કાળરાત્રિ Bhaveshkumar K Chudasama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળરાત્રિ

અમાસની એ અંધારી રાતે વીતેલી કોઈ ગોઝારી ક્ષણને વાગોળતા શોકાતુર હોય એમ તારલાઓ આકાશમાં આછા અજવાળે ટમટમતા હતા. કાળરાત્રિ કોઈ અજાણી મનોવૃત્તિ સાથે પોતાની અંધેર પછેડી અવની પર પાથરી આવનારી ક્ષણોને આવકારવા અધીરી થઈ બેઠી હતી.


"થોડીક ઉતાવળ રા'ખ, બોવ મોડું થઈ ગયુ'શ."


મોટરસાઇકલની પાછળ બેઠેલા મોહને કરણને કહ્યું.


"તારો બાપ ઠંડી લાગે'શ. તારે ક્યાં હલાવવી'શે તે ઉપાધિ? હલાવ તો ખબર પડે કે કેવીક ઠંડી લાગે'શ."


"ઘેર જઈને ગોદડીમાં ગરી જાહું પણ અટાંણે ઉતાવળ રાખ રસ્તામાં ગામની પેલા ઓલો ગોઝારો કૂવો આવે'શ ને મને ન્યા જ બીક લાગે'શ."


મોહને બંને હાથ કરણના ખભા પર મૂકતાં કહ્યું.


"ન્યાં વળી હું બીવાનું હોય? એ કૂવો તો પેલેથી જ ગોઝારો હતો 'ને આપણે થોડોક વધારે કર્યો. તું પણ હાવ ફાટણો 'શે."


એક લુચ્ચા હાસ્ય સાથે અને બેફિકરાઈથી કરણે મોહનને કહ્યું.


"ફાટવાની વાત નથી, વાડીએથી રાતે આવતી વખતે ઘણીવાર એ કૂવા પાંહે મને ચરીતર હોવાનો ભાસ થ્યો'શે અને એમાંય તે ઓ'લા મનીયાને ન્યા પતાવી દીધો પસી તો ન્યાથી નીકળતાય બોવ બીક લાગે'શ. ક્યારેક અંધારી રાતે નીકળીએ ને વાંહે પગલાંનો અવાજ આવે તો ઈમ લાગે કે મનીયો વાંહે આવતો હશે અને ક્યારેક ઈ કૂવા કાંઠેના વડલાની ડાળ ઉપર મનીયો બેઠો હોય એવું લાગે. ન્યાં જોઇને ખાતરી કરવાની હિંમતેય ન થાય કે મનિયો જ શે કે કોઈ પંખીડું!"


ફાટણાંના મ્હેણાંના ઉશ્કેરાટ સાથે અને સહેજ મ્હો બગાડીને મોહને કહ્યું.


"હા...હા...હા...હા મનિયો મયરો એને બે વરહ થ્યા, મને તો કોઈ દી દેખાણો નઈ ને તને ફાટણાંને વારેઘડીયે મનીયો દેખાય'શ! ઈ હાળાને મારવા વાળો તો હું હતો. મને તો કોઈ દી એનું ભૂત દેખાયું નઈ. ... મનિયો ને ભૂત!... હા...હા..હા ફાટણો છે તું ફાટણો!"


માથાને ઉપર નીચે હલાવતા એક લુચ્ચા અટ્ટહાસ્ય સાથે,નફ્ફટાઈથી કરણ બોલ્યો, એ સાથે જ મોટરસાઇકલનું બેલેન્સ થોડું ખોરવાયું.

"સરખી હાંક!"

પાછળ બેઠેલા મોહને રાડ પાડી.

"બેસ ફાટણાં એ કૂવો હજી સેટો 'શે. આજ તો તારું માથું કૂવામાં અંદર નાખીને બતાવવું 'શે કે જો આમાં ક્યાંય મુએલો મનીયો કે એનું ભૂત ભટકતું નથી. ફાટણાં!"

ફરીવાર એનું એ જ મ્હેણું ફટકારતાં કરણ ગુસ્સામાં બોલ્યો.

સૂનકાર રસ્તા પર ગાડી આગળ ચાલી, મ્હેણાંના સતત માર તળે દબાઈ ગયો હોય તેમ મોહન થોડી વાર ચૂપ રહ્યો અને પછી કોઈક વાતનો વસવસો ઠાલવતો હોય એમ બોલી ઉઠ્યો.

"જે હોય ઈ પણ તેં એને મારી નાયખો ઈ હારું ન કયરું. ઈના મા બાપનો એક નો એક હતો."

"મારો ઈરાદો ઈને મારવાનો નતો પણ હેઢા તકરાર બાબતે ઈ બોયલો જ એવું કે મને ખીજ ચડી ગઈ ને બાજુમાં પડેલો પથરો ઉપાડીને દઈ દીધો માથામાં."

જાણે પોતાની નિર્દોષતા સાબિત કરતો હોય એ રીતે કરણ ફરી નફ્ફટાઈથી બોલ્યો.

"પણ ઈ વાતનો નિવેડો લાવવા તો મે એને મારા બોલે કૂવા કાંઠે બોલાવ્યો'તો. તું ખીજમાં આવી ગ્યો ને સીધો પથરોમારી દીધો! પથરો માયરા પછી એ બેભાન હતો કે મરી ગ્યો'તો એની પણ તે પરવા ન કરી. મે કીધુ કે હાલ આજુબાજુમાં ક્યાંક ડોક્ટર પાહેં લઈ જાયે, કઈ દેહું કે મસ્તીમાં પથરો લાગી ગ્યો પણ તે ઈને ઉપાડીને કૂવામાં નાખી દીધો!"

"હવે ઈ જે થ્યું ઈ. ગુનો, પોલીસ એવું બધુંય મગજમાં ભમતું'તું તે ઉતાવળે થઈ ગ્યું. મૂક ઈ પંચાતને, જો હામે ર્યો ઈ કૂવો હાલ ન્યા પુગીને તને બતાડું કે કૂવામાં મનીયો કે એનું ભૂત નથી"

પોતે કંઈ કર્યું જ નથી એવી બેફિકરાઈથી કહેતાની સાથે કરણે મોટરસાઇકલની ઝડપ વધારી.

"કરણ ધી............મે........."

ધડામ!!! એવા એક અવાજ સાથે જે કંઈ થયું તે પેલી કાળરાત્રિના અંધારાના આવરણ તળે ઢંકાઈ ગયું. મોહનની આંખો ખુલી ત્યારે તે રસ્તા ઉપર મોટરસાઇકલથી ચારેક ફૂટ દૂર પડ્યો હતો. થોડાક ગામલોકો તેમની કાળજી લેતા તેની ફરતા ઊભા હતા. મોટરસાઇકલથી ૩૦ મીટર દૂર, કૂવાની પાળ ફરતે લોકોનું ટોળું ઊભું હતું અને કૂવામાં ડોકિયાં કરી જોતું હતું.


કોલાહલમાંથી મોટા અવાજે બોલતાં અમુક વાક્યો વારંવાર કાને પડતા હતા.


"એટલે સેટેથી ને કૂવાની પાળને ટપીને કૂવામાં કેમ પડે!"


"ઓલી પણેથી આંય લગણ કંઈ નિશાન પણ નૈથ"


"લાશ હમણાં ન કઢાય પોલીસને આવવા દયો"



કિમ કરતા થ્યુ ને કિંયે થ્યુ જેવા પ્રશ્નોના મારા વચ્ચે મોહન નિશબ્દ અને સ્તબ્ધ બનીને ગામ લોકો વચ્ચે બેઠો હતો કાળરાત્રિ પોતાની મનોવૃત્તિના શમન બાદ, જાણે વિખરાયેલા ગુસ્સાની લાલાશ પડતી પ્રભા પાથરતી, પૂર્વ દિશામાં થઈને વિદાય લઈ રહી હતી.