આઇ વીલ મીસ યુ ડીયર. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ વીલ મીસ યુ ડીયર.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

આઇ વીલ મીસ યુ ડીયર. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

કૃષ્ણ: એવી કઇ જગ્યા છે, જ્યાં હું નથી?

રાધા: મારા નસીબમા તું નથી ક્રિષ્ણ.

કૃષ્ણ: અરે! આખી દુનિયા આપણને ‘રાધા-ક્રિષ્ણ’ ના નામે જાણે છે.

રાધા: પણ આપણા વિવાહ તો ન જ થયાં ને?

કૃષ્ણ: પ્રિયે, વિવાહ કરવા માટે તો ‘બે’ જણ જોઇએ. આપણે બે તો ‘એક’ જ છીએ.

‘પ્રેમ થાય એટલે લગ્ન કરવા જ જોઇએ, એ જરૂરી નથી.’ એ વાત યુવાનો ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખ્યા છે. યુવતીઓને, ખાસ કરીને સુંદર યુવતીઓને ટીકી ટીકીને જોવી, જોઇને સીટી મારવી, એમની તરફ ઈશારા કરવા, એમના વિશે રસપૂર્વક વાતો કરવી, ચાન્સ મળે તો એમની સાથે વાતો કરવી, એમની સાથે કોફી પીવા જવું, ફિલ્મ જોવા જવું, લોન્ગ ડ્રાઇવ પર જવું, ફ્લર્ટિંગ કરવું...વગેરે.. વગેરે...યુવાનોને ગમે છે. પણ જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે....

પ્રેમી:પ્રિયે, હું તને દિલોજાનથી ચાહું છું. (વચનેષુ કીમ દરિદ્રતાં? મતલબ બોલવામા શું કંજુસી?)

પ્રેમીકા:વર્ષોથી આ વાત તું મને કહ્યા કરે છે. મને હવે ફક્ત એટલું કહે, કે મારી સાથે લગ્ન ક્યારે કરે છે?

પ્રેમી:ઓહ! ફરીથી તેં વાતનું વિષયાંતર કર્યું?

પ્રેમીઓ હમેશા માને છે કે, ‘Love is Ideal But Marriage is Reality.’ અને આ કડવી વાસ્તવીકતા થી તેઓ દૂર ભાગવાનો પ્રયત્ન કરતા રહે છે, અને થોડા-ઘણા સમય માટે એમા સફળ પણ થાય છે. જ્યારે યુવતીઓ પોતાના સંસારીક જીવનને સલામતી આપતા લગ્નને આવશ્યક ગણે છે. તેઓ લગ્નને એક પવિત્ર બંધન ગણે છે, અને એનાથી આનંદ પણ પામે છે. ...

‘અધિકાર યે જબસે સાજનકા હર ધડકન પર માના મૈને. મૈં જબ સે ઉન કે સાથ બંધી યે ભેદ તભી જાના મૈને. કિતના સુખ હૈ બંધનમે.......’

જોકે આજકાલની મોર્ડન યુવતીઓના ખ્યાલો હવે બદલાવા લાગ્યા છે. યુવતીઓ હવે ભણીગણીને સારી જોબ કરતી થઇ છે, પુરુષ- સમોવડી થઈ છે. તેઓ પણ લગ્ન બંધનમા જલ્દી જલ્દી બંધાવા નથી ઇચ્છતી. યુવકો પણ આવી આધુનિકાઓ ના વલણને લઇને જરા પરેશાન છે.

રમેશ: હું અને મારી પત્ની છેલ્લા દસ વર્ષ સુધી ખુશ હતાં.

મહેશ: અચ્છા! પછી શું થયું?

રમેશ: પછી શું થાય, અમે પરણી ગયાં.

યુવકોની વાત છોડો, હવે તો નાના નાના છોકરાઓ પણ જાણતા થઈ ગયા છે, કે.. ‘લગ્નજીવનમા સુખ નામની ચીજ બહુ અલ્પ પ્રમાણમા હોય છે.’ ચોથા ધોરણના વર્ગમા એક ટીચરે વિધાર્થીઓને એક નાની વાર્તા લખવાનું કહ્યું. એક છોકરાએ ફક્ત ચાર લીટીની વાર્તા લખી અને ટીચરના કહેવાથી વર્ગમા વાંચી સંભળાવી.

‘એક સમયે એક પતિ-પત્ની એકબીજાની સામે વિરુધ્ધ દિશામા મોઢું કરીને ઉભા રહ્યાં. પછી તેઓ થોડું ચાલ્યા. થોડું વધારે ચાલ્યા, અને એ રીતે ચાલતા જ ગયાં. એ પછી તેઓ સુખી થયા.’

પરણેલા છતાં ડાહ્યા લોકો કહે છે કે, ‘લગ્ન એ લાકડાના લાડુ જેવા છે, ખાય એ પણ પસ્તાય અને ના ખાય એ પણ પસ્તાય.’ પરણેલા પુરુષો જો કે ઉદાર બહુ જ હોય છે. એક દિવસ એક છાપામા જાહેરાત આવી, ‘જોઇએ છે, પત્ની....સુંદર, સુશીલ, ગુણવાન.... ‘ બીજા દિવસે એને ૧૨૦ સંદેશાઓ મળ્યા, ‘મારી લઈ જાઓ.’ આમ અપરિણીત પુરુષો પરણવા માટે અને પરણેલા પુરુષો આઝાદ થવા માટે ખુબ અધીરા થાય છે. પણ એની પત્ની એને પરણ્યા પહેલાંની વાત યાદ કરાવે છે.

પત્ની: પરણ્યા પહેલાં તો તમે માને ફ્લાવર્સ, ગ્રીટીંગ કાર્ડ્સ, પરફ્યુમ્સ, કોસ્મેટીક્સ, જ્વેલરી...કેટલી બધી ચીજો ગીફ્ટ કરતા હતા, અને હવે તો કશું લાવતા જ નથી.

પતિ: તેં કોઇ દિવસ માછીમારને જાળમાં પકડાયેલી માછલીને દાણા નાખતાં જોયો છે?

આમ પોતાની વૃત્તિ પ્રામાણિક પણે કબૂલ કરતો પતિ વિચારે છે, ‘માછલી જાળમા ફસાઇ છે તે હવે ક્યાં જવાની છે. ને જાળમા ફસાવતા જે મહેનત પડી છે તે હું જ જાણું છું. કિતને પાપડ બેલને પડે હૈં. આપ સુનોગે તો આપ ભી હૈરાન રહ જાઓગે.’

યુવક: તું બોલ તો ખરી, પ્રિયે. તારા માટે આસમાન માથી ચાંદ-તારા તોડી લાવું, સમુદ્રના પેટાળમાથી મોતી કાઢી લાવું, પર્વતની ટોચ પર જઈને ફુલો લઈ આવું, (અરે! તારા પરમ પૂજ્ય પિતાશ્રી નો માલ છે કે?) સ્વીટહાર્ટ, તું કહે તો હું ભડભડતી આગમા કૂદી જાઉં.

યુવતી: કાલે મળવાનો વાયદો કર્યો હતો છતાં તું આવ્યો કેમ નહી?

યુવક: સોરી, યાર. કેવો ભયંકર વરસાદ હતો, એટલે ના અવાયું.

યુવતી: તારા કોઇ બહાના નથી ચાલવાના, સમજ્યો? મમ્મીએ ઘરે ચા-પાણી કરવા બોલાવ્યો છે તને. શાયદ મેરી શાદીકા ખયાલ દિલમે આયા હૈ, ઇસિલિયે મમ્મીને મેરી, તુમ્હે ચાય પે બુલાયા હૈ.

યુવક: પંછી અકેલા દેખ મુજે યે જાલ બીછાયા હૈ, ઇસિલીયે મમ્મીને તેરી, મુજે ચાયપે બુલાયા હૈ.

પતિ અને પત્ની, પુરુષ અને સ્ત્રી, બન્ને ઇશ્વરના અલગ-અલગ સર્જન છે. એટલે બન્નેના સ્વભાવ પણ અલગ-અલગ હોય છે. એમના વિષે વિસ્તારથી સમજવું હોય તો વાંચો પુસ્તક: ‘Men are from Mars and Women are from Venus.’ By ‘John Grey.’ પુરુષ અને સ્ત્રી બન્ને અલગ-અલગ છે છતાં બન્ને એક-બીજાના પૂરક પણ છે. એ વાત બન્ને સમજે, સ્વીકારે અને એ મુજબ અનુકૂલન સાધે તો બન્ને અકલ્પનીય વિકાસ સાધી શકે છે.

પણ આપણે વાત કરી રહ્યા છીએ પુરુષ-સહજ સ્વભાવની, એની ભ્રમર વૃત્તિની.

એક સમયે એક પરી એક પતિ-પત્ની પર ખુશ થઈ અને એમને એક-એક વરદાન માંગવાનું કહ્યું. સીધી-સાદી પત્નીએ સરળતા પૂર્વક કહ્યું, ‘હું મારા પતિ સાથે વર્લ્ડટુર પર જવા માંગુ છું.’ પરીએ કહ્યું, ‘તથાસ્તુ.’ પણ પતિએ બદમાશી પૂર્વક કહ્યું, ‘મારે પણ વર્લ્ડટુર પર તો જવું છે, પણ મારાથી ૨૦ વર્ષ નાની સ્ત્રી સાથે.’

પરીએ એક ક્ષણ વિચારીને કહ્યું, ‘તથાસ્તુ.’ અને પતિને એની પત્ની કરતાં ૨૦ વર્ષ મોટો[૩૦+૨૦=૫૦ વર્ષનો] બનાવી દીધો. આખરે પરી પણ તો એક સ્ત્રી જ છે ને.

રેખા: તને ખબર છે, આજકાલ ઘણા છોકરાઓ લગ્ન કરવા જ નથી માંગતા.

હેમા: ના. પણ તને કેવી રીતે ખબર પડી?

રેખા: મેં ઘણાને પૂછી જોયું.

‘ચિત્રલેખા’ મા ‘માઇલસ્ટોન’ મા એક કિસ્સો વાંચ્યો. ‘બ્લુ ચીવેન નામનો એક આશિક એની માશૂકાને લગ્નની દરખાસ્ત કરવા ૧૦૦૦[હજાર] માઇલ ચાલીને પેલીના ઘરે ગયો.’ કેટલાક પરણેલા પુરુષોએ આ વાંચીને કહ્યું, ’આવું ગાંડપણ તે કરાતું હશે?’ આવી રીતે લગ્નની દરખાસ્ત કરનારો વિશ્વમા આ પહેલો મૂરતીયો છે. માશૂકાએ એની દરખાસ્ત સ્વીકારી પણ ખરી..અંતે એમના લગ્ન પણ થયાં. અહીં સુધીની બધી વાતો બરાબર.પણ...ધારો કે... હવે એ પત્ની, એ પતિને કોઇ વસ્તુ લાવી આપવાનું કહેશે, અને એ પતિ મહાશય ઇન્કાર કરશે તો શું થશે? તો પત્ની કહેશે, ‘મોટે ઉપાડે પરણવા તો એક હજાર માઇલ ચાલીને આવ્યા હતા, અને હવે બે માઇલ દૂરથી બટાકા લાવી આપતા તમને જોર પડે છે?’

પુરુષો આ બાબત સારી રીતે સમજે છે, અને એટલે જ નાછૂટકે જ લગ્ન કરવા તૈયાર થાય છે.

જો કે કેટલાક પુરુષો આ બાબતમા અડગ હોય છે, એમના પર પ્રેમિકાની ધમકીની અસર થતી નથી.

પ્રેમિકા: જો તુ મને પરણવા ના માંગતો હોય તો હું આપઘાત કરું છું.

પ્રેમી: લે આ ‘ડેરીમિલ્ક’ ખા.

પ્રેમિકા: ‘ડેરીમિલ્ક’ શાના માટે?

પ્રેમી: મારી મા કહે છે, કે...કોઇ પણ શુભ કામ કરતાં પહેલા મોં મીઠું કરવું જોઇએ.

ખેર! પુરુષ અને સ્ત્રી. પતિ અને પત્ની.પર અનેક રમૂજો લખાઇ છે, અને લખાતી રહેશે. લખનારા લખીને અને વાંચનારા વાંચીને એમાંથી આનંદ મેળવતા રહેશે. એટલે અંતમા હું આ જોકથી મારી વાત સમાપ્ત કરું છું.

Wife: I will make you the ‘Happiest Man’ on the Earth.

Husband: Thanks. I will miss you, Dear.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com