સરે રાહ ચલતે ચલતે ........! Gopali Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરે રાહ ચલતે ચલતે ........!

સરે રાહ ચલતે ચલતે ........!

એકાદ ઢેબરું ચાલશે ? ટ્રેનમાં સામેની સીટ પર બેઠેલાં બ્યુટીફૂલ બહેને એમની સામે બેઠેલા ભાઈને પૂછ્યું.ડબ્બો ખોલતાની સાથે જ મેથી અને લસણના કોમ્બીનેશનની સુગંધ ચોમેર વેરાઈ ગઈ.મને પુછ્યું હોત તો મેં ચોક્કસ હા કહી હોત.ના જાણે કેમ પેલા ભાઈ ખચકાયા .એમના ચહેરા પરના ભાવ તો ચાડી કરતા જ હતા કે મેથીનું ઢેબરું અને બહેનનો નીખાલસ લહેકો એમને તરબતર તો કરી જ ગયા છે.પણ ,બહેનના આગ્રહ સામે ભાઈ ટસ ના મસ તો ના જ થયા .અચાનક જ મારુંધ્યાન સામે મઢેલા સૂચના પત્રક પર ગયું ,જેમાં સાફ લખ્યું હતું કે ટ્રેનમાં અજાણ્યા યાત્રી પાસેથી કશું લેવું નહિ.

બસ ! ખલ્લાસ !ટ્રેન જેટલી જ ઝડપી ગતિએ મારી વિચાર યાત્રા પણ ચાલવા લાગી.શું વખત આવી ગયો છે.સાલુ,માણસને માણસનો ભરોસો નહિ કરવાના બોર્ડ મારવા પડે છે ને રેડીયામાં રોજ “આદમી હું આદમી સે પ્યાર કરતા હું “ સાંભળવાનું !આ કેવો પ્યાર ભાઈ ,જેમાં એકબીજાનો વિશ્વાસ ના કરી શકાય ?કદાચ વિશ્વાસ નામનો શબ્દ હવે સો કોલ્ડ પ્રેમી પુરતો સીમિત રહી ગયો છે એવું ફિલ થાય છે .

મને યાદ આવી ગયો મામાના ઘર તરફની ટ્રેનનો એ ડબ્બો- જેમાં બધાના ડબ્બા એક સાથે ખુલતા અને ટ્રેનમાં થેપલા ,છુંદો ,કેરીનું અથાણું,બટાકાની સુકી ભાજી,છાશ,દહીં ની મિશ્ર સુગંધ પ્રસરી જતી.છાપાના કટકા,સ્ટીલની નાની પ્લેટ,પ્લાસ્ટીકની ડીશ ટોવેલ કે શેતરંજી ઢાંકેલા કાપડના થેલા માંથી બહાર નીકળતી.ચમચી અને ગ્લાસ સાથે. ડીસ્પોઝેબલનો જમાનો નહોતો અને એટલે જ ત્યારે માણસ રીલાયેબલ હતો.બર્થ નીચે ગોઠવેલો થેલો કાઢવા મથતી ‘મા’ની મથામણ જોઇને કોઈપણ ભાઈ બોલ્યા વગર હાથ લંબાવી થેલો કાઢી આપતો.સહેજ આઘો-પાછો થઇ અજાણી બહેના અને છોકરાઓ જમી શકે એવી વ્યવસ્થા આપોઆપ કરી દેતો.થેંક ગોડ,ત્યારે મોબાઈલ નહોતા ને હાથ બીજાને મદદ કરવા ફ્રી રહેતા.અને બહેન પણ અજાણ્યા ભાઈ ની ડીશ પૂછ્યા વિના પીરસી જ દેતી.ત્યારે ‘લો ભાઈ.થોડું ચાખો ‘ ના નિર્દોષ આગ્રહ સામે ના કહેવાતી.પછી તો તમે ક્યાંના ?ક્યા જવાના ? ત્યાં કોણ ?ઓહોહોહો ,ફલાણાને ઓળખો ? ઢીકણા તો મારા સગા થાય ,એમ ઓળખાણોની ખાણ નીકળતી.બહેન છોકરાઓને મુસાફરના ભરોસે મૂકી બાથરૂમ જઈ શકતી. ડીશ ધોવા જઈ શકતી.ક્યારેક નિશ્ચિત થઈને સુઈ પણ જવાતું.સાવ અજાણ્યાના ભરોસે જ .કુંજા (જો યાદ હોય તો )નું પાણી ખલાસ થાય તો કોઈ પણ મુસાફરને અડધી રાતે પણ કહી શકાતું કે ભાઈ આગળના સ્ટેશનથી પાણી ભરી આપશો ?અથવા જાતે ઉતરીને પણ જઈ શકાતું.સ્ટેશન પર પીવાના પાણીના નળ લાગેલા રહેતા અને એમાં પાણી પણ આવતું .ત્યારે ‘બીસલેરીની ‘મોંઘી દાટ બોટલો નહોતી.લોકો નળનું પાણી પીને પણ માંદા નહોતા પડતા જે અત્યારે મીનરલ વોટર હોવા છત્તા ના સાંભળ્યા હોય એવા રોગના નામ ધારણ કરીને પણ માંદા થવાય છે.મને યાદ છે કે જુનાગઢ ,ભાવનગર જતા હોઈએ ટ્રેનમાં ત્યારે મારા પપ્પા સ્ટેશન પરથી પાણી ભરી આવતા.હકડેઠઠ ભીડવાળી ટ્રેનમા લોકો નીચે પથારી કરી સુતા તો પણ કોઈને ના નડતા .અત્યારે આપણે માણસને બેસવાની પણ જગ્યા નથી આપી શકતા .આપના જીવ સાવ ટુંકા થઇ ગયા છે ણે નામ મોટા .

ટ્રેનની ભીડમાં સૌ પોતાના નસીબનું કમાઈ લેતા .સ્ટેશન પરથી વિવિધ વસ્તુના વેચાણ માટે પડતી બુમનો એક અલગ લહેકો હતો.માટલું માથે મૂકી નીકળેલી બાઈ કે માજીનો લહેકો ‘પા.........ણી...,ઠન્ન્ન્નન્ડું પા..આ..ણી “દરેક સ્ટેશન પર પાણી માટે સરખો જ લાકેકો હોય .વેચનાર ભલે સ્ત્રી,પુરૂષ કે બાળક હોય .બોલો ,એના ક્લાસ હતા ?કોણ નક્કી કરતુતું એનો સુર ?તો પણ સરખો હતોને ?કારણ એ સુર પાણીની તરસથી પરિચિત હતો.ત્યારે પાણી પાણી કહીને વેચાતું.અને અત્યારે પાઉચ કહીને વેચાય છે દોસ્તો.આટલો ફરક છે સ્ટીલના પવાલા અને પ્લાસ્ટીકના પાઉચ વચ્ચે.

કેટલાને યાદ છે “દાઆઆઆઆ....ળ –મસ્સાલે દાઆઆઆઆળ”ડબ્બામાં એન્ટર થાય ત્યાં જ ખાટ્ટી ખાટ્ટી સુગંધ મોઢામાં પાણી લઇ આવે.માથે ટોપલો મુક્યો હોય એ નીચે ગોઠણ પર ટેકવી કાગળમાં મસ્ત મજ્જાની ખટમીથ્થી ચણાની ડાળ બનાવી આપે.ડુંગળી ,ટામેટા અને કેરી અથવા લીંબુ પર એની છરી ફરતી હોય એ જોવા ઉપરની બર્થ પર મસ્તી માટે ચડેલા છોકરાં અડધે માથે ટીગાઈ રહ્યા હોય .ત્યારે પડીકા નહોતાને ?જેટલી નવી વસ્તુ આવે એ જુનીનો ભોગ તો લઇ જ જાય છે.નવીનતા આવકાર્ય ચોક્કસ છે જ ,પણ ક્યારેક એ માણસને માણસથી દુર કરી મુકે છે.દુઃખ એ વાતનું છે.

કાંસકા,પીન,રબ્બર,રમકડા,ફ્રુટ બધું જ વેચાતું.કોઈ ખાલી હાથે ના જાતું.અને પેલા પથથર હાથમાં લઈને “તું એક પેસા દેગા,વો દશ લાખ દેગા”વાળાં બાળકો પણ જોળીમા કશુક પામીને જતા.એ બધાના નસીબ પર સેફ્ટીનો કાળો કુચડો ફરી ગયો છે હવે તો.

“ચાય્ય્ય્ય ગરમ ,ગરમ ચય્ય્ય્ય “એ લહેકો પણ કોઈ પણ સ્ટેશને સરખો જ હોવાનો.એક સરખા ઘાટના કપ-રકાબી હોય.નાકાની જગ્યાએથી સરખા જ મેલા હોય તો પણ એમાં રેડાતી ઉકળતી ચાની એક અલગ ફ્લેવર હતી.એકદમ લાલ અને ગળચટ્ટી.કડક મીઠી ચા.સવારમાં ચાર વાગ્યાથી બુમ સંભળાય.કયું સ્ટેશન આવ્યું એની ખબર પણ ચાની સુગંધથી પડી જાય.કપ રકાબીનો ખખડાટ ત્યારે ગમતો.સ્ટેશન આવે ત્યારે જાગવા એલાર્મની જરૂર નહોતી પડતી.ટ્રેનની અંદર અને બહાર સ્ટેશન પર લોકોની ચહલ પહલ જ સ્ટેશન આવ્યાની ઘોષણા કરી દેતી.અત્યારે તો કોઈ કોઈનો સામાન લઇ ઉતારી જાય તો પણ આપણે ઉંઘ્યા કરીએ છીએ.પણ એ ટેવ કોણે પાડી ?

જરાક બારી ખુલ્લી રાખોને ફરફરાટ પવનમા ઘેરી ઉંઘ આવી જતી એ એસી ના બંધિયાર કોચમા ક્યા હવે ?

કુલીની જગ્યાએ ટ્રોલી આવી ગઈ.ઘોડાગાડીની જગ્યાએ રિક્ષા અને હવે તો કુબેર અને ઓલા ટેક્ષીનો જમાનો.પરીવર્તન...પરિવર્તન !પહેલા સ્ટેશન લેવા પાણ કાકા,મામા ,માસા કે નાના આવતા.હવે ડ્રાઈવર હાથમાં આપણા નામની જાહેરાત કરતા બોર્ડ લઇ ઉભા હોય છે.પહેલા તો “મને લેવા કોણ આવશે ?કે લેવા કેમ ના આવ્યા ?”એવું પૂછી શકાતું .હવે આપણે બહુ ‘મેચ્યોર અને ફ્લેક્ષિબલ “થઇ ગયા છીએ.આપણા નામના બેનર વાળી ટેક્ષીમા બેસીને મોકલનાર આપણા જ સ્વજનને થેન્કસ નો ટેક્ષ કરીએ છીએ.આભાર માનવો એ ઉત્તમ ગુણ છે પણ આપણે જે આભાર માનીએ છીએ એ કેવ્વળ ફોર્માલીટી છે.

ટ્રેનની ખુલ્લી બારીમાંથી કે બારણે ઉભા રહીને એય ને લીલા લીલા લહેરાતાં ખેતરો ,દુરથી દેખાતા પર્વતો,વીજળીના આવતા ટાવરો (અમે તો એ ગણતા ),આકાશમાં ઉડતા પંખીઓ,સુકા કે લીલા ઝાડ,રસ્તામાં આવતા કોતરો ,વહેતા નાળા,અને મોટ્ટી નદીઓ જોવાનો રોમાંચ અનેરો હતો.નદી આવવાની થાય ત્યારે બારી પાસે હાથમાં પૈસા લઇ ગોઠવાઈ જતાં.જેવા પૈસા નાખીએ કે કાંઠાના છોકરા તૈયાર જ હોય ને ડૂબકી લગાવી જ હોય.બારીના બે સળીયા વચેથી એ જોવામાં પણ રસ પડે કે છોકરો બહાર આવ્યો કે નહિ ?છેક સુધી ડોકું વાળીને પણ જોતા.એ પૈસા નદીનો કર કહેવાતો.ત્યારે ટોલબુથ નહોતાને !માણસને ફરજીયાતપણું નથી ગમતું હોતું .એટલે જ જે શ્રધ્ધા અને મરજી એ નદીનો કર ભરવામાં હતી એ અત્યારે ટોલટેક્ષ ભરવામાં નથી.જો કે ડૂબકી મારતા બાળકો કે હ્હોડી ચલાવતા નાવિક જેટલી નિષ્ઠા પણ તો આ ટોલટેક્ષ વાળામા ક્યા ?

રાતની નીરવતા,સન્નાટો,એ બધાંની વચ્ચે ટ્રેનના અવાજ સાથે સધાતું એકધારું અનુસંધાન .એમાં એક લય ,એક સુર આપણને જકડી રાખતો ,અને એમ જ તારા ગણતા ગણાતા ઉંઘ આવી જતી.જે આજે એસી કોચમાં અડધી રાત સુધી મોબાઈલ મચડીને પણ ક્યા આવે છે ! સાવ નાના બાળકો પણ મોડી રાત સુધી મોબાઇલની માયામાં મગન હોય છે.ટાઈમ પાસ કરવા. ક્યા ગઈ એ બધી રમતો ?પત્તા,સાપસીડી ,લ્યુડો ,અન્તાક્ષરી .અજાણ્યા લોકો સાથે પણ મિત્રતા કરીને એક સફરને સુહાની કરી નાખવાની એ આવડત ક્યા ગઈ ?સાવ સાથે બેસેલા કોઈ અજાણ્યા વ્યક્તિની સામું જોવાને બદલે આપણે ઉભા કરેલાં આભાસી સંબંધોની દુનિયામાં ગુલતાન થઇ જઈએ છીએ.કોને ખબર કયા લેનાદેનાથી એ માણસ થોડીવાર માટે પણ આપણો હમસફર બન્યો હશે એ વિચારવાની પણ આપણને ક્યા નવરાશ છે !

આજે એટીકેટનો જમાનો છે.મેનર્સના નામે આપણે માણસાઈ બતાવતા ડરીએ છીએ.કોકનો રૂમાલ પણ પડી જાય તો બુમ પાડીને આપવા દોડતા આપણે જ હવે કોઈ બેગ ભૂલીને જતું હોય તો બેગથી દુર ભાગીએ છીએ.શા માટે ? શા માટે આપણે આટલાં ડરપોક થઇ ગયા છીએ ?શા માટે થોડીક ક્ષણો પણ અજાણ્યા લોકો વચ્ચે કાઢવામાં આપણે આપણી જાતથી પણ આટલા બધાં અજાણ્યા થઇ જઈએ છીએ ???

આ બુઠી થઇ ગયેલી સંવેદનાહીન ચામડી પાછળ એક જીવંત હૃદય ધબકે છે એવી આપણને કયારે ખબર પડશે ?કયારે ???

લેખિકા : ગોપાલી બુચ

.