નિબંધ
સવની ધોધ
હરીશ મહુવાકર
સવની ગામ પાસેનો ધોધ તે સવની ધોધ. હિરણ નદીના પ્રમાણમાં સાંકડા વહેણમાં કોતરાઈ ગયેલો આ ધોધ છે વેરાવળથી ભાવનગર જવાના માર્ગે આઠેક કી.મી.ના અંતરે બાદલપરા ગામ આવે. બરાબર એની સામે જતો રસ્તો તમને મંડોર, માલજિંજવા ગામે થઈને તાલાલા લઈ જાય. ડાબી બાજુના આ રસ્તે જાઓ કે દસેક કી.મી. દૂર સવની ગામ આવે. ચેકડેમ જેવા બેઠેલા બાંધેલા પૂલ પરથી હિરણ નદીના સામા કાંઠે પહોંચવાનું. કેટલીક શેરડીઓની વાડી વચ્ચેથી નીકળતા – નીકળતા નદી કાંઠા ભણી આવો કે નાનકડા ખોડીયાર મંદિરનું પરિસર ભળાય.
હિરણને કાંઠે ચાલવું તે મજા. હિરણના કાંઠે ધીમે ધીમે ડ્રાઈવ કરવું તેય મજા. હિરણ નદી મજા આપનારી છે. અલબત્ત હરેક નદી પ્રસન્નકારક હોય પણ હરેકની કોઈક ને કોઈક વિશેષતા તેની સુંદરતાને બીજા કરતા અનોખી બનાવે છે. બંને બાજુ મોટાભાગે શેરડીના ખેતરો જોવા મળે. એને લઇ મનભાવન હવા સ્પર્શતી રહે ને મનભાવન ખયાલો ઉભરતા રહે. હો હૃદય પ્રસન્ન તો જગ પણ પ્રસન્ન લાગે. નાળીયેરીના ઝૂંડ કે તેની હાર કે એકલ દોકલ, શેરડીની માથે રક્ષક થઇ ઉભેલી ભળાય. આ નાળીયેરી માણસો જેવી. કો’ સીધી, કો’ વાંકી, કો’ ઢળી પડતી, તો કોઈ મહામાનવ શી ટટ્ટાર !પણ માણસ, વાંકો, ઢળેલો, કે ત્રાસો સારો નહિ. ઉડીને આંખે વળગે આ લીલાશમાં તે બગલો. એના શ્વેત રંગ એકદમ કોન્ટ્રાસ્ટ રચે ને તેથી તરત આખુય દૃશ્ય હૃદયમાં ઉતરી જાય. ખોવાય જવાય સુંદરતાને પામતા પામતા. વળી મારગ પણ ઋતુ મુજબના ફૂલો ધરાવતા વૃક્ષોથી સભર.
ભારત મંદિરોનો દેશ. પ્રજા ભારે ધાર્મિક. ગમે ત્યાં, ગમે તે જમીન પર મંદિરો રચાય જાય. ન કોઈ પરવાનગીની ઝંઝટ, ન કોઈ ડખામારીની ઝંઝટ. કોઈ લાયકાત ન જોઈએ, કોઈ આવડત ન જોઈએ તો પણ મંદિરના પૂજારી બની જાઓ કે તુરત જ તમે ‘બાપુ’ બની જાઓ. ને તેનો મતલબ એમ કે તમે આદર ધરાવતી, પરોપકારી, આધ્યાત્મિક વ્યક્તિ છો ! મોટા ભાગના મંદિરો અવાવરુ, દૂરની જગ્યાઓમાં જોવા મળે જ્યાં કોઈને કશો વાંધો ન હોય. પછી તેનો ક્રમશ: વિકાસ થતો રહે છે. ભક્તો, સેવકો દયાળુ સૌ કોઈ આપોઆપ મળી રહે – સ્વયંભૂ પ્રાકટ્ય થઈ રહે સઘળું !
મંદિરની જગ્યા જોઈ મને આવી લાગણીઓ સ્વયંભૂ પ્રકટી. મંદિર કે મહંતમાં રસ રહ્યો નહીં પણ તેના પ્રાંગણમાંથી જ આગળ વધવું પડે એમ હતું. એટલે હું ખરાબ નથી, અધાર્મિક નથી, હુંય હિન્દુ છું, સંતોને માન આપું છું, શિક્ષિત છું એટલે નાસ્તિક નથી એવું દેખાડવા (મારો દંભ જ !) મારે નમન બમન કરવા પાડ્યા. ચોખ્ખાઈ તો જોજનો દૂર તોય શૂઝ રીમૂવ કરવા પડ્યા. આપણા મનમાં ધોધ રમે એટલે વચ્ચે આવતી કોઈ પણ બાબતોને બહુ ધ્યાન ન આપવું એવું રાખ્યું. મન મક્કમ હોય તો કોઈ પણ દીવાલ અંબુજા સિમેંટની બનેલી નથી હોતી !
મંદિરના પછવાડે સીદી બાદશાહના રંગરૂપી કરાડોમાંથી અમે નીચે ઉતારતા જતા હતા. કેડીની બાજુમાં છાતી સમું ઘાસ ઊભું’તું. માથે પીપર વડલાની ડાળીઓ નમતી હતી. સીતાફળી, ખાખરા, બાવળના નાના મોટા ઝાડ છોડ વચ્ચેથી આગળ વધતાં ગયા. હિડિંબાના બાળા સમી શિલાઓ ઉપર કૂદકો લગાવવો પડતો ક્યારેક તો વળી ક્યારેક ગોટમોટ સૂતેલા કૂતરા સમા પથ્થરો પર પસાર થતા ગયા. રસ્તાઓમાં અમને વારતી ડાળીઓને અમે વારતા. ટાબરિયા પથ્થરો ગબડાવી ન દે એનું ધ્યાન રાખતા રહેતા.
લગભગ ત્રીસ – પાંત્રીસ ફૂટ ઊંડા ઉતર્યા ને કિનારા પર જેવા આવી ઊભા કે સામે દેખાયો ધોધ ! ડેડિયાપાડાના જંગલમાં રહેલો સગાઈ ધોધ જુદો – તે લાંબી પાતળી કન્યા સમો. રાજપીપળાના જંગલમાં ઝરવાણીનો ધોધ – ભરીભાદરી સાઈઠની કમર ધરાવતી સ્ત્રી જેવો પણ સાવ સૌમ્ય, સખી જેવો. વીસેક ફૂટ ઊંચેથી ઝરણું નીચે સફેદ રૂના પૂમડાભરી ચાદર રચી આપે. ભાવનગર, મારા શહેરની નજીકની માળનાથ ટેકરીઓની મધ્યે ત્રાંબક ગામ પાસેનો ધોધ-ચૌદ-પંદર વરસના ચંચળ કિશોર સમો. ઘણી ઊંચાઈથી આવે પણ જરાય જોખમી નહીં. ક્યારેક તમારા શિર પર ઢોળાય તો ક્યારેક શિરને ભેખડ સંગાથ ચીપકાવી રાખવું પડે. આજ નહાઈ શકાય તો કાલે કંઈ નક્કી નહીં. વળી ગીરની શિંગવડા નદી વચ્ચેનો જામવાળા ધોધ અલ્લડ તોફાની યુવતી જેવો – આકર્ષક ને જોખમી. છતાંય આપણે અલ્લડપણ પસંદ કરતાં હોઈએ છીએ ને ! વળી જોખમ વિના મજા શી – પ્રેમમાં કે ધોધમાં પાડવામાં ! એના ઉપરથી કેટલાય યુવાનો ધૂબકા લગાવતાં રહે છે. વળી આ સર્વથી ભિન્ન દહેરાદૂન, મસૂરી પાસેનો કેમ્પટી ફોલ ! મોસાળમાં જઈ આવેલી મા જેટલો પ્રસન્નકારક. રક્ષાબંધનના દિવસે બેનીનું હેત વરસી રહે તેવું વહેણ સિત્તેર – એંસી ફૂટ ઉપરથી આવે. પ્રિયતમા સાથેની વાતો ખૂટે નહીં એમ અહી નહાતા થાકો નહીં. તો પણ આ સહુથી ભિન્ન સવની ફોલ !
નજર સામે પહોળો પટ દેખાય. પરંતુ બરાબર વચ્ચે ધોધ રચાઈ રહ્યો છે. નીચે નાનકડા તળાવ શી ખીણ રચાઈ રહે છે. નીલું, શ્વેત, પાણી જોરદાર અવાજ સાથે નીચે ખાબકે ત્યારે આંખો ત્યાં ચોંટી રહે. ખીણમાંથી વહેતો પવન સ્ત્રીની લટની જેમ પાણીના પ્રવાહને છંછેડે ત્યારે આછા આછા ફૂવારા થાય. પાણીની પારદર્શક સપાટી નીચે આવી રહે. જાણે ધોધને ચીડવવાનો હોય તેમ કોઈ કોઈ પંખીઓ છેક એ પાણીની સપાટી સુધી પહોંચી જાય અને વળી પછી ‘તારી જેવું કોણ થાય !’ એમ કહેતાક તરત પાછા વળી જતા ભળાય. ને ધોધને આ ન ગમતું હોય તેમ તરત એની પછવાડે મોટો ફૂવારો રચી દે, જાણે એને પડકાર કરતો હોય કે ‘જાત નાની ને વળી ફડકા મોટા !’
કદાચ આ પડકાર પંખીના ઓછાયે આપણને કરતો હશે ! પરંતુ રૌદ્ર પ્રકૃતિ સામે પડકાર ઉઠાવવો કેવો કપરો હોય છે ! અહી સ્હેજેય પડકાર ઉઠવાય નહીં ધોધ પાસેની જગ્યા અણીયાળા પથ્થરોથી ભરપૂર છે. ચૂનાના પથ્થરો ગમે ત્યારે તૂટી પડે. દૂર, માણસના હ્રદય સમા કાળા પથ્થરો ગમે ત્યારે માથા, હાથ-પગ તોડી ફોડી નાખવા સમર્થ ઊભા હોય છે ! સ્ત્રીના હ્રદયની માફક ઊંડાણનો કશો તાગ મળે નહીં. ગીરની નદીઓના ઘણી જગ્યાએ મગરવાસ હોય છે – અહી પણ કઈ કહેવાય નહીં. વળી ખોડિયારમાં મગરને અહી ધોધમાં પાર્ક કરીને કો’ક ભગતને દર્શન દેવા સાટુ ગયા હોય તેની આપણને ખબર હોય નહીં. ઊંચી ઊંચી ભેખડો કાચા – પાકા હ્રદયને કંપાવી દે તેવી રીતે ઢળતી ઊભેલી દેખાય.
ચોપાસની વનરાજી અને આ બિહામણા માહોલમાં એક વખત સંતાઈ ગયેલો માણસ ભાગ્યે જ હાથમાં આવે. એટલે ખૂની, વિકરાળ લોકો, ચોર, લૂંટારા, ડાકુ અને સંસારથી ભાગી છૂટેલા લોકોનું આશ્રયસ્થાન આવી નદીઓની આસપાસનો ભાગ વર્ષોથી બનેલો હતો અને હજુય છે- રહેશે. પાંડવો કાંઈ અમથા આ કોર્ય અજ્ઞાતવાસ સારું રહ્યા હશે ! રા’ નવઘણે પોતાનું બાહુબળ ને અશ્વબળ ને દળ હિરણ અને રાવળ નદીમાં જ ઘમરોળ્યું ને !
હિમ્મત આપણા રામમાં નહોતી. આપણા રામમાં અમથાય ગમે તેવી જગ્યાએ ન્હાય લેવાની હિમ્મત કદીય નથી આવી – નથી આવવાની. ઊભો છું ત્યાં ઝીરો ફિગરવાળી સ્ત્રીની સમો પ્રવાહ છે. અહી ઠંડા પાણીનો સ્પર્શ લઈ ખુશ થવું રહ્યું. જામી ગયેલી લીલ અને ઝીણી માછલીઓ, શહેરીજનોના પેટમાં ગયેલા કચરાની ઝાંખી સમા જાત ભાતના રેપર્સ જોઈ કંઈ મન થાય નહીં. ધોધ નજીક જવાનું દુર્ગમ અને જોખમી એથી શ્રુંગારભરી નારીના નજારા માફક જે તમારી સદ્રશ્ય છે તેને દૃશ્ય કરવું સારું! ને એમ એ એની શ્રુંગારતા મારી ઉપર ઢાળવા લાગી ને હું ભીંજાતો રહ્યો – મારી અંદરના ધોધમાં
...........................................................................................................................................................