pretavas! Bhaveshkumar K Chudasama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

pretavas!

પ્રેતાવાસ

બજાર કિંમત જોતા એ મકાન વીસ-પચ્ચીસ લાખ રૂપિયા સિવાય મળે નહિ પરંતુ દેવસીભાઈને એ મકાન કોઈક પાસેથી માત્ર પંદર લાખમાં મળી ગયું’તું. ક્યારેક એ હરખાઈને કુટુંબમાં કે’તા પણ ખરા કે માત્ર પંદર લાખમાં જ આવું સરસ મકાન મળી ગ્યું. દેવસીભાઈને સંતાનમાં કંઈ હતું નહિ, ખોળે બેસાડેલી એક દીકરી હતી જે એ જ શહેરમાં સાસરે હતી અને દેવસીભાઈની વાડી શહેરથી ૧૦ કિમી દુર એક ગામડામાં હતી. દેવસીભાઈ તો આખો દિવસ વાડીએ જ રે’તા અને સાંજના સમયે જ ઘરે આવતા, નવા લીધેલા આ મકાનમાં તેમના પત્ની લીલાબહેન આખો દિવસ એકલા જ રે’તા. ઘણીવાર દેવસીભાઈ ઘરે આવે પછી લીલાબહેન તેમને મકાન વિષેના વિચિત્ર અનુભવો કે’તા જેવાકે બોપોરના સમયે તેઓ એકલા સુતાં હોય ત્યારે કો’કનો ઘરમાં હોવાનો ભાસ, પગરવ કે ઝાંઝરનો અવાજ પણ દેવસીભાઈ એવી વાતોને ગંભીરતાથી લેતા નહી. તેઓ એમ કહીને વાતને ઉડાડી દેતા કે એ તો તું એકલી હોય એટલે એવા ભણકારા વાગે એવું કંઈ મકાનમાં હોય નહી.

એક વખત કંઇક પ્રસંગોપાત દેવસીભાઈ અને લીલાબહેન એ નવા લીધેલા મકાનને તાળું મારી તેમના દીકરી અને જમાઈને ત્યાં બેસવા ગ્યા’તા. થોડીવારે જયારે પાછા આવ્યા અને મકાનનું તાળું ખોલીને જોયું ત્યારે તો દેવસીભાઈના પણ અચંબાનો પાર ન રહ્યો, દીવાલમાના કાચના કબાટની તમામ વસ્તુઓ ગોઠવેલી તો હતી જ પણ મૂળ જગ્યા કરતા જુદી જ જગ્યાએ! એ દિવસે લીલાબહેને તો કહી જ દીધું “તમે મારી વાતને હસવામાં કાઢી નાખતા’તા પણ આજે તમે જોયું ને? આ મકાનમાં કંઇક તો ગરબડ છે જ!”

એ દિવસ પછી લીલાબહેન એકલા એ મકાનમાં રહેતા ખુબ જ ડરતા. દેવસીભાઈ વાડીએ જતા ત્યારે તેઓ બોપોરે સુવાને બદલે તેમની દીકરીના ઘરે બેસવા જતા રે’તા અને છેક સાંજે જયારે દેવસીભાઈનો ઘરે આવવાનો સમય થાય ત્યારે જ ઘરે જતા. દેવસીભાઈને સાંજે ક્યારેક મોડું થાય તો ફોન પર ફોન કરતા અને વધુ મોડું થાય તો પાછા ઘરને તાળું મારીને દેવસીભાઈ ન આવે ત્યાં સુધી દીકરીના ઘરે જતા રે’તા. દેવસીભાઈ પણ વાડીએથી શક્ય હોય ત્યાં સુધી વહેલા ઘરે આવી જતા અને સંજોગોવસાત ક્યારેક વાડીએ રોકાવું પડે તેમ હોય તો લીલા બહેનને ફોન કરી દીકરીના ઘરે સુવા હાલ્યા જવાનું કહી દેતા.

ચોમાસાના એક દિવસે થયું એવું કે પહેલા વરસાદનો વરાપ નીકળ્યો એટલે દેવસીભાઈ બિયારણ લઇ વાડીએ વાવણી કરવા ગ્યા અને બરાબર સાંજના સમયે વરસાદ સાંબેલાધારે તૂટી પડ્યો. ગામ અને શહેર વચ્ચેના માર્ગમાં આવતો એક બેઠો પુલ બે કાંઠે આવી ગયો’તો અને કોઈ રીતે ઘરે પહોચી શકાય તેમ નો’તું. દેવસીભાઈએ ઘરે ફોન તો કર્યો પણ એ દિવસે દીકરી અને જમાઈ પણ એ લોકોની વાડીએ ગયા’તા અને વરસાદને લીધે વાડીએ જ રોકાઈ ગયા’તા. લીલાબહેનને આજે એ મકાનમાં એકલા રહેવા સિવાય છૂટકો નો’તો.

છેવટે લીલાબહેને હતી એટલી હિંમત એકઠી કરી, ઘરમાં એક દીવો ચાલુ કરી, ઘરમાંના ભગવાનના મંદિરની સામે જ સુઈ રહેવાનો નિર્ણય કર્યો. પણ લાઈટ વગરની અંધારી રાત, બહાર પવનના સુસવાટા સાથે વરસતો વરસાદ, થોડી થોડી વારે થતી વીજળી અને મેઘગર્જના એ બધું વાતાવરણને વધારે બિહામણું કરી મૂકતું’તું. લીલાબહેનને કોઈ વાતે નીંદર નો’તી આવતી. તેઓ બસ ભગવાનના મંદિરની સામે નીચે જ પથારી કરી જાગતા જ પડ્યા’તા. ભગવાનની નજીક હોવા છતાં પણ ક્યારેક ક્યારેક તેઓને બિહામણા વિચારો આવતા હતા અને વખતે બહાર થતી વીજળી કે મેઘગર્જના એ વિચારોની ભયાનકતામાં પોતાનો હકારાત્મક સૂર પુરાવી લીલાબહેનને વધારે ડરાવી મુકતા’તા. આખરે રાત્રે સાડાબાર એકની આસપાસ વરસાદનું જોર થોડું ધીમું પડ્યું, જો કે ઝરમર ઝરમર તો ચાલુ જ હતો. લીલાબહેને ઘડિયાળમાં જોયું, લગભગ એક થવા આવ્યો’તો અને હજી સુધી તેઓના બિહામણા વિચારો જેવું કઈ બન્યું નો’તું એ વાત થી એમને થોડી નિરાંત થઇ, ભગવાન પ્રત્યેની એમની શ્રદ્ધા થોડી વધી અને થોડીવારે તેમને એક ઝોંકુ આવી ગ્યું.

માંડ દશ થી પંદર મિનીટ તેઓ સુતા હશે ત્યાં કોઈકે તેમના પગનો અંગુઠો ખેંચી તેમને જગાડ્યા. લીલાબહેન ઝબકીને જાગી ગ્યા, આંખો ખોલતાની સાથે જ તેમના પગ પાસે તેમણે એક સ્ત્રીને બેઠેલી જોઈ. લીલાબહેન એકદમ ધ્રુજી ગ્યા અને જોરથી આંખો બંધ કરી દીધી, પળવાર એમને લાગ્યું કે તેઓ હજી નીંદરમાં છે અને તેઓએ કંઇક સપનું જોયું છે. ફરીવાર જરાક આંખો ખોલીને જોયું. એ સ્ત્રી એમજ બેઠી છે, લીલાબહેનના પગ પાસે, સપનું નથી આ તો હકીકત જ છે. લીલાબહેન ફરીવાર ધ્રુજી ઉઠ્યા, પળવાર તો એમને લાગ્યું કે હમણાં જ હૃદય ધબકતું અટકી જશે પણ પેલી સ્ત્રીએ કહ્યું: “થોડી હિંમત કરી મારી હાયરે વાત કરો, હું અટાણે તમને કંઇ નુકશાન કરવા નથ આયવી”

અંધારી વરસાદી રાત, વારે વારે થતા વીજળીના કડાકા, મેઘગર્જના અને એમાયે અંદરથી વાસેલા મકાનમાં એક અજાણ્યી સ્ત્રીનું પ્રકટ થવું! કલ્પના માત્ર પણ ભયાનક લાગે જયારે લીલાબહેન સામે તો આવી ભયાનક વાસ્તવિકતા ઉભી થઇ હતી. તેઓ જોરથી આંખો મીંચીને પડ્યા પડ્યા ધ્રુજતા’તા, છાતી પર પડેલી ચાદરની કોરને માથા સુધી ખેંચી પોતાની જાતને એ ચાદરમાં સંતાડી દેવાનો પ્રયત્ન કરતા’તા પણ એ ચાદરનો પગ તરફનો છેડો પેલી સ્ત્રીએ પકડી રાખ્યો’તો અને વારે વારે એક જ વાક્ય બોલતી’તી “મેં કીધુને તમે થોડી હિંમત કરી મારી હાયરે વાત કરો, હું અટાણે તમને કંઇ નુકશાન નઈ કરું, મારે કંઈક કે’વું સે.”

પેલી સ્ત્રીના વારંવારના એક જ વાક્યથી લીલાબહેનમાં થોડી હિંમત આવી અને એમણે સહેજ આંખો ખોલી. દીવાના આછાં અજવાળામાં તેમણે જોયું તો સતર થી અઢાર વર્ષની જણાતી એક યુવતી લાલ રંગનું પાનેતર જેવું કંઇક પહેરીને, એક હાથથી તેમની ચાદરનો છેડો પકડીને તેમના પગ પાસે બેસી’તી. કપાળ પર મોટો લાલ ચાંદલો કરેલો હતો, અંધારામાં વાન થોડો ભીનો દેખાયો પણ એમની નમણાશને અંધકાર ઢાંકી શકે તેમ નો’તું. લગ્નમંડપમાંથી જાણે કોઈ નવવધૂ ભાગી આવી હોય એવી એ લાગતી’તી.

“કોણ છો તું?” લીલાબહેને થોડી હિંમત કરીને પૂછ્યું.

“હું એક રાજપૂતની દીકરી હતી ને આ જગ્યા મારી સે, તમે આંયથી બીજે જાતા’ર્યો, હું આંય કોઈને નઈ રે’વા દઉં” જવાબમાં પેલી સ્ત્રીએ એટલું જ કહ્યું.

લીલાબહેન ટગર ટગર એની સામે જોઈ રહ્યા, શું બોલવું એક કઈ સમજ પડતી ન્હોતી. પેલી સ્ત્રીએ જ આગળ વાત ચલાવી.

“અમુક વર્ષો પે’લા મારા માં-બાપે મારું આણું વાળીને મને સાસરીયે વળાવી’તી, ઈ ટાણે આંયા વગડો હતો, આંયાથી થોડે છેટે ઉગમણી કોર મારી વેલ પુગી તંયે અંધારું થઇ ગ્યું’તું ને કેડામાં લુટારાં આડા ઉતર્યા. વળોવીયાવે મોટું ધીંગાણું કયરું, એના જીવતાજીવત તો કોઈને મને હાથ પણ લગાડવા દીધો નઈ પણ લૂંટારાવ ઝાઝાં હતા. મારા બે-ચાર બધાય વળોવીયા કામ આવી ગ્યા. લૂંટારાવે મારા દાગીના તો ઉતરાવી લીધાને મારા રૂપ પર મ્હોયા તે ગાડાખેડુઓને પણ મારી મારીને ભગાડી દીધાને મને બાંધીને છેટે, અહી સુધી લઇ આયવા. આંયા આવીને મને છોડીને એ એક પછી એક એના મનસુબા પાર પડવાનું વિચારતા’તા ત્યાં જ મારા હાથમાં ઈમાંથી એકની કટાર આવી ગય ને ઈ કોઈ કંઈ કરે ઈ પેલા તો મેં કટાર પરોવીને જીવતર ટૂંકાવી નાયખું. મારા મોત બાદ બાદ ઈ લૂંટારવે મારા દેહને આ મકાનના ફળિયામાં આજે જ્યાં જાંબુનું ઝાડ છે એની ઉગમણી કોરે દાટી દીધું’તું તે દીની મારી આત્મા આંયા ભટકે છે.”

એકદમ શાંતપણે એ સ્ત્રીએ પોતાની કથની લીલાબહેનને કહી સંભળાવી. સંભાળીને લીલાબહેનને પણ થોડું દુ:ખ થયું, પણ હવે તેનો ડર જતો રહ્યો’તો એમના માં એ સ્ત્રી સાથે વાત કરવાની હિંમત આવી ગઈ’તી, લીલાબહેને તેમને પૂછ્યું; “બેન તને આ યોનિમાંથી છોડાવવા તું કે તો અમે કંઇક કરીયે”

એ સ્ત્રી દુઃખભર્યું આછું એવું હસી અને કહ્યું;

“હવે કોના માટે છુટું? મારા કમોત પછી મારા ધણીને મારું મડદુંયે હાથ ન લાગ્યું, ધણીને મળવાના અને એની સાથે સંસાર માણવાના કેટલાયે ઓરતાં મારા મનમાં હતા પણ માણસોની ધનલાલસા ને હવસે મારા એ બધાય મનોરથ ઉપર પાણી ફેરવી દીધું. હું જે યોનીમાં સું ઈમાં જ ખુશ છું, હું માણસ નથી ને છૂટીને મારે પાછું આ સ્વાર્થઘેલી ધરતી ઉપર માણસ બનીને નથી અવતરવું, નફરત થઇ ગઈ સે મને માણસના નામથી પણ!”

છેલ્લું વાક્ય બોલતી વખતેના આવેશના ઉભરાંને શાંત કરવા એ થોડીવાર અટકી, પછી કહ્યું;

“અવારનવાર ઘરમાં મેં મારી હાજરી બતાવવા ઘણું ખરું કયરું પણ તમે હમજ્યા નઈ, આજ તમારી હામે પ્રગટ થવાનું કારણ પણ ઈ જ સે. મને માણસો ગમતા નથી, આ મકાન ઈ જ મારી મર્યાદા ને મારું ઘર સે, તમે પંદર દીમાં આ મકાન મેલીને બીજે જાતા રે’જો નયતર ખરાબ થાહે.”

“શું ખરાબ થશે? આ મકાન મેલીને તરત જ તો અમે બીજે જાયે પણ ક્યાં?” લીલાબહેને પૂછ્યું

“ક્યાં જાવું એ તમે જાણો, પણ પંદર દીમાં તમે બીજે નઈ જાવ તો હું વારાફરથી તમારાં બેયનો જીવ લઈશ ને પેલો વારો તારો આવશે. બસ મારે ઈ ચેતવણી જ આપવી’તી” એટલું કહીને એ સ્ત્રી મકાનની દીવાલમાં થતાને અદ્રશ્ય થઇ ગઈ.

લીલાબહેનને આખી રાત નીંદર ન આવી, સવારે જયારે એમના પતિ દેવશીભાઈ ઘરે આવ્યા ત્યારે તેમણે એમને રાત્રે જે કઈ થયું’તું એ વાત કીધી. પણ પંદર દિવસમાં એટલું જલ્દી બીજું મકાન મળવું અશક્ય હતું. ઘરે હવન અને બીજા ધાર્મિક કર્યો કરાવ્યા પણ વિચિત્ર બનાવો તો ચાલુ જ રહ્યા. પંદરમાં દિવસે લીલાબહેન અચાનક જ જોરદાર બીમાર પડ્યા, તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા, દવાખાનેથી સાત-આઠ દિવસે રાજા મેળવી તેઓ ઘરે ગયા પણ પેલાં નવા મકાનમાં નહી, વાડીએ તેમનું ગારથી લીપેલું અને નળિયાવાળું મકાન હતું તેમાં.