મારો પહેલો પ્રેમ ભાગ - ૩ Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો પહેલો પ્રેમ ભાગ - ૩

મારો પહેલો પ્રેમ ભાગ-3

રાધિકા જયારે સાગરને મળવા ગઈ ત્યારે સાગરની આંખોમાં ઉદાસી ડોકાતી હતી.

હેતાભાભી આપણને કેટલું હેત કરતા હતા? રાધિકા બોલી.

એ તો તું મારી સાથે કિટ્ટા કરતી એટલે વચ્ચે પડીને સમાધાન કરાવતા, સાગરે યાદ દેવડાવ્યું.

તું ગમે તે કહે સાગર પણ હેતાભાભી જેવું મનેખ આપણા ગામમાં ફરી જનમ લે નહિ.

સાગરની આંખો ભીની થઇ.

ગામ લોકો કહેતા હતા કે હેતાભાભીને અગ્નિ દાહ દેતી વખતે તું બહુ રડેલો.

મને લાગે છે કે હેતાભાભીના ઓરતા અધૂરા રહ્યા, સાગરે કહ્યું.

તું એવું કેવી રીતે કહી શકે? આપણા ગામમાં તેમના પતિ રામભાઈ જેવો ભલો માણસ શોધ્યો મળે તેમ નથી.

રામભાઈ હેતાભાભીને હથેળીમાં રાખતા. રાધિકા બોલી.

અને તારો વર તને હથેળીમાં નથી રાખતો? સાગરે મજાકના મુડમાં પૂછ્યું.

સાગરને ખબર હતી કે રાધિકાના લગ્ન થયે માંડ ત્રણ મહિના થયા હતા. અને તેને કોલેજની હોસ્ટેલમાં તેના નામની કંકોતરી પણ આવેલ. પણ પરિક્ષા નજીકમાં જ હોવાથી તે આવી શક્યો નહોતો.

રાધિકાના ચહેરા પર વેદનાના ભાવ ઉપસી આવ્યા.

કેમ અલી તારો વર તને બરાબર રાખતો નથી?

તે મારા વર વહેમ કરે છે. વિષાદપૂર્ણ અવાજે રાધિકા બોલી.

પણ એવો એ વહેમાય શાનો? તારા તો કોઈની જોડે એવા સંબંધ ક્યાં હતા?

એ તારું નામ લઇ મારા પર વહેમાય છે............સાગર, રાધિકાએ આંખોમાં આંસુ આવતા મહા મહેનતે રોક્યા.

પણ કેમ?

આપણા ગામના ગીતાભાભી ખરાને?

કોણ રમેશભાઈના વહુ ? ..........સાગરે પ્રતિ સવાલ કર્યો.

તેમનું પિયર મારી સાસરીમાં છે. તેમણે મારા પતિ કૌશિકને આપણા બાળપણની નિર્દોષ દોસ્તીની વાતને એવી રીતે રજુ કરી કે આપણે બંને દોસ્તની જગ્યાએ બાળપણના પ્રેમી - પ્રેમિકા હોય.

પણ આપણે તો માત્ર દોસ્ત જ હતા, અને તે વખતે આપણે કેટલા નાના હતા સાગર બોલ્યો.

પણ લોકો તો આવી દોસ્તીનો પણ ઉંધો અર્થ તારવે.

અને અમુક સ્ત્રીઓને તો કોઈકનું ઘર ભાંગે એમાં જ રસ હોય, રાધિકાએ બળતરા ઠાલવી.

પણ તું કૌશિકને તારી વાત જાતે સમજાવી ન શકે? સાગરે સવાલ કર્યો.

લાંબા સમયના મૌન પછી રાધિકા બોલી.

તને ખબર છે? ત્રીજા ધોરણમાં મને દશ બાર દિવસ નજીકના શહેરમાં એક હોસ્પીટલમાં દાખલ કરેલ?

હા પણ તેનું શું છે? સાગર કંટાળા જનક અવાજે બોલ્યો.

સાગર એની જ તો મોંકાણ છે.

ત્યારે હું સાત આઠ વર્ષની હોઈશ અને તે વખતે મારી ફોઈના લગ્ન હતા. એટલે મારી માંએ મને સરસ રીતે તૈયાર કરેલ. મને એટલી સુંદર તૈયાર કરેલી કે મારી મમ્મીએ કોઈની નજર લાગી ન જાય એ માટે ગાલે એક કાળું ટપકું પણ કરેલ. આપણો સમાજ કાળા ટપકાની અંધ શ્રધ્ધામાં તો બહુ માને, પણ નાની પણ સુંદર છોકરીને જોઇને કેટલાક વિકૃત માણસની નજરમાં શું વિકાર પેદા થાય? તે બાબત નજર અંદાજ કરે.

મને જોઇને એક પુરુષની દાનત બગડેલ.

એટલે તે પુરુષ મને ચોકલેટ લેવા ગામની દુકાને લઇ ગયેલ. પછી મને ચોકલેટની સાથે સાથે ઘેનની ટીકડી પણ ખવડાવી દીધી. મને તેનો સ્વાદ પણ વિચિત્ર લાગેલ.

પછી શું થયું તેની તો મને ખબર નથી. પણ જયારે મેં આંખો ખોલી ત્યારે હું હોસ્પીટલમાં હતી.

હોસ્પીટલમાં તે સમયના આપણા વર્ગ શિક્ષિકા વર્ષા મેડમ મારી ખબર પુછવા આવેલ, ત્યારે વર્ષા મેડમ પોલીસ કેસ કરવાનું કહેતા હતા. ત્યારે જ મને ખબર પડી કે મારી ઈજ્જત લેવાની કોશિશ કરવામાં આવી હતી. વર્ષા મેડમે મારી મમ્મીને બહુ સમજાવી કે પોલીસ કેસ કરીને પેલા નરાધમને સજા આપવવી જોઈએ. પણ મારા મમ્મી એક જ વાત વળગી રહ્યા કે પછી સમાજમાં અમારી ઈજ્જત શું રહેશે?

શું વાત કરે છે? સાગર ક્રોધમાં રાતો પીળો થઇ ગયો.

પેલાને જીવતો કેમ રહેવા દીધો? અરે પોલીસ કેસ તો કરવો તો?

રાધિકા આંખોમાં આંસુ લાવી બોલી મેં પણ મારી મમ્મીને આવું જ કહ્યું હતું.

પણ એવો જવાબ મળ્યો કે એવું કરીએ તો પછી ભવિષ્યમાં તારો હાથ કોણ પકડે?

અને પોલીસમાં કેસ કરીએ તો પછી આપણી ઈજ્જત શું રહે?

તને અને પછી તારી નાની બહેનને કેમ વળાવવી?

સાગર, આ બધા આજના આપણા સમાજના એવા સવાલો છે કે તેના કોઈ જ જવાબો નથી.

રાધિકા હું તો માનતો હતો કે આપણા દેશે બહુ પ્રગતિ કરી, આપણે ચંદ્ર સુધી પહોંચવાના પ્રયત્નો કરીએ છીએ. સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ. પણ જયારે પોતાને અન્યાય થાય ત્યારે ચુપ બેસી રહેવાનું?

આમાં તો વિકૃત માનસિકતા ધરાવતા પુરુષોને ઉતેજન મળે. હવે પેલો પુરુષ બીજી કોઈ કુમળી કળીનું જીવન બરબાદ કરશે. અને આપણે સમાજના કહેવાતા ડરને કારણે ચુપચાપ બેસી રહીશું? ક્રોધને કારણે સાગરની કપાળની રેખાઓ તંગ બની.

લગ્ન પછી આ જ સવાલ રાખમાંથી પ્રગટ થયો.

સુહાગ રાતે જ કૌશિકને મારા કૌમાર્ય વિષે સવાલો થયા.

અને એમાં તારી અને મારી દોસ્તીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું.

હવે રાધિકાની આંખો અનરાધાર વરસી રહી હતી.

કૌમાર્યની પરિક્ષા અમારે સ્ત્રીઓએ જ આપવાની?

આજ સુધી ભારતમાં ક્યાં પુરુષને કૌમાર્યની પરિક્ષા આપવી પડી?......રાધિકાનો સાવ સાચો સવાલ સાગરને દઝાડતો હતો.

જો રાધિકા હવે જમાનો બદલાયો છે. અને બધા પુરુષો તેવા નથી હોતા.

હું કેમ માનું કે જમાનો બદલાયો છે?

અને બદલાયો હોય તો પણ મારા કિસ્સામાં તો હજુ એનો એ જ જમાનો છે. જ્યાં સીતા માતાને અગ્નિ પરિક્ષા આપવી પડે છે. અને લોકો સીતા માતાનો જય જયકાર કરે છે. એક પણ પુરુષે કે સ્ત્રીએ ક્યારેય વિચાર્યું કે સીતા માતા ઉપર શું વીત્યું હશે?......આવનારી ભારતીય નારી પર શું વીતશે? રાધિકાનું મુખ આક્રોશથી તંગ બની ગયું. મારું ચાલે તો એક એક પુરુષને ઠાર કરી હું પણ આત્મ હત્યા કરું.

આવા સંકુચિત પુરુષની પત્ની બની મારે જિંદગીના ક્યાં લહાવા લેવાના? રાધિકાનો આક્રોશ હજુ પણ ધગધગતો હતો.

કૌશિકે મને કહ્યું કે અક્ષત કૌમાર્ય ન હોવાને કારણે તેના ગામમાં બીજા જ દિવસે બે નવ વધુને સાસરીમાંથી કાઢી મુકવામાં આવેલ.

સીતાની અગ્નિ પરિક્ષા હજુ પૂરી નથી થઇ. હજુ પણ ઘણી સ્ત્રીઓને આવી પરિક્ષામાંથી પસાર થવું પડે છે. કાં તો ત્યકતા થવું પડે છે. અથવા મારી જેમ આખી જિંદગી મહેણાં સાંભળવા પડે.

હવે તો રાધિકાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. તેનું આખું અંગ ધ્રુજી રહ્યું હતું.

રાધિકાની વેદના સાગરના અંગે અંગને દઝાડતી હતી. તે વિચારી રહ્યો ક્યાં છે આઝાદી?

ગાંધીજી, પંડિત નહેરુ, સરદાર પટેલ વગેરે નેતાઓએ આવા ભારત માટે બલિદાન આપ્યા હતા?

તો પછી અંગ્રેજોની ગુલામી શું ખોટી હતી?

તેનું મન બહેર મારી ગયું.

તે પણ જાણતો હતો કે અક્ષત કૌમાર્ય ન હોવાને કારણે તેના જ ગામમાં સાતેક કિસ્સામાં સુહાગ રાતને બીજે દિવસે જ નવવધુને પોતાના પિયરમાં મોકલી દેવામાં આવી હતી . અને એમાનો એક તો પોતાના સગા કાકાનો છોકરો હતો.

જયારે શહેરમાં લોકો વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ લગાવી દેશપ્રેમના ગુણગાન ગાઈ રહ્યા હતા. ત્યારે ગામડામાં આવી ઘટનાઓ ચુપચાપ કોઈ એક ખૂણામાં ઘરબાઈ જતી હતી.

આ એ જ રાધિકા હતી જે સાગરને ધમકાવતી, એક વખત તેની આંખોમાં ક્યારેક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બનવાના સપનાઓ આંજેલ હતા. આજે બધા જ સપનાઓ પતાના મહેલની માફક તૂટી પડ્યા હતા.

સાગર મનોમન કંઈક વિચારતો હતો. તેની મુખ મુદ્રા તંગ બની.

તે બોલ્યો અન્યાય ત્યારે જ આચરવામાં આવે છે જયારે કોઈ અન્યાય સહન કરે છે.

જો રાધિકા મને એક ઉપાય સુજે છે. પણ માર્ગ બહુ વિકટ છે. જેલમાં પણ જવું પડે. મૃત્યુના મુખમાં પણ જવું પડે.

સાગર મારી જિંદગી આમ પણ વેરણ બની છે. હવે જિંદગીના કોઈ ઓરતા બાકી નથી રહ્યા. રાધિકા દઢ અવાજે બોલી.

તો પછી આપણા બંનેનું એક જ ધ્યેય રહેશે, જે માણસે તારી આબરૂ લેવાની કોશિશ કરી કે આબરૂ લીધી તેને શોધી કાઢી ખતમ કરીશું.

સાગરનું મગજ હવે બહુ ઝડપથી ચાલતું હતું.

રાધિકા તું એક કામ કર, વર્ષા મેડમ તે માણસને ઓળખતા હતા. તારે ગમે તેમ કરીને તે માણસનું નામ જાણી લાવવાનું છે.

પણ વર્ષા મેડમની તો બદલી થઇ ગઇ છે. નિરાશ વદને રાધિકા બોલી.

કંઈ વાંધો નથી તે માણસને હું પાતાળમાંથી શોધી કાઢીશ. કહી સાગર ઉભો થયો.

બીજા દિવસે સાગર જીલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે હતો. અને જીલ્લા શિક્ષણ અધિકારી પાસેથી વર્ષા મેડમના નોકરીના સ્થળ વિષેની માહિતી લેવામાં સફળ રહ્યો.

બસમાં સાગર અને રાધિકા પાસ પાસે બેઠા હતા. બંને વર્ષા મેડમ પાસે જઈ રહ્યા હતા. રસ્તો ઉબડ ખાબડ હતો, અને બસ તદ્દન ભંગાર હાલતમાં હતી. એટલે મુસાફરી કંટાળા જનક લાગતી હતી. સાગર બે ત્રણ દિવસની દોડધામને કારણે ઊંઘી ગયો હતો. રાધિકા તેના ગૌર મુખને તાકી રહી હતી.

રાધિકા વિચારી રહી હતી. બાળપણમાં તે સાગરને કેટલો પ્રેમ કરતી. પણ કોઈ દિવસ તે પોતાના પ્રેમને જબાન પર લાવી શકી ન હતી. અને એટલે જ તે સાગર પર ગુસ્સે થતી. તે દિવસોમાં સાગરને રાધિકા વિના એક પણ ચાલતું નહિ, અને રાધિકા પોતાના પ્રેમ વિષે કહી શકતી નહિ. એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં સાગર સાથે કીટ્ટા કરતી અને સાગર દયામણા મોઢે તેની લાડકી ભાભી હેતાભાભી પાસે રાવ ખાવા પહોંચી જતો અને હેતા ભાભી બંનેને સમજાવતા. ચોકલેટ આપતા. પપ્પી કરતા અને તેમના ગાલે અમે બંને પપ્પી કરતા ત્યારે સાગરને અને મને બાથમાં લઇ ચુમીઓથી નવડાવી દેતા.

ચંદ્રપુર......... એક સ્ટોપ આવવાથી કંડકટરે બેલ મારી બુમ પાડી અને સાગર તંદ્રામાંથી ઝબકીને જાગી ગયો. તે અને રાધિકા બસમાંથી નીચે ઉતર્યા.

બસમાંથી નીચે ઉતરી સાગરે " ચંદ્રપુર પ્રાથમિક શાળાનું એડ્રેસ પૂછ્યું, શાળા નજીકમાં જ હતી. સાગર અને રાધિકા તો વર્ષા મેડમને ઓળખી ગયા. હવે તેમના ચહેરા પર કરચલીઓ પડી હતી, તેમનું પ્રભાવી વદનની ચમક ઓછી થઇ હતી, કાળા લાંબા વાળની જગ્યાએ શ્વેત કેશ ઝૂલી રહ્યા હતા.

વર્ષા મેડમને આવનારની ઓળખ પડી નહિ તેઓ તેમને પતિ - પત્ની સમજી બેઠા અને તેમના બાળકને અહીં શાળામાં એડમીશન માટે આવ્યા હશે તેમ માન્યું.

જયારે સાગરે તેની અને રાધિકાની ઓળખાણ કરાવી ત્યારે વર્ષા મેડમ ગળગળા થઇ ગયા. તેમને નાનીવાવડી ગામમાં "નાનીવાવડી પ્રાથમિક શાળાના" સંસ્મરણો યાદ આવી ગયા. કેવું ગોકુળ જેવું ગામડું હતું. અને સાગર અને રાધિકા નાના હતા ત્યારે કેવી ધમા ચકડી મચાવતા તે યાદ આવ્યું. અને રાધિકા તો મોટી થઇ ને ગામનું નામ રોશન કરશે તેમ તેને લાગતું. તેઓ બંનેને લઇ પોતાના ઘેર આવ્યા.

પોતાના ઘેર આવી વર્ષા મેડમ ચા નાસ્તો બનાવવા રસોડામાં ગયા, રાધિકાએ રસોડું પોતાના હાથમાં લઇ લીધું. વર્ષા મેડમ ના ના કરતા રહ્યા અને રાધિકા ચા, ખાંડ અને બીજી જરૂરી સામગ્રી ક્યાં છે તે જાણી લઇ ચા અને નાસ્તો બનાવી આગળના રૂમમાં લઈને આવી.

ચા અને નાસ્તો કરતા કરતા સાગરે રાધિકા વાળી વાત ઉખેળી. વર્ષા મેડમ શૂન્ય મનસ્ક થઇ ગયા.

તેઓ બોલ્યા ભાઈ હવે બહુ મોડું થઇ ગયું. મેં તે સમયે રાધિકાની મમ્મીને પોલીસ કેસ કરવા માટે કેટલી વિનંતી કરી પણ બધું જ જાણે પથ્થર પર પાણી. લોકો કેમ આવી રીતે અન્યાય સહન કરી લે તે તો મારા મગજમાં બેસતું જ નથી. પણ હું ત્યારે નિસહાય હતી.

તમે તે પુરુષને ઓળખો? સાગર બોલ્યો

હા, હા, સારી રીતે ઓળખું ભાઈ, તમારા ગામની અડીને આવેલ રંગપર ગામનો સાવ ઉતાર અને પગી તરીકે રાખેલ તે કાસમ પગી, મૂળ તો તેઓ સિંધ બાજુથી આવેલ. અને સીમનું રખોપું કરે. અને વગડામાં જતી એકલ દોકલ સ્ત્રીની ઈજ્જત પણ લે.

ચા નાસ્તો કરીને વળતી બસમાં સાગર અને રાધિકા પોતાના ગામ માટે રવાના થયા ત્યારે તેમનું પહેલું કદમ સફળ રહ્યું અને તેઓ યોગ્ય દિશામાં જઈ રહ્યા છે તેનો સંતોષ હતો છતાં રાધિકાના મનના એક ખૂણે ઉચાટ હતો કે તેમના કામમાં સહેજ પણ ગફલત થાય તો આપઘાત કરવા સિવાય બીજો કોઈ આરો નહિ રહે.

બીજે દિવસે રંગપર જોઇને સાગરે તપાસ કરી તો જાણવા મળ્યું કે કાસમ તો હવે મોટો બુટલેગર બની ગયો છે. રંગપરની સીમમાં તેની પાંચેક દેશી દારૂની ભઠ્ઠીઓ છે, અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસને ભારણ આપતો હોવાથી અને રાજ્યના ટોચના રાજકારણીઓ જોડે તેની સાંઠ ગાંઠ હોવાથી તેનો દારૂનો ધંધો ધમ ધોકાર ચાલે છે.

તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી, પહેલા તે બળાત્કાર કરતો પણ હાલ તેને જે કોઈ છોકરી કે સ્ત્રી ગમે તેને સામ દામ દંડ ભેદની નીતિથી પોતાને શરણે કરે છે. કોલગર્લ ઉપર તે બહુ ખર્ચ કરે છે. મુંબઈ કોલ ગર્લ માટે જ જાય છે અને ત્યારે કોલ ગર્લ ઉપર પાણીની જેમ પૈસા વહાવે છે.

કાસમ વિશેની બધી જાણકારી મેળવી લીધા બાદ સાગર અને રાધિકાએ પ્લાન બનાવ્યો. સાગર પોતે સરદાર લાગે માટેના કપડા, નકલી દાઢી મુછ વગેરે ખરીદી લાવ્યો અને રાધિકા માટે પંજાબી કુડીના કપડા લઇ આવ્યો. દરજી પાસે કપડા ફીટ કરાવ્યા, મેડીકલ સ્ટોરમાંથી ઘેનની દવાઓ મેળવી, એક રસ્સી, ચપ્પુ, કોકાકોલાની બે બોટલ વગરે લઇ લીધું.

નિયત કરેલા સમયે જયારે રાત્રીના બે વાગ્યા હતા, બંને સરદાર - સરદારણ બની બાઈકમાં રંગપર જવા નીકળ્યા ત્યારે એવો આબેહુબ મેકઅપ કરેલ કે ગામની કોઈ વ્યક્તિ પણ તેમને ઓળખી શકે નહિ.

રંગપરમાં કાસમને મળતા પહેલા તેના સાગરીતે સાગરને રોક્યો. પણ જયારે જાણવા મળ્યું કે પંજાબી છોકરી લઈને સાગર આવ્યો છે એટલે ફટાફટ કાસમને બોલાવી લાવ્યો. કાસમ રાધિકાને જોઇને આભો જ થઇ ગયો.

તે રાધિકાને પામવા તલપાપડ થઇ ગયો. સાગરે કહ્યું કે ભાવ તાલ વગેરે નજીકના ખેતરમાં તેના એક મિત્રની ઓરડી છે ત્યાં નક્કી કરીએ. વાસનામાં અંધ કાસમ એકલો ત્યાં જવા તૈયાર થયો. ઓરડીમાં ગયા પછી કાસમ સાગર અને અને રાધિકાએ કોકાકોલાની બોટલમાંથી કોલ્ડ ડ્રીંક પીધું. કાસમની બોટલમાં ઘેનની દવા નાખી દેવામાં આવી હતી. એટલે કોલ્ડ ડ્રીંક પીધા પછી તરત જ ઘેનમાં સરી પડ્યો.

સાગરે પ્લાસ્ટીકની દોરીથી તેને ગળે ટુંપો દઈ દીધો. અને મિત્રોની મદથી તેની લાશ ગામના તળાવમાં નાખી દીધી.

સવારે ગામમાં હાહાકાર મચી ગયો, પોલીસ આવી પંચ ક્યાસ કર્યો. લાશને પોસ્ટ મોર્ટમ માટે નજીકના શહેરમાં મોકલવામાં આવી. પોસ્ટ મોર્ટમના રીપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરાઈ તે સાબિત થયું. પણ બે મહિના થયા તો પણ પોલીસને હત્યારાના કોઈ જ સગડ મળતા નહોતા.

રંગપર અને નાનીવાવડીના કુવાઓમાં બે મહિનાઓથી પનીહારીઓ આનંદ અને ઉમંગમાં હતી. કારણ કે કાસમ જેવા પાપીને મારી નાખવામાં આવ્યો હતો એટલે સીમાડો સલામત બન્યો હતો. અને બધી સ્ત્રીઓ ઈશ્વરને એક જ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન કાસમને મારનારો ક્યારેય ન પકડાય કારણ કે તે કાળો નાગ હતો અને તેને મારનારો તે સ્ત્રીઓને મન ભગવાન કૃષ્ણ હતો.