લોચો Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોચો

**લોચો**

(ભાગ – ૧)

“લ્યો, આ તમારો આપણાં પચાસ વર્ષના સહજીવનનો સત્તરસોને સાઈઠમો લોચો...” ઘરના પગથિયા ચડતાં અને થોડું હાંફતા હરિકાંત દેસાઈ બબડ્યા.

“કેમ વળી, આ સવાર સવારમાં મારા વખાણ..!! શું થયું કાંત..??” બારણું ખોલતાં જ સિત્તેર વર્ષની આરે પહોંચેલ હોવા છતાં સત્તર વર્ષની મુગ્ધાની માફક પોતાના પતિની સામે મીઠું મલકતા પ્રેમલત્તાબહેન બોલ્યા.

“શું થવાનું હતું બીજું..?? આ તમારી સાંભળેલી વાત કે, છગનલાલની મા ગુજરી ગયા છે. અને એના ભરોસે હું તો પહોંચી ગયો ખરખરો કરવા. ને એને મિત્રભાવે દિલાસો આપવા માટે હું એમ કહેવા જ જતો હતો કે, ‘મિત્ર મને પણ એટલું જ દુ:ખ થાય છે જેટલું કે તમને કારણકે, એ જેટલા તારા હતા એટલા જ મારા પણ હતા’ પણ..., સારું થયું કે છેક છેલ્લી ઘડીએ મેં નિર્ણય બદલાવ્યો. નહિંતર... નહિંતર, તો છગનલાલ મને ગુસ્સામાં ઘરની બહાર જ કાઢી મૂકત!!!”

“દિલાસો આપવો એ તો સારું કેવા’ય, એમાં છગનભઇ આટલાં બધા ગુસ્સે કેમ થઈ જાત એ મને ન હમજાયું.. કાંઈ ફોડ પાડો તો હમજાય ને ભઈ’સાબ..??” હરિકાંતભાઈની સામે પ્રશ્નસૂચક નજરે જોતાં પ્રેમલત્તાબહેન બોલ્યા.

“સારું કહેવાય... આ સારું કહેવાય...?? અરે તમારા લોચાએ તો મને કયાંય બહાર નીકળવા લાયક રે’વા જ ન દીધો હો’ત!! આ તમે ફોનમાં પૂરું સાંભળી તો લેતા જાવ.. નહિંતર આવા જ લોચા માર્યા કરશો. અરે! છગનલાલની મા નહીં પણ છગનલાલની માલા ગુજરી ગયા છે માલા એટલે એમના પત્નિ... અને હું તો એમ કહેવા જતો હતો કે એ જેટલા તમારા હતા એટલા....... રામ.. રામ.. રામ..”

પતિદેવને વચ્ચેથી અટકાવતા પ્રેમલત્તાબહેન બોલ્યા, “કે’વાના હતા પણ કીધું તો નથી ને...?? હઈશે હવે જે બન્યું જ નથી એના માટે દુ:ખી થવાની શી જરૂર..??”

“હં.... ઉં......!!!”

“અચ્છા, છોડો એ બધું. કહું છું... તમને યાદ તો છે ને કે, આવતીકાલે આપણી ૫૦મી લગ્નતિથિ છે. આવતીકાલે આપણાં મીઠા મધુરા સહજીવનના ૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે.” વીતેલા સોનેરી વર્ષોની યાદમાં ખોવાતા પ્રેમલત્તાબહેન બોલ્યા.

“હા.. હા.. મને તો યાદ હોય જ ને..!! લોચા મારવામાં મહારથ આપને હાંસલ છે મને નહીં, સમજ્યા..??” મંદ મંદ મુસ્કુરાઈ રહેલા પ્રેમલત્તાબહેનના હાથને પસવારતાં હરિકાંતભાઈ બોલ્યા, “પણ એક વાત કહું..??, આપણાં જીવનના આ યાદગાર પ્રસંગે તમે આપણાં સંતાનોને એક છત નીચે ભેગા કરવાનું જે બીડું ઉઠાવ્યું છે એને આ નિવૃત સ્કૂલ માસ્તર સલામ કરે છે. જો તમે મારી ખુશી માટે આટલું બધું વિચારી શક્તા હો તો, મારે પણ તમને ભેટ સ્વરૂપે કંઈક તો આપવું પડે ને..??” ભાવુક થતાં હરિકાંતભાઈ બોલ્યા, “માંગી લ્યો, માંગી લ્યો શું આપું તમને...??”

“કાંત....,” ધીમા પણ મક્કમ સ્વરે પ્રેમલત્તાબહેને પોતાની વાત મૂકી, “કાંત.. તમે જો મને કાંઈ આપવા જ માંગતા હો તો...., તમારી ‘હા...’ જોઈએ છે મને..”

“ઓ.. હો.. આ જ વાત કેટલી વખત ચગળાવશો તમે..??” આવેશને કારણે હરિકાંતભાઈનો અવાજ ધ્રુજી ઉઠ્યો.

“તમે પોતે વિચારો, આપણે આજે છીએ ને કાલ નથી. એવી જ રીતે તરૂણભઈ ને યશોદાભાભી પણ ખર્યુ પાન જ કે’વાય. તો પછી આપણી ગેરહાજરીમાં આપણી સંધ્યાવહુ અને આયુષનું શું...??” બોલતાં બોલતાં પ્રેમલત્તાબહેનનો અવાજ તરડાઈ ગયો.

“તમારી વાત તો સાચી છે. એ કબૂલ કે, આપણો અમર આમ અચાનક જ જિંદગીની રમતમાંથી આઉટ થઈ ગયો એમાં બિચારી સંધ્યાવહુનો શું વાંક..?? અને એવુંય નથી કે, હું આપણી પુત્રવધુ અને પૌત્રના ભાવિ અંગે ચિંતિત નથી.” ગળે બાઝેલા ડૂમાને નીચે ઉતારતા તેઓ બોલ્યા, “પણ... આ દુનિયાનું શું..??”

“કાંત, દુનિયા તો દેખશે પણ દાઝવાનું તો આપણે જ છે ને..!! જો સંધ્યાવહુના જીવતરમાં પ્રભાત જેવો ભલો માણહ આપણાં અમરની જગ્યા લઈ લે તો એમાં શું ખોટું છે..?? સંધ્યાનું જીવન ફરી પાછું ખુશીઓથી છલકાઈ જાય અને આપણાં આયુષ કે જેણે પોતાના બાપને કદી ભાળ્યોએ નથી એને બાપનો પ્રેમ મળી જાય તો તો આપણે ગંગા નહાયા જ સમજો ને!!” એકી શ્વાસે પ્રેમલત્તાબહેને પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો.

થોડીવાર માટે ઘરમાં મૌનનું બોઝિલ સામ્રાજ્ય છવાઈ ગયું. પ્રેમલત્તાબહેન એકીટશે પોતાના પતિની આંખો સામે નિહાળી રહ્યા. પરંતુ એમને પતિની આંખોમાં હામીને બદલે દુનિયાદ્રષ્ટિની ફિકર નજર આવતાં તેઓ દ્રઢતાથી બોલ્યા, “...કેમ કાંત... તમે કાંઈ જવાબ ન આપ્યો.. શું વિચારો છો..??

“લત્તા, તમે સમજતા કેમ નથી..?? આ દુનિયા, આ સમાજ.....”

“....દુનિયા.., સમાજ..?? હં.. ઉં.. અરે! દુનિયાનું શું છે..?? એ તો આપણા નિર્ણયને મારો વધુ એક લોચો સમજીને સ્વીકારી લેશે અને કદાચ ન સ્વીકારે તો યે ભલે..” પતિની વાતને અધવારતા પ્રેમલત્તાબહેન બોલ્યા. “અને તમે ભૂલી ગયા..?? આપણા જીવનનો આ પહેલો લોચો તો નથી જ ને..?? આપણી દીકરી મુગ્ધા અઢાર વર્ષની ઉંમરે પેલા ખ્રિસ્તી કાળિયા પીટર ફીટર, શું નામ છે એનું..?? એની સાથે ભાગી ગઈ’તી ત્યારે દુનિયા અને સમાજે શું બગાડી લીધું’તું..??”

“એ વાત તો રહેવા જ દ્યો. તમને બધી ખબર હોવા છતાં પણ મને અંધારામાં રાખ્યો એમાં જ આ લોચો વળ્યો. ખેર, જવા દો એ બધું.. મને તો એ દિવસની યાદ પણ ન અપાવજો.” થોથવાતી જીભે હરિકાંતભાઈ બોલ્યા, “દીકરી તો દીકરી... આપણાં નબીરાઓએ પણ... લોચા વાળવામાં ક્યાં બાકી રાખ્યું છે..?? તમારો નાનકો ક્ષિતિજ અને વચલા આકાશની વહુ ધરતી....”

“અરે... આપણો નાનકો રહ્યો તમારા જેવો ખુદ્દાર એટલે જ તો એને શેઠ ચંપકલાલના ઘરજમાઈ બનવામાં ક્યાં રસ હતો..?? એટલે જ...”

“એટલે જ.. ધરતીએ ક્ષિતિજ સાથે પોતાનો છેડો ફાડીને આકાશ સાથે જોડી દીધો એમને...???”

“અને એમના આ સમાધાનમાં પણ તમને મારો જ લોચો દેખાણો’તો નહીં કાંત..??” ગળગળા સાદે પ્રેમલત્તાબહેન બોલ્યા.

“હેં.. હા.. વાત તો સાચી, ત્યારે મારી વિચારસરણી કાંઈ એવી જ હતી. પરંતુ.. અત્યારે મને તમારા ‘જીવન ચાલે છે શ્વાસથી, પણ પરિવાર ચાલે છે વિશ્વાસથી’ જેવા બ્રહ્મ વાક્યને પોતાની ગળથૂંથીમાં ઉતારીને જે નિર્ણય તમે ત્યારે લીધો હતો એના ઉપર માન ઉપજે છે.” ચશ્માના કાચ લૂછતા હરિકાંતભાઈ બોલ્યા.

“ચાલો ચાલો.., હવે વાતો જ કરતા રહેશો કે, પછી કાલની તૈયારી માટે મને મદદ પણ કરશો..??” મીઠું મલપતાં પ્રેમલત્તાબહેન બોલ્યા.

“હાં.... હા....” એક હળવા નિશ્વાસ સાથે હરિકાંતભાઈ મનોમન બબડ્યા, “પાંચ પાંચ વર્ષના વહાણા બાદ ત્રણે સંતાનોને અને એમના પરિવારને એકી સાથે એક છત નીચે જોઈને મારું હ્રદય એક ધબકાર ચૂકી ન જાય તો જ નવાઈ..!!”

“અને હાં... આવતીકાલે બધા ભેગા થઈશું એ વખતે આકાશ-ધરતી, ક્ષિતિજ-મિતાંષી અને મુગ્ધાને આપણો સંધ્યાવહુ માટે લીધેલો નિર્ણય પણ કહી દેશું. પછી એ લોકોને એમ ન થાય કે અમને અંધારામાં રાખ્યા. કેમ બરાબર ને...???” અડગતાથી પ્રેમલત્તાબહેન બોલી ઉઠયા.

“એ તો તમે જાણો ને તમારા પેટના જણ્યા જાણે, આપણે કાંઈ એમની પરવાનગી લેવાની ન હોય તેમ છતાં... તમારે નિર્ણય સંભળાવતા પહેલા એમને વિશ્વાસમાં લેવા પણ એટલા જ જરૂરી છે.” આટલું બોલતાં હરિકાંતભાઈ વર્તમાન પત્ર વાંચવામાં તલ્લીન થઈ ગયા અને પોતાની વાત પોતાના સંતાનો આગળ કેવીરીતે રજૂ કરવી એની ગડમથલ કરતાં કરતાં પ્રેમલત્તાબહેન રસોડામાં સરકી ગયા.

********************************************

“આ લ્યો તમારો સત્તરસો ને એકસઠમો લોચો... કહું છું... સાંભળો છો... કહું છું..??”

પતિદેવને આમ અચાનક બૂમો પાડતાં સાંભળીને પ્રેમલત્તાબહેન હાંફળા-ફાંફળા થતાં રસોડામાંથી બહાર દોડી આવ્યા. “શું થયું...?? કેવો લોચો વળી......??”

****************************************************************

( ક્રમશ: )