અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૯ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૯

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: સરલા સુતરીયા

*પ્રસ્તાવના*

ફ્રેન્ડઝ, પાછલા એપિસોડમાં આપણે રીઝ્વાન ઘાંચીની કલમની કમાલ જોઈ. આ એપિસોડમાં ડો.મિતુલના પાત્રને તેઓ એક નવી જ લાઈટમાં લઇ આવ્યા. સગા ભાઈના આર્થિક પતન માટેના કાવાદાવા અને તેનાં પોતાનાં આર્થિક ઉત્કર્ષની લાલસા તો આ પહેલાનાં પ્રકરણોમાં આલેખાઈ હતી, પણ આ સાથે અહીં તેઓએ ડો.મીતુલનો એક નવો ચહેરો પણ બતાવ્યો. પોતાની સગી ભત્રીજી પ્રણાલીને પણ આવા જ કોઈક બ્લેકમેઈલનો શિકાર બનાવીને, પછી તેનાં લગ્ન પોતાની ઈચ્છિત જગાએ કરાવી પોતાનો એક કરોડનો દલ્લો કબજે કરી લેવાનો એક શેતાની વિચાર તેમને આવ્યો ખરો, પણ થોડી જ વારમાં પ્રણાલી પ્રત્યેનાં પિતૃતુલ્ય-વાત્સલ્યની સામે તેમની મક્કારી મ્હાત ખાઈ ગઈ. કહેવાય છે કે સંતાનહીન હોય તેમને સંતાન-પ્રેમ શું હોય, તે ખબર જ ન હોય. અને એક વિરોધાભાસી વિધાન એવું પણ છે, કે સંતાનહીન વ્યક્તિઓને, જયારે પોતાનો પ્રેમ આપવા માટે કોઈ જ ન હોય, ત્યારે તેઓ કોઈક પારકાના સંતાન પર પણ પોતાની મમતા..પોતાનું વાત્સલ્ય ઠાલવી દેતા હોય છે. ડો.મિતુલના કિસ્સામાં પણ કદાચ એવું જ થયું, કે પ્રણાલી પ્રત્યેના પ્રેમે તેમને તેની સાથે કાવાદાવા રમતા રોકી પાડ્યા. આમ મિતુલની સદાયની દુષિત છબીને રીઝવાનભાઈએ તેમના પ્રકરણમાં, થોડી તો થોડી પણ ઉજળી બતાવી.

તો આવી જ રીતે અશ્ફાકના પાત્રને પણ તેઓના લખાણે એક નવી જ ઊંચાઈ દેખાડી. પોતાનાં ખાસ જીગરી મિત્ર અનિકેતે જયારે પ્રણાલીનું કારણ આગળ ધરીને તેનાં સાચા પ્રેમને રીજેક્ટ કર્યો, ત્યારે વ્યથિત અશ્ફાકે એક સંવેદનશીલ મિત્રની જેમ તેના રસ્તા..તેની દુનિયાથી દુર થઇ જવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટથી મુંબઈ પાછા ફરતી વેળાએ અનિકેતના ઘરની પાયરી કદાપી ન ચડવાના નિર્ણય પર, ‘અનિકેત HIVગ્રસ્ત’ હોવાનાં સમાચારે વીજળી સ્વરૂપે ત્રાટકી તેના તે મક્કમ નિર્ણયને ભોંયભેગો કરી દીધો, અને તેની ફિકરમાં અડધો-અડધો થતો તે લાગલો જ અનિકેત તરફ દોડી આવ્યો,

પણ બસ ફક્ત બે-ત્રણ કલાકમાં જ...પોતાની ચાર દિવસની ગેરહાજરી દરમ્યાન અનિકેતે કરેલા મુર્ખામીભર્યા ભવાડાની તેને ખબર પડતા જ, અશફાકનો ગુસ્સો પળવાર માટે તો સાતમે આસમાને પહોચી ગયો. પણ ત્યાં જ, HIV જેવી ભયંકર બીમારી અને ઉપરથી પેલું બ્લેકમેઈલીંગ, આમ બેવડી ઉપાધિમાં પોતાના મિત્રને અટવાયેલો જોઈ, તેની કરુણા ફરી આળસ મરડીને જાગી ઉઠી. ફરી એકવાર પોતાની બધી જ ફરિયાદો ભૂલી જઈ, તે અનિકેતને બનતી મદદ કરવાનો ઈરાદો કરી બેઠો.

આમ રીઝવાનભાઈએ ફરી એક વાર સાબિત કરી આપ્યું, કે કોઈ પણ વ્યક્તિ, ભલે ગે હોય, તો પણ તે હોય તો છે આપણા સહુ જેટલો જ [કદાચ આપણાથીયે વધુ] પ્રેમાળ અને સંવેદનશીલ. અનિકેતની આ ભયંકર બીમારીમાં પોતે કોઈ રૂપે મદદ થઇ ન શકે કદાચ, પણ બ્લેકમેઈલીંગમાં તો પોતાથી બનતું કરી છૂટવા તેણે બ્લેકમેઈલર નો ફોન નંબર ચેક કર્યો, તો તે નંબર તેને જાણીતો લાગ્યો. આમ એક વિસ્મયભર્યો આંચકો વાંચકોને આપી રીઝવાનભાઈએ પોતાનો એપિસોડ પૂરો કર્યો.

અને પછી આ એપિસોડ લખવા માટે મેં આપ્યો સરલાબેન સુતરીયાને. હવે વિચારો કે અમારી આ આટલી બોલ્ડ વાર્તામાં લેખિકા કેટલા સીનીયર હોઈ શકે? જે વાર્તા-થીમ છે, એ જોતા તો એમ જ થાય કે ઉમરમાં લગભગ યુવાન એવા લેખકોએ જ આ લખી હશે. પણ આમારી ટીમની આ જ તો ખાસિયત છે. બરોડામાં રહેતા સરલાબહેન ગૃહસ્થીમાં એક દાદી બની ગયા હોવા છતાં, અમારા આ અઢી અક્ષરના વહેમના વહેણમાં અમારી સાથે જ વહ્યા છે...તણાયા છે..અને શબ્દોમાં વ્યક્ત પણ થયા છે.

સામાજિક રીતે અતિ વ્યસ્ત હોવા છતાં, ‘મને કહેજો, હું લખીશ’ એ શબ્દો સરલાબહેનના જ હોય. એક આદરણીય સન્નારી અમારી આ બોલ્ડ વાર્તાના પ્લોટમાં લખવા માટે જોડાય, એ જ આ ક્રિએટીવ ટીમની ખરી ક્રીએટીવનેસ છે.
તેમનો આ એપિસોડ વાંચ્યા પછી તેમને સલામ કરવા તમારો હાથ જો ન ઉઠે, તો જ નવાઈ. કારણ..ઓનેસ્ટલી તેમનો આ એપિસોડ વિવિધરંગી છે, અને બધાય રંગ તેઓએ બખૂબી આમાં પૂર્યા છે.

આમાં બે પુરુષોની અંગત-પળોનું વર્ણન છે; તો મા-દીકરાનાં લાગણીભર્યા સંવાદોય છે; બાપ-દીકરા(?) જેવા જ કોઈક એક સંબંધનું નવું જ પરિમાણ ઉમેરાયું છે; તો ગે-વર્લ્ડમાં થતી નવી ઓળખાણોની રીત, અને તે પછીની ગતિવિધિઓનું બેધડક વર્ણન પણ આમાં આલેખાયું છે. તો આવા રંગબેરંગી સરલાબેનને સલામ કરતા કરતા, તેમનો આ વિવિધરંગી એપિસોડ તમારી સૌની સમક્ષ રજુ કરતા હું ગર્વ અનુભવું છું.
.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૯*

“અચ્છા..અચ્છા, તો આપ હૈ જનાબ !
જબ આપ હૈ, તો ફિર ક્યા હૈ કોઇ બાત,
આપ ઔર હમ, તો સદીઓં સે હૈ સાથ,”

આડીઅવળી તુકબંદી કરી, બ્લેકમેઈલર માટે જબરદસ્તીની શાયરી બનાવતા અશ્ફાકે, સ્નેહથી અનિકેત સામું જોયું. એની ઊંઘ ડિસ્ટર્બ ન થાય એમ એના ચહેરા પર વ્હાલથી હાથ ફેરવી, મનોમન અનિકેતની સુખાકારીની દુઆ માંગી, અને એની બાજુમાં લંબાવી દીધું. સુતાં સુતાં અશ્ફાકની નજર સામે અનિકેતને બ્લેકમેઇલ કરનારનાં નંબર સામે લખાયેલું નામ ઉપસી આવ્યું, અને એની બંધ આંખોની સામે જે ચહેરો તરવરી ઉઠ્યો, તેની સાથે તે મનોમન સંવાદ કરી રહ્યો.
"મૈને અપની ઝિંદગી કા બહેતરીન વક્ત આપ કો દિયા હૈ સાહબ ! ભુલ ગયે આપ ? તમને મળીને મારા પાનખર સમા જીવનમાં જાણે કે વસંત ખીલી ઉઠી હતી. કિતના ખુબસુરત સાથ થા હમારા, પણ આખરે તો તમે એક અદેખા પ્રેમી જ નીકળ્યાં ને ! તમારામાં મને એક વડીલની છત્રછાયા વરતાતી હતી સાહેબ, જાણે કે..જાણે કે મારા અબ્બા કબરમાંથી ઉઠીને ફરી પાછા આવી ગયા હોય, મારી અને અમ્મીની સાર-સંભાળ લેવા માટે ! ઠીક હૈ..આપણી વચ્ચે શારીરિક સંબંધો હતાં
, પણ તે તો સાહેબ, એક નિમિત્ત માત્ર જ હતું. કારણ કે મને તો લાગતું હતું, એ સંબંધોને પાર કરીને જ આપણા બંને વચ્ચે એક નિ:સ્વાર્થ સ્નેહ-ગાંઠ બંધાઈ હતી. તો શું..તો શું તમારા મનમાં આવી કોઈ સ્નેહની લાગણી જ ન હતી, કે તમે સાવ આમ અદેખા થઇ ગયેલાં ? તમારા એ અદેખાઈભર્યા વર્તનથી તમે મને જે આઘાત આપ્યો હતો
તે મારું આ હૃદય સહી શકે, એટલો મજબુત તો હું ક્યારેય હતો જ નહીં. અરે સાહેબ, મારી ઉંમર સામે તો જોવું’તું ! એમ સમજો કે તમારા એ વહેવારથી મારૂં તો જીવન ઉઝડી જ ગયું હતું. જાણે કે હું જીવતેજીવ મરી જ ગયેલો. યે તો ખુશકિસ્મતી મેરી, કે તે જ અરસામાં મને આ..આ અનિકેત મળી ગયો, અને એણે તેનાં પ્રેમાળ વાણી-વર્તનથી મને ઉગારી લીધો. ફક્ત ઉગારી લીધો, એટલું જ નહીં...પણ જીવવાની મારી ઈચ્છાઓને પણ તેણે જ નવપલ્લવિત કરી આપી. અને આજે આટલાં વખતે તમે મને
ફરી પાછા મળ્યાં તો મળ્યા, પણ આવી રીતે ? મારા એ જ જીગરી યારનાં બ્લેકમેઇલર તરીકે ? ગર આપ શેર હો, તો હમ સવાશેર હૈં, મિતુલ સા'બ ! ઔર અગર યે આપકા કરિશ્મા હૈં, તો ઠીક હૈં જનાબ, નિપટ લેંગે આપસે ભી" વિચારતા વિચારતાં અશ્ફાક પોતાનાં ભુતકાળમાં ખોવાઈ ગયો.

**==**==**==**==**

રાજકોટમાં રેસકોર્સ સર્કલની નજીકમાં દસમા માળે થ્રી બેડરૂમ હોલ કિચનના એના પેન્ટહાઉસની મોટી અગાસીમાંથી અડધું રાજકોટ જોઇ શકાતું. અગાસીની પાળે ઊભીને એ મોટી મોટી ભાવવાહી આંખો વડે નીચે કંપાઉન્ડમાં રમતાં સરખી ઉમરના છોકરાં છોકરીઓને જોયા કરતો, પણ એમની સાથે સહજતાથી ભળી ન શકતો. માના કહેવાથી એ નીચે રમવા જતો, તોયે છોકરીઓથી તો દુર જ રહેતો. જે ઉમરે છોકરાઓ છોકરીઓની સામે તાકી રહેવામાં અને એમની સાથે વાત કરવાની તક ઝડપવામાં આનંદ અનુભવતાં, એ ઉમરે એને છોકરીઓ જ ગમતી નહી. કોણ જાણે કેમ, પણ એને તો બસ છોકરાઓની કંપની જ પસંદ આવતી.

અબ્બાની તબિયત આમ તો સારી જ રહેતી, પણ ક્યારેક ક્યારેક છાતીમાં દુઃખી આવતું. બિઝનેસની હાયવોયમાં એમણે કદી એ બાબત પર ધ્યાન જ નહોતું આપ્યું, અને એક દિવસ એમને એક સીવીયર હાર્ટ-એટેક આવ્યો, જે અશ્ફાકના માથેથી સદાને માટે તેનાં અબ્બાની છત્રછાયા છીનવી ગયો. પતિની અણધારી વિદાયનો કારમો ઘા અશ્ફાકની અમ્મી સહી ના શકી, અને તે જ દિવસથી તેની પણ તબિયત લથડી. તે પછી તો તેણે સમજો ને, કે કાયમી ખાટલો જ પકડી લીધો. કિશોર વયનો અશ્ફાક..અબ્બા તો ગુમાવ્યા જ હતાં, અને હવે અમ્મીની ય નાજુક તબિયત ! અશ્ફાક તો સાવ જ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો. ગામમાં થોડાં ઘણાં સગાઓ ખરા, પણ નામ-માત્રનાં. કોઈનો ય સાથ-સહારો નહોતો તેને.
"
અરે, કેટલો વખત આ ખોબા જેવા શહેરમાં અમ્મીને રીબાવતો રહીશ, અશ્ફાક? જા..! મુંબઈ કે એવા કોઈ મોટા શહેરમાં લઇ જા, અને વ્યવસ્થિત સારવાર કરાવ તેની, તમારે તે વળી પૈસાની શી ખોટ, કે આટલો અચકાય છે ?" હૈયે રામ વસ્યો હશે એટલે..કે પછી તેની અમ્મી પરત્વેની પોતાની થોડીઘણીય ફરજથી પીછો છોડાવવાના હેતુથી...જે પણ કારણ હોય તે, પણ તેનાં કોઈ સગાએ તેને મોટાં શહેરમાં સારવાર કરાવવાની સલાહ આપી.

"મુંબઈ ? અરે પણ એવડાં મોટાં શહેરમાં હું અમ્મીને ક્યાં લઇ જાઉં? હું તો કોઈને ત્યાં ઓળખતોય નથી."

"એક ડોક્ટરનું નામ સરનામું આપું છું તને. જા, લઇ જા...! નહીં તો આમ ને આમ અમ્મીનેય ખોઈ બેસીશ તું !"
અને સત્તર-અઢાર વરસની નાદાન ઉંમરે અશ્ફાક અમ્મીને લઈ મુંબઈ આવ્યો. અહીંના ‘અંધેરી’ પરાંમાં જ એક ઘર ભાડે લીધું, અને પેલા સગાએ ચિંધેલ ડો. મિતુલની હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી.

એકાદ મહીનાની સારવાર પછીયે અમ્મીને સારૂં થયું હોય એવું ન લાગતાં, અશ્ફાકે અમ્મીને પુછ્યું, "અમ્મી, હજુ તને સારૂં થયું હોય એમ લાગતું નથી. તો તું કહે તો થોડાં દિવસ હોસ્પિટલમાં સીધી ડોકટરની દેખરેખ નીચે જ તને રાખું. ત્યાં નિયમિત ચેકઅપ થશે અને દવાની અસર પણ જોઇ શકાશે. ના ન કહીશ અમ્મી. તને કંઈ થઈ જશે તો હું કેમ જીવીશ ?" કહેતાં જ અશ્ફાકની મોટી મોટી આંખોમાં મોતી ઝળકી ઉઠ્યાં.
અમ્મી ના ન કહી શકી. અશ્ફાકનું મોં બે હાથમાં લઈ કપાળ પર ચુમી ભરી બોલી ઊઠી, "જુગ જુગ જીયો, મેરે લાલ, મરે તેરે દુશ્મન. ચલ, આજે જ દવાખાનામાં દાખલ થઈ જઇએ. આમેય એકમેક સિવાય આ દુનિયામાં આપણું છેય કોણ !"
બસ, તે જ દિવસે અમ્મીને લઈ અશ્ફાક ડો. મિતુલની હોસ્પિટલે પહોંચ્યો, અને અમ્મીને દાખલ કરી દીધી.
જનરલ ચેકઅપ પછી જે નિદાન થયું એ મુજબ, “થોડાં દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે, કારણ હાર્ટને લગતી ઘણી બધી સારવાર કરવી જરૂરી છે”, એવું કહી ડો. મિતુલે એક ઉડતી નજર અશ્ફાક પર નાખી, અને તરત જ બાટલાં, ઈન્જેક્શન્સ, દવાઓ...એમ બધી જ સારવાર ચાલુ કરાવી દીધી.
પહેલી રાત તો વિના વિઘ્ને વીતી ગઈ. અને પછી.. અમ્મીને દાખલ કરી એની તે બીજી રાત હતી. અમ્મીને આરામથી ઉંઘતી જોઇને અશ્ફાક ઘડીભર માટે ટહેલવા રૂમની બહાર નીકળ્યો. લોબીમાં ચાલતાં ચાલતાંય તે અમ્મીની તબિયતની દુઆ માગી રહ્યો હતો
, ને ત્યાં ડો. મિતુલે એને જોયો. ‘
અરે અશ્ફાક, શું કરે છે તું અહિયાં ? આવ આવ, અહીં મારી કેબીનમાં બેસ. તારી અમ્મીની તબિયત વિશે વાત કરવી છે.” -કહી મિતુલે દરવાજામાંથી ખસીને એને અંદર આવવાની જગ્યા કરી આપી.
કેબીન તો કહેવા પુરતી હતી. અંદરના ભાગમાં એટેચ્ડ બેડરૂમ હતો. ડબલ-બેડ પલંગની એક બાજુ સોફાસેટ મુકીને સીટીંગ એરેન્જમેન્ટ કરી હતી. સાઇડમાં નાનકડું કિચન અને એવું જ ડાઇનીંગ ટેબલ હતાં. જાણે કે ઘર જ જોઈ લો. ડો. મિતુલ મોટેભાગે અહીં જ રહેતા હતાં. ઘર કમ હોસ્પિટલ !

અશ્ફાક પહેલાં તો અચકાઈ ગયો પણ પછી હિંમત કરી કેબીનમાં આવી સોફા પર બેસી ગયો. ઘડીભર તો ડો. મિતુલ એની માસુમિયતને તાકી રહ્યા, પણ પછી એની જોડાજોડ બેસી ગયા. અશ્ફાક થોડો સંકોચાયો, પણ ડોકટરે એનો હાથ, પોતાનાં હાથમાં લઈ..સ્હેજ દબાવી એની અમ્મીની દવાની વાત કાઢી, એટલે તેય સહજ ભાવે અમ્મીની વાત કરવા લાગ્યો.‘
હે ડોકટર સાહેબ, મારી અમ્મી સાજી તો થઈ જશે ને? એના સિવાય મારૂં કોઈ જ નથી. મારા અબ્બાની છત્રછાયા પણ નથી મારી માથે. બસ આ દુનિયામાં મારી મા સિવાય કોઇ નથી મારૂ.’ કહેતા કહેતા એની ભલી ભોળી આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા.‘
અરે, રડે છે મરદ થઈને ? હું છું ને તારી સાથે, શાને ગભરાય છે તું !’ એના આંસુ લૂંછતાં લૂંછતા ડો. મિતુલે એને પોતાના બાહુમાં ભરી લીધો. નાનકડા અશ્ફાક્ને હુંફ આપવાનાં હેતુથી પોતાની છાતી સાથે સહેજ દબાવી, ડોક્ટર એની પીઠ પર હાથ ફેરવી રહ્યા. અનાયાસે જ તેમની અંદરનો ગે પુરુષ જાગી ઉઠ્યો. ડો. મિતુલ આમ તો વર્ષોથી ગે હતા, પણ તેમને આકર્ષણ તો ફક્ત જુવાન પુરુષોનું જ રહેતું. તે છતાંય..સ્થળ અને કાળની અનુકુળ પરિસ્થિતિએ તે દિવસે પહેલીવાર તેમનાં મનમાં એક કિશોર પ્રત્યે પણ એવી જ લાગણીઓ ઉત્પન્ન થઈ આવી.
ધીરે ધીરે એ કિશોરના કસાયેલા બાવડાં પર ફરતો ડો. મિતુલનો હાથ, નીચે ઊતરતો ઉતરતો એની કમર ફરતો ભરડો લઈ, જંઘા પર ફરવા લાગ્યો, ત્યારે અશ્ફાકને કંઇક અજુગતું લાગ્યું. એણે અકળાઈને છૂટવા થોડું જોર અજમાવ્યું, પણ ડોક્ટરનો બાહુપાશનો ભરડો તે હટાવી ન શક્યો. એક તો નાદાન ઉમર..વળી પિતાની અનુપસ્થિતિથી અનુભવાતી અસહાયતા..અમ્મીની બિમારી..અને અજાણ્યું શહેર..! આ સર્વ બાબતોથી પરવશ થયેલો અશ્ફાક, જાણે અજાણે ડો. મિતુલને વશ થતો ચાલ્યો. ધીરે ધીરે એનેય મિતુલનો સ્પર્શ ગમવા લાગ્યો. હુંફની અનુભૂતિથી એય મિતુલને વિંટળાઈ વળ્યો. શ્વાસોમાં ઉતેજના વરતાવા લાગી. પરસ્પર ભીંસ વધવા લાગી. બે મિલનોત્સુક દેહમાં સાગરની ભરતી ચડી હતી. બિનઅનુભવી અશ્ફાક આ પહેલાં જ અનુભવથી જરા ગભરાયો હતો, પણ નાનપણથી જ છોકરાઓની કંપની પોતાને શા માટે ગમતી હતી, તેનો આ નાનકડા અશ્ફાકને હવે ધીમે ધીમે જવાબ મળતો ગયો, અને આખરે તેનેય આ સમાજ-પ્રતિબંધિત ચેષ્ટાઓનો ચટકો લાગતો ગયો.
તે ઉમરેય અશ્ફાકનું શરીર સુંદર અને સુદ્રઢ હતું, કે જે મિતુલની આંખોમાં વસી ગયું. ડો. મિતુલ તો આ રમતનો જુનો ખેલાડી હતો એટલે ધીરે ધીરે એણે અશ્ફાકને પલોટી લીધેલો. અશ્ફાકનું ખંજન-મઢ્યું સ્મિત ડો. મિતુલને ઘાયલ કરી જતું. અઢાર વરસની કાચી વયે પણ અશ્ફાકનું ગઠીલું બદન મિતુલની નબળાઈ બની ચૂકેલુ.
અમ્મીને તો હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ બસ..થોડા જ દિવસમાં મળી ગયેલો, પણ બંને વચ્ચે એટલું તો આકર્ષણ પેદા થઇ ગયેલું, કે એકમેક વગર હવે બન્નેને ગોઠતું જ નહીં. આંતરે દિવસે બન્ને મળતાં, અને એકબીજામાં ઓતપ્રોત બની જતાં. અશ્ફાકનેય હવે એમાં કંઈ અજુગતું નહોતું લાગતું. વળી ડો. મિતુલ અમ્મીનું પુરેપુરું ધ્યાન રાખતાં, એ જોઇ અશ્ફાક આભારથી ઝુકી જતો અને બંને વચ્ચે પોતીકાપણું વધતું ચાલ્યું.

પણ થોડા મહિનાઓ બાદ અચાનક અમ્મીની તબિયતે ફરી ઉથલો માર્યો. પતિની કસમયની વિદાયે આમેય એની જિજીવિષાને ખતમ કરી નાખી હતી. વારે વારે કહેતી રહેતી, "અશુ ! જો તારા અબ્બા મને બોલાવે છે. મારે જલ્દી જવું છે એમની પાસે. પણ તારી ચિંતા મને જવા દેતી નથી. હુંયે જતી રહું તો તારૂ કોણ ? એ વિચારે આમ પથારીમાં પડી પડી શ્વાસ લઇ રહી છું, જીવી રહી છું. તું જલ્દી મોટો થઈ જા, તો હું આરામથી વિદાય લઉં." ને બન્નેની આંખોમાંથી ઝડી વરસી રહેતી.

**==**==**==**==**

"ડોકટર સાહેબ ! જરા જલ્દી ચાલો, અમ્મીની તબિયત બગડી છે. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે." કહેતો હાંફળો ફાંફળો અશ્ફાક એક દિવસ ક્લિનિકમાં દોડી આવ્યો. તેનું ઘર અને ડો. મીતુલનું દવાખાનું ઘણા નજીક જ હતા.
ડો. મિતુલ પણ સફાળા ઊભા થઈ ગયા. બેગ લઈ ઝડપી ડગલાં ભરતાં, તેઓ અશ્ફાક સાથે તેનાં ઘરે પહોચ્યા અને અમ્મીની તાત્કાલિક સારવાર શરૂ કરી. પણ તૂટતાં શ્વાસોને તેઓ સાંધી ન શક્યાં. અશ્ફાક અને ડો. મિતુલની નજર સામે જ અમ્મીએ છેલ્લો શ્વાસ લીધો.
અસહાય અશ્ફાક પોક મુકીને નાના બાળકની જેમ રડી પડ્યો. ડો. મિતુલની આંખોય ભીંજાઈ ગઈ. એમણે અશ્ફાકને વહાલથી પોતાનાં પડખામાં લીધો. વાંસો થપથપાવી ખુબ આશ્વાસન આપ્યું. "હું તારી સાથે જ છું, ચિંતા ન કરીશ." કહી અમ્મીની અંતિમ ક્રિયાની બધી તૈયારી કરી, અને દફનવિધી સુધી ડો. મિતુલ અશ્ફાકની પડખે જ રહ્યાં.

**==**==**==**==**


અમ્મી વગર એકલતાના કોચલામાં પુરાઈ ગયેલા અશ્ફાકને પછી તો, ડો. મિતુલે જ સંભાળ્યો, અને જાણે કે પોતાનો પરિવારજન જ હોય, એમ તેને પોતાની સાથે જ રહેવા લઈ ગયા. ડો. મિતુલે ‘માટુંગા’માં બીજો પણ એક ફ્લેટ ભાડેથી લઈ રાખેલો. સોસાયટીમાં પ્રવેશતાં જ સાઇડમાં એમનો ફ્લેટ હતો. એટલે સોસાયટીના લોકોનું ખાસ કોઇ ડીસ્ટર્બન્સ ન થતું. બહુ ભવ્ય ન હતો પણ જરૂરતની બધીયે ચીજોથી વસાવેલો હતો. એક બેડરૂમ-હોલ-કિચન અને કિચનમાં નાનકડી બાલ્કની હતી. અશ્ફાકની અમ્મીના દેહાંત પછી ડોક્ટર અને અશ્ફાક અહીં જ રહેતા. પોતાની ગે-પ્રવૃતિઓને કારણે ડોકટરે પહેલેથી જ પોતાના સગાવહાલાને આ ફ્લેટથી દુર જ રાખેલા. તે ત્યાં સુધી, કે એમના સગા ભાઈ ડોકટર અનિલને પણ આ વિશે માહિતી નહોતી. અશ્ફાકને પણ આમ કોઈ ખાસ કોઇ મિત્રો નહોતા, એટલે એ અહીં આરામથી રહેતો.

ભુતકાળની ગલીઓમાં અશ્ફાક એવો તો ખોવાઈ ગયો, કે અચાનક વાગેલી રિંગના અવાજે એ રીતસર ઝબકી જ ગયો. એકદમ જ બેઠો થવા ગયો, ત્યારે ખ્યાલ આવ્યો કે અનિકેત એને વળગીને સુતો છે. હળવેથી તેને અલગ કરી, એ બેઠો થયો અને ફોન કાને માંડી બહાર લોબીમાં આવી ગયો. રેઈન-બો બારમાંથી કોઇ કાર્યક્રમ બાબતે ફોન હતો, જેની ના પાડીને ફરીથી એ પેલા સોફા પર વિચારમગ્ન થઈ બેસી ગયો, કારણ હજુયે તે પોતાનાં ભુતકાળની યાદોની અસર હેઠળ જ હતો.

એને યાદ આવી રહી હતી તે રાત, અને તે રાતની બોલાચાલી..કે જેણે એને પોતાની જિંદગી ખતમ કરવા તરફ દોર્યો હતો.
અમ્મીના ઇન્તકાલને લગભગ બે વર્ષ વીતી ગયા હતા, અને તેટલો જ સમય વીત્યો હશે કદાચ, પોતાને ડોકટરના ઘરે રહેવા આવ્યાને. આ સમયગાળામાં ડો. મિતુલની સાથે રહેતાં રહેતાં બન્ને વચ્ચે આત્મિયતા વધી રહી હતી. પરિવાર વિનાના ડો મિતુલને
તો એ હવે પોતાના પુત્ર સરીખો જ લાગતો હતો. અશ્ફાક પ્રત્યેની આત્મિયતાને કારણે ડોકટર, એક પિતાની જેમ જ વિચારવા લાગ્યા હતાં, કે ક્યાંક સાવ એકલો અને પૈસાપાત્ર આ છોકરો, નાદાન ઉમરમાં બહેકી ના જાય. એક તો એકલો, ને ઉપરથી આ મુંબઈ શહેર ! લાખો આકર્ષણો છે આ શહેરમાં, ક્યાંક અટવાઈ ના જાય એમાં !
આવા આવા પોતીકી લાગણીભર્યા વિચારોથી પ્રભાવિત ડોકટરના પક્ષેથી શારીરિક આકર્ષણ તો ધીમે ધીમે ઓસરી રહ્યું હતું, પણ અશ્ફાકના જવાન બદનને માટે તો એ ગમતીલો સ્વાદ હતો, જેને એ છોડી નહોતો શકતો. અને આ કારણથી તે તરસ્યો અને અકળાયેલો રહેતો. પણ સામે પક્ષે હવે ડોકટર તો તેની શારીરિક આત્મિયતાનો અનુકૂળ કે હકારાત્મક પડઘો, ભાગ્યે જ પાડતા.

****

તે દિવસે એને બહુ બોરિયત લાગી રહી હતી, તો કાર લઈને એ લોંગ-ડ્રાઇવ પર નીકળી પડેલો. મુંબઈ-પુના હાઇવે પર પહોંચતાં જ એની કારમાં પંકચર પડ્યું. આજુબાજુ કોઈ એવી દુકાન કે વસ્તી ન જણાતા સ્ટેપની અને જેક લઈને એ જાતે જ નીચે ઉતર્યો. વાંકો વળીને સમારકામમાં તે મશગુલ હતો, કે સામેથી આવતો એક બાઈક-સવાર, થંભી ને તેને જોઈ જ રહ્યો.
વીસ વર્ષનો ઉંચો-પૂરો જુવાન છોકરો. બાઈકસવારની નજર તેનાં હુષ્ટપુષ્ટ જિસ્મ પર ઠરી રહી. ઉંચી બ્રાન્ડનાં મોંઘા કપડા, રિસ્ટ-વોચ, બેલ્ટ, શુઝ બધું જ પોતાની ઉંચી જાત બતાવીને પોકારી પોકારીને કહી રહ્યા હતા, કે આ યુવક માલદાર બાપની ઓલાદ છે.
આટલી મર્દાના ખુબસુરતીનો માલિક યુવાન, અને પાછો માલદાર ! બાઈકસવારની દાઢ સળકી. રસ્તા પર નહીંવત ટ્રાફિક
, સુમસામ સડક..સરસ મોકો
..!
. "
હેલ્પ ચાહિયે ક્યા ?" કહેતો એ બાઈકસવાર પોતાની બાઈક સાવ નજીક લઇ જઈને બોલ્યો.
અશ્ફાક ચોંકી ઉઠ્યો, "અરે નહી નહી. મૈં કર લુંગા. યે તો આસાન કામ હૈં, મેરે લિયે." માથું ઊંચું કરતા તે બોલ્યો, અને બાજુમાં આવી ઉભેલા બાઈક-સવાર પર તેણે નજર માંડી.
સ્નાયુબદ્ધ શરીરનો માલિક, એવો પચીસેક વર્ષનો તે યુવાન હતો. એક પળ માટે અશ્ફાકને પણ આ કાયા ઇચ્છનીય લાગી.
.

"હાય, મૈં સલીલ !" -કહેતા જ તે યુવાને પોતાની ઓળખાણ આપી અને શેકહેન્ડ માટે પોતાનો હાથ લંબાવી દીધો. અશ્ફાક પોતાનો હાથ આગળ વધારીને એની સામું જોઈ રહ્યો. આછું આછું કાજળ કરેલી આંખોમાં એને કંઇક જાણીતું જ આકર્ષણ દેખાયું. પટિયા પાડીને ઓળેલા વાળ એને સામાન્ય યુવાનોથી અલગ પાડતાં હતાં, અને યંત્રવત્ જ અશ્ફાકે પોતાનો હાથ તેનાં હાથમાં દઈ દીધો. સલીલે જરૂર કરતા જરા વધુ જ જોરથી હાથ પકડી રાખ્યો, ને અશ્ફાક સામે સુચક રીતે જોઈ રહ્યો.
અશ્ફાકને એ વાતનો અણસાર આવતા વાર ન લાગી, કે આ પોતાની ‘લાઇન’નો જ જુવાન છે. ઘડીભર એનાં ચહેરા સામે જોઈ રહેલા અશ્ફાકને ય આ હુંફાળું હસ્તધૂનન મનગમતું લાગ્યું. ઘડીભરની ગપશપ બાદ, જવા માટે સલીલે પોતાની બાઈકને કીક મારી અને બોલ્યો, "લીફ્ટ ચાહિયે તો આ, પીછે બૈઠ જા." બોલતા બોલતા જ તેણે આંખો મટકાવીને એક એવો સૂચક ઈશારો કર્યો કે અશ્ફાક તો જાણે પાણી પાણી થઇ ગયો. "
યકીન માન દોસ્ત, યાદગાર રહેગા યે સફર" સલીલે તેને ફોસલાવવાનો પ્રયત્ન ચાલુ રાખતા કહ્યું."
અરે નહીં, થેન્ક્સ. યુ પ્રોસીડ. આઈ વિલ મૅનેજ." આંખના મટક્કા અને કાજલને કારણે સ્ત્રૈણ લાગતા સલીલ તરફ થતું થોડું આકર્ષણ, અને તેટલા જ ખચકાટને કારણે મૂંઝવણ અનુભવતો અશ્ફાક, આખરે ના પાડવામાં સફળ તો થયો, પણ તેનો ફોન-નમ્બર લઈને પોતાનો નમ્બર આપવાનું, અને ફરી મળવાનો વાયદો કરવાનું તે ન ટાળી શક્યો. અને તે પછી દર બે-ચાર દિવસે તેઓ બન્ને મળતાં, ગપશપ કરતાં અને છૂટાં પડતાં.

****

"
ક્યા બાત હૈ રાજા, બહોત ઉદાસ લગ રહે હો ? બોલ ક્યાં ખિદમત કરુ તેરી ?" એક સાંજે ઉદાસ બેઠેલા અશ્ફાકને સલીલે ઝડપી જ લીધો.
અશ્ફાકને એની આવી વર્તણુક બહુ પસંદ ન આવતી, પણ દિવસોથી અકળાવી રહેલી શારીરિક સહવાસની અતૃપ્ત ઈચ્છાઓએ એને સલીલ તરફ ધકેલી જ દીધો."
ચલ, આજ તો ‘રેઈન-બો’ બારમેં જા કર બૈઠતે હૈ. બહુ મસ્ત જગા છે. મજા કરશું યાર." કહી સલીલે એને હાથ પકડીને ઊભો જ કરી દીધો. અશ્ફાક પણ લાલસાઓનો માર્યો દોરવાઈ ગયો. બન્ને રેઈન-બો બારમાં પહોંચ્યા, ત્યારે આઠ વાગવા આવ્યા હતાં. અશ્ફાકને ટેબલ પર બેસાડી સલીલ બીયરનાં બે મગ લઈ આવ્યો. "
આ કયુ ડ્રીંક લાવ્યો તું ? હું નહીં પીઉં." કહી અશ્ફાક સાશંક નજરે સલીલને જોઈ રહ્યો."
અરે રાજા ! આ તો સાવ સાદુ શરબત જેવું જ છે. તું ચાખી તો જો, એટલે ખબર પડશે. પણ હા, ધીરે ધીરે એક એક સીપ લઈને પીવાનું. અપને કો કોઈ જલ્દી નહીં હૈ. ઓકે ? ચાલ લે જોઉં એક સીપ, અને મમળાવ એને."

અચરજથી અશ્ફાકે એને જોતાં જોતાં એક ઘુંટ ભર્યો. જરા કડવો અને ન સમજાય એવો સ્વાદ એના ગળાને ભીંજવી રહ્યો. મગજમાં તમતમાટી અને તાજગીનો અનુભવ એને ગમ્યો. હળવે હળવે એ પુરો મગ પી ગયો. વાતો વાતોમાં સમય પસાર થતો રહ્યો, અને અને સાથે સાથે બીયર પણ પેટમાં ઉતરી, મગજ પર ચડતો રહ્યો.
પણ ત્યાં જ..અચાનક પહેલી જ વાર ચાખેલી આ બીયરના ઠીક ઠીક એવા નશાએ જ અશ્ફાકને ડોકટર મિતુલની યાદ અપાવી દીધી, અને એ ઝટકાથી ઊભો થવા ગયો, તો જરા ડગમગી ગયો. "
અરે સમ્હલકે રાજા, પહેલી જ વાર બીયર પીધી લાગે છે. તને તો ચડી ગઈ, હે હે હે...!" હસતાં હસતાં સલીલે એનો હાથ પકડી પોતાના તરફ ખેંચી લઈ છાતી સરસો ઝાલી લીધો. પણ અશ્ફાકે ધક્કો મારી સલીલને દુર કર્યો, અને સડસડાટ બારની બહાર નીકળી ગાડીમાં બેસી ગયો, અને જાતને સંભાળતાં સંભાળતાં ઘર ભણી હંકારી ગયો, ત્યારે મોડી રાત થઇ ગઈ હતી.

****

ડોકટર મિતુલ પોતાના ઘરે ક્યારનાયે અશ્ફાકની રાહ જોતાં ઊંચા નીચા થતાં હતાં.
“હજુ ના આવ્યો આ છોકરો ! હમણાં હમણાં એને રોજ મોડું થઈ જાય છે, પણ આજ કેટલું બધુ મોડું થઇ ગયું છે એનુંય કાંઈ ભાન નથી એને. ફોન પણ સ્વીચ્ડ ઓફ આવે છે. ક્યાંક આ માયાવી નગરી મારા ભલાભોળા અશ્ફાકને ફસાવી ના દે.”
ચિંતામાં ને ચિંતામાં ડોકટરના મગજનું ટેમ્પરેચર પણ વધી રહ્યું હતું. એટલાંમાં જ અશ્ફાક ડગમગતાં પગે ઘરમાં દાખલ થઈ સોફા પર ઢગલો થઈ પથરાઈ ગયો.
ડોકટર એને ચિંતા અને ગુસ્સાથી જોઈ રહ્યાં. જો પોતે ફરી પરણ્યા હોત, તો આવડો જ પોતાનો પુત્ર હોત, એ વિચારે એ આકુળ વ્યાકુળ થઈ ગયા. જાણે દીકરો કોઈ ખોટા મારગે ચડી ગયો હોય, અને એને વારવો એ પોતાની ફરજ હોય, એમ એ આકળા થઈ બોલવા લાગ્યા, "ક્યાં હતો અત્યાર સુધી ? સમયનું કાંઈ ભાન બાન છે કે નહીં ? રાતના બાર વાગવા આવ્યા છે, ને તું છેક હવે આવે છે ? ને નશો કર્યો છે તે, બોલ? બોલ ને. મોંમાં મગ ભર્યાં છે ? કેટલાં ફોન કર્યાં તને, પણ ફોનેય સ્વીચ્ડ ઓફ આવે છે. માથે હવે મા નથી રહી, તે સાવ આમ રખડું થઈ ગયો છે ?"
ડોકટરના ગુસ્સા ભરેલા વેણ ચુપચાપ સાંભળતો અશ્ફાક, માનો ઉલ્લેખ સાંભળી ભડકી ઉઠ્યો. એક તો જિંદગીમાં કરેલો પહેલો નશો દિમાગમાં ભમતો હતો, અને તે ઉપર આ કડવા વેણે જાણે કે આગમાં ઘી પુર્યું. પણ તોય જાત પર કાબુ રાખીને તેણે પોતાનો ફોન ચાર્જ કરવા મૂકી, સ્વીચ-ઓન કર્યો. અને ટોઇલેટમાં ચાલ્યો ગયો. ને બસ..એટલામાં જ અશ્ફાકના ફોનમાં મેસેજનું બીપ વાગ્યું. "
આટલી મોડી રાતે કોનો મેસેજ હશે ?" એમ વિચારી ડોકટરે ફોન ઉપાડી જોયું, તો એમની આંખો ફાટી રહી ગઈ. બિભત્સ ઇશારા કરતા કોઇ યુવાનની અર્ધનગ્ન તસવીરો અને તેનાં અશ્લીલ ટેક્સ્ટ મેસેજો ડોકટરની નજર સામે નાચી રહ્યાં.'
તારી સાથે ખુબ મજા આવી.' '
ફરી ક્યારે મળીશ ?' ‘
મજા કરશું દોસ્ત.' '
મિસિંગ યું..''
રીપ્લાય મી યાર.' '
રાહ જોઉં છું તારા મેસેજની.’
વગેરે વાક્યો કોઇ નાગની જેમ ડોકટરને ડંખી રહ્યાં. એનો પોતાનો અશ્ફાક ચોક્કસ હવે અવળે રસ્તે ચડી ગયો છે. તેને વારવો જ રહ્યો. જો અત્યારે ધ્યાન નહીં રાખું, તો પછી કદાચ બહુ મોડું ન થઇ જાય !
ત્યાં જ અશ્ફાક બાથરૂમમાંથી બહાર આવ્યો. એને જોતાં જ એની તરફ ફોન લંબાવી રોકેટની ઝડપે તેમના મુખમાંથી શબ્દો છૂટવા લાગ્યા, "તો આ છે તારા કરતુત ! આવા છે તારા લક્ષણ ! કોણ છે આ મવાલી ? ને આ મેસેજ ? આ આવા ફોટા ? શું છે આ બધું ? આટલી બેશરમી ? આટલી હલકટાઈ ? નફ્ફટ સાલા !" ગુસ્સામાં કંઈ કેટલીયે ગાળો અને ફિટકાર આપી ડોકટર અંદર બેડરૂમમાં ચાલ્યા ગયા.
"
બસ કરો મિતુલસા'બ" જુવાન ગરમ લોહી, ને તેમાં ભળેલો નશો. કડક વેણ એવા તે આકરા લાગવા માંડ્યા, કે આખરે ન રહેવાતા અશ્ફાકની જીભ પણ છૂટી થઇ ગઈ, "તમે મારા વાલિદ નથી, કે આમ મને તતડાવો છો ? શું અધિકાર છે તમને આમ મને ખીજાવાનો ? હું ગમે તે કરૂં. ને જે પણ કરું છું, તે મારે પૈસે કરું છું. તમે છો કોણ મને ટોક્નારા ને રોકનારા ? તમારા ઘરમાં રહું છું, એનો એ મતલબ નથી કે તમારી આટલી દાદાગીરી અને દખલગીરી સહન કરી લઈશ.""
તે ન પોસાતું હોય તો ન રહે ને અહિયાં.” અશ્ફાકના આવા નફફટ વેણ સાંભળી ડોકટરનું દિમાગ ફાટફાટ થવા લાગ્યું ને બેડરૂમમાંથી બહાર ડોકાઈને તેઓ બોલવા માંડ્યા, “મે કંઈ તને જબરદસ્તીથી નથી રાખ્યો અહીંયા. આવડી મોટી દુનિયા છે, અને કંઇક કેટલીય જગ્યાઓ છે, સમજ્યો !" કહી ડોકટરે ફરી બેડરૂમમાં અંદર જઈને પોતાની પાછળ ધડામ કરતો દરવાજો પછાડ્યો.
હતપ્રભ થઇને અશ્ફાક બંધ થતાં બેડરૂમનાં દરવાજાને જોઈ રહ્યો. તેને સાફ જાકારો મળી રહ્યો હતો અહીંથી..આ મકાનમાંથી..કે જેને તે પોતાનું ઘર સમજતો આવ્યો હતો, અને ડોક્ટરસાહેબને પોતાનો પરિવાર. એ ડોક્ટરસાહેબને, કે જે પોતાની લાગણી સમજી જ નથી શક્યા. બાકી પોતે તો ડગલે ને પગલે તેમની લાગણીની કદર જ કરતો આવ્યો હતો. પોતાનાં અબ્બા તો લખલૂટ દોલત મૂકી ગયા હતા, તો પોતાને શું જરૂર હતી કોલેજમાં જઈને આગળ ભણવાની માથાકૂટ કરવાની ? અરે વતનની સ્થાનીક ભાષાની શાળામાં ભણનારને મુંબઈની કોલેજનું ભણતર કેટલું ભારે પડે, તે તો પોતે જ જાણતો હતો. પણ છતાંય પોતે કોલેજમાં આગળ ભણવા માટે એડમીશન લઇ લઇ લીધું, વગર આનાકાનીએ, કારણ આ ડોકટરનો આગ્રહ હતો, કે પોતે આગળ ભણીને એન્જીનીયર કે એવી કોઈ ડીગ્રી લઈને કેરિયર બનાવે. પોતે તેમની ઈચ્છાઓને કેટલું માન આપતો..તેમની તકલીફ, તેમની મુશ્કેલીઓને પોતે કેટલી સારી પેઠે પિછાણી લેતો હતો. 'બહુ સરસ' કહી શકાય તેવી તેમની પ્રેક્ટીસ તો છે જ નહીં, અને છાસવારે તેમને પડતી આર્થિક-તંગીની ગંધ પણ પોતાને કેટલીય વાર આવી જતી. ને ત્યારે પોતે પોતાથી થઇ શકતી મદદ પણ કરવાનો પ્રયત્નય કરતો. ભલે ડોક્ટર કેટલીય વાર ના પાડતા તેની મદદ લેવાની, પણ જેટલીવાર તેઓ ના પાડતા તેનાંથી એક વાર વધુ પોતે આગ્રહ કરતો, અને આખરે તેમને તેની મદદ સ્વીકારવા મજબુર કરતો. આ બધાનો તેને આ બદલો મળી રહ્યો છે આજે ? અને તેનો વાંક પણ શું છે ? એણે તો ફક્ત બીયર જ પીધી છે, અને અન્ય તો કશું જ કર્યું નથી. જેની ઓથ એને શાતા આપતી હતી, એમણેય આજે એને સમજવાની બિલકુલ જ દરકાર ના કરી, અને બહારનો રસ્તો દેખાડી દીધો.

અશ્ફાક્ને ખુબ જ લાગી આવ્યું. કેટલીય વાર સુધી સોફા પર બેઠેલો અશ્ફાક વ્યથા અનુભવતો રહ્યો. આમ ને આમ અડધી રાત વીતી ગઈ. ડોક્ટર તો બેડરૂમમાં ચાલ્યા ગયા હતા, પણ રોજની જેમ આજે અશ્ફાક તેમની સાથે બેડરૂમમાં સુવા ન ગયો, કે ન તો પછી ડોકટરે તેને અંદર બોલાવ્યો. બંને પક્ષે ક્રોધ પોતાનો તાપ દેખાડી રહ્યો હતો.

ઘડિયાળની ગતિએ જ અશ્ફાક માયુસીની ગર્તતામાં વધુને વધુ ગરક થતો રહ્યો. નિરાશા તેનો ભરડો વધારતી રહી. આ બે વર્ષના તેનાં અહીંનાં વસવાટ દરમ્યાન ડોક્ટર કદાચ ક્યારેય તેને પોતાનો સમજ્યા જ નથી. નહીં તો તેની અમ્મીને અને તેનાં પારિવારિક જીવનને આટલી નજદીકીથી નિહાળ્યા બાદ પણ તેઓએ પોતાનાં પત્તા તેની સામે ખુલ્લા કરવા કોઈ દિવસ મુનાસીબ નથી સમજ્યા. પોતાની કેટલીયે વારની પૂછપરછ બાદ પણ તેઓએ કોઈ દિવસ તેમનાં ભાઈ-બહેન, કુટુંબ-કબીલા વિષે આછેરોય ખ્યાલ પણ તેને નથી આપ્યો. મુંબઈમાં કે મુંબઈ બહાર તેમનાં કોઈ સગાવ્હાલા સાથે નથી કોઈ દિવસ તેમણે મુલાકાત કરાવી કે નથી કોઈ દિવસ કોઈ ઉલ્લેખ સુદ્ધા કર્યો. સતત બે વર્ષ સુધી એક છત નીચે રહેનારાઓ વચ્ચે જો આટઆટલું અંતર, આટલો બધો અવિશ્વાસ રહેવાનો જ હોય, તો શું કામનો આ સંબંધ ? શું કામની આ મતલબી દુનિયા, કે જ્યાં તેને પોતાનો સમજનારું કોઈ હોય જ નહીં ? તેનું કોઈ અંગત કે કુટુંબીજન જો ન હોય, તો શું અર્થ છે આ દુનિયાને છાતીએ ચાંપી રાખીને કે તેને વળગીને રહેવાનો ? તેનાં પરિવારજનો તો ક્યારનાંય આ દુનિયાને અલવિદા કહી રુકસદ લઇ ચુક્યા છે, તો પોતે શેની વાટ જુવે છે ? શાને નથી ત્યાગી દેતો આ સ્વાર્થી દુનિયા ? હા, સમય આવી ગયો છે હવે કદાચ. ચોક્કસ, સમય આવી જ ગયો છે હવે !

અને તે સાથે જ અશ્ફાકે નિર્ણય લઇ લીધો. અચાનક જ તેણે નિર્ણય લઇ લીધો.‘
ચાલ જીવ ! મા સિવાય બીજુ કોણ હોય જે દીકરાના મનને સમજે ! માની શરણમાં જ શાંતિ મળશે’ એમ બબડી અશ્ફાકે ઉભા થઇ ડોક્ટરના કબાટમાંથી ઊંઘની ગોળીઓનો એક જથ્થો કાઢ્યો,

‘હવે તો મરવું જ છે.” અશ્ફાક મનોમન બબડ્યો. પણ તરત જ કંઇક વિચારીને તે સ્વગત બોલ્યો, “પણ ના, અહીં નહીં. વહેલી સવારે ડોક્ટર જાગીને જોશે, અને અણસાર આવતા જ તરત તેઓ તેને મરતો બચાવી લેશે, અને પછી વરસો સુધી પોતાનો અહેસાન પણ જતાવતાં રહેશે. આમેય હવે આ ઘરમાં એક ક્ષણ પણ રહેવાય નહીં. મારી જીવતી કાયાએ, કે મારા મરેલા મડદાએ હવે અહીં તો લંબાવાય જ નહીં. તો બસ, હવે નીકળી જાઉં અહીંથી સદા માટે. હવે તો બસ માની ગોદ જ મારી આખરી મંજિલ છે.”
એવું વિચારતો અશ્ફાક એક ક્ષણ અટકી ગયો. રાઈટીંગ ટેબલ પરનાં નોટ-પેડની બાજુમાં પડેલી પેન ઉપાડી. મનમાં જેટલીય પીડા હતી, તે બધી બને તેટલા ઓછા શબ્દોમાં લખીને છેલ્લે તેણે પોતાનો આખરી નિર્ણય પણ લખી જ નાખ્યો.
આખરી નિર્ણય..! આત્મહત્યા કરવાનો નિર્ણય..! આ જાલિમ દુનિયા સદા માટે ત્યાગી દેવાનો નિર્ણય..! પોતાની વ્હાલી અમ્મી..પોતાના પ્યારા અબ્બા..પાસે બને તેટલા વહેલા પહોંચી જવાનો નર્ણય..! પોતાની તપાસ ન કરવાનો ડોક્ટરસાહેબને તકાજો કરી, આખરે તેણે ધ્રુજતા હાથે જયારે સહી કરી, ત્યારે આંસુનાં બે ટીપા અજાણતા જ કાગળને ભીંજવી તેની સહીનું નિશાન મિટાવવાની નાકામ કોશિષ કરતા ગયા.
પણ તે તરફ જોવાની દરકાર ક્યાં હતી અશ્ફાકને ? તે તો અર્ધી રાતે જ ડોકટર સાહેબનું ઘર છોડી નીકળી પડ્યો કોઈ એવી જગ્યાની શોધમાં, કે જ્યાંથી પછી તે શાંતિથી પ્રયાણ કરી શકે. કાયમી પ્રયાણ..! પોતાના અમ્મી-અબ્બાને મળવા માટેનું પ્રયાણ..! [ક્રમશ:]

.

--સરલા સુતરીયા