સભ્યતા Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સભ્યતા

**** સભ્યતા ****

ત્રીજા માળે આવેલી ઑફિસની ગ્લાસવિંડોમાંથી સામેના સમુદ્રમાં દેખાઈ રહેલા મોજા જાણે ઉમંગના હ્રદયના ભાવોનું પ્રતિબિંબ પાડી રહ્યા હતા. અદ્યતન ફર્નિચરથી સુસજ્જ એવી વાતાનુકુલિત ઑફિસમાં પણ એના માથા ઉપર પ્રસવેદની બુંદો જામી ગઈ હતી. છેલ્લા અડધા કલાકથી તે પોતાના બાળપણના મિત્ર કમ કંપનીના લૉયર સુમિત શેઠિયાને ફોન કરવાની કોશિશ કરી રહ્યો હતો. પણ દર વખતે એક જ જવાબ મળી રહ્યો હતો….

“આપ જિસ કસ્ટમર સે બાત કરના ચાહતે હૈ વહ અભી પહોંચ કે બાહર હૈ.....” ગુસ્સા અને રઘવાટના કારણે ઉમંગે યુ.કે.થી મંગાવેલા ટૅબલેટનો છૂટ્ટો ઘા કર્યો પણ તે સોફા પર પડ્યો અને સદનસીબે ઉમંગના ગુસ્સાનો ભોગ બનતા બચી ગયો.

“ખબર નહિં ક્યાં મરી ગ્યો છે આ સુમિતિયો..??? મને જ્યારે એની વધારે જરૂર હોય ત્યારે જ મહાશય પહોંચની બારે પહોંચી જાય છે....” ઉમંગનું સ્વગત ભાષણ એના બચી ગયેલા ટૅબલેટની રિંગે અટકાવ્યું. અને ફોન ઉપાડતાં વેત જ ઉમંગ વરસી પડયો,

“ક્યાં મરી ગ્યો છો?? તને ખબર પણ છે કે મારા ઉપર કેટલી મોટી મુસીબત આવીને ઊભી રહી ગઈ છે..?? ને તું આમ....”

“ચીલ્લ... મારા ભાઈ ચીલ્લ... સસરાજીને મળવા હૉસ્પિટલ ગયો હતો ને ત્યાં...”

“છોડ એ બધી તારી સાસરીની રામાયણ... અને મારી મહાભારત સાંભળવા તું અત્યારે ને અત્યારે મારી ઑફિસે આવી જા.” બાળપણથી જ દરેકના માથે પોતાની વાત થોપવાનો ગુણ ધરાવતા ઉમંગ સરદેસાઈએ ઑર્ડર આપતાં સ્વરે કહ્યું.

“ઓ... હેલ્લો.. ભાઈબંધ.. સાંભળ.. સાંભળ... હું અત્યારે ગાંધી રોડ પર છું એટલે ત્યાંથી તારી ઑફિસે પહોંચતા મને સહેજે કલાકેક જેટલો સમય નીકળી જશે અને પાછું મારે અર્જેંટલી બીજા ક્લાયેંટને મળવા પણ જવાનું છે તો..... તું એક કામ કર... હં.... તું સુભાષ રોડ પર આવેલી ‘ઉજ્જવલ રૅસ્ટોરેન્ટ’ પર આવ. હું પણ ત્યાં પહોંચું છું. આ જ્ગ્યા આપણે બંનેને સરખા અંતરે પડેછે સો, ધીસ પ્લેસ ઈઝ સ્યુટેબલ ફોર બોથ ઓફ અસ... ઈઝ ધીસ ઓ.કે....??” સુમિતે પોતાની ધારદાર દલીલો રજૂ કરતાં કહ્યું.

પોતાની કોઈ કારી નહિં જ ફાવે એવું સુપેરે સમજાતાં કમને પણ ઉમંગે સંમતિની મહોર લગાવી દીધી ને બરાબર પાંત્રીસ મિનિટ પછી એ ‘ઉજ્જવલ રૅસ્ટોરેન્ટ’ પહોંચી ગયો. એણે સુમિતની ગાડી પાર્કિંગમાં છે કે નથી એ ચકાસીને રૅસ્ટોરેન્ટના પગથિયા ચડવા માંડ્યા. નાનકડી પણ સુંદર, સ્વચ્છ, સુઘડ અને સિસમના લાકડાના ફર્નિચરથી સુસજ્જ એવી ઉજ્જવલ રૅસ્ટોરેન્ટમાં આજે શનિવારની બપોર હોતાં થોડી ચહલ-પહલ દેખાઈ રહી હતી. ગ્રે રંગના યુનિફોર્મમાં સુસજ્જ વેઈટરો આમ થી તેમ આંટા મારી રહ્યા હતા. અંદાજે ત્રીસેક વર્ષનો ફૂટડો ટાઈધારી યુવાન ઓર્ડર લઈ રહ્યો હતો. આછી ઘરઘરાટી સાથેના એ.સી.ની ઠંડક વરતાઈ રહી હતી. છત પર લટકતાં ઝુમ્મરો રૅસ્ટોરેન્ટને વધુ સુંદર બનાવી રહ્યા હતા. દરેક ટેબલની આજુ-બાજુ ચાર-ચાર ખુરશીઓ શોભી રહી હતી.

પોતાના સ્વભાવથી મજબૂર એવા ઉમંગને આટલી સુંદર જગ્યામાં પણ અધુરાશ દેખાઈ રહી હતી એટલે જ તે મનોમન બબડ્યો, “ખબર નહિં સુમિતને શું દેખાયું આવી બી-ગ્રેડ હોટલ માં...?? યાર કાંઈ મારા ક્લાસનો તો વિચાર તો........”

“આવી ગયો ભાઈબંધ..?? ચલ સામેનું ટેબલ રિઝર્વ છે આપણાં માટે.” પાછળથી આવેલા સુમિતે ધબ્બો મારતાં કહ્યું.

“હં... ઉં.... આવી હૉટલમાં વળી રિઝર્વ જેવું શું હોય વળી..??” હૈયે ઉઠતાં શબ્દોને ગળી જઈને પોતાના હોઠ વંકાવતા બોલ્યો, “સુમિતિયા, એક સોલિડ લોચો થઈ ગ્યો છે પ્લીઝ, કાંઈ રસ્તો બતાવ યાર. ડુ સમથીંગ ફોર મી.”

“ઓ.કે.... ઓ.કે.. બાબા આઈ એમ હિયર સો નોટ ગેટ ફિયર... તું પહેલા શાંતિથી બેસ તો ખરો. હું કોફીનો ઓર્ડર આપી દઉં આપણે કોફીની ચૂસ્કી ભરતાં ભરતાં પળવારમાં રસ્તો શોધી લઈશું.” સુમિતે એના મૂડને હળવો કરવા કહ્યું.

ઓર્ડર લેવા આવેલા ટાઈધારીને બે સુપર સ્ટ્રોંગ કોફીનો ઓર્ડર અપાઈ ગયા બાદ સુમિતે ઉમંગ સામે જોતાં કહ્યું, “બોલ હવે શું પ્રોબ્લેમ છે..?? શેનો રસ્તો કાઢવાનો છે..???”

“તને યાદ છે ને કે તું જ્યારે તારી ફેમિલી સાથે ગોવા રખડવા ગ્યો’તો ત્યારે તારી ગેરહાજરીમાં મેં એ. આઈ. જી. એન્ટરપ્રાઈઝનું ટેન્ડર ફાઈલ કરેલું જે મને મળ્યું પણ ખરું... બટ... બાય ચાન્સ મેં તેના બધા જ ક્લોઝ પર બારીકાઈથી ધ્યાન નો’તું આયપું ને.... ને... હવે એના મેનેજર મિ. નિગમનો લેટર આવ્યો છે કે જો પચ્ચીસ તારીખ સુધીમાં હું એનો કોન્ટ્રેક પૂરો નહીં કરું તો... તો.. મારે બે... બે... કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ટુ કરોરસ....!!! શું રસ્તામાં પડ્યા છે આટલા રૂપિયા કે એ નિગમડાને આપી દઉં..???”

“સર યોર કોફી...” કોફી સર્વ કરતા વેઈટરે એમની વાતચીતમાં વિક્ષેપ પાડ્યો.

એકધારું બોલીને હાંફી ગયેલા ઉમંગે કોફી પી ને ગળું ખંખેરવાના ઈરાદા સાથે પહેલો ઘૂંટ ભર્યો. ત્યાંતો એ ગરમ કોફી કરતાં પણ વધારે ગરમ થઈ ગયો.

“ઓય વેઈટર... હે યુ કમ હિયર....”

“યસ સર... મે આઈ હેલ્પ યુ...??”

“હેલ્પ.. માય ફૂટ... તું મને ઓળખતો નથી. સરદેસાઈ બ્રધર્સનો હું હોલ એન્ડ સોલ છું. મારા સામે ઊભા રહેવાનીએ તારી લાયકાત નથી. તારી આ હૉટલને તાળા લગાવી દઈશ તાળા... સમજ્યો…???” ગુસ્સાથી છંછેડાતા ઉમંગ એકધારું બોલી ગયો.

“સર.. પ્લીઝ મને કહેશો કે શું થયું?? એની થીંગ રોંગ..??” વેઈટરને હાથેથી જવાનો ઈશારો કરીને એ ટાઈધારી ઉમંગની વધુ નજીક આવતા અદબભેર બોલ્યો.

“મને મારી નાખવાનો શું વિચાર છે તમારા બંનેનો..?? મને ડાયાબીટીશ છે અને તું મને આ વીથ સુગર કોફી પીવડાવી રહ્યો છે...?? મેં શ્યોરલી વીધાઉટ સુગરનો જ ઓર્ડર આપ્યો’તો અને આ તારો વેઈટર... ચપટી વગાડતાં તમારા બંનેની નોકરી છુમંતર કરાવી શકું એટલી કૅપેસીટી છે મારી અને....”

“તમારો ઓર્ડર મેં જ લીધો હતો અને સોરી ટુ ઈન્ટરપ્ટ યુ સર, પણ તમે આવું કંઈ કહ્યું જ નહોતું તેમ છતાં નો પ્રોબ્લેમ... હું તમને કોફી રિપ્લેસ કરી આપું છું.”

“હે... ચૂપ... યુ બે ટકાના વેઈટર....”

સુમિતે આજુબાજુના લોકોનું ધ્યાન એમની તરફ છે એ જોતાં અને મામલો વધુ ઊગ્ર ન બની જાય એ માટે ઉમંગને જેમતેમ સમજાવી પટાવી એનો ગુસ્સો શાંત પાડ્યો. થોડીવાર સુધી એ ટેન્ડર અંગે ચર્ચા કર્યા બાદ બંને જણા સોમવારે એ. આઈ. જી. એન્ટરપ્રાઈઝના મેનેજર મિ. નિગમની અપોઈન્ટમેંટ મેળવીને એમને મળવા જવાનું અને એમને આ પ્રોબ્લેમનો કોઈને કોઈ હલ કાઢવા અંગેની વિનંતી કરવાનો નિર્ધાર કરીને છૂટ્ટા પડ્યા.

બે દિવસ ભારે ઉચાટમાં વિતાવ્યા બાદ સોમવારે બરાબર અગિયારના ટકોરે ઉમંગ અને સુમિત જરૂરી કાગળોની ફાઈલ સાથે એ. આઈ. જી. એન્ટરપ્રાઈઝની ઑફિસમાં હતા. રિસેપનિસ્ટને જરૂરી માહિતી આપીને તેઓ મેનેજરની કેબીન પાસે આવ્યા.

“જો ઉમંગ, તારા ગુસ્સા ઉપર થોડો કંટ્રોલ રાખીને વાત કરજે, ભાઈબંધ. એવું ન થાય કે, વાત સુધરવાને બદલે વધુ ને વધુ બગડી જાય.” સુમિત સયંત અવાજે બોલ્યો.

પોતાના ઉશ્કેરાટને શાંત કરવાની કોશિશ કરતાં ઉમંગે આંગળીઓ વાળીને મેનેજરની કેબીનના બારણે ટકોરા મારતા દબાતા અવાજે કહ્યું, “મે આઈ કમ ઈન સર....??”

“ઓહ!! યસ... યસ..... જસ્ટ કમ ઈન મિ. સરદેસાઈ. હું આપની જ જોઈ રહ્યો હતો..” દિવાલ તરફ મોં કરીને બેઠેલા મેનેજર મિ. નિગમે એક ઝટકાથી પોતાની રિવોલ્વીંગ ચેરને ઉમંગ અને સુમિત તરફ ફેરવતાં કહ્યું, “પ્લીઝ!! બી સીટેડ.”

સુમિતતો ફાઈલમાં મોઢું નાખીને બેસી ગયો પણ ખુરશી ખેંચીને બેસવા જઈ રહેલા ઉમંગના મસ્તિષ્કમાં કંઈક ઝબકારો થયો અને એ ગેં ગેં ફે ફે થતાં બોલી ઉઠ્યો, “તું,…?? તમે…..?? અહિંયા...???”

“ઓહ... યસ... મિ. સરદેસાઈ હું અહિંયા.., મારું નામ ઉજ્જવલ નિગમ છે અને હું આ કંપનીનો મેનેજર છું સો, આઈ એમ હિયર. પણ લાગે છે કે તમારા ગુસ્સાની જેમ તમારી યાદશક્તિ પણ સોલિડ છે.. પ્લીઝ સીટ કમફર્ટેબ્લી.” સયંમિત અને સભ્ય સ્વરે મેનેજરે કહ્યું.

“આપણે પહેલા પણ મળી... તું... તમે... તો પે’લા દિવસે ઓલી બે ટકાની હૉટલમાં વેઈટર..... સોરી.. સોરી.. મારી કંઈક ભૂલ થતી લાગે છે...” થોથવાતી જીભે ઉમંગ બોલ્યો અને અત્યાર સુધી ફાઈલમાં માથું ઘૂસાડીને બેઠેલો સુમિત પણ સડક થઈ ગયો.

“નો.. નો.. મિ.સરદેસાઈ, યુ આર એબસ્યુલેટલી રાઈટ, આપણે આનાથી પહેલા સેટરડેના ઉજ્જવલ રૅસ્ટોરેન્ટમાં જ મળ્યા હતા. એકચ્યુલી, એ હૉટલ મારા ફાધર હેન્ડલ કરે છે. સેટરડેના મારો ઓફ્ફ ડે હોયછે એટલે હું મારા ફાધરની હેલ્પ માટે દર શનિવારે ત્યાં જાઉંછું. એ દિવસે કુદરતી અમારા સ્ટાફના એ ટાઈધારી વેઈટરના ફાધરની તબિયત બગડી જતાં મેં જસ્ટ એની ડ્યુટી નિભાવી હતી. અને રહી તમારી ભૂલની વાત, તો મિ. ભૂલ તમારા વર્તન કરતાં તમારા સ્વભાવની છે. ઉશ્કેરાટમાં માણસ ઘણી વખત ન કરવાનું કરી બેસતો હોયછે. શિષ્ટતા, સભ્યતા અને સંયમતા એ કોઈ શાળામાં ભણાવાતા વિષયો નથી. એ તો દરેક વ્યક્તિએ આપમેળે શિખવાના હોયછે. હું એક કંપનીનો મેનેજર હોવા છતાં મેં એક વેઈટર તરીકેની ફરજ અદા કરતી વખતે પણ મારી સભ્યતા ગુમાવી નહિં અને તમે એક કંપનીના માલિક હોવા છતાં પણ અસભ્ય વર્તન કરી બેઠા..?? ખેર, ગઈ ગુજરી ભૂલી જાઓ હવે આપણે તમારા પ્રોબ્લેમ વિષે ચર્ચા કરી લઈએ મિ. સરદેસાઈ....??”

ઉમંગતો કાપો તો લોહીએ ન નીકળે એવી સ્થિતિમાં મૂકાઈ ગયો અને સુમિત મૂક પ્રેક્ષક બનીને ઉજ્જવલ નિગમે જોતો જ રહી ગયો.

પોતાનાથી બની શકે એ તમામ કાર્યવાહી કરવાનું અને મદદરૂપ થવાનું વચન મેળવીને અને મિ. નિગમના પદ અને માણસાઈની સભ્યતાનો આસ્વાદ માણીને ઉમંગ અને સુમિત એક અજબ પ્રકારની ધન્યતાની લાગણી સાથે એ. આઈ. જી. એન્ટરપ્રાઈઝનો ઉંબરો વળોટી રહ્યા.

*********************************** અસ્તુ **************************************