લોચો ભાગ 2 Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોચો ભાગ 2

*** લોચો ***

(ભાગ-૨)

“આ લ્યો તમારો સત્તરસો ને એકસઠમો લોચો. કહું છું...સાંભળો છો ? કહું છું.... ?

પોતાના પતિને આમ અચાનક બૂમો પાડતાં સાંભળી, પ્રેમલત્તાબહેન તો હાંફળા-ફાંફળા થતાં રસોડામાંથી બહાર આવ્યા અને બોલ્યા, “શું થયું? વળી કેવો લોચો?? કાંઈ હમજાય એવી તો વાત કરો ભઈ’સાબ.”

“તમે કહેતા’તા ને કે આપણી પચાસમી લગ્નતિથિ આવતીકાલે છે.”

“હાં, તો તેનું શું ?”

“લગ્નની તારીખ ખબર પણ છે ને તમને ?”

“હા હા યાદ છે ને.., ૨૬ મી જૂન....”

“અરે મારા લોચા માસ્ટર, આજે કઈ તારીખ થઈ...??”

“......................”

“આજે જ છે ૨૬મી જૂન. આ વાંચો વર્તમાનપત્રમાં.. એટલે એનો અર્થ એ થયો કે, આપણી લગ્નતિથિ આજે જ છે. અને આપણા બાળકો પણ આજે જ આવવાના છે. અરે!! આવવાના છે શું..?? આવતાં જ હશે, અહા !! કેટલા વર્ષે નિહાળીશ ! મારા દોહિત્ર કેવીનને ? આકાશ ધરતીની દીકરી મુસ્કાનને અને આયુષ તો ખરોજ. કોઈકે સાચું જ કહ્યું છે કે ‘નાણાં કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે’ કેમ સાચું ને લતા...?” બોલતાં બોલતાં હરિકાંતભાઈના ચહેરા પર જાણે નવ યુવાનીની લાલીમા છવાઈ ગઈ.

“એ વાત તો તમારી સવા આની સાચી.” મીઠાં મધુરા સંસ્મરણોમાં ખોવાતા પહેલા પ્રેમલતાબહેન બોલ્યા.

“આટલા વર્ષે એ બધાયની રૂબરૂ થતાં પહેલાં મને મારી જાત સાથે થોડો સમય એકાંતમાં વિતાવવો છે. માટે હું મંદિર જઈને આવું ત્યાં સુધી અહીંનો દોર તમે તમારા હાથમાં લઈ શકો છો મારા ‘મધર ઈંડિયા’.” જતાં પહેલા હળવા નિશ્વાસ સાથે પ્રેમલત્તાબહેનના હાથમાં પોતાના હાથનું પ્રગાઢ મિલન કરાવતાં હરિકાંતભાઈ બોલ્યા હતા.

બહાર મેહુલિયાએ વરસીને હમણાં જ એક પોરો ખાધો હતો. પરંતુ પ્રેમલત્તાબહેનનું મન હિલોળે ચડ્યું હતું. દીકરીનું પરધર્મી સાથે ભાગી જવું, વચેટ પુત્ર, પુત્રવધુ અને નાના દીકરા વચ્ચેનો ગજગ્રાહ, મોટા પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ જેવા પોતાના વિશ્વાસને ચકનાચૂર કરી નાખતાં પ્રસંગો બાદ આજે પાંચ વર્ષ પછી ફરી પાછા એક છત નીચે એકઠા થતાં સંતાનો અને વિધવા પુત્રવધુના પુન: લગ્નનો નિર્ણય.. એમના જીવનમાં કોઈ અણધાર્યો લોચો તો નહીં વાળે ને...?? એવા સંશય સાથે તેઓ અમીટ નજરે બારણાંને તાક્તા બેસી રહ્યા.

**********************************

“કહું છું.. અમે એક મહત્વનો નિર્ણય લીધો છે.” બાળકોના ચાય-નાસ્તા અને હર્ષાશ્રુ સાથેના સ્વાગત બાદ પ્રેમલત્તાબહેને પોતાની વાત કહેવાની શરૂઆત કરી.

“કેવો નિર્ણય.... મો..મ...???” મુગ્ધા આશ્ચર્યચકિત થતાં બોલી.

“મેં અને તમારા પપ્પાજીએ સંધ્યાવહુના બીજા લગન માટે હા પાડવાનો નિર્ણય લઈ લીધો છે. આવતા મહિને તે પ્રભાત મોદી સાથે પોતાનું નવું જીવન શરૂ કરશે.” આટલું બોલીને પ્રેમલત્તાબહેને સંધ્યાના માથા ઉપર મમતાથી હાથ ફેરવ્યો.

“આ... આ... શું બોલી ગઈ મ..મ્મી..??” આકાશ અને ક્ષિતિજ એકી સાથે બોલ્યા.

“એમાં મમ્મીજીને શું પૂછો છો..?? હશે એમનો આ કોઈ બ્રાન્ડ ન્યુ લોચો રાઈટ...??” ધરતી તોછડાઈથી બોલી. એનું બોલવું આકાશને ગમ્યું તો નહીં છતાં પણ એણે ચૂપકી સાધવી ઉચિત સમજી.

“ધરતીવહુ.... જ્યારે તેં ક્ષિતિજ સાથેના સંબંધને તિલાંજલિ આપીને મારા આકાશને ઘરજમાઈ બનાવ્યો ત્યારે એ શું હતું..?? તારો લો..ચો.. જ ને..??”

“બટ... મોમ, સંધ્યાભાભી વિધવા છે ને તમે લોકો એક વિધવાના રિમેરેજ વિષે.... શેટ.. શું કહેશે આ દુનિયા..?? દુનિયા સાથે તને કાંઈ લાગતું વળગતું નથી..??”

મુગ્ધાને વચ્ચેથી જ અટકાવીને પ્રેમલત્તાબહેને ધારદાર અવાજે કહ્યું, “દીકરા, તને બહુ લાગે વળગે છે નહીં આ દુનિયા સાથે...?? બહુ ફિકર છે તને આ દુનિયાની..?? પણ જયારે પે’લા કાળિયા હારે રાતોરાત હાલી નીકળી’તી, ત્યારે તો તે ન તો અમારી ફિકર કરી’તી ન તો દુનિયાની... હં..”

“પણ... મમ્મી.., એ તો વિચાર કે, સંધ્યાભાભી જો બીજા લગ્ન કરી લેશે તો આયુષનું શું... આઈ મીન એ આપણા અમરભાઈનો વંશ છે. તું તારા હાથે એને પારકાના ખોળે આપી દઈશ..”

“નાનકો બરાબર કહે છે આઈ એગરી વીથ હીમ. અને હાં, મમ્મી.. અમે પણ આ દુનિયામાં જ રહીએ છીએ એ એટલે અમારે પણ દુનિયાને જવાબ...”

“આકાશ... ન તો મને કાલે દુનિયાની ફિકર હતી, ન તો હવે હું કરવાની છું. મને તમારા પપ્પાજીનો પૂરેપૂરો સહકાર છે પછી દુનિયાની તો ‘ઐસી કી તૈસી’.” પ્રેમલત્તાબહેન નિ:સ્પૃહ ભાવે બોલી ગયા.

વાતાવરણ એકાએક બોઝિલ બની ગયું. ધરતી પોતાના પિતાની વગ વાપરીને આકાશને વારંવાર સુરત પાછા વળી જવા ઉશ્કેરી રહી હતી. મુગ્ધા પોતાના પુત્ર કેવીન સાથે કોઈ હૉટલમાં જઈને રહેવા માટે મોંઘાદાટ ટૅબ્લેટ પર ઝડપથી આંગળીઓ ફેરવી રહી હતી. ક્ષિતિજ અને મિતાંષી એક ખૂણામાં મોઢું ફૂલાવીને બેસી ગયા હતા. અને સંધ્યા પોતાના પુત્ર આયુષને છાતીએ ચાંપીને હિબકે ચડી હતી.

“સારું થયું કે, મુસ્કાન આપણી સાથે નો આઈવી, નહીંટો એ શું વિચારટ..??” ધરતીએ વધુ એક ટોણો માર્યો.

“મમ્મી, અત્યાર સુધી તારા અસંખ્ય લોચાઓને કારણે અમે ઘણુંજ સહન કર્યુ છે બટ નાઉ ઈનફ ઈઝ ઈનફ.. અમને હતું કે, પપ્પાજીને મળીને જશું પણ હવે તો એક મિનિટ માટે પણ અહીં રહેવું ઈમપોશિબલ છે.” ક્ષિતિજે પોતાનો સામાન ઉપાડતાં કહ્યું.

“બેટા, તમારા પપ્પાજી તમારા સૌના માટે પ્રાર્થના કરવા માટે મંદિરે ગયા છે. એમની રાહ જોવી કે ન જોવી, અહીં રહેવું કે ન રહેવું એ નિર્ણય લેવાનો અધિકાર તો આજથી પાંચ વર્ષ પહેલા જ તમે અમારી પાસેથી ઝૂંટવી લીધો છે. મેં મારા શ્વાસે શ્વાસે મારા પરિવારનો વિશ્વાસ સંપાદિત કરવાની માત્ર કોશિશ જ કરી છે હમેંશા... અને આજે... કદાચ એ કોશિશની હાર થઈ હોય એવું મને લાગી.....” ગળા સુધી આવી ગયેલું ડૂસકું છૂટી ન જાય એની તકેદારી સાથે પ્રેમલત્તાબહેન પોતાના સંતાનો તરફ અછડતી નજર નાખતાં બોલ્યા.

“તમારી હાર થાય કે જીત... એની સાથે અમારે શું લેવાદેવા..?? પણ મને અફસોસ એક જ વાતનો છે કે આ પારકી જણી માટે તું તારા જ સંતાનોની લાગણીને ઠેસ પહોંચાડી રહી છો. મોમ... હવે તો અહીં એક મિનિટ માટે રહેવું પણ અમારા માટે બોજ સમાન છે.” મુગ્ધા નફરતથી સંધ્યા તરફ જોઈ રહી.

“બસ… બહુ થયું... મમ્મીજી મને ખબર નહોતી કે તમે મારું અપમાન કરાવવા માટે મને અહીં બોલાવી હતી..” તરડાયેલા અવાજ સાથે ઉપસ્થિત તમામ ઉપર ઉડતી નજર નાખતા સંધ્યા બોલી, “હું જાઉં છું ફરી પાછી ક્યારેય આ ઘરમાં ન આવવા માટે. મારા અને મારા આયુષના ભવિષ્ય માટેના ડિસીઝન માટે મને તમારા કોઈની સંમતિની કે સૂચન.. શેની પણ જરૂર નથી.... ગોટ.. ઈટ..??”

****************************

લાંબી પૂજા અર્ચના અને પોતાના આંતરમન સાથે દ્વંદ્વ કર્યા બાદ સૌ માટે પ્રસાદ લઈને ઉમળકાભેર હરિકાંતભાઈ ઘેર પાછા ફર્યા. ઉપર ઉપરથી કડકાઈ નજરે પડતી હોવા છતાં માંહ્યલું પોતાના બાળકોની એક ઝલક જોવા અને એમનો અવાજ સાંભળવા તરસી રહ્યું હતું.

પરંતુ.... પરત ફરતાં એમને મૌનના સંકજામાં સપડાયેલું ઘર નજરે પડ્યું. એમણે ઠઠ્ઠા મશ્કરી અને કલબલાટની કલ્પના કરી હતી એને બદલે શૂન્યવકાશનો અનુભવ થતાં એમની પેટમાં ફાળ પડી. તેઓ હાંફળા ફાંફળા થઈને બધા ઓરડામાં ફરી વળ્યા. ત્યાં એમની નજર ઘરના નાનકડા મંદિરની સામે હમેંશની જેમ નિર્લેપ ભાવે બેઠેલા પ્રેમલત્તાબહેન પર પડી.

કરૂણામયી મૂર્તિની માફક બેઠેલા પ્રેમલત્તાબહેનને ઢંઢોળતા હરિકાંતભાઈ બોલ્યા, “લત્તા... આપણા સંતાનો ક્યાં..?? કેવો લાગ્યો એમને તમારો નિર્ણય...?? તમારો શ્વાસ.. તમારો વિશ્વાસ.. ક્યાં..??” પ્રશ્નો પૂરા થાય એ પહેલા તો પ્રેમલત્તાબહેનનો દેહ નિષ્પ્રાણ બનીને હરિકાંતભાઈના ખોળામાં ઢળી પડ્યો.

સંતાનોના આકરા વેણને જીરવી ન શકવાથી અને પોતાના વિશ્વાસ રૂપી શ્વાસ રૂંધાઈ જવાથી પ્રેમલત્તાબહેન, હરિકાંતભાઈના જીવનમાં કદીએ સુધારી ન શકાય એવો લોચો વાળીને ચાલી નીકળ્યા.

********************** (પૂર્ણ) *************************