પરમપિતાની સર્વોત્તમ કૃતિ
ઘણા દિવસોથી નિત્ય બ્રહ્માજીના એ સર્જન-ખંડ પાસેથી પસાર થતી વખતે બ્રહ્મર્ષિ નારદની દ્રષ્ટિ અનાયાસે જ પિતાજીની એ અદભુત કૃતિ પર પડ્યા વગર રહેતી નહીં. બ્રહ્માજી કોણ જાણે કેટલાયે દિવસથી એક સર્વોત્તમ કૃતિનું સર્જન કરવામાં વ્યસ્ત હતા એ તો નારદજી જાણતા જ હતા. પુરુષનું સર્જન કરી ધરતી પર મોકલ્યા બાદ બ્રહ્માજીએ અનેક સર્જનો કરી પુરુષની એકલતાના નિવારણ માટે તેને ધરતી પર સ્થાપિત કર્યા હતા, પરંતુ બ્રહ્માજીની આજની વ્યસ્તતા કંઇક વિશેષ અને ધ્યાનાકર્ષક હતી. વહેલી સવારથી લઇ સુર્યાસ્ત થયા સુધી પિતાજીએ પાણી પીવાની પણ દરકાર ન કરી અને પોતાની કૃતિમાં જ વ્યસ્ત રહ્યા એ બાબતથી કુતુહુલવશ નારદજી એ સર્જન-ખંડના દ્વાર પર જ અટકી ગયા અને બારશાખની આડાશ લઈ પિતાજીની વ્યસ્તાનું કારણ જાણવામાં લાગી ગયા.
નારદજીએ જોયું કે પિતાજીનું સ્ત્રીની પ્રતિમાનું એ સર્જન લગભગ પૂર્ણતાના આરે હતું અને એ પ્રતિમામાં જો પ્રાણ પૂરી દેવામાં આવે તો એ કૃતિની સુંદરતા પર અધિકાર બાબતે સમગ્ર વિશ્વમાં દેવ, દાનવ, ગાંધર્વ, માનવ વચ્ચે એક વિનાશક આંતરિક મહાયુદ્ધની શક્યતાને પણ નકારી શકાતી નહોતી.
થોડીવારે બ્રહ્માજી તેમની એ કૃતિને આખરી ઓપ આપી “ઊર્મિ એવં ગુણ ભંડાર” લખેલા એક ઓરડામાં ગયા અને એકાદ કલાક બાદ એક મોટાં રેકડામાં ભંડારમાંના તમામ ડબ્બાઓ અને પીપ લઇ પરત આવ્યા. નારદજીની જીજ્ઞાસામાં તીવ્ર વધારો થયો, તેઓ વિચારવા લાગ્યા કે પિતાજી આજે શું કરવાના છે? શું તેઓ એક માત્ર આ પ્રતિમા પાછળ ઊર્મિ એવં ગુણ ભંડારની તમામ સામગ્રી ખર્ચી નાખશે?
થોડી જ વારમાં નારદજીના આ પ્રશ્નોનો નારદજી માટે અનપેક્ષિત એવો જવાબ મળી ગયો, જયારે પરમપિતા બ્રહ્માજી તમામ ડબ્બાઓ અને પીપના તળિયાંઓ પણ લૂંછી લૂંછીને એ સર્વોત્તમ પ્રતિમામાં ઠાલવવા માંડ્યા. “ઓહોહો!...પ્રેમ આખું પીપ!”...”સહાનુભુતિ..આખો ડબ્બો!” શીલ, સમર્પણ, ત્યાગ, બલિદાન ત્રણ ત્રણ ડબ્બા!” જેવા ઉદગારો દબાતા સ્વરે તેમના મુખેથી નીકળતા રહ્યા. ભંડારમાંથી લાવેલી સમાંગ્રીમાંની લગભગ પોણા ભાગની સામગ્રી પૂરી થવા આવી ત્યારે અચાનક જ નારદજીને કંઇક વિચાર આવ્યો અને તેઓ તેમના પિતાજીને ખબર ન પડે તેમ દાબતાં પગલે છતાં દોડીને તેઓના માતૃશ્રીના કક્ષ તરફ ગયાં.
કક્ષમાં દ્વાર પ્રવેશ કરતા પૂર્વે જ તેઓ નાના બાળકની માફક બરાડી ઉઠ્યાં “માતા! માતા! ક્યાં છો તમે?”
અહીં જ છું પુત્ર પણ કોઈ દિવસ નહિ અને આજે તારે મારું એવું તે શું કામ પડ્યું કે નારાયણ નામને વિસરી જઈને એક નાનાં બાળકની જેમ માતાના નામની બૂમો પાડે છે?” હોઠ પર એક હળવા સ્મિત સાથે બ્રહ્માંણીમાંએ નારદજીને પૂછ્યું.
“માતા, તમને ખબર છે મારા પિતાજી ઘણાં સમયથી એક કૃતિ બનાવવામાં વ્યસ્ત છે?” નારદજીએ અધીરાઈ પૂર્વક પૂછ્યું.
“હાસ્તો વળી, એ તો એમનું નીત્યનું કાર્ય છે.” બ્રહ્માણીમાંએ સહજભાવે જ જવાબ આપ્યો.
માતાજીનો જવાબ પહેલેથી જ જાણતા હોય એટલી ત્વરા સહ નારદજીએ સીધોજ વધુ એક પ્રશ્ન કર્યો.
“પરંતુ માતા એ પ્રતિમામાં પ્રાણપૂર્તિ બાદ એમને પૃથ્વી પર મોકલવામાં આવશે પછી શું થશે એ આપ જાણો છો?”
અત્યાર સુધી વાતને હળવાશથી લેનારા બ્રહ્માણીમાં થોડાં ગંભીર બન્યા અને તેઓએ પૂછ્યું,
“શું થશે વળી?”
“માતા, આપ જાણો છો? મારા પિતાજીએ એ પ્રતિમાના નિર્માણમાં ઊર્મિ એવં ગુણ ભંડારની તમામ સામગ્રી વાપરી નાખી, એ પ્રતિમામાં પ્રેમ, કરુણા, ત્યાગ, બલિદાન, ધૈર્ય, માતૃત્વ, નીડરતા, કાર્યકુશળતા, અનુકુલન સધ્યતા વગેરે જેવા તમામ સદગુણો ઠાંસી ઠાંસીને ભર્યા છે! સદગુણોનો આખો ભંડાર ખાલી કરી નાખ્યો.”
માતાજીને કંઇક ચિંતાજનક વાતથી પરિચિત કરતા હોય એ રીતે આવેશના એક ઉભરા સાથે નારદજીએ બોલી નાખ્યું.
સામે છેડે બ્રહ્માણીમાંની ગંભીરતા વાળો ભાવ બદલાયો, એમણે વિચાર્યું કે પુત્ર નારદ નાહકની ભંડારના વપરાશની ચિંતા કરે છે એટલે સૌમ્ય ચિતે કહ્યું:
“ભલે ને ભરતાં, તું શા માટે ચિંતા કરે છે? એ તો ખાલી થઇ જશે તો અનુચરોને કહીને પાછાં મંગાવી લેશે”
માતાજીની દૂરદર્શિતા જોઈ શકવાની અણઆવડત અને ભોળપણ પર આંખ મીંચી એક ઠંડો નિસાસો નાખી નારદજીએ કહ્યું:
“પણ માતા! સર્વગુણસંપન્નએ પ્રતિમા પ્રાણપૂર્તિ બાદ સ્ત્રી રૂપે પૃથ્વી પર જશે પછી માનવલોકમાં દેવીઓને કોણ પૂજશે? ત્યાં તો સર્વત્ર દેવીઓ દેવીઓ થઇ જશે, તમને, લક્ષ્મીમાતાને કે પર્વતીમાતાને કોઈ યાદ પણ નહિ કરે. અરે! દેવીઓતો ઠીક, કોઈ દેવતાઓને યાદ કરશે કે કેમ એ વાતે પણ મને સંદેહ છે!”
બ્રહ્માણીમાંની આંખોની ભ્રમરો થોડી ઉપર તરફ ખેંચાઈ છતાં તેઓએ સૌમ્ય ચિતે કહ્યું:
“જેવી સર્જનહારની ઈચ્છા, એમણે પણ કંઇક તો વિચાર્યું જ હશે ને! આપણે એ બાબતે શા માટે ચિંતા કરવી જોઈએ.”
“માતા! મારા પિતાજી, નારાયણ અને શિવજી તો ભોળા છે અને હમેંશા માનવ કલ્યાણનું જ વિચારે, અત્યારે આપણે કંઈ નહીં વિચારીએ તો પછી કઈ નહીં કરી શકીએ અને મૃત્યુલોક પર દેવી-દેવતાઓ વિસારે પડી જશે” નારદજીએ તેમની દૂરદર્શિતાને આધારે ખુબ જ ઉદાસી પૂર્વક કહ્યું.
“તો આપણે શું કરવું જોઈએ પુત્ર?”
અંતે માતાજીએ નારદજીની વ્યાકુળતાને અનુકૂળ એવો પ્રશ્ન પૂછ્યો અને નારદજીએ તરત જ તક ઝડપી લઇ માતાજીને હાથ પકડી સર્જન-ખંડ તરફ દોરી જતા કહ્યું;
“શું કરવું જોઈએ એ પ્રશ્ન અત્યારે અસ્થાને છે અને સમય વ્યતિત કરે તેવો છે, અત્યારે તો તમે મારી સાથે ચાલો, પહેલા આપણે જોઈએ આપણને કંઇક કરવાની તક મળે એમ છે કે નહિ?”
નારદજી અને બ્રહ્માણીમાતા સર્જન-ખંડના બારશાખ પાછળ ગોઠવાઈ ગયા અને બ્રહ્માજી શું કરે છે એ જોવા માંડ્યા.
બ્રહ્માજી એ સમયે ઊર્મિ એવં સદગુણ ભંડારના ડબ્બાઓ અને પીપના તળિયાઓ પણ લૂંછી લૂંછીને ખુબજ ચીવટ પૂર્વક સદગુણનો એક પણ કણ વેડફાઈ ન જાય એ રીતે પેલી પ્રતિમામાં ઠાલવી રહ્યા હતા. થોડીવારે બ્રહ્માજીનું એ અનુપમ સર્જન પૂરું થયું, હવે માત્ર પ્રાણમંત્ર બોલી એ પ્રતિમામાં પ્રાણ પુરવાનું કાર્ય જ બાકી હતું. બ્રહ્માજીએ હાથ સાફ કરતાં કરતાં એક ઊંડો શ્વાસ લઇ હાશકારાના હળવા ઉદગાર સાથે ઉછ્શ્વાસ બહાર કાઢ્યો, ચહેરા પર એક આછું સ્મિત લાવી એ મૂર્તિ તરફ પળવાર માટે જોયું અને દિવસ આખાની ભૂખ તરસને લીધે ક્ષુધાશમન બાદ એ પ્રતિમામાં પ્રાણ પૂરવાનો મનમાં નિર્ણય લઇ ફળાહાર માટે બીજા ખંડમાં જતા રહ્યા.
બસ, નારદજીને જે જોઈતું હતું એ મળી ગયું, તરત જ એમણે બ્રહ્માણીમાતાનો હાથ પકડી પ્રતિમા તરફ દોરી જતા કહ્યું: “ચાલો માતા તમારે શું કરવાનું છે એ કહું.”
માતાજીને પ્રતિમા સમીપ ઉભાં રાખી નારદજી દોડીને એક ખંડમાં ગયા અને થોડીવારમાં હાથમાં પાંચ-સાત નાનાં ડબ્બાઓ લઇ પરત આવ્યા.
‘ઈર્ષા’ એવું લખેલી તકતી ચોંટાડેલા એક ડબ્બાને ખોલીને તેમણે માતાજીને કહ્યું:
“આમાંથી બે-ચાર ચપટી લઇ પ્રતિમામાં મેળવી દ્યો”
“માતાજીના ચહેરા પર સંકોચનો ભાવ ઉપસી આવ્યો, નારદજી સમજી ગયા એટલે તમામ ડબ્બાઓ માતાજીને પકડાવી તેઓ પોતેજ પહેલા ખોલેલા ડબ્બામાંથી ચપટીઓ ભરી પ્રતિમામાં મેળવવા માંડ્યા.
“એ શું કરે છે પુત્ર?” માતાજીએ પૂછ્યું
“માતા, આ ઈર્ષા નામનું રસાયણ છે, સાવ થોડીક જ નાખીશ પણ ખુબજ અસરકારક નીવડશે, આ પ્રતિમા પ્રાણપૂર્તિ પછી મૃત્યુલોકમાં જઈ ઈર્ષાળુ સ્વભાવની રહેશે, દેરાણી-જેઠાણીને નહીં ભળે, ભલે બંને સગી બહેનો હોય તો પણ બંને એકબીજાની ઈર્ષા કરશે.”
ઈર્ષા ઉમેરી દીધા બાદ નારદજીએ માતાજીના હાથમાંથી અન્ય એક ડબ્બો લઇ તેમાંથી ચપટીઓ ભરી ભરી પેલી પ્રતિમામાં મેળવવા માંડ્યા.
વળી પાછું માતાજીએ પૂછ્યું, “અને આ?”
“માતા, આ અદેખાઈ છે. આ પ્રતિમા પૃથ્વી પર અન્યની સાથે પોતાની સરખામણી કરી પોતે કે પોતાની પાસે અન્ય કરતા કંઈક વિશેષ છે એવું સાબિત કરવા હમેંશા હરીફાઈઓ કરતી રહેશે.” એક લુચ્ચા સ્મિત સાથે નારદજીએ ઉત્તર આપ્યો અને થોડીવારે ત્રીજો ડબ્બો ખોલી વળી પાછા ચપટી ભરી ભરી પ્રતિમામાં કંઇક મેળવવા માંડ્યા.
માતાજી ફરીવાર જીજ્ઞાસા રોકી ન શક્યા અને બંને આંખોની ભ્રમરો ઉંચી કરી માત્ર ચહેરાના હાવભાવ વડે જ પૂછ્યું.
“જીહવા-વર્ધક રસાયણ” નારદજીએ ફરીવાર લુચ્ચા સ્મિત સાથે પ્રત્યુત્તર આપ્યો અને ઉમેર્યું:
“વાતોડી થશે, અનંતકાળ સુધી વાતો કર્યા કરશે તો પણ ક્યારેય આ પ્રતિમાની જીહવા થાક અનુભવશે નહિ.”
થોડી ચપટીઓ જીહવા વર્ધક રસાયણની ઉમેરી ફરી નારદજીએ અન્ય એક ડબ્બો ખોલ્યો અને ફરી ચપટીઓ ભરી પ્રતિમામાં મેળવવા માંડ્યા.
માતાજીએ વળી પ્રશ્નાર્થ નજરે નારદજી સામે જોયું.
નારદજી માતાજીનો દ્રષ્ટિ સંકેત સમજી ગયા એટલે ચપટીઓ ઉમેરતા ઉમેરતા અને ખીખીયારી કરતા કહ્યું;
“સૌન્દર્યાનુરાગી રસાયણ, દર્પણ સામે એક ચતુર્થાંશ જીવન વિતાવશે અને બીજું એક ચતુર્થાંશ જીવન વસ્ત્ર પરિધાનના રંગો, સૌન્દર્ય પ્રસાધનો અને અભૂશાનોની પસંદગી કરવામાં વિતાવશે.”
સૌન્દાર્યાનુંરાગી રસાયણ પ્રદાન કર્યા બાદ અન્ય એક ડબ્બો ખોલી તેમાંથી ચપટીઓ ઉમેરતાં ઉમેરતાં જ નારદજીએ કહ્યું;
“આ રીસ છે, વારંવાર રીસાય જશે અને પુરુષોએ તેને મનાવવા માટે ક્યારેક મહાસંઘર્ષો કરવા પડશે અને ક્યારેક ક્યારેક તો પુરુષોએ ભગવાનને પણ યાદ કરવા પડશે, એ રીતે માનવ ભગવાનને નહિ ભૂલે. ઓહ! વાતો વાતોમાં બે ચપટી વધારે ઉમેરાય ગઈ.”
નારદજીએ રીસ ઉમેર્યા બાદ, બ્રહ્માજીના ઓજરોમાંથી એક લાંબો સળીયો લીધો જે એક છેડે અણીદાર હતો અને બીજે છેડે લાકડાનો હાથો હતો. એ સળીયાના અણીદાર છેડા વડે નારદજી પેલી પ્રતિમાના મસ્તિસ્કના ડાબા ભાગની કળનાં આંટા ખોલવા લાગ્યા.
આ જોઈ બ્રહ્માણીમાંથી રહેવાયું નહિ તેઓ બોલી ઉઠ્યા;
“આ શું કરે છે પુત્ર? તારા પિતાજી જાણી જશે તો ગુસ્સો કરશે.”
કળ ખોલવાનું અને પોતે નિર્ધારિત કરેલું કાર્ય કરતા કરતા નારદજીએ ઉતર આપ્યો.
“કંઈ ખબર નહી પડે માતા, પિતાજીના આગમન પહેલા તો હું મારું કાર્ય પૂરું કરી લઈશ, એમાં એવું છે કે અગાઉ જ્યારે પિતાજીએ પ્રથમ પુરુષની રચના કરી ધરતી પર મોકલ્યા હતા તેમાં મસ્તિસ્ક થોડું જુનવાણી હતું. આ પ્રતિમામાં જે મસ્તિસ્કનું આરોપણ કરવામાં આવ્યું છે તે તદન આર્વાચીન અને સંકીર્ણ વિચાર પરિપથ વાળું છે, પણ આ મસ્તિસ્કનો વિચાર પરિપથ પહેલા મોકલેલા પુરુષના વિચાર પરિપથ સાથે નવ્વાણું પ્રતિશત સામ્યતા ધરાવે છે. વળી, બંનેના વિચારો એક થશે તો તેઓ પાછાં દેવોને વિસારે પાડી દેશે એટલા માટે હું આ પ્રતિમાના વિચાર પરિપથમાં જરાક એવી ક્ષતિ સર્જી ફરી પાછું હતું એમ જ બેસાડી દઈશ, જેથી બંનેના વિચારો વચ્ચે થોડી સામ્યતા રહે”
આટલું કહેતા કહેતા નારદજીએ પ્રતિમાના મસ્તિસ્કમાં ખામી સર્જનનું કર્યા પૂરું કર્યું અને મસ્તિસ્કને જેમ હતું તેમ ગોઠવી ફરી પેલા સળિયા વડે કળ ચડાવવાનું કાર્ય હજી તો આરંભ્યું જ હતું ત્યાં બ્રહ્માજીનો પગરવ સંભળાયો.
નારદજી શક્ય એટલી ત્વરાથી કળ ચડાવવાનું કાર્ય આટોપી, માતાજીને પોતાની સાથે લઇ પિતાજીના ખંડ પ્રવેશ પહેલા ત્યાંથી પલાયન થઇ ગયા.
માતાજીના બેઠક ખંડમાં પહોચ્યા બાદ “કદાચ થોડું ઢીલું રહી ગયું.” એવું કહી એમણે કૈક સંશય વ્યક્ત કર્યો પણ હવે એ સંશય અસ્થાને હતો. બ્રહ્માજીએ પ્રાણમંત્ર દ્વારા પેલી પ્રતિમામાં પ્રાણપૂર્તિનું કાર્ય પરિપૂર્ણ કરી ક્યારની એ પ્રતિમાને ધરતી પર મોકલી દીધી હતી અને ધરતી પરના પુરુષો બ્રહ્માજીના એ સર્વોત્તમ સર્જન માટે વારંવાર એમને યાદ કરતા રહેવાના હતા.