એક હતો એન્જીનીયર – 4 Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતો એન્જીનીયર – 4

દોસ્તો... અહી એક આડો રસ્તો લઉં છું. એન્જીનીરીંગનું પાંચમું સેમેસ્ટર મારા દિલને શું ગમે છે એ શોધવામાં જ નીકળી ગયું. મારી આ નાનકડી ઓટોબાયોગ્રાફીમાં ટર્નિગ પોઈન્ટ એવો ખુબ અગત્યનો, અને ખુબ જ પ્રમાણિકતાથી લખવું પડે એવો પાર્ટ હવે આવે છે: આપણા પેશનને કઈ રીતે જાણવું તે. પરંતુ અત્યારે સવારમાં આ લખી રહ્યો છું ત્યારે થોડા પર્સનલ કામને લીધે લાગતું નથી કે એ વાત હું તમને પૂરી મનની ચોખ્ખાઈથી કહી શકું એમ નથી. એટલે આ પાર્ટમાં એક નાનકડી વાત મુકીને ચાલ્યો જાઉં છું. સીધા છ મહિનાનો જંપ લગાવીને...

આ વાત છે જયારે મને ખબર પડી ગઈ હતી કે મારે લેખક બનવું છે. એન્જીનીયર બનીશ તો પણ કઈ દમ વગરનો બનીશ. હવે માત્ર બે રસ્તાઓ હતા. ૧) એન્જીનીરીંગ છોડી દઉં, અથવા ૨) એન્જીનીરીંગ છોડી દઉં!

એ ડીસેમ્બરની રાત્રી હતી. હું મારી કોલેજના સ્ટડી-ફોયરમાં એક નવલકથા લઈને બેઠો હતો. ટાઈમ હતો: રાત્રીના એક વાગ્યાનો. મારી આંખો ભીની હતી. પાંપણ પર લટકતા આંસુને લીધે પેજ પરના શબ્દો બ્લર થઇ રહ્યા હતા. એ સમય હતો કે મારે મારી લાઈફનો ટ્રેક બદલવાનો હતો. જીવન આખું બદલવાનું હતું.

મેં મારો મોબાઈલ લીધો, અને મારા પપ્પાનો નંબર ડાયલ કર્યો. થોડી જ રીંગ વાગી ત્યાં પપ્પાનો અવાજ આવ્યો. એમનો અવાજ થોડો દબાયેલો આવતો હતો. એ બોલ્યા:

“હા બેટા...કેમ રાત્રે એક વાગ્યે તને બાપા યાદ આવ્યા? શું થયું?”

હું થોડી વાર બોલ્યો નહી. આંસુઓની નદી મારી આંખોમાંથી નીકળી ગઈ. મારે એમને ઘણું કહેવું હતું, પરંતુ ગળે બાજેલા ડૂમાને લીધે બોલી શકાતું ન હતું. સામે છેડે મારા પપ્પા મારા જવાબની રાહ જોઈ રહ્યા હતા. છેવટે હું બોલ્યો:

“બાપુજી. (હું એમને બાપુજી કહું છું) મારે એન્જીનીયર નથી બનવું. હું એન્જીનીયર બનવા માટે નથી. મારે સારા ટકા આવે છે પણ મને વધુ રસ નથી. મને પ્લેસમેન્ટ મળી જાશે તો પણ એવો માણસ હું નથી બનવા માંગતો. મારે લેખક બનવું છે.”

અને પછી મારો રડવાનો સાયલન્ટ મોડ સીધો મોટા હિબકે ચડ્યો. મારા પપ્પા મને રડતો સાંભળી રહ્યા હતા. થોડીવાર રાહ જોયા પછી એ બોલ્યા:

“જીતું...તને એક વાર્તા કહું.”

પછી એમણે વાત ચાલુ કરી: “ઘણા વર્ષો પહેલા...આશરે ત્રીસ વરસ પહેલા...એક છોકરો હતો...તારા જેવડો જ...વીસેક વરસનો. એ છોકરો ગામડે ખેતી કરતો. રાત્રે અંધારામા ઘઉંમાં પાણી વાળતો. રાત્રે એક વાગ્યે પોતાના ખેતરમાં શિયાળાની ઠંડીમાં એકલો ખેતર વચ્ચો-વચ ઉભો-ઉભો એ મોટે-મોટેથી રડતો. કોઈ સાંભળતું નહી. એના આંસુ પાણીમાં વહી જતા. એ છોકરાને પોતાના ગરીબ બાપને એક વાત કહેવી હતી પરંતુ કહી શકતો ન હતો. આમને આમ એ રડ્યા કર્યો.

પરંતુ એક દિવસ સવારે પાણી વાળીને ઘરે ગયો ત્યારે એણે હિમ્મત કરીને એના ગરીબ બાપાને કહી દીધું: કાકા...મને આ ખેતી ગમતી નથી. મારે મોટા શહેરમાં જાવું છે. મોટો બીઝનેસમેન થવું છે. વેપારી બનવું છે. મારે મારી જીંદગી આ સુના ખેતરો વચ્ચે નથી કાઢવી. મારું હૃદય કહે છે કે હું સારો વેપારી બનીશ. જો તમે મને થોડા રૂપિયા આપો અને શહેરમાં જવા દો તો હું મોટો વેપારી બનીશ. કાકા...હું ખેતરનું શાકભાજી ગામમાં વેચવા જાઉં છું અને બધું જ વેચીને આવું છું...આવું જ હું શહેરમાં જઈને કરીશ. મને ખબર છે હું વેપારી બની શકું એમ છું.

પરંતુ બુઢા બાપા ન માન્યા. એ છોકરો રડ્યા કર્યો. છેવટે એના બાપાએ એને છેલ્લો જવાબ આપી દીધો: ક્યારેય શહેરમાં જવાનું નામ લેતો નહી. આપણી પેઢીઓથી આપડે ખેતી કરીએ છીએ. તું વળી ક્યાં નોખી માટી બની ગયો? આપડા ગામમાં પણ કોઈએ શહેરમાં જઈને આવા વેપાર કરવાની ઠોકમ-ઠોક નથી કરી. આપડા કુટુંબનો તો વિચાર કર. અને આ ‘હૃદય કહે છે તે કરવું’ એ બધું શું હોય? છાનો-માનો અહી જ જીવન કાઢ અને પેટ ભર. આમેય તું બે ચોપડી જ ભણેલો છે. શહેરમાં બધા લુંટી લેશે.”

“વાર્તા પૂરી...” મારા પપ્પા બોલ્યા. હું સામે છેડે ઝબકી ગયો. હું તો એ કહેતા હતા એ વિશ્વમાં પહોંચી ગયેલો, અને મૂંગા-મૂંગા સાંભળી રહ્યો હતો. છેવટે મારા પપ્પા ફરી બોલ્યા:

“જીતું બેટા...એ ખેડૂત છોકરો બીજું કોઈ નહી પણ તારો પપ્પો જ છે. હવે થોડો બુઢો થઇ ગયો છે. હજુ રાત્રે એક વાગ્યે ઘઉંના ખેતરમાં અત્યારે ઉભો છે. હજુયે બાળપણ યાદ કરીને ક્યારેક આંખો ભીની કરી લે છે... કારણકે જીવનભર તેને જે કરવું હતું એ વેપારીનું કામ એ કરી જ ના શક્યો. હજુ વિચારે છે કે જવાનીમાં ગામડું છોડીને એકવાર ખાલી હાથ અજમાવી જોયો હોત તો આજે દુનિયા અલગ હોત. આજે હું ખુશ છું. ખુશ રહેતા શીખી ગયો છું...છતાં ક્યારેક...”

હું સામે છેડે દંગ રહી ગયો હતો. કોઈ વિચાર આવતો ન હતો. ચુપ હતો. હૃદય ભાગી રહ્યું હતું. મારા પપ્પા ફરી બોલ્યા:

“જીતું...પણ તારી સાથે આપડે એવું નથી થવા દેવું. મોજ કર. લેખક બનવું હોય તો લખવું પડે. એન્જીનીયરીંગ છોડવાથી લેખક ના બનાય. ડીગ્રી લઈલે. પગાર લેતો થા. હાથમાં રૂપિયા હશે તો પેટ ભરાશે. પેટ ભરાશે તો લખવાના વિચાર આવશે.”

“થેંક યુ બાપુજી...” હું ભારે અવાજે બોલ્યો. એમને પણ હાશકારો થયો હતો. મારે આગળ કશું બોલવું ન હતું. મારે કોઈના, એમના હગની જરૂર હતી. હું ફોન મુકવા જઈ રહ્યો હતો ત્યાં એ ફરી બોલ્યા:

“જીતું...લખ...ખેડુંનો દીકરો લખે એની સુગંધ અલગ હશે. આગળ વધ. અને તું ઘરે ભૂલી ગયેલો હતો એ ડાયરી વાંચી મેં. મને ખબર પડી કે આ ભાઈ કૈક બીજું જ વિચારે છે. કઈ વાંધો નહી. એવી ચોપડી લખ કે જે બધા રેકોર્ડ તોડે, અને તને એમાંથી પણ થોડા રૂપિયા મળે. અને યાદ રાખજે...એ ભેગા થયેલા રૂપિયા વાપરી ના નાખતો...મને દેજે...મારે હજુ તારી પાસે શહેરમાં આવીને કશોક ધંધો ચાલુ કરવો છે” ફોન મુકાઇ ગયો.

આ વાત મેં પહેલા પણ મારા બ્લોગ પર લખેલી છે. કહાનીમાં બધા જ શબ્દ સાચા નથી, પરંતુ ભાવ સાચો છે. અને કેટલાયે વરસથી ગામના ઉપસરપંચ અને સાવજ-દિલ માણસ એવા મારા પપ્પા મળવા જેવા માણસ છે. હજુ એમના વિચારો થોડા જુના છે, પણ એમાં એતો સમયનું કામ છે. હા...છેલ્લી વાત એમણે કહેલું કે...તારી ચોપડી બધા રેકોર્ડ તોડે ત્યારે... એ વાત અત્યારે થોડી સાર્થક લાગે છે. ‘વિશ્વમાનવ’ ખુબ વખણાઇ છે. બીજી આવૃત્તિ પણ આવી રહી છે. બુકના ભેગા થયેલા થોડા રૂપિયા મારે ભેગા કરવા છે. પપ્પાને કહ્યું નથી. કહેવું પણ નથી. સમય આવશે એટલે એમને આપવા છે. મને ખબર છે એ ધંધો ચાલુ નહી કરે... (કારણકે અત્યારે તો એમને મારા માટે છોકરીઓ જોવાનું ટેન્શન છે!)

એટલે એ ઘટના પછી મેં નક્કી કરી લીધું કે હવે ભવિષ્યમાં ક્યારેક લેખક બનીને જ રહીશ! અને બન્યો પણ ખરો. બેરોજગારી ના દિવસો માં ખુબ બધું ભોગવવું પડ્યું, પણ હું છેવટે લેખક બન્યો. લેખક બનવાની પ્રકિયા ખુબ સિમ્પલ હતી: લખતા રહેવાનું. ગમે તે પરીસ્થિતી અંદર લખતા રહેવાનું.

પહેલી બુક પૂરી થઇ ત્યારે વધુ એક વધુ ઉપાધી આવેલી, તે હતી પબ્લીશીંગ!

ક્યારેક એ વાતો પણ કરીશું, પણ નેક્સ્ટ ચેપ્ટરમાં બેરોજગારીના દિવસોની વાતો કરીશું;