‘ચોરી’ની વ્યાખ્યા છે, ‘વસ્તુ જેની છે, એને જણાવ્યા સિવાય કે એની કિમત ચુક્વ્યા સિવાય, મલિકને ખબર ના પડે એ રીતે વસ્તુ હાસિલ કરી લેવાની કલા.’ એમની દુનિયામા ચોરી એ કોઇ અપરાધ કે ગુનો નહીં, પણ એક કલા ગણાય છે અને ચોર એક કલાકાર. હા, ચોરી કરતા પકડાઇ જવાય તો એને ભુલ જરુર ગણવામા આવે છે. ચોરી કરતી વખતે પકડાઇ ના જવાય એની તેઓ ખાસ તકેદારી રાખે છે.

ચોર: તમે અહીં આજુબાજુ કોઇ પોલીસવાલો જોયો?

મુસાફર: ના.

ચોર: ચાલ, જલ્દી કર, તારી પાસે ચેન, વીંટીં, ઘડિયાળ, પર્સ..જે કંઈ હોય તે ચુપચાપ મારે હવાલે કર.

થોડા સમય પહેલાં અખબાર (૨૫ નવેમ્બર, ૨૦૧૧. દિવ્યભાસ્કર, પાના નંબર ૧૬) મા છપાયેલા એક અજીબો ગરીબ કિસ્સા ઉપર મારું ખાસ ધ્યાન ગયેલું. સમાચાર લંડનના હતા. એમા લખ્યું હતું, ‘ ઉત્તર ઈગ્લેન્ડમા લીડ્સ ગામે, ૧૬ વર્ષના એક કિશોરે સંખ્યાબંધ ઘરોમા ઘુસીને ટી.વી., કેમેરા, પ્લે-સ્ટેશન જેવા સાધનો ચોર્યા. સંખ્યાબંધ ઘરોમાં ઘુસી આવા ઉપકરણો ચોરવા એ ચોર જગતમાં કંઈ નવાઇની ઘટના નથી. પણ આ ટીનેજર ચોરને પકડીને ‘સઘન દેખરેખ’ હેઠળ જે સજા કરી એ નવાઇની છે.

સજાના ભાગરુપે એને કહેવામાં આવ્યું કે, ‘તેં જે જે ઘરોમા ચોરી કરી હોય, એ બધાને પત્ર લખીને અફસોસ વ્યક્ત કર.’ ચોરે ઘર માલિકોને પત્રો તો લખ્યા પણ અફસોસ વ્યક્ત કરવાને બદલે એમને જ આ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવતાં લખ્યું, ‘ તમે ઘરના રસોડાની બારીઓ ખુલ્લી રાખીને ગંભીર ભુલ કરી છે.’ એનો પત્ર વાંચીને ઘરમાલિકો સુધર્યા કે નહીં તે ખબર નથી, પણ ત્યાંની પોલીસ આ કિશોરના આવા વલણથી ખુબ હતાશ થઈ ગઈ છે.

ઘણા સમયથી ‘મહિલાઓ પર વધી રહેલા બળાત્કારના કિસ્સા.’ ના સમાચારો એ ખુબ હોબાળો મચાવ્યો છે. એમાં પણ કેટલાક નિવેદનો, ‘મહિલાઓ ટુંકા કપડાં પહેરી, અંગપ્રદર્શન કરી, પુરુષોની વ્રુતિને બહેકાવે છે અને બળાત્કાર કરવા પ્રેરે છે.’ એ સમાચારે તો ‘બળતામા ઘી હોમવાનું’ કામ કર્યું છે. ટુંકમાં ઘરની ખુલ્લી બારી ચોરને અને મહિલાઓના ખુલ્લા અંગો બળાત્કારીને આકર્ષે છે. અહીં મને ‘રામરાજ્ય’ ની યાદ આવે છે. મેં વાંચ્યું હતું કે, ‘રાજા રામનું રાજ્ય હતું ત્યારે પ્રજા રાત્રે ઘરના બારણા ખુલ્લા રાખીને, નચિંત મને સુઇ જતી, કેમ કે ત્યારે કોઇ ઘરમા ચોરી નહોતી થતી.’ વિચાર એ આવે છે કે, ત્યારે પણ પ્રજા મા કોઇ ગરીબ તો કોઇ તવંગર તો હશે જ ને? તો પછી ચોરી ના થવાનું કારણ શું? કોઇ ને આ કારણ જાણમાં હોય તો મને (કૂતુહલ સંતોષવા) અને સરકારને (ચોરી રોકવા) જણાવવા વિનંતિ છે.

પત્રકાર મગન: મને એ સમજાતું નથી કે તમે લોકો કૂતરાઓને લઇને કેમ ઘૂમો છો?

પોલીસ છગન: કેમ કે કૂતરાઓ ચોરને પકડી પાડેછે.

મગન: તો તમે લોકો શું કરો છો?

છગન: અમે લોકો કૂતરાને પકડી રાખીએ છીએ.

‘છુપાવનાર ની બે આંખ તો ચોરનાર ની ચાર’ આ કહેવત ચોરની વધુ ચાલાકી વ્યક્ત કરે છે. એક ઘરમાંથી તમામ ઘરવખરી ચોરાઇ ગઈ. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરી તો માલુમ પડ્યું કે ચોરો ટી.વી. સિવાયની તમામ મિલકત લઈ ગયા હતા. પોલીસે ઘરમાલિકને પૂછ્યું, ‘ નવાઇ એ વાતની લાગે છે, કે ચોર બધું જ લઈ ગયા તો આ મજાનું ૪૨’’ નુ ટી.વી. કેમ છોડી ગયા?’ ત્યારે ઘર માલિકે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘ કેમ કે તે વખતે હું ટી.વી. પર ક્રિકેટ મેચ જોઇ રહ્યો હતો.’ આમ પોલીસોનો પનારો ચોર ઉપરાંત આવા જાતજાતના લોકો સાથે પડતો હોય છે. પોલીસોની ધીરજ અને સહનશક્તિને સલામ!

જેલર: તને અઢાર વર્ષની સખત કેદની સજા થઈ તે સાંભળીને તારા સગા વહાલાઓ ને બહુ દુ:ખ થયું હશે, નહીં?

ચોર: ના, સાહેબ. એ બધા તો બહુ ખુશ થયા, કેમ કે તે સૌ અહીં જેલમાં જ છે.

આપણને બાળપણમા સ્કુલમા શિક્ષક ભણાવે છે, કે, ’ચોરી કરવી એ પાપ છે.’ અને આપણા મા-બાપ પણ આપણને હમેશા કહેતા આવ્યા છે, ‘ચોરી કરવી નહી.’ પણ કેટલાક કિસ્સામા વાત કંઇ અલગ જ હોય છે. એક બગીચામા ફળ તોડતાં પકડાયેલા છોકરાને માલિકે કહ્યું, ‘ચોરી કરતાં શરમ નથી આવતી તને? ચાલ, ક્યાં છે તારો બાપ? બોલાવ એને.’ છોકરાએ ડરતાં ડરતાં કહ્યું, ‘એ તો સામેના ઝાડ પરથી ફળ તોડી રહ્યો છે.’

ચોરી કરવી એ લાગે છે એટલું આસાન કામ નથી. કેટકેટલી તકેદારી રાખવી પડે અને કેટકેટલી કુશળતા કેળવવી પડે છે. માલિક જાગી ના જાય, ચોકીદાર કે અડોશી-પડોશી કોઇ જોઇ ના જાય, પોલીસ આવી ના જાય, કૂતરાઓ ભસે નહી, કોઇને શક ના પડે .....વગેરે વગેરે. એકવાર કેટલાક ચોરોએ એક હવેલીમા ચોરી કરવાનું નક્કી કર્યું. પણ હવેલી ને ફરતે આવેલી દિવાલ ખુબ ઊંચી હતી જે ઓળંગીને જઈ શકાય એમ નહોતું. ચોરોએ ગામમા એક નટને ઊંચી છલાંગ લગાવીને દોરડા ઉપર ચઢી જતાં અને કશું પણ પકડ્યા વગર, બેલેન્સ જાળવીને દોરડાને બીજે છેડે પહોંચી જતાં જોયો. ચોરો એ નટને ઉપાડી લાવ્યા અને ધમકી આપીને કહ્યું, ‘તું છલાંગ લગાવીને હવેલીના પહેલે માળે આવેલી બાલ્કનીમા પહોંચી જા અને ત્યાંથી દોરડું બાંધીને ફેંક.’ ‘આદતસે મજબુર’ નટે કહ્યું, ‘પણ તમે લોકો પહેલાં નગારું તો વગાડો.’

સામાન્ય રીતે ચોરો લુંટ્ફાટ કરવા માટે એકલ દોકલ મુસાફરોને પસંદ કરતાં હોય છે અને એકાંત સ્થળ પસંદ કરતાં હોય છે, જેથી પકડાઇ જવાની શક્યતા ઓછી રહે. પણ કેટલાંક ચોર ભલાં, દયાળુ અને હિમ્મતવાળા હોય છે.

ચોર: માફ કરજો, સાહેબ. તમે શું પેલી નદી તરફ જઇ રહ્યા છો?’

મુસાફર: ના ભાઇ ના.

ચોર: તો પછી મારે મજબુરી વશ તમને અહીં જ લુંટવા પડશે.

નેતાઓ અને રાજકારણીઓ ‘ભ્રષ્ટાચાર’ ના પ્રતિકરુપ ગણાય છે. વકીલો ‘જુઠ’ના પ્રતિકરુપ ગણાય છે. તેમ ચોર-લુંટારાઓ ‘અપ્રમાણીકતા અને ક્રુરતા’ ના પ્રતિકરુપ ગણાય છે. જો કે કેટલીક વાર વ્યક્તિ પોતાના વ્યવસાયથી વિપરીત પણે પણ વર્તન કરતાં નજરે પડે છે. રાત્રિના અંધકારમા દોડતો જઈ રહેલો એક માણસ એક હવાલદાર સાથે અથડાઇ ગયો.

હવાલદાર: અબે એય, કોણ છે તું?

માણસ: સાહેબ, ચોર છું.

હવાલદાર: (હળવેથી એને દંડો ફટકારતાં) પોલીસવાળા સાથે મજાક કરે છે? ચાલ ભાગ અહીંથી.

દરેક ચોરની ચોરી કરવાની અલગ અલગ સ્ટાઇલ હોય છે. કોઇ દિવસે અજવાળામા ચોરી કરે, કોઇ રાત્રે અંધકારમાં. કોઇ એકલાં એકલાં ચોરી કરે તો કોઇ સંગાથમા. એક અદાલતમા જજે આરોપીને પૂછ્યું, ‘તું ઘરનું છાપરું તોડીને ચોરી કરવા પ્રવેશ્યો હતો, સાચી વાત?’ આરોપી: હા, સાહેબ. શું કરું એક તો ઘરના પ્રવેશદ્વારે લખ્યું હતું, ‘અજાણ્યા લોકોએ પ્રવેશ કરવો નહી’ અને બીજું, પ્રવેશદ્વાર પર ચોકીદાર પણ તો બેઠો હતો.’

જેલમા દરેક કેદી પાસે કંઇ ને કંઇ કામકાજ કરાવવામા આવે છે, એમને હુનર શીખવવામા આવે છે. જેથી સુધરી ગયેલા કેદીઓ જેલની બહારની દુનિયામા જાય ત્યારે પ્રામાણીક અને સ્વાવલંબી જીવન જીવી શકે. થોડાઘણા ભણેલા એક કેદી ને જેલરે કહ્યું, ‘હું વિચારું છું કે તારી પાસે કોઇ કામ લેવું જોઇયે. તું કેવા પ્રકારનું કામ કરી શકે?’ શિક્ષિત ચોરે જેલરને કહ્યું, ‘એક અઠવાડિયું પ્રેકટીસ કરું તો પછી તમારા બધા ચેકોને સહી કરી શકું.’ (ઊંચે લોગ, ઉંચી પસંદ)

ચોર લોકોને થાપ આપવા માટે ઘણી ગ્રુહિણીઓ અનાજના પીપમા, કઠોળના ડબ્બામા કે ખાંડની બરણીમા પૈસા છુપાવીને રાખે છે. જુના જમાનામા લોકો જમીનમા ખાડો ખોદીને સોનામહોરો દાટી રાખતા. એક ઘરમા તિજોરી પર સુચના લખી હતી, ‘તિજોરી તોડશો નહી. એને ખોલવા માટે એના હેંડલને ડાબી બાજુ ઘુમાવો.’ ચોરી કરવા ઘરમા ઘૂસેલા ચોરે સુચના મુજબ હેંડલ ઘુમાવ્યું તો સાઇરન વાગવા માંડી અને ચોર પકડાઇ ગયો. કોર્ટમા રજુ કરાયેલા એ ચોરને જજે પૂછ્યું, ‘તારે તારી સફાઇમા કંઇ કહેવાનું છે?’ ચોર બોલ્યો, ‘નામદાર! શરાફત પરથી તો મારો વિશ્વાસ જ ઊઠી ગયો છે.’

આ ચોર નો ભલે શરાફત પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય પણ આ પતિ મહાશયનો એમની પત્નીની રસોઇ પર સંપૂર્ણ વિશ્વાસ જોવા મળે છે.

પત્ની: અરે ઉઠો, ઘરમા કોઇ ચોર ઘુસી ગયો છે. અને ફ્રીઝ ખોલીને એમાંથી ખાવાનું ખાઇ રહ્યો છે.

પતિ: ખાવા દે એને! મારો બેટો એ જ લાગનો છે.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com