સ્ટોરી ઓફ અ સ્ટોરી-ટેલર Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટોરી ઓફ અ સ્ટોરી-ટેલર

સ્ટોરી ઓફ અ સ્ટોરી-ટેલર

વાત સ્ટોરી ટેલરની છે એટલે તેને કહીશ પણ સ્ટોરીની જેમ જ!

આ કોઈ સફળ થવા જઈ રહેલા માણસના વખાણ નથી, કે નથી એની ફિલ્મનું પ્રમોશન. આ એક યુવાનના ડાયરેક્ટર બનવા માટેની સંઘર્ષની એવી ગાથા છે જે તમને ક્યાંય મળશે નહી, કોઈ કહેશે નહી. એ માણસતો નહી જ કહે કારણકે એને માટે એ સંઘર્ષ જેવું છે જ નહી. જ્યારે તમે તમારા હૃદયના અવાજને અનુસરો છો ત્યારે કશું સ્ટ્રગલ-સંઘર્ષ જેવું હોતું જ નથી. બધું જ જીંદગીની આપેલી ચોકલેટના નામે ખપાવી દેવામાં આવે છે.

આજથી દોઢ વરસ પહેલાની વાત છે. એક રાત્રે મને ત્રીસેક વર્ષના એક યુવાનનો ફોન આવે છે. મારી ઈ-બુક વિશ્વમાનવ એણે વાંચી હતી. એને ખુબ ગમેલી. એણે વખાણ કર્યા. મેં સાંભળી લીધા. મારે વખાણ નહોતા સાંભળવા. મારે એ માણસ સાંભળવો હતો. થોડા દિવસ પછી જય વસાવડાના હાથે સેપ્ટ યુનિવર્સીટીમાં વિશ્વમાનવનું લોચ હતું. ત્યાં એ જવાનીયો ફરી મળ્યો. હું તો પહેલી જ બુકના સફળ લેખક તરીકે હવામાં હતો. બુક લોંચ પછી એણે મને એના ઘરે જમવાનું આમંત્રણ આપેલું. હું ના ગયો. લેખક ના જાય કોઈ અજાણ્યાને ત્યાં!

દિવસો પછી એક રાત્રે એનો ફરી ફોન આવે છે. એ પોતાની લાઈફ કહે છે. એ કોમ્પ્યુટર એન્જીનીયર છે. જેતપુર માંથી અમદાવાદમાં આવ્યો છે. વાઈફ છે, દીકરો છે, માં-બાપ છે, અને ખુબ મોટી એવી સિતેર હજારની સેલેરી છે. પણ? જીવ નથી. એક સપનું એના હ્રદયમાં આગ ભરીને બેઠું છે. એક સપનું એને ઊંઘવા નથી દેતું. એની આંખ સામે બે રસ્તા છે: 1) જીંદગીભર લાખોના પગારની એન્જીનીયરની જોબ કરતા કરતા કુટુંબને પાળી-પોષી આગળ એક દિવસ મરી જવું. ૨) મરતા પહેલા એકવાર એ સપનાને જીવતું કરવું. ફિલ્મ ડાયરેક્ટ કરવી.

એ સમયે તો અભિષેક જૈન સિવાય કોઈ ગુજરાતી ફિલ્મોમાં ડંકો વગાડી શક્યું ન હતું. એને ગુજરાતી ફિલ્મ બનાવવી હતી. એનો ફિલ્મો જોવા સિવાય ફિલ્મ મેકિંગનો એક નાનકડો કોર્સ પણ નહોતો કર્યો.

‘શું નામ છે તમારું?’ મેં પૂછ્યું. ‘નીરવ બારોટ’ એણે કહ્યું. ‘યાદ રાખજો. હું ભૂલવા નહી દઉં’ એણે કહેલું.

બસ...આજે હું એમના વિષે લખું છું કારણકે એ રાત પછી અમે કેટલીયે રાત્રીઓ સુધી ફોન પર વાતો કરી. રૂબરૂ મળ્યા. સાહેબ...કશું સીધા રસ્તે મળતું હોતું. સપનાઓ સુવા નથી દેતા. અંદરની આગનો અવાજ નથી હોતો. લેખક તરીક સ્ટ્રગલ તો હું પણ કરતો હતો. પણ મારી પાસે ગુમાવવા કશું ન હતું. હું સિંગલ. કોઈ ખર્ચો નહી. જ્યારે તમારી પાસે કશું ગુમાવવાનું ન હોય એ ઉંમરે સપનાઓની વાતો સહેલી હોય છે. નીરવ બારોટને તો નોકરી છોડીને જો ગુજરાતી ફિલ્મ બનાવવાનું ચાલુ કરે અને નિષ્ફળ જાય તો પાછળ રઝળી પડનારા ઘણા હતા. લોન પર લીધેલા ઘરની લોન કોણ ભરે? માં-બાપ-દીકરો-પત્ની...આ બધાનું પેટ કોણ ભરે? જ્યારે નિષ્ફળતા તમને લાફો મારે ત્યારે જાતને સંભાળી લો, પણ પોતાના માણસોનું શું?

નીરવભાઈ મારા મોટા ભાઈ જેવા બની ગયેલા એટલે મેં ખુબ ચેતવેલા. એ રોજે રાત્રે ‘થઇ જશે’નો સ્ક્રીનપ્લે લખતા. દિવસે નોકરી કરતા. મોડી રાત્રે અમે બંને એમની લખેલી સ્ટોરીની વાતો કરતા. ગુજરાતી ફિલ્મ-મેકર તરીકે નિષ્ફળ જવાના હજાર બહાના મેં આપેલા.

એક રાત્રે ફરી ફોન આવ્યો. “આજે નોકરી છોડી દીધી છે. પરિવાર માટે થોડા રૂપિયા છે. હાથમાં લખાયેલી સ્ક્રીપ્ટ છે. હવે આ બારોટનો બેટો ઉભો નહી રહે. મારી આખી પેઢીમાં કોઈએ આવું કર્યું નથી. હું કરી રહ્યો છું. કોઈ દિવસ ભૂખ્યો મરીશ એ પાકી ખાતરી છે પણ...’થઇ જશે’.”

...અને પછી ચાલુ થઇ રીયલ લાઈફની હાડમારી. જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ તો ઉભી થતી હોય, કોઈ પ્રોડ્યુસર મળે નહી. કોઈ એક્ટર નવા ડાયરેક્ટર પર ભરોસો મુકે નહી. નવી-નવી ફિલ્મો આવે પણ એ બધી જ કોમેડી! કોમર્શિયલ. પ્રોડ્યુસર કહે કે કોમેડી બનાવો તો જ અમને અમારા રૂપિયા પાછા મળે. ‘થઇ જશે’ સાથે આ યુવાન એવા ‘સેટિંગ’ ના કરે. પહેલી ફિલ્મ તો પહેલા બાળક જેવી હોય છે. એ જેવું છે એવું છે.

છેલ્લા દિવસોમાં અમારી દોસ્તી અને એનું સંઘર્ષ ખુબ વધી ગયા. એ એકલા હાથે ખુબ દોડ્યો. એ કેટલીયે વાર ભાંગી પડ્યો. ભાંગી-ભાંગીને ઉભો થયો. એ ઘણીવાર વડોદરા આવશે. અમે બંને રસ્તા પર ઉભા-ઉભા વાતો કરીશું. એ રાડારાડ કરશે કે – પ્રોડ્યુસરને મારી કહાની જોવી જોઈએ. એમાં દમ છે તો પછી એને કોમેડીની કેમ પડી છે? (એ સમયે ‘છેલ્લો દિવસ’ પણ થીયેટરના રેકોર્ડ તોડતી હતી, એટલે પ્રોડ્યુસરને તો એવી ફિલ્મોમાં જ રૂપિયાનું વળતર દેખાય) પણ કોઈએ તો શેઢાઓ તોડીને આડા રસ્તા લેવા પડે. સાચો પાયોનિયર એ છે. રસ્તો ન મળે તો રસ્તો બનાવે.

પેલી એક ચવાઈ ગયેલી વાત છેને કે ‘જ્યારે તમે પુરા દિલથી કશુંક ચાહો તો આખું યુનિવર્સ તમને મદદ કરવા આવી જાય’, પણ ગુજરાતી ફિલ્મના મેદાનમાં જ્યારે ચારે તરફ કોમેડી ચાલતી હોય ત્યારે ‘એક સામાન્ય યુવાનની શહેરમાં આવીને જીવાતી જીંદગી’ની થીમ પર ફિલ્મ બનાવવાની વાત આવે તો પ્રોડ્યુસર શું, આખું યુનિવર્સ ભાગી જાય. પરંતુ ઘણીવાર સપનાઓની તીવ્રતા જ એટલી હોય છે કે માણસ યુનિવર્સને ઓર્ડર કરી દે કે હવે હવે મદદમાં આવ નહીતો નહી મજા આવે.

ધીમે-ધીમે ટીમ બનવા લાગી. નીરવ બારોટ એકલો મુંબઈ મનોજ જોશીને મળવા જઈ આવ્યો. એ ફાઈનલ થયા. હીરો મલ્હાર ફાઈનલ થયો. અમદાવાદમાં એક નાનકડી ઓફીસ ચાલુ થઇ. બધું જ એક સપનાના જોરે! ફિલ્મનું શુટિંગ પણ ચાલુ થયું.

ફિલ્મ બનતી વખતે મેં જ્યારે-જ્યારે નિરવ બારોટને અમદાવાદમાં રૂબરૂ જોયો ત્યારે એના ચહેરા પર જે જનુન જીવતું હતું એ જોયેલું. આજ સુધી એ જનુન દેખાયું છે. થોડા દિવસ પહેલા ‘થઇ જશે’ ફિલ્મનું ટ્રેલર પણ આવ્યું છે. (યુ-ટ્યુબ પર છે જોઈ લેજો.) (કોઈ વાંચકને આ શબ્દો સાથે રમીને ડાયરેક્ટર ના ખોટા વખાણ કરીને માર્કેટિંગ ના લાગે એટલે ટેઈલર પણ શેર નથી કરતો.)

ખેર...એ બારોટનો બેટો છે. સ્ટોરી-ટેલીંગ બારોટોના લોહીમાં હોય છે. જોઈએ થોડા દિવસોમાં આવનારી ‘થઇ જશે’માં કેટલો જીવ છે. પણ હા...મને એક સનાતન સત્ય ખબર છે. એ સત્ય એ છે કે:

એ ત્રીસ વર્ષના માણસે પોતાના પુરા જનુનથી કામ કર્યું છે. એના સપનાઓ, એની આવડત, એનો રૂપિયો, અને એનો પરસેવો રેડીને ફિલ્મ બનાવી છે. જ્યારે ફિલ્મ આવે છે ત્યારે કેવી હશે એની મને નથી ખબર. પણ એ ફિલ્મ બનાવતા પહેલા એક સપનાને આકાર લેતા મેં જોયું છે. આજે આ લખું છું એ એની દોસ્તી કે વાહવાહી કે લાઈક્સ માટે નથી લખી રહ્યો, પણ પોતાની જીદથી ઉભા થયેલા એક ગરીબ ઘરના ફિલ્મ-મેકરની વાત કહેવા માટે લખ્યું છે. મને ખબર છે આ વાત બીજું કોઈ નહી કરે.

છેલ્લે: માણસ ઉભો થાય, સપના જુએ, બધું બાજુમાં મુકીને એક રાત્રે પરિવારને સપનું કહે. પરિવાર એ સપનાની મંજુરી આપે. દિવસ-રાત મહેનત થાય, અને પછી એક દિવસ સફેદ પડદા પર એ સપનું જીવતું થાય. આ બધી ઘટના લખવામાં ઘટના બે લીટીમાં પૂરી થઇ જાય છે, પણ એને સાકાર કરનારો નહી.

નીરવ બારોટ...તારી જીદને તારા દોસ્તની સલામ છે. બાકી બધું થવાનું હશે તે રીતે ‘થઇ જશે’