Sorthi Lokkatha books and stories free download online pdf in Gujarati

Sorthi Lokkatha

મૃત્યુ પછીનું વચનપાલન

આશરે નવસો હજાર વર્ષ પહેલાની વાત છે. હાલના અલંગ અને ઘોઘા બંદર વચ્ચે આવેલું એ માંડવા ગામ એ સમયે માંડવગઢ તરીકે ઓળખાતું હતું. એ ગામના ધણી, પ્રજા વત્સલ, દાની, એકવચની અને વીર એવા લા’ગોહેલ હતા. એક દિવસ લા’ગોહેલ ડાયરો ભરીને બેઠાં છે. બાજુના ગામના ચારણ કવિ રવા ઓઢા દુહાઓની રમઝટ બોલાવે છે. ગંગાજળિયા ગોહિલ કુળની કીર્તિગાથાઓ અને શૌર્યગાથાઓની સરવાણીઓ વહે છે. પોરસમાં આવેલા ગોહિલોના કડિયાની કસો તૂટું તૂટું થઇ રહી છે અને છાતી ફાટ ફાટ થઇ રહી છે. રંગમાં આવી લા’ગોહેલ બોલી ઉઠ્યા,

“રંગ ચારણ રંગ! માગો માગો આજ તો માગો એ આપું.”

ગળું ખંખેરીને ચારણે કહ્યું:

“બાપુ બીજું તો કંઈ નઈ પણ કંઇક આપવું જ હોય તો તમારો માનીતો દેવમુની ઘોડો તમારા જ હાથે આપો.”

“દેવમુની ઘોડો આપ્યો ચારણ! બીજું બોલો આજે માંડવગઢનો ધણી આપવા બેઠો છે.”

“બસ બાપુ! દેવમુની ઘોડા સિવાય મારે બીજું કંઈ ન ખપે.”

“કોઈક લઇ આવો દેવમુનીને શણગારીને”

લા’ગોહેલનો આદેશ છૂટ્યો અને થોડીવારે લા’ગોહેલને પ્રાણથી પણ જે વિશેષ વહાલો હતો એવાં દેવમુની ઘોડાને શણગારીને ડાયરામાં હાજર કરાયો. ચારણ આંખો ફાડીને એ દેવતાઈ ઘોડાને અને તેના રૂપને જોતા રહી ગયા. લા’ગોહેલે લગામ હાથમાં ઝાલી ચારણ તરફ જોઈ કહ્યું;

“લ્યો ચારણ, ભગવાન શંકર તમને સોપારીનો કટકો આપે છે.”

“ભલે બાપુ, ભગવાન તમને લાંબી આવરદા આપે પણ આજ તો મારે ગામતરે જાવું છે ને એક ઘોડો તો મારી પાંહે છે એટલે હમણાં ભલે આપના ઘોડારમાં ર્યો, વળતા હું લેતો જઈશ.”

“ ભલે, જેવી તમારી મરજી ચારણ, હવે એ ઘોડો આપનો જ છે અને તમે જયારે આવશો ત્યારે હું મારા હાથે જ તમને સોપી દઈશ”

ડાયરો વિખેરાઈ ગયો, થોડા દિવસ લા’ગોહેલની મહેમાનગતિ માણી ચારણ કવિ રવા ઓઢા બીજે ગામ જતા રહ્યા.

રવા ઓઢાના ગયા બાદ થોડા દિવસે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ શિહોરની મુલાકાત લીધી, ત્યાં બ્રહ્મકુંડ બનાવી અને પાટણ પરત ફરતી વખતે એમણે લા’ગોહેલની મુલાકાત લીધી. લા’ગોહેલને ત્યાં થોડા દિવસ રોકાયા અને લા’ગોહેલની મહેમાનગતિ માણી.

એક દિવસ લા’ગોહેલ અને સિદ્ધરાજ જયસિંહ બંને પોતપોતાના થોડા અસવારો સાથે ફરતા ફરતા દરિયા કિનારે આવી પહોચ્યા. એ દિવસે દરિયો પૂર્ણ ભારતીના હેલે ચડેલો હતો. એક પછી એક એવા નાનાં તો ક્યારેક લોઢ લોઢ જેવડાં મોટા મોજાઓ ઘુઘવાટ કરતા કિનારા તરફ ઘસી આવતા હતા અને રેતીમાં ફીણ થઇ પથરાઈ જતા હતા. દરિયાનું આવું રૌદ્ર સ્વરૂપ થોડીવાર સિદ્ધરાજ જોઈ રહ્યા અને પછી અચાનક જ બોલ્યા;

“ઓહોહો! આવા ઉછળતા મોજાઓની વચ્ચે સો વાર સુધી દરિયામાં ઘોડો દોડાવ્યે જાય એવો કોઈ વીરલો આ ધરતી ઉપર હશે?”

“મહારાજ આપ બધામાંથી કોઈ એક ને હુકમ કરો તો પણ કદાચ એક ગોહિલ વીર સિવાય આવી હિંમત કોઈ ન કરે”

કદાચ ગોહીલોની મહેમાનગતિની આમન્યા રાખી એક અસવાર આવું બોલી ગયો

“હા મહારાજ, ગોહિલો ખરેખર શુરવીરો છે પણ એમની શૂરવીરતાની વાતો તો માત્ર ડાયરાઓમાં જોવા મળે.”

બીજો એક અસવાર બોલ્યો.

ગોહીલોની આવી પડતી સાંભળી લા’ગોહેલના અંતરમાં આગ લાગી ગઈ, આંખો ક્રોધથી રાતી થઇ ગઈ અને ઘોડાની લગામ પરની મુઠ્ઠીની પકડનું જોર વધી ગયું.

દરમિયાન એક ત્રીજો અસવાર વાતને વાળી લેતા બોલ્યો.

“મહારાજ એવો કોઈ રાજપૂત નથી જે આવી નકામી વાતમાં પોતાનું જીવતર વેડફી નાખે માટે રહેવા દ્યો એ વાત ને.”

ત્યાં તો મૂછના થોભિયા પર હાથ મૂકી લા’ગોહેલે કહ્યું;

“લ્યો ત્યારે જોઈ લ્યો આજે એવો રાજપૂત મહારાજ, જીવતો રહીશ તો પાછા મળીશું”

કહેતાની સાથે જ લગામ ઢીલી મૂકી પગની એડી મારી લા’ગોહેલે પોતાના પાણીદાર દેવમુની ઘોડાને દરિયાના મોજાઓની વચ્ચે કુદાવી મુક્યો.

“એ જાય!.....એ જાય!......વાહ!...વાહ ગોહિલ! એક વાર....બે વાર.....પાંચ વાર....સો વાર”

જેવા ઉદગારો અને ગણતરીઓ ચાલુ રહી અને લા’ગોહેલ અને તેનો દેવમુની ઘોડો દરિયાના ઉછળતા મોજાઓને મ્હાત કરી દરિયામાં આગળ વધતા ગયા. જાણે રત્નાકરના રૌદ્રતાના અભિમાનને ખંડિત કરવા મથતા હોય અને સાગર પર પોતાનું સામ્રાજ્ય ફેલાવવા માંગતા હોય એ રીતે એ ગંગાજળીયો ધરતીનો ધણી અને તેનો દેવમુની ઘોડો સાગરના મોજાઓ વચ્ચે માર્ગ કરી આગળ વધતા ગયા અને પળવારમાં તો સો વારનું અંતર કાપી નાખ્યું. હવે પરત ફરવાનું હતું અને બરાબર એ જ સમયે જાણે રત્નાકર આ અણધર્યા આક્રમણથી ઘોર નિંદ્રામાંથી જાગી ઉઠ્યો હોય અને વગર વિચાર્યે જીવલેણ ઘા કર્યો હોય એવું એક પ્રચંડ અને મહાકાય મોજું આવ્યું. લા’ગોહેલ અને દેવમુની ઘોડો બંને એ મહાકાય મોજાની થપાટે ચડ્યા અને કિનારે ઉભેલા અસવારોની દ્રષ્ટિથી ઓજલ થઇ ગયા. એ વીર અને તેનો દેવમુની ઘોડો વીરગતિ પામ્યા. માંડવગઢ શોકાતુર બન્યું, સિદ્ધરાજ અને તેના રસાલાને ખુબ જ અફસોસ થયો. લા’ગોહેલની અંતિમ ક્રિયા સુધી સિદ્ધરાજ ત્યાં રોકાયા.

આ ઘટના બાદ એક દિવસ ચારણ રવા ઓઢા પરત આવ્યા અને તેના દેવમુની ઘોડાની માંગણી કરી. લા’ગોહેલના એક ભયાતે તેમને સઘળી હકીકતથી વાકેફ કર્યા અને કહ્યું;

“ભલે દેવમુની અને દેવમુનીનો દેનારો ન રહ્યા હોય પણ એમણે આપેલા વચનના અમે સાક્ષી છે એટલે ચારણ, ઘોડારમાંથી તમને જે ઘોડો ગમે તે તમે લઇ લ્યો.”

પણ ચારણ તો જીદે ચડ્યા અને કહ્યું:

“મારે તો વાયદા પ્રમાણે દેવમુની ઘોડો જ જોયે એ સિવાય બીજો કોઈ ઘોડો હું લઇશ નહી.”

આટલું કહીને ચારણ તો દરિયા કિનારે કે જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાં જઈ બેસી ગયા. લા’ગોહેલને તેમનું વચન નિભાવવા વિનવણી કરતા કરતા તેઓએ ઉપવાસો આદર્યા. દિવસ આખો ભૂખ્યા બેસી રહે અને રાત્રે સુઈ જાય. એમ ને એમ ત્રણ દિવસો પસાર કર્યા, ત્રીજા દિવસની રાત્રીએ લા’ગોહેલ રવા ઓઢાના સ્વપ્ને આવ્યા અને કહ્યું:

“ચારણ, વચન પાળ્યા વગર અને તમને દાનમાં આપેલો ઘોડો પણ સાથે લઇ હું જતો રહ્યો, તમારો અપરાધી છું પણ થવાની હતી એ થઇ ગઈ, તમે હવે બીજો ઘોડો સ્વીકારી રાજી થાવ એટલે મારા જીવને પણ શાંતિ થાય.”

પણ ચારણ એક ના બે ન થયા. લઉં તો દેવમુની ઘોડો જ લઉં અને એ પણ લા’ગોહેલના જ હાથે એવા પોતાના નિર્ણય પર તેઓ મક્કમ રહ્યા અને ઉપવાસો ચાલુ રાખ્યા.

ચોથા દિવસે ચારણના ખોળામાં અચાનક જ લા’ગોહેલનું ચાંદીનું અફીણ રાખવાનું પાત્ર પડ્યું. ચારણે એ પાત્ર જોયું, ઓળખ્યું અને ફરી પાછું દરિયામાં નાખી દીધું.

પાંચમાં દિવસે લા’ગોહેલ પોતેજ માનવ સ્વરૂપે સમુદ્રમાંથી બહાર આવ્યા અને ચારણને કહ્યું;

“દેવીપુત્ર આ શું આદર્યું છે? દેવમુની તો હવે મારી સાથે સરગાપરીએ સીધાવ્યો. ત્યાંથી હવે થોડો પાછો આવે! તમે ભલા થઇ બીજો જે ઘોડો જોયે તે લઇ લ્યો અને રાજી થાવ. મારા આત્માને શાંતિ આપો.”

“ગોહેલ, લઉં તો દેવમુની જ લઉં, તમને વળી શું અપસરાવને દેવમુનીની અસવારી દેખાડવાના અભરખા થયા’તા તે જતાં જતાં મને દાનમાં આપેલો દેવમુની ઘોડો પણ સાથે લેતા ગયા?”

સજળ આંખે અને દુ:ખી સ્વરે પોતાના ધણીને અમરત્વ આપવા મથતા એ ચરણે કહ્યું.

“એ મારી ભૂલ હતી ચારણ, દાનમાં દીધેલ ઘોડા ઉપર મારો કોઈ હક્ક ન્હોતો, મારે એ દેવમુનીને હોડમાં નાખવાની જરૂર ન્હોતી પણ હવે તો શું થાય? હવે ચારણ તમે જ કંઇક એવું સમાધાન કરો જેથી તમે ખુશ થાવ, અને મારા આત્માને શાંતિ વળે.”

“દેવમુની વિના ખુશી શેની ગોહેલ?”

એક નિશ્વાસ સાથે ચારણે કહ્યું:

“તો તમે દેવમુની લીધા વગર મારા આત્માને કનડગત બંધ નહી જ કરો?”

કોઈ પ્રત્યુતર આપ્યા વગર ચારણ દુ:ખી ચહેરે અને સજળ નેત્રે લા’ગોહેલ સામે જોઈ રહ્યો.

“ભલે ચારણ, થોડીવાર થોભો, હમણા પાછો આવું છું.”

એટલું કહી, લા’ગોહેલ ફરી પાછા જે માર્ગેથી આવ્યા હતા તે જ માર્ગે સમુદ્રમાં ગયા અને થોડીવારે દેવમુની ઘોડાની લગામ હાથમાં ઝાલી તેને દોરી ચારણ પાસે આવે છે. દુર ઉભા ઉભા ચતુર ચારણ ચહેરા પર પોતાનો મનસુબો પર પડ્યાની ખુશી સાથે અને આવા એકવચની વીરે ધરા પરથી વિદાય લીધી એ દુ:ખ સાથે સહ્સ્મિત છતાં સજળનેત્રે જોઈ રહે છે.

ચારણની લગોલગ પહોચી લા’ગોહેલે ઘોડાની લગામ ચારણ તરફ લંબાવી કહ્યું;

“લ્યો ચારણ, આ તમારો દેવમુની સ્વીકારો અને મને મુક્ત કરો”

ચારણની આંખમાંથી અશ્રુધારાનું અસ્ખલિત ઝરણું વહેવા માંડ્યું છતાં ડુસકા ભરતાં ભરતાં ચારણ બોલ્યા;

“બાપ, આમ લઉં તો જગત હાંસી કરે ને કે’ય કે ચારણથી ઉપવાસ ન ખમાણા એટલે દેવમુની જેવો ઘોડો ક્યાંકથી ઉપાડી આવ્યા અને વાર્તા ઉપજાવી કાઢી.”

“ફુઇના પોતરા, તમે તો ભારે કરી! હવે શું કરાવવાના છો?” લા’ગોહેલે હળવી મજાકમાં જ પૂછ્યું.

“વધુ કંઈ નહિ ગોહેલ, પણ લોકવરણ જાણે ને બધા જોવે એમ ગામના ચોરે આવી દેવમુનીની લગામ મારા હાથમાં આપો.” ચારણે કહ્યું.

થોડું વિચારી લા’ગોહેલે કહ્યું;

“ભલે ચારણ પણ મારી એક શરત છે એ સાંભળી લ્યો, ગામના ચોરા સુધી તમે મારી આગળ ચાલશો અને હું દેવમુનીને દોરીને તમારે પગલે પગલે ચાલ્યો આવીશ પણ ગામનો ચોરો ન આવે ત્યાં સુધી તમારે પાછું વળીને જોવાનું નહિ. વાટમાં ક્યાંય તમે પાછું વળીને જોશો તો એ જ જગ્યાએ તમારે ઘોડાનું દાન સ્વીકારવું પડશે અને મને વચન બંધનમાંથી મુક્ત કરવાનો રહેશે. બોલો મંજુર?”

“ભલે મંજુર છે, ગોહેલ.”

કહીને ચારણ રવા ઓઢા ગામ તરફના રસ્તે આગળ થયા અને પાછળ પાછળ લા’ગોહેલ દેવમુનીને દોરીને ચાલ્યા આવે છે. ચાલતાં ચાલતાં બંને ગામના પાદરે પહોચ્યા. પાદરે ઉભેલા લોકો આ દ્રશ્યને અચંબાથી જોઈ રહ્યા છે. લોકો ઘડીક બારોટ તરફ તો ઘડીક લા’ગોહેલ તરફ જોઈ બાઘા જેવા બની જાય છે. આગળ ચાલતાં ચારણ રવા ઓઢાને શંકા થઇ કે લોકો આ રીતે જોવે છે તે લા’ગોહેલ પાછળ ચાલ્યા તો આવે છે કે નહિ? અને અચાનક જ તેમનાથી પાછળ જોવાઈ ગયું.

લા’ગોહેલ હસતાં ચહેરે ત્યાં ઉભા હતા અને બારોટે જેવું પાછળ જોયું કે તરત જ બોલ્યા,

“લ્યો બારોટ મારો કોલ પૂરો થયો. પાદરે જેટલા લોકો છે એમની હાજરીમાં એ જોવે એમ તમને દેવમુની ઘોડો આપું છું.”

બારોટના હાથમાં દેવમુની ઘોડાની લગામ પકડાવી, લા’ગોહેલ અંતર્ધ્યાન થઇ ગયા.

આજે પણ માંડવગઢમાં એ વીર લા’ગોહેલનો પાળીયો ઉભો છે અને લોકો તેને આંગળી ચીંધી બતાવતા કહે છે કે આ વીર લા’ગોહેલે માર્યા પછીએ વચન નિભાવ્યું.

સંદર્ભ : Gazetteer of the bombay presidency vol. viii-1884 અને કાઠીયાવાડની જૂની વાતોમાંથી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED