પ્રહાર પ્રતીક્ષા Bhaveshkumar K Chudasama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રહાર પ્રતીક્ષા

તેનું નામ હેન્રી હતું. વીસ વર્ષ પહેલાં તેણે તેની પત્ની મેરીને નજીવી બાબતે છૂટ્ટાછેડા આપી દીધા હતા. એ બિચારી તૂટી ગઈ હતી. જીવનમાં એમણે સૌથી વધુ કોઈને પ્રેમ કર્યો હોય તો એ હેન્રી હતો. રોજ સવારે ઉઠતી ત્યારથી એ હેન્રીની સેવામાં લાગી જતી. હેન્રી ઊઠીને ન્હાવા જાય એ માટે પાણી ગરમ કરી દેતી, હેન્રી માટે સમયસર ચા નાસ્તો તૈયાર કરી દેતી અને હેન્રી ન્હાઈને આવી ચા નાસ્તો કરે ત્યાં સુધીમાં હેન્રીને પહેરવાના કપડાં, ટાઈ, રૂમાલ, બૂટ, મોજા બધું તૈયાર કરી રાખતી. જ્યારે હેન્રી કામ પર જતો ત્યારે તે દરવાજા સુધી સાથે જતી અને કામ પર જતા હેન્રી ને કહેતી 'સાંજે વહેલા આવી જજો.'
એક દિવસ અચાનક શું થયું કે એક નજીવી બાબતે હેન્રીએ તેને છુટ્ટાછેડા આપી દીધા. એ બિચારી મનથી ભાંગી પડી હતી. એમને લાગ્યું કે કદાચ હેન્રી તેને ચાહતો નથી! કદાચ હેન્રીનું દિલ કોઈક વધુ સુંદર યુવતી પર આવી ગયું હશે! એમણે અનેકવાર હેન્રી ને આજીજી કરી, કાકલૂદી કરી પણ હેન્રી એ એમની કોઈ વાત સાંભળી નહી અને તેને અનેકવાર અપમાનિત કરી છેલ્લે કહી દીધું 'તું મને છોડી ને ચાલી જા.'
ખૂબ અપમાનિત થયેલી અને તરછોડાયેલી એ ભારે પગલે ઘરની બહાર નીકળી ગઈ. ક્યાં જવું અને શું કરવું કંઈ સમજાતું ન હતું. માતા પિતા તો ક્યારના ઉપર જતા રહ્યા હતા એક ભાઈ હતો તેના પર બોઝ બનવાના વિચારને એમણે અનેકવાર ટાળી દિધો. પોતાના પ્રિય પાત્રથી હડધૂત થવાના અસહ્ય દુઃખથી તેને પોતાનું જીવન નીરસ લાગ્યું અને એમણે આત્મહત્યાનો માર્ગ અપનાવી એ જીવનનો અંત આણી દીધો.
જ્યારે એમના ભાઈને આ વાતની ખબર પડી અને તેણે તેની બહેનની નિશ્ચેતન પડેલી લાશ જોઈ ત્યારે તેના સ્મૃતિપટ પરથી ભાઈ બહેને બાળપણમાં સાથે રમેલી અનેક નિર્દોષ રમતો એક સાથે પસાર થઈ ગઈ હતી. એ ઢીંગલી એ પોતિયાં, બગીચાના કોઈ હીંચકા પરના વારાફરતી વારા, ક્યારેક માં બનીને ખીજાતી તો ક્યારેક વ્હાલનો દરિયો બનતી બહેન. તેની આંખો ક્રોધ સાથેના આંસુથી ઉભરાઈ આવી હતી અને ખાનામાં પડેલી પિસ્તોલ ઉપાડી તે સીધો જ હેન્રી ના ઘરે ગયો હતો. હેન્રી બહાર ફળિયામાં જ આંટા મારતો હતો અને મેરીના ભાઈએ એક દીવાલની ઓથનો સહારો લઈ, તેના પર નિશાન લઈ પિસ્તોલ ચલાવી દીધી હતી. એમણે હેન્રી ને પડતા જોયો હતો પણ ફૂટેલી પિસ્તોલમાંથી ઉડેલા ગન પાઉડરના ધુમાડામાં બધું ધૂંધળું દેખાતું હતું. એમને લાગ્યું કે હેન્રી મરી ગયો અને પોલીસના ડરથી તે જલ્દીથી એ સ્થળ અને શહેર છોડી ક્યાંક અજ્ઞાત શહેરમાં જતો રહ્યો હતો.

હેન્રી એ દિવસે નસીબદાર હતો. પિસ્તોલની બુલેટ એના ચહેરા પર જરા એવી ઘસાઈ નીકળી ગઈ હતી અને પાછળ રહેલા એક વૃક્ષના થડમાં ઘૂસી ગઈ હતી. પિસ્તોલના અવાજથી અને અચાનક ચહેરા પર બુલેટ ઘસાવાથી એ માત્ર નીચે પડી ગયો હતો. મેરીના ભાઈએ તે મરી ગયો સમજી પોલીસના ડરથી શહેર છોડ્યાના વીસ વર્ષ બાદ હેન્રીને અચાનક જ તે ઝાડ નડતું હોય કાપવાનો વિચાર આવ્યો. ઝાડ ખૂબ જ તોતિંગ હતું એટલે કુહાડીથી કાપી શકાય તેમ ન હતું. આ તોતિંગ ઝાડને ઝડ મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે તેમણે ડાયનેમાઇટનું વિચાર્યું અને ઝાડ ફરતે ડાયનેમાઇટ પાથરી દૂરથી તેની વાટમાં પલીતો ચાંપી તે ઝાડને પડતું જોવા ઊભો હતો. એક ધડાકો થયો, ઝાડના ભુક્કા બોલ્યા અને સાથે જ તેમાં એક ભાઈની લાગણીઓના ઝનૂન સાથે એક સમયે છૂટીને ખૂંચી ગયેલી અને પોતાના લક્ષ્યાંકને ચૂકેલી બુલેટને જાણે આજે આઝાદી મળી હોય તેમ તે છૂટી અને પોતાના લક્ષ્યાંક હેન્રીની ખોપરીની આરપાર નીકળી ગઈ. હેન્રી જમીન પર લોહીમાં લથપથ, નિશ્ચેતન પડ્યો હતો. શું એ બુલેટ વીસ વર્ષ સુધી પ્રહારની પળની પ્રતીક્ષા કરતી હતી!?