ek pretkatha books and stories free download online pdf in Gujarati

ek pretkatha

એક પ્રેતકથા

આજ થી ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાની વાત હશે. જંગલથી થોડે દુર આવેલી એ વાડીમાં મગફળીનું વાવેતર કરેલું, નીલગાય, ભૂંડ જેવા પ્રાણીઓ અવારનવાર ઉભા પાકને ખેદાનમેદાન કરી નાખતા એટલે ગોવિંદભાઈ પોતાના પુત્ર રાજેશને રાતવાસો કરવા વાડીએ મોકલતા. જો કે વાડીએ ગોવિંદભાઈના પિતા, રામભાઈનું ખોરડું તો હતું પણ એ ખોરડાથી ગોવિંદભાઈનું ખેતર થોડું દુર થતું, રામભાઈ એકલા એ પાંત્રીસ-ચાળીસ વીઘાના ખેતરમાં રખોપું કરવા ન પહોચી શકતા અને તેમનો આગ્રહ રહેતો કે ગામમાં રહેતા છોકરાઓમાંથી એકાદે રાત્રે વાડીએ આવી વાડીના બીજા ખૂણા તરફના ભાગનું રખોપાનું કામ સંભાળવું.

રાજેશ જો કે સાત-આઠ દિવસથી વાડીએ આવતો અને વાડીના જંગલ તરફના ઉગમણા ખૂણે એક નાળીયેરીના ઝાડ નીચે બાંધેલા માંચડા પર રહી રખોપાનું કામ કરતો. એ નાળીયેરીના ઝાડથી થોડે જ દુર એક જુનવાણી અવાવરું ખુલ્લો કૂવો હતો, તેમાં પાણી ખરું હતું અને ખેતીમાં કામ લાગે તેવું નહોતું એટલે લાંબા સમયથી કોઈ તેનો ઉપયોગ કરતું નહિ. રાજેશનું કામ રખોપું કરવાનું એટલે લગભગ આખી રાત જાગતા જ રહેવું પડે છતાં ક્યારેક ક્યારેક એ થોડી નીંદર કરી લેતો.

સાત-આઠ દિવસ તો કંઈ નવાજુની ન થઇ, ક્યારેક વળી જંગલમાંથી જંગલી પ્રાણીઓના ટોળા આવી ચડતાં તો રાજેશ હાકલા-પડકારા કરી ભગાડી દેતો પણ એક અંધારી રાત્રે રાજેશ રખોપું કરતો હતો એ સમયે રાજેશે જોયું કે જંગલ તરફથી એક ઓળો પોતાના માંચડા તરફ આવી રહ્યો હતો, અંધારામાં કોણ છે એ કળવું મુશ્કેલ હતું, જંગલી પ્રાણીઓ મોટાભાગે ટોળામાં જ આવતા અને અડધી રાતે એ નાનકડા પણ બાવળના ગીચ જંગલમાંથી કોઈ માણસ આવતો હોય એ બનવાજોગ ન હતું. કદાચ કોઈ ભૂલ્યું-ભટકેલું કે ટોળાથી વિખૂટું પડી ગયેલું કોઈ રોઝડું કે નીલગાય હશે એવું ધારી રાજેશે થોડી શાંતિ રાખી અને એ ઓળા પર નજર રાખી એની આકૃતિ ઓળખવા મથી રહ્યો.

જેમ જેમ એ ઓળો નજીક આવ્યો તેમ તેમ રાજેશે ત્રણ શેલવાળી બેટરી વડે તેના પર પ્રકાશ ફેંકી જોયું તો રાજેશના આશ્ચર્યનો પાર ન રહ્યો, સફેદ ખમીસ અને ધોતી પહેરેલો અને માથે ટોપીવળો એ કોઈક માણસ હતો, ખાસડાંના ખરડ..ખરડ અવાજ સાથે, રાજેશના માંચડાની દિશામાં એ ચાલ્યો આવતો હતો. બિલકુલ માંચડાની લગોલગ પહોચ્યો ત્યારે રાજેશે પૂછ્યું:

“ભા કોણ છો અને અટાણે કેની કોર?”

પણ જાણે કંઈ જોયું જ નથી, કંઈ સાંભળ્યું જ નથી એ રીતે એ રાજેશના માંચડા પાસેથી પસાર થઇ ગયો અને સીધો જ પેલા અવાવરું કુવાની દિશામાં ચાલ્યો ગયો. રાજેશ એને જતા જોઈ રહી અવગણના પૂર્વકના વર્તન વિષે વિચારી રહ્યો હતો ત્યાં જ એને અચાનક જ ખ્યાલ આવ્યો કે પેલો તો કુવા તરફ જાય છે. હજી તો રાજેશ એને ચેતવે એ પહેલા તો ધબ્બાક એવો એક અવાજ આવ્યો અને પેલો માણસ કુવામાં!

રાજેશ ગભરાઈ ગયો, પાસે પડેલી ત્રણ શેલવાળી બેટરી હાથમાં લઇ માંચડેથી મૂક્યું પડતું સીધો કુવા કાઠે જઈ બેટરી કરી અંદર જોયું, કુવાનું પાણી થોડું ઘણું હિલોળા લે છે પણ પેલો માણસ દેખાતો નથી.

“દાદા, દાદા”

રાજેશે જોરથી દાદાને બોલાવવા થોડી બૂમો પડી અને થોડીવારે એમના દાદા રામભાઈ હાથમાં બેટરી લઇ હડી કાઢીને ત્યાં આવ્યા.

“દાદા કુવામાં કો’ક માણસ પડી ગ્યો”

“હે! અટાણે વળી” કહેતાકને રામભાઈએ બેટરીનો પ્રકાશ કરી કુવામાં જોયું.

કુવામાં એમને કંઈ અજુગતું દેખાયું નહી, એ દોડીને આવ્યા ત્યાં સુધીમાં કુવાનું પાણી પણ એકદમ સ્થિર થઇ ગયું હતું.

“હાળું, કંઈ કળાતું તો નથ ને અટાણે ઈ કુણ અભાગિયાને એવી કમતી હુઝી, તે ઈને હરખો ભાળ્યો’તો? કુણ હતો કંઈ ખબર સે?” રામભાઈએ કુવામાં બેટરીનો પ્રકાશ ફેંકી આમતેમ જોતા જોતા રાજેશને પૂછ્યું.

“કોક અજાય્ણો લાગતો’તો, વાણીયા જેવા લૂગડાં પેર્યા’તા ને માથે કાળી ટોપી હતી.” રાજેશે કહ્યું

“માળું, ઝૂંપડેથી હડી કાઢીને આયવો એટલી વારમાં ડૂબી ગ્યો હય્શે! ડૂબે તો નઈ! જા જઈને ઝુપંડેથી રાંઢવું લઇ આવ્ય, ઉતરીને જરીક જોય લઉં” રામભાઈએ રાજેશને કહ્યું

રાજેશ ઉતાવળા ડગલા ભરતો ઝૂપંડે ગયો અને થોડીવારે ખભે મોટા રાંઢવાંનું ગૂંચળું લટકાવી આવ્યો. ત્યાં સુધીમાં રામભાઈ કડિયું-ચોરણી ઉતારી ચડ્ડો પહેરી કુવામાં ઉતારવા તૈયાર થઇ ઉભ્યા હતા.

રાંઢવાંનો એક છેડો નાળીયેરીના ઝાડ સાથે બાંધી બીજો છેડો કમરે બાંધી રામભાઈ એ અવાવરું કુવાના ટેકણ પથ્થરોને આધારે કુવામાં ઉતર્યા. રાજેશ બેટરી વડે પ્રકાશ કરી રામભાઈને મદદ કરતો હતો. રામભાઈ સારા તરવૈયા હતા, કુવામાં આમતેમ ચોમેર ડૂબકીઓ લગાવી જોયું પણ કંઈ હાથમાં આવ્યું નહી.

થોડીવારે એક ટેકણ પથ્થર પર ઉભા રહી રામભાઈએ હાથ વડે મોઢાનું પાણી દુર કરતા કરતા કહ્યું:

“એલા આમાં તો કંઈ હાથમાં આવતું નથ, તું કે’શ કે ટોપીવાળો હતો ને પડ્યો કદાચ ઊંડે વયો ગ્યો હોય તો ટોપી તો હાથ માં આવે ને!”

“પણ મેં એને પડતા જોયો ને!” રાજેશે ઉપર ઉભા ઉભા બેટરીનો પ્રકાશ કરતા કરતા કહ્યું

“હવે અટાણે ગામમાં તરવૈયાને બોલાવવા જવાયેય કેમ? ને અટાણે બાપ આવેય કુણ?” કહી રામભાઈએ પાછા આમતેમ બે-ચાર ડૂબકીઓ મારી તપાસ કરી જોઈ પણ કંઈ હાથ ન લાગ્યું. છેવટે એક ટેકણ પથ્થરનો આધાર લઇ અડધું શરીર પાણીમાં અને અડધું શરીર બહાર કાઢી તેઓએ કહ્યું:

“આમાંતો કંઈ હાથમાં આવતું નથી, હવે જેવા એના ભાય્ગ હવારે કો’કને બોલાય્વશું”

થોડીવારે પથ્થર અને દોરડાની મદદ લઇ રામભાઈ કાંઠે પહોચી ગયા. એ રાત્રે દાદા પૌત્ર બંને મળસ્કું થવાની રાહ જોઈ જાગતાં જ રહ્યા અને જેવું થોડું મળસ્કું થયું કે તરત જ રામભાઈએ રાજેશને ગામમાં રવાના કરી ગામમાંથી સારા-સારા તરવૈયાઓ બોલાવવા મોકલી દીધો.

સવારે સાત વાગ્યા પહેલા તો ગામના બે નામી ડૂબકીબાજો કે જે ગમે તેવા ઊંડા કુવાના તળિયે પડેલું વાસણ એક ડૂબકીમાં લઇ આવતા એ હાજર હતા. તેઓ બંને કામે લાગી ગયા સાથે રામભાઈ પણ કુવામાં ઉતર્યા હતા. રાજેશ કાંઠે ઉભો ઉભો જોતો હતો. બધા કુવામાં ક્યાંય ઊંડે સુધી ડૂબકી મારી પાછાં ઉપર ડોકાઈ કોગળો કરી વળી પાછા ડૂબકી મારી જતા હતા.

થોડીવારે એક તરવૈયાએ રામભાઈને સંબોધીને તરતા તરતા જ કહ્યું:

“રામભાઈ આમાં તો એવું કઈ દેખાતું નથ ને કુવો કંઈ એટલો ઊંડો પણ નથ માંડ દોઢેક માથોડું પાણી સે ને નીચે ગાળ સે, હોય તો તો હાથમાં આવી જ જાય છોકરાએ હાચે જ ઈને પડતા જોયો તો?”

અને રામભાઈ કંઈ જવાબ આપે એ પહેલા જ એને ઉપર જોઈ રાજેશને સંબોધી રાડ પડતા પૂછ્યું:

“એલા રાજલા, તે હાચેન એને પડતા જોયો’તો કે પછી ગપગોળા મારે’શ?”

“હા! મેં હગી આંખે જોયો’તો, વાણીયા જેવો ઈ કુવામાં પય્ડો’તો”

“હાળા, માંચડા ઉપર નીંદરું ન’તો ઘરડતો ને? હાચું બોલજે હો.” પેલાએ રાજેશની મશ્કરી કરતા કરતા પૂછ્યું.

“નઈ નઈ, નીંદરમાં ન’તો મેં ઇને પુયછું’તું પણ, કે અતારે કેની કોર? પણ ઈ તો હાળો ખરડ ખરડ જોડા ખખડાવતો હાયલો ગ્યો ને ખાય્બો કુવામાં”

“માળા ભૂત-બૂત તો ન’તો જોઈ ગ્યો ને? આમાં તો બાપ એ વાણીયાની ટોપીએ હાથ નથ આવતી!”

રાજેશ બાઘો બનીને જોઈ રહ્યો, ખાસ્સી કલાકોના પ્રયત્ન પછી પણ તરવૈયાઓને હાથ કઈ ના લાગ્યું અને રાજેશ નીંદરમાં હશે કે પછી એણે કંઇક અજુગતું જોયું હશે એવા નિર્ણય પર આવી એ કાર્ય આટોપી લેવાયું.

પણ એ દિવસ પછી રાજેશ વાડીએ રખોપું કરવા જતાં ડરતો એટલે રખોપું કરવા જવાનું કામ ગોવિંદભાઈ પોતે કરવા લાગ્યા. એમ પણ એ ખારા પાણીની જમીનમાં એક જ પાક લઇ શકતો અને ત્રણ જ મહિનાનો પ્રશ્ન હતો. ગોવિંદભાઈ વાડીએ જઈ એ જ માંચડા પર બેસી જાગતા અને જંગલી પ્રાણીઓનું ધ્યાન રાખતા. અંદાજે એક મહિનો કંઈ અજુગતું ન બન્યું પણ ફરી એક અંધારી રાતે ગોવિંદભાઈએ જોયું કે એક ઓળો જંગલ તરફ થી માંચડાની દિશામાં આવે છે. થોડો નજીક આવ્યો એટલે ગોવિંદભાઈએ બેટરીનો પ્રકાશ એનાં પર ફેંકીને જોયું. બેટરીના પ્રકાશની એના પર કઈ અસર નહોતી, એણે ગોવિંદભાઈની દિશામાં જોયું પણ નહી બસ નજર સીધી કુવા તરફ રાખી એ માણસ ચાલ્યો આવતો હતો. ખમીસ અને ધોતિયું પહેરેલો, માથે કાળી ટોપી પહેરેલો એ માણસ, જોડાનો કર્કશ ખરડ ખરડ અવાજ કરતો સીધો માંચડા પાસેથી પસાર થયો ગોવિંદભાઈએ થોડા ડર સાથે એને પૂછ્યું પણ ખરું

“એલા કુણ સે?”

પણ કંઈ પણ જવાબ આપ્યા વગર એ પેલા કુવાની દિશામાં ચાલવા માંડ્યો

“એલા ત્યાં કુવો સે, પડી જાય્શ”

પણ જાણે કંઈ સાંભળ્યું જ નથી એમ એ તો કુવા તરફ ચાલ્યો જ ગયો. ગોવિંદભાઈએ છેવટ સુધી એના પર બેટરીનો પ્રકાશ ફેક્યો પણ એ તો એની ધૂનમાં ને ધૂનમાં જતો હતો. કુવાકાંઠે જઈ એ ગાયબ થઇ ગયો અને થોડી જ વાર માં એક ધુબ્બકો સંભળાયો

ગોવિંદભાઈએ માંચડેથી ઉતરી કુવામાં બેટરીનો પ્રકાશ ફેંકી જોયું. કુવાનું પાણી થોડીવાર આમતેમ હલક્યું અને પછી હતું એવું શાંત થઇ ગયું. ગોવિંદભાઈએ રાત્રે જ ઝૂંપડે જઈ રામભાઈને બધી વાત કરી. બીજે દિવસે કુવો ગાળવાવાળા માણસો આવી પહોચ્યા. કુવાને થોડો વધુ ઊંડો ગાળી ગાળ કાઢવામાં આવ્યો ત્યારે એક માનવકંકાલ હાથ લાગ્યું. કાયદાકીય વિધિઓ બાદ એનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો અને ત્યાર પછી કોઈએ એ ખમીસ અને ધોતી પહેરેલા, માથે ટોપીવાલા, ખરડ ખરડ જોડા ખખડાવતા જાતા એ ભૂતને વાડીના એ ખૂણે કદી જોયું નહી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED