અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૧ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૧

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: નિમિષ વોરા

*પ્રસ્તાવના*

આ પહેલાના દસમા એપિસોડમાં આપણે લેખિકા અનસુયાબેન દેસાઈની કલમનો ફરી એકવાર આસ્વાદ કર્યો અને એકદમ શાયરાના અંદાજમાં લખાયેલ એક સંગીતમય કહેવાય તેવો એપિસોડ વાંચી, આપણને સહુને ચોક્કસ જ એ વાતની ખાતરી થઇ ગઈ, કે તેઓ એક સિદ્ધહસ્ત લેખિકા છે. તેમની આગળના લેખિકા સરલાબેને અશ્ફાકના ભૂતકાળની જે વાત ઉખેડી હતી, તેને જ તેઓ સુપેરે આગળ ધપાવી ગયા. આધેડ પુરુષ ડો.મિતુલ અને નવયુવાન અશ્ફાકના પેચીદા સંબંધોની છણાવટ રૂપે તેઓએ અશ્ફાકની મનોગત વર્ણવી. આ અનાથ, એકલા અટુલા યુવાનને હતાશની ખાઈમાં ગરક કરતી નિરાશાનું તેઓએ હૃદયસ્પર્શી રીતે આલેખન કર્યું. તે પછી વાર્તાને વર્તમાનકાળમાં લાવીને આગળ વધારવા તેઓએ ડો.મિતુલની સામેની અનિકેતની લડાઈમાં, ડો.મિતુલના જુના પ્રેમી અશ્ફાકને જ મુખ્ય પ્યાદું બનાવી દીધો, ને એક વખતના સંગી-સાથી હવે એકમેકની સામસામે લડાઇએ આવી ગયા. આમ અશ્ફાક હવે ધીમે ધીમે ખુબ જ મહત્વનું પાત્ર બનતો જાય છે. અનિકેત ભલે વાર્તાનો નાયક હોય, પણ લેખક/લેખિકાઓ અશ્ફાકને પણ તેના જેટલું જ મહત્વ આપી રહ્યા છે. ડો.મિતુલ અત્યારે જે ચાલ રમી રહ્યા છે, તેની સામે એકદમ તેવી જ ચાલ અનુબેને અશ્ફાકને રમવા માટે સોંપી દીધી. લોહે કો લોહા કાટે, કાંટાથી કાંટો નીકળે, તેમ બ્લેકમેઈલનો ઈલાજ બ્લેકમેઈલ. બસ..આવી જ થીયરી સાથે અશ્ફાક, ડો. મિતુલની સામે પડી ગયો.

ત્યાર પછીની વાર્તા હવે ફરી એકવાર નિમિષ વોરા આગળ વધારશે. અમારી ટીમના સદા સ્ફૂર્તિલા અને તરવરીયા લેખક, એવા નિમિષ વોરાની કલમનો સ્વાદ આપણે આ વાર્તાના એપિસોડ ક્રમાંક ત્રણમાં માણી જ ચુક્યા છીએ. અનિકેત-અશ્ફાકના પ્રશ્નાર્થ-ચિહ્નવાળા સંબંધો પર, તે સંબંધ સજાતીય હોવાની મક્કમતાપૂર્વક મહોર મારનાર નિમિષભાઈની બીજી એક કલ્પના એટલે ‘રેઈનબો-બાર’ કે જે હવે આ વાર્તાનું એક હેપનિંગ સ્થળ બની ગયું છે, અને છાશવારે વાર્તામાં ડોકિયા દેતું જ હોય છે.
આમ વાર્તાની પ્રાથમિક અવસ્થામાં તેને સજ્જડ રીતે મજબુત બનાવનાર નિમિષભાઈ, વાર્તાને કેવી રસદાયક રીતે આગળ વધારે છે, તે હવે તમે જ જોઈ લો.

શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૧૦*

.
“ડૉ.મિતુલ ! ક્યાં સુધી તું શરીફ બની રહેશે ? તું કેવો છે, તે દુનિયાને જાણ કરવાનો સમય આવી ગયો છે."
મિતુલ કેટલીય મિનિટ સુધી તે મેસેજને તાકતો રહ્યો. તેનાં હાથ ભયના માર્યા કંપી રહ્યા હતા. હાથમાં રહેલું ન્યુઝ પેપર ક્યારે નીચે પડી ગયું તેની તેને ખુદને જાણ ન હતી.
સભ્ય સમાજમાં રહેતા અને કહેવાતા 'મોટા' લોકોનું બેવડું ધોરણ પણ ગજબનું હોય છે. તેઓ ચોરીછુપીથી ઘણા એવા કામો કરતાં હોય છે, કે જે કહેવાતા 'સભ્ય' સમાજમાં માન્ય નથી હોતા. પરંતુ પોતાની તે ચોરી ખુલ્લી પડી જવાના એંધાણ માત્રથી પણ તેઓ ખળભળી ઉઠતા હોય છે.
બસ, મિતુલની અત્યારે તે જ મન:સ્થિતિ હતી. ના, તેણે પોતે ક્યારેય સજાતીય સંબંધોને ‘પાપ’ તરીકે જોયા નહોતા. પરંતુ તેને સતત ડર રહેતો સમાજના પેલા હોમોફોબિક લોકોથી, કે જેઓ કોઈ અજાણ્યા ડરને લીધે..કોઈક છુપા અણગમાને લીધે, હોમોસેકસુઅલ લોકોથી સતત દુર રહે છે. એક અવિશ્વાસની લાગણીથી પીડાતા હોય છે, આ હોમોફોબિયાથી પીડિત લોકો.
અને એટલે જ મિતુલને આવા હોમોફોબીક લોકોને કારણે તેની 'બહુ સારી ન ગણાય' તેવી ડોક્ટરની પ્રેક્ટીસને મરણતોલ ફટકો પડવાની સતત આશંકા રહેતી. તે પોતે તો ગે-ફિલિંગ્સ પોતાની યુવાવસ્થાથી જ ધરાવતો હતો, અને એટલે જ કોઈ સ્ત્રી સાથેનું લગ્ન-બંધન તેને ક્યારેય રુચ્યું નહોતું. આ જ કારણસર તે કાયમ એકલો જ રહ્યો હતો. એકલો
, પરિવાર વિહોણો !
મુંબઈની ગે-દુનિયા સાથે તેણે જો કે, કોઈ એવો મજબુત કે કાયમી સંબધ રાખ્યો નહોતો. તેની જે થોડીઘણી ગે-પ્રવૃત્તિઓ હતી, તે બધી ગોવા સુધી જ તેણે સીમિત રાખી હતી, તેનું આ એક જ કારણ હતું, કે આમ કરીને તે પોતાનું ‘દુનિયાથી વેગળાપણું’, તેનાં ભાઈ અનિલ કે બીજા કોઈ પણ ઓળખીતા-પાળખીતાઓથી છૂપું રાખી શકે. તેને એક ડર હતો
. એવો ડર, કે જે કોઈક મોટા ટોળામાં શામેલ દરેક એકલદોકલને સતત રહ્યા કરતો હોય છે, કે ચારે તરફથી જો તેનો ઉપહાસ..તેની મશ્કરી..તેની ટીકા થશે, તો પોતે તેનો સામનો નહી કરી શકે, કે ન તો તેનો વળતો જવાબ આપી શકે. અને આજે
..સાવ અચાનક જ, તેણે પોતાની આસપાસ રચેલું સુરક્ષા-કવચ આ બે-ચાર ફોટાઓએ જાણે કે ભેદી નાખ્યું હોય તેવું તેને લાગ્યું. સાથે આવેલ આ એક મેસેજે તેને અંદરથી ખળભળાવી નાખ્યો. આખા શરીરે થતો પરસેવો તેણે પહેરેલા ટી-શર્ટને ભીંજવી રહ્યો હતો.
તેની શ્વાસની ગતિ પણ અનિયમિત થઇ હતી. ઓળખ છતી થશે તો પોતાનું શું થશે ? એ વિચારમાં ને વિચારમાં તેણે આંખો બંધ કરી અને રિલેક્ષ થવાની કોશિશ કરી.

.
આખરે મહામહેનતે મિતુલ પોતાની જાતને સંભાળવામાં સફળ રહ્યો. હજુ પણ તે આ મેસેજ વિશે જ વિચારી રહ્યો હતો. થોડો રિલેક્ષ થતા તેને અહેસાસ થયો, કે આજે કેટલા લાંબા સમય પછી તેણે પોતાના અશ્ફાકને જોયો હતો !
અશ્ફાક યાદ આવતાં જ તેણે આંખો ખોલી, અને મોબાઈલ અનલોક કરી, અશ્ફાકના ફોટા જોવા સીધું સ્ક્રોલ ડાઉન કર્યું. એક પછી એક ચાર ફોટા જોયા બાદ તેણે પહેલો ફોટો ફરીથી ખોલ્યો જેમાં તેણે અશ્ફાકને ઊંચક્યો હતો. કેટલો સોહામણો લાગતો હતો અશ્ફાક !
અનાયાસે જ તેનો હાથ અશ્ફાકના ફોટા પર ફરી રહ્યો, અને તેની આંખોના બંને ખૂણા ભીંજાઈ ગયા. વાત્સલ્ય જાણે કે તેનાં રોમરોમમાં ઉભરવા લાગ્યું અને તેનું હૈયું કરુણાથી છલકાઈ ઉઠ્યું,


“મેરી હર દુઆ, હર આઝાન મેં તુ હૈ,
કહેતે હૈ ઘર ખુદા કા જિસે, ઉસ મકાન મેં તુ હૈ,
કૈસે પહોંચેગી મેરી પરવાઝ તુજ તક,
મૈ હું ઝમીં પે, ઔર આસમાન પે તુ હૈ.”

"કેટલે દૂર પહોચી ગયો મારો અશુ ?” સ્વગત બોલતાં જ તેની આંખો ફરી મીંચાઈ ગઈ અને જાણે બે વર્ષ અગાઉની દરેક ઘટના તેની સામે તાદ્રશ્ય થઇ રહી. પોતાના જીવનનો સુવર્ણ-કાળ એટલે તે બે વર્ષ
, કે જયારે અશ્ફાક તેની સાથે હતો ! અને પોતે શું નહોતું કર્યું તેનાં માટે
?
તેની અમ્મીના મૃત્યુ પછી એક વડીલ તરીકે પોતે તેને એક ઈમોશનલ સપોર્ટ આપ્યો, કે જેની અશ્ફાક જેવા અનાથ, એક્લાઅટુલા લાગણીશીલ કિશોરને ખુબ જ આવશ્યકતા હતી. એટલુ જ નહીં
, તેણે અશ્ફાકને મુંબઈ જેવા શહેરમાં રહેવા માટે સ્થાન પણ આપ્યું, પોતાનાં ઘરમાં અને પોતાના હ્રદયમાં સુદ્ધા !
“ને સામે પક્ષે તું, બસ ફક્ત એક જ રાતની બોલાચાલીમાં ઘર છોડી ચાલ્યો ગયો ? અરે ફક્ત ઘર છોડ્યું હોત, તો તને શોધી પણ લેત. પણ તે તો આ દુનીયા જ છોડી દીધી, અશુ !” -તે સ્વગત બોલી ઉઠ્યો. તેની બંધ આંખોય હવે સતત છલકાઈ રહી હતી.
તેને તે મનહૂસ રાત યાદ આવી ગઈ. પોતે તેને કહેલા કડક અને કડવા વેણ, અને મોઢા પર જ આપેલો જાકારો તેને યાદ આવી ગયો. ભલે ગુસ્સામાં આપ્યો હતો
, કે જેનો કોઈ એવો મતલબ જ નહોતો નીકળતો, પણ તોય, જાકારો એ તો જાકારો જ ગણાય. તેને ઘર છોડીને જવાનો લલકાર આપીને પોતે જયારે બેડરૂમમાં જઈને સુઈ ગયો, ત્યારે તેને બિલકુલ અંદાજો નહોતો કે તેનાં તે શબ્દ-બાણ અશ્ફાકનાં હૈયા-સોસરવા ઉતરી જશે, અને તે સાવ આવું છેલ્લું પગલું ભરી લેશે. જતા પહેલા તેણે જો જાણ કરી હોત તો પોતે ક્યારેય તેને જવા ન દેત. જરૂર પડી હોત તો માફી પણ માગી લેત.

