Adhi Aksharno Vhem - 2 books and stories free download online pdf in Gujarati

અઢી અક્ષરનો વ્હેમ ભાગ-૨

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
આ પ્રકરણના લેખક: અનસુયા દેસાઈ

*પ્રસ્તાવના*

‘શબ્દાવકાશ’ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વાર્તા એક, વહેણ બે’ના અંતર્ગતનું, ભાઈશ્રી હેમલ વૈષ્ણવ દ્વારા લિખિત પ્રથમ પ્રકરણ આપે વાંચ્યું. પ્રકરણનો છેડો આવતા આવતા હેમલભાઈ, ડો.અનીલ સરૈયાની સાથે સાથે વાંચકોના મનમાં વ્હેમના બીયારોપણ કરીને અટકી ગયા છે. વાર્તા-નાયક અનિકેતના બ્લડ-રીપોર્ટમાં તે HIV પોઝીટીવ જણાય છે, અને અધૂરામાં પૂરું તેને તેના પરમ-મિત્ર અશ્ફાકની સાથે વાંધાજનક હરકત કરતો જોઇને ડો. અનીલ તો શું, કોઈના પણ મનમાં ‘બે ને બે ચાર’ કરવાની લાલચ જાગી આવે, કે આ બંને મિત્રો સમલિંગી સેક્સ-સંબંધોથી જોડાયેલ હોઈ શકે. આવો વ્હેમ કોઈ પણ દીકરીના બાપ માટે ચોક્કસ જ ચિંતાનો વિષય ગણાય, કારણ અઢી અક્ષરનો આ વ્હેમ, આવા જ અઢી અક્ષરના પ્રેમને પરાભૂત કરવા માટે ઘણીવાર સક્ષમ પુરવાર થતો હોય છે, અને તેનાં અનેક દાખલાઓ પણ નોંધાયા છે. તો હવે શું કરવું જોઈએ ડો. અનીલ સરૈયાએ?

‘વાર્તા એક, વહેણ બે’ની સમજુતી મુજબ હવે, હેમલભાઈ અને તેમની ટીમBના, અને મારા અને મારી ટીમAના રસ્તા અહીંથી અલગ અલગ પડી જાય છે. તેમણે લખેલ આ પ્રકરણ૧ને જોડતી વાર્તા આગળ વધારવાની જવાબદારી હવે મારી અને મારી ટીમAની છે.

આવી જ રીતે તેઓ પણ તેમની ટીમBને સાથે લઈને અહીંથી જ આ વાર્તાને ‘તિમિર મધ્યે તેજ કિરણ’ના નામે પોતાની આગવી શૈલી અને કલ્પના-શક્તિથી આગળ વધારશે જ. પણ હાલ તો આપ આ વાર્તાને ‘અઢી અક્ષરનો વ્હેમ’ના સ્વરૂપે જ માણો. આ વાર્તા પૂરી થયા બાદ તુરંત જ તે બીજી વાર્તા પણ અહી રજુ થશે કે જે આપ સહુને એક નવતર અનુભવ દઈ જશે.

તો અત્યારે, આ વાર્તાને આગળ વધારવા માટે મેં અમારા ટીમના શ્રીમતી અનસુયા દેસાઈને જ પસંદ કર્યા છે, કારણ આ એક એવો તબક્કો છે, કે જ્યાં દીકરીના માબાપની મૂંઝવણભરી પરિસ્થિતિને બખૂબી વર્ણવવી પડે તેમ છે, અને અનસુયાબેન જેવા કાબેલ અને અનુભવી લેખિકા જ આ કામ સુપેરે પાર પાડી શકે, તેવી મને ભીતરમાં લાગણી થઇ આવી છે. અને તેઓ પણ આ કામમાં જરાય ઉણા નથી ઉતર્યા તે વાતની ખાતરી આપને પણ આ પ્રકરણ વાંચ્યા બાદ ચોક્કસ થઇ જશે. તેઓ અમારી ટીમના એક અતિ સિદ્ધહસ્ત લેખિકા છે. વ્યવસાયે તેઓ રેલ્વેના રીટાયર્ડ કર્મચારી અને મુંબઈના રહેવાસી છે. તેમનું ગુજરાતીનું ભાષાકીય જ્ઞાન અતિ સમૃદ્ધ ગણાય, તો જોડણી અને શબ્દો માટેની સજ્જતા પણ અતિ ચોક્કસ છે. બીજા શબ્દોમાં એમને ‘અમારી ટીમનો શબ્દકોશ’ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. પ્રકરણની માંગ અનુસાર તેમણે HIV+ અને એઇડ્સ, આ બંને બાબતોને લગતી જરૂરી અને કીમતી જાણકારી અત્રે આવરી લીધી છે, કે જેનાથી આપણે અને આપણો સમાજ ખાસ્સો અજાણ છે.
તો આવા અમારા અનસુયાબેનનો આ એપિસોડઅત્રે રજુ કરતા હું ગર્વની લાગણી અનુભવું છું.

શબ્દાવકાશ ગૃપ વતી,
અશ્વિન મજીઠિયા..

પ્રકરણ-૨

ધડામ !
ફ્રેમ ફર્શ પર પડી, અને કાચના ટુકડાઓ વેરવિખર થઇ ઉડ્યા. એક-બે નાની કરચી ડો. સરૈયા પગ સુધી ઉડી, તો તેઓ ત્યાંથી ખસી કેબીનની બારી પાસે આવી ઉભા. નીચે અનિકેત–અશ્ફાકને જોવા ફરી નજર કરી, પણ કોઈ નજર ન આવ્યું, તો સામે દેખાતા સમુદ્ર તરફ શૂન્યમનસ્કે જોવા લાગ્યા. સમુદ્રકિનારે આવેલ પંદર માળનાં ડોક્ટર-હાઉસ બિલ્ડીગમાં ડો.સરૈયાની હોસ્પિટલ ચોથા માળે અને તેમની ક્લિનીક ત્રીજે માળે હતી.
ત્રીજા માળે પોતાની કેબિનમાંથી દેખાતા સમુદ્રને નિહાળવાનું એમને ખુબ ગમતું પરંતુ આજે ઊંચાં ઊંચાં મોજા ઉછાળતો સમુદ્ર પણ આવનાર સમયમાં ઉઠનાર તોફાનની જાણે આગાહી આપતા હોય એવું લાગતા એ ખુબ બેચેન થઇ ઉઠ્યા. અનિકેત-અશ્ફાક વાળું દ્રશ્ય હજુ યે નજર સામે તરવરતું હતું, તો અનિકેતનો બ્લડ રીપોર્ટ સામે ટેબલ પર જ હતો. '
શું અનિકેત-અશ્ફાક વચ્ચે સમલિંગી આસક્તિ છે?' આ વિચાર પગનાં તળીયે ખુંપી ગયેલી ઝીણી કરચીની જેમ પીડા આપી રહ્યો હતો. એ કરચ બહાર નહોતી નીકળી રહી હતી કે ચામડીની અંદર ઊંડે ઉતરી શાંત પણ નહોતી થતી. બેલ મારી વોર્ડબોયને બોલાવી ફર્શ પરનાં ટુકડા સાફ કરવાની સુચના આપી. સફાઈ કરી વોર્ડબોય જતા ડૉ. સરૈયા આંખ બંધ કરી ક્યાંય સુધી બેસી રહ્યા. કરચીની પીડા અને મનની પીડા શાંત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
ઊંચું કદ, દેખાવડો ચહેરો, ભીનો વાન અને પણ સુદ્રઢ શરીર, મોટી ભાવવાહી આંખોમાં એક અજબનું તેજ, નમણું નાક અને જોતાવેંત ગમી જાય એવો અનિકેત એની આંખ સમક્ષ આવી રહ્યો હતો.
શું આ છોકરો HIV ગ્રસ્ત હોય શકે? સામાન્ય તાવ તો આવી શકે. એનાં બ્લડ-રીપોર્ટમાં તો કોઈ મિસ્ટેક નહીં થઇ હોય? આખરે વિચારોથી કંટાળેલા ડોકટરે પોતાની આસિસ્ટન્ટ નર્સને બોલાવી."
મિસ મેથ્યુ! આજે સાંજે કેટલા પેશન્ટના રીપોર્ટસ લેબમાંથી આવ્યા હતા? એમાં અનિકેત નામના બીજા કોઈ પેશન્ટનો પણ રીપોર્ટ હતો?“ “
જી નહિ સર! આ નામની બીજી કોઈ વ્યક્તિનો રીપોર્ટ નથી. આજે સાંજે માત્ર ત્રણ લેડી પેશન્ટ્સ અને એક અનિકેત પંડ્યાનાં જ બ્લડ ટેસ્ટ થયા.” -એન્ટ્રી કાર્ડ જોઈને નર્સે જવાબ આપ્યો.“
ઓકે! આજે લેબમાં ટેસ્ટીંગ રીપોર્ટ કોણે બનાવ્યા?” -ડોકટરે ફરી સવાલ કર્યો. “
ઈરા ગોયલ, સર! શું વાત છે? કોઈ ગરબડ થઇ છે?“ -નર્સની ઉત્સુકતા વધી.“
ઓહ, ઈરા તો ખુબ અનુભવી પેથીલોજીસ્ટ છે.” -ડોક્ટર જ બોલ્યા. “
હા સર, એણે આપેલ રીપોર્ટસ પરફેક્ટ જ હોય.“ -નર્સે વિશ્વનીયતા જાહેર કરી.
“મિસ મેથ્યુ, લેબ તો બંધ થઇ હશે. તમે ઈરાને ફોન કરી અનિકેત પંડ્યાના રીપોર્ટની તમારી રીતે ચકાસણી કરી મને જણાવો"
ડોક્ટરને આટલી ફેર-ચકાસણી કરતાં જોઈ કદાચ નર્સને આશ્ચર્ય થયું, પણ તો યે "જી સર!" કહી ત્યાંથી જ ઇરા ગોયલને ફોન લગાવ્યો. સામેથી પ્રત્યુત્તર મળતા જ તે બોલી,"
મેડમ ઈરા ! આઈ એમ સોરી ટુ ડીસ્ટર્બ યુ એટ ધીઝ અવર્સ. પણ મેડમ, આજે સાંજે કેટલા પેશન્ટના બ્લડ ટેસ્ટીંગ રીપોર્ટસ બન્યા હતા ? અત્યારે નોટ કરી રહી છું. સાંજે તમને મળી શકી નહિ માટે પૂછી રહી છું."
ડૉ.સરૈયા બંનેનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા પણ તેઓ ફક્ત તેનો જ અવાજ સાંભળી શકે છે એવો અહેસાસ થતાં નર્સે તેમની તરફ જોતા જોતાં ઇરા જે કંઈ બોલી રહી હતી તે રીપીટ કરતા બોલી,"
અચ્છા? ઓકે. યુ મીન આજે ત્રણ લેડી પેશન્ટ અને એક યંગબોયનાં જ રીપોર્ટ બન્યા હતા?""
ઓહ, કોણ? અનિકેત પંડ્યા? ડોન્ટ સે, આઈ કાન્ટ બીલીવ ઈટ. આ બિચારા છોકરાનો રીપોર્ટ તો HIV પોઝીટીવ છે?" “
ગોડ બ્લેસ હિમ. ચાલો મેડમ, હું પણ હવે કામ નીપટાવી ઘરે જવાની તૈયારી કરું, બાય!" -કહી ફોન મુક્યો
આ ચકાસણી બાદ નિરાશ એવા ડૉ.સરૈયાએ પોતાની રોલેક્ષ તરફ નજર કરી તો રાત્રીના સવા નવ થયા હતા. તેમણે નર્સને રજા આપી અને પોતે પણ ઘરે જવા નીકળી ગયા.
છેલ્લા ચાર-પાંચ કલાકથી એક જ વિચારે ડૉ.સરૈયાના અસ્તિત્વનો જાણે ભરડો લીધો હતો. ઘરમાં આવી હંમેશા પત્ની-પુત્રી સાથે મજાક કરતા રહેતા એ, આજે આવીને ચુપચાપ ડીનર લઇ રહ્યા હતા. “
ડોક્ટર સાહેબ! આજે ચુપ કેમ છો ? તમારું મનપસંદ ભરેલા રીંગણનું શાક પણ વધુ લીધું નહીં ?“ -પાપડ આપતા મીનાબેને કહ્યું.
પ્રણાલી પણ જોઈ રહી હતી કે ડેડ આજે કંઇ મૂડમાં નથી. દીકરી પ્રશ્નોતરી શરુ કરે તે પહેલા જ તેને કહી દીધું, “કશું ખાસ નહીં, બેટા ! આજે થોડું વધુ કામ રહેવાથી શિરદર્દ જેવું લાગે છે.” “
હું થોડો આરામ કરું છું.” -ડીનર પતાવી અને લાડલી તરફ પ્રેમભરી નજર નાખતા તેઓ બોલ્યા અને પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા.
પ્રણાલીને પણ પ્રોજેક્ટ વર્ક પૂરું કરવાનું હોય જલ્દી પોતાના રૂમમાં ગઈ એટલે મીનાબેન પતિદેવ પાસે આવ્યા. આવીને જોયું તો રૂમમાં લાઈટ બંધ હતી અને ડૉ.સરૈયા અંધારામાં જ ઇઝીચેરમાં બેઠા હતા. લાઈટ કરી પતિના માથે હાથ ફેરવતા પૂછ્યું, “ શું વાત છે? ખુબ ચિંતામાં લાગો છો? માથું દુ:ખે છે તો બામ લગાડી દઉં.” "
કશું થયું નથી, આ તો એક પેશન્ટનું થોડું ટેન્શન છે.” -કહેતા ડૉ.સરૈયાએ બામ લેવા જતા પત્નીને હાથ પકડી રોક્યા. તો મીનાબેન ધીરેથી હળવા હાથે તેમનું માથું દબાવવા લાગ્યા. બંધ આંખે ઇઝીચેરમાં લંબાવી પડેલા ડૉ. સરૈયાને પત્નીના મૃદુ સ્પર્શે મનની વાત કહી દેવાની જાણે શક્તિ મળી અને મીનાબેનનો હાથ પકડી બોલ્યા, “
રહેવા દે મીના ! જો સાંભળ. મને આપણી પ્રણાલીની ખુબ ચિંતા થાય છે.“ “
કેમ શું થયું?” મીનાબેન ગભરાઈને બોલ્યા.
એક ક્ષણની ચુપકીદી બાદ તેમણે અનિકેતના બ્લડ-રીપોર્ટ અને અનિકેત-અશ્ફાક વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાની શક્યતાની વાત કરી. વાત સાંભળી મીનાબેન પણ હચમચી ગયા અને કોઈ અકળ ભયે થરથરી ગયા. ડૉ.સરૈયાએ તેમને બેડ પર બેસાડી પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીતાં જ થોડી કળ વળી એટલે મીનાબેન કહેવા લાગ્યા,
“આ સાંભળી મને ગભરાટ થાય છે. પણ અશ્ફાક તો એનો જીગરી દોસ્ત જ છે. આ બધું માની શકાય તેવું તો નથી જ. તમને વહેમ થયો હશે. તમે અનિકેતનો રીપોર્ટ રીચેક કરાવો ને..!““
મીના, અત્યારે આવેલ રીપોર્ટ પર શંકા કરવું ગલત છે. પણ મનની શાંતિ ખાતર હું પણ એ જ વિચારું છું. અનિકેતને દિલથી ચાહતી મારી લાડલી જયારે આ જાણશે ત્યારે તેનાં પર શું વિતશે? મને એની ખુબ ચિંતા થાય છે. હું એની આંખમાં આંસુ નહીં જોઈ શકું. ચુલબુલા અનિકેતને પણ ખુબ સમજદારીપૂર્વક આ બાબતની જાણ કરવી પડશે.” ડૉ.સરૈયા ચિંતિત સ્વરમાં બોલ્યા.
મીનાબેનને એચ.આઈ.વી ની મેડીકલ ટ્રીટમેન્ટની જાણકારી ન હતી. પરંતુ એ સોશિયલ-વર્કર હોવાથી પરિસ્થિતિની ગંભીરતા જાણતા હતા કે જયારે કોઈ વ્યક્તિને ખબર પડે કે પોતે એચ.આઈ.વી.થી ગ્રસ્ત છે ત્યારે તે આઘાતમાં સરી પડે છે. આ રોગ થવાની ચિંતા અને મૃત્યુનો ભય તેને કોરી ખાય છે. એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિ મ્રત્યુ પહેલાં જ તેની સામે હાર સ્વીકારી લે છે અને મૃત્યુની રાહ જોવા માંડે છે. આમ ડર, ચિંતા, ડીપ્રેશન તેનું જીવન દુભર કરી નાખે છે. માટે આવી વ્યક્તિને પ્રેમ અને કુશળતાપૂર્વક સમજાવવું જરૂરી બની જાય છે કે HIV એ મ્રત્યુ નથી. HIVગ્રસ્ત પણ પોતાનું જીવન જીવી શકે છે. માટે તેના ઘરવાળાનું પીઠબળ અને આસપાસનાં લોકોનું હકારાત્મક વલણ અને પ્રોત્સાહન જ આવી વ્યક્તિને જીવન જીવવાની ઈચ્છા જગાડી શકે છે. મીનાબેનને એ પણ જાણ હતી કે જો આવી વ્યક્તિને યોગ્ય સારવાર અને સમયસર દવા મળે તો તે દર્દી ૨૦ થી ૩૦ વર્ષ સુધી પણ જીવી જ શકે છે. પરંતુ મીનાબેનને એચ.આઈ.વી અને એડ્સનો ફર્ક માલુમ ન હતો. તો એમણે ડૉ. સરૈયાને પૂછ્યું.
ડૉ.સરૈયાએ એમને સમજાવતા કહ્યું, “ એઇડ્સ (AIDS) એટલે એક્વાયરડ ઈમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ અને એચ.આઈ.વી (HIV) એટલે હ્યુમન ઈમ્યુનોડીફીસિયન્સી વાયરસ. એઇડ્સ માટે જવાબદાર એવા આ વાયરસને વૈજ્ઞાનિકો એચ.આઈ.વી. જેવા ટૂંકાક્ષરી નામથી ઓળખે છે.“
મીનાબેનને આગળ થોડી વધુ સમજ આપતા ડૉ.સરૈયાએ સમજાવ્યું કે, એચ.આઈ.વી. વાયરસ શરીરના રોગપ્રતિકારક કોષોનો ( white blood cells) નાશ કરે છે. સંક્રમણ થયા બાદ, આ એચ.આઈ.વી. લગભગ ૭ થી ૧૦ વરસ પછી વિકસિત થાય છે. જો કે આ વાત તો જે તે દર્દીની રોગ-પ્રતિકારક શક્તિ પર વધુ આધાર રહે છે. માટે એચ.આઈ.વી. ગ્રસ્ત વ્યક્તિને એઇડ્સ ક્યારે થશે એ કોઇપણ ખાત્રીપૂર્વક કહી શકે નહીં. પણ એઈડ્સને શરુ કરવા માટે એચ.આઈ.વી ને સમય તો લાગે જ. અને માટે જ આ સમય દરમ્યાન દર્દીને યોગ્ય સારવાર મળવી ખુબ જ જરૂરી છે.
શાંત-ચિતે સાંભળી રહેલા મીનાબેન વચ્ચે બોલી ઉઠ્યા, “અરે, અનીલ ! પણ આપણો આ અનિકેત તો ખુબ જ સુંદર અને રૂષ્ટપુષ્ટ છે. મને તો એ કોઈ પણ રીતે બીમાર લાગતો નથી. એના રીપોર્ટમાં કોઈ ભૂલ થઇ ગઈ હશે." મીનાબેન ક્યારેક ડૉ. સરૈયાને નામથી પણ બોલાવી લેતા.
ડૉ.સરૈયાએ પત્નીને સમજાવતા કહ્યું, ”મીના, આપણી ધારણા ગમે તે હોય પણ સત્ય તો એનો બ્લડ રીપોર્ટ જ કહે ને..! અત્યારે આપણા ભારતમાં પાંચ હજાર ઈટીગ્રેટેડ કાઉસલિંગ એન્ડ ટેસ્ટીંગ સેન્ટર છે, જ્યાં ટેસ્ટ કર્યા બાદ અડધા કલાકમાં રીપોર્ટ મળી જાય છે. કાલે હું ફરી અનિકેતનું બ્લડ ટેસ્ટ કરાવી લઈશ. ચાલ અત્યારે તો સુઈ જઈએ, રાત્રીના સવા બાર થઇ ગયા છે."
બેડમાં સૂતા સૂતા બન્નેનાં મનમાં અનેક વિચારો આવતા હતા અને એ વિચારો ચિંતા બની મનથી હ્રદયમાં ઉતરી જતા હતા. અનિકેતના પ્રેમમાં પાગલ લાડલી પ્રણાલીના ભવિષ્યની અને પ્રેમાળ, સાલસ અનિકેતના જીવનની ચિંતા બન્નેને કોરી ખાતી હતી. બીજે દિવસે ડૉ. દેસાઈ સાથે વાત કરવાનો વિચાર કરી, સવાર થવાની રાહ જોતા સુવાનો ડોકટરે પ્રયત્ન કર્યો.**==**==**==**==**


ડૉ.સરૈયાના ક્લિનિક પરથી અશ્ફાક અને અનિકેત નીચે આવ્યા. અનિકેતને પણ દવાની અસર હોય સ્ફૂર્તિ લાગતી હતી. અનિકેત પોતાની યામાહા બાઈક પર બેઠો તો સમુદ્ર કિનારેથી આવી રહેલા શીતલ પવને એના સુંદર વાળ સાથે અડપલાં કરી એમને હવામાં ઉડાડવા લાગ્યો. પાછળ અશ્ફાક બેસવા જતો હતો ત્યાં જ બાજુમાંથી પસાર થતો કોઈ રસિક, મધુર સ્વરે ગીત લલકારી રહ્યો હતો-"
ચલો, તુમકો લે કર ચલે હમ... ઉન ફિજાઓ મેં,
જહાં મીઠા નશા હૈ, તારોં કી છાંવ મેં.." -સાંભળી અશ્ફાકનો રોમેન્ટિક જીવ ખીલી ઉઠ્યો. "
અનિ! ચાલ આજે આપણે આગળ આવતી હોટલ પર બેસી મીઠો નશો કરીએ.""
નહીં યાર, આજ નહીં, સમ ટાઇમ લેટર." -કહી અનિકેત બાઈક સ્ટાર્ટ કરવા જતો હતો પણ અશ્ફાકે એને ચૂંટી ખણી અને ગલગલીયા કરતા બોલ્યો- "અનિ, માય ડીઅર, આ સમટાઇમ વળી શું ?" "
તું યે અશ્ફાક યાર... છે ને?" -કહેતા અનિકેતે પણ એના ગાલે પ્રેમથી એક ચૂંટી ખણી."
ઓહ....માય ડાર્લિંગ, આજે તો બહુ મૂડમાં છે ને.." -કહેતા અનિકેતને પોતાની તરફ પાછળ ખેચી અનિકેતના ગાલે ચૂંટીનાં બદલામાં પ્રેમથી એક ગાઢ ચુંબન આપી દીધું. આમ અચાનક થવાથી અનિકેત થોડો ખચકાઈ ગયો અને બોલ્યો, "શું યાર, અત્યારે રસ્તામાં.." "
કમ ઓન ડાર્લિંગ ! રીલૅક્સ ! ટેન્શન મત લે." એને બોલતા જ અટકાવી અશ્ફાકે હસતા હસતા એક શેર લલકાર્યો-

"મેરે બારે મેં કોઈ કુછ ભી કહે સબ મંજૂર,
મુઝકો રહતી હી નહિ અપની ખબર શામ કે બાદ.."

અનિકેતે બાઈક મારી મૂકી અને 'સી પ્રિન્સેસ' હોટલ આગળ રોકી. મુંબઈ જેવા શહેરોમાં પોશ એરિયાની સડકો અને રેસ્ટોરાં-હોટલોમાં રાતની રોનક ચકાચોંધ કરી દે એવી હોય છે. રાતની રંગીન રોશનીમાં શ્રીમંત કુટુંબોના યુવક-યુવતીઓ ખાણી-પીણી અને ગીત-સંગીત, નૃત્યની મહેફિલમાં પોતાની જાતને ડૂબાડતા જ હોય. હોટલમાં પ્રવેશતા અનિકેતનો હાથ પકડી અશ્ફાકે ફરી એક શેર કહ્યો-

"તેજ હો જાતા હૈ ખુશ્બુ કા સફર શામ કે બાદ,
ફૂલ તો શહરમેં ખીલતે હૈ મગર શામ કે બાદ"

અહીં ખુબ ખાણી પીણીની મોજ ઉડાવી, નશીલી મસ્તીની પળો માણતા બંને પોતાની રૂમ પર પહોચ્યા અને બેડ પર પડતું મુકતા જ અશ્ફાકે અનિકેતને પોતાની પાસે ખેંચ્યો. તેનાં ગાલ અને હોઠ પર ચુંબનોની ઝડી વરસાવવા લાગ્યો. અને આમ, બન્ને એકબીજાની એવી આસક્તિમાં ડૂબી ગયા કે જેને સમલિંગી આસક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમાન લિંગી વ્યક્તિઓમાં ઉત્પન્ન થતી એકબીજા પ્રત્યેની કામ-આસક્તિને સમલિંગી આસક્તિ કહેવામાં આવે છે. અનાદિ કાળથી આવી આસક્તિઓ મનુષ્ય દેહમાં ઉત્પન્ન થતી જ આવી છે. પરિણામસ્વરૂપે પુરુષ-પુરુષ વચ્ચેનાં આકર્ષણ અને સમાગમને હોમોસેકસ્યુલીટી [Homosexuality] કહેવાય છે જયારે સ્ત્રી-સ્ત્રી વચ્ચેના આવા સંબંધને લેસ્બીઅનીસમ ( Lesbianism) કહે છે. ભારત સહીત અનેક દેશોનાં સમાજે હજી આવા સંબંધોને સ્વીકૃતિ આપી નથી અને માટે જ અહીંયા સમલિંગી કામ-ક્રિયાઓને એક માનસિક વિકૃતિ ગણવામાં આવે છે. આનું એક જ સીધું અને સરળ કારણ એ જ આપવામાં આવે છે કે આવી ક્રિયા કુદરતનાં નિયમાનુસારની નથી. જો કે કામ-વૈજ્ઞાનિકોના મતે આ.. કામ-તૃપ્તિનો એક જુદો પ્રકાર છે, એટલું જ. કેટલાક મનુષ્યો તો વળી ઉભયાલિંગી આસક્ત પણ હોય છે.
બીજે દિવસે સવારે નવ વાગતા જ ડૉ.સરૈયાએ અનિકેતને ફોન કર્યો કે જે હજુ સુતો જ હતો. "
હલો અંકલ, ગુડ મોર્નીગ.” -સુતા સુતા જ એ બોલ્યો. "
કેમ છે? તાવ છે?" -ડૉ. સરૈયાએ ખબર પૂછી. "
ના અંકલ... મને ખુબ સારું છે," -અડધી નીંદમાં તે ધીરેથી બોલ્યો."
તો હજુ સુતો કેમ છે ?" -ડોકટરે ફરી તપાસ કરતાં પૂછ્યું. "
અંકલ, તમે ડોક્ટર છો કે જાસુસ? તમને કેમ જાણ થઇ હું સુતો છું?" -કહેતા અનિકેત હસી પડ્યો. "
ચાલ ઉઠ હવે...તારા બોલવાના લહેકાથી જાણ થઇ ગઈ.""
બોલો અંકલ મારે કોની સેવામાં હાજર થવાનું છે? તમારી કે પ્રણાલીની?" "
વધારે ચાંપલો ન થા. કોલેજ જાય ત્યારે મને હોસ્પિટલમાં મળતો જજે.""
આપ કા હુકમ સર આંખો પે. કલાક પછી આવું છું.""
ઓકે... હેવ અ નાઈસ ડે" -કહી ડૉ.સરૈયાએ ફોન મુક્યો અને ડૉ. અનિરુધ્ધ દેસાઈને ફોન જોડ્યો."
અનિરુદ્ધ, આજે મિસ મેથ્યુ સાથે એક બ્લડ સેમ્પલ મોકલું છું. તારી લેબમાં ચેક કરી તુરંત રીપોર્ટ આપજે.""
સારું તું મોકલી આપ" નો જવાબ મળતા જ ડૉ. સરૈયા હોસ્પિટલ જવા નીકળી ગયા.
ડૉ. અનિરુદ્ધ દેસાઈ તેના ખાસ અંગત મિત્ર હતા. અમદાવાદની મેડીકલ કોલેજમાં બંને સાથે હોસ્ટેલમાં રૂમ પાર્ટનર પણ હતા. ત્યાર બાદ આગળના અભ્યાસાર્થે ડૉ.સરૈયા લંડન ગયા અને ડૉ. દેસાઈ મુંબઈમાં આવ્યા. પોતાના ક્ષેત્રની ઉપાધિઓ લઇ બન્નેએ કાર્યક્ષેત્ર મુંબઈ રાખ્યું.
ડૉ. અનિરુદ્ધ દેસાઈ M.D. F.C P.S B.S. (BOM) D. C. H. મુંબઈની લાઈફ-લાઈન હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરમાં એચ.આઈ.વી. એન્ડ એઇડ્સ ( HIV & AIDS )ના સ્પેશીયલાઈઝડ અને ચીફ મેડીકલ કન્સલ્ટન્ટ તરીકે જોડાયા.
ડૉ. અનિલ સરૈયા M.M.B.S F.I.C.S M.S.. જનરલ ફીજીશ્યન એન્ડ સર્જ્યન એમણે જુહુના સમુદ્ર કિનારે પંદર માળના બિલ્ડીંગમાં ત્રીજા અને ચોથા માળે પોતાની હોસ્પિટલ બનાવી હતી.
ડૉ. સરૈયા હોસ્પિટલ પહોચ્યા તો અનિકેત આવી પહોચ્યો હતો અને એમની રાહ જોઈ રહ્યો હતો. "
અનિકેત, તું આવી ગયો ? ચાલો સરસ." એના ચહેરાનું નિરીક્ષણ કરતાં હોય એમ તેની સામે જોતાં ડૉ. સરૈયા બોલ્યા, "હવે તું.. મિસ મેથ્યુ પાસે બ્લડ ટેસ્ટ માટે જઈ આવ.""
અરે અંકલ! કાલે તો ટેસ્ટ કરી હતી, હવે તો મને તાવ પણ નથી" અનિકેતને થોડું વિસ્મય થતા બોલ્યો. "
ડોક્ટર તું છે કે હું? બ્લડ આપી ચાલ્યો જજે" -કહેતા ડૉ. સરૈયા હોસ્પીટલમાં મોર્નીગ રાઉન્ડ માટે ચાલી ગયા. અનિકેત પણ મિસ મેથ્યુને મળી બ્લડ આપી કોલેજ જવા નીકળી ગયો. ડોકટરે અગાઉ આપેલ સુચના પ્રમાણે મિસ મેથ્યુ લાઈફ-લાઈન હોસ્પિટલ પહોચી ગઈ.
ડૉ.અનિરુદ્ધ દેસાઈએ ત્યાંની લેબમાં બ્લડ ટેસ્ટ કરાવી પૂરો રીપોર્ટ સજેશન સાથે મોકલી આપ્યો.
ડૉ. સરૈયા હોસ્પિટલના રાઉન્ડ પરથી આવી પોતાની કેબીનમાં રીપોર્ટ આવવાની રાહ જોતા જોતા ઓરડામાં આંટા મારવા લાગ્યા. ભલે પોતે ડોક્ટર હોય તો પણ પોતાની વ્યક્તિ માટેની વાત હોય ત્યારે તેને પણ એક સામાન્ય માણસ જેવી જ ઇન્તેજારી અને ચિંતા તો રહે જ ને..!
ડૉ. દેસાઈને ફોન કરવા તેમણે વિચાર કર્યો ત્યાં જ મોબાઈલની રીંગ થઇ. ફોન રીસીવ કરતાં સામેથી તેના ભાઈ ડૉ. મિતુલનો અવાજ આવ્યો-
ડૉ. મિતુલ, એ ડૉ. અનિલથી માત્ર બે વર્ષ મોટા ભાઈ. નાનપણમાં સાથે જ રમતા –જમતા ઝઘડતા, મોટા થયા હોય એકબીજાને નામથી બોલાવતા. અનિલ નાનપણથી જ ખુબ સરળ , સાલસ અને પરિવાર-પ્રેમી. પોતાની પારિવારિક બધી વાતો તે ભાઈને કરે અને મિતુલ પણ હમેંશા અનિલની મીઠી મીઠી વાતોથી આળપંપાળ કરે."
અનિલ, હું કાલે બે દિવસ માટે ગોવા જાઉં છું. તો તને જાણ કરવા ફોન કર્યો." "
ઓહ, ઠીક છે. પણ મિતુલ..." કહેતા ડૉ. અનિલ બોલતા અટકી ગયા. "
અનિલ..! અટકી કેમ ગયો? તારે કશુંક કહેવું હતું?" -સામેથી તુરંત ડૉ. મિતુલે કહ્યું. તેમનાં સ્વરમાં ઇન્તેજારી છલકાઈ રહી હતી.
અનિલ સરૈયાની હોસ્પિટલથી બસ. પંદર-વીસ કિલોમીટર દુર અંધેરી પરાંમાં ડો. મિતુલ, પોતાની નાની સાધારણ એવી હોસ્પિટલની એક કેબીનમાં બેસીને, પોતાનાં નાનાભાઈ સાથે વાત કરતાં કરતાં સામેનાં કાંચના દરવાજામાં પડતા પોતાનાં પ્રતિબિંબને નિહાળતા નિહાળતા પોતાનાં ગૌર ગાલ પર હાથ ફેરવવા લાગ્યા. તેનો નાનો ભાઈ કોઈક ખાસ વાત કરવા જઈ રહ્યો છે તેનો તેમને અંદાજો આવી જતાં તેમની જીજ્ઞાસા જાગી ઉઠી હતી."
હા, મિતુલ મારે તને એક વાત કરવી છે. હું તને બસ ફોન કરવાનો જ હતો." "
મને કોઈ વાત કહેવા તારે શું પૂર્વ તૈયારી કરી બોલવું પડે છે, કે આમ અટકી ગયો? બોલ શું વાત છે ?" અનિલ આગળ બોલે તે પહેલાં જ મિતુલે કહ્યું, "
પેલો અનિકેત, પ્રણાલીનો કોલેજ-ફ્રેન્ડ! ઓળખેને તું એને?”"
હા...નામ સાંભળ્યું છે તેનું અનેકવાર, પ્રણાલી અને તમારા સૌના મોઢેથી. તેનું શું ?" "
તેણે કાલે રાતે પ્રણાલીને પ્રોપોઝ કર્યું." "
અરે વાહ...! ગ્રેટ..! પ્રણાલી તો બહુ ખુશ થઇ ગઈ હશે" -મિતુલે ઉત્સાહ બતાવવાનો પ્રયત્ન કર્યો...કોણ જાણે, પણ પોતાનાં સગા નાનાભાઈ અનિલનાં કોઈ પણ સારા સમાચાર સાંભળીને તેને ખુશી પ્રગટ કરવામાં ખુબ જહેમત કરવી પડતી. "
ઇન્ડીડ..! ઈટ'સ અ વેરી ગુડ ન્યુઝ. પેડા ખવડાવ હવે. ઇનફેક્ટ ગોવાથી રીટર્ન આવું એટલે તે બંને લવ-બર્ડ્સને ડીનર પર લઇ જવા હું તો અત્યારથી જ બેતાબ થઇ ગયો છું. હાહાહાહા..!" મિતુલે પોતાની ખુશી જાહેર કરવાની કોશિષ ચાલુ રાખી. "
હા, શ્યોર, વાઈ નોટ..! પણ યાર, બહુ ખુશ થવા જેવું લાગતું નથી મને" -અનિલ આગળ કંઈ કહે તે પહેલાં જ કેબીનનો દરવાજો ખુલ્યો અને મિસ મેથ્યુ તેમને રીપોર્ટ આપી ગઈ."
કેમ હવે શું થયું અનિલ? કેમ એવું બોલે છે?" -મિતુલનાં સ્વરમાં ચિંતા ઓછી ને જીજ્ઞાસા વધુ હતી. જો કે આ વાત નોંધવાની અનિલની મન:સ્થિતિ નહોતી. અનિકેતનાં ગઈકાલના રીપોર્ટમાં કોઈ શરતચૂક નીકળે એવી આશા સાથે રીપોર્ટ ખોલતા ખોલતા તેમનાં હાથ ધ્રુજી રહ્યા હતા."
અનિલ..! વેર આર યુ? વોટ'સ રોંગ ઇન ધેટ રિલેશનશીપ? છોકરો વ્યવસ્થિત તો છે ને?" -મિતુલ પોતાના નાનાભાઈની બેચેની જાણવા ઉતાવળો થઇ ઉઠ્યો.
પણ ડો. અનિલ તો રીપોર્ટ ખોલીને વાંચવામાં મશગુલ હતા. "
મિતુલ, છોકરો hiv+ છે." અનિલનાં સ્વરની હતાશા આ બીજાં રીપોર્ટને વાંચ્યા બાદ બેવડાઈ ગઈ હતી. "
વોટ? વોટ આર સ્પીકિંગ?" -મિતુલ પોતાની ખુરસીમાંથી ઉભો થઇ ગયો અને સામેનાં અરીસામાં પોતાની જાતને ખુશ થતો તે નિહાળી રહ્યો.
"યસ મિતુલ..! તેનો બ્લડ-રીપોર્ટ અત્યારે મારા હાથમાં છે." "
ઓહ! પણ તેનો બ્લડ-રીપોર્ટ તારી પાસે કેવી રીતે આવ્યો ?" -મિતુલ જાણે કે બધું જાણી લેવા એકદમ ઉતાવળો થઇ ગયો.
અને ડો. અનિલે તેને, કે પોતે જેને પોતાનો સહુથી અંગત વેલ-વિશર સમજતા હતા, તેને માંડીને બધી વાત કરી.
પણ જો મિતુલ અત્યારે તેમની સામે હોત, તો તેનાં ચહેરાનાં હાવભાવ અને હરકતો તેઓ ચોક્કસ જોઈ શક્યા હોત. અને સમજી પણ શક્યા હોત કે મિતુલનાં મનમાં ચિંતા અને ઉચાટ ઓછા, પણ હૈયે ટાઢક વધુ થઇ હતી. [ક્રમશ:]

--અનસુયા દેસાઈ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED