જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(પ્રતિકને ફ્રેકચર થયું – હોસ્પિટલમાં એડમિટ કર્યો – દોસ્તી – ક્રિકેટ પર ‘બેન’ – ચોરી ચુપકે રમવા જવું – ફરી એક વખત કેચ પકડતા હાથનું દુઃખવું – મારું બહાનું કામ કરી જવું – નવમાં ધોરણની વાર્ષિક એક્ઝામમાં મારી અને પ્રતિક વચ્ચે માત્ર ૩ માર્કસનો ફર્ક રહેવો)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૮ : ગાર્લિક ગર્લ ઇન મેટ્રિક મેટ્રો:-

મારા અને પ્રતિકના માર્ક્સ વચ્ચે માત્ર થોડો ફર્ક હતો. તેનું ખરાબ પરિણામ એ આવ્યું કે તેને ક્લાસમાં રહેલા બે વિભાગોમાંથી બોયઝ સેક્શનમાં બેસવાનું મળ્યું. જયારે મારું નસીબ તો હું પ્રાથમિકમાં હતો ત્યારથી જોર કરતુ હતું. હંમેશા પિકનિક, ટુર્સ કે પછી શૈક્ષણિક મુલાકાતો દરમિયાન જયારે વાહન લઈને જવાનું હોય ત્યારે સદનસીબે મને ગર્લ્સ સેક્શન જ મળ્યો છે. એટલે કોઈ અવળચંડાઈ નહિ કરતા પરંતુ, એક પ્રકારનો ગર્વ હંમેશા હોય જ ! આ વખતે પણ એવું જ થયું. એક બેન્ચમાં ૩ વિદ્યાર્થી બેસે. ઓબ્વિયસલી, ગર્લ્સની સંખ્યા થોડી ઓછી હતી. એટલે ગર્લ્સ સેક્શનમાં ૩ બેંચ ખાલી રહેતી હતી. આ ત્રણ બેન્ચમાં ૩ * ૩ = ૯ વિદ્યાર્થીઓ સમાઈ શકે. તેમાં પ્રતિકને ફટકો એ પડ્યો કે મારો ૯ મો રેન્ક હતો. આખી સ્કૂલના આગલા વર્ષના ટોપર્સમાં મારો નવમો અને પ્રતિકનો દસમો રેન્ક હતો. આના લીધે મને ગર્લ્સ સેક્શન મળ્યો. એમાં પણ, લાસ્ટ બેંચ ! એટલે પાછળની બેન્ચથી છેક છેલ્લે સુધી ગર્લ્સ રહેતી. ગર્લ્સમાં બેંચ-વાઈઝ ઇન્ટરનલ રોટેશન હતું. એટલે રોજેરોજ નવો ચહેરો પાછળ બેઠો હોય. હવે આકર્ષણો દરરોજ થતા. શરીરમાં અજીબોગરીબ સેન્સેશન આવતા. કોઈને પામવાની, ચૂમવાની, ઝૂરવાની અને જલદી ખોટું લગાવવાની બીમારીઓ થતી. દરેકના દિલમાં એક ‘ધક-ધક ગર્લ’ હતી. જેને રોજ રાત્રે યાદ કરીને સૂવાની આદતો બની ચૂકી હતી. દરેક ગર્લ માટે કોઈ ક્રશ હતો. જે તેને રાત્રે ગાદલા અને પિલોના રૂ ને દબાવતા આનંદ આપતો. આ બધું માત્ર મન નાં સોફ્ટવેરમાં હતું. આમાંનું કંઈ પણ હજુ બોલી શકાય એવી પરિસ્થતિમાં નહોતું. રોજ અવનવી વાર્તાઓ રચાતી. પાત્રો બદલાય, વાર્તા બદલાય, કહાનીના કેરેક્ટરની પરિસ્થિતિ બદલાય. બસ, ન બદલાય એ માત્ર શારીરિક આવેગો.

મારી પાછળ તસ્વીર, રિપલ (બકવાસ) અને ભૂમિ બેસતા હતા. ભૂમિ કથીરિયાને તો ૯માં ધોરણમાં રક્ષાબંધન પર ‘સ્વીટ સિસ્ટર’ની પદવી અપાવી હતી. મારી બાજુમાં અશોક અને બ્રિજેશ બેસતા હતા. અટકચાળા અને હું – પર્યાયી શબ્દો હતા. શાબ્દિક શૃંગારો કરીને બોલવાની પહેલેથી જ ટેવ ! તેમાં આગળ – પાછળ વાળા બધા જ એ શબ્દોમાં સૂર પૂરાવ્યે કરતા હતા.

અમુક નવી ‘ગેમ્સ’ શીખ્યા હતા. જેને ‘ગેમ્સ’નો ‘ગ’ પણ ન કહી શકાય. એમાંની એક એટલે ‘ફટાકડો’. આ ગેમ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. કાગળને ફાડીને તેના નાના ગોળાકારે ટુકડા કરવાના. ડાબા હાથની પહેલી આંગળી અને અંગુઠો કેરમની કૂકરી મારવાની સ્થિતિમાં લાવવાના. એ આંગળી અને અંગુઠાની રીંગ નીચે એ વર્તુળાકાર કાગળ સહેજ ઉપસીને રહે એમ ફીટ કરવાનો. ત્યાર બાદ બીજા હાથની હથેળી વડે નીચેથી એ કાગળના ટુકડાને જોરથી ધક્કો મારવાનો. હવાના ધક્કાને લીધે એ કાગળ ‘ફટ્ટ...!’ જેવા આવાજ સાથે આંગળી અને અંગુઠાની રીંગમાંથી બહાર ઉછળીને હવામાં ઉંચે ઉડે અને ફટાકડા જેવો અવાજ આવે. અસ્સલ લક્ષ્મી બોમ્બ જેવો !

હવે, આવું કરવામાં અમે હોશિયાર હતા. બધાને મસ્ત અવાજ આવે. એમાં એક દિવસ ટ્યુશન ક્લાસમાં સતાણી સર નેનોટેકનોલોજીની ૭૦ મિનિટની ડી.વી.ડી. વગાડયે જતા હતા. એ જ સમયે અમે એકસાથે આ ફટાકડો ફોડ્યો. બધા પકડાઈ પણ ગયા. અમને એવું હતું કે સર આજે મજાકના મૂડમાં છે એટલે મારશે નહિ અને અમારી આ ‘ન્યૂલી ઇન્વેન્ટેડ’ સ્કિલના વખાણ કરશે. પણ, વિચારીએ એવું થાત તો કેટરિના એ સમયે આપણી ગર્લફ્રેન્ડ હોત ને ! ‘નમસ્તે લંડન’થી સીધી જ દિલમાં ઘુસી ગયેલી.

સતાણી સર તો નજીક આવ્યા. અમને બધાને ઉભા કર્યા અને પૂછ્યું, “કોણ છેય એ?” લાંબા લહેકા સાથે !

આ ધંધામાં બોલવાનું નહિ. બધા ચૂપ – ચાપ ચપડગંજુની જેમ ઉભા રહ્યા. છેવટે સર હસીને ચાલતા થયા. ત્યાં તો બાજુના વિભાગમાં બેઠેલા છોકરાઓની બળી ગઈ. સ્કૂલ ટોપર અમે ૯ હતા એ ગર્લ્સ સેક્શનમાં હતા, એટલે સર બહુ ચીડાતા નહિ. પણ, આ વખતે ગજબ કર્યું. બાજુના વિભાગ વાળી બધી બજરંગ દળ ધરાવતી નોટો બોલી, “દર વખતે છોડી જ દેવાના?” ત્યાં તો બીજો બોલ્યો, “અમને જ દર વખતે મારવાના?” અને, આખો વિભાગ ચટર – પટર કરવા લાગ્યો. આ ઝીણો અવાજ સતાણીને બહુ સંભળાઈ જતો. બેન્ચની નીચેથી બોલ્યા હોઈએ છતાં એ સાંભળી જતો. આ બધાની વાત સાંભળીને પાછો અમારી પાસે આવ્યો.

“કોણ હતું ઓમકાર?” પણ, એ વખતે સુરતનો ટોપર બનવા જઈ રહેલો ઓમકાર પોતે જ આ કાંડમાં શામેલ હતો. તેથી તે કઈ બોલ્યો નહિ.

“અચ્છા. મિલન કઈ રીતે તે ફટાકડો ફોડેલો? બધાને બતાવો.”

મિલન ને ખબર નહિ શું થયું તે ! તેણે તો બૂકમાંથી પેજ ફાડીને તેનું સર્કલ બનાવ્યું. અને, ફટાકડો ફોડવા ગયો પણ ફૂટ્યો નહિ. અમને હાશ... થઇ. છતાં, એ ઉભો રહે એમ હતો? સરની સામે એ ફટાકડો ફોડવા તૈયાર થવા લાગ્યો.

“સોરી, સર ! આ વખતે ન ફૂટ્યો. ઉભા રહો, એમ મિનિટ !” જાણે, સતાણી સર પોતે તેનો ફટાકડો સાંભળવા અહી ઉભા ન હોય ! અને, બીજી વખતે જોરદાર અવાજ સાથે ફટાકડો ફોડ્યો.

સર એ એ જ મિનિટે સટ્ટ કરતી એક ચમચમાતી થપાટ ગાલ પર લગાવી દીધી. પાછળના સાથળ પર હાથની આંગળીઓને ભેગી કરીને તીણી ચૂંટી ભરી ! ટૂકમાં, ચોન્ટિયો ભર્યો. મિલન ઉંચો થઇ ગયો. સર એ પાછું પૂછ્યું, “બીજો કોણ હતો?”

“કંદર્પ, તું હતો?”

અને પાછળથી ચાર અવાજો એ મને પ્રોટેસ્ટ કર્યો. આ ચાર અવાજોમાંથી એક સાઈલેંટ હતો. બીજા ત્રણ ફિઝીકલ હતા. તસ્વીર, રિપલ અને ભૂમિ – આ ત્રણેય જોરથી બોલી ઉઠ્યા.

“ના, સર ! એ નહોતો.” વાસ્તવમાં આ કાંડનો CEO હું જ હતો. આવો પ્રોટેસ્ટ જોઇને આખો ક્લાસ મારી તરફ જોઈ રહ્યો. હવે, મને ડર હતો કે, ટ્યુશન છૂટ્યા પછી મારે કેટલો માર ખાવો પડશે?

પરંતુ, મને એ અવાજની શોધ હતી જે શરૂઆતમાં ગળામાંથી નીકળ્યો પણ સીધો ડાઈવર્ટ થઈને પાછો સ્વરપેટી વાયા થઈને દિલમાં જતો રહ્યો ! સાઈલેંટ અવાજ ! આ અવાજ એ જ હતો જે રોજ સ્કૂલ છૂટ્યા પછી સ્ટેશનરીની દુકાન આગળના ઝાડની નીચે પોતાની બહેનપણીઓના ટોળામાં ગુંજતો હતો. એ અવાજ એ જ હતો જે આંખની કીકીમાં થઈને બીજા ચહેરાના નૂરને જોવા માટે નીકળતો હતો. એ અવાજ હતો કોઈ આકર્ષણનો, જે શારીરિક સૌન્દર્યને કંઇક કહેવા મથતો હતો. આ એ જ અવાજ હતો જેને હું વર્ષોથી જાણતો હતો.

આટલા વર્ષો સુધી સાથે રહ્યા પછી અમે દરેકની ટેન્ડેન્સી જાણતા હતા. અમુક મિત્રો બાલમંદિરથી સાથે જ હતા. એમની ચોઈસ પણ અમને ખબર જ હતી. સ્કૂલના શિક્ષકો પણ હવે જાણતા થયા હતા. જે અમારા મહામહિમ સિનિયર વિદ્યાર્થીઓએ શિક્ષકોના નામ રાખ્યા હતા તેમાં લેશમાત્ર પણ ફેરફાર કર્યા વિના જ અમે સ-પ્રેમ બોલાવતા. આ સ્કૂલના આળસુ શિક્ષકો !

એમાંની એક હતી, ભાવના ‘વડાપાવ’. ગોળ-ગોળ ચહેરો અને નીચી ઢબૂક જેવું ઢોલ-શરીર. ક્લાસમાં આવે એટલે તરત જ બકે બોબડી, “છી ગંડો. રોજ આટલી વાસ કેમ આવતી હોય તમારા ક્લાસમાંથી?” એમ કહીને ભણાવવાને બદલે ક્લાસની બહાર મોઢા પર રૂમાલ દબાવીને ઉભી રહે. એમાં એક વાર ક્લાસમાં તેને છીંક આવી અને ક્લાસ આખો બોલ્યો, “છી, છી, છી...!” જયારે આવું કૃત્ય ખરાબ કામ માટે થાય ત્યારે સામેવાળા એ ઝૂકવું જ પડે.

બીજી હતી, ચંદ્રિકા ‘દૂંટી’. લગભગ વીસેક લિટર પાણી સમાઈ જાય એવડું પેટ. જે ‘પેટ’ નામ પર કલંક હતું, એમાંયે સ્ત્રી એટલે તો ખાસ ! એમાં લગભગ પાંચ સેન્ટીમીટર વ્યાસ ધરાવતી પાણીની પાઈપ જેવડી મોટી દૂંટી. નાનો છોકરો કોઈક સોસાયટીમાં પ્લાસ્ટિકની દડી રમતો હોય અને આ ‘દૂંટી’ પાસે આવે તો એ ક્યાં સંતાડે ખબર? ‘દૂંટી’માં ! અડધો ફૂટ દૂંટીથી નીચે સાડી પહેરે અને ફાંદને ફરકાવીને ચાલે, જાણે લોબી આખી એની હોય અને કૌશિકભાઈ પ્રિન્સિપાલ તેના ‘હબી – ચબી’ હોય.

ત્રીજી અને ઇન્ટરેસ્ટિંગ આઈટમ હતી એ, સ્વાતિ ‘ડિસ્કો’. ભલભલાને પ્રેમના પાણી છટકી જાય, એવું ગોળાઈ ધરાવતું શરીર ! હાઈટમાં તો તેઓ ‘સુપર – હીટ’ હતા. અને, ચાલમાં ‘ચાલબાઝ’. જો કે, તેઓ હંમેશા મારી જેવા તોફાની છોકરાને પણ ચાહતા હતા. માધ્યમિકમાં નવો આવ્યો અને રેખા મે’મ એ જયારે મને બે દિવસ માટે બહાર ઉભો રાખ્યો હતો અને તેના સામે મેં જયારે ‘કૌશિક કી અદાલત’માં કેસ ઠોકી બેસાડેલો ત્યારે મારી સપોર્ટ સિસ્ટમ સ્વાતિ મે’મ જ હતા. બાબા આદમના જમાનાથી વાત ચાલી આવતી હતી કે, સ્કૂલમાં અમુક શિક્ષકોનું અંદરો-અંદર ‘લવી-ડવી’ જેવું ચાલતું હોય છે. આવું જ કંઇક સ્વાતિ મે’મ અને અરવિંદ ‘ડોન’ વચ્ચે ચાલતું હતું.

અરવિંદ ‘ડોન’ એટલે ગળામાં રૂમાલ, આંખો લાલ કેચ-અપ જેવી, શર્ટની બાંહ વાળીને ચડાવેલી, જમણા હાથમાં વીંટીઓ, મોં માં ૧૩૫નો મસાલો (કાઠિયાવાડમાં ‘માવો’) અને ૧૦૦+ હાર્ટ-બીટ સાથે ચાલતું શરીર. હાઈ બી.પી નો પેશન્ટ અને ઈન્ટેલીજન્ટ કવોશન્ટનાં નામે મીંડું. દુનિયામાં સૌથી ખરાબ ભૂમિતિના ચિત્રો દોરનાર માણસ ! વર્તુળ દોરે તો એવું લાગે જાણે ચિકુ દોર્યું હોય. ત્રિકોણ તો એકદમ બટેટાના મસાલાવાળા સુરેન્દ્રનગરના સમોસા જેવું બનાવે ! એકદમ રફ, દેસી અને વાહિયાત બોલીમાં છોકરાઓને મારતા. એક દિવસ થયું એવું,

પિરિયડ પૂરો થયા છતાં હજુ કોઈ ક્લાસમાં આવ્યું નહિ એટલે અમે બાય ડિફોલ્ટ એવું ધારી લીધું કે કોઈ ભણાવવા આવવાનું નથી. તેથી હું, ગાંગાણી અને ધવલ – ત્રણેય મજાક કરવાનું શરુ કર્યું. જોર – જોરથી હસી રહ્યા હતા. હું વચ્ચે બેઠો હતો. મેં બંનેને મારા હાથ વડે પકડ્યા અને તેમના ગળા પર મૂક્યા. છેવટે, શક્તિ પ્રદર્શન શરુ કર્યું. અમે ત્રણેય બેંચ પર બેસીને ‘શક્તિમાન – શક્તિમાન’ રમતા હતા એ બહારથી અરવિંદભાઈ જોઈ ગયા. તેમની કેફિયત એવી હતી કે શુદ્ધ ગુજરાતી બોલવાનું પરંતુ, બોલી શકે જ નહિ. પ્યોર દેસી વર્ડ્સ એમાં ભળે ત્યારે ખરેખરની ખીચડી થતી.

“એય, સોકરાવ ! શું કરો ‘સ ? હં? હં?”

“આયા, આવો તો !” અમે તો ડરી જ ગયા. અરવિંદ ‘ડોન’ ના કિસ્સાઓ બહુ સાંભળ્યા હતા. તેમની હાઈટ ૬ ફૂટ હતી. હાથ તેના કરતા વધુ મોટો હતો. એક વાર મારવાનું શરુ કર્યું એટલે ક્યાં ઉભું રહેવું અને ક્યાં મારવું? આ કોઈ પ્રશ્નો જ નહોતા.

આખો ક્લાસ શાંત ! અમે ડરી રહ્યા હતા કે શરીરનો કયો ભાગ છૂપાવવો? છતાં, એ ખ્યાલ જ હતો કે જ્યાં છુપાવીશું તેના કરતા કોઈ નવી જગ્યા એ જ મારીશું. અમે ત્રણેય બિચારા – બાપડા વેલ્લા બનીને ગયા. પહેલો ગાંગાણી હતો. પછી હું અને મારી પાછળ ધવલ.

અમે, લાઈનમાં ત્રણેય ઉભા રહી ગયા. બકરો કપાવાનો જ હતો. શ્રીગણેશ ગાંગાણીથી જ કરવાના હોય ને ! પાછળ હાથ રાખીને અમે ત્રણેય ઉભા હતા. પણ, અરવિંદ ‘ડોન’ તો ગાલ પર જ લાગી પડ્યો. જાણે રેસ્ટોરન્ટમાં પંદર મિનિટ પછી ઠંડુ પડી ગયેલું નાન ખેંચવું પડે તેવી રીતે એક બાજુથી ગાલ ખેંચીને બીજી બાજુ દે ધના ધન ! બધું લાલ – એ - લાલ કરી મુક્યું. છ ફૂટના સાંઢ સામે મોઢું ઊંચું કરીને ગાંગાણી એ લગભગ ઢગલો સપાટાઓ ખાધા. ત્યારબાદ લાઈનમાં મારો વારો આવ્યો.

“કાં, બવ વાયડાઈ આવડી ગઈ સે? મોનિટર થઈને પોતે ઝ ધમાલો કરવાની? હં? હં?” મારો તો એ પિત્તળબુઠ્ઠા એ કાન પકડ્યો. જાણે રબરનો બોલ તૂટી ગયો હોય અને તેના એક કાચલામાં પથ્થર મૂકી ગલેલ બનાવવા માટે જેમ વાળીએ એમ કાનને બેવડ વાળી દીધો.

“ચરબી ચડી સે? હં?હં? ક્લાસમાં કોઈ ન હોય એટલે મન ફાવે તેમ કરવાનું? હં?” આ વાંદરાની જેમ હં...હં... કરતો હતો. મને તેનું હસવું આવતું હતું. બરાબરનો મેથીપાક આપ્યો.

“સોરી સર !”

“શું સોરી? સોરી- બોરી કાઈ નૈ ! માર ખા છાનોમાનો !” ગાંગાણી કરતા ઓછો મેથીપાક મળ્યો. છેવટે, જોવાલાયક દૃશ્ય અને ઇતિહાસમાં યાદ રાખીને નોંધ લેવામાં આવે તેવું ! હવે ધવલનો વારો પડવાનો હતો. ધવલ અરવિંદ ‘ડોન’ પાસે જઈને ઉભો રહ્યો, થોડો દૂર ! ગાલ પર હાથ રાખીને થોડો નજીક ગયો. સર એ તરત જ કાંઠલો પકડ્યો.

“સોરી, સર ! હું નહોતો. પ્લિઝ સર, પ્લિઝ. હું નહોતો.” એ તો રડવા માંડ્યો. ગાલિબ આ તો ગજબ ! અમે બંને એની સામે જોઈએ અને આ ભાઈને સર એ હાથ પણ ન લગાવ્યો. હનુમાનચાલીસા બોલવા માંડ્યો. એમ પણ, કોઈ ક્લાસમાં તેને ગાળ આપે તો એ સામી ચોપડવાને બદલે હનુમાનચાલીસા બોલવા માંડતો. ભગત માણસ ! પણ, એ દિવસે માર ખાવા છતાં અભિમાન થતું હતું. વટથી માર ખાઈ આવ્યા ! કમ સે કમ રડ્યા તો નહિ ! એવા પપલુ – ડબલું બનતા તો ક્યારેય આવડ્યું જ નહોતું. માર ખાઈને પણ મારી તો આવવાનું જ ! ધિંગાણું તો કરવાનું જ, ભલે એમાં આપણને પણ ગડદા – પાટું પડે. આવા વટના વાટકાઓ થઈને ફરતા – ફરતા ૧૦મું મેટ્રિક મેટ્રોની જેમ આગળ વધતું જતું હતું.

૧૫ વર્ષના કિશોરો અને કિશોરીઓ. મૂંછ ને કોંટા ફૂટી ચૂક્યા હતા. ચહેરા પર અવાર – નવાર ખીલ અને ફોડકીઓ કૂણાં ચહેરાને પરેશાન કરી રહી હતી. જયારે ગર્લ્સમાં કોઈના ચહેરા પર અમુક સમય માટે ખીલની વધુ લાલાશ દેખાય અને પછી જતી રહે, ત્યારે તેનો પિરિયડ ટાઈમ ચાલતો હશે તેવી ખબર પડવા લાગી હતી. હવે અમારી જેવા અમુક – તમુક ક્લિન શેવિંગ કરીને આવવા લાગ્યા હતા. સવારે ઉઠીને જો ચહેરા પર ખીલ દેખાય તો નહાતી વખતે બળજબરી પૂર્વક દાણાને નખ મારી – મારીને બહાર કાઢયે પાર કરતા હતા. પાઉડર લગાવીને સ્કૂલે જવું વધુ ગમતું હતું. ગર્લ્સ જયારે પેડેડ બ્રા પહેરીને આવે ત્યારે એકબીજાને તરત ઈશારો થતો, “પેડેડ..!” અને આંખ મરાતી. ગર્લ્સ પણ ટ્યૂશન ક્લાસમાં એકદમ ફૂલ-ફટાક તૈયાર થઈને આવતી. અમારા શર્ટના કફ વળીને છેક બગલની ‘કેવિટી’માં જઈને બેઠા હોય. સાઈકલ ચલાવવી હવે ધીરે-ધીરે શરમ લાગવા માંડી હતી. તેનું કારણ જે – તે ગર્લ્સની એક્ટિવા હતું. જીવ ચોળાઈને ત્યારે ચુથ્થો થઇ જતું જયારે સામેવાળી પાર્ટી ‘એક્ટિવા’ પર હોય અને આપણે સાઈકલની ઉતરી ગયેલી ચેઈન ચડાવતા હોઈએ. ક્યારેક પબ્લિકલી હવા મારવાની હોય અને સાઈકલ ચલાવવાનો ‘સ્કિલ શો’ જાતે જ એરેન્જ કરવાનો હોય તે જ સમયે તેનું લોક ખુલતું નહિ. જલ્દી થી રામકૃષ્ણ કે સરગમ એપાર્ટમેન્ટના કોર્નર પાસે પહોંચીને તેમને ચાલતી જોવા અથવા તેની એક્ટિવાની ૧-૨ સેકન્ડની સવારી માટે ઉતાવળો થતી. માધ્યમિકના ત્રીજા વર્ષ બધા સાથે એટેચમેન્ટ સારું થઇ ગયું હતું.

પરંતુ, એ દિવસના પ્રોટેસ્ટ પછી એ અવાજને ઓળખવાનો હતો. તોફાન કરું અને એ જ અવાજ ફરીથી સાંભળવા મળે તો રોજ ‘ફટાકડા’ ફોડું. છોકરી આંખો ઢાળે અને છોકરો નોટના પન્ના ફાડે, એ પરિસ્થિતિ રચાય તેવી શક્યતાઓ હતી. મેટ્રિકની મેટ્રોમાં ગાર્લિક ગર્લ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી.

(ક્રમશ:)

*****

Contact: +91 9687515557

E-mail: