ડ્રોઈંગરૂમ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રોઈંગરૂમ

ડ્રોઈંગરૂમ

.............................................

વિપુલ રાઠોડ

ટબુકડી અને ચંચળ નિયતીને આજે સ્કુલેથી ઘરે આવી અને મમ્મીએ જમાડી દીધા પછી પપ્પાની માર્કર પેન હાથમાં આવી ગઈ છે. ક્યારની તે પોતાની રફ બૂકમાં તેનાથી કંઈક ને કંઈક ચિતરામણ કરી રહી છે પણ હજી તેને આમાં સંતોષ મળતો નથી. આજે તેની અંદર જાણે સર્જનનું સુનામી સર્જાયું છે. પોતાને સાંભળેલી વાર્તાઓ અને વર્ણનો, ચોપડીઓમાં જોયેલા ચિત્રો અને કાર્ટુન તેની નજર સામે તરવરી રહ્યા છે અને તેના તેનું મન જાણે હાથને હુકમ કરી રહ્યું હતું કે ઉઠાવ માર્કર અને આ આકારોને સાકાર કર...

રફ બૂકનાં કેટલાય પાના બગાડી નાખ્યા પછી હવે તે આમ તેમ નજર દોડાવતી હતી. તેને ક્યાય કોઈ એવી મોટી વસ્તુ હાથ ન લાગી જેમાં તે મોટા આકારો દોરી શકે. તેની ચળકતી નજર આમતેમ શોધ કરતી હતી પણ કોઈ મોટા કોરા કાગળ કે બીજું કશુ જ તેના હાથ આવ્યું નહી. હાથમાં માર્કર લઈને તે આખા ય ઘરમાં ખાંખાખોળા કરી ચુકી હતી પણ હજી સુધી તેને કંઈ મળ્ય નહોતું. આ દરમિયાન તેને મમ્મી અંજલિએ એકવાર હાથમાં માર્કર લઈને ફરતી જોઈ લીધી હતી અને નિયતીને માર્કર મુકીને હોમવર્ક કરવાં બેસવા ટપારી હતી. જો કે નિયતી આજે પોતાની ધૂનમાં છે અને મમ્મીની વાત સાંભળી ન સાંભળી કરીને તેણે પોતાની શોધ ચાલુ રાખી હતી.

આખરે રમતા રમતા નિયતી ઘરનાં ઉપરનાં માળે ડ્રોઈંગરૂમમાં જઈ ચડી. છેલ્લા એકાદ અઠવાડિયાથી તેણે પોતાના મમ્મી-પપ્પા પાસે ડ્રોઈંગરૂમનો ઉલ્લેખ ઘણીવાર સાંભળેલો. મમ્મી-પપ્પાએ દિવાનખંડને સુશોભિત કરવાં માટે ઘણી લાંબી ચર્ચાઓ કરેલી અને તેનાં માટેનાં ઘણા આયોજનો કર્યા હતાં. આ આયોજનનાં ભાગરૂપે દિવાનખંડને આછા વાદળી રંગથી રંગવામાં આવ્યો હતો. હજી ત્રણ જ દિવસ પહેલા કલરનું કામ પુરુ થયેલું અને ડ્રોઈંગરૂમમાં હજી રંગની કેરોસીન જેવી વાસ ઓસરી નહોતી. આખો રૂમ હજી ખાલી છે કારણ કે ત્યાં મુકવાના સોફા અને ટીવી સહિતનું અન્ય રાચરચિલું હજી બીજા ઓરડાઓમાં પડ્યું હતું અથવા તો નવું લાવવાનું હતું. ડ્રોઈંગરૂમની આકાશી અને કોરી દિવાલ જાણે નિયતીની કલ્પનાઓ સાકાર કરવાનું અવકાશ બની ગઈ.

નિયતીનાં નાનકડા હાથ આજે મોટા આકારો બનાવવા માટે થનગનવા લાગ્યા અને તેણે એક દિવાલ પાસે જઈને માર્કર પેનનું ઢાકણું ખોલ્યું. પછી એક પછી એક આડી-ઉભી, વાંકી-ત્રાસી, વળાંક અને કોણવાળી લિટીઓ દોરવાની શરૂઆત કરી. એક પછી એક આકારો તેણે બનાવેલી રેખાઓમાંથી ઉપસવા લાગ્યા. ઘર, પહાડ, સૂર્ય, વૃક્ષ, ચકલી, બેટ-બોલ, પેન, કાર, પતંગ, ભમરડો, સફરજન, મોબાઈલ, કોમ્પ્યુટર, લેમ્પ, મમ્મી-પપ્પાની કાર્ટૂન જેવી માનવઆકૃતિ સહિતના સંખ્યાબંધ આકારોએ નિર્જીવ દિવાલને જાણે નવચેતન આપી દીધું. ડ્રોઈંગરૂમને તે ચિત્રકામ કરવાં માટેનો રૂમ સમજતી હતી અને આજે તેણે દિવાનખંડને ખરેખર ડ્રોઈંગરૂમમાં ફેરવી નાખ્યો !

ચિત્રકામમાં તલ્લીન નિયતી પોતાની આ કાલ્પનિક દુનિયામાં વિહરતી હતી ત્યારે જ અચાનક તેના નાનકડા હૃદય ઉપર ધ્રાસકો પાડી દેતો તમાચો તેના ગાલ ઉપર ચોંટી ગયો. તેના નરમ ગાલ ઉપર ભારેખમ હાથનાં ફડાકાથી લોહીનાં ટશીયા ઉપસી આવતાં ક્ષણભર જ લાગી. ભડકી ગયેલી નિયતીએ ઉચું ઉપાડીને જોયું તો મમ્મીની ગુસ્સાથી ધધખતી આંખે તેને ભયની ગર્તામાં ધકેલી દીધી. નિયતી કંઈની નાનકડી આંખમાંથી મોટા-મોટા આંસૂ નીકળવા લાગ્યા. અંજલિ જરા પણ શાંત પડ્યા વગર તાડુકી, ' આ શું કર્યુ તે? માર ખાધાવગરની બગડતી જાય છે. કંઈ ભાન જેવી ચીજ છે? હજી બે દિવસ થયા નથી કલરને ત્યાં ડ્રોઈંગરૂમની દિવાલ ચિતરી મારી. આવવા દે તારા પપ્પાને.' નિયતી ભયની મારી નિ:શબ્દ બની ઉભી રહી. તેની આંખ હજી પણ સુકાવાનું નામ લેતી નહોતી. નિ:સહાય બનેલી નિયતીને હવે ફક્ત એટલું સમજાતું હતું કે દિવાલ ઉપર ચિત્રો દોરીને તેણે કોઈ મોટી ભૂલ કરી નાખી છે. મમ્મી આજે પપ્પાને આ વાત કહેશે અને પછી પપ્પા પણ કદાચ તેને મારશે એવા ડરે તે ધ્રૂજવા લાગી. અંજલિએ ફરી બરાડો પાડ્યો, 'આજ તો તારી બુદ્ધિ ઠેકાણે લાવી દેવી છે. તું ધીરી ખમ... અહીં જ પૂરી દેવી છે તારા પપ્પા આવે ત્યાં સુધી. ' રાડારાડ કરીને અંજલિ રૂમની બહાર નીકળવા ઉતાવળે ચાલતી થઈ, નિયતીએ તેનો હાથ પકડવા પ્રયાસ કર્યો પણ મમ્મીએ તેને રૂમમાં જ ધકેલીને બારણું વાંસી દીધું.

હજી થોડીવાર પહેલા સુંદર લાગતો રૂમ નિયતીને હવે બિહામણો લાગવા માંડ્યો. એક ખુણામાં બેસીને ડુસકા ભરતી નિયતીને આજે પપ્પા તેનો વારો કાઢી નાખશે તેવી પાક્કી ખાતરી થઈ ગઈ હતી. મમ્મીનાં ગુસ્સા પરથી તેને અંદાજ આવી ગયો હતો કે હવે પપ્પાને મમ્મી કમ્પ્લેન કરશે એટલે તેને પનીશમેન્ટ મળશે. રડતા-રડતા તેને અચાનક ખ્યાલ આવ્યો કે જો મમ્મી-પપ્પાને શાંત પાડવા હોય તો દિવાલ તેણે જાતે જ ચોખ્ખી કરી નાખવી જોઈએ. હંમણા જ રંગકામ કર્યુ હોવાથી ઓરડામાં હજી બે-ચાર ગાભા પડ્યા હતાં. તેમાંથી એક લઈને તેણે પોતે કરેલા ચિત્રો ભૂંસવાનો પ્રયાસ કર્યો પણ માર્કર પણ જીદ્દી હતી તેનાથી બનેલા આકારો જાણે એ દિવાલો ઉપર કાયમી વસવાટ કરી ગયા હતાં.

નિયતીએ પોતાની બધી તાકાત લગાડીને દિવાલ સાફ કરવાનાં પ્રયાસ કર્યા પણ કંઈ વળ્યું નહીં. રૂમમાં પાણી નહોતું એટલે ગાભો પોતાના મોઢેથી થૂંકવાળો કરીને પણ તેણે ચિત્રો ભૂસવાનાં નાહક પ્રયાસ કર્યા. આમાં તેને કોઈ સફળતા ન મળી એટલે ડરથી તેનું રડવાનું વધ્યું. મોટેથી રડીને મમ્મી પાસે આજીજી કરી. પણ અંજલિએ દરવાજો ન ખોલ્યો તે ન જ ખોલ્યો. તેના માનસમાં અનેક પ્રકારની ભીતિઓ ભમતી હતી અને પપ્પાને સોરી કહેવા માટે ઘણું બધું તેણે વિચારી રાખ્યું. મમ્મીએ તેને માર્યુ હોવાની ફરિયાદ કરવાની સ્થિતિમાં તે નહોતી. ઉલટા હવે તેને પપ્પા મારશે તો શું થશે તેની જ ચિંતા સતાવતી હતી.

રડતી નિયતીને થોડીવાર પછી બહારથી અવાજ સંભળાયો અને તેને સમજ પડી ગઈ કે પપ્પાનું ઘરમાં આગમન થઈ ગયું છે. પારસે ઘરમાં પગ મુક્યો કે તરત જ અંજલિએ મોટા અવાજે કહ્યું કે 'જુઓ તમારી ગગીનાં કારસ્તાન... આજ તો તેને ટીચી નાખવાનું મન થાય છે. જાઓ... ઉપર અને જુઓ.' પારસ ઉપરનાં માળે પહોચે ત્યાં સુધીમાં નિયતીનાં ધબકારા વધી ગયા હતાં અને મુંજારો તેની ચરમસીમાએ હતો. નિયતી પોતે દોરેલા ચિત્રો પાસે જ ઉભડક બેઠી હતી અને ત્યાં જ પપ્પાએ દરવાજો ખોલ્યો. તે અંદર આવ્યા. નિયતીની માસૂમ આંખમાં ભયનો ઓથાર જોયો અને કંઈ જ બોલ્યા વગર દરવાજો ખુલ્લો મુકીને પરત નીચે જતાં રહ્યા. નિયતી કંઈ સમજી નહીં અને તે સમજે તે પહેલા જ પપ્પા પાછા રૂમમાં આવ્યા. પારસ પોતાનો કેમેરા લઈને આવ્યો હતો. તેણે નિયતીને નરમ હાથે ઉભી કરી અને બાજુમાં પડેલી માર્કર તેના હાથમાં આપી અને વ્હાલથી કહ્યુ 'બેટા તું દોરતી હતી એવી રીતે અહીં ઉભી રહે તો તારા આ ચિત્ર પાસે.' પપ્પાનાં અવાજની નરમાશ ભાંખીને નિયતી એટલું તો બોલી શકી કે 'પપ્પા સોરી... હવે નહીં કરું.' પારસે તેને કંઈ નહીં બોલવાની સુચના આપતાં હાથમાં માર્કર લઈને ડ્રોઈંગ કરતી હોય તેમ ઉભા રહેવા કહ્યું. નિયતીએ પપ્પાની સુચનાનું પાલન કર્યુ અને પારસે પાછળથી એક ફોટો ખેચ્યો.

આકાશી રંગની દિવાલ ઉપર નિયતી ડ્રોઈંગ કરતી હોય તેવુ દ્રશ્ય કેમેરામાં કેદ થયું. પછી પારસ નિયતીને તેડીને નીચે લઈ ગયો અને પોતાના બેડરૂમમાં જઈને લેપટોપમાં અંજલિનું ફેસબૂક એકાઉન્ટ ખોલ્યું. જેમાં તેણે નિયતીનો નવો પાડેલો ફોટો ચડાવ્યો. અંજલિ રસોડામાં ઠામડા પછાળતી જમવાની થાળી તૈયાર કરતી હતી. તેનો ગુસ્સો હજી કાબુમાં નહોતો. બીજીબાજુ પારસ અને નિયતીએ અંજલિનાં એકાઉન્ટમાં ચડાવેલો ફોટો જોતજોતામાં જ લોકોની ભરપૂર પ્રશંસા મેળવવા લાગ્યો. લાઈકનો આંકડો થોડી જ વારમાં 400થી ઉપર પહોંચી ગયો અને કોમેન્ટમાં અંજલિનાં મિત્રોએ ભરીભરીને નિયતીની આર્ટનાં વખાણ કર્યા. પારસે તરત જ અંજલિને રૂમમાં બોલાવી અને લેપટોપની સ્ક્રીન બતાવી....

પહેલા તો અંજલિને કંઈ સમજાયુ નહી પણ પછી અચાનક જ તેની આંખમાં ભીનાશ આવી ગઈ. તેણે વ્હાલભરી નજરે નિયતી સામે જોયું અને કાકલુદી કરતાં નિયતીએ મમ્મીને સોરી કહ્યું પણ હવે અંજલિથી પોતાનું રડવું રોકી ન શકાયું અને દિકરીને બથ ભરીને રડી પડી. તેને સમજાઈ ગયું હતું કે ઘરની દિવાલ સંતાન માટે ખીલવાનું આકાશ બનવું જોઈએ નહીં કે એ દિવાલમાં તેની સર્જકતા કેદ થઈ જવી જોઈએ....

...............................................