“શું મેં તેને દીકરા સમાન નહોતો ગણ્યો? અરે એટલે જ તો સતત તેની ફિકર રહ્યા કરતી હતી. દારુ પીને આવ્યો હતો તે વાત એટલી નહોતી ખટકી, કે જેટલી પેલા બે કોડીના રસ્તા-છાપ, હલકા, સસ્તા યુવાન સાથેની તેની મોજ-મસ્તી !
અરે આવા જ યુવાનો માલદાર છોકરાઓની નબળાઈનો લાભ ઉઠાવી તેને પાછળથી હેરાન કરતા હોય છે, એ વાત આ અઢાર-વીસ વર્ષનો છોકરો થોડો સમજવાનો હતો..! એઇડ્સ અથવા તો ચામડીના રોગો, આવા જ સડક-છાપ લોકો પોતાના શિકારને ભેટમાં આપતા હોય છે. આ બધું તેને સમજાવવાનું હજી બાકી હતું, કે એટલામાં જ...”

.
છેલ્લી રાતની તે બોલાચાલી યાદ આવતાં જ મિતુલ ઉભો થયો, અને ડ્રોઅર ખોલી તેમાંથી તેની પોતાની પ્રિય ડાયરી કાઢી જેમાં તે ઘણી વાર દિલની વ્યથા ઠાલવતો. તેના છેલ્લા પેજ પર રહેલી એક નાની ચિઠ્ઠી કાઢી તે ફરી બેસી ગયો. ચિઠ્ઠી ખોલતાં અને વાંચવાનું શરુ કરતાં જ તેની આંખો ફરી વહેવા લાગી.

"ડોક્ટર સાહબ,
તમારું ઘર તો શું, બસ..હવે આ દુનિયા જ છોડી જઈ રહ્યો છું.
જી હાં, યે દુનિયા, યે મહફિલ, મેરે કામ કી નહીં.
મારા જેવા નિ:સહાય અનાથ છોકરાને અત્યાર સુધી તમે આપેલ સાથ સહકાર અને પ્રેમ માટે હું હરદમ આપનો અહેસાનમંદ રહીશ. પ્લીઝ..પ્લીઝ મારી તલાશ કરશો નહિ.
અલવિદા...!
..........................અશ્ફાક"
.
છેલ્લા બે વર્ષથી તેણે પોતાના અશુની આ ચિઠ્ઠી એક અમુલ્ય મિલકતની જેમ સાચવીને રાખેલી હતી, અને જયારે પણ તેનું મન ઉદાસ રહેતું ત્યારે તે આ ચિઠ્ઠી પોતાના છાતી સરસી ચાંપી, અશુને યાદ કરી કરીને રડી લઇ પોતાનું મન હળવું કરી લેતો.
તે દિવસે એક બહુ જરૂરી કામ માટે ટોની ખાસ ગોવાથી તેને મળવા મુંબઈ આવ્યો હતો. રાત્રે દસ વાગ્યે તેને મળવાનું હતું. પણ દસ વાગ્યા સુધી અશ્ફાક ઘરે નહોતો આવ્યો. અને તેનો ફોન પણ સ્વીચ-ઓફ આવતો હતો, તો થોડી ચિંતા અને તેની બેદરકારી પરનો થોડો ગુસ્સો, તેનાં મગજ પર કબજો કરી રહ્યા હતા, એટલે ટોનીને ફોન કરીને મળવાનું રદ કરી પોતે ઘરે જ તેની વાટ જોવાનું વિચાર્યું હતું. પછી જેમ જેમ મોડું થતું ગયું
, તેમ તેમ તેનો ગુસ્સો વધતો ગયો, અને
પીધેલી હાલતમાં તેનું આગમન, અને ધરબી રાખેલા ગુસ્સાનો વિસ્ફોટ ! ન બનવાની તે ઘટના ઘટી ગઈ.


પણ તે બોલાચાલી બાદ, બસ થોડી જ ક્ષણોમાં પોતાનો ગુસ્સો શાંત પણ પડી ગયો હતો. કેટલું વિચાર્યા બાદ ત્યારે તેને લાગ્યું હતું કે
, "આ ઉમરે બીઅરનો નશો કે નવા ફ્રેન્ડસ બનવા સામાન્ય વાત છે. પણ હું તેની બાબતમાં કંઇક વધુ જ પઝેસીવ થઇ ગયો છું. મારે તો આ ફ્લેટની બહાર પણ એક લાઈફ છે, ભાઈ-ભાભી-ભત્રીજી છે, પણ તેનું કોણ ? આ ફ્લેટ અને કોલેજ જ તો છે તેની દુનિયા. ક્યારેક જો હું તેને બહાર કે બારમાં જવાની પરમીશન આપું, અને તે તેના ફ્રેન્ડસને મળે, તો શું ખાટું-મોળું થઇ જવાનું હતું ? હું તેને મારી ફેમીલી સાથે મળાવી શકું તેમ નથી, પણ તેને બહાર જતો શા માટે રોકવો ? ઉલટું તે બહાર જઈને ફ્રેશ રહેશે. તે ખુબ જ સંવેદનશીલ છે. મારે તેની સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈતી. નવા ફ્રેન્ડઝ બનાવવા પહેલા કઈ કઈ સાવચેતી રાખવી તે બાબતમાં બસ..થોડા સલાહ-સુચન દેવા જોઈતા હતા, અને તે પણ ત્યારે ને ત્યારે તો નહીં જ. જુવાન છોકરો અને ગરમ લોહી કુનેહપૂર્વક કામ લેવું જોઈએ. કાલે સવારે જ હું મારા પઝેસીવ નેચર બાબતે તેની માફી માંગી લઈશ, અને ખુલ્લા મને તેને વાત પણ કહેવા દઈશ."


આ બધું વિચારતા તે રાતે તેની આંખ ક્યારે મળી ગઈ હતી, તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. અને સવારે જયારે આશુ પાસે માફી માંગવા ગયો હતો, ત્યારે આશુની જગાએ તેની આ ચિઠ્ઠી તેની રાહ જોઈ રહી હતી.
.

કેટલો ભયાનક દિવસ હતો તે, આજે પણ યાદ આવતા જ તેનું મુખ બન્ને હથેળી વચ્ચે સમાઈ ગયું.
ક્યાં ક્યાં શોધ નહોતી કરી અશ્ફાકની ?
તે જાણતો હતો કે સામાન્ય વ્યક્તિ માટે દુનિયા છોડવી એટલી સહેલી નથી હોતી, પરંતુ સેન્સીટીવ વ્યક્તિઓની વાત અલગ હોય છે. જો તેઓની ફીલિંગ્સ હર્ટ થઇ જાય, તો તેઓ ઘણી સરળતાથી ડીપ્રેશનમાં અથવા તો આપઘાત સુધીનાં છેલ્લા કદમ સુધી પહોંચી જતા હોય છે. અશ્ફાકના ક્લોઝ કહી શકાય તેવા તો કોઈ મિત્રો હતા નહીં
, કે એ ત્યાં પૂછી શકે. અને વિટંબણા તો એ હતી કે, તે પોલીસની હેલ્પ પણ લઇ શકે તેમ ન હતો. કેમ કે અશ્ફાક અને તેના રીલેશન વિષે તે કંઈ જ વધુ જણાવી શકે તેમ ન હતો.
એ જ દિવસે તે પોતાની ગાડી લઈને લગભગ અડધું મુંબઈ ફરી વળ્યો હતો. એ બધા જ લોકેશન પણ તે જોઈ વળ્યો, કે જ્યાં તે અને અશ્ફાક જવલ્લે જ ગયા હોય. તેને થયું કે કદાચ તે રાજકોટ જતી બસ કે ટ્રેન પકડે
, તો તે બન્ને જગાએ પણ તેને નિરાશા સાંપડી.
અશ્ફાકની કોલેજ પણ ગયો હતો પોતે. પણ આખો દિવસ હેરાન થયા બાદ પણ તેનો કોઈ જ પત્તો ના લગતા ખુબ જ માયુસ થઇ ઘરે આવ્યો, અને હજુ પોતાનું દિમાગ કસવા લાગ્યો કે કઈ રીતે પોતાના અશુને ગોતવો.
બેચાર દિવસ પછી વિચાર પણ આવ્યો હતો કે અશ્ફાક પોતાનો ખર્ચો કેમ કાઢતો હશે ?
તેની પાસે ક્રેડીટ કાર્ડ હોવાની તો પોતાને જાણ હતી, પણ ત્યારે તેને એ ખુબ અફસોસ થયો હતો, કે ક્યારેય તેની બેંક ડીટેલ જાણવાની પોતે કોશિશ નહોતી કરી. હા
, એનુંય એક કારણ હતું. તેવું બધું પૂછવાથી 'મારા પૈસા પર નજર છે' તેવી ગેરસમજણ અશ્ફાક્નાં મનમાં ન થઇ જાય તેની તેને એક બીક હતી. બાકી જો તે દિવસે પોતાની પાસે આ બધી માહિતી હોત, તો કદાચ એ એક છેડો ચોક્કસ કામ આવત અશ્ફાકનો પત્તો લગાવવામાં.
તે પછીનું આખું અઠવાડિયું સતત પોતે અશ્ફાકની કોલેજમાં પણ ગયો હતો, ફક્ત એક જ આશાએ, કે કદાચ એ ત્યાં આવે. પરંતુ દરરોજ તેના પ્રોફેસર મારફત નકારમાં જ જવાબ મળતા, એટલે થાકી-હારીને પછી મન મનાવી લીધું કે હવે મારો અશુ આ દુનિયામાં કદાચ
સાચે જ નથી રહ્યો. તે મને છોડી સદાયને માટે તેની અમ્મી-અબ્બુ પાસે પહોચી જ ગયો લાગે છે.
આમ કેટલાય દિવસની મન-મગજની સતત લડાઈ બાદ મિતુલે ખુબ જ ભારે મનથી અશ્ફાકના આપઘાતની આ અણગમતી હકીકત સ્વીકારી લીધી હતી, અને પછી, પુરા છ મહિના લાગ્યા હતા તેને પોતાની જીવન-ગાડીને ફરી પાછી પાટે ચડાવતા.
.

તેમ છતાં પણ અસ્ફાકને સંપૂર્ણપણે તો નહોતું જ ભૂલી શકાયું. જયારે જયારે પણ અશ્ફાકની યાદ આવી જતી, ત્યારે ત્યારે કેટલો સમય તે આમ સૂનમૂન પડ્યો રહેતો તે ખુદ પોતાને પણ ખ્યાલ નહોતો. ખુબ વાર લાગતી તેને પોતાના તે સુંદર ભૂતકાળમાંથી ફરી પાછા એકલતાભર્યા વર્તમાનમાં પાછા ફરતા. ઘણીવાર તે અશ્ફાક સાથેના પોતાનાં મીઠા સંસ્મરણો યાદ કરતો
, અને હવે ફરી એકલા જ જીવન જીવવાનું છે, તે હકીકત સ્વીકારવા ફરી પાછો વાસ્તિવકતામાં મને-કમને પાછો ફરતો.
.
‘ટ્રીન...’
આજે પણ તેની આ વિચારમાળા તૂટત નહી, જો તેના મોબાઈલમાં કોઈ મેસેજ ના આવ્યો હોત. તેણે આંખો લુછી થોડા સ્વસ્થ થઇ મોબાઈલ ઉઠાવ્યો
તો ફરી પાછા એ જ નમ્બર પરથી તેનાં અને અશ્ફાકના બીજા બે ફોટોઝ આવેલા હતા. અને તરત પાછળ મેસેજ આવ્યો, “ઐસે તો ઔર બહુત ફોટોઝ હૈ મેરે પાસ, આપ ઇન્તેઝાર કીજીયે ઔર ખુદ કી ખૈરિયત કી દુઆ કરીયે !”
ફરી એક ધ્રુજારી ઉઠી ગઈ ડો. મિતુલને.
કોણ હોઈ શકે આ મારો દુશ્મન ? એક ગંદી ગાળ તેનાં મુખમાંથી નીકળી ગઈ અને બોલી ઉઠ્યો
, “સાલા, ચલ તને બતાવું હું પણ, કે હું શું ચીજ છું.”
તેટલું બોલી તેણે મેસેજ આવેલા નમ્બર પર સીધો કોલ બેક કર્યો. તેને લાગ્યું કે જો આ કોઈ નવા નિશાળિયાના કારસ્તાન હશે, તો જરા એવો ધમકાવીશું, એટલે પોતાની ઔકાત પર આવી જશે. વધુમાં વધુ થોડું મોઢું ફાડશે. પણ તેથી વધુ કઈ નહિ થાય.

પરંતુ
..પરંતુ તે નમ્બર તો સ્વીચ-ઓફ આવ્યો !
હવે મિતુલ થોડો ઢીલો પડ્યો.
તેને મામલો પેચીદો લાગ્યો.
પોતે જયારે અનિકેતને બ્લેકમેઈલ કરીને ફોન સ્વીચ-ઓફ કરી દેતો, ત્યારે પોતાની આ હરકત પર તે ખુબ પોરસાતો. પણ હવે તેને લાગ્યું કે આ તો સાવ સામન્ય બાબત હતી, કારણ આવું કરવાનું તો બીજો પણ કોઈ વિચારી જ શકે છે. મતલબ સામેવાળો પોતાનાં જેટલો તો ચા
લાક છે જ !
ઓટોમેટીક કેમેરાથી પોતમેળે જ ક્લિક થયેલા આ ફોટા, હવે પોતમેળે જ આમ..અચાનક આટલા વખતે, કેવી રીતે જીવંત થઇ ગયા, તે જ તેને સમજાતું નહોતું.
.

કોણ હશે આ ? ટોની ?
ના, ભલે જિસ્મ વેચતો હોય પણ ઝમીર વેચે એટલો હલકો તો તે નથી જ. ઉપરાંત પોતાની નબળી આર્થિક પરિસ્થિતિથી તે સારી રીતે વાકેફ છે અને એટલે જ તો પ્રણાલીનાં લગ્ન બીજે કરાવી એક કરોડનો દલ્લો મેળવી આપવામાં તે સહાયતા કરે છે.


આ બધાં ફોટા અશ્ફાકનાં ફોનમાં હતા ?
ખબર નથી, પણ હોઈયે શકે તેના ફોનમાં. તો
.. તો પછી તેનો તે ફોન, કોઈ બીજાનાં હાથમાં ગયો હશે ?
ઊંઘની ગોળીઓનો એક જથ્થો અશ્ફાક ગયો તે દિવસથી ગાયબ હતો. હા, અશ્ફાક જ તે ગોળીઓ લઇ ગયો હશે. અને પછી, તે ગોળીઓ ગળીને તેણે... અને પછી તેનો ફોન કોઈકે
ચોરી લીધો હશે?
પણ કોણે? ક્યારે? ક્યાં? કયા શહેરમાં?
મિતુલ થાકી ગયો વિચારી વિચારીને..અનુમાન કરી કરીને.
આખરે તેણે વિચાર્યું, કે હમણાં બને તેટલા શાંત રહેવામાં જ સમજદારી છે. જ્યાં સુધી કોણ બ્લેક-મેઈલ કરે છે અને તેની ડીમાન્ડ શું છે
, તેની જાણ ના થઇ જાય ત્યાં સુધી ગોવા જવાનું કે અનિકેતને ફોટા મોકલવાનું કામ પણ પડતું મુકવું. હમણાં બીજું કોઈ ખોટું રિસ્ક ના લેવું
, કે જેનાંથી અચાનક જ આવી પડેલી આ મોટી મુશ્કેલીમાં હજુય ઉમેરો થાય.
.
આમ ને આમ સાંજ પડી ચુકી હતી. તેના દિલો દિમાગમાં હવે અશુની જગ્યાએ એક મોટી મુસીબતે સ્થાન લઇ લીધું હતું. તે સતત એજ વિચારતો રહ્યો, કે આ બ્લેકમેઈલીંગ શા માટે ?
બ્લેક મેઈલર શું ડીમાન્ડ મુકશે ?
તે ક્યારે ફરી કોન્ટેક્ટ કરશે ?
આ બધું વિચારતા તેમનું માથું ફાટ-ફાટ થવા લાગ્યું, અને તે અકળાઈ ઉઠ્યો-
”(ગાળ), મારા આખા રવિવારની બેન્ડ બજાવી દીધી આ (ગાળ)એ !”

**==**==**==**==**

પ્રણાલી કેટલીયવાર સુધી પોતાની ડાયરીના પાના ઉથલાવી ઉથલાવી વિચારશૂન્ય અવસ્થામાં તેમને જોતી રહી. પોતાનો ઉભરો આ પાનાઓમાં ઠાલવ્યો હોવા છતાં, હજુ તેના કાનમાં ડેડીનો સ્વર જ ગુંજતો હતો,
“એનકૅશ કરી લે તું તારા માતૃત્વને. પ્રની અનિકેતને મળવા જ ન માંગે. એનું મોં જોવા પણ ન માંગે એવું કંઇક કર.”

શા માટે ? પણ શા માટે તેની દરેક ખુશી, ઇવન તેની દરેક ઝીદ્દ પણ હસતે મોઢે પૂરી કરનાર તેના ડેડી આજે તેની ઝીંદગીના સહુથી મહત્વપૂર્ણ પડાવ પર એક વિલનની જેમ વર્તન કરતાં હતા ?
અને શા માટે મોમ તેનો વિરોધ કરવાની જગાએ તેમને સપોર્ટ કરતી હતી ?
તેને અત્યારે કશું જ સમજાઈ રહ્યું ના હતું. તે રડી પણ રહી ન હતી, કેમકે દુનિયાના બેસ્ટ મોમ-ડેડ આ રીતનો વાર્તાલાપ કરી શકે તે તેને માનવામાં જ આવતું ન હતું. બસ..બધું આ
બધું એક ખરાબ સપના સમું લાગતું હતું. સવારે ઉઠી ત્યારે કેટલી ખુશ હતી પ્રણાલી. એક તો રવિવારની સવાર અને પાછું પોતાની ખાસ ફ્રેન્ડ રંજીતાની બહેનના તે દિવસે મેરેજ ! કેટલી ઉત્સાહિત હતી ફ્રેન્ડની બહેનના મેરેજ માટે. અરે
, છેલ્લા ચાર દિવસથી તે ખરીદી, પાર્લર, મહેંદી, સંગીત વગેરેમાં એટલી બીઝી હતી, કે અનિને મળવાનું તો ઠીક પણ ફોન પર વાત પણ શક્ય બની ન હતી.
ગઈકાલે પણ મહેંદી લગાવવા બપોરે ગયેલા, તે છેક મોડી રાતે પાછા આવ્યા હતા. અને આજે મેરેજ હોવાથી વહેલું પણ ઊઠવાનું હતું. ફ્રેન્ડસ સાથે મેરેજમાં મોજ-મસ્તી કરવાના વિચારોમાં તેને સરખી ઊંઘ પણ નહોતી આવી. એટલે તો પોતાના બંગલાની તેની ફેવરીટ જગ્યા પરથી સનરાઈઝનું સુંદર દ્રશ્ય માણવા તે નીકળી પડી હતી, અને તેની આદત મુજબ તેના ફોટોઝ કેપ્ચર કરવા પોતાનો લેટેસ્ટ મોબાઈલ પણ સાથે લીધો હતો. પણ ત્યારે ક્યાં ખબર હતી કે આ સનરાઈઝ તેના માટે વિટામીન-ડીનું પોષણ નહીં પણ દિલ જલાવી દેનાર સનબર્ન લઈને આવશે.
સુરજ હવે ઉપર આવતો હતો તો પણ તેને ઉભા થવાનું મન ન થયું. ત્યાં જ ફોનની એક રીંગથી તેના વિચારોની હારમાળા તૂટી, “ઓયે પ્રીન્સેસ, ક્યાં છે તું યાર. ક્યારની તૈયાર થઈને રાહ જોઉં તારી. ટ્રાફિકમાં ફસાઈ છે કે ?” શેફાલી ઉત્સાહિત સ્વરે બોલી રહી હતી, અને પ્રણાલીને યાદ આવ્યું કે શેફાલીને પોતાની ગાડીમાં પીકઅપ કરી પાર્ટી-પ્લોટમાં જવાનું નક્કી કર્યું હતું.
“ઓહ સોરી, શેફાલી યાર આજે મારી તબિયત સારી નથી ડીયર, તું જઈ આવને યાર મેરેજમાં અને હા મારા વતી રંજીતાને સોરી પણ કહી દેજે. પ્લીઝ !” પ્રણાલીનો હવે ક્યાંય પણ જવાનો મૂડ નોતો રહ્યો.
“વૉટ ? ડોન્ટ ટેલ મી, કે તું હજુ ઘરે જ છે. સાલી તને ખબર પણ છે, કેટલા વાગ્યા છે ? અત્યાર સુધીમાં આપણે પહોંચી જવું જોઈતું હતું અને યસ, તારા અવાજ પરથી મને એવું કઈ લાગતું નથી કે તને કોઈ જીવલેણ બીમારી લાગુ પડી હોય. So now you better be ready in half an hour, I am coming to your place. And that’s an order.” આટલું બોલી શેફાલીએ ફોન જ કાપી નાખ્યો.

પ્રણાલી બરાબર જાણતી હતી કે શેફાલી સામે દલીલમાં જીતી શકાય તેમ નથી, અને તેણે પણ વિચાર્યું કે બહાર જઈશ તો થોડું ફ્રેશ પણ થવાશે, તેથી ઈચ્છા ના હોવા છતાં ડાયરી બંધ કરીને તે ઉભી થઇ, અને ઉભા થતા થતા તેણે વિચારી લીધું કે સમય આવ્યે મોમ-ડેડ પાસે બધો ખુલાસો માંગીશ. તે કંઈ તેના દુશ્મન તો નથી જ, તેવું વિચારતા પોતાના વોર્ડરોબ તરફની તેની ગતિ મક્કમ થઇ રહી.

**==**==**==**==**

“વોટ એન એવેનીંગ યાર, મઝા આ ગયા. એન્ડ ધ ફૂડ વોઝ જસ્ટ યમ્મી !” -અશ્ફાકે ફ્લેટનો દરવાજો ખોલી સોફા પર પોતાની જાતને ફેંકતા કહ્યું.
“યસ, ઇત વોઝ ડેલીસીયસ.” -બોલી અનિકેત પણ બાજુમાં બેઠો.
અશ્ફાક બપોરથી નોટીસ કરી રહ્યો હતો, કે તે આવ્યો ત્યારથી પોતાની સંગતમાં અનિકેત ખુશ તો હતો જ, પણ તે છતાંય અચાનક જ થોડો ફીકરમંદ કે પછી ઉદાસ થઇ જતો હતો. તેને ખ્યાલ હતો કે કદાચ બ્લેકમેઈલવાળી વાતથી જ તે આવું વર્તન કરતો હશે
, અને એટલે જ તે પણ અનિકેતને બને તેટલો ખુશ રાખવા પ્રયત્ન કરતો રહ્યો. જો કે અશ્ફાક પોતે પણ પોતાના હ્રદયમાં એથીય મોટો ફીકરનો પહાડ લઈને ફરતો હતો કે તેનો આ જીગરી દોસ્ત એવી એક બીમારીથી પીડાય છે કે જેની તેને પોતાને જ જાણ નથી.
ડો.અનિલ સરૈયાએ આ વાત અનિથી છુપાવી છે તેનું શું કારણ હશે? પ્લેનમાં પોતે જ એટલો અવાચક થઇ ગયો હતો કે તેમને પૂછવાનું રહી જ ગયું. ઉપરાંત તેમનું વર્તન પણ તેની સાથે એટલું તો આત્મીય તો નહોતું જ, કે છૂટથી અંગત વાતો થઇ શકે.
તો હવે આ વાત અનિકેતને કહેવી કે નહીં? અને કહેવી તો ક્યારે? એકાંતમાં કે ડોક્ટરની સામે? સારવાર ક્યારે અને ક્યાં શરુ કરવી? સારવાર અનિકેતની જાણ બહાર શક્ય છે? તેને વાત કરીશું તો તેનો અનિકેત કેવો પ્રત્યાઘાત આપશે? ડોકટરસાહેબે પ્રણાલીને વાત જો નથી કરી, તો તેને જયારે ખબર પડશે તો તે શું કરશે? જો પ્રણાલી તેને છોડી દેશે, તો અનિકેત પર શું વીતશે? તેનાં જ માટે થઈને મને છોડવા તૈયાર થયેલો અનિકેત આ બેવડો આઘાત સહન કરી શકશે? અને આવે વખતે પોતે સાવ એકલો તેને સંભાળી શકશે? આ બધું જ અશ્ફાકની સમજની બહાર હતું
, અને જેટલી વાર પોતે અનિકેતની સાથે હતો એટલી વાર આ પ્રશ્નો..આ અનિશ્ચિતતાઓનો બોજ વેંઢારતા રહીને પણ હસતું મોઢું રાખવું તે તેના માટે ખુબ જ મુશ્કેલ કાર્ય હતું.
જો કે અનિકેત પોતાની જ મૂંઝવણમાં ગૂંથાયેલો હોવાથી સદભાગ્યે પોતાનાં આવા બનાવટી બેફિકરાઈભર્યા વર્તનને કળી ન શક્યો, તેની અશ્ફાકને એક નિરાંત હતી.
.
અનિકેતે ટીવી ઓન કર્યું, અને બંને તેમાં આવતી ગઝલનાં પ્રોગ્રામને માણી રહ્યા હતા, કે થોડી વારમાં જ અશ્ફાકને કંઇક યાદ આવતાં તે ઉભો થયો. પોતાની બેગમાંથી અમુક ડોક્યુમેન્ટ્સ કાઢી અનિકેતને કહ્યું, "હું થોડું કામ નીપટાવી આવું !"
“અરે, પણ અત્યારે ક્યાં જાય છે?” -અનિકેત હવે વધુ એકલો રહેવા માંગતો ન હતો. તે પોતાના જ વિચારોથી હવે ગભરાવા લાગ્યો હતો.
“યાર, યે દેખ ના. કબ સે ફોન મેં નેટવર્ક હી નહીં આ રહા. લગતા હૈ મેરા સીમ બ્લોક કર દિયા હૈ ફોનવાલો ને"
"અરે ક્યા? પાગલ હૈ ક્યા વો લોગ? Why will they block your SIM?"
"દોસ્ત.. એવું છે ને કે હું તો કાયમ માટે રાજકોટ જવાનું નક્કી કરીને ગયો હતો અને એટલા વાસ્તે જ મૈને યહાં કા સીમ બંધ કરને કે લિયે કૉલ ભી કર દિયા થા."
"ઓહ રાઈટ. તો પછી..પોસીબલ છે"
"યસ.. તો અબ લગતા હૈ કે નયા સીમ હી ખરીદના પડેગા."
"નયા કયું? અનબ્લોક કરવા લે, બેવકૂફ !" અનિકેતે સાવ સરળ સુઝાવ આપ્યો.
"હા ભાઈ હા. એઝ યુ સે ! આ તો અન્બ્લોક કરાવું જ છું. બટ ઇન ધ મીન-વાઈલ એક નયા સીમ ભી લેને કા સોચ રહ હું. નવો બંદો પટાવવો હોય, તો નવું સીમ સારું ને. કોઈ બીજી ડીસ્ટરબન્સ નહીં" અશ્ફાકે ટીખળી કરતા કહ્યું.
"તા...રી તો ! તું નહીં સુધરેગા, કમીને !" -અનિકેતે બાજુમાં પડેલ તકિયો તેની પર ફેંકતા કહ્યું.
"હેહેહેહે. યાર સુન, વો નૈતિક હૈ ના..!" -અશ્ફાકે તકિયાનો કેચ કરતા ઠહાકા સાથે કહ્યું.
"ક્યાં? અબ ઉસકો પટા રહા હૈ?" -અનિકેતે અશ્ફાકની મજાકને આગળ વધારતા કહ્યું.
"અબે..સુન તો..! વો નૈતિક ટેલીકોમ ઓફીસમાં જોબ કરતા હૈ ના યાર. તો યે સબ જરૂરી ડોક્યુમેન્ટ્સ ઝેરોક્ષ કરવા કે, દે આતા હું ઉસકો. એન્ડ યસ, વીલ બી બેક ઇન અ કપલ ઓફ આવર્સ. મેરા ફોન ના લાગે તો હક્કા-બક્કા મત હો જાના. એન્ડ નાવ યુ રિલેક્ષ. ઊંઘ આવે તો સુઈ જજે. ચલ, આતા હું !” -બોલતા બોલતા જ તે બહાર નીકળીને સીડી ઉતરવા લાગ્યો.
.
એકલો પડતાં જ, અનિકેત જે વિચારોથી તે છુટવા માંગતો હતો તે ફરી પાછા તેને વિચારો ઘેરી વળ્યા. કોણ હશે મને બ્લેકમેઈલ કરવાવાળું
? શા માટે તે મારી પાછળ પડ્યો છે? મેં કોઈનું શું બગાડ્યું છે? પેલાનો નમ્બર બ્લોક કર્યા પછી આજે કોઈ બીજો મેસેજ ન આવ્યો તો તેને થોડી શાંતિ તો હતી, છતાં થોડી થોડી વારે મોબાઈલ ચેક કરી લેતો હતો, પણ બીજા નમ્બર પરથી આવેલા ફોટા તો અશ્ફાકે જોતાવેંત જ ક્યારનાં ડીલીટ મારી દીધા હતા તે બાબતે તો તે સાવ અજાણ જ હતો.

તેની ચિંતામાંથી હજુ રિલેક્ષ થયો, ત્યાં ચિંતાનું સ્થાન ગીલ્ટે ભરી દીધું. શા માટે
? શા માટે હું પેલા સલીલ..સલીમ..કે જે પણ તેનું નામ હોય..તેની સાથે શા માટે હું પાર્કિંગ પ્લોટમાં ગયો? શા માટે મેં આટલું પીધું, કે મને મારી જાતનું જ હોશ ના રહ્યું? મારું સ્ટાન્ડર્ડ આટલું નીચે કેમ જઈ શકે, કે હવે જયારે હું પ્રણાલી સાથે સંસાર માંડવાનું સીરીયસલી વિચારી રહ્યો છું, ત્યારે કોઈ પણ આલતુ ફાલતુ સાથે શરીર સમ્બન્ધ બાંધી લીધો? અને તે સેશન તો એટલું પ્લેઝરેબ્લ પણ ના હતું. અરે ઇવન..એને પૂરું સેશન પણ ના કહી શકાય, તેવું હતું તે. અને તો પણ..
પોતે તેની સાથે ત્યારે ઉત્તેજિત અવસ્થામાં હતો. કેમ? વાય? -આ જ વાત અનિકેતના મનને ગીલ્ટથી ભરી રહ્યું હતું.
અશ્ફાકને જાણ કરી દઉં, કે કોઈ મને બ્લેકમેઈલ કરે છે ?
બટ વેઇટ ! એમ કરતાં તો મારે તેને પેલા સલીલ વિષે બધું જણાવવું પડે, અને પોતાની આવી હલકી હરકતને જાણીને જો તે મારાથી ખફા થઇને ફરી પાછો મને છોડી જાય તો ?
ના ના. I can’t do that. તેને તો જાણ ન જ થવા દેવાય. તે આજે કેટલો ખુશ હતો અને તેની સાથે સાથે હું પણ. તે હવે ફરી પાછો મને છોડી જાય, તેવી એક પણ મિસ્ટેક હવે મારે કરવી નથી, અને તે માટે પેલા બ્લેક્મેઇલરની જે પણ ડીમાન્ડ હશે તે મારે જરૂરથી પૂરી કરવી જ રહી. આ બ્લેકમેઈલરથી એકવાર પીછો છોડી દઉં એટલે બસ.. લાઈફ સેટ !
.

લાઈફ સેટ ?
ના, અશ્ફાકનું હમેંશ માટે મને છોડીને જવાનું કારણ બીજું કોઈ નહિ પણ પ્રણાલી જ છે. હું પ્રણાલી સાથે મેરેજ કરી નોર્મલ લાઈફ જીવવા માંગું છું, અને આ જ કારણ હતું અશુનું મને છોડીને જવાનું. પણ, હવે એ સમય આવી જ ગયો છે કે મારે પ્રણાલી કે અશ્ફાક બંનેમાંથી કોઈ એક પર જ પસંદગી ઢોળવી પડશે. પ્રણાલી મારું હ્રદય છે
, તો અશુ મારા શ્વાસ. હું બન્નેમાંથી એક સાથે કેવી રીતે જીવી શકીશ? એકલાઅટુલા અશુને મારાથી છોડી શકાય તેમ નથી. તેનું આ દુનિયામાં મારા સિવાય કોઈ જ નથી, કે જેની પાસે તે થોડી પણ આશા રાખી શકે.
કેવું બોલી ગયો તે, પેલા દિવસે, "તેરી દુનિયા દોસ્ત, કાફી લંબી-ચૌડી હૈ, પર મેરી નહીં. મેરી દુનિયા તો બસ તેરે મેં સીમટ કર રેહ ગઈ હૈ."
અને તે પછી બીજા દિવસે પણ તે કેટલો ઇમોશનલ થઇ ગયો હતો, "મેરા તો બાપ ભી તુ, ઔર મા ભી તુ હી થા. મેરી બીવી ભી તુ, ઔર મેરા શોહર ભી તો તુ હી થા ! અબ તુ જો જા રહા હૈ મેરી ઝીંદગી સે, તો મેરા તો જૈસે પરિવાર હી ખત્મ હો ગયા..!"
ઓહ, તો શું હું આજીવન તેનો થઇ ના રહી શકું?
અને અશુએ તો મને જેવો હતો તેવો સ્વીકાર્યો છે, પણ પ્રણાલી જયારે જાણશે કે હું બાય-સેક્સ્યુઅલ છું, ત્યારે શું તે પણ અશ્ફાકની જેમ જ મને સ્વીકારશે ?
ના.... ક્યારેય નહીં. કોઈ જ ચાન્સ નથી !
તો બસ, હું પ્રણાલીને હવે મારી સઘળી હકીકતથી વાકેફ કરી દઉં, અને જો સંજોગો તેવા બનશે, તો ત્યારબાદનું બાકીનું જીવન હું અશ્ફાક સાથે જ વીતાવીશ.
હા, એ જ બરાબર રહેશે. પ્રણાલીને આઘાતમાંથી બહાર આવતાં થોડો સમય તો ચોક્કસ લાગશે, પણ તેને તો તેની ફેમીલી અને તેની ફ્રેન્ડસ સાંભળી લેશે. થોડા સમય બાદ તે કદાચ નોર્મલ થઇ જાય, પણ અશુને હું એકલો છોડી શકું તેમ નથી. તે ફક્ત મારો ફ્રેન્ડ કે લવર જ નથી. મારી જવાબદારી પણ છે તે. યસ. તેનો તો સાથ મારે દેવો જ રહ્યો.

.

ખુબ મનોમંથન બાદ અનિકેતે પોતાનાં આ નિર્ણય પર કાયમ રહેવાનો નિર્ધાર કર્યો, અને અશુ આવે ત્યારે આજે જ તેને પોતાનો આ નિર્ણય જણાવી દેવાનો નિશ્ચય કર્યો. જયારે આ વાત તે અશુને જણાવશે ત્યારે અશુના ચહેરા પર ખુશીના ભાવ કેવા હશે તે વિચારતા વિચારતા હળવો ફૂલ જેવો થઇને અનિકેત જયારે ઊંઘમાં સરી પડ્યો, ત્યારે તેને કોઈ જ આઈડિયા નહોતી કે નવા સીમ-કાર્ડ માટે ડોક્યુમેન્ટ દેવા જવાની અશ્ફાકની વાતમાં એક ટકો પણ સચ્ચાઈ ન હતી. [ક્રમશ:]

.

--નિમિષ વોરા