Purv Janmni Rani books and stories free download online pdf in Gujarati

પૂર્વ જન્મની રાણી

પૂર્વ જન્મની રાણી

પ્રીતમ તેર ચૌદ વર્ષનો થયો ત્યાર પછી એક કોલેજનું સ્વપ્ન એમને અવારનવાર આવ્યા કરતુ. સ્વપ્નમાં આવતી એ કોલેજ કોઈ ત્રણ માળનો જુનવાણી રાજમહેલ કે જેને કાળક્રમે વિદ્યાભવનમાં ફેરવી નાખી હોય તેવી હતી અને તેની પાસે જ એક જુનવાણી બાંધણીના મકાનોની હારમાળા હતી જેનો હોસ્ટેલ તરીકે ઉપયોગ થતો. સ્વપ્નમાં પ્રીતમ આ હોસ્ટેલમાં રહીને એ મહેલ જેવી કોલેજમાં અભ્યાસ કરતો દેખાતો અને રાત્રીના ભોજન બાદ તેના મિત્રો સાથે એ કોલેજના કમ્પાઉન્ડમાં લટાર મારવા આવતો. શરૂઆતમાં તો એ સ્વપ્ન એટલે સુધી જ સીમિત રહેતું અને મહિનામાં એકાદવાર જ આવતું પણ જેમ જેમ પ્રીતમ મોટો થતો ગયો તેમ તેમ એ સ્વપ્ન ચોક્કસ અંતરાલે અવારનવાર આવતું અને દરેક વખતે સ્વપ્નમાં પ્રીતમ દ્વારા થતી ક્રિયાઓ ક્રમશ: રીતે થોડી થોડી આગળ વધતી.

એક દિવસ પ્રીતમે સ્વપ્નમાં જોયું કે રાત્રીના સમયે ચાંદનીના આછાં ઉજાસમાં એ મિત્રો સાથે કોલેજના કંપાઉન્ડમાં બેઠો બેઠો વાતો કરે છે અને એક મિત્ર કહે છે;

“આ કોલેજ ખુબજ ખુબજ જુનવાણી અને રાજા રજવાડાના સમયની છે. ઘણા લોકો કહે છે કે તેમાં ભૂત પણ થાય છે. અને રાત્રે કોઈ કોલેજમાં રહેવાની હિંમત નથી કરતું.”

“જા ને ગપ્પોડી, ભૂત પ્રેતની વાતો માત્ર બકવાસ હોય છે, ભૂત ક્યારેય હોતા નથી અને હું એવી વાતોમાં માનતો પણ નથી.”

“ભૂત પ્રેત તો ક્યારેય મેં પણ નથી જોયું અને હું પણ વિશ્વાસ નથી કરતો પણ ઘણા લોકો કહે છે કે અહી એક વાર પેપર તપાસણી માટે રોકાયેલો સ્ટાફ અર્ધી રાત્રે જ કોલેજની બહાર નીકળી ગયો હતો અને તેમને રોકવા માટે હોસ્ટેલના રૂમ્સ ખોલી આપવા પડ્યા’તા.”

“રામ જાણે! હશે કોઈ એકાદ ડરપોક જેને લીધે કદાચ આખો સ્ટાફ ભાગ્યો હોય!”

એ દિવસનું સ્વપન અહી પૂરું થાય છે.

થોડા દિવસ બાદ ફરી પ્રીતમને સ્વપ્ન આવે છે. જેમાં તે પોતાના એક પરિચિત મિત્ર અશોક સાથે હોય છે. બંને મિત્રો કોલેજને ફરતો આંટો મારે છે અને એક જગ્યાએ લોખંડના ઉભા સળિયાવાળી જાળી વચ્ચેથી કોલેજમાં અંદર પ્રવેશવામાં સફળ થાય છે. બંને મિત્રો કોલેજના ઉપરના માળે ચડવાના દાદરા પાસે આવે છે અને બંને ધીમી ધીમે દાદરા ચડે છે.

“ઠક....ઠક” એવો બંને નો દાદર ચડવાનો અવાજ અને પાંચ સાત દાદર ચડ્યા પછી અશોક પાછો વળી જાય છે

“મને ડર લાગે છે હું નથી આવતો તારે જાવું હોય તો જા”

“જા ફટ્ટુ, હું એકલો જ જઈશ”

અશોક જાળીમાંથી નીકળી બહાર જતો રહે છે અને પ્રીતમ વધુ ચાર પાંચ પગથીયા ઉપર ચડી સીડીના વળાંક પાસે પહોંચે છે.

એકલતા, નીરવતા, ચોમેર ફેલાયેલ અંધકાર, તમરાંઓનો અવાજ અને ઉપર સાચેજ કંઇક ભૂત-પ્રેત જેવું હશે તો! એવા ડરથી પ્રીતમને મનમાં એક ધ્રાસકો પડ્યો અને એ ઝબકીને જાગી ગયો.

એ દિવસે આવેલું સ્વપ્ન થોડું ભયાનક હતું, પ્રીતમ પાણી પીય ફરી પથારીમાં પડ્યો પણ લાંબા સમય સુધી તેને નીંદર ન આવી પથારીમાં પડ્યો પડ્યો એ સ્વપ્ન વિષે જ વિચારતો રહ્યો. સવારે ઉઠી એમણે એમના મમ્મી પપ્પાને આ અવારનવાર આવતા સ્વપ્ન વિષે વાત કરી પણ મમ્મી પપ્પાને એમાં કંઈ અજુગતું જણાયું નહી. એના પપ્પાએ તો કહ્યું;

“એ તો તું બારમાં ધોરણમાં છો અને આવતા વર્ષથી કોલેજમાં જઈશ, કોઈ એવી કોલેજ તે ક્યાંક જોયી હશે એટલે કોલેજ, મિત્રો એ બધું સ્વપ્નમાં આવે. એવી સ્વપ્નની વાતોને ગંભીરતાથી ન લેવાય.”

એ દિવસે સ્કુલના એમના મિત્ર અશોકને પણ એમણે રજાના સમયે ઘરે જતાં જતાં રસ્તામાં આ સ્વપ્નની વાત કરી પણ અશોકે પણ એમની વાત હસી કાઢી અને કહ્યું;

“ચિંતા ન કર આપણે બારમાં ધોરણ પછી એવી કોઈ ભૂતિયા કોલેજમાં એડમીશન નહી લઈએ. આપણે એવી કોલેજમાં જઈશું જ્યાં પરીઓ જ પરીઓ હોય.”

પ્રીતમે ભાર દઈને કહ્યું કે

“યાર પણ એ સ્વપ્ન મારી પાછળ પડી ગયું છે. વારંવાર આવે છે.”

“તો શું થઇ ગયું? સ્વપ્નમાં કોલેજ જ આવે છે ને? ભૂત ક્યારેય આવ્યું?”

“ના”

“તયે પછી શું ફટ્ટુવેડા કરે છે? ચાલ હવે તારા બોરિંગ સ્વપ્ના સહન કર્યા એ બદલ કંઇક ઠંડુ પિવડાવ”

ઠંડુ પીધા બાદ બંને મિત્રો છુટ્ટા પડે છે.

બારમું ધોરણ પૂરું કર્યા બાદ બંને મિત્રોએ દૂરના શહેરની એક સરકારી કોલેજમાં એડમીશન મેળવ્યું. કોલેજ ત્રણ માળની અને કોઈ જુના રાજમહેલમાંથી જ વિદ્યાલયમાં ફેરવેલી હતી પણ પ્રીતમના સ્વપ્નમાં આવતી એ કોલેજથી થોડે ઘણે અંશે જુદી પડતી હતી અને તેનો બાહ્ય દેખાવ તો સ્વપ્નમાં આવતી એ કોલેજથી તદન જુદો હતો. વળી, હોસ્ટેલ પણ કોલેજથી ઘણી દુર હતી અને સ્વપ્નમાં જેવી હોસ્ટેલ જોઈ હતી તેનાથી બિલકુલ જુદી પડતી હતી એટલે એ બાબતે પ્રીતમને થોડી રાહત થઇ.

પ્રીતમ અને અશોકે હોસ્ટેલમાં એક જ રૂમમાં સાથે રહીને કોલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ શરુ કર્યો. એ હોસ્ટેલમાં આગલા વર્ષ વાળા સિનીઅર વિદ્યાર્થીઓ પણ રહેતા હતા અને સરકારી હોસ્ટેલ હોવાથી તેમજ ગૃહપતિ સાથે સારાસારી રાખતા હોવાથી એ સિનીઅર વિદ્યાર્થીઓ માટે લેટ નાઈટ શો જોવા જવું કે મોડી રાત સુધી રખડતા રેહવું એ સામાન્ય બાબત હતી. પ્રીતમ અને અશોક શરૂઆતમાં તો એ સિનીઅર વિદ્યાર્થીઓ સાથે રાત્રીવિહારમાં જોડાતા નહી પણ જેમ જેમ પરિચય કેળવાતો ગયો તેમ તેમ તેઓ પણ ક્યારેક ક્યારેક સિનીઅર મિત્રો સાથે રાત્રે પણ ફિલ્મ જોવા કે ફરવા નીકળી જતા.

એક રાત્રે અશોક અને બીજા મિત્રો સાથે શહેરની એક પ્રતિષ્ઠિત હોટેલમાં રાત્રી ભોજન લીધા બાદ દશેક વાગ્યાની આસપાસ હોસ્ટેલે પરત ફરતી વખતે બધા મિત્રો કોલેજ પાસેથી નીકળ્યા. ચંદ્રના આછાં અજવાળામાં આકર્ષક લગતી એ કોલેજના કંપાઉન્ડમાં એ સમયે ચાર પાંચ મિત્રો બેઠાં હતા. એમના આગ્રહને વશ થઈને પ્રીતમ અને અશોકનું મિત્ર-વૃંદ પણ ત્યાં થોડીવાર બેસી ગયું. અને એ જ મિત્રવૃંદમાંના એક મિત્રે કોલેજ તરફ જોતા કહ્યું;

“આહાહા...અત્યારે કોલેજ તો જો કેટલી શાંત અને આકર્ષક લાગે છે! દિવસ આખો તો અહી આપણે ધમપછાડા અને ધીંગા મસ્તી કરતા હોય.”

“હમમમ...સાંજે છ થી રાત્રે બાર વાગ્યા સુધી કોલેજ શાંત થઇ જાય છે અને બાર વાગ્યા પછી ત્યાં ભૂત ધમપછાડા કરતુ હોય છે.” બેઠેલા મિત્રોમાંથી એકે કહ્યું;

પ્રીતમ થોડો ગભરાયો તેમને તેમને જોયેલા સ્વપ્ન યાદ આવ્યા અને પૂછ્યું;

“ભૂત? કોણે કહ્યું?”

“ઘણા લોકો કહે છે કે ત્યાં કોઈ એક સ્ત્રીનું ભૂત થાય છે.”

અશોક પ્રીતમની પરિસ્થિતિ પામી જતા વચ્ચે જ કુદી પડ્યો અને પૂછ્યું;

“સ્ત્રીનું ભૂત? રાત્રે કોલેજમાં આવે કોણ તે સ્ત્રીનું ભૂત જોય?”

“ઘણા લોકો વાતો કરે છે કે એક વખત રાત્રે પેપર તપાસવા માટે રોકાયેલો સ્ટાફ અડધી રાત્રે કોલેજની બહાર નીકળી ગયો’તો અને ફરીવાર કોલેજમાં રાત્રે રોકવાની ના પાડી દીધી’તી, એ લોકોને હોસ્ટેલમાં ઉતારા આપ્યા’તા”

“બસ! હવે એવી ભૂતની વાતો બંધ કરો એમ પણ હું એવા સપનાઓ જોઈ જોઈને ત્રાસી ગયો છું. ડર લાગે છે એવી વાતોથી” પ્રીતમ વચ્ચે જ બોલી ઉઠ્યો અને કહ્યું;

“ચાલો હવે હોસ્ટેલે જઈને સુઈ જઈએ”

બધા મિત્રો હોસ્ટેલે જઈ પોતપોતાના રૂમમાં જઈ સુઈ ગયા. પ્રીતમ પણ થોડીવાર આમતેમ પડખા ફેરવતો, પોતાના સપનાઓ અને કોલેજ વિષે વિચારતો વિચારતો ક્યારે સુઈ ગયો ખબર ન રહી. એ પછી બે દિવસ બધું રાબેતા મુજબ ચાલ્યું કંઈ નવા-જૂની ન થઇ. બરાબર ત્રીજી રાત્રે ફરી પ્રીતમને સ્વપ્ન આવ્યું.

“ઠક....ઠક...” અવાજ સાથે લાકડાના કોલેજની લાકડાની સીડીના પગથીયા એ એકલો જ ચડતો હોય છે. સીડીના વળાંક પાસે ક્ષણવાર રોકાઈ, પોતાના ડર પર થોડો કાબુ મેળવી એ આગળ વધે છે. વધુ ચાર-પાંચ પગથીયા આગળ વધે છે, હવે ત્યાંથી બીજો માળ દેખાય છે પણ ત્યાં ફેલાયેલો અંધકાર, તમરાંનો અવાજ, અને ફરીવાર ઉપર કોઈ હશે તો એ ડર. ફરી એ પાછો ઝબકીને જાગી જાય છે. સીધો અશોકને જગાડે છે.

“અશોક...અશોક.. મને ફરીથી એ જ સ્વપ્ન આવે છે!.....મને ડર લાગે છે યાર!

અશોક જાગે છે, પ્રીતમને દિલાસો આપે છે અને એ રાત્રી બંને મિત્રો બતી ચાલુ રાખી જાગીને જ પસાર કરે છે.

સવારે અશોક અને પ્રીતમ કોલેજ નથી જતા, અશોક પ્રીતમને તેમના એક સંબંધીને ત્યાં લઇ જાય છે જે એક મંદિરના પુજારી હોય છે અને આવી બાબતોના થોડાઘણા જાણકાર હોય છે. એ પુજારીને પ્રીતમના વારંવારના સ્વપ્ના વિશેની વાત જણાવ્યા બાદ તેઓ ઘણીવાર સુધી વિચારીને કહે છે;

“જો બેટા પ્રીતમ, હવે તારે થોડી હિંમતથી કામ લેવું પડશે. મને લાગે છે કે એ કોલેજ કે પછી જે કંઈ હોય તે, એ તને કંઇક કહેવા માંગે છે. કોઈક વાત તારા અતીત સાથે જોડાયેલી હોય એવું જણાય છે, તું ડરીને ભાગીશ તો પણ કદાચ એ બાબત તારો પીછો નહી છોડે અને કદાચ નુકશાન પણ પહોચાડશે. પણ એવું કંઈ ન થાય એ માટે હું તને એક કડું આપીશ. એ તું પહેરી રાખજે એ કડું પહેરી રાખવાથી તારી હિંમતમાં પણ વધારો થશે અને એ બાબત સાથે કોઈ દુષ્ટાત્મા જોડાયેલી હશે તો પણ એ તને નૂકશાન નહી પહોચાડી શકે.”

“દાદા એ કડું પહેરીશ પછી એ સ્વપ્ના અને એ ડર જતો રહેશે”

“તારો ડર જતો રહેશે પણ એ સપનાથી પીછો છોડાવવા માટે તારે પોતે જ પ્રયત્ન કરવો પડશે, તારે પોતે જ જાણવું પડશે કે એ સપના પાછળનું રહસ્ય શું છે!”

થોડીવાર શાંત રહી કંઇક વિચારી એમણે ઉમેર્યું;

“એકાદ અઠવાડિયું એ કડું પહેરીને જો તો ખરો શું થાય છે? સ્વપ્ન કંઇક આગળ વધે તો ફરી પાછો મને મળી કહેજે, આપણે મળીને કંઇક રસ્તો કાઢીશું”

પ્રીતમ કડું પહેરી લે છે, બંને મિત્રો ત્યાંથી હોસ્ટેલે જાય છે.

વળી, બે દિવસ કઈ થતું નથી અને બરાબર ત્રીજે દિવસે ફરી પ્રીતમને સ્વપ્ન આવ્યું.

તે સીડીના વળાંક પાસેથી વધુ ચારપાંચ પગથીયા આગળ જાય છે, બીજો માળ સામે જ દેખાય છે ત્યાં ખુબજ અંધારું છે, તમરાંઓનો આવાજ પણ આવે છે અને ઉપર છે શું એવો પ્રશ્ન મનમાં લઇ પ્રીતમ દાદરા ચડતો ચડતો બીજા મળે પહોચે છે. ત્યાં અંધકાર સિવાય કઈ જ નથી, બીજા માળની આખી લોબીમાં એ ચક્કર લગાવી એક એક વર્ગખંડ તપાસી જોવે છે પણ ત્યાં તમરાંના અવાજ સિવાય કંઈ નથી. ચક્કર પૂરું કરી ફરી સીડી પાસે આવે છે, એ જ સીડી પર થઇ ત્રીજામાળે જાય છે અને ત્યાં પણ આખી લોબીમાં ચક્કર લગાવી એક એક વર્ગખંડ તપાસી જોવે છે,પણ ત્યાં પણ કંઈ નથી. ફરી સીડી પાસે આવી વિચારે છે અહી તો કોઈ નથી! એમનું ધ્યાન અગાસી તરફ જતી એક નાની સીડી પર જાય છે અને પ્રીતમ એ સીડી પાસે જઈ એક પછી એક પગથીયા ચડી જાય છે. અગાસીમાં પહોચતા જ પોતાનાથી થોડે દુર ઉભેલો એક ઓળો જોવે છે. કોણ હશે એ? કોઈ મિત્ર ડરાવવા માટે પહેલેથી જ અહી ઉભો હશે એવું વિચારી એ થોડો આગળ જાય છે અને જોવે છે.

ખુબ નજીક પહોચતા પાછળ ફરીને ઉભેલી લાંબા અને છુટા કેશવાળી એક સ્ત્રી દેખાય છે. વસ્ત્રોના કલર પર હજી અંધકાર જ છવાયેલો છે.

પ્રીતમ વધુ આગળ વધે એ પહેલા એ સ્ત્રીના શબ્દો સંભળાય છે

“આવી ગયા તમે? તમારી જ રાહ જોતી હતી.”

“કોણ છો તમે?”

પેલી સ્ત્રી મો ફેરવે છે. ત્વચાહીન ચેહરો, માત્ર ખોપરી પર છુટા વાળ અને કપાળ પર ડાબી તરફ એક મોટો ખાડો. તેનું ભયાનક રૂપ જોઈને પ્રીતમ ચીસ પડી ઉઠે છે અને પથારીમાં બેઠો થઇ જાય છે.

બીજે દિવસે બંને મિત્રો ફરી પુજારીજીને મળે છે અને સ્વપ્નની બધી જ વાત કહે છે.

થોડીવાર કંઇક વિચારી પુજારી કહે છે.

“પ્રીતમ તારે કોઈ એક રાત્રીના સમયે એ કોલેજમાં દાખલ થવું પડશે.”

“મારે?........ એકલાને?....... અને એ પણ રાત્રે?”

“હા, કોઈ મિત્ર સાથે રહે તો પણ વાંધો નહી અને એકલો જ જા તો પણ વાંધો નથી. મને નથી લાગતું એ આત્મા તને કંઈ નુકશાન પહોચાડે. એ માત્ર મુક્તિ ઈચ્છે છે અને કદાચ એટલે જ તને સપનાના માધ્યમથી વારંવાર બોલાવે છે.”

પ્રીતમ ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. કંઈ બોલતો નથી.

“એક વાર જઈ આવ, એમાં કંઈ જેવું નથી. તને કડું તો આપેલું જ છે, છતાં તને ડર લાગતો હોય તો હું બીજા માળ સુધી તારી સાથે રહીશ પણ ત્રીજા માળે તો તારે એકલાએ જ જાવું પડશે કેમ કે એ તારા અતીત સાથે જોડાયેલી કોઈક આત્મા છે.”

“ઠીક છે હું જઈશ પણ અશોકે પણ બીજા માળ સુધી આપણી સાથે આવવું પડશે”

અશોક પણ એ માટે તૈયાર થાય છે અને એક રવિવારની રાત્રીએ કોલેજની એ અગાસી પર જવાનું નક્કી કરી ત્રણે છુટા પડે છે

નક્કી કરેલી રવિવારની એ રાત્રીએ બાર વાગ્યે પ્રીતમ અને અશોક પુજરીજીના ઘરેથી તેમને લઇ એ કોલેજના કંપાઉન્ડમાં જાય છે. એ સમયે ત્યાં કોઈ નથી હોતું, કોલેજને બહારથી તાળું મારેલું હોય છે.

“સૌપ્રથમ તો અંદર જવાનો રસ્તો ગોતવો પડશે” પુજારીજી કહે છે

ત્રણે જણા કોલેજને ફરતો એક આંટો મારે છે અને એક જગ્યાએ બે સળિયા વચ્ચે થોડી વધારે પહોળી જગ્યાએથી થઇ વારાફરથી ત્રણે અંદર પ્રવેશે છે. ત્યાં લોબીમાં થઇ લાકડાવાળી પેલી સીડી પાસે પહોચે છે અને ત્રણે એક સાથે જ એ સીડીપર ચડવાનું શરુ કરે છે.

એ વખતે કોલેજના પ્રથમ અને બીજા માળે જઈ ત્રણેએ બંને માળની લોબીમાં એક ચક્કર લગાવે છે પણ પ્રીતમના પેલા સ્વપ્નની જેમ ત્યાં અંધકાર અને તમરાંના અવાજ સિવાય કઈ જોવા નથી મળતું. અગાસી પર ચડવાની એ નાની સીડી પાસે જઈ અશોક અને પૂજારીજી ઉભી જાય છે અને પ્રીતમને કહે છે.

“હવે આગળ તારે એકલાને વધવાનું છે. અગાસી પર જઈને જોઈ લે સ્વપ્નમાં જોયું હતું એવું કંઈ છે કે નહી! હશે કે નહી હોય, બંને કિસ્સામાં તારા એ સપનાઓ તારો પીછો છોડી દેશે. કદાચ કોઈ હોય તો પણ એની સાથે વાત કરવામાં જરા પણ ડર ન રાખતો મેં આપેલું કડું તારી રક્ષા કરશે.”

પ્રીતમ એ લાકડાની સીડીના પગથીયા ચડે છે. એક વળાંક બાદ થોડા વધુ પગથીયા ચડી એક નાનકડી ઓરડીમાં થઇ એ અગાસી પર પહોચે છે. પહોચીને સામે તથા ડાબી જમણી બાજુ જોવે છે પણ ત્યાં કઈ નથી હોતું. ઓરડીની જમણી બાજુ થઇ એ અગાસીના બીજા ભાગ તરફ વળે છે અને ત્યાં એમને સ્વપ્નમાં જોયો હતો તેવોજ એક ઓળો, અંધકારમાં ઉભેલો દેખાય છે. ધીમે ડગલે એ એ ઓળા તરફ બે ત્રણ ડગલા ચાલે છે. લાંબા વાળવાળી એ સ્ત્રી પ્રીતમ તરફ પીઠ કરીને ઉભી છે. વધુ નજીક જતા લાલ રંગની સાડી દેખાય છે. અને એ સ્ત્રી પ્રીતમ તરફ પીઠ ફેરવીને જ બોલે છે.

“આવો મહારાજા કરણસિંહ! આવી ગયા તમે? તમારી જ રાહ જોવ છું.”

પ્રીતમના મનમાં એક ધ્રાસકો પડે છે પણ પોતે પહેરેલા કડા પર નજર જતા થોડી હિંમત આવે છે અને પૂછે છે.

“કોણ?”

“હું તારામતી છું, વર્ષોથી ભટકતી તમારી રાણી પણ તમને આ જન્મે એ યાદ નહી હોય?”

“તારામતી!”

“હા અને તમે એ જન્મે કરણસિંહ હતા. એ બહુ લાંબી વાત છે હું બધું કહીશ પણ એ માટે મારે તમારી તરફ ફરવું પડશે”

“વાંધો નહી ફરી જાવ મારી તરફ અને જે કંઈ હોય તે કહો.”

“તમે સ્વપ્નમાં મારો ચહેરો જોઇને ડરી ગયા’તા એ રીતે ડરી તો નહી જાવ ને?”

“ના તમે તમારે ફરી જાવ અને જે કહેવું હોય તે કહો.”

પેલી સ્ત્રી પ્રીતમ તરફ ફરી, અંધકારમાં એનું મો આછું એવું દેખાતું હતું. પ્રીતમે જોયું એનો ચહેરો જાણે કોઈએ પથ્થરથી છુંદી નાખ્યો હોય તેવો, ક્યાંક ચામડી હતી તો ક્યાંક ખોપરીના હાડકા દેખાતા હતા અને આખો ચહેરો લોહીથી નીતરતો હતો, આંખો એકદમ સફેદ અને કપાળના જમણા ભાગ તરફ એક મોટું કાણું પડેલું હતું.

થોડો ડર લાગ્યો પણ હિંમત એકઠી કરીને પ્રીતમે કહ્યું;

“હવે કહો જે કહેવું હોય તે અને સાથે એ પણ કહો કે મારા સ્વપ્નમાં અવારનવાર શા માટે આવો છો?”

“મુક્તિ મેળવવા માટે”

પેલી સ્ત્રીએ કહ્યું અને ઉમેર્યું

“વર્ષો પહેલા તમારા પૂર્વજન્મમાં આ નગરના તમે રજા હતા. તમારું નામ કરણસિંહ હતું અને હું તમારી રાણી તારામતી હતી. એક પાડોશી રાજાએ આપણા રાજ્ય પર ચઢાઈ કરી, એ રાજ્યનું સૈન્યબળ જોતા આપણી હાર નિશ્ચિત હતી. છતાં તમે જયારે લડવા જતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે યુધ્ધમાં તમને કંઈ થશે તો હું પણ તમારી પાછળ પ્રાણ ત્યજી દઈશ. રણમેદાન આ અગાસી પરથી ચોખ્ખું દેખાતું હતું અને તમે યુધ્ધમાં ગયા પછી હું અગાસી પર ઉભી ઉભી આપણા રાજ્યના ધ્વજને જ જોતી રહી. એક સમયે આપણા રાજ્યનો ધ્વજ દેખાતો બંધ થઇ ગયો અને થોડીવાર પછી એક સૈનિકે આવી તમારા એટલે કે મહારાજા કરણસિંહના વીરગતિના સમાચાર આપ્યા. એ જ સમયે મેં અગાસી પરથી પડતું મૂક્યું. પણ પડતી વખતે બીજામાળના ઝરૂખા પર મારા માથાનો જમણો ભાગ જોરથી ભટકાયો અને નીચે પણ એક પથ્થર પર પણ મારું માથું જોરથી પછડાયું. એ સમયે મારી ખોપરીના હાડકાની એક કરચ મહેલના એક ખૂણા પાસે પડી રહી હતી. જીતેલા રાજાના સૈનિકોએ મૃત્યુ પામેલા બધાને એક મોટી ચિતા પર અગ્નિદાહ આપી દીધો જેમાં હું પણ હતી. એક તો મેં આત્મહત્યા કરી હતી અને બીજું એ કે મારા શરીરનો જરાક એવો ભાગ અગ્નિદાહ પામ્યો ન હતો એટલે મને મુક્તિ ન મળી.”

થોડીવાર રોકાઈ એ આછું એવું હસીને એ ભયાનક ચહેરાવાળી સ્ત્રી, તારામતીએ ઉમેર્યું;

“પ્રેતયોનીમાં ગયા પછી મારા આત્માની ઈચ્છા એવી હતી કે હું તમારા હાથે જ મુક્ત થાવ અને એટલા માટે જ તમારા બીજા જન્મની રાહ જોઈ હું ભટકતી રહી. હવે તમે જ મને તમારા હાથે મુક્તિ આપવો”

“કઈ રીતે?” પ્રીતમે તારામતી તરફ જોઈ પૂછ્યું

“અત્યારે હું જ્યાં ઉભી છું ત્યાંથી બરાબર નીચે મહેલની દીવાલ પાસે અત્યારે એક આંકડો ઉગેલો છે. એ આંકડાને ફરતે ખોદી તેને મૂળ અને માટી સહીત ઉપાડી લેવાનો છે. ત્યારબાદ બધી જ માટી જુદી પડી તેને તમારા હાથે અગ્નિદાહ આપશો એટલે હું મુક્ત થઇ જઈશ.”

આટલું કહી પ્રીતમની સામે જોઈ એમણે એક વિનંતીના સ્વરમાં પૂછ્યું;

“આટલું કરશોને?’

“હા”

પ્રીતમે પ્રત્યુતર આપી એની સામે જોયું અને એક સ્મિત આપી એ તારામતી હવામાં ક્યાંક ઓગળી ગઈ.

પ્રીતમ ધીમી ચાલે અગાસી પરથી નીચે ઉતરવાની સીડી પાસે આવ્યો અને ધીમે ધીમે નીચે ઉતાર્યો.

“હતું કોઈ ત્યાં?” એવા પુજરીજીના સવાલના જવાબમાં એમણે એટલું જ કહ્યું;

“હા, પહેલા બહાર ચાલો”

ત્રણેય બહાર નીકળ્યા અને અગાસી પર જે જગ્યાએ તારામતી ઉભી હતી ત્યાં નીચે કોલેજની દીવાલ પાસે જઈ એક આંકડાનો છોડ પૂજારીજી અને અશોકને બતાવતા કહ્યું;

“અહી તેની માટી દટાયેલી પડી છે એને અગ્નિદાહ આપવાનો છે”

એ દિવસે કંઈ ઓજાર વગર ખોદવું શક્ય ન હતું એટલે ત્રણેયે બીજા દિવસે ઓજાર લઇ આવવાનું નક્કી કર્યું. રસ્તામાં પ્રીતમે તારામતી વિશેની બધીજ વાત પુજારીજીને કહી. અશોક અને પ્રીતમ એ દિવસે હોસ્ટેલે ન જતા પુજરીજીના ઘરે જ સુવા જતા રહ્યા.

બીજી રાત્રે એ ત્રણે જણા એક કોસ લઇ એ કોલેજ પાસે ગયા અને આંકડાના એ છોડને તારામતીએ સૂચવ્યા પ્રમાણે મૂળ સહીત ખોદવા લાગ્યા. પ્રીતમે જોયું કે એ સમયે અગાસી પર તારામતી જેવો કોઈ ઓળો એમને જોતો હતો. આંકડાનો એ છોડ ખોદાઈ ગયા બાદ એ ખાડો પાછો બીજી માટીથી બૂરી દીધો અને આંકડાના છોડની માટી જુદી કરી, થોડે દુરના જંગલમાં જઈ પુજરીજીની મદદથી વિધિવત અગ્નિસંસ્કાર કરી દીધો.

એ પછી પ્રીતમ એ કોલેજમાં ત્રણ વર્ષ ભણ્યો, ક્યારેક અશોક તેને મજાકમાં મહારાજા કરણસિંહ કહીને બોલાવતો અને પુજારીજીને ત્યાં જતા ત્યારે તેઓ પણ મજાકમાં કહેતા કે આવો મહારાજા.

પ્રીતમનો એ મનોભ્રમ હતો, કોઈ માનસિક બીમારી કે પછી ખરેખર કોઈ પૂર્વ જન્મની હકીકત હતી એ તો રામ જાણે! પણ એ પછી ક્યારેય પ્રીતમને એ સ્વપ્ન ન આવ્યું. હા, કોલેજના એ પ્રેત વિશેની ચર્ચા ક્યારેક મિત્ર વર્તુળમાં થતી પણ એ વખતે પ્રીતમ અશોક સામે જોઈ મલકાયા કરતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED