જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(માત્ર ૩ માર્ક્સના ફર્કને લીધે પ્રતિકને બજરંગદળના સેક્શનમાં બેસવાનું આવ્યું – મને ‘ગાર્લિક ગર્લ્સ’નો ડીપાર્ટમેન્ટ મળ્યો – અમારી ચાલુ કલાસે કાગળના ‘ફટાકડા’ ફોડવાની હરકતો – મિલનનું વળી સતાણી સર સામે એક્શન કરવી – એક સાથે મળીને કરેલ તોફાન છતાં મારી પાછળની ગર્લ્સ દ્વારા મારો બચાવ)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૯ : પ્રપોઝલનું પડીકું :-

ધીરે-ધીરે સ્કૂલ અને ટ્યૂશનમાં વાતાવરણ મસ્તીખોર બનતું જતું હતું. શરમ આવતી તો હતી જ, પરંતુ હવે ગર્લ્સ-બોયઝ વાતો કરી રહ્યા હતા. તે દિવસે જે અવાજ હું શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, એ પકડમાં આવ્યો નહિ. ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હતો. ૨૦૦૮નું વર્ષ. મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.

રિસેસમાં અમે ટોળું કરીને ઉભા હતા. આવી જ રીતે અમે ડિસીપ્લીનની MBA કરતા. આનાથી વધુ શિષ્ટ બનીને શિસ્તમાં રહેતા ફાવ્યું કે આવડ્યું જ નહિ. ક્લાસની સામેની લોબીમાં ઉભા હતા. ત્યાં ફિઝીક્સની લેબ હતી. તેની બરાબર સામે ૧૦ – c મારો ક્લાસ હતો. ગર્લ્સ બધી રિસેસ દરમિયાન ક્લાસમાં જ નાસ્તો કરતી. અમે બધા હોલસેલના ભાવે પેટમાં સમોસા અને પફ વડે બટેટા નાખીને એકબીજાના ખભામાં હાથ નાખીને ઉપર આવતા. ક્લાસના ડોર પાસે ગર્લ્સ ઉભી રહેતી. એમાં પણ ‘ઈર્ષ્યાળુને આશીર્વાદ’ જેવી ગર્લ્સ અલગ સર્કલ કરીને ઉભી રહેતી. અલગ-અલગ ગ્રુપ રહેતા. એક ગ્રુપમાં બધી જ ‘કરંટ’ આપે તેવી ‘અફેર્સ’ ધરાવતી ગર્લ્સ હોય. અમુક દાઝેલી ડામ દઈને ઉભી હોય, જે આખો દિવસ બીજાને જોઇને પોતે બળ્યા કરતી હોય. અમુક હોશિયાર હોય, જે આ બધા લટકણથી દૂર હોય. એ રિસેસમાં પણ ક્લાસમાં બેસીને સેવ-મમરા ખાતી હોય, ‘ને સાથે-સાથે દાખલા ગણતી હોય તે અલગ ! અમે અમારી ધૂનમાં અલમસ્ત રહેતા. બોયઝનું કદી કોઈ ગ્રુપ્સ નથી હોતા. તેઓ હંમેશા ટોળામાં જ સુરેખ ગતિ કરે છે. કોઈ જ પ્રકારની ઈર્ષ્યા નો ભાવ તેમના મગજમાં હોતો નથી.

આ દિવસે જ કપિલ દોડતો – દોડતો મારી પાસે આવ્યો.

કપિલ તોતડો હતો. તે હંમેશા વોશરૂમમાં દરવાજા પાસે જ ઉભો રહેતો ત્યાં ઉભો રહીને જ લઘુશંકા કરતો. તેને અમુક નિર્ધારિત સમયે મૂત્રત્યાગ કરવા જવું પડતું. તેને કોઈ ગુપ્ત તકલીફ હતી. એક દિવસ વિજ્ઞાનના સર ઘનશ્યામભાઈ તેમનો વર્ગ લઇ રહ્યા હતા. તેઓ એકદમ દેશી અને ગામઠી ભાષામાં વાત કરતા.

“ઝાસુશી...! ડિટેક્ટિવ એટલે ઝાસુશ. એમ ઝ કિયરણોનું ડિટેકશન કરવા માટે ઝે વપરાય સે તેને સોલાર ટ્રેકિંગ શિષ્ટમ કે’વાય. સોલાર ટ્રેકિંગ શિષ્ટમ એટલે સૂર્યના કિરણોને પકડવાના ! ડિટેકટ કરવાના.”

“એલા ઓય, બિકર. આ બાઝું ઝો ને ! એ બાઝું કાઈ સે બીજું?” વિજ્ઞાનના સર એટલે આવા નામોથી જ બધાને સંબોધે.

સર વિભાગોની વચ્ચે ચાલી રહ્યા હતા. આ કપિલ ભાઈને બરાબરનું પ્રેશર આવ્યું. અને, તમે કપિલને ન જવા દ્યો તો એ ક્લાસમાં જ જવા દે. આ અનુભવ પરથી સાબિત થયેલી વાત હતી.

વચ્ચેના વિભાગમાં કપિલ ચોથી બેન્ચમાં બેઠો હતો. સર જેવા તેની પાસે પહોંચ્યા કે અચાનક જ, “સર, હું જાઉં?” ટચલી આંગળી સરના કમર પાસેના બેલ્ટ પર લઇ જઈને પૂછ્યું.

“હહહહ...!” સર પણ ઝબકી ગયા.

“કપિલિયા, તારે કોઈ ‘દિ મને નૈ પુસવાનું. શીધું જ દોડ્યું જવાનું.” કપિલને આવી રાજાશાહી હતી. વળી, મીઠુંડો એટલો બધો કે ન પૂછો વાત ! બધી છોકરીઓ તેને બાળક સમજીને વાતો કરે. જયારે કપિલભાઈને મૌજ – એ - દરિયા.

આ જ તોતડિયો કપિલ મારી પાસે આવ્યો. અમે બધા ગ્રુપમાં ઉભા હતા. બરાબર અંદર ઘૂસીને બોલ્યો, “તંદર્પ, પેલીએ પુચ્યું છે. હા કહું કે ના?” હું તો સમજ્યો નહિ.

“અલે યાલ, પેલી ક્લીચ્ના એ પૂછાવ્યું છે. હા કહું કે ના?”

“ ક્લીચ્ના? એ કોણ વળી?”

“અલે...ક્લિચના... પેલી બાડી. વધુ પલતી ધોલી ચે ઈ. માથામાં હેલ-બેન્દ નાખે ચે. હોચિયાલ છે. માલા ક્લાચની ટોપલ.”

હું તો પહેલી જ લાઈનમાં ઓળખી ગયો હતો. ક્રિષ્ના હતી એ ! એ સામેની લોબીમાં જ ઉભી હતી. તેની આજુબાજુ ઉભેલી દરેક ગર્લ્સનું ધ્યાન મારા તરફ હતું. મારી ‘હા’ છે કે ‘ના’ તેની રાહ જોઈ રહી હોય તેવું જણાઈ રહ્યું હતું. પરંતુ, હજુ કપિલ બોલવાનું શરુ કરે ત્યાં જ,

“કાંદા....! આયે હાયે..! ક્યારે સેટિંગ પાડી દીધું? કહ્યું પણ નહિ. એની મા ને ! જોરદાર પકડયું છે હો બાકી ! સાલો છૂપો રુસ્તમ નીકળ્યો.”

“જો જે ભાઈ ! આ બધામાં પડતો નહિ. મિથ્યા છે બધું ! ‘હા’ – ‘બા’ નૈ પાડવાની ! આવું તો આવે ને જાય. અઘરું – અઘરું થઇ જશે બધું !” સલાહ પણ આવી અને સહકાર પણ આવ્યા. મેં તો એ સમયે બંનેનું માન રાખ્યું.

કપિલને જરા સાઈડમાં લઇ જઈને કહ્યું, “સ્કૂલથી છૂટીને મળજે. ત્યારે કહીશ, અત્યારે નહિ.”

એટલામાં જ રિસેસ પૂરી થયાનો બેલ વાગ્યો. મારી સામે જોઈ રહેલી ગર્લ્સ હવે કપિલ તરફ જોઈ રહી હતી. એ વળી પાછો દોડીને એ તરફ ગયો. અંદરોઅંદર કંઇક વાત થઇ. આ વખતે હું સૌથી છેલ્લે ચાલી રહ્યો હતો. એ પણ સૌથી પાછળ હતી. ક્લાસમાં અંદર ગયા પહેલા મેં જરા અમથું તેના ક્લાસ પાસે નજર કરી. અનાયાસે તેણે પણ એ જ રીતે પાછળ ફરીને જોયું. અને, આઈ-લાઈનર ગમી ગઈ. હું માત્ર સેકન્ડના અડધા ભાગમાં નજર ચૂકવીને ક્લાસમાં ગયો. ખબર નહિ, પરંતુ મગજને ‘ઠેકાણું’ મળી ગયું અને તેના વાંકે મારો પગ પહેલી બેન્ચના સ્ટીલ ફ્રેમ સાથે અથડાયો છતાં થોડી વાર પછી દુઃખ્યું.

હવે બાકીના બે કલાક કેમ કરીને નીકળશે તેની રાહ જોઈ રહ્યો હતો. એ બે કલાક જાણે ૨ દિવસના હોય તેવું લાગ્યું. રિસેસ પછીના ચાર પિરિયડ પૂરા કરીને પેલા તોતડિયા પાસે જાઉં અને વિગતે બધું સાંભળું. અંતે, કપિલ પાસે જવાનું હતું. એમ તો રોજ કપિલને હું ગાળ જ દેતો. અને એ પણ માર જ ખાતો. છતાં, આજે તો બહાર નીકળીને વધેલા ૩ રૂપિયામાંથી તેને પફ ખવડાવવાનું મન થતું હતું.

અંતે, છૂટવાનો બેલ પડ્યો. હસમુખ કાકા પટ્ટાવાળાને મેં ‘થેંક યુ’ કહ્યું. આજે એ પણ ભુલાઈ ગયું કે ‘જન...ગણ...મન...’ દરરોજ છૂટતી વખતે ગાઈએ છીએ. એકદમ પાગલ જ ! જીંદગીમાં પહેલી વખત આવું થયું હતું. ‘લાઈન’ની લેવડ – દેવડ થતી રહેતી. પરંતુ, આવી શીરા જેવી મીઠી ગપ્ચિક કરીને ગળે ઉતરી જાય તેવી પ્રપોઝલ નહોતી આવી.

હું, પ્રતિક, નિર્મલ, હિરો અને કમલેશ સાથે ઘરે જતા. આ બધાને દાવ રમાડવાનો હતો. એમને ઘરે મોકલીને મારે તોતડિયા સાથે ઉભું રહેવાનું હતું. છેવટે, મને એવું લાગ્યું કે તેઓ રમી ગયા અને ઘરે નીકળી ગયા.

હું અને કપિલ બંને સાથે ઉભા હતા.

“ઓય કાંડા...! ચુ કલવાનું ચે તાલે? કાલે ચાંજે ટૂચન થી ચુટીને પેલી બિનાકા એ મને વાત કરી હતી. તું પુચી જો, તંદર્પને ! ક્લિચના એ પૂછ્યું છે !”

“હા ભાઈ !”

“એની મા ને !”

મને થયું આ તોતડિયો સરખું બોલવા લાગ્યો કે શું?

“તો હા કલી દઉં ને? ચાલુ ચાલુ.”

હજુ હું કઈ બોલું એ પહેલા જ ખખડધજ સાઈકલને કપિલે મારી મૂકી. મેં હજુ ‘હા’ કહી જ નહોતી. એ વાત અલગ છે કે, હું આ વાત માટે ‘હા’ કહેવા માંગતો જ હતો. કારણ કે, આ પરિસ્થિતિ એવી હતી કે - ભરઉનાળે કચ્છના રણમાં પાણી ચાખવા મળે !

સ્કૂલથી છૂટીને ઘરે ગયા. હવે શું ખેલ થવાનો છે એ વિચાર જ નર્વસ કરતો હતો. હસવું પણ ન આવે ‘ને રડવું પણ ! અંદરથી મજા પણ આવતી હતી અને ટેન્શન પણ ! મારે કોઈ મોટો ભાઈ નહોતો એટલે જ તો વળી ! જો મોટો ભાઈ હોત, તેને ફોન પર વાતો કરતા જોયો હોત, હું રૂમમાં જાઉં અને એ તરત બીજા ચાળા કરવા માંડતો હોત, મમ્મીને ‘ફ્રેન્ડનો ફોન છે/કરવો છે’ કહીને વાતો કરતો હોત, ક્યારેક વધુ પૈસા પપ્પા પાસે માંગતો હોત ! તો કંઇક મને ખબર પડે. પરંતુ, આવું કઈ હતું નહિ. ‘આવું’ અમારા કુટુંબમાં પણ કોઈએ કરેલું નહિ. કોઈક કરે તો પણ થોડો સાથ લઇ શકીએ.

આ બધા વિચારોમાં અમે ફરીથી દોઢ વાગ્યે ટ્યૂશન જવા માટે સરગમ એપાર્ટમેન્ટ નીચે આવી ગયા. આજે તો કિંજલ ત્યાંથી પસાર થઇ ગઈ છતાં મારું ધ્યાન ન રહ્યું. બાકી, એક વખત નજર તો મળે જ !

આ જોઇને આજુબાજુમાં ઉભેલા મિત્રોએ મને બરાબર પકડ્યો.

“શું થયું એલા? આજે કિંજલી ને જોઈ નહિ. બહુ કહેવાય. બાકી રોજ એ રંગ-અવધૂતના ચોકે પહોંચી હોય ત્યારનો સામે જોતા હોઉં બંને !”

“એ બધું છોડ ! આજે સવારે જે ભોપાળું આવ્યું હતું એનું શું કર્યું? હા કહી કે ના?”

“હા જ પાડી હોય ! એવું થોડું મૂકાય? એમાંયે પૈસાવાળા બાપની છોકરી છે. એક્ટિવા લઈને આવે છે, અને અહી આપણે બાપા સાયકલના પંચર માટે પણ નથી આપતા. પાંચ રૂપિયા આપે એમાં પણ ઘરે જઈને હિસાબ માંગે છે.”

“કરી લે, કરી લે સેટિંગ...!”

“ના અલા ! ખર્ચા વધી જશે. પૈસાવાળાની છોકરીઓની ડિમાન્ડ પણ બહુ હોય. અને, આવા ચક્કરમાં નહિ પડવાનું.” આ લાઈન જે બોલ્યો હોય તે, પરંતુ એ સમયે મને એ જરાયે નહોતો ગમ્યો.

અંતે, વાત ફંટાઈ. દુનિયાનો વિચારવા લાયક પ્રશ્ન કોઈકે પૂછ્યું. જેનો કોઈ તોડ આજ સુધી મળ્યો નથી.

“અલ્યા, આ બધી છોકરીઓના બાપા પૈસાદાર જ કેમ હોય છે?”

અમે બધા વિચારમાં પડ્યા. ખરેખર, છોકરીના પપ્પા મોટી પાર્ટી જ હોય છે.

આ વાતો કરતાં-કરતાં અમે ૨ વાગ્યે ટ્યૂશન ક્લાસ પાસે પહોંચ્યા. બરાબર એ જ સમયે – યેલો ડ્રેસ અને માથામાં હેરબેન્ડ નાખીને એક એક્ટિવા આવી. જબરજસ્ત. ક્રિષ્ના હતી. ટાઈટ જીન્સ અને ટોપ સિવાય પહેલી જ વાર મને કોઈ છોકરી ડ્રેસમાં ગમી હતી. એમાં પણ તેને ગરદન પર એક તલ હતો. જે ‘ગોરી ચમડી’ પર સીધો દેખાઈ જાય તેવો હતો. અમે બધા સાથે ટ્યૂશન પાસે પહોંચ્યા. કનુભાઈ ડંડો લઈને ઉભા જ હતા.

“ટાઈમે આવવાની ભાન-બાન નથી?”

આવામાં અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા. મેં તેના તરફ જોયું. તે એક્ટિવાને પાર્ક કરીને આ તરફ આવી રહી હતી. તેનું ધ્યાન હતું, છતાં તેણે જોયું નહિ. તેની પાછળ રહેલી ફ્રેન્ડ એ તેને હાથ વડે ઈશારો કરીને મારા તરફ જોવાનું કહ્યું. છતાં, તેણે ઊંચું માથું કરીને જોયું નહિ.

હું પહેલા ક્લાસમાં ગયો. ત્રીજી બેન્ચમાં હું બેઠો. અમારી તો ત્રણ બેંચ જ હતી, ગર્લ્સ સેક્શનમાં ! તેમાં મારી ત્રીજી બેંચ હતી. ગર્લ્સનું ઇન્ટર-રોટેશન હતું. તેમાં અનાયાસે તે મારી પાછળની બેંચમાં આવી. આજે ભણવાનો જરાયે મૂડ જ નહોતો. પરંતુ, સતાણી અને ગોહિલ સરનો પિરિયડ હોય એટલે શાંતિથી સાંભળવું પડે જ !

પાછળની બેંચ પર પીઠને ટેકો આપીને અમે બેસતા. એટલે સતાણી સરનું એવું કહેવું હતું કે, આવી રીતે ઊંઘ આવે અને આળસુ બની જવાય. ટટ્ટાર ‘કાટખૂણે’ બેસવાનું. બેંચ પર હાથ રાખવાની પણ ના પાડે. પિરિયડ પૂરો થાય એટલે બધા આળસ મરડે. આખી બેન્ચમાં શરીર ફરે. બે વિભાગો વચ્ચે ચાલવાની જગ્યામાં ધડ અને ચહેરો ફરતો હોય, આ ધડના પગ બેન્ચની નીચે સ્ટીલની ફ્રેમમાં વીંટળાયેલા મળે. એક હાથ પાછળની બેન્ચમાં જાય અને બીજો આગળની બેન્ચમાં !

આવું એ દિવસે મેં પણ કર્યું. પરંતુ, માફકસરની આળસ. ઊંડો શ્વાસ ભરીને મેં આળસ મરડી. ક્રિષ્ના પાછળની બેન્ચમાં જ બેઠી હતી. એ મારા મગજમાંથી જ નીકળી ગયું. મેં અચાનક પાછળની બેન્ચને ટેકો આપ્યો. તેનો હાથ બેન્ચના પાટિયા પર હતો. તેના મારી પીઠ અને તેનો હાથ ! તરત જ સેન્સર વાગ્યું. આખા શરીરમાં એ આંગળીઓનો સ્પર્શ કરંટની જેમ દોડ્યો. મેં પાછળ ફરીને તરત જ જોયું. તે મારા તરફ હસી. શરમાઈને નીચું જોઈ ગઈ. મારે તો કાનની બૂટ ગરમ અને નાકની દાંડી ઠંડી થઇ ગઈ.

જીયા ધડક...ધડક...જાયે ! અને છેવટે તો ધડાકા થયા. અદભુત સ્પર્શ. હું હસતો હતો. તેની બાજુમાં બેઠેલી માનુની એ તેને ખભો મારીને ચીડવી. હવે ખરેખર ખેલ શરુ થયો હતો. એ પિરિયડમાં હું પીઠનો ટેકો લીધા વિના જ બેઠો. રખે ને તેને ફરી મારી પીઠ અડી જાય અને તેને હાથમાં ચીપટી આવી જાય તો ?

કેટલી બધી કેર ! હજુ તો ‘હા’ જ પડી હતી. તેમાં પણ એ યેલો ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર હતો. મારી આજુબાજુમાં બેઠેલા મને કાનમાં કંઈ ને કંઈ કહ્યા કરે ! આ જોઇને એ પાછળથી હાસ્ય કરે. ગજબ એટેચમેન્ટ ! ટ્યૂશનથી છૂટીને મેં સાઈકલ ભગાવી. એ પહેલા એક્ટિવાની હેડ-લાઈટ મારા તરફ કરી અને ખભામાં ત્રાંસા ભરાવેલ સાઈડ બેગ પર બેઠેલા કંદર્પને જોઇને ગઈ. ઘરે જઈને સીધો મારી રૂમમાં દોડ્યો. પીઠ પર ટચ થયેલ એ આંગળીઓની સોળ શોધવાનું મન થતું હતું. તે દિવસે ન તો ટ્યૂશનમાં ધ્યાન રહ્યું કે સ્કૂલમાં ! બીજા દિવસે ફરી સૂર્ય ઉગવાની રાહ જોવાતી હતી.

પાગલ જ સમજો. બીજા દિવસે સવારે તૈયાર થઈને સ્કૂલે ગયો. સવારે મમ્મીને કપડાને ઈસ્ત્રી કરી આપવાનું કહ્યું. મમ્મી પણ આશ્ચર્યજનક સ્થિતિમાં મુકાઈ ગઈ. આમ તો હું ઈસ્ત્રી કરતો હોય છતાં તેને કરવા ન દેતો ! ચહેરા પર પાઉડર લગાવ્યો. એ દિવસે ચહેરા પર ફૂટેલા કોંટા પર રેઝર ફેરવ્યું. ક્લીન શેવિંગ કર્યું. આજે તો બેલ્ટ પણ પહેર્યો. બાકી, ક્યારેય પણ બેલ્ટ ન પહેરવાની પ્રતિજ્ઞા હતી ! રિસેસ સુધી ઇન-શર્ટ રાખતો. એ પછી બધું નીકળી જાય. પરંતુ, બીજે દિવસે તો આખો દિવસ ઇન-શર્ટ ન નીકળે તે માટેની તૈયારી કરી. પપ્પાની જૂની ઘડિયાળ પહેરી. ઘડિયાળનો બેલ્ટ થોડો જુનો પડી ગયો હતો છતાં પહેરી. મોજાં પણ નવા પહેર્યા. આ બધું શા માટે ચાલતું હતું એ ખબર જ નહોતી. અંતે, ઘરેથી નીકળતા પહેલા સાઈકલ પણ પણ સાફ કરી. બસ, સવારે જઈને તરત જ તેને જોવાની તલપ ! આવો ટિપ-ટોપ તૈયાર થયેલો જોઇને સવારે બધા મિત્રો ટોળે વળ્યા.

“હા પડી ગઈ, બાપુ !”

“શાની હા પડી ગઈ, ભાઈ?”

“અરે, કાલે પેલો તોતડીયો ક્રિષ્નાની પ્રપોઝલ લઈને નહોતો આવ્યો?”

“એની મા ને ! પાર્ટી ફોર્મમાં !”

“હવે આપણો નહિ રહે. ભૂલી જાઓ, કે કોઈ કંદર્પ હતો !”

બેકગ્રાઉન્ડમાં ‘દોસ્ત...દોસ્ત ના રહા...’ સોંગ વાગવા લાગ્યું.

“બાકી, એકદમ કડક પકડ્યું ! મોજ કર હવે !” એ સમયે તો એ જ ખબર ન પડી કે મોજ કરવી એટલે શું? મોજ કરવામાં શું આવતું હશે? મને તો મોજનો મતલબ એટલો જ ખબર હતી કે – રોજ જ્યાં મળે ત્યાં સામે જોઇને હસવું. બોલવાની ત્રેવડ તો હતી જ ક્યાં !

ત્યાં જ એ આવી. આજે હું જેમ તૈયાર થયેલો હતો તેવી રીતે એ પણ તૈયાર થઈને આવી હતી. આજે બેગ બદલાઈ ગયેલું હતું. પિંક બેગ હતું. જાસૂદના ફૂલના કલર જેવી હેર-બેન્ડ હતી. માથામાં પફ લીધી હતી. ગોળ ચહેરા પર એ ‘પફ’ ખરેખર આકર્ષિત કરતી હતી. હાથમાં ઘડિયાળ ચેન્જ થઇ ગઈ હતી. મતલબ, કહ્યા વિના જ આ કનેક્શન કદાચ સેટેલાઈટની ઉપર બેઠેલા એ ઈશ્વરલાલ દ્વારા જ થયું હશે ને ! આવું એ સમયે લાગે જ ! આવી પરિસ્થિતિમાં મન હંમેશા ગમે તે કરીને કોઈ ને કોઈ કનેક્શન કરી જ દે !

એક મહત્વનો ફેરફાર આંખે ઉડીને વળગે તેવો હતો. આઈ-લાઈનર ! એકદમ શ્વેત ચહેરા પર સ્પેક્સની અંદરથી ડોકિયા કરતી આઈ-લાઈનર ! આંખ બંધ થાય અને ખૂલે ત્યાં જ કેટલાયે શરમના કોષો ઉપરથી નીચે ફર્યા કરતા હતા.

(ક્રમશ:)

*****

Contact: +91 9687515557

E-mail: