Adhi Aksharno Vhem - 6 books and stories free download online pdf in Gujarati

અઢી અક્ષરનો વહેમ - ભાગ ૬

અઢી અક્ષરનો વ્હેમ

પ્રકરણના લેખક: અશ્વિન મજીઠિયા

*પ્રસ્તાવના*

વાંચક-મિત્રો, આ વાર્તાના પાછલા પ્રકરણમાં આપણે સૌએ જોયું, કે અમારી ટીમના એન.આર.આઈ. સભ્ય શ્રી અજય પંચાલે વાર્તાને ખુબ જ સરસ માવજત આપી છે. પ્રકરણના શરૂઆતના અમુક ફકરાઓમાં નાયક-નાયિકાની અંગત પળોનું ભારોભાર શૃંગારિક વર્ણન તેમણે કર્યું, અને પછી તરત જ તેઓએ વાર્તામાં એક ગંભીર વાતાવરણ પણ ઉભું કરી નાખ્યું. ડો.અનીલ સરૈયાને દીકરીની મૂંઝવણ જાણે ઓછી હોય તેમ, હોસ્પીટલમાં દર્દીઓની ફરિયાદવાળો પ્રસંગ લાવી તેમણે ડોકતર સાહેબની તકલીફમાં થોડો ઓર વધારો કર્યો છે. તદુપરાંત તે પ્રકરણમાં તેમણે પ્રણાલીની અસામન્ય સેકસ્યુઆલિટીની એક સાવ નવી જ વાત આગળ લાવી, આપણને સહુને ય અચંબામાં નાખી દીધા કે આવા પ્રકારનીની પણ માનસિકતા શું ઉદ્ભવે છે આ દુનિયામાં? તો તેનો જવાબ છે, ‘હા.’ કારણ, પુરતું હોમવર્ક કર્યા બાદ જ, આધારભૂત માહિતીઓ અને હકીકતોના આધારે જ, પૂરી સમજણ સાથે ‘હોમોસેકસ્યુઆલિટી’, ‘બાયસેકસ્યુઆલિટી’, ‘એસેકસ્યુઆલિટી’, ‘ડેમીસેકસ્યુઆલિટી’, જેવા ભારેખમ અને ગંભીર જણાતા શબ્દોનો આ વાર્તામાં ઉપયોગ થાય છે. બને એટલા વિસ્તારમાં આ બધા શબ્દોની પરિભાષા અને તેની સમજણ વાંચકોને આપવાની કોશિષ પણ કરી છે, અને તે પણ, વાર્તાની પ્રવાહિતાને નુકસાન ન પહોચે તેનું ધ્યાન રાખીને જ,

તો આમ ડો.અનીલ અને તેમના પત્ની, પોતાની દીકરી પ્રણાલીને HIVગ્રસ્ત અનિકેત પાસેથી પાછી વાળવાની કોશિષ કરે છે, તો પોતાની અસામાંન્ય માનસિકતાથી સારી રીતે સભાન, એવી પ્રણાલી અનિકેતને ન છોડવાની જીદ લઈને બેઠી છે. હવે આગળ કેમ કરવું? આવો સવાલ આપણા મગજમાં રમતો મુકીને અજયભાઈ પંચાલે પોતાનું પ્રકરણ પૂરું કર્યું.

તો ત્યાંથી વાર્તા ઉપાડીને આગળ વધારવાની જવાબદારી આ પ્રકરણ પુરતી મારી છે, કે જે મેં મારી સમજણપૂર્વક પૂરી કરવાની કોશિષ કરી છે. આ પ્રકરણમાં અનિકેતની માનસિકતાનો, તેની મૂંઝવણભરી અવસ્થાનો આપ સૌને વધુ પરિચય કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તદુપરાંત, [પેરીસના એક ગે-બારના વર્ણનની કોઈક મેગેઝીન પરથી પ્રેરણા લઈને] એક ગે-બારની મુલાકાત કરાવી વાંચકોને આવા બારના વાતાવરણનો, ત્યાં આવતા જતા લોકોની માનસિકતાનો, તેમની હિલચાલ, તેમની લાક્ષણિકતા અને ખાસિયત, તેમનું ત્યાંનું વર્તન..વગેરેનું એક આભાસી ચિત્ર ઉભું કરી આપવાની કોશિષેય કરી છે. ભૂતકાળની અમુક ઘટનાઓનો જરૂર પુરતો ઉલ્લેખ કરી, વાર્તાને થોડી આગળ વધારવાનો પણ આમાં પ્રયત્ન કર્યો જ છે, કે જેથી વાર્તાની ગતિમાં કોઈ ખલેલ ન પહોચે. તો આશા રાખું છું કે આપ સૌને આ પ્રકરણ ગમશે.

શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૬*

"દિન ઢલ જાયે હાયે રાત ન જાયે,
તુ તો ન આયે, તેરી યાદ સતાયે…
દિન ઢલ જાયે"
.
ઓરડામાં મહમ્મદ રફીનો સુરીલો અવાજ એક ગમગીન માહોલ પેદા કરી રહ્યો હતો, જેની ધારદાર અસર અનિકેતના મન પર થઇ રહી હતી. આજે ગુરુવારનો આખાય ઘરમાં તે સાવ એકલો જ હતો. સુવાની વેળા થઇ ગઈ હતી અને તેનો જીગરી અશ્ફાક અહિયાં રૂમમાં હાજર નહોતો. આવું ભાગ્યે જ બનતું, અને જો કોઈક વાર બનતું, તો મનમાં ધરપતેય રહેતી કે વહેલો મોડો, પણ તે આવી તો જશે જ.

પણ આજે.. આ વખતે તો એક અનિશ્ચિતતા જ પ્રવર્તી રહી હતી. પ્રણાલી સાથેના સંબંધને લઇને પરમદિવસે મંગળવારે સાંજે પોતે તેને ધુત્કારી કાઢ્યો, ત્યારે તેને બિલકુલ અંદાજો નહોતો કે અશ્ફાક્ને તે આટલો બધો મિસ કરશે. અને તે પણ..ફક્ત બે જ દિવસમાં. છેલ્લા બે વર્ષમાં બંને જણા આટલા નજીક આવી ગયા હતા, કે એક રાત પણ એક બીજા વિના સોરવતું નહીં.
.
ગઈ કાલે બુધવારે વહેલી સવારના પ્લેનમાં અશ્ફાક રાજકોટ ગયો તે પછી તો સવારથી સાંજ સુધીનો સમય પ્રણાલી સાથે અમનચમનમાં, અને પછી રાત તેનાં કેફમાં વીતી ગઈ. પ્રણાલી સાથે શારીરિક-સંબંધ બાંધવામાં મળેલી સફળતાનો આનંદ તો હતો, ને સાથે સાથે આ બાબતમાં પોતાનો આત્મવિશ્વાસ વધ્યાનો ય એક સંતોષ હતો. આની પહેલા પોતે ફક્ત અને ફક્ત ગે-સેક્સ જ માણ્યું હતું અને બસ..તેનો જ અનુભવ લીધો હતો. કોઈક યુવતી સાથેનો આવો સંબંધ કેવો હશે, તેની તો કલ્પના માત્ર જ તેણે કરી હતી. પોતે કોઈ યુવતીને તૃપ્ત અને ખુશ કરી શકશે કે નહીં તેની એક શંકા દરેક કુંવારા યુવાનના મનમાં ત્યાં સુધી રહ્યા જ કરતી હોય છે કે જ્યાં સુધી તે આ સંબંધ બાંધી નથી લેતો. તો અનિકેતના મનમાં તો આવી સવાયી શંકા હતી કારણ તે જાણતો હતો કે પોતે કોઈ ‘સામાન્ય’ યુવાન નથી. તેના મનમાં ઊંડે ઊંડે રહેલો આવો જ એક ડર..એક અવિશ્વાસ..ગઈ કાલે જ દુર થઇ ગયો કે જયારે પોતે ધાર્યું પરિણામ લાવવામાં સફળ રહ્યો. અને આ એચીવમેંટનો આનંદ, અશ્ફાકનાં રિસાઈને ચાલ્યા જવાની વેદનાને દિવસભર મોળી પડતો રહ્યો.

આમ આજે ગુરુવારે દિવસભર તેની માનસિક અવસ્થા, સુખ અને દુઃખથી મિશ્રિત રહી, પણ રાત પડતાંની સાથે જયારે એકલો સુવાનો વારો આવ્યો ત્યારે અશ્ફાકની યાદ તેની મન-નગરી પર રાજ કરવા લાગી. બસ..એમ સમજી લો કે,
"આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે...!"
.
મન બહેલાવવા અનિકેતે રેડીઓ ચાલુ કર્યો, તો જે વધીઘટી કસર હતી, રફી સાહેબે તે પણ પૂરી કરી નાખી.

"દિલ કે મેરે તુમ, પાસ હો કિતને,
ફિર ભી હો...કિતને દૂર
તુમ મુજસે, મેં દિલ સે પરેશાઁ,
દોનો હૈ મજબૂર
ઐસે મેં કિસકો...કૌન મનાયે
દિન ઢલ જાયે..."
.
હા..રફીસાહેબ જાણે કે તેનાં જ હાલ-એ-દિલ બયાઁ કરી રહ્યા હોય તેવું લાગતું હતું. અશ્ફાક તેનાથી, અને તેનાં આવા સ્વાર્થી વલણથી, વ્યથિત હતો. તો તેને પોતાને પણ કોઈ શોખ નહોતો થતો પોતાનાં આ જાનપ્યારાની છાતીમાં દર્દ-કટારી ખોસી દેવાનો. પોતે પોતાની આગળની જિંદગી એક સામાન્ય પુરુષની જેમ વિતાવવાનો મનસુબો કરે, તો તેમાં ખોટું શું હતું ?

હા, બંને પોતપોતાની રીતે લાચાર હતા. મજબુર હતા, આમાં કોણ કોને પાછો લઇ આવવાની પેરવી કરે ? પોતે લગ્ન કરી લેવાના એક એવા રસ્તે ચાલવાનો નિર્ધાર કર્યો હતો, કે જ્યાં અશ્ફાક ચાહે તો પણ તેનો સાથ આપી શકે તેમ નહોતો. હા, કદાચ એક એવો વળાંક આવી ગયો હતો, કે જ્યાં બે ફાંટા પડી રહ્યા હતા.
બે જીગરજાન દોસ્તો માટે...અલગ અલગ ફાંટા !
પણ તો પછી...તો પછી, અશ્ફાકથી છુટા પડવાનું આટલું બધું દુઃખ કેમ થાય છે ? કેમ રહેવાશે તેનાં વિના? પ્રણાલી સાથે પ્રેમ છે કે નહીં, તે વાત તો બાજુએ રહી ગઈ, અત્યારે તો બસ અશ્ફાક સાથેની દોસ્તી અને પ્રેમે તેનાં દિલ-ઓ-દિમાગનો કબજો લઇ લીધો હતો.
ગુરુવારના આજના આખા દિવસમાં અશ્ફાકનો એક પણ ફોન ન આવ્યો, ને અનિકેતે પણ તેનો કોન્ટેક્ટ કરવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. કારણ તેને ડર હતો કે આમ કરવાથી અશ્ફાકનાં મનમાં કદાચ ખોટી આશાઓ બંધાય.

રાત વીતતી ચાલી. પથારીમાં પડ્યો, તો અશ્ફાકને મિસ કરવાની લાગણી તેના મનને આખી રાત એક ઉંદરની જેમ એવી રીતે ફૂંકી ફૂંકીને ખોતરતી રહી, કે જેની વેદના પોતાને થાય છે કે નહીં, તે પણ પોતે નક્કી ન કરી શક્યો. આવી જ અવઢવમાં ને અવઢવમાં સવાર પડી ગઈ.

બીજા દિવસે પ્રણાલી તેની બહેનપણી પેલી રંજીતાની બેનનાં લગ્નની ખરીદી માટે તેની સાથે જ રોકાયેલી હતી. એટલે તે આખો દિવસ પણ અનિકેતે આવી જ અર્ધ બીમાર મન-અવસ્થામાં પસાર કર્યો. સાંજ પડતાં જ.. ‘આજે પણ ક્યાંક ગઈ કાલ જેવી રાત ન વીતે’, -તેની ધાસ્તી તેને લાગવા લાગી. આજે.. આજે શુક્રવાર છે, તે વાત યાદ આવતાં જ તેને પેલો ‘રેઇનબો-બાર’ યાદ આવી ગયો.
હા, છેલ્લા બે-એક વર્ષથી દર એકાદ-બે અઠવાડિયે નિયમિત રીતે આ બારમાં તે શુક્રવારની સાંજે જત, અને ત્યાં ગયા બાદ તેનાં મૂડમાં ઘણો બદલાવ પણ આવી જતો. સરસ રીતે જાણે કે વિક-એન્ડ ઉજવાઈ જતો. જો કે ત્યારે તો વાત અલગ જ રહેતી, કારણ ત્યારે તેનો જીગરી અશ્ફાક મોટેભાગે તેની સાથે જ રહેતો. પણ આજે.. આજે તો પોતે એકલો જ છે..અશ્ફાક વગર સાવ જ એકલો..!
પણ જો મૂડમાં થોડો ચેન્જ લાવવો હોય, તો રેઇનબો-બારમાં જવું જ રહ્યું, તેવું તેને લાગ્યું. એટલે મનને થોડું મજબુત કરીને તે નીકળી પડ્યો.

**==**==**==**==**

.

રેઈનબો-બાર..
અંધેરી સ્થિત વર્સોવાનાં દરિયાકિનારે ઊંડે ઊંડે...અંદરની બાજુએ આવેલ એક રેસ્ટોરાં કમ બીયર બાર !
આમ તો તે બીજા બધાં બાર જેવો જ દેખાય, પણ તેની એક ખાસિયત છે. ખાસિયત એટલે ત્યાંની મુલાકાત લેનારા ગ્રાહકોની ખાસિયત !

મોટેભાગે આ બારની મુલાકાત લેનારા ગ્રાહકો બધા બાયસેકસુઅલ અથવા હોમોસેકસુઅલ જ હોય છે. મુંબઈનાં કોલાબા એરિયામાં ૨૫-૩૦ વર્ષ પહેલા એક ગે-યુવકે 'ગો-કૂલ' નામનો એક બાર ખોલ્યો અને આસપાસનાં ગે-યુવકોને હળવા-મળવા માટે એક ઠેકાણું બનાવી આપ્યું.
સમય જતા, આ ‘ગો-કુલ બાર’ની સફળતાને, અને દુર દુર પરાંમાંથી તેની મુલાકાતે આવતા ગે-યુવકોને પડતી આવવા-જવાની તકલીફને ધ્યાનમાં રાખીને 'ગો-કૂલ'ના માલિકે પાંચેક વર્ષ પહેલાં ખાસ મુંબઈ સબર્બમાં વસતા ગે-યુવકો માટે આ રેઇન-બો બાર ખોલ્યો, અને બહુ જ જલ્દી તેની આ ખાસીયત, અને 'ગો-કૂલ'ની પ્રખ્યાતીને કારણે, રેઇનબો-બાર અહીંના યુવકોમાં લોકપ્રિય અને લોકભોગ્ય બની ગયો. આ બારમાં કોઈ જ ગેરકાનૂની પ્રવૃત્તિ થતી ન હોવાથી, પોલીસ નજરે ચડેલ હોવા છતાં તે હજી સુધી હેમખેમ છે.

અહીં પ્રવેશો, એટલે જાણે કે વાતાવરણ સાવ બદલાયેલું જ લાગે. એક ખૂણામાં ઓરકેસ્ટ્રા પર લાઈવ મ્યુઝીક વાગી રહ્યું હોય. ગઝલ-સીંગર ગ્રાહકોની ફરમાઇશ પર ગીતો અને ગઝલ ગાઈને એટ્મોસ્ફીયર જમાવી રહ્યો હોય, તો બાકીની ખુલ્લી જગામાં બહુ બધા નાનાં નાનાં ટચુકડા એવા ટેબલ પથરાયેલા હોય કે જેની સામસામે બસ એક એક ખુરસી જ ગોઠવાયેલી હોય. મતલબ કે એક ટેબલ પર ફક્ત બે જ ગ્રાહક બેસી શકે તેવી વ્યવસ્થા. અમુક મોટાં ટેબલ ખરા, કે જેની આસપાસ ચાર કે પાંચનું ગ્રુપ બેસી શકે, પણ તેવા ટેબલ તો ખુબ જ ઓછા. ઓરકેસ્ટ્રા-બેન્ડનાં સ્ટેજની આગળનો મોટો એવો ભાગ ખુલ્લો અને ખાલી જ હોય, કે જ્યાં સોફ્ટ મ્યુઝીકનાં તાલે કોઈક વાર આ રંગીન જુવાનીયાઓ જોડી બનાવીને ડાંસ પણ કરતા હોય, તો તેની સામેનાં ખૂણે બાર-કાઉન્ટર હતું કે જ્યાંથી સેલ્ફ-સર્વિસથી પોતાનો ઓર્ડર જાતે જ કલેકટ કરીને પોતાના ટેબલ પર લઇ જવાનો હોય. આખા પરીસરમાં ૧૫-૨૦ કૃત્રિમ થાંભલાઓ મુકીને એવા-એવા ખાંચા ઉભા કરવામાં આવ્યા છે, કે જેની વચ્ચે ગોઠવેલ એક એક ટેબલ પર બેઠેલ યુગલને થોડી ઘણી પ્રાયવસી મળી રહે. જો કે વ્યવસ્થા એવી ય ખરી, કે ઓરકેસ્ટ્રા સ્ટેજ પર ગાઈ રહેલ ગાયકની નજર દરેક ટેબલ પર પહોચી શકે, અને ત્યાંથી આવતી ફરમાઇશ પર પુરતું ધ્યાન આપી શકે. એકંદરે એકદમ સુઘડ અને સભ્ય વાતાવરણમાં લાંબી કે ટૂંકી અંગત મુલાકાતો, કે જાહેર-જલસા માટેનું આદર્શ સ્થળ એટલે આ રેઇન-બો બાર.

સાંજનાં સાતના સુમારે અનિકેતે આ રેઇન-બો બારમાં પ્રવેશ કર્યો, તો આસપાસમાં ઓળખીતાં-પાળખીતા ચહેરાઓ તરફ જોવાનું તેણે ટાળ્યું. તેનો કોઈ જ મૂડ નહોતો કોઈ સાથે ઠઠ્ઠા મશ્કરી કરવાનો. બારની વચોવચનાં મોટા ટેબલોમાંના કોઈ એક પર જ બેસવાનો રાબેતો તેણે આજે પાળ્યો નહીં, બલ્કે આજે તેણે એક ખૂણાનું ટેબલ પસંદ કર્યું. થાંભલાની આડાશ વચ્ચે, આછા એવા અંધારામાં, ફક્ત બે જ જણ સામસામે બેસી શકે તેવું ટેબલ. કદાચ તેનું ઉચાટભર્યું મન એવું ઇચ્છતું હતું, કે રિસાઈને રાજકોટ ચાલ્યો ગયેલો અશ્ફાક તેને અહીં એકલો ભાળીને, ટેબલની સામી બાજુએ આવીને બેસી જાય, કે જ્યાં ફક્ત એક જ સીટ હતી, તેનાં હૈયાની જેમ જ...ફક્ત એક જ રિક્ત-સ્થાન, તેના અશ્ફાક માટેનું સ્થાન.

કાઉન્ટર પરથી બીયરની ત્રણ બોટલ એક સાથે લઇ લીધી તો બાર-ટેન્ડર તેને વિસ્મયતાથી જોઈ રહ્યો. સાથે પુરતી માત્રામાં વિવિધ જાતનું બાઈટીંગ્સ-ચવાણું લઈને, તેને ટેબલ પર જઈને અનિકેત એવી નિરાંત લઇને બેસી ગયો, જાણે આગલું સ્ટેશન હવે છેક સવારે જ આવવાનું હોય.

પણ બીયરની તેની પ્રથમ બોટલ તો બસ... ફક્ત દસ જ મીનીટમાં પૂરી થઇ ગઈ, કદાચ ટ્રેનની સ્પીડ કરતા પણ વધુ સ્પીડ હતી તેની. સામેની ખાલી સીટ પરથી તેની નજર ખસતી જ નહોતી. કોઈકનાં આવવાની જાણે કે વાટ જોઈ રહ્યો હોય...રિસાઈને રાજકોટ ચાલ્યા ગયેલા તેના જીગરીની વાટ...!

રાહ તાકતા તાકતા અચાનક જ તેને ખ્યાલ આવ્યો કે બે વર્ષ બાદ આજે અનાયાસે જ.. આ ટેબલ પરની તેઓ બંનેની સીટની અદલાબદલી થઇ ગઈ છે.
હા, લગભગ બે વર્ષ પહેલાનાં તે દિવસે આ જ રેસ્ટોરાં અને આ જ ટેબલ હતું, કે જયારે તે અશ્ફાકને જીંદગીમાં સૌપ્રથમવાર મળ્યો હતો, પણ ત્યારે અશ્ફાક આ સીટ પર બેઠો હતો અને પોતે સામેની સીટ પર.

જો કે તે પહેલા તો તે સામેનાં કોઈક ખૂણાનાં ટેબલ પર બેસીને અમસ્તો જ એકલો-એકલો ટાઈમ-પાસ કરી રહ્યો હતો, કે અચાનક તેની નજર આ ટેબલ પર એકલા જ બેઠેલા લગભગ ૨૦-૨૧ વર્ષનાં એક મસ્ત છોકરા પર પડી હતી. તે છોકરાની આંખોમાં એકલતા, નિરાશા અને ઉદાસી જેવા ભરપુર ભાવ છલકાઈ રહ્યા હતા. જો કે આ બધાથી તેની મર્દાના ખુબસુરતીને ઉની આંચેય નહોતી આવતી. તે સોહામણા યુવકને જોઇને પહેલી નજરમાં જ અનિકેત તેની તરફ...તેનાં શામળા નિર્દોષ સૌદર્ય તરફ આકર્ષાયો હતો.

સમલિંગી-સેકસની મોજ અગાઉ પણ માણી ચુકેલા અનિકેતનાં યુવાન દેહને બસ ત્યારે ને ત્યારે, તરત જ પેલાં ટૉલ, ડાર્ક એન્ડ હેન્ડસમ બોયની મર્દાના ખુબસુરતીની જરૂર વર્તાઈ રહી હતી અને એટલે અજાણપણે જ અનિકેત તેની તરફ એટલે કે આ ટેબલ તરફ દોરવાઈ ગયો હતો.

તે હેન્ડસમ છોકરો અશ્ફાક હતો, કે જે છેલ્લા બે કલાકથી આમ જ એકલો અટૂલો બેસીને બિયરની બોટલો ખાલી કરી કરીને સાવ વેડફાઈ ગયેલી હાલતમાં બેઠો હતો. સામે આવેલ અજાણ્યા પણ માદક શરીર-સૌષ્ઠવ ધરાવતા અનિકેત તરફ અશ્ફાકે ત્યારે સાવ નીરસતાપૂર્વક જ જોયું હતું. અનિકેત પોતાની બિયર બોટલ સાથે જ લઈને તેની સામે આવીને બેસી ગયો. બંને યુવાનોની આંખો વચ્ચે એક તારામૈત્રક રચાયું, ને બંનેએ પળવારમાં પારખી લીધું કે તેઓનો ‘ટેસ્ટ’ લગભગ મેચ થાય તેવો જ છે. વાતની શરૂઆત કરવાની સાથે જ અનિકેતે પોતે સાથે લાવેલ બોટલમાંથી અશ્ફાકનો ખાલી પડેલ ગ્લાસ ભરી દીધો, અને સૂચક રીતે આંખ મારી અશ્ફાકનો ગ્લાસ ઉપાડી તેનાં જ હોઠ સામે ધરીને 'ચીયર્સ' કર્યું.

આગલી થોડી મીનીટો દરમ્યાન બંને વચ્ચે સામાન્ય વાતો જ થઇ, કે જે દરમ્યાન બંને પોતપોતાનાં ગ્લાસનું પ્રવાહી પોતાનાં પેટમાં ઠાલવતાં રહ્યા. પણ એટલીવારમાં અશ્ફાક તો જાણે કે પોતાનો કન્ટ્રોલ જ ગુમાવી ચુક્યો હતો. કારણ, તે ઉભો થવા ગયો તો અનિકેતે તેને સહારો આપવો પડ્યો હતો.
.

"અકેલા જા પાયેગા? કે છોડ દુ મૈ?" -અનિકેતે બારની બહાર પોતાની યામાહા આગળ લાવીને તેને ઉભો કરીને પૂછ્યું.
"છોડ દે સાકી.. હાલ પે મેરે, કદમ મેરે રાસ્તા.. ખુદ ઢુંઢ લેંગે." -નશાની આવી હાલતમાં પણ અશ્ફાકની માયુસી છુપી નહોતી રહી શકી.
"અબે ઓયે, શાયરસાહબ કી છઠ્ઠી ઔલાદ ! ચલ બૈઠ જા પીછે !! ઔર કસ કે પકડના..સમજા !" -અશ્ફાકની હાલત જોઇને અનિકેતે તેને, જાણે કે પોતાનો બહુ જુનો દોસ્ત હોય, તેમ ટપાર્યો.
અશ્ફાક તેને પાછળ કમરથી પકડીને બેસી ગયો, અને અનિકેતે બાઈક સ્ટાર્ટ કરી. પોતે સાવ જ ઓછો નશો કર્યો હતો, પણ તોયે અશ્ફાકનાં જિસ્મની ગરમીએ તેને અનોખો નશો કરાવી દીધો. પોતાની જ મસ્તીમાં કેટલી ય વાર સુધી સીધે-સીધું ડ્રાઈવ કર્યા બાદ, અનિકેતને ખ્યાલ આવ્યો, કે અશ્ફાકે તેનાં ખભ્ભા પર પોતાનું માથું ઢાળી દીધું છે અને તેની પકડ પણ ઢીલી પડી રહી છે.
"ઓયે.. કિધર જાના હૈ? કુછ બતાયેગા ભી? કે બસ.. બીવી કી માફીક ચીપકા રહેગા પીછે ?" તેને જગાડવાના હેતુથી અનિકેત બોલ્યો.

દરિયાની સમાંતરે જ ચાલતા તે રસ્તા પર અનિકેતની બાઈક ધીમી ગતિએ આગળ વધી રહી હતી. દરિયા પરથી વહીને આવતી મંદ હવાની લહેરખીઓ અને અશ્ફાકની સમીપતા વચ્ચે, તેને હવે ડ્રાઈવ કરવું અઘરું લાગવા માંડ્યું. અને ઉપરથી તે છોકરો અશ્ફાક..! તે તો કંઈ બોલતો જ નહોતો. થોડું એકાંત જેવું જણાતા અનિકેતે હળવે'ક થી બાઈકને બ્રેક મારી,

પણ તોયે.. આ હલકો એવો ઝટકોય તેનો તે નવો યાર સહન ન કરી શક્યો અને બેલેન્સ ગુમાવીને તે બાઈકની નીચે સરકી ગયો.
"ઓયે ઓયે... બેવડે..!!!" બાઈકને બાજુમાં સ્ટેન્ડ પર ઉભી રાખતા અનિકેત બોલી ઉઠ્યો.
બંને ખભા પકડીને તેણે અશ્ફાકને ઉભો કર્યો હતો, અને તેની આંખોમાં આંખ પરોવી.
"સોરી..!" -અશ્ફાકે ઉદાસ સ્મિત આપતા બસ એટલું જ કહ્યું. પણ અનિકેત તેની આંખોમાં કંઇક બીજું જ, કંઇક વધુ જ વાંચી ચુક્યો હતો. બીજી જ પળે અશ્ફાકનો ચહેરો પોતાની બંને હથેળીમાં સમાવી, તે પોતાનો ચહેરો તેનાં ચહેરા પર લઇ ગયો અને તેનાં હોઠ પર પોતાનાં હોઠ ચાંપી દીધા.

કોઈ પણ બે હોમો-યુવકો વચ્ચે આવું આટલી જલ્દી થવું, તે કોઈ નવી વાત નથી હોતી. કારણ એક ગે પુરુષ, બીજા ગે પુરુષની પસંદને ફક્ત એક જ નજરમાં પારખી જતાં હોય છે. જયારે આ બંને તો લગભગ છેલ્લા એક કલાકથી સાથે હતા. અને અનિકેતની ધારણા ખોટી ય ન પડી. અશ્ફાક આટલી નશાયુકત હાલતમાં પણ પોઝીટીવલી રીસ્પોન્ડ કરવાનું ન ચુક્યો. તે બમણા જોશથી અનિકેતને વળગી રહ્યો. લગભગ બે મિનીટ જેટલા દીર્ઘ ચુંબન બાદ બંને અલગ થયા, તો એકમેક સામે સૂચક રીતે મુસ્કુરાયા.
"રૂમ પે ચલેગા?" અનિકેતે પૂછ્યું.
"ઠીક હૈ. જૈસા તુ બોલ." અશ્ફાકે બસ એટલું જ કહ્યું.
"ઓકે, ચલ.. લેકિન ઠીક સે બૈઠના, અબ કી બાર.." કહીને અનિકેતે ફરી બાઈક સ્ટાર્ટ કરી, ને તેને પોતાની રૂમ પર લઇ ગયો. અહીં તે રૂમમાં અનિકેત એકલો જ રહેતો હતો. અને પછી તે રૂમમાં રાત આખી, વાસનાનો ખેલ રચાતો રહ્યો. બંને યુવકો એકમેકમાં પોતપોતાની તૃપ્તિ શોધી રહ્યા. એક..શારીરિક શાંતિ, તો બીજો..પોતાનાં ઘાયલ મનને શાતા પહોચાડે તેવી હૂંફાળી શાંતિ.


સવારે બંનેની વાતચીત પરથી અનિકેતને થોડો ઘણો અંદાજ આવ્યો કે અશ્ફાકનું અહિયાં કોઈ જ નથી. તે પણ પોતાની જેમ જ આ શહેરમાં સાવ એકલો જ રહે છે, અને હાલમાં જ તેનાં કોઇ પ્રેમી સાથે તેનું બ્રેક-અપ થયું છે, કે જે તેને જબરી માનસિક ચોટ પહોચાડી નિરાશાની ગર્તામાં ગરક કરી ગયું છે. અનિકેતનાં મનમાં આ માસુમ, ઇનોસેન્ટ છોકરા માટે કેટલીક સાવ અજાણી લાગણીઓનું પૂર ઉમટી આવ્યું. વાસના-રહિત પ્રેમની લાગણી...એક ભાઈચારો...સાચી મૈત્રીની ભાવના.. ને આવી જ કેટલીક ન સમજી શકાય તેવી લાગણીઓનું મિશ્રણ કે જેનાં પરિણામસ્વરૂપ તેણે અશ્ફાકને પોતાની સાથે જ અહીં રૂમ પર રહી જવા સમજાવ્યો.

અને આમ.. તે રાત પછી અશ્ફાક પોતાને ઘરે ગયો જ નહીં. અનિકેતની રૂમ પર તે આવ્યો, તો સાવ અહીંનો જ બનીને રહી ગયો. અને તે રાતથી લઈને આજ રાત સુધી બંનેનો આ રૂમમાં કાયમનો સંગાથ થઇ ગયો.
“ના, કાયમનો નહીં, ફક્ત બે જ વર્ષનો..” -જૂની યાદોમાંથી બહાર આવતાની સાથે નિરાશ અનિકેતે વિચાર્યું-“જો કાયમનો સાથ હોત, તો આજે...અત્યારે..તે મારી સામે..આ ટેબલ પર જ બેઠો હોત.”
ગ્લાસ મોઢે માંડતા જ તેને ખ્યાલ આવ્યો કે થોડીવાર પહેલાં જ પોતે તેમાંથી છેલ્લા ઘૂંટ સુધીનો બીયર ગટગટાવી ગયો હતો. ટેબલ પરની બોટલો પર નજર કરી તો પેલી ત્રણે ય ખાલી બોટલો, નાગી-નારની જેમ બેશરમીપૂર્વક તેની સામે હસી રહી હતી. અને તેણે પળવાર માટે પોતાની આંખો મીંચી લીધી.
.

.
"હાય..! આયે’મ સલીલ. મે આઈ શેર યોર ટેબલ પ્લીઝ ?"

અવાજથી ચોંકીને અનિકેતે આંખો ખોલી, તો અશ્ફાકની બદલે સામેની સીટ પાસે ૨૭-૨૮ વર્ષનો એક યુવાન, હાથમાં દારૂનો ગ્લાસ અને બીજા હાથમાં કોઈ’ક કાગળિયું લઈને ઉભો હતો. ગોરો-ચિટ્ટો, બ્લીચ કરેલા વાળ, હાફ-સ્લીવનાં શર્ટમાં સ્નાયુબદ્ધ બાવડાઓ પરનાં ઈગલનાં ટેટુનું પ્રદર્શન કરતો, થોડો સ્ત્રૈણ કહી શકાય તેવો એક યુવાન. બે દિવસની વધેલી, પણ વ્યવસ્થિત ટ્રીમ કરેલી તેની દાઢીની લીલેરી ઝાંય..તેનાં ચહેરાને એક મર્દાના છાપ આપવાનો પ્રયત્ન તો કરી રહી હતી, પણ તેની સુરમેદાર કાળી ચટકમટક થતી આંખો, આ પ્રયત્નને મોળો પાડીને આ યુવકની એક હાસ્યાસ્પદ કહી શકાય, તેવી ઈમેજ ઉત્પન્ન રહી હતી.
"શ્યોર ! વૈસે તો કાફી ટેબલ ખાલી પડે હૈ. બટ સ્ટીલ, અગર તુમ્હે યહાં બૈઠના હૈ, ધેન ગો અહેડ. આઈ ડોન્ટ માઈન્ડ !" આટલી પીધેલી અવસ્થામાં પણ અનિકેત ઔપચારિકતા ન ચુક્યો. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ આવા કેરેક્ટર સાથે વાત કરતા પણ છોછ અનુભવે, પણ અનિકેતને તો આટલા સમયમાં આવા નમૂનાઓ સાથે હળવામળવાનો કે તેમને ટાળવાનો ખાસ્સો એવો મહાવરો પડી ગયો હતો. આ યુવકને અગાઉ પણ આ બારમાં કદાચ પોતે જોઈ ચુક્યો હતો, તેવું તેને લાગ્યું ય ખરું. 'ઓકે, પણ જરૂરી નથી કે બારમાં નિયમિત દેખાતા બધાં જ ચહેરાઓ સાથે વાતચીત કે ઓળખાણ થઇ જ હોય.' અનિકેતે મનોમન વિચાર્યું.
.

"એક્ચ્યુલી, મૈ એક પાર્ટી હોસ્ટ કર રહા હૂઁ. ટુમોરો નાઈટ ! વેન્યુ ભી એકદમ ઇઝીલી રીચેબલ હૈ. તેરે કો અકેલા ઓર લોનલી દેખા, તો સોચા કે ઇન્વાઇટ કરુઁ. થોડા મૂડ બન જાયેગા તુમ્હારા..હિયર ઈઝ ધ પેમ્ફલેટ." સલીલે પોતાનાં હાથમાંનો કાગળ આગળ કરતાં કહ્યું.
"વેલ.. બટ આય એમ નોટ અ પાર્ટી એનીમલ. મૈ પાર્ટીઝ વગેરે એટેન્ડ નહીં કરતા."
"યાર..! યે અલગ ટાઈપ કી હૈ. એકદમ સોફિસ્ટિકેટેડ, નો હેન્કીપેન્કી. ક્રાઉડ ભી એકદમ સોબર. થોડા કોસ્ટલી હૈ, મગર ફાલતું પબ્લિક કો દુર રખને કે લિયે હી ઐસા કિયા હૈ. નો ડાઉટ, યુ વિલ ગેટ ફૂલ રીટર્ન ઓફ વોટ યુ સ્પેન્ડ. યે પેમ્ફલેટ હૈ. પઢ લે." સલીલે તેની તરફ એક નજરે જોતા જોતા કહ્યું. તેની આંખો અનિકેતની પહોળી છાતી, સપાટ પેટ અને તેથી ય નીચે નીચે ઉતરીને અનિકેતનાં બદનને પૂરી રીતે ચેક કરી રહી હતી.
"નહી યાર..મૂડ નહી હૈ, કિસી પાર્ટી-વાર્ટી કા."
"મત જુલ્મ કર અપને આપ પે દોસ્ત. આઈ સ્વીઅર. તેરે જૈસે ચિકને હન્ક બહુત ડિમાંડ મેં રહેતે હૈ મેરી પાર્ટી મેં. એક બાર ટ્રાઈ કર કે દેખ" સલીલે અનિકેતના હાથ પર પોતાનો હાથ રાખીને ધીરેથી દબાવતા કહ્યું.

અનિકેતે પોતાનો હાથ હટાવ્યો નહીં, કદાચ બીયરનાં નશાએ તેની સંવેદનશીલતા ઓછી કરી નાખી હતી. બીયરનો કોટા પૂરો થઇ જઈને તેનાં મગજ પર સવાર થઇ રહ્યો હોવાનો અહેસાસ તો તેને થતો હતો, પણ આટલું જલ્દી ઘરે જવાનું તેને કોઈ જ મન નહોતું થતું. કારણ ત્યાં જઈને તો બસ...સુઈ જ જવાનું હતું. અને આજે રાતે અશ્ફાક વગર એકલા સુવાની તેની કોઈ માનસિક તૈયારી નહોતી. જેટલું બને તેટલું આજે બહાર જ રહેવાનું મન થતું હતું. પોતાનો હાથ દબાવી રહેલા તે ખુબસુરત યુવાનની તરફ તેણે પોતાની નશીલી અધખુલ્લી આંખે જોયું, તો દાંત નીચે પોતાનો નીચલો હોઠ કરડતો અને એક ધારદાર નજરે તેની પર ત્રાટક કરતો તે યુવાન મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો હતો.
"યસ હેન્ડસમ ! આઈ કાઉન્ટ યુ અમોન્ગ ધ ટોપ-ટેન બોયઝ ઓફ માય પાર્ટી. દોસ્ત, તેરે કો અંદાજા નહીં હૈ કિતના સિતમ ઢા સકતા હૈ તુ..! કિતની બિજલિયાઁ ગિરા સકતા હૈ તેરે ચાહનેવાલો પર..!" સલીલે આંખ મિચકારતા કહ્યું.
"વેલ, ઇતના માનતા હૈ મેરે કો, તો એન્ટ્રી-ફી મેં કમ સે કમ ફિફ્ટી પરસેન્ટ ડિસ્કાઉન્ટ કર દે, તો સોચતા હૂઁ." અનિકેત બહેકવા લાગ્યો.
"ઓયે હીરો..! ડિસ્કાઉન્ટ તો મૈ હન્ડ્રેડ પરસેન્ટ કા ભી દે દુંગા. મેરે પેમ્ફલેટ પે છપી તેરી તસ્વીર કે બલબૂતે પે તો, ઔર ભી પચાસ કસ્ટમર્સ પાર્ટીમે ખીંચે ચલે આયેંગે. બોલ છાપ દૂ ?"
"હેહેહેહે...છાપ દે..!" અનિકેતે ઠહાકો મારતા કહ્યું.
નશો ભલે તેનાં મગજ પર નાચવા લાગ્યો હતો, છતાં ય એટલું તો તે વિચારી જ શકતો હતો, કે આજે શુક્રવારની રાત છે, ને આવતીકાલે તો પાર્ટી છે. તો પેમ્ફલેટ પર તેનો ફોટો છાપવાની વાત તો સાવ..એટલે કે સાવ અશક્ય જ છે.
"તો ચલ, બહાર ચલ" સલીલે તેનો હાથ પકડીને જોશપૂર્વક દબાવતા કહ્યું "તેરા ફોટો-સેશન કર લેતે હૈ."
"બહાર કહાં ?" અનિકેત પોતાનાં અંગમાં હવે પેલો ‘જાણીતો રોમાંચ’ અનુભવી રહ્યો હતો.
"તું પહેલે ચલ તો, પાર્કિંગ લોટ મેં, મેરી કાર મેં કેમેરા પડા હૈ"
અને બંને જુવાનીયા બહાર પાર્કિંગ લોટમાં આવ્યા. ચમેલી અને રાતરાણીનાં પુષ્કળ છોડ, આખી લૉનને મઘમઘાવીને નશીલો સમા પેદા કરી રહ્યા હતા.બંને યુવાન-મગજ જાણતા હતા કે પાર્કિંગ-એરિયાનાં એકાંતમાં ઉભેલી કારમાં શું શું શક્ય થઇ શકે છે.

અને બસ થોડી જ વાર બાદ જાણે કે..
“ઇક ચમેલી કે મંડવે તલે..
દો બદન, પ્યાર કી, આગમેં જલ ગયે..
દો બદન, પ્યાર કી, આગમેં જલ ગયે..

ઇક ચમેલી કે મંડવે તલે, હાય
ઇક ચમેલી કે મંડવે તલે..!!”
.
પ્રણાલીને પ્રપોઝ કરીને, તેની સાથે એક નોર્મલ પુરુષ જેવું વિવાહિત જીવન વિતાવવાનાં અભરખામાં અનિકેતે, સાવ શાંત અને સરળ વહેતા પોતાનાં જીવન-વહેણમાં એવાં બિનજરૂરી વમળ ઉભા કરી દીધા, કે આ ભમરીઓમાં જાણે કે પોતે જ તણાવા લાગ્યો, અને એટલે જ, હમણાં બસ..બે કલાક પહેલાં જયારે આ રેઇનબો-બારમાં તે આવ્યો, અશ્ફાક રાજકોટથી ફરી પાછો આવશે કે નહીં, તેની અવઢવને કારણે સાવ ડામાડોળ થયેલી મન:સ્થિતિમાં હતો.

અમુક વખતે મૂંઝવણભરી પરિસ્થિતિનો તોડ કાઢવામાં જયારે માણસ અસમર્થ હોય, ત્યારે તેનો સામનો કરવાને બદલે ભાગેડુવૃત્તિ અપનાવી લેતો હોય છે. અનિકેતની પણ અત્યારે એવી જ વૃત્તિ હતી. અશ્ફાક સાથે લોંગ-ટર્મ રિલેશનશિપ શરુ કરતી વખતે બંને યુવાનોએ એકમેકને માનસિક, તેમ જ શારીરિક રીતે પણ વફાદાર રહેવાનાં કોલ આપ્યા હતા. પણ તે પછીનાં બસ એક વર્ષના સમયગાળામાં જ અનિકેત પ્રણાલી તરફ આકર્ષાયો. અશ્ફાક પોતે સંપૂર્ણ ગે હોવા છતાં, અનિકેતની બાય-સેકસુઅલ વૃત્તિની મજબૂરીથી વાકેફ હતો. એક સાથે બે નાવમાં સફર કરવાની તેની ઈચ્છાને થોડું માન આપવા માટે અશ્ફાકે પોતાનાં આ જીગરજાન મિત્રને થોડી રાહતભરી પરિસ્થિતિ ઉભી કરી આપી, અને પ્રણાલી સાથે હળતામળતા અનિકેત તરફ તેણે આંખ આડા કાન કરવા માંડ્યા. પણ આમ કરીને અજાણપણે જ તેણે પોતાનાં જ પગ ઉપર કુહાડી ઝીંકી દીધી. કારણ, તે પછી બસ થોડા જ મહિનાઓ બાદ અનિકેતે અચાનક જ પ્રણાલીને લગ્ન માટે પણ પ્રોપોઝ કરીને અશ્ફાકને એક એવો જોરદાર આંચકો આપી દીધો, કે જેને જીરવવો તેને માટે ખુબ જ મુશ્કેલ હતો.

અશ્ફાક માનસિક રીતે એવો પડી ભાંગ્યો કે અનિકેત સાથે તે કોઈ દલીલ સુધ્ધા ન કરી શક્યો, અને ચુપચાપ તેનાં માર્ગમાંથી ખસી જવાની તૈયારી સાથે તે રાજકોટ ચાલ્યો ગયો. રાજકોટમાં કામ તો તેને ફક્ત બે-ચાર દિવસનું હતું, પણ અનિકેતે ઉભી કરેલી પરિસ્થિતિ બાદ, 'તેનાં જીવનમાં હવે પોતાનું સ્થાન કેટલું?' તેવી અશ્ફાકની ભારોભાર મૂંઝવણને કારણે તે હવે પાછો અહિયાં ફરશે કે નહીં તેની કોઈ જ ખાતરી અનિકેતને નહોતી. અડધોપડધો પ્રણાલી તરફ ઝુકેલો તો અડધોપડધો અશ્ફાકથી દુર ખસેલો, તેવા અનિકેતે બંનેની સાથે શારીરિક રીતે વફાદાર રહેવાનો નિશ્ચય કર્યો હતો. પણ તે છતાં ય શાહમૃગ-વૃત્તિ અપનાવી, વાવાઝોડાનાં સમયે રેતીમાં મોઢું છુપાવતો હોય, તેમ અત્યારે તે પેલા અજાણ્યા યુવાન સલીલની કારનાં અંધારા એકાંતમાં બેઠો હતો. કાં તો શુદ્ધ સ્ત્રી તરફનો કે પછી એકદમ મર્દાના યુવક તરફનો ટેસ્ટ ધરાવનાર અનિકેત, અત્યારે એક સ્ત્રૈણ-યુવક સાથેની વાસનાભરી પળોમાં પોતાની જાતને ગુંથાવી, પોતાનાં જીવનમાં આવેલ વંટોળને ભૂલવાની કોશિષ કરી રહ્યો હતો. અને તે સમયે જ અંદર, બીયર-બારમાં ડ્રમ-પ્લેયર સંજુનો ફોન રણકી ઉઠ્યો. અજાણ્યો નમ્બર જોઇને તેની આંખ ચમકી ઉઠી.
.

"કિસપે જાઁ દીજિયે, હર ચહેરા હૈ... પ્યારા ચહેરા
બાગમેં ફૂલ હૈ... કમરે મેં, તુમ્હારા ચહેરા..!"

ગઝલ ગાયકે છેડેલી આ શાંત ગઝલ વખતે, પોતાને કે પોતાનાં ડ્રમને બહુ બધું કંઈ કરવાનું હોતું ન હોવાથી સંજુ આમ તો નવરો જ ઉભો હતો, એટલે ડ્રમનો હવાલો બાજુવાળાને સોંપીને તે સાઈડમાં ફોન એટેન્ડ કરવા આવી ગયો.
"હેલ્લો ?"
"સંજુ ?”
"હાં..યસ ?"
"ટોની કા દોસ્ત. ટોની...ગોવાવાલા..!"
"ઓહ યસ. હલ્લો સર. ગુડ ઇવનિંગ."
"ગુડ ઇવનિંગ. આજ ફ્રાઇડે હૈ. પંછી આયા હૈ ?"
"યસ. આયા હૈ ના."
"ઠીક સે પહેચાન પાયા ?"
"હાં, સંજુ કા કામ પક્કા હોતા હૈ. બાર મેં ઉસને પાંવ રખ્ખા કે અપની નઝરમેં ઘૂસ ગયા."
"કિધર હૈ અભી ? બાર મેં હી હૈ ના ? કે વાપસ ચલા ગયા ?"
"અરે નહીં સર. કત્લખાને ભેજા હૂઁ, હલાલ કરને કો. બસ આપ કે હુકમ કા ઇન્તઝાર થા."
"લેકિન ફાયદા ક્યા ? ઉસકે સાથ મેં ભી તો કોઈ હોના ચાહિયે."
"હૈ ના. ટેન્શન ક્યુ લે રહેલા આપ ?"
"કૌન હૈ ?"
"હૈ, અપના હી ઇક બંદા હૈ ! ગેમ ચાલુ હૈ વહાઁ"
"શાબાશ.. તો ચાલુ રહને દે, ઓર તુ ભી અપના ગેમ સ્ટાર્ટ કર દે."
"લેકિન સર, પૈસા ? અભી તક કુછ એડવાન્સ ભી પહુંચા નહીં હૈ"
"ટોની કા નામ કાફી નહીં હૈ ક્યા ?"
"હૈ ના !"
"તો ફિર ? ચલ અબ ટાઈમ વેસ્ટ મત કર, નીપટા જલ્દી !"
.
અને બસ, સાવ થોડી જ વારમાં પેલા ચમેલીનાં માંડવાની આસપાસ, એક બીજો પણ ખેલ શરુ થઇ ગયો. [ક્રમશ:]

.

-અશ્વિન મજીઠિયા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED