અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૦ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૦

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: અનસુયા દેસાઈ

*પ્રસ્તાવના*

વાંચક-મિત્રો, આ પહેલાના પ્રકરણ ૯માં લેખિકા સરલાબેન સુતરીયા આપણા માટે એક કલ્પના-બહારનો આંચકો લઇ આવ્યા. તેઓના ભાગે અશ્ફાકના ભૂતકાળને ઉખેળવાનું કામ આવ્યું તો તેનો તેમણે ભરપુર ફાયદો ઉઠાવી ડો.મિતુલ અને અશ્ફાકનો ભૂતકાળ એકમેક સાથે ગુંથી કાઢ્યો. તેમણે આ બંનેને એકબીજાના ભૂતકાળના પ્રેમી તરીકે પ્રસ્તુત કર્યા. ગામ, ધર્મ, વ્યવસાય, શોખ કે ઉમર..શેમાં ય બિલકુલ સમાનતા નથી, તો આટલા જબરદસ્ત ફરક સાથે આવો સંબંધ શક્ય હોઈ શકે? તો તેનો જવાબ છે, હા.
આ દુનિયામાં આવું પણ થાય જ છે. કારણ તેમનામાં એક સમાનતા હતી અને તે છે તેમની રૂચી. સમલિંગી હોવાની તેમની રૂચી. આ ગે-જગતમાં એક ટર્મ બહુ વિખ્યાત છે અને તે છે ‘સુગર-ડેડી’. હેટ્રોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-કન્યા અને આધેડ-પુરષના એકમેક પ્રત્યેનું શારીરિક આકર્ષણે જ..તેમજ હોમોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-છોકરાની અને તેના પિતાની ઉમરના કોઈ પુરુષની એકમેક પ્રત્યેની દૈહિક લાલસાઓએ જ..આ ‘સુગર-ડેડી’ નામનાં શબ્દનો જન્મ આપ્યો છે.
સુગર-ડેડી એટલે કે ‘મીઠડો-બાપ’ સૂચક રીતે બહુ બધું કહી જાય છે. અને આવા સંબંધોના અનેકાનેક સત્ય-કિસ્સાઓ ય મોજુદ છે. આવા સંબંધો જોકે ચીર-કાલીન નથી હોતા, પણ અમુક કિસ્સાઓમાં જો તે સફળ થઈને લાંબો-કાળ ચાલે છે, તો રહેતા રહેતા તે પિતા-પુત્રી, કે પિતા-પુત્રની લાગણીના તંતુએ બંધાયેલ ગાઢ સંબંધોમાં પરિવર્તિત થતા જોવા મળે છે. અને પછી ધીમે ધીમે તેમાંથી સેક્સ-તત્વ સાવ લુપ્ત થઇ જતા આવા સંબંધો પછી..લાગણીઓની દ્રષ્ટીએ સગા પિતા-પુત્ર/પુત્રી કરતા પણ વધુ બળવત્તર પુરવાર થાય છે.
તો સરલાબેન આવા ન માન્યામાં આવે તેવા..પણ જે એક હકીકત પણ છે, તેવા સંબંધની વાત તેમના પ્રકરણમાં લઇ આવ્યા, અને સાથે સાથે આપણને અશ્ફાકના ભૂતકાળમાં ય લઇ ગયા.

હવે આ એપિસોડથી આ વાર્તાનો બીજો રાઉન્ડ શરુ થાય છે. એટલે કે જે આઠ લેખકોએ પહેલા એક એક એપિસોડ લખ્યા છે, તેઓ હવે ફરી પાછા એક એક એપિસોડ લખશે.
આમ આ એપિસોડ અનસુયાબેન દેસાઈએ લખ્યો છે, કે જેઓએ આ વાર્તાનો એપિસોડ-૨ પણ લખ્યો છે. અનસુયાબેન વિષયે તો પ્રકરણ-૨માં હું જણાવી જ ચુક્યો છું, અને મને આનંદ છે કે તેમના જેવા શાયરના-મિજાજના લેખિકા પાસે એક એપિસોડ લખાવવાનો મને ફરી એક અવસર મળ્યો.

આ એપિસોડમાં તેઓએ પોતાના આ સરસ-મિજાજનો સંગીતમય આસ્વાદ આપણને હજી એક વાર તો કરાવ્યો જ છે, અને સાથે સાથે અશ્ફાકના ભૂતકાળની વાત પણ આગળ ચલાવી છે.

એટલે મને ખાતરી છે કે આપ સહુને તેમનો આ એપિસોડ પસંદ આવશે જ.

શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૧૦*

આખરી નિર્ણય, બસ આખરી નિર્ણય. ઘર છોડી જઈ આત્મહત્યા કરી લેવાનો નિર્ણય !
નિરાશ, હતાશ, ઉદાસ અશ્ફાકે ડોક્ટર મિતુલનું ઘર છોડતા પહેલાં એક ચિઠ્ઠી તેમને સંબોધીને લખી.
"ડોક્ટર સાહબ,
તમારું ઘર તો શું, બસ... હવે આ દુનિયા જ છોડી જઈ રહ્યો છું.
જી હાં, યે દુનિયા, યે મહફિલ, મેરે કામ કી નહીં.
મારા જેવા નિ:સહાય અનાથ છોકરાને અત્યાર સુધી તમે આપેલ સાથ-સહકાર અને પ્રેમ માટે હું હરદમ આપનો અહેસાનમંદ રહીશ.
પ્લીઝ..પ્લીઝ મારી તલાશ કરશો નહિ.
અલવિદા...!
..........................અશ્ફાક"
.
આમ અશ્ફાક ભૂતકાળમાં ખોવાયેલો રહી જૂની યાદો વાગોળતો રહ્યો.
હા, લખીને પોતે ચિઠ્ઠી ટેબલ પર ચિઠ્ઠી મૂકી હતી.
જતાં જતાં છેલ્લી નજર ડૉ.મિતુલ પર કરી લેવાનું મન પણ થયું હતું ત્યારે આંખમાં પાણી આવી ગયું હતું અને મહાપરાણે બેડરૂમનો દરવાજો ખોલ્યો હતો.
અંદર જવા મન માન્યું નહીં, અને બહારથી જ નિદ્રાધીન ડોક્ટર સાહેબ પર દ્રષ્ટી નાખી પોતે રૂમની બહાર નીકળી ગયો હતો.

રોડ પર આવી જોયું, તો સ્ટ્રીટલાઈટ નીચે એક ટેક્ષી ઉભી હતી. પણ ક્યાં જાઉં કે જ્યાં કોઈ ઓળખી ના શકે?
વિચારતો ઉભો હતો, કે ત્યાંથી 4 Ltd.VESAVE–YARI ROAD જતી બસ નજરે પડી.
તત્ક્ષણ વિચાર સ્ફૂર્યો કે, 'વર્સોવા દરિયા કિનારે જવું ઠીક રહેશે. ત્યાં કિનારે બેસી સાથે લીધેલ ઊંઘની ગોળીઓ લઇ, ને સુઈ જઈશ. આજે ચાંદ-રાત છે એટલે દરિયામાં ભરતી પણ મોટી હશે.
ભરતીના પાણી સાથે અગાધ સમુદ્રમાં થઇ અનંતને પાર ચાલી જઈશ.'
.
તુરંત ટેક્ષીમાં બેસીને પોતે વર્સોવા જવા નીકળી ગયો હતો. ટેક્ષીમાંથી ઉતરી ને દરિયા તરફ ગયો તો દરિયાના મોજાંના આવાગમન સિવાય કોઈ નજરે પડતું નહોતું. આમેય મોડી રાત્રે ઠંડીમાં ત્યાં હોય પણ કોણ?
દરિયાકાંઠાની ચોકી કરતો ગાર્ડ પણ દેખાતો ન હતો.
કાંઠાથી પાણી થોડું દૂર હતું, અને પોતે આગળ ને આગળ ચાલતો જ રહ્યો હતો..દરિયા તરફ..જિંદગીના અંત તરફ !
હા, અશ્ફાક ચાલતો જ રહ્યો અને તેનાં મનમાં વિચારોનું ધમસાણ ચાલતું રહ્યું.
મનથી થાકેલો વીસેક વર્ષનો આ યુવાન તનથી પણ થાકી ગયો હતો.
.

રસ્તામાં એક વૃક્ષ નજરે પડ્યું તો પગ અટક્યા અને એણે હાથ લંબાવી દીધા.
તેની હથેળી વૃક્ષના ખરબચડા પણ પાતળા પાસાદાર થડને અડી.
તે સાથે જ તેને એની નાનકડી આંગળી પકડતા પોતાનાં અબ્બાના મજબુત હાથની યાદ આવી ગઈ.
તેને રડવાની ઈચ્છા થઇ આવી અને અજાણતા જ તેનાથી બેસી જવાયું.
બંધ આંખોએ બેસી રહ્યો તો અમ્મીનો ચહેરો દેખાવા લાગ્યો.
નાનપણમાં રિસાઈ જતો ત્યારે અમ્મી માથે હાથ ફેરવે, ચૂમી ભરે અને નજીક ખેંચી આંસુ લૂંછે. એનો એ પોચો, હુંફાળો સ્પર્શ તે ક્યારેય ભૂલ્યો નહોતો.
અબ્બા જ્યારે મા-બેટાને એકલા મૂકી ફાની દુનિયા છોડી ગયા ત્યારે અમ્મી કહેતી, "બેટા મન ઉદાસ હોય ત્યારે વૃક્ષને બાથ ભરી મન ભરીને રડી લેવાનું. બધું પછી સારું થઇ જાય !"
અને અમ્મીની આ વાત યાદ આવતાની સાથે જ બંધ આંખે જ તેણે રડવા માંડ્યું.

વૃક્ષ નીચે બેસવાથી તન અને રડવાથી મન થોડું હળવું થયું, એટલે તેણે બંધ આંખો ખોલી.
ચન્દ્ર પ્રકાશમાં દરિયાનું પાણી હજુ દૂર દેખાતું હતું.
મોજાં ધીરે ધીરે કિનારાને ભેટવા જાણે દોડ લગાવવાની તૈયારીમાં જ હતા.
અશ્ફાકને વિચાર આવી ગયો કે, 'દરિયા અને પૃથ્વીનાં આલિંગનોને દર પૂનમે અને અમાસે પોતાના હૈયા પર ઊજવતી આ જમીનમાં શું શું દફનાયું હશે ? આજે એક મારો પણ એમાં સમાવેશ થઇ જશે.'
આંખો મીંચીને એણે મનમાં અલ્લાહનું નામ લેવા માંડ્યું, ત્યાં જ દુરથી એના કાનમાં મધુર ગીત-સંગીત સંભળાયું.
તે સાથે જ એ માયુસ છોકરાનું ધ્યાન ફંટાયું.
મનની એકાગ્રતા તૂટી.
અજાણતા જ એ સંગીતપ્રેમી ઉભો થયો, અને પેલા સૂરની દિશામાં એના પગ આગળ વધવા લાગ્યા.
ગીતની દિશામાં ખેચાતા ખેંચતા આખરે તે કોઈક એક રેસ્ટોરાં-કમ-બારમાં પહોચી ગયો.
યંત્રવત જ અંદર પ્રવેશી એક ખૂણામાં બેસીને તે પેલું ગીત સાંભળવા લાગ્યો કે થોડી જ મીનીટોમાં વેઈટર બે ત્રણ બોટલો લઇ આવી પહોંચ્યો-
"સાહબ, ક્યા લોગે ?"


અશ્ફાકે ચુપચાપ બીયરની બોટલ ટેબલ પર મૂકવા ઈશારો કર્યો.
વેઈટર બોટલ અને ગ્લાસ મૂકી બીલ લેવા આગળ ગયો.
ત્યાં જ કંઇક ખ્યાલ આવતા અશ્ફાકે ખિસ્સા ફંફોસ્યા, હા, થોડી ઘણી રોકડ રકમ હતી તો ખરી પાસે અને પોતાનું ક્રેડીટ-કાર્ડ પણ હતું જ, એટલે બીલ તો ચૂકવી જ શકાશે તેની ધરપત થઇ.
‘વાહ વાહ’ની દાદ વચ્ચે ગાયક-કલાકારો ફિલ્મી ગીત-ગઝલો ગાઈ રહ્યા હતા અને સંગીત સાથે શરાબની મહેફિલ ચાલી રહી હતી.
એક ટેબલ પર બેઠેલા બે પ્રોઢ કસ્ટમરો મહંમદ રફીના ગીતોની એક પછી એક ફરમાઇશ કરી રહ્યા હતા.
બારના ખૂણામાં એકલો બેઠેલો ગમગીન અશ્ફાક બીયર પીતા પીતા સંગીતની દુનિયામાં ખોવાઈ ગયો હતો.
રાજકોટમાં અશ્ફાકના અમ્મી-અબ્બા ટેપરેકોર્ડર પર રફી તેમજ મુકેશના ગીતો ખુબ સાંભળતા.
જોકે ત્યારે તેનાં નાનકડા મનને ગીતોના શબ્દોની ગહરાઈ ના સમજાતી પણ આજે તેમની યાદોએ એના મન પર કબજો લઇ રાખ્યો હતો, તો તે ધ્યાનથી ગીત સાંભળવા લાગ્યો.
અહીં તેઓના પ્રિય ગાયક રફીએ સ્વરબદ્ધ કરેલ બૈજુબાવરાનું જ ગીત શરુ થયું હતું.

ओ दुनियाँ के रखवाले, सुन दर्द भरे मेरे नाले,
आशा-निराशा के दो रंगो से दुनियाँ तू ने बनाई,
नैय्या संग तूफान बनाया, मिलन के साथ जुदाई,
जा देख लिया हरजाई,
हो...लूट गयी मेरे प्यार की नगरी,
अब तो नीर बहा ले...!!!!


ગીતના શબ્દો સાંભળી ઉદાસ અશ્ફાકની આંખમાંથી નીર વહેવા લાગ્યા, એને રોકવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો.
સામે મુકેલો ગ્લાસ પૂરો કરી દીધો અને બીજો ગ્લાસ ભરવા લાગ્યો.
મિતુલ સાહેબ, કે જેને એણે પ્રેમ કર્યો હતો. એમના સિવાય એનું આ દુનિયામાં કોઈ હતું જ નહી.
આ ડોક્ટર સાહેબ જ એની જિંદગી હતા.
આજે એ જ સાહેબે એને જાકારો આપ્યો હતો.
અશ્ફાકના કાનમાં ડૉ. મિતુલે કહેલા શબ્દો અથડાતા હતા, 'ના પોસાતું હોય તો ના રહે અહીંયા. મેં કંઈ તને જબરદસ્તીથી નથી રાખ્યો અહીંયા. આવડી મોટી દુનિયા છે, ને કંઇક કેટલીય જગાઓ છે. સમજ્યો ?’
ફરી એજ ઘટમાળ એના દિમાગમાં રીપીટ થવા લાગી.
કંઇક કેટલીય જગ્યાઓ નહીં. ફક્ત એક જ જગ્યા બચી છે હવે.
તેની અમ્મીનો ખોળો. તેનું મન પોકારી ઉઠ્યું:

माँ मुज़े अपने आँचल में छुपा ले,
गले से लगा ले, के और मेरा कोई नहीं.
फिर न सताऊंगा कभी, पास बुला ले
गले से लगा ले, के और मेरा कोई नहीं

અશ્ફક્ને હવે એને આ દુનિયા સારહીન લાગતી હતી તેનું ભાંગી ચૂકેલું હૈયું ફરિયાદ કરી રહ્યું હતું.

ये दुनिया, जहाँ आदमी कुछ नहीं है,
वफ़ा कुछ नहीं, दोस्ती कुछ नहीं है,
जहाँ प्यार की कद्र कुछ नहीं है,
ये दुनिया अगर मिल भी जाए तो क्या है ?


ગમગીનીનો માહોલ જાણે કે બરોબર જામી રહ્યો હતો, ને તેનાં ઉદાસ મનમાં નિરાશાઓનો ભરાવો થતો ચાલ્યો હતો.
એટલું જાણે ઓછું હતું કે ત્યાં જ ઓરકેસ્ટ્રાનાં બીજા ગાયકે રફીએ ગાયેલ ઉડનખટોલાનું ગીત શરુ કર્યું.

चले आज तुम जहाँ से, हुई जिंदगी परायी..!
तुम्हे मिल गया ठिकाना, हमें मौत भी ना आयी..!

तू ने वो दे दिया ग़म, बेमौत मर गये हम
दिल उठ गया जहां से, ले चल हमें यहाँ से
किस काम की ये दुनिया, जो जिंदगी से खेले
हम को भी साथ ले ले, हम रह गये अकेले

सूनी हैं दिल की राहें, खामोश हैं निगाहें
नाकाम हसरतों का उठने को है जनाज़ा
चारों तरफ लगे हैं बरबादीयों के मेले.....
हम को भी साथ ले ले, हम रह गये अकेले

ગીતની એક એક પંક્તિઓ પર અશ્ફાકનું હદય વલોવાતું હતું, અને અંદરનો ઉભરો આંસુ વાટે વહેતો હતો.
ઉભરો અટકાવવા એનો હાથ ટેબલ પરના ગ્લાસ તરફ લંબાતો રહ્યો, પણ અંદરથી હ્રદય જાણે અમ્મી–અબ્બાને પોકારી રહ્યું હતું.
‘ઓ દૂર કે મુસાફિર, હમકો ભી સાથ લે લે રે, હમકો ભી સાથ લે લે, હમ રહ ગયે અકેલે !’
‘મા મુજે અપને આંચલ મેં છુપા લે, ગલે સે લગા લે, કે ઔર મેરા કોઈ નહીં !’

ઋજુ દિલનો અશ્ફાક અસહ્ય માનસિક તણાવમાં આવી ગયો અને પેન્ટમાં રાખેલ ઊંઘની ગોળીઓ કાઢી તે ગળવા લાગ્યો.
રફીના ગીતો સાંભળવામાં સૌ મશગૂલ હતા, તો ખૂણામાં ચુપકીથી આંસુ સારતા અશ્ફાક તરફ ખાસ કોઈનું ધ્યાન ન હતું.
પણ હા, થોડે દૂર બેઠેલો કોઈક એક યુવાન વારંવાર ત્રાંસી નજરથી રડતા અશ્ફાકને જોઈ લેતો હતો.

**********


અચાનક પછી તેની આંખો ખુલી તો અશ્ફાકે આમતેમ જોવા પ્રયત્ન કર્યો. આંખોની સામે જાણે છવાયેલું ધુમ્મસ ઓગળતું લાગ્યું તો જોયું કે પોતે એક પલંગ પર સુતો છે.
આજુબાજુના પલંગ પર બીજા દર્દીઓ હતા.
કંઇ સમજાયું નહીં અને તેણે ઉભા થવા પ્રયત્ન કર્યો. પણ તેને લાગ્યું તેનામાં કોઈ શક્તિ જ નહોતી.
તેને બૂમ પાડવાની ઈચ્છા થઇ આવી પણ ગળું સુકાઈ ગયું હતું.
સામે નજર ગઈ તો કોઈ એક નવયુવાન, એક નર્સ અને ડોક્ટર સાથે તેની તરફ આવતો હતો.
યુવાને નજીક આવતા જ કહ્યું, "જાગ ગયે દોસ્ત..? ચલો શુકર હૈ"
અશ્ફાકે જવાબમાં માત્ર "પાણી" કહ્યું. અને તે યુવાને અશ્ફાકને બેઠો કરી પાણી પાયું.
ડોકટરે કેસ-પેપર વાંચી કંઇક નોંધ કરી નર્સને પેપર આપતા યુવાનને કહ્યું, "આ યુવાનની નાની વય અને તારી નિસ્વાર્થ ભાવના સાથેની કાકલૂદીને ધ્યાનમાં રાખીને મેં તુરંત સારવાર શરુ કરી, નહીં તો આ પોલીસ-કેસ બને છે. તાત્કાલિક સારવારથી એને નવજીવન મળ્યું છે. હવે એ થોડો સ્વસ્થ છે પણ હજુ નિયમિત દવા અને સંભાળની જરૂર છે, તો ધ્યાન રાખશો. સાંજે એને ડીસ્ચાર્જ આપી દઈશું." કહી ડોક્ટર અને નર્સ આગળ રાઉન્ડ પર નીકળી ગયા.
"દોસ્ત ! અબ કોઈ ટેન્શન ના લેના, ઔર જ્યાદા માયુસ મત હો દોસ્ત, સબ ઠીક હો જાયેગા, નાઉ ટેક રેસ્ટ. મૈ શામ કો આતા હું ઔર આપકો ઘર તક છોડ દુંગા. ઓકે ?" કહી એ યુવાન ત્યાંથી ગયો.
અશ્ફાક આ બધું સાંભળી રહ્યો હતો. થોડી થોડી વાત સમજમાં આવી રહી હતી કે રાત્રે બારમાં જ બેઠેલો આ રહેમ-દિલ યુવાન એને અહીં હોસ્પીટલમાં લઇ આવ્યો હતો.
તેને ખ્યાલ આવી ગયો કે આત્મ-હત્યા કરવાનો પોતાનો પ્રયાસ નાકામ થઇ ગયો છે અને પોતે હજી પણ જીવતો જ છે. આ દુનિયામાં હજીય કેટલા દિવસ આમ જ કેટલા દિવસ તડપવાનું છે તે ખબર નથી કારણ...પેલી ઊંઘની ગોળી તો હવે ખલાસ થઇ ગઈ હતી.
પેલા યુવાનનો આભાર માનવાનો કોઈ ઉત્સાહ તો તેને થતો જ નહોતો, કારણ પોતાના પર કોઈ અહેસાન થયો હોય તેવી કોઈ જ લાગણી તેને થઇ જ નહીં.
સાંજ સુધી તે અજાણ્યા નેક્દીલની વાટ જોવાનો કોઈ મતલબ જ નહોતો.
યંત્રવત જ તેણે પોતાના ક્રેડીટ કાર્ડથી હોસ્પીટલનું બીલ પેમેન્ટ કરી ત્યાંથી ચુપચાપ નીકળી ગયો.

***********


બે ચાર દિવસ હોટલમાં રહી એક રૂમ ભાડે રાખી ત્યાં રહેવા લાગ્યો, પણ અશ્ફાકના મનમાં કોઈ મરી ગયું હોય એવો સન્નાટો રહેતો.

ક્યારેક સખત ટેન્શન અને માથામાં પીડા થતી, તો ક્યારેક શારીરિક અને માનસિક સપોર્ટ આપનાર કોઈક સાથીની કમી પણ સાલતી.
આ બધું ભૂલવા તે આસ-પાસની જુદી જુદી હોટલોમાં જઈને દારૂમાં પોતાની જાતને ડૂબાડતો રહ્યો, કે એટલામાં એક દિવસ તેને પેલો રેઈન-બો બાર દેખાયો, અને તેને યાદ આવ્યું કે પેલો સલીલ તેને આ જ બારમાં લઇ આવ્યો હતો.
હા, તે સલીલ જ તેની બરબાદીનું કારણ હતો.
જો તે દિવસે તે પેલા ફોટા અને મેસેજ ન મોકલત, તો ડોક્ટર સાથે બોલાચાલી ન થાત.
તે ડોક્ટર...કે જે આ પહેલા તેનું સર્વેસર્વા હતા, પણ આજે કંઈ જ નથી.
તેમનો સંપર્ક સુધ્ધા કરવાનું આજે પોતાને મન નથી થતું, એટલું જો તેનું મન ખાટું પડી ગયું છે તો તેનું એક જ કારણ છે અને તે છે- પેલો સલીલ.
હા, પોતાની બરબાદીનાં એકમાત્ર કારણ એવા સલીલનો સંપર્ક તો કરવો જ રહ્યો.
તેને લઇ જઈને ડોક્ટરની સામે ઉભો રાખી પોતાની બેગુનાહી સાબિત કરવી જ છે, આમ વિચારી તે દિવસે અને તે પછી કેટલીય વાર અશ્ફાક પેલા રેઈન-બો બારમાં ગયો હતો, પણ આવું લાગતું હતું કે જાણે તે હવામાં જ ઓગળી ગયો હોય, કારણ..ત્યાર પછી સલીલનો તો સંપર્ક ન જ થયો, પરંતુ હા..
એક દિવસ ત્યાં તેને અનિકેત નામનો આ સાચો જીગરી દોસ્ત મળી ગયો.

ભૂતકાળમાં ખોવાયેલ અશ્ફાકને તે દિવસ યાદ આવતા જ, અજાણતા જ તેનાં આંગળા બાજુમાં સુતેલા અનિકેતના વાળમાં પરોવાઈ ગયા અને એક સ્નેહભરી નજર તેની પર પડી ગઈ.
તે દિવસે તેની જેમ જ આ અનિકેત પણ રેઇન-બો બારના કોઈક ખૂણાનાં ટેબલ પર બેસીને અમસ્તો જ ટાઈમ-પાસ કરતો હતો, કે તેની નજર સામેના એક ટેબલ પર એકલા બેઠેલા પોતા પર..એટલે કે લગભગ ૨૦-૨૧ વર્ષનાં આ યુવક પર પડી હતી, કે જેની આંખોમાં ફક્ત એકલતા, નિરાશા અને ઉદાસી જેવા જ ભરપુર ભાવ છલકાઈ રહ્યા હતા.
જો કે આ બધાથી તેની મર્દાના ખુબસુરતીને ઉની આંચય નહોતી આવતી એવું અનિકેતને લાગ્યું અને તેનાથી આકર્ષાઈને અનિકેતે તેનાં ટેબલ પર જઈને તેનો સમ્પર્ક કર્યો હતો.
સમલિંગી-સેકસની મોજ અગાઉ પણ માણી ચુકેલ પોતે બંનેએ જરા એવી વાતચીતમાં પારખી લીધું કે તેઓનો ટેસ્ટ સરખો છે એટલે તે દિવસે નશાયુકત હાલતમાં પણ પોતે અનિકેતને પોઝીટીવલી રીસ્પોન્ડ કરવાનું ચુક્યો નહતો.
"રૂમ પે ચલેગા ?" અનિકેતે પૂછ્યું હતું.
"ઠીક હૈ. જૈસા તુ બોલ" પોતે ત્યારે બસ..એટલું જ કહેલું, અને પછી અનિકેતના રૂમમાં રાત આખી કામના તૃપ્તિ થઈ હતી.
તે રાતે પોતે બંને એકમેકમાં પોતપોતાની તૃપ્તિ શોધી રહ્યા હતા. એક, શારીરિક શાંતિ. તો બીજો, પોતાનાં ઘાયલ મનને શાતા પહોચાડે તેવી હૂંફાળી શાંતિ.
બંનેની વાતચીત પરથી અનિકેતને થોડો ઘણો અંદાજ આવ્યો કે અશ્ફાકનું અહિયાં કોઈ જ નથી. તે પણ પોતાની જેમ જ આ શહેરમાં સાવ એકલો જ રહે છે અને હાલમાં જ તેનાં કોઇ પ્રેમી સાથે તેનું એવું માયુસીભર્યું બ્રેકઅપ થયું છે, કે જે તેને જબરી માનસિક ચોટ પહોચાડી નિરાશાની ગર્તામાં ગરક કરી ગયું છે.
સહાનુભુતિથી પ્રેરાઈને અનિકેતે તેને પોતાની સાથે જ રહી જવા સમજાવ્યો હતો. આમ, તે રાત પછી પોતે અનિકેતની રૂમ પર રહેવા લાગ્યો. અહીં આવ્યા પછી પોતાની માનસિક સ્થિતિમાં થોડો બદલાવ તો જરૂર આવ્યો, પણ તે છતાય ઊંઘમાં કોઈક કોઈકવાર તે પોતાની અમ્મીની યાદને ચોક્કસ વાગોળતો અને પછીની સવારથી આખો દિવસ તે કોઈ પણ પ્રવૃત્તિ વગર શૂન્યભાવે એકલો બેસી રહેતો, એવું અનિકેતે પછી પોતાને અનેકવાર કહ્યું હતું.

અનિકેત પણ વિચારવા લાગ્યો હતો, કે તેનો દોસ્ત કેમ આવું કરે છે?
એને કશું સમજાતું નહીં. પણ એટલો તો ખ્યાલ આવી ગયો કે આના મનમાં કંઇક તો ચાલી જ રહ્યું છે, તે બધું કેમ સમજાશે ?
આ બધી મથામણમાં પોતે અનિકેતને અનેકવાર જોયો હતો.
"હવે શું કરવું ? આને એકલો કેમ મૂકી શકાય ? કોલેજ જઈશ અને કંઇક કરી બેસશે તો ?" એવી જ કોઈ ચિંતામાં બેચાર દિવસ પોતાનો આ જીગરી કોલેજ પણ ગયો નહોતો. અને પોતાને કોલેજ, ફિલ્મ, ન્યુઝ વગેરેની ચર્ચા કરીને વ્યસ્ત રાખ્યો હતો. પણ તે છતાંય પોતાના મુખ પર હાસ્ય ના દેખાયું, તો આખરે અનિકેત રૂટીન ચેકઅપ માટે જવાનું કહી પોતાને ડોક્ટર પાસે પણ લઇ ગયો હતો.
ડોકટરે બીપી, હાર્ટબીટ વગેરે ચેક કરી પોતાને બહાર બેસાડી, અનિકેતને કેબીનમાં બોલાવી પોતા વિષે પૂછ્યુ ત્યારે પોતાનાં આ દોસ્તની ચિંતા તરત જ તેનાં હોઠ પર આવી ગઈ હતી કે,
"ડોક્ટર ! એ નોર્મલ દેખાય છે પણ ક્યારેક એ ખુબ દુઃખી હોય એવું લાગે છે. સંગીત એને ખુબ ગમે છે પણ ક્યારેક એમાં પણ એ દિલચસ્પી લેતો નથી. એના પરિવાર વિષે પણ કઈ બોલતો નથી. મેં એને રાત્રે એકલો બેસી રડતો જોયો છે. ડોક્ટર મને તો કંઇ સમજાતું નથી. ડર લાગે છે કે આને થયું છે શું ?"
ત્યારે ડોકટરે અનિકેતને સમજાવતા જણાવ્યું હતું કે, "ક્યારેક કોઈની જિંદગીમાં ખુબ તણાવ ભરેલા બદલાવ જેવા કે નોકરી છૂટી જવી, તલાક, પોતાની નજદીકી વ્યક્તિને ખોઈ બેસવું કે કોઈ ગંભીર બીમારી જેવું બને, તો એને ડીપ્રેશન આવે છે. કેટલાક એને સામાન્ય વાત સમજે, પણ એવું માનવું નહીં.. ડીપ્રેશન કયા કારણે આવ્યું એ કારણ જાણી એનો ઈલાજ કરવો જરૂરી છે. આ છોકરો અશ્ફાક પણ ડીપ્રેશનમાં જ છે."
અશ્ફાક્ને અત્યારે ફરી એ વાતચીત યાદ આવી ગઈ, કારણ ત્યારે તે દિવસે પોતે કેબીન બહાર ઉભો ઉભો સર્વે કંઈ સાંભળી રહ્યો હતો.
"ડોક્ટર, આ અશ્ફાક તો કશું જણાવતો નથી. તો એના વિષે કેમ જાણ થશે ?"
"મિ. અનિકેત. આ છોકરો અશ્ફાક ખુબ જ સંવેદનશીલ છે. એને કોઈ માનસિક તણાવ લાગે છે. એની પારિવારિક કે વ્યક્તિગત જાણકારી આપતો નથી, તો લાગે છે કોઈ નજદીકી વ્યક્તિને ખોઈ બેઠો છે અથવા તેના તરફથી જાકારો મળ્યો હશે."
"ડોક્ટર તો હવે શું કરવું ?" અનિકેતે સુઝાવ માંગ્યો હતો.
"હું દવા આપું છું, પણ સાથે એને માટે ખુશહાલ વાતાવરણની ખુબ જરૂર છે. બને ત્યાં સુધી તેને હમણાં એકલો છોડીશ નહિ. એની મનગમતી પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રાખજે. ધીરે ધીરે એને જીવન જીવવાનો આત્મવિશ્વાસ જાગશે અને ડીપ્રેશનનું કારણ જાણવા મળશે, એટલે પછી યોગ્ય ઈલાજ પણ થશે."
આ બધું સાંભળીને ત્યારે આ નવાસવા દોસ્ત પ્રત્યે પોતાને એટલું બધું માન ઉપજી આવ્યું હતું, કે કેટલો લાગણીશીલ છે આ છોકરો..! કેટલી ફિકર કરે છે એની !
*************


દિવસો પર દિવસો વિતતા હતા. અનિકેતની ખુબ સાર-સંભાળ અને ઈલાજથી આખરે પોતે નોર્મલ થતો. તે અને તેનો આ જીગરી, બંને માત-પિતાના એક માત્ર સંતાન. એકના માત-પિતા આ ફાની દુનિયા છોડી ગયા હતા, તો બીજાના આપસી કલહ કારણે સંતાનથી દૂર હતા.
આમ એકબીજાની હુંફ ઈચ્છતા તેઓ બંને જીગરજાન દોસ્ત બની ગયા.
પોતાને કોલેજ જવું રુચતું નહોતું તો અનિકેતે કંઈ કેટલી કાર્યવાહી કરી ને પોતાની કોલેજ બદલાવી તેની જ કોલેજમાં એડમીશન લેવડાવી દીધું હતું.
અને પછી, સાથે કોલેજ જવું. સાથે ખાવું-પીવું અને આનંદથી મોજમસ્તીમાં રહેવું..બંનેને એકબીજા માટેની અનહદ લાગણી અને પ્રેમ, તેમને બંનેને એક એકસાથે સાંકળી રહ્યો.

પ્રેમ અને આનંદ જેવી મૂળભૂત ઝંખનાને જોડતી એક બીજી કડી એટલે સેક્સ.
પોતે હોમોસેકસ્યુલ (સમલિંગી) તો અનિકેત પણ બાઇસેક્સુઅલ (ઉભયલિંગી) હતો.
એક જ પલંગ પર સુતા બંને એકબીજામાં ખોવાઈ જતા, પણ એમાં તેઓને અજુગતું લાગતું નહીં.
અનિકેત કહેતો, "સેક્સ ઈઝ ઈમોશન. સેક્સ શરીરમાં નથી પણ ૯૦% બ્રેઈનમાં જ છે. એમાં શારીરિક આનંદ પર હાવી થઈ જતા માનસિક આનંદની વાત છે."
દુનિયાની દ્રષ્ટીએ એ સારું કે ખરાબ, જે હોય તે..પણ પરિવાર વિહોણા તેઓ બંને પોતાની દુનિયામાં રચ્યાપચ્યા રહેતા.
અનિકેતે એકવાર તેને તેનાં જૂનાં ડીપ્રેશનનું કારણ પૂછ્યું હતું તો,
“છોડ યાર ! યે સબ બાતેં, અબ તો તું હી મેરી જિંદગી હૈ.” આમ કહીને એક શેર સાથે વાત ટાળી દીધી હતી,
“કુછ ઇસ તરહ સે હમને અપના જીના આસાન કિયા, કુછ લોંગો સે માફી માંગી, કુછ કો માફ કર દિયા. અનિ..! અબ મૈ સબ ભૂલ ગયા હું. બસ હવે તો તારી સાથે જ જિંદગી જીવી લેવી છે.”

આમ પોતાની દુનિયા તો માત્ર અનિકેતની આસપાસ જ હતી. પણ ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ની જેમ જ અઠવાડિયા પહેલા પોતાનાં જીવનમાં ફરી નાનકડો વંટોળ સર્જાયો. અનિકેતે પ્રણાલીને પ્રપોઝ કર્યાની વાત પોતાને કરી. અનિકેતની વાત અને નારાજગીથી પોતે ખુબ જ દુઃખી થઇ ગયો.
પણ માણસ હમેશા માત્ર ખુશ રહેવા જ બધું કરતો નથી. પોતાની અંગત વ્યક્તિને ખુશ રાખવા માટે પણ ઘણું બધું કરતો હોય છે.
આમ પોતે પણ અનિકેતની પ્રણાલી સાથેની ખુશહાલ જિંદગીમાં વચ્ચે ન આવવાનો નિર્ણય કર્યો જ હતો.
તેને તો બસ હવે રાજકોટ જ સ્થાયી થઇ જવું હતું, પણ મુંબઈના અમુક કામ પતાવવા પોતે રાજકોટથી પાછો અહીં આવી રહ્યો હતો કે પ્લેનમાં ગઈ કાલે રાત્રે ડૉ. અનિલ દ્વારા જાણ થઇ કે અનિકેતનો રીપોર્ટ HIV+ છે.
એવો ગજબનો શોક લાગ્યો હતો ત્યારે, કે મુંબઈ આવતા સુધી પોતે પ્લેનમાં સાવ સુનમુન જ બેઠો રહ્યો.
માણસ ફક્ત આશા, આંકાંક્ષા અને અરમાનો પર જીવતો નથી. કપરા સમયમાં એને બે વસ્તુની જરૂર પડે છે, સહાનુભુતિ અને આશ્વાસન.
પોતાની આ જિંદગી તો અનિકેતને આભારી છે, તો આવી સ્થિતિમાં આવા જીગરી દોસ્તને એકલો કેમ મૂકી શકાય !
દિલના જ્યાં સંબંધ હોય ત્યાં જીગરજાનને ઉદાસ, નિરાશ કે બીમાર પણ કેમ જોઈ શકે ?
અને, 'મુંબઈ તો જવું, પણ અનિકેતના ઘરે ન રહેવું' તેવો પોતાનો નિર્ણય તેણે બદલવો પડ્યો, અને આમ આજે સવારે પોતે અનિકેતના ઘરે પરત આવ્યો.
પોતાને પાછો આવેલો જોઇને અનિકેત એટલો ખુશ થઇ ગયો, કે તરત જ કતીલ શેફાઈનો શેર લલકારવા લાગ્યો હતો,
“ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની,
વર્ના હમ જમાનેભર કો સમજાને કહાં જાતે.
અપના મુક્કદર ગમ સે બેગાના અગર હોતા,
તો ફિર અપને-પરાયે હમ સે પહચાને કહાં જાતે."

આટલું બધું બન્યું તે જાણે ઓછું હોય, ત્યાં અનિકેતના આ..આવા અશ્લીલ ફોટા અને તેને બ્લેકમેલ કરવાનું કાવતરું !
શું છે આ બધું ?
અશ્ફાકે ફોટા ફરી જોવા હાથમાં લીધા.
ફોટા જો જુના હોય, તો એનો મતલબ એમ, કે અનિકેત પોતાને અત્યાર સુધી છેતરતો જ આવ્યો હતો. બહાર જઈને તે બીજા કોઈ સાથે પણ તે સંબંધ રાખતો જ હશે.

અશ્ફાકે એક નજર ફરી નાખી તો ખ્યાલ આવ્યો કે- “આ ટીશર્ટ ? આ તો ગયા અઠવાડિયે જ તેણે નવું લીધેલું છે. એનો મતલબ કે આ ફોટા નવા છે. તો પ્રણાલીને પ્રોપોઝ કર્યા બાદનાં આ ફોટા ? જે પ્રણાલી માટે તે મને છોડવા તૈયાર થયો, તેની સાથે પણ તે રમત રમતો હોય તે તો શક્ય જ નથી. તો શું તેને ફસાવવા કોઈએ તેને બહેકાવ્યો હશે ?
યસ. આવું જ હોય શકે. આમેય કેટલો ભોળો છે મારો આ દોસ્ત. ચોક્કસ કોઈકના કારસામાં આવી ગયો છે.
કોઈ એટલે કોણ ?
ડો.મિતુલ ?
તે કેવી રીતે ઓળખે અનિકેતને ?
ડો.મિતુલને શું ઈન્ટરેસ્ટ હોઈ શકે આમાં?
હા, ઇન્ટરેસ્ટ તો હોઈ શકે કદાચ...ડો.અનીલને.
HIV+ યુવાનને પોતાની દીકરીથી દુર રાખવા માટે, પ્રેમમાં પાગલ દીકરી કદાચ તેમની વાત ન માનતી હોય તો..!
હા, આ કામ હોઈ શકે ડો.અનીલનું...ડો. અનીલ સરૈયાનું !
ડો.અનીલ સરૈયા.
ડો.મિતુલ સરૈયા !
યસ..ડો. મિતુલ પણ ‘સરૈયા’ જ છે,
ચોક્કસ..તે ‘સરૈયા’ જ છે !
બંને જો સરૈયા જ છે, શું સંબંધ છે આ બંને ડોકટરોમાં ?
ભાઈ હશે એકબીજાના ?
હા. પોસીબલ છે. ભાઈઓ જ હશે બંને.
યસ, સિમ્પલ વાત છે હવે તો.
આ ડો.અનીલ અને ડો. મિતુલ, બંને ભાઈઓ મળીને અનિકેતને ફસાવી તેને બ્લેકમેલ કરીને પ્રણાલીથી દુર રાખવા માગે છે.

પણ ના..! પોતે આવું નહીં થવા દે.

HIVની વાતથીય જો ડો. અનીલ, પ્રણાલીને અનીકેતથી દુર રહેવા નથી સમજાવી શકતા..તેનો મતલબ એ જ, કે અનિકેત-પ્રણાલી એકમેકને અખૂટ પ્રેમ કરે છે, અને આવે વખતે પોતાના આ દોસ્તની સહાયતા માટે..આ બંને પ્રેમી-પંખીડાની સહાયતા માટે..પોતે જે બની શકે તે બધું કરી જ છૂટશે.

**************

આવું વિચારી અશ્ફાક બહાર બાલ્કનીમાં આવ્યો, ત્યારે એના પગલાઓમાં ગુસ્સો અને જુસ્સો બંને પ્રતિબિંબિત થતા હતા.
મિતુલ સાહેબનું આટલું હલકું વર્તન એને જરાય પસંદ ના આવ્યું.
અત્યાર દિવસોમાં તો આ ડોક્ટર સાહેબ સાથેનો પોતાનો જુનો સંબંધ અને અણબનાવ...બધું જ તો પોતે ભૂલી ચુક્યો હતો.
મનમાં એમના પ્રત્યે કોઈ કડવાશ પણ રાખી ના હતી.
પરંતુ આજે તેઓ પોતાના આ જીગરી યારને આમ હેરાન કરે, એ કેમ સહન થાય !
કંઇક તો કરવુ જ પડશે !

અચાનક અશ્ફાક્ને કંઇક યાદ આવ્યું.
તેણે પોતાનો એક જુનો ફોન કાઢ્યો. તે જુના ફોનમાંથી બેટરી કાઢી નાખીને 'ફોન વર્કિંગ કન્ડીશનમાં નથી' એમ કહી તેણે આ ફોન અનિકેતથી અત્યાર સુધી દૂર જ રાખેલો એનું એક કારણ હતું, અને તે એટલે..તેમાં સંગ્રહેલા અમુક ફોટાઓ..તેનાં અને ડોક્ટર સાહેબના અંગત ફોટાઓ..!
સાવ સરળ અને સાલસ સ્વભાવના અનિકેતે ક્યારેય તેને એમ નહોતું પૂછ્યું કે, 'આ ફોન કેમ નથી વાપરતો ? એ ફોનનું બધું, તે બીજા નવા ફોનમાં ટ્રાન્સફર કર્યું કે નહીં ?'
આમ આ અનિકેતે પોતાનાં પર ક્યારેય શંકા કે અવિશ્વાસ કર્યો ન હતો, તો હવે આ ભલાભોળા યુવાનના વિશ્વાસની કીમત ચૂકવવાનો સમય આવી જ ગયો છે.

એમ વિચારી અશ્ફાકે ડૉ.મિતુલને એની જ સ્ટાઇલમાં પાઠ ભણવાનો નિર્ધાર કર્યો. પણ હા, એ પહેલા એ જુના ફોનમાં બેટરી નાખવી જરૂરી હતું.
બપોર થઇ ગઈ હતી. અશ્ફાક આવી જતા અનિકેત નિરાંતે સુઈ શક્યો હતો. એની આંખ હજુ ખુલી નહોતી.

અશ્ફાકે ઘર બહાર જઈ જુના ફોનને બેટરી નાખીને ચાલુ કર્યો, અને પોતાનાં ચાલુ સીમથી એના અને મિતુલના સેક્સી ફોટોગ્રાફ્સ એણે ડૉ. મિતુલને મોકલી આપ્યા. અને એક ટેક્સ મેસેજ મૂકી દીધો,
” ડૉ.મિતુલ ! તું ક્યાં સુધી શરીફ બની રહેશે ? તું કેવો છે, તે દુનિયાને જાણ કરવાનો સમય આવી ગયો છે."
.

ફોટા અને મેસેજ સેન્ટ થઇ જતાં અશ્ફાકે નચિંત બની ફરી બેટરી અને સીમ કાઢી નાખ્યા અને ફરી પાછો ઘરમાં આવી ગયો.
તે નચિંત હતો કે ડોક્ટર સાહેબ પાસે તેનો નવો નમ્બર તો છે જ નહીં, એટલે આ ફોટા કોણે મોકલ્યા છે તેની કલ્પના માત્ર પણ નહીં કરી શકે.
અમુક દિવસ સુધી હવે પોતાનો આ નવો નંબર ન વાપરવાનો તેણે નિર્ણય કર્યો.


“અશ્ફાક, સવાર સવારમાં ક્યાં નીકળી ગયો હતો ? હું તો ડરી ગયો હતો કે તું ફરી મને છોડી તો ગયો નથી ને ?”
“અરે, પાગલ, કેમ આવું વિચારે છે ? તને છોડી ક્યાં જવું ?" કહેતા રસ્તામાંથી ઉઠાવી લાવેલું કબૂતરનું પીંછું અનિકેતના ગાલ પર ફેરવ્યું.

અનિકેત અશ્ફાકને જોતો રહ્યો. જાણે એની આંખો કહી રહી હતી, "મને માફ કરીશ ને દોસ્ત ?"
હા, અનિકેતના મનમાં પણ એક ડર તો હતો જ. પોતાને કોઈ બ્લેકમેલ કરે છે તે વાત અશ્ફાક્ને જો ખબર પડી જાય, તો પેલા સલીલ સાથેનાં તેનાં કાંડની પણ તેને જાણ થઇ જાય. ના, એમ તો ન જ થવું જોઈએ, નહી તો હવે તો ચોક્કસ જ પોતાથી ફરી પાછો નારાજ થઇને આ રાજકોટ ભેગો થઇ જ જશે.

ચા ઉકળીને બહાર આવી રહી હતી. અશ્ફાકે તુરંત ધ્યાન દોર્યું. બંને ચા સાથે બ્રેકફાસ્ટ કરવા બેઠા.
"આશુ ! ચાલ આજે મુવી જઈએ. લંચ બહાર લઈશું, થોડું મોલમાં ફરીશું અને સાંજે મલાડ તરફ મઢના દરિયાકિનારે જઈશું. ચલ ને, લેટ'સ પ્લાન આઉટ સમથિંગ. આજે સન્ડે-મૂડ છે યાર." કહી અનિકેતે થોડું મલકાયો.
"નહીં અનિ, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ !" અશ્ફાકના મનમાં હજુ મિતુલ પ્રત્યેનો ગુસ્સો હતો.
"આશુ, આજે અનિકેત કમ્ફર્ટેબલ છે કે નહિ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે." કહી આંખ મારીને અનિકેત ઉભો થઇ ગયો, અને અશ્ફાકને જોઈ રહ્યો.
અનિકેતને આજે ખુબ મૂડમાં જોઈ અશ્ફાક ખુશ થઈ બોલ્યો, "ઓકે ડીયર ઓકે. બસ હવે નજરને તરસી ના રાખ ચલ, લેટ'સ મુવ !" અને બંને યુવાનો યામાહા પર બેસી નીકળી પડ્યા.

**==**==**==**==**

ડૉ.મિતુલ મોબાઈલ બાજુમાં રાખી ન્યુઝપેપર વાંચી રહ્યો હતો. ત્યાં મોબાઈલ પર 'ટ્રીંગ' અવાજ સાથે મેસેજ આવ્યાની સુચના મળી. પેપર મૂકી મિતુલે ફોન ઓપન કર્યો તો કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ ફોટોસ આવી રહ્યા હતા. એક પછી એક ફોટાઓ લોડ થઇ રહ્યા હતા.

પહેલા ફોટોમાં લાઈટ-બ્લ્યુ કલરના ડ્રેસિંગ ગાઉનમાં અશ્ફાકની છાતીના વાળ દેખાતા હતા.
તાજી માલીશ કરેલી ત્વચા ફોટામાં પણ તગતગતી હતી અને મિતુલે એને બે હાથમાં ઉઠાવ્યો હતો.
બીજા ફોટામાં અશ્ફાકના અધખૂલા પગ અને સાથળ પર મિતુલનો હાથ હતો.
આગળના ફોટોમાં અશ્ફાકનો ગાઉન ઉતારતો અને તે પછીના ફોટામાં તો ચુંબન-ક્રિડામાં રત હતો મિતુલ !
એક આધેડ પુરુષ અને એક સાવ જ નવયુવાન છોકરો.
તેમની રતિ-ક્રીડાનો સંકેત આપતા આ ફોટા.
ફોટોસ જોતાં જોતાં અને આવેલો મેસેજ વાંચતા જ મિતુલના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને શરીરમાં એક ભયની કંપારી પસાર થઇ ગઈ. [ક્રમશ:]

.

--અનસુયા દેસાઈ