એક પતંગિયાને પાંખો આવી Chapter-11 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી Chapter-11

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 11

વ્રજેશ દવે “વેદ”

ટ્રેનની દિશા તો એક જ હતી. પણ વિચારોની દિશા બદલાતી રહી, રાત ભર. આ બધાની વચ્ચે નીંદ્રાએ પોતાનો પ્રભાવ બતાવી દીધો. તેઓ પણ હવે ઘસઘસાટ ઊંઘી ગયા. ઊંઘતા રહ્યા. ક્યાંય સુધી.

ટ્રેને બ્રેક મારી, રોકાઈ ગઈ. વ્યોમાની નિંદ્રા પણ અટકી. બારી બહાર સ્ટેશનનું નામ વાંચ્યું. ‘સવાઇ માધોપુર’

આકાશ તરફ નજર કરી. દિવસ ખાસ્સો આગળ વધી ગયો હતો. તડકો પણ તિવ્ર થઈ ગયો હતો. સમય ચકાસ્યો. 8.48 am . ઓહહ .. કેટલું મોડુ થઈ ગયું. તેણે નીરજાને જગાડી.

બાનેની આંખમાં ઊંઘ તો હતી જ પણ કશુંક ચૂકી ગયાનો અફસઓસ પણ હતો. કોઈ કશું જ ન બોલ્યું. તો ય આંખોએ વાતો કરી લીધી. મનોમન. એકબીજાને કહેવાઈ ગયું...

‘નીરજા, આપણે મોડા પડ્યા...’

‘વ્યોમા, તે ક્ષણ વિતી ગઈ..’

‘બહાર નજર કર, સુરજ પણ કેટલો આગળ નીકળી ગયો...’ વ્યોમા હવે પૂરેપુરી જાગી ગઈ હતી.

“હા, સુરજ ઊગતા પહેલાંની ક્ષણો.. આછો અંધકાર અને આછેરા ઉજાસની ઝલક. “

“twilight ની એ અદભૂત ક્ષણો...”

“સૂરજના આગમન પહેલાંના, પ્રકાશના તરંગોનું આકાશ પર છવાઈ જવું...”

“આકાશના રંગને સાવ બદલી નાંખવું..”

“અંધકારના કાળા રંગમાંથી બ્લૂ રંગ.. બ્લૂ રંગમાંથી સોનેરી રંગમાં બદલાતા જવું...”

“લાલચોળ થઈ જતું આકાશ, શરમના શેરડાઓથી ભરાઈ જતું આકાશ.”

“ખૂબ જ નમ્રતાથી સૂરજનું ઉગવું.”

“લાલ રંગનું ગાયબ થઈ જવું, સૂર્યના પ્રકાશનું ફેલાઈ જવું.”

“નમ્રતાથી ઉગેલા સૂરજનું આક્રમક થઈ જવું.”

“આ એક પછી એક ઝડપથી બનતી અને બદલાતી ઘટનાઓ , બદલાતા રંગો જોવાની...”

“ઈચ્છા આજે તો અધૂરી રહી ગઈ... વ્યોમા.”

મૌન વાર્તાલાપમાં હવે શબ્દો ઉમેરાવા લાગ્યા.

“વ્યોમા, આજે આપણે એ બધું જ ચૂકી ગયા.” નીરજાએ ઊંડો શ્વાસ છોડીને કહ્યું.

વ્યોમાએ પણ હવે મૌન વાર્તાલાપને ત્યાગી દીધો. તેણે નીરજાના શબ્દો સાંભળ્યા. તેને સમજાઈ ગયું હતું કે શબ્દો હવે મૌનને પરાસ્ત કરી ચૂક્યા છે માટે શબ્દો તો બોલવા જ પડશે. હવે શબ્દો નીકળવા લાગ્યા, ટ્રેન પણ સ્ટેશન છોડીને આગળ નીકળવા લાગી.

“હા, નીરજા, આપણને જાગવામાં મોડુ થઈ ગયું.”

“આપણને કોઈએ જગાડયા પણ નહીં.”,નીરજાએ અફસોસ વ્યક્ત કર્યો.

“મેડમ, આપણે ટ્રેનમાં છીએ. અહીં કોણ આપણને જગાડે?” હસી પડી બંને .

“હા, ઘર હોય તો માં જગાડે. પણ અહીં .. અહીં તો .. યસ, મોબાઇલનું એલાર્મ જગાડી શકે.” નીરજાને મોબાઈલ યાદ આવ્યો.

“એલાર્મ અવશ્ય જગાડી શકે પણ તેને સૂતા પહેલાં સેટ કરવું પડે ને? આપણે તો બસ એમ જ સૂઈ ગયા હતા. તો પછી એ વાગે ક્યાંથી? અને નીરજા મેડમ જાગે ક્યાંથી?”

“વ્યોમા, તારી વાત બરોબર છે. પણ, એલાર્મમાં તો આપણે સમય સેટ કરી શકીએ. જેમ કે પાંચ, છ, સાત વગેરે ... અને એ પ્રમાણે એ સેટ કરેલા સમય પર વાગીને આપણને જગાડે . પણ... પણ...”

“પણ શું, નીરજા?”

“પણ, એલાર્મને એ ક્યાંથી ખબર પડે કે હવે twilight થવાની છે, સુરજ ઉગવાનો છે, આકાશમાં રંગ બદલાવાના છે, કોઈ મેઘધનુષ રચાઇ રહ્યું છે, ક્યાંક સરસ મજાની સંધ્યા ખીલી છે, વાદળાઓ દોડાદોડી કરે છે, મીઠો મધૂરો પવન લહેરાય છે, કોઈ પંખી કલરવ કરે છે, કોઈ માટી ભીની થઈ છે, કોઈ ફૂલ ખીલ્યું છે, કોઈ સુગંધ વહેતી થઈ છે, કોઈ પતંગિયુ ઊડી રહ્યું છે, કોઈ વાદળી ઝરમર વરસવા તરસે છે, ક્યાંક વરસે છે, દરિયામાં ભરતીના મોજા ઉછળે છે, બરફ જામે છે, કે પીગળીને પહાડ પરથી ઝરણાં બનીને વહેવા લાગ્યા છે...”

“અરે અરે, શ્વાસ તો લે જરા.” વ્યોમાએ તેને રોકી.

નીરજા ક્ષણ માટે અટકી. ફરી એક ઊંડો શ્વાસ લીધો. દૂર આકાશમાં નજર કરી, કરતી રહી. વ્યોમાએ તેને ખલેલ ન પહોંચાડી. તે પણ બારી બહાર સરકતા દ્રશ્યો જોતી રહી.

“વ્યોમા, આ એલાર્મમાં એવી કોઈ સગવડ કેમ નથી કે. . કુદરતની બદલાતી તસવીર પ્રમાણે આપણે એલાર્મ ગોઠવી શકીએ અને જેવી તસવીર બદલાય કે એલાર્મ વાગે. આપણને ખબર પડે, કે બહાર ખુલ્લા આકાશમાં કશુંક સુંદર બની રહ્યું છે. અદભૂત બની રહ્યું છે. અને આપણે બધી જ વ્યસ્તતાઓને છોડીને તે સુંદર અને અદભૂત ઘટનાને માણવા લાગીએ. એવું જો કોઈ એલાર્મ બની જાય તો ..” નીરજા લાંબા મૌન પછી બોલી રહી હતી. વ્યોમા સાંભળી રહી હતી.

“તો. તો માણસ ક્યારેય આવી અદભૂત ક્ષણોને ચૂકે જ નહીં. પણ, નીરજા, હજુ સુધી માણસજાતે એવું એલાર્મ બનાવ્યું જ નથી. જો. જોઈ લે તારા મોબાઇલમા. મોબાઈલ ગમે તેટલો સ્માર્ટ કેમ ન હોય પણ હજુ સુધી આવું એલાર્મ કોઈ મોબાઇલમા નથી. નથી જ.”

બંને એ પોતપોતાના મોબાઈલ ઓન કર્યા.

“ઓહ માય ગોડ.” બંને એકસાથે જ બોલી પડી. આટલા બધા મિસ્ડ કોલ? તે બધા જ ઘેરથી આવ્યા હતા. તેઓ નીંદરમાં હતા ત્યારે જ આ બધા કોલ આવેલા. ઓહ, ઘેર બધા ચિંતા કરતાં હશે. ચાલ કોલ કરીને ક્ષેમ કુશળના સમાચાર આપી દઈએ. તેઓએ કોલ કરી લીધા.

હવે તેઓએ સાથી મુસાફરો તરફ નજર કરી. સફાળું ભાન થયું, કે ટ્રેનમાં તેઓ એકલા જ નથી. કેટલાય મુસાફરો તેની સાથે યાત્રા કરી રહ્યા છે. રાત્રે ટ્રેનમાં ચડ્યા પછી છેક હવે ફુરસદ મળી, ટ્રેનમાં સાથે મુસાફરી કરતાં લોકોને જોવાની.

સીટ નંબર 17 થી 22 પર નજર દોડાવી. બધા જ યાત્રીઓ જાગતા હતા. છએ છ સીટ ભરેલી હતી. હવે ડાબી બાજુ નજર કરી. સીટ નંબર 31 અને 32 પર એક કપલ અને દોઢેક વર્ષનું બાળક હતા. તો જમણી બાજુ સીટ નંબર 15 / 16 પર એક senior citizen કપલ બેઠું હતું. તેઓના ચહેરા પર વૃદ્ધત્વ દેખાતું ન હતું. ખૂબ જ સ્વસ્થ અને પ્રસન્ન લગતા હતા.

તમામ સીટો ભરેલી હતી. ઘણાં બધા વ્યક્તિત્વો એક સાથે યાત્રા કરી રહ્યાં હતા. બધાને એક નજરે જોઈ લીધા.

સીટ નંબર 17 પર બેઠેલો વ્યક્તિ અલગ, બધાથી અલગ લાગી રહ્યો હતો. 30/32 વર્ષની ઉંમર, રંગ ઘઉં વર્ણો, આંખ પર ચશ્મા, માથા પર આછા વાળ, સ્વસ્થ અને તંદુરસ્ત બાંધો, હાથમાં કોઈ ચોપડી, ક્યારેક ચોપડીમાં નજર તો ક્યારેક બહાર વહી જતી જમીન અને આકાશને પકડવાની વ્યર્થ કોશિશ કરતી નજર. તે કદાચ કોઈ અલગ વિશ્વમાં હતો.

નીરજાને યાદ આવ્યું. કાલે રાત્રે જયારે તે બંને મુક્ત મને હસતી હતી ત્યારે આ વ્યક્તિએ જ તેને ટૉકી હતી અને ટ્રેનની ડિસિપ્લિન જાળવવા કહ્યું હતું.

હઁ.. એ જ હતો તે વ્યક્તિ. નીરજાને તે વ્યક્તિમાં કશુંક વિશેષ હોય તેવું લાગ્યું. થોડી વાર માટે તેને જોયા કર્યું. તરત જ ધ્યાન હટાવી, વ્યોમા જોડે વાતો કરવા લાગી.

વાતો ચાલતી રહી, ટ્રેન પણ ચાલતી રહી. સ્ટેશનો આવતા ગયા. લોકો ઉતરતા ગયા. નવા ચડતા ગયા. સીટ પર બેસનાર બદલાતા ગયા. પણ એ બધામાં સીટ નંબર 17 પર બેઠેલી વ્યક્તિ કાંઈક વિશેષ લાગી. અન્ય બધા સામાન્ય !

********

બપોરના 1.30 નો સમય. ટ્રેન આગ્રા ફોર્ટ પર આવી પહોંચી. બારીની બરાબર સામે બુક્સ, મેગેઝીન, ન્યૂઝ પેપર વગેરે લઈને એક લારી ઊભી હતી. ત્યાંથી રેડિયો પર ચાલતી કોમેંટરી નો અવાજ સ્ટેશનના કોલાહલને ચીરીને ટ્રેનના ડબ્બા સુધી આવતો હતો. અવાજ ખૂબ જ મોટો હતો.

ઘણા બધા મુસાફરો કોમેંટરી સાંભળવા આસપાસ ગોઠવાયેલા હતા. ધ્યાન દઈને સાંભળતા હતા.

India needs 37 runs from 23 balls and 2 wickets are in hand. Match is in very interesting stage. It is still wide open for both the teams. Either team can steal the show. The first one day of the 5 match series is in very existing stage. Fans are also exited. Very very sensible cricket. Drinks break is over, everything is set.

કોમેંટરીણો અવાજ ત્યાં જ છોડીને, ટ્રેન આગળ વધી ગઈ. ક્રિકેટ રસિયા મુસાફરો અંદરોઅન્દર ગણગણાટ કરવા લાગ્યા, ચર્ચા કરવા લાગ્યા. મેચની પરિસ્થિતી પર વાતો થવા લાગી. તેઓ સાંભળતી રહી.

”ઈન્ડિયા જીત ભી સકતા હે, 23 ગેંદોંમેં 37 રન, કોઈ બડી બાત નહીં હૈ...”

“પર હમારે પાસ વિકેટ ભી તો નહીં હે..”

“ઉપરસે ઓસ્ટ્રેલિયાકી પિચ પર ગેંદ સ્વિંગ ભી હો રહી હૈ. તો થોડા મુશ્કિલ હૈ, પર અસંભવ નહીં હૈ. “

“it’s cricket, friends. We can’t say until last ball delivered… so wait and keep hoping..”

ક્રિકેટ પર સૌ પોતપોતાનું મંતવ્ય આપતા રહ્યા. ટ્રેન અને ક્રિકેટ પરની વાતો ચાલતી રહી. બંનેને એ વાતો ગમવા લાગી. ક્રિકેટ એ નીરજા અને વ્યોમાને પણ ગમતી રમત. ટીવી પર લાઈવ મેચ જોવી ગમતી. આજની રસાકસીભરી મેચ જોવાની તિવ્ર ઈચ્છા થઈ આવી. પણ અહીં ટ્રેનમાં ટીવી પર મેચ જોવું ક્યાંથી સંભવે? ક્રિકેટની વાતો અને ટ્રેન ચાલતી રહી.

“અગર ઈન્ડિયા યહ મેચ જીત જાતા હૈ તો, વનડે રેંકિંગમેં પહલે નંબર પર આ જાએગા.”

“પર જીતે તબ ના...! અબ તક તો મેચ ઔર આગે બઢ ગયા હોગા.”

“ઔર ઈનટ્રેસ્ટિંગ ભી...”

“કાશ ! હમ રેડિયો સાથ લેતે ઔર કોમેંટરી સુન પાતે..”

વ્યોમાએ મોબાઇલમા એફએમ ચેનલો સ્કેન કરવા મંડી. 5-6 જુદી જુદી ચેનલો સર્ચ થઈ. એક પછી એક બધી ચેનલો તપાસી જોઈ. FM ની કોઈ પણ ચેનલ પર કોમેંટરી સાંભળવા ન મળી. નીરજા વ્યોમાને જોઈ રહી હતી, અને ક્રિકેટની ચર્ચાને માણી રહી હતી.

ચર્ચાનો મુખ્ય સૂર હતો, કે આવા રસપ્રદ મેચના exiting મોડ પર આવેલા મેચની કોમેન્ત્ર્યથી વંચિત રહી ગયા. તેનો સૌને અફસોસ હતો. વ્યોમા મોબાઈલ પરથી ધ્યાન હટાવી વાતમાં જોડાઈ ગઈ.

“દેખો, મૈંને મોબાઇલમે સભી FM ચેનલ ચેક કર લી. કિસી પર ભી કોમેંટરી નહીં આ રહી.”

“અરે, વોહ FM પર નહીં એએમ ચેનલ પર આતી હૈ.”

“વોહ તો હમારે મોબાઇલમે હૈ હી નહીં.” વ્યોમા વ્યગ્ર બની ગઈ.

“મોબાઈલ કંપની વાલોને આજ તક એસા મોબાઈલ નહોં બનાયા, જિસમે FM કે અલાવા અન્ય બેન્ડ પર ચેનલ સુન સકે.”

“કૌન કૌન સી ઐસી બેન્ડ રેડિયો પર હોતી હૈ?”

“રેડિઓમેં એફએમ કે સિવા AM એવમ SW ચેનલ ભી હોતી હૈ.”

“તો મોબાઈલ બનાને વાલી કંપનીકો યહ સબ ચેનલ ભી હેન્ડસેટ મેં ઉપલબ્ધ કરાની ચાહીયે.” વ્યોમાએ પોતાનો મત વ્યકત કર્યો.

“તો ફીર હમ કહીં ભી ક્રિકેટ કોમેંટરી સુન સકેંગે. પર અફસોસ ! કબ મિલેગી એસી સુવિધા હમે, ઇસ સ્માર્ટ ફોન મે?” પહેલીવાર નીરજા વાતમાં જોડાઈ.

આમ તો ટ્રેનમાં બેઠા પછી પહેલી જ વાર બંનેએ અન્ય મુસાફરો જોડે વાતો શરૂ કરી હતી. અને એ પણ ક્રીકેટ વિશે. તેને આધારે મોબાઈલ વિશે. તેના ખૂટતા ફીચર્સ વિશે.

“મહેંગેસે મહેંગે મોબાઇલમમેં ભી કોમેંટરી નહીં સુન સકતે, તો ક્યા મતલબ હૈ ઇસકા સ્માર્ટ હોને કા?” વ્યોમાએ નારાજગી વ્યક્ત કરી.

“કંપનિયોકો ઇતના ભી પતા નહીં, કી ઈન્ડિયામે ક્રિકેટ ખેલ નહીં, ધર્મ હૈ, દેશપ્રેમ જતાનેકા માધ્યમ હૈ. .. દેશકો એકસૂત્રમે બાઁધતા હૈ યહ. ઔર ઇસકી સુવિધા હી નહીં ઇસ સ્માર્ટ ....”

“ખાક સ્માર્ટ હૈ યહ...”

ક્રિકેટ પર શરૂ થયેલી ચર્ચા હવે મોબાઈલ તરફ વળી ગઈ. તેના મોડેલ્સ, ફીચર્સ, તેના ભાવ, વગેરે પર ચર્ચા ફંટાઇ ગઈ... ચાલતી રહી.

વીસેક મિનિટ બાદ એક મુસાફરે બ્રેકિંગ ન્યૂઝ આપ્યા, ‘ભારતને ઔસ્ટ્રેલિયાકો એક વિકેટ હરા દિયા.”

સૌ ખુશ થઈ ગયા. ક્રિકેટના ચાહકોના મોઢા પર નવી લહેર પથરાઈ ગઈ. બોડી લેન્ગ્વેજ પણ બદલાઈ ગઈ. ફરી સૌ ક્રિકેટની ચર્ચામાં લાગી ગયા.

સીટ નંબર 17 પર બેઠેલ વ્યક્તિના ભાવોમાં કોઈ ખાસ પરીવર્તન ન આવ્યું. તે હજુ પણ મૌન હતો. કદાચ બધાને સાંભળી રહ્યો હતો.

વ્યોમા અને નીરજાએ ફોનથી ઘેર વાત કરી લીધી. ક્રિકેટના સમાચાર પણ જાણી લીધા. ફરી બારી બહારની દુનિયામાં પ્રવેશી ગયા, બંને.

“નીરજા, છેલ્લું સ્ટેશન તો આગ્રા ફોર્ટ હતું ને?” વ્યોમાએ પ્રશ્નાર્થ નજરે જોયું, નીરજાની નજર હજુ પણ બારી બહાર જ હતી,”હા, કેમ?” પ્રત્યુત્તર સાથે પ્રતિપ્રશ્ન કરી લીધો.

“એ જ સ્તો નીરજા, એ જ ..”

“શું છે વ્યોમા? શું વાત છે?” હજુ પણ નજર બારી બહાર જ હતી.

“આગ્રા, નીરજા આગ્રા સ્ટેશન હતું એ....” વ્યોમાનો સ્વર રોમાંચિત થઈ ગયો.

“હા, આગ્રા સ્ટેશન... પાગલખાના માટે પ્રખ્યાત. શું તારે પાગલખાના માં જવું છે? તે આટલી બધી પાગલ થઈ છે ...” નીરજાએ મસ્તીખોર જવાબ આપ્યો.

“નીરજા, આગરામાં પાગલખાના સિવાય પણ બીજી વસ્તુ છે. જે બધાને, આખી દુનિયાને તેના પ્રેમમાં પાગલ કરી દે છે.” વ્યોમાએ નીરજાના મસતીભર્યા કટાક્ષને બીજી દિશા આપી દીધી.

“પ્રેમમાં પાગલ?” હવે સ્મિત સાથે, નીરજાએ વ્યોમા પર નજર કેન્દ્રિત કરી.

બંનેની આંખો મળી અને તેમાં ચમક આવી ગઈ.

“હા, નીરજા હા. પ્રેમમાં પાગલ કરી દે તેવો...”

“તાજ મહેલ !” બંને એકસાથે રોમાંચિત થઈ ગઈ.

“ઓહ ! તાજ મહેલ. તું ત્યાં જ રહેજે. આજ તો અમો બીજા મિશન પર જઈએ છીએ. પણ... એક દિવસ તને મળવા અમે જરૂરથી આવીશું. તું ત્યાં જ રહેજે, અમારી પ્રતિક્ષા કરજે, અમે આવીશું, એક દિવસ, જરૂર આવીશું. રાહ જોજે આમરી...”

તાજમહેલને પ્રતિક્ષા કરવાનું કહેણ મોકલી વચન પણ આપી દીધું.

“વ્યોમા, ક્રિકેટના ઉત્સાહમાં આગ્રા સ્ટેશન પર પણ, આપણે તાજમહેલને યાદ ન કરી શક્યા... અરે, દૂરથી આવતી એની સુગંધને પણ ન પારખી શક્યા... વાતાવરણમાં રહેલા તેના મૃદૂ તરંગોને ન અનુભવી શક્યા... આપણે.”

“હા નીરજા, આ બધું ક્રિકેટ મેચના ઉન્માદને લીધે.”

“ક્રિકેટ એટલું બધું છવાઈ જતું હોય છે, કે સ્થળ કાળ ની વિશેષ સુગંધને, તેની ધરોહરને અને આગવા રોમાંચને અનુભવવાનું ભૂલી જઈએ છીએ. ક્રિકેટની માયાજાળમાં તાજમહેલને ભૂલી જવાય, એ કેમ ચાલે?”

“ગમે તે થાય, પણ હવે આપણે દરેક પળને, દરેક સ્થળને માણીશું. “

“ક્રિકેટ કે અન્ય કોઈ બાબત આપણને તેમ કરતાં રોકી નહીં શકે...”

ચહેરા પર દ્રઢ નિશ્ચય સ્પષ્ટ દેખાતો હતો. સામસામે સ્મિત કરી ફરી ટ્રેનની બહાર, પાછળ છૂટી ગયેલા તાજમહેલના રંગે રંગાઈ ગયા.