નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
મોબાઈલ નંબર – 9898504843
શીર્ષક : ગુલમહોર
શબ્દો : 1668
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા
ગુલમહોર
મારાં ઘરની બરાબર સામે જ ગુલમહોર છે, એ ગુલમહોરની સામે જ્યારે જ્યારે જોઉં છું અને મને મારો ભૂતકાળ યાદ આવે છે. વસંત આવતાં જ ગુલમહોર સોળે કળાએ ખીલી ઊઠે છે અને એનાં લીલાંછમ્મ પાન પર લાલ ચટ્ટક ફૂલ બેસે છે અને મારું હૈયું વીંધાઈ જાય છે, એ ગુલમહોરનાં પાન જેવો જ લીલોછમ્મ મારો ભૂતકાળ હતો. મારા અંગેઅંગમાં પ્રેમની વસંત ફૂટી નિકળી હતી, અને રોમે રોમ મહેંકી ઊઠી હતી. હું નાચતી, ગાતી, કુદતી અને વારંવાર અરીસામાં જોઈ મીઠું મીઠું મલકી વારી જતી ખુદ મારાં ઉપર જ.
એ દિવસોમાં ગામને પાદર નદી કિનારે હું રોજ ફરવા જતી, બે કિનારા વચ્ચે વહેતી નદી જોવી મને ખૂબ જ ગમતી. ત્યાંનું શાંત વાતાવરણ મારાં મનને કાયમ મુગ્ધ કરી દેતું. અને ખળખળ વહેતી નદી જાણે મને મારી જ પ્રતિકૃતિ લાગતી.
એ નદી કિનારે એક યુવાન હંમેશા આવતો, નદીકિનારે રહેલાં આંબાનાં ઝાડને નીચે બેસી તે નદીને, નદીનાં ખળખળ વહેતાંનીરને નીરખ્યા કરતો, તો વળી ક્યારેક મારી સામે જોઈ મોહક સ્મિત વેરી લેતો.
ધીમે ધીમે અમારો પરિચય વધતો ચાલ્યો, અમે ઝાડ નીચે બેસતાં, તે મારી સામે એકીટશે જોયા જ કરતો... હું શરમાતી, લજ્જાતી અને સમય બસ વહ્યા જ કરતો, અમને તો ખબરેય નહોતી પડી કે અમે ક્યારે એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં આવી ગયાં હતાં.
"
નીલ, હું તારા વગર નહીં જીવી શકું " તે ઘણીવાર બસ આ જ કહ્યા કરતો.
"
અરે ગાંડા ! કોઈ કોઈનાં વગર ન જીવી શકે એવું થોડું છે ?" હું જવાબ આપતી.
"
હા નીલ ! તું મારાં રુંવે રુંવે વસી ગઈ છે. " તે કહેતો.
"
આકાશ, તારા વિનાની પ્રત્યેક ક્ષણ મને પણ વસમી લાગે છે." હું કહી પડતી.
"
તો ચાલને નીલ, આપણે પરણી જઈએ" તે કહેતો.
"
ના આકાશ, આ શક્ય નથી."
"
કારણ ? શું હું નથી ગમતો ?" તે પૂછતો.
"
ના આકાશ ના... એવું નથી. " હું જવાબ આપતી.
"
તો પછી વાંધો શું છે ?"
"
હું તને તારી પત્ની થી છૂટો