અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૭ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૭

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: રીટા ઠક્કર

*પ્રસ્તાવના*

તો મિત્રો, આ વાર્તાના પ્રકરણ-૬માં મેં આપ સહુને એક ગે-બારની મુલાકાત કરાવી; આ બીયર-બારમાં ગયેલા અનિકેતની પલાયનવૃત્તિથીયે આપનો પરિચય કરાવ્યો. દુઃખ, વિયોગ અને મુસીબતનો સામનો કરવાની બદલે માણસ, જયારે બેબાકળો થઇ આવી ભાગેડુ નીતિ અપનાવે છે, ત્યારે કોઈને કોઈ નવી તકલીફમાં પોતાની જાતને હોમી જ દેતો હોય છે. કંઇક આવું જ આપણા આ અનિકેતની સાથે પણ બન્યું.

હા, અત્યાર સુધી સીધા-સરળ પ્રણય-ત્રિકોણની પરિધિમાં રમતી આ વાર્તાને, થોડી વધુ રોમાંચક અને રસીલી બનાવવા માટે, મેં તેમાં થોડું થ્રિલ ઉમેરવાનાં ઉદ્દેશથી એક નવું પાત્ર ઉમેર્યું છે, સલીલનું.

ચોથા પ્રકરણમાં રવિ યાદવે જે પાત્રનો ઉમેરો કર્યો હતો, તે ડ્રમ વગાડવાવાળા સંજુનો એક સાગરિત એટલે આ સલીલ. એક સ્ત્રેણ ટાઈપનો એવો યુવાન, કે જે કોઈ પણ પ્રકારના કાવાદાવા રમી શકે, અને એમાંય જયારે સંજુ જેવા મવાલીનો સંગાથ હોય, તો આવો યુવાન કોઈપણ નિમ્ન કક્ષાએ ઉતરી શકે છે. આમ ધીરે ધીરે ડો. અનીલ અને અનિકેતની સામે પડેલી ગેંગ હવે મોટી થતી ચાલી છે. મિતુલ, ટોની, સંજુ અને હવે સલીલ.

તો આ પાત્રને ઉમેરી, ભલા-ભોળા-સરળ અનિકેતને તેની જાળમાં અટવાતો બતાવી, મેં મારું પ્રકરણ ત્યાં પૂરું કર્યું, અને સુકાન સોંપી અમારી ટીમનાં રીટાબેન ઠક્કરને.

આણંદમાં જેવા નાના શહેરમાં રહેતા રીટાબેન, મુંબઈમાં રહેતી કોઈપણ ફેશનેબલ લલનાને સહેલાઈથી મ્હાત આપી દે તેવા, એક નખશીખ આધુનિક વિચારસરણી ધરાવતા સ્ત્રી છે. દેખાવે, વિચારે આધુનિક ખરાં, પણ તે છતાયે, તેઓ એક સેન્સીટીવ લેખિકા છે. ફેસબુક પર તેઓ પોતાના રોજબરોજના અનુભવોય બહુ હ્રદયસ્પર્શી શબ્દોમાં વ્યક્ત કરતા રહે છે. અને માટે જ ફેસબુક પર સરસ મજાનું બહોળું વર્તુળ ધરાવતા તેઓ, પોતાના આ વર્તુળમાં ખાસ્સા લોકપ્રિયેય છે. આ એપિસોડ લખવા પહેલા તેઓએ કોઈક ઓપરેશન કરાવવાનું હોવાથી હોસ્પિટલાઈઝ્ડ પણ થયા હતા. તે છતાય, આ તેમનો બેલેન્સ-શીટ જેવો, એકદમ બેલેંન્સ જાળવીને લખેલ એપિસોડ જોઇને સુખદ અચંબો થઇ આવ્યો. કદાચ, વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ એવા પતિની પત્ની હોવાના કારણે આ ગુણ તેમનામાં ઉતરી આવ્યો હશે.

પાછલા પ્રકરણમાં અનિકેત વિરુદ્ધ ગોઠવાયેલી જાળનો તેમણે ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી, એક ક્રાઈમ-લેખિકા જેવી આગવી સૂઝથી વાતને વધુ ગૂંચવી આપી છે. તો પ્રકરણના ઉત્તરાર્ધમાં ડો.અનીલ અને તેમની પત્ની વચ્ચે હૃદયસ્પર્શી સંવાદો મૂકી, પોતાની લાગણીશીલતા નોય પરિચય કરાવી આપ્યો છે. તે ઉપરાંત, પ્રકરણનાં અંતમાં વાંચકો માટે એક વધુ આંચકો પણ તેમણે તૈયાર રાખ્યો છે.

તો આવો, વાંચીએ અમારા ગ્રુપમાં સદા એક્ટીવ રહેતા આ આધુનિક લેખિકાનો એક ‘બેલેન્સ્ડ’ એપિસોડ.

.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૭*

વાર:- શુક્ર, અને સમય:- લગભગ સાંજના છનો હશે.
.
અનિકેત જયારે રેઈનબો-બારમાં પ્રવેશી રહ્યો હતો, બસ લગભગ તેનાં કલાકેક પહેલાં રત્નાગીરી શહેરનાં એક રિસોર્ટની આલીશાન રૂમમાં મિતુલ બેચેનીપૂર્વક આંટા મારી રહ્યો હતો. હજી કલાકેક પહેલા જ તે ગોવાથી અહીં આવ્યો હતો અને ફ્રેશ થઈને વિચારે ચડ્યો કે તેની બેચેની વધતી ચાલી.

ગયા રવિવારે સાંજે ગોવા જવાની થોડી વાર પહેલા જ, પોતાની ગોવા ટ્રીપની વાત કરવા માટે તેણે પોતાનાં નાના ભાઈ અનિલને ફોન કર્યો હતો, ત્યારે અનિલે તેને જણાવ્યું કે શુક્રવારે રાતે તેની દીકરી પ્રણાલીને તેનાં કોઈક બોય-ફ્રેન્ડે મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું. આ સાંભળી પળવાર માટે તો તે ધક્કો ખાઈ ગયો, કારણ કે બે-એક મહિના પહેલાં જ પ્રણાલી માટે તેણે પોતાનાં એક ફ્રેન્ડ કેતન પટેલનાં દીકરા રવિની વાત અનિલ સમક્ષ મુકેલી.

રવિ પ્રણાલીની કોલેજમાં જ ભણતો હતો અને પ્રણાલી તેને ખુબ જ પસંદ આવી ગઈ હતી, પણ પ્રણાલી તરફથી કોઈ પોઝીટીવ રિસ્પોન્સ ન મળતા, આ રવિ ખુબ નિરાશ થઇ ગયો હતો. પોતાનાં દીકરાની ખુશી માટે આ કેતન પટેલ, ગમે તેટલા પૈસા વેરવા તૈયાર હતો. અને સાથે સાથે તેને એ પણ ખબર હતી કે પ્રણાલી મિતુલનાં સગાભાઈની દીકરી છે એટલે જો મિતુલ થોડું જોર મારે તો આ સંબંધ જોડાઈ શકે તેવી શક્યતા જણાતા તેણે મિતુલનો એપ્રોચ કર્યો. અને કેતન એ પણ જાણતો હતો કે મિતુલ નાણાંકીય રીતે ક્યારેય બે પાંદડે થયો નથી તેમ જ પોતાની ખખડધજ હોસ્પિટલને અદ્યતન બનાવવાનું તેનું ખુબ જુનું સપનું છે, એટલે રવિનાં લગ્ન પ્રણાલી સાથે જો થાય, તો પોતે મિતુલને પણ આર્થિક મદદ કરશે તેવો આડકતરો ઈશારો તેણે મિતુલને કરીને તેને એકાદ કરોડનાં સપના જોતો કરી નાખેલ હતો. અને સાચે જ...છેલ્લા બે મહિનાથી મિતુલ આ એક કરોડનાં દલ્લાનાં સપના જોઈ રહ્યો હતો, પણ વચ્ચે આ અનિકેતે આવી, પ્રણાલીને પ્રપોઝ કરીને તેનાં હવાઈ કિલ્લાને જમીનદોસ્ત કરી નાખ્યો.

જો કે અનિલે ફોન પર પ્રણાલી-અનિકેતનાં પ્રપોઝની વાત કરી ને મિતુલને જે આંચકો આપ્યો તે બસ ક્ષણજીવી જ નીવડ્યો હતો, કારણ બીજા જ વાક્યમાં અનિલે એ પણ કહ્યું, કે અનિકેત એચ.આઈ.વી. પોઝીટીવ છે. આ સાંભળીને મિતુલને હૈયે તરત જ ટાઢક વળી કે હવે આ ગતકડું લાંબુ નહીં ચાલે. પોતે ત્યારે ગોવા જવાની ઉતાવળમાં હતો એટલે વાત બહુ વિસ્તારપૂર્વક ન થઇ શકી. જો કે તેને આશા હતી કે એકાદ બે દિવસમાં અનિલનો ફોન ચોક્કસ આવશે કે તેણે આ સંબધ પર ચોકડી મારી દીધી છે. પણ આજે શુક્રવાર થઇ ગયો છતાં અનિલનો કોઈ ફોન ન આવ્યો એટલે ગોવાથી પાછા ફર્યાની સાથે જ ફ્રેશ થઈને વિચારે ચડ્યો અને તેની બેચેની વધતી ચાલી.

અનિલના મનમાં શું ચાલી રહ્યું છે તેનો તાગ મેળવવા તેને ફોન કરી લેવાનું આખરે તેણે નક્કી કરી જ નાખ્યું, અને તેણે અનિલને ફોન જોડ્યો,"
હા, મિતુલ. બોલ. આવી ગયો ગોવાથી? હાઉ વોઝ ધ ટ્રીપ?""
ના, અત્યારે તો રત્નાગીરીમાં છું. બાકી ગોવાનો સેમીનાર એકદમ સક્સેસફૂલ રહ્યો, મુંબઈ કદાચ બે દિવસ પછી આવીશ. બાકી? શું ચાલે છે? શું કરે છે આપણા નવા જમાઈરાજ?" મિતુલે ઝડપથી મેઈન વાત પર આવી જતાં પૂછ્યું."
અરે, એ તો પ્રણાલીને પ્રપોઝ કરીને શાંતિની નિંદર માણી રહ્યો હશે પણ મારી ઊંઘ ઉડાડી દીધી." અનિલે થોડા ઉચાટભર્યા સ્વરે કહ્યું."
યાર અનીલ, વાય સો કન્ફયુઝડ? HIV+ છે એ જાણ્યા પછી હવે આ સંબધ પર બ્રેક જ મારી દેવાય." મિતુલે મોટો ભાઈ હોવાની હેસિયતથી વણમાંગી સલાહ આપી દીધી."
અરે યાર, યુ ડોન્ટ નો. પ્રણાલી બહુ મક્કમ છે, તેને સમજાવવી મુશ્કેલ છે.""
જો અનિલ, આપણી પાસે બીજો એનાં જેવો જ એક ઓલ્ટરનેટીવ છોકરો છે જ. યાર, પેલા કેતનનો દીકરો રવિ..! તે પણ હેન્ડસમ છે, વેલ-ટુ-ડુ ફેમિલીનો છે. પ્રણાલીને કહે તેને મળી લે. મને ચોક્કસ લાગે છે કે રવિને મળ્યા બાદ તેનું મન બદલાઈ જશે.""
મિતુલ. તને શું લાગે છે મેં ટ્રાઈ નથી કરી? અરે મેં બધી વાત કરી જોઈ, પણ તે કોઈ વાત માનવા તૈયાર નથી.""
પણ...પણ HIV+ છોકરા સાથે?""HIV+
નું તો દોસ્ત એવું છે, કે હજી ગયે મહીને જ ઘરમાં HIV બાબત એક સામાન્ય ચર્ચા થઇ હતી, અને ત્યારે અનિકેત તો વચ્ચે હતો પણ નહીં, ને ત્યારે પણ પ્રણાલી પાસે આ બાબતમાં ઘણી એવી આર્ગ્યુમેન્ટસ હતી કે HIV+થી એઇડ્સનાં સ્ટેજ સુધી પહોંચતા ઘણીવાર તો વર્ષોનાં વર્ષો વીતી જાય, અને આટલા વર્ષોમાં તો HIV અને AIDSની દવાઓ પણ કદાચ શોધાઈ જાય... વગેરે.. વગેરે..
"નાના બચ્ચા જેવી વાત ના કર. આવી આશાઓનાં જોર પર છોકરીની જિંદગી દાવ પર ન લગાડી દેવાય.""
યસ, આઈ એગ્રી. પણ અમુક અંશે તેની વાત એટલી સાચી, અને પોસીબીલીટીઓથી ભરેલી છે, કે મારી આર્ગ્યુમેન્ટ તેની સામે નબળી પડી જાય. યાર, આફટરઓલ શી ઇસ ડીપલી ઇન લવ વિથ ધેટ બોય, અનિકેત.""
જો પોસીબીલીટીની વાત તું કરે છે, તો પોસીબીલીટી તો એવી પણ છે કે છોકરો કદાચ ગે પણ હોઈ શકે. કારણ ગે પુરુષો જ HIV+ હોવાની શક્યતા વધુ હોય છે." મિતુલે અંધારામાં તીર માર્યું, કે જે અનિલને સચોટ લાગ્યું. તે હલબલી ગયો, પણ ઉપરથી શાંત રહીને એવો જ જવાબ આપી તેણે વાતનો વીંટો વાળવાનું જ મુનાસીબ સમજ્યું.

"HIV+ થવાની શક્યતા તો નોર્મલ કે ગે બન્નેની બાબતમાં સરખી જ હોય છે મિતુલ, લેટ મી ટેલ યુ ધૅટ. તે બધું નિર્ભર કરે છે લોકોની લાઈફ સ્ટાઈલ પર. અને સેક્સ સિવાય પણ HIV+ થવાનાં બીજા પણ અનેક કારણ હોય છે, એન્ડ યુ નો ધેટ. અરે બ્લડ ડોનેશન જેવા ધર્મનાં કામમાં પણ આવી ધાડ પડવાની શક્યતાઓ રહેલી છે. એની વે, હમણાં તો મારે પેલા શિવલાલભાઈના દીકરાનાં લગ્ન એટેન્ડ કરવા રાજકોટ જવાનું છે, તો તેની ઉતાવળમાં છું. પરમદિવસે રવિવારે સવારે પાછો આવું, એટલે પછી તને ફોન કરું છું. શાંતિથી વાત કરીશું ત્યારે." વાતને પુરી કરવા ડો. અનીલ બોલ્યા.

મિતુલે ફોન મૂકી દીધો. તે હવે ઢીલો પડી ગયો. પોતાનાં વહાણ તેને ડૂબતા લાગ્યા. HIV+ હોવા છતાંય જો અનિલ પોતાની દીકરીની જીદ સામે ઝુકી જશે, તો પોતાની તો મનની મનમાં જ રહી જશે, તેવું તેને લાગ્યું. એક કરોડ રૂપિયાનું સપનું હવે સપનું જ રહી જશે, તેવી ભીતિ તેને લાગવા લાગી. આ પ્રણાલી પેલા અનિકેત પાછળ આટલી પાગલ કેમ છે? આ છોકરો ગે છે કે નહી? હા, યસ.. હશેજ.. કારણ તે દિવસે પોતે તેની પ્રોફાઈલ ચેક કરી, તો એટલી તો ખબર પડી જ હતી, કે તે છોકરો રેઈનબો-બારનો રેગ્યુલર વીઝીટર છે. અને પછી પેલા ગોવાવાળા ટોનીએ પણ કન્ફર્મ કર્યું, કે આ રેઇનબો-બાર એક ગે-બાર જ છે.

બસ.. તો હવે એક કામ કરવું જરૂરી છે. અનિકેત ગે છે, તેનાં પુરાવા ભેગા કરવાનું. અને પછી તેની સામે તે પુરાવા મુકીને તેને ધમકાવવો, ડરાવવો ને પ્રણાલીથી દુર રહેવા માટે મજબૂર કરી દેવાનો. જો અનિકેત શરમનો માર્યો જાતે જ ખસી જતો હોય..તો પ્રણાલી ચોક્કસ ઢીલી પડી જશે.

યસ... આ બરોબર છે, અને હા.. આજે તો ફ્રાઇડે છે.. કદાચ તે છોકરો આજે ત્યાં રેઇનબો-બારમાં ગયો પણ હોય. લેટ મી ફાઈન્ડ આઉટ.
એમ વિચારી મિતુલે રેઇનબો-બારના ડ્રમ પ્લેયર સંજુને ફોન લગાડ્યો, અને અનિકેતની વાત તેને યાદ દેવડાવી, જો તે ત્યાં આવે તો શું કરવું તેની સુચના પણ આપી દીધી. ફરીવાર પાછો ફોન કર્યો તો તેની ધારણા સાચી પડી. અનિકેત ત્યાં આવી ગયો હતો અને એકલો બેઠો બીઅર પી રહ્યો હતો. એટલે તેને લપેટવા માટેની જાળ પહોળી કરવાનું સિગ્નલ આપી દીધું. કલાક પછી જાણવા મળ્યું કે સંજુએ પોતાનાં કોઈક સાગરીતને મોકલીને મુર્ગાને ફસાવી લીધો છે. મિતુલ ખુશ થઇ ગયો, અને પોતાની ચાલમાં આગળ વધવાની તેણે સંજુને હજુ એક ઇન્સટ્રકશન આપી. અને પછી...નિશ્ચિંત થઇ પુરાવા મળવાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો.
પેલી તરફ... પાર્કિંગ લોનમાં... અનિકેત જેટલો મદહોશ હતો, તેટલો જ પેલો સલીલ સાવચેત હતો. તે જાણતો હતો કે તેણે શું કરવાનું છે, અને કેટલી હદ સુધી કરવાનું છે. કેટલું છુપાવવાનું છે, અને કેટલું બતાવવાનું છે. કોનો ચહેરો અને દેહ કેટલો દેખાવો જોઈએ તેની તકેદારી રાખીને તેણે ફોટો-સેશન થવા દીધું. અનિકેતને ભાગ્યેજ ખબર પડી, કે સલીલ તેને જે ફોટો-સેશનની વાત કરીને અહીંયા લાવ્યો હતો, તેની કરતા જુદું જ ફોટો-સેશન અહીં સાચેજ ચાલુ થઇ ગયું હતું.

**==**==**==**==**

"તો? બેટા સલીલ, કૈસા હુઆ કામ ? મિશન સક્સેસફૂલ ?" સંજુએ સલીલને પૂછ્યું. પેલા 'ફોટા-સેશન'નાં પત્યા પછી તરત જ તે રેઈનબો-બારમાં સંજુની સાથે વાતો કરતો હતો."
યસ, હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફૂલ" સલીલે વિજયી સ્મિત સાથે થમ્સ-અપ કરતા જવાબ આપ્યો."
ઔર વો બકરા ? કહાં હૈ વોહ ? ભેજ દિયા ના ઘર પે સલામત ઉસકો ?""
યસ, તેની બાઈક પાર્કિંગ લોટમાં જ રખાવી, તેને ટેક્ષીમાં બેસાડીને રુક્સદ કરી દીધો છે. ડોન્ટ વરી. તે ચીકનો એટલો તો હોશમાં છે જ, કે ટેક્ષી ડ્રાઈવરને એડ્રેસ અને રસ્તો બતાવી શકે.""
વેલ ડન..!""
થેન્ક્સ, તો અબ આપ ભી મેરી હથેલી ગર્મ કરને કા ઐસા કુછ કામ કરો, કી મૈ ભી 'વેલ ડન' બોલ સકું." સલીલે કામની વાત કરી.
"શ્યોર, વેઇટ ફોર હાફ એન આવર. વોહ ફોટો-સેશન કા રીઝલ્ટ દેખ લેને દો, ફિર તુમકો ભી ખુશ કર દેતા હું."

**==**==**==**==**

બીજે દિવસે શનિવારની વહેલી સવારે બેડનાં સાઈડર પર પડેલા મોબાઈલમાં આવેલ કોલની રીંગે અનિકેતની ઉંઘ ઉડાડી દીધી. રીંગટોનનાં અવાજથી જાગેલ અનિકેતે હળવેથી પોતાનાં શરીર ઉપરથી અશ્ફાકનાં હાથ અને પગ ખસેડવાની કોશિષ કરી, તો તેને ખ્યાલ આવ્યો કે તેનાં બદન પર જે વજન લાગી રહ્યું હતું, તે ભાર અશ્ફાકનાં શરીરનો નહીં, પણ કાલ રાતનાં નશાનો હતો. આજે તો પથારીમાં પોતે સાવ એકલો જ છે. અશ્ફાકની ગેરહાજરીની નિરાશા તેને ફરી ઘેરી વળે, તે પહેલાં સતત ગાજતી પેલી ફોનની રીંગ તેનું ધ્યાન તેની તરફ ખેંચી રહી હતી. એનો હાથ મોબાઈલ સુધી પહોંચે એ પહેલાં રીંગ પુરી થઈ ગઈ. ફોનની બાજુમાં પડેલાં ટાઈમપીસ પર અનિકેતે નજર નાખી, હજુ તો સવારનાં પોણાપાંચ વાગ્યા હતા. તેને નવાઈ લાગી કોણ નવરું પડ્યુ અડધી રાતે ?

ફોન હાથમાં લીધો તો વૉટસએપનાં પેલા ટ્યુને તેને વૉટ્સએપ જોવા તરફ વાળ્યો. એક અજાણ્યા નંબર પરથી કોઈએ અમુક ફોટા મોકલાવેલા હતાં. કોણે મોકલ્યા હશે ? શું હશે આ ફોટામાં ? જેવા સવાલોથી ઘેરાયેલો રહીને તેણે ફોટા ડાઉનલોડ કરવા માંડ્યા.
જેમ-જેમ ફોટા ઓપન થતાં ગયા, એમ એમ ગુસ્સાથી તેની આંખો પહોળી થવા લાગી, મોઢામાંથી ગંદી ગાળ નીકળી આવી અને એનું મગજ ફાટફાટ થવા લાગ્યું, એની જિંદગી બરબાદ કરવાનાં ઈરાદા સાથે જ કાલે સાંજે તેને કોઈ મળ્યુ હતુ, કોઈએ તેને બહેકાવીને, સેકસની જાળમાં ફસાવીને, ભરપુર છેતર્યો હતો. એનાં દાંત ભીંસાઈ ગયા. આંખોમાં લાલ લાલ ટશિયા ફુટી આવ્યા. આગળ શું કરવું તેનાં વિચારોમાં હતો, ત્યાં જ ફરી ફોનની રીંગ વાગી. તે જ નમ્બર પરથી ટેક્સ્ટ મેસેજ હતો.

"પ્રણાલીથી દુર રહેજે...નહીં તો આ ફોટા તેને અને તારા બોય-ફ્રેન્ડ, બંનેને મોકલી દેવામાં આવશે. તારી આ ગે-બાજી જાણીને પ્રણાલીની નજરમાં તારી શું વેલ્યુ રહેશે તેનો અંદાજો તો તને હશે જ. મર્દ તરીકેની તારી ઈમેજને જો ઉની આંચ પણ ન આવવા દેવી હોય, તો તેને આ બધી જાણ થાય, તે પહેલાં તેની જિંદગીમાંથી બહાર નીકળી જા."


એરકન્ડીશનની ઠંડકમાં પણ અનિકેતનાં કપાળે પરસેવો વળતો હતો. તાજી હવા ખુટી પડી હોય એમ ગુંગળામણ દુર કરવા તે બાલ્કનીમાં આવ્યો. અચાનક પગમાં થાક વર્તાવા લાગ્યો, ને ત્યાં પડેલી ખુરશીમાં તે ફસડાઈ પડ્યો. એક ઉંડો શ્વાસ લઈને તેણે બધા જ ફોટા અને મેસેજ ડીલીટ કર્યા.

થેંક ગોડ. અશ્ફાક હાજર નથી. જો હોત તો ? જો તેનાં હાથમાં આ ફોટા આવ્યા હોત તો ? એકમેકનાં ફોન-કોલ્સ અને મેસેજ ચેક કરવા, તેમનાં માટે સાવ સહજ હતું. કારણ એટલું પોતીકાપણું તો તેમનાં બંનેમાં હવે કેળવાઈ જ ગયું હતું. તો જો પોતે ઊંઘમાં હોત, અને આવી જ સાહજિકતાથી જો આ ફોટા અશ્ફાકની નજરે ચડી ગયોં હોત તો ? એકમેકને શારીરિક અને માનસિક રીતે વફાદાર રહેવાનાં પોતાનાં કોલ અને દાવાઓનું શું થાત ? હા.. આમ તો પ્રણાલી સિવાય તે અશ્ફાકને કાયમ વફાદાર હતો જ.

પણ એમ તો પ્રણાલી સાથે પણ આવી જ વફાદારીની વાતો થઇ છે ને. તો આ બંનેમાંથી જો કોઈને પણ તેનાં ગઈકાલના પરાક્રમની જાણ થઇ જાય તો ? બાપ રે, અનર્થ જ થઇ જાય..!

માણસ પાસે જ્યારે સુખ હોય, પ્રેમ હોય, સલામતી હોય, ત્યારે તેને એની કદર નથી થતી, પણ જ્યારે એક દિવસ દુઃખમાં કે ભયમાં ગુજારવો પડે, ત્યારે તેનું મહત્વ સમજાઈ જાય, કે આપણી પાસે જે સુખ હતું એ કેટલું કિંમતી હતુ. પોતાની જિંદગીમાંથી ગેરહાજર થઇ ગયેલ અશ્ફાકનું મૂલ્ય અનિકેતને હવે સમજાઈ જ રહ્યું હતું. ને તે સાથેજ, તેની જિંદગીમાં હાજર, એવી પ્રણાલીની વિશ્વસનીયતાની પણ તેને હવે એટલી જ ફિકર થઇ આવી.
જે નમ્બર પરથી આ ફોટા અને મેસેજ આવ્યા હતા ત્યાં તેણે કોલ-બેક કરવાનો પ્રયત્ન કર્યો પણ.. તેની ધારણા મુજબ જ તે નમ્બર સ્વીચ્ડ-ઓફ હતો. હવે આગળ કેમ વધવું ? શું કરવું ?

અને અનિકેતે યંત્રવત્ જ તે નમ્બર બ્લોક કરી દીધો. અત્યારે તો બસ.. ફક્ત એટલું જ કરવાનું તે વિચારી શકતો હતો. તેને યાદ આવી ગયો પાછલો શનિવાર. આગલી રાતે પ્રણાલીને પ્રોપોઝ કરી, તેનાં ઘરે જ રોકાઈ ગયા બાદ બીજા દિવસે શનિવારે આ સમયે તો પોતે કેવી સુખની નિંદ્રા લઇ રહ્યો હતો પ્રણાલીનાં ઘેર. અને આજે આ બીજો શનિવાર. એક અઠવાડિયામાં તો કેટકેટલું બની ગયું. તેનો જીગરજાન અશ્ફાક તેને છોડીને જતો રહ્યો, ને નિરાશાનો માર્યો પોતે, કોઈક અજાણી જાળમાં ફસાઈ ગયો. તો હવે? કોને કરવી આ બધી વાત ? કેમ નીકળશે આમાંથી કોઈ રસ્તો ? વહેલી સવારમાં જ અનિકેતની નીંદર હરામ થઇ ગઈ.

**==**==**==**==**

"આ તો નહી જ ચલાવી લઉં. આ મારી દીકરીની જિંદગીનો સવાલ છે." ડો.અનિલ ઉંડા વિચારોમાં ગરક રાજકોટ એરપોર્ટ પર આંટા મારતા હતા, ચાલતાં ચાલતાં ક્યારે માનસિક સમતુલા ગુમાવી બેસી, સ્વગત બબડવા લાગ્યા તેનો તેમને ખ્યાલ ના રહ્યો."
આ તો નહીં જ ચલાવી લઉં, પ્રનીને પણ શોખ છે સામેથી પ્રોબ્લેમ્સ ઉભા કરવાનો. પણ પ્રનીને પટાવવી કંઈ અઘરી નથી, સહેજ વ્હાલ બતાવો, એકાદવાર ઢીલાં-પોચાં થઈ આંખમાં આંસુ લાવી દો. અને તો ય ના માને તો સુસાઈડની ધમકી આપો, કે તરત એ આપણાં વશમાં. યસ અને મીના તો એક્ષ્પર્ટ એકટર છે. તે આ કામ સરસ કરી જ શક્શે તેની મને ખાત્રી છે.""
આર યુ ઓકે સર ?" અજાણ્યો અવાજ સાંભળીને સહેજ છોભીલાં પડી ગયેલા ડો.અનિલે, બીજી જ મીનીટે પોતાની જાતને સંભાળી લીધી અને તેની ફિકર કરનાર અવાજ તરફ નજર કરી, તો પોતાની સામે તેમની તે જ વ્યક્તિને જોઈ કે જે કદાચ આ બધી સમસ્યાનું મૂળ હતો.
હા.. તેની સામે અશ્ફાક હતો.
અશ્ફાક, કે જે રાજકોટથી મુંબઈ પાછો ફરી રહ્યો હતો, ને ત્યાં જ એરપોર્ટ પર આમ રઘાવયાં રઘવાયાં આંટા મારતાં અને લવારીએ ચઢેલાં ડો. અનિલને જોયા, અને તેને નવાઈ લાગી, એટલે હળવેકથી તેમની પાસે જઈ તેમનો હાથ પકડીને તેમને સાવધ કરતાં તેમનાં હાલ પૂછ્યા."
નો નો. આઈ એમ ઓકે. આઈ એમ ફાઈન. એન્ડ યુ ?" આમ અચાનક અશ્ફાક સામે આવી જતાં એક પળ ખચકાઈ ને ડો.અનિલે વળતું પૂછ્યું."
આઈ'મ ઓલ્સો ફાઈન સર !"
એક બાપનાં દિલની તડપ કુદરતે સાંભળી લીધી હોય, એમ રાજકોટથી મુંબઈ આવતી ફ્લાઈટમાં બેઉની સીટીંગ એરેન્જમેન્ટ બાજુ બાજુમાં જ હતી. શનિવારની અડધી રાતની ફ્લાઈટ હતી, એટલે પ્લેનમાં બહુ ભીડ પણ નહોતી. સફળતાપુર્વક ટેઈક ઓફ થતાં જ ડો. અનિલે અશ્ફાક સાથે વાતચીત ચાલુ કરી. એકમેકનાં રાજકોટ આવવાનાં કારણોની આપ-લે કર્યા બાદ, તેઓ એ વાત પર આવી ગયા, કે જે જાણવાની ડો. અનિલને ઇન્તેજારી હતી. "
અબ બુખાર કૈસા હૈ ?" તેમણે અશ્ફાકની તબિયતનાં સમાચાર જીજ્ઞાસાવશ પુછ્યા.
તો તરત જ અશ્ફાકે બેફીકરાઈથી જવાબ આપ્યો."
મામુલી બુખાર થા સર ! આયા ઓર ચલા ભી ગયા. પર અંકલ એક બાત મૈં સચ્ચી સચ્ચી બતાઉ ? યે આપ ડોકટર લોગો કી, ‘કૈસે હો ? કૈસી હૈ તબિયત ?’ પુછને કી જો આદત હોતી હૈ, વો મુજે બહોત પસંદ હૈ. અરે, મૈ તો ભુલ ભી ગયા થા, કી મુજે બુખાર થા. પર દેખો.. આપકો યાદ હૈ. થેંક્યુ સર..!!"
અશ્ફાકનાં આવા ઉડાઉ જવાબથી અણગમા અને અકળામણનાં મિશ્રભાવો સાથે આંખો ઝીણી કરી અનિલે કહ્યુ, "ઐસા નહીં હૈ અશ્ફાક. મેરી ફિક્ર એકદમ જેન્યુઈન હૈ. એન્ડ યુ શુડ ઓલ્સો નો અબાઉટ ઈટ"
આમ તો બીજી બધી રીતે અનિકેત તેમને ય પસંદ હતો, પણ તેની આવી શારીરિક પાયમાલીનું કદાચિત કારણ એવો અશ્ફાક, અત્યારે તેમની સામે હતો. કદાચ આ જ યુવાનને કારણે તેમણે અને તેમની પત્ની મીનાએ પ્રણાલીને તેનાં પ્રેમીથી દુર કરવાની આ બધી જહેમત કરવી પડે છે, તેવી લાગણી થઇ આવતાં ડો.અનિલ વ્યથિત થઇ ઉઠ્યા હતાં. પણ ડો. અનિલનાં આવાં ઉત્તેજિત રૂપથી અશ્ફાક તો થોડો ડઘાઈ ગયો અને પૂછ્યું, "મૈ સમજા નહી સર, આપ ક્યા કહના ચાહતે હો ? ક્યા મુજસે કોઈ ગલતી હુઈ?"

"હું સમજાવું છું ને તને" ઉત્તેજનામાં અનિલનો અવાજ જરા ઉંચો થઈ ગયો, "એચ.આઈ.વી પોઝીટીવ એટલે એઈડસ જેવા રોગ, ફ્રી-સેકસ લાઈફવાળાઓને થવાનાં ચાન્સીસ વધારે હોય છે, એની તો તને ખબર હશે જ. ને તું અને અનિકેત એકબીજાની સાથે રહો છો, તો તમારી લાઈફ સ્ટાઈલ શું છે એની ખબર તો મારી કરતાં તમને જ વધુ હશે. પણ જો તું અને અનિકેત ગે-પાર્ટનર્સ હો, તો તમને બેઉને એકબીજાની ખામી-ખુબીની ખબર તો હોવી જ જોઈએ."

ડો.અનિલના મુખેથી ગે-પાર્ટનર્સ શબ્દ સાંભળતા જ અશ્ફાક ઝંખવાણો પડી ગયો. ડૉ.અનિલે આગળ કહ્યુ, " લેટ મી ઇન્ફોર્મ યુ અશ્ફાક, કે અનિકેતનાં ચાર દિવસ પહેલાનાં પેલાં મેડીકલ રીપોર્ટસ મુજબ તે એચ.આઈ.વી પોઝીટીવ છે..!"

"ક્યા...?"

"યસ, હી ઈઝ..! અને તારે પણ તારી સંપુર્ણ મેડીકલ-તપાસ કરાવી જ લેવી જોઈએ, કારણ તું પણ તાવની ફરિયાદ તો કરે જ છે, તો આ બધાં સીમટમ્સ કંઈ બહુ સારા સંકેત નથી. ડુ યુ ગેટ મી ?"

"મગર અનિકેતને તો મુજે ઐસા કુછ નહીં બતાયા."

"ક્યાંથી કહે ? એને પોતાને પણ હજી નથી ખબર." અશ્ફાકની વાત તોડતા ડો.અનિલે વાક્ય પૂરું કર્યું. અને પછી આગળની વાતચીતમાં ડો.અનિલે અશ્ફાકને વધુ માહિતી આપતાં કહ્યુ, કે આ વાતની અનિકેત કે પ્રણાલી બંનેમાંથી કોઇનેય એટલે જાણ નથી કરી, કે ભગવાન જાણે આ વાત સાંભળીને તેઓ કેવું રીએક્ટ કરે, પણ હા, અનિકેત એચ.આઈ.વી પોઝીટીવ છે, તે તો એક હકીકત છે.

અશ્ફાક ઉપર જાણે વીજળી ત્રાટકી. એના શરીરમાંથી ચેતન જ હણાઈ ગયું, શું કહેવું ? શુ કરવું ? કંઈ સમજાયું જ નહી અને મુંબઈ આવતાં સુધી તે સુનમુન બેસી રહ્યો. બંને મુસાફરો પોતપોતાની મૂંઝવણમાં ગૂંથાયેલા રહ્યા. એરહોસ્ટેસે પ્લેનની નીચે ઉતરવાનું ફરમાન ન કર્યુ હોત, તો અશ્ફાક તો જાણે કેટલાય કલાકો સુધી આમ જ જડ બનીને બેસી જ રહેત.

**==**==**==**==**

રાજકોટનું કામ બે દિવસમાં પતાવીને તે મુંબઈ તો આવી જ રહ્યો હતો, પણ તોય આ બધું સાંભળીને, અનિકેતનાં ઘરે ક્યારેય પાછા ન ફરવાનાં તેનાં મક્કમ ઈરાદામાં હવે કેટલાય ગાબડાં પડી ચુક્યા હતાં. અને તેનાં લથડતાં પગ અનાયસે જ અનિકેતનાં ઘરનાં રસ્તે ચઢી ગયા. તેનો યાર, તેનો જિગરજાન, તેનો ઈશ્ક.. એવો અનિકેત આમ જીવલેણ રોગનાં ભરડામાં ફસાયેલો હોય અને તે રીસાઈને તેનાંથી દુર રહે, એ અશ્ફાકનાં પ્રેમને ક્યારેય મંજુર નહોતું. કોણ જાણે કેટલાં દિવસ પછી તે અનિકેતનાં ઘરનાં પગથિયાં ચઢ્યો. અશ્ફાક માટે આ જગ્યાનું સ્પંદન કંઇક વિશેષ હતુ. અહીં જ એ નવેસરથી જિંદગી જીવતા શીખ્યો હતો. અહીં જ તે સ્વાવલંબી બનતા શીખ્યો હતો. અહીં જ તે અનિકેતના પ્રેમમાં પરાવલંબી પણ બન્યો હતો. પહેલાં પ્રેમની નિષ્ફળતાને પચાવતાં તે અહીં જ શીખ્યો હતો. એક્સેપ્ટ-એડજ્સ્ટ એન્ડ એચીવ જેવાં ચમત્કારી મંત્રને જીવનમાં ઉતારતાં, પણ તે અહીં જ શીખેલો."
આશુ..અશ્ફાક, મેરે યાર..માય બેબી...માય સ્વીટહાર્ટ..!"

અશ્ફાકે જેવો ઘરમાં પગ મુક્યો, કે તેને પાછો આવેલો જોતાની સાથે જ ગજબની અધિરાઈથી અને દબાવી ન શકાય એવી તીવ્રતાથી અનિકેતે હાથ ફેલાવી અશ્ફાકને તેની બાંહોમાં સમાવી લીધો.

"हो सके तो चले आओ, आज मेरी तरफ,
मिले भी देर हुई, और जी भी उदास है"

તો અશ્ફાકમાં પણ ક્યાં તાકાત હતી તેનાં પ્રેમને છુપાવવાની ? તેણે પણ પોતાનાં અનિને હાર્ટ-ક્રશીંગ હગ આપ્યુ. ગરદન પર અને ગાલ પાછળ કાન પર લીલાં ચકામાં ઉપસી આવે તેવી કીસથી નવરાવી દીધો, અને રવિવારની વહેલી સવારનાં ખુશનુમા વાતાવરણમાં એ બેઉ યાર તેમનાં બેડરુમની પરિચિત ભુગોળમાં પ્રવેશી ગયા. બંનેની માનસિક હાલત એવી હતી, કે એકમેકની હુંફની બંનેને સખત જરૂર હતી. એકનાં હૈયે, ‘અટવાઈ ગયા’ની અસહાયતા હતી. તો બીજાનાં હૃદયમાં પોતાનાં જીગરીની તબિયતની ચિંતા સાથેની કરુણા હતી.

આવી ડામાડોળ હાલતમાં પણ આ બંને સાચા દોસ્ત, સાચા પ્રેમીઓ પોતપોતાની જાત એકમેકને શારીરિક રીતે સોંપવામાં બિલકુલ ન ખચકાયા. પોતાનો પ્રાણપ્યારો ગંભીર રોગગ્રસ્ત છે, તેનાં ડર કરતાંય વધુ ઘેરો તો અશ્ફાકનો તેની તરફનો પ્રેમ હતો, ને આમે ય આ વખતે તો પેલું ‘પ્રોટેક્ટીવ’ સાધન પણ હાથવગું જ હતું, તો તે વાપરવાનું ય તેઓ આ વખતે ન ચુક્યા.

**==**==**==**==**

સરૈયા હાઉસનાં લક્ઝુરીયસ બંગલાનાં વિશાળ માસ્ટર-બેડરુમનાં કીંગસાઈઝ બેડ પર લંબાવીને રવિવારની તે વહેલી સવારે મીનાબહેન ડો.અનિલનાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. બારીનાં પડદામાંથી રુમમાં આછો પ્રકાશ આવતો હતો. એસીની ઠંડક આખાય રુમમાં પ્રસરેલી હતી. મીનાબહેન છત ઉપર લટકતાં ઝુમ્મરને એકીટસે જોઈ રહ્યા હતા. એ યાદ કરતાં હતાં, કે છેલ્લે નિરાંતની ઉંઘ એમણે ક્યારે લીધેલી ? મીનાબહેનને ઉંઘમાં ય પ્રણાલીનાં વિચારો સતાવતાં હતાં. ઉંઘ પુરી ન થવાને લીધે માથું સબાકા મારતું હતું. આંખો પર જાણે કે મણ-મણનો ભાર આવી પડ્યો હોય, તેમ આંખો પાંપણનો ભાર ઝીલી શક્તી ન હતી. એક અજાણ્યો થાક આખા ય શરીરનો ભરડો લઈ ચુક્યો હતો. પ્રની અનિને પસંદ કરી ચુકી છે; અનિલ અનિકેતની બિમારીથી ચિંતિત છે; અનિલની ઈચ્છા છે કે પ્રની અનિકેતથી દુર રહે અને એ માટે તેને સમજાવવી પડશે. પણ....જો પ્રની ધરાર નહીં માને તો ? આ વિચારે મીનાબહેનનું હ્દય એક ધબકારો ચુકી ગયું. એક આંચકો આવી ગયો, કે કઈ રીતે સહન થશે આવી પરિસ્થિતિ ? જો આવું થશે, તો સંબધોનાં સમીકરણ બદલાઈ જશે. આજ સુધી આ ઘરમાં ત્રણ જણ હોવા છતાં ય, એક હતાં. પણ કદાચ કાલે ઉઠીને ત્રિકોણનાં અલગ-અલગ ત્રણ ખુણાઓ સર્જાઈ જશે તો ? સવાર થવાને થોડી જ વાર હતી, સુરજ ખુબ ધીરે ધીરે ઉગી રહ્યો હતો. મીનાબહેન ઉઠીને બાલ્કનીમાં આવ્યા તો ડો.અનિલની ગાડીની હેડલાઈટનાં અજવાળાથી પણ તેમની આંખો અંજાઈ ગઈ. ગાડીમાંથી ઉતરીને અનિલ સીધા જ તેમની પત્ની પાસે તેમનાં બેડરુમમાં ચાલ્યા ગયા. જાણે કશું જ કહેવાનું નથી, એમ અનિલે આવતાંવેંત બેડ પર લંબાવ્યુ અને આંખો મીંચી દીધી. થોડીવાર એક્ધારા ઉંડા ઉંડા શ્વાસ લીધા, પછી બાલ્કનીમાં મુકેલા ટીકવૂડનાં કિંમતી સોફા પર જઈને બેઉ બેઠા, અને તેમણે વાત કરવાનું શરુ કર્યુ."
મીના, તું તો કૉલેજમાં નાટક ડ્રામામાં ભાગ લેતી હતી ને ?""
હા...અને એકટીંગમાં નંબર પણ લઈ આવતી હતી, હું. જો જીવન-સાથીરુપે તમે ન મળ્યા હોત, તો નાટક-ફિલ્મોની દુનિયામાં ક્યાંય ઢસડાતી હોત.." મીનાબહેનએ જવાબ આપ્યો."
હ્મ્મ્... એકટર છો તો તારી આવડતને વાપર ને ! એનકૅશ કરી લે તું, તારા માતૃત્વને. પ્રની અનિકેતને મળવા જ ન માંગે એનું મોં જોવા પણ ન માંગે એવું કંઇક કર. મને ખબર છે આ માટે તારે પ્રની માટેની એવી લાગણીશીલતાનું નાટક કરવું પડશે, કે પ્રની તને છોડીને જવાનો વિચાર જ ન કરે. તારે કદાચ સુસાઈડની હળવી ધમકી પણ આપવી પડે. પણ તું એક સરસ જન્મજાત એક્ટર છે. આટલું તો તું આરામથી કરી જ શકીશ."

**==**==**==**==**


બાલ્કનીની બરાબર નીચે બંગલાના પ્રાંગણમાં આવેલ વિશાળ લૉનમાં રવિવારનાં ઉગતા સુર્યને જોવા આવેલી પ્રણાલી, તેનાં ડેડીનાં આ બધાં જ શબ્દો સાંભળી રહી. ધરતીકંપ આવ્યો હોય અને આખુંય વિશ્વ ડોલતું હોય એમ, એને ચક્કર આવી ગયા. તેનાં પગ નીચેથી જાણે ધરતી સરક્તી હોય તેવું તેને લાગ્યું, આંખે અંધારા આવી ગયા અને ગળે શોષ પડવા લાગ્યો. એક પિતા જ ઉઠીને એક માતાને પોતાની દિકરીનાં પ્રેમને નિષ્ફળ બનાવવાનાં કાવતરાંમાં નાટક કરવાનું સુચન કરે ? પ્રેમમાં સફળ થવા સાથ આપવાને બદલે, એની વિરુધ્દ્ધ દીકરીનાં દિલ સાથે ખિલવાડ કરવાના પેંતરા રચે ?
ને પ્રણાલી બાલ્કની નીચેથી ખસી જઈ સફેદ ફુવારા પાસેની ખુરશીમાં ફસડાઈ પડી.

**==**==**==**==**

ટીંન્ન્ન્ન્ન....ટીંન્ન્ન્ન્ન્ન્ન્ગ્...!

મિતુલે બેડમાં સુતાં સુતાં જ સ્ટડીલેમ્પ પાસે પડેલો સેલફોન રીસીવ કર્યો. હજુ 'હલ્લો' પણ નહોતું કહ્યું, કે સવાર સવારમાં પેલા ગોવાવાળા ટોનીની કઝીન, સ્ટેલા મેથ્યુનો કર્કશ અવાજ સંભળાયો, "મિતુલ-સર, તમને ફોન કરવા જેટલાં પ્રયત્ન કર્યા એટલાં પ્રયત્ન ભગવાનને ફોન કરવા કર્યા હોત, તો તેઓ પણ કદાચ પ્રસન્ન થઈ જાત."

નશામાં ધુત મિતુલને સ્ટેલા મેથ્યુનો તૂટક તૂટક તરડાયેલ અવાજ સાંભળી ચીડ ચઢી."
શું છે મિસ મેથ્યુ ? સન્ડેની આટલી વહેલી સવારે ફોન કેમ કર્યો છે ?""
અરે સર, બે દિવસથી ટ્રાય કરુ છું પણ તમારો નંબર લાગે તો ને !" એક મોટા ઓડકારે સ્ટેલા મેથ્યુને આગળ બોલતાં અવરોધી. હા, વાત તો સાચી હતી મેથ્યુની. રત્નાગીરીનાં રીમોટ એરિયામાં આવેલ આ રિસોર્ટમાં કનેક્ટીવીટીનાં વાંધા હતા. આ ચાર દિવસથી પોતે ગોવામાં હતો, ને તેનો પ્લાન તો ટોની સાથે મુલાકાત પતાવીને તરત મુંબઈ પાછા ફરવાનો હતો, પણ આ રીસોર્ટનાં માલિકે તેને પોતાનાં ફાર્મહાઉસ/રિસોર્ટ પર બે દિવસ માટે તેનાં ગેસ્ટ બનવાનું આમંત્રણ મોકલ્યુ, તો તેમને ના પણ કેમ પાડવી ? આમેય ગોવાથી મુંબઈ જતાં રત્નાગીરી તો વચ્ચે આવતું જ હતું. "
મિતુલ સર...! હેલો...હેલો..." સામે છેડેથી મેથ્યુનાં અવાજે તેને આગળ વિચારતાં અટકાવ્યો"
સાંભળુ છું બોલ." મિતુલે અકળાઈને કહ્યુ."
એક ગરબડ થઈ છે, ખબર છે તમને ?" મેથ્યુએ સામેથી સવાલ કર્યો."
ના નથી ખબર. શું ગરબડ કરી તે ?" મિતુલે ચિડાઈને પુછ્યુ."
એ જ તો કહેવા કાલની ફોન કરું છું પણ તમે મળતાં જ નથી સર." મેથ્યુની વળતી દલીલથી મિતુલ ખુબ ગુસ્સે થયો અને મોટેથી બોલ્યો."
હવે ભસીશ શું ગરબડ કરી તે ?""
છેલ્લા કેટલાય મહિનાઓથી તમારી સુચના મુજબ ડો.અનિલનાં પેશન્ટોનાં રીપોર્ટસમાં હું વ્યવસ્થિત ફેરબદલી કરું છું...""
હા, તો કંઈ મહેરબાની કરે છે ? કીમતે ય આપું છું ને તને? આ કામ માટે જ તો મેં તને, મારી ભલામણથી તેને ત્યાં કામે રખાવી છે. અને તે પણ એટલા ઊંચા પગારે કે જે તેં સપનામાં ય નહીં વિચાર્યો હોય. તદુપરાંત હું જે પૈસા આપું છું, તે તો અલગ. આ બધું એટલાં માટે, કારણ કે તું ‘ફોટોશોપ’ અને એવાં એવાં સોફ્ટવેરમાં એક્ષ્પર્ટ છો, અને કોમ્પ્યુટર દ્વારા રીપોર્ટમાં તેં કરેલ ચેડા અને ફેરફાર સહેલાઇથી કોઈ પારખી નથી શકતું. તો અત્યારે હવે આ વાત મને યાદ દેવડાવવાની જરૂર ખરી?"

"ના સર. પણ મારી વાત તો સાંભળો."

"જો સ્ટેલા, તારું આ જ ખાસ કામ છે, કે તું ડો. અનીલનાં દર દસમાંથી ત્રણ-ચાર પેશન્ટનાં રીપોર્ટસમાં નજીવા એવા ફેરફાર કરી તેમને ગેરમાર્ગે દોરે. પરિણામે તેમની ટ્રીટમેન્ટ ખોટી કે ઓછી પડે, ને તેમનાં પેશન્ટ તેમનાંથી નારાજ થઇ બીજી હોસ્પિટલમાં ચાલ્યા જાય. તેમની રેપ્યુટેશન ડાઉન થતી જાય, અને ધીરે ધીરે ફાઈનાન્શીયલી તેઓ મારી લેવલમાં આવી જાય.""
યુ આર રાઈટ સર. આઈ અગ્રી. પણ આ વખતે થોડો પ્રોબ્લમ થઇ ગયો છે. આઈ એમ સોરી સર.""
હેં ? શું ? શું થયું ? અત્યાર સુધી ભસતી કેમ નથી? ચલ જલ્દી બોલ.""
આ વખતે સર, તેમનાં એક પેશન્ટનાં રીપોર્ટમાં ફેરફાર કરતી વખતે, નાનો-મોટો પણ સાવ બીજો જ કોઈ રોગ દાખવવાને બદલે, મારાથી HIV+ લખાઈ ગયું.""
વૉટ ? વૉટ ?""
હા સર. અને તે પછી તો ડો. અનિલે તે પેશન્ટનું બ્લડ, રી-ચેક કરવા લાઈફ-લાઈન હોસ્પિટલમાં મોકલાવ્યું. તો મારી આ ચોરી પકડાઈ ન જાય, તે માટે મારે ત્યાંના ડો અનિરુદ્ધ દેસાઈનાં રીપોર્ટમાં પણ આવો જ ફેરફાર ફરી પાછો કરવો પડ્યો. આમ વાત હવે વધતી જ ચાલી છે, અને મને હવે બહુ ડર લાગે છે. સોમવારથી જ હું તમને ફોન કરવાનો વિચાર કરતી હતી, પણ હિમ્મત થતી નહોતી. પછી આખરે, તમને સાવચેત તો કરવા જ જોઈએ, તેવું લાગતા પરમદિવસથી હું.." "
પેશન્ટનું નામ શું છે ? અનિકેત પંડ્યા ?""
યસ સર. પણ તમને કેવી રીતે ખબર ?""
શટ અપ..!"
સ્ટેલા મેથ્યુની આ વાતે મિતુલનો ગઈ કાલ રાતનો બધો નશો ઉતારી દીધો. તેને હજુ પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો. અદેખાઈનાં માર્યા આજ સુધી પોતે અનિલનાં કેટલાય પેશન્ટનાં રીપોર્ટ્સમાં નાના મોટાં ફેરફાર કરાવી અનિલની ટ્રીટમેન્ટને ખોટી દિશાએ ચઢાવી હતી, પણ..પણ HIV+?

“આ બેવકૂફ સ્ટેલા મેથ્યુએ આવું કર્યું જ શું કામ? આવી મોટી ભૂલ? અને એ પણ એ જ છોકરા સાથે, કે જેને અનિલ પોતાની દીકરી માટે પસંદ કરી ચુક્યો છે; પ્રણાલીને એની સાથે પરણાવવા માંગે છે. અનિલનેય આ છોકરા પ્રત્યે લગાવ છે, તો નક્કી હવે તે આ અનિકેતને મુંબઈની બીજી મોટી હોસ્પિટલોમાં લઈ જશે. મોટાં ડોકટર્સનાં ઓપિનિયન પણ લેશે જ. અને કદાચ હવે બહુ જલ્દી, પોતાનો ભાંડો ફુટી જશે.”

આવા આવા વિચારોએ મિતુલને હચમચાવી દીધો. અનિલનાં હાથમાં કોઈ નક્કર પુરાવા આવે, એ પહેલાં આ સ્ટેલાએ ત્યાંથી ભાગવું જ પડશે. તેને ત્યાંથી હવે ગાયબ કરવી જ પડશે. સાવધ થઇ ગયેલ મિતુલે, હવે સ્ટેલા મેથ્યુને અનિલની હિલચાલ પર ચાંપતી નજર રાખવાની સુચના આપી, ને તરત જ ફોન કાપી નાખ્યો.

પણ વિચારોમાં ગરકાવ એવાં મિતુલનાં મગજમાં થોડીવાર પછી, અનાયસે જ કોઈ એક નજરઅંદાજ થયેલો વિચાર ઝબકી જતાં, તેનાં ચહેરા પર એવી ખુશી છલકાઈ ગઈ, જાણે વર્ષોથી બંધ પડેલા તાળાની ચાવી મળી ગઈ હોય.

મરક મરક થતાં મિતુલે મોબાઈલમાં ટાઈમ જોયો, અને તેની આંગળીઓ કી-પેડ પર ફરવા લાગી."
દિલવાલો કી દિલ્હી દુર જરુર હૈ, પર નામુમકીન નહીં... [ક્રમશ:]
.
--રીટા ઠક્કર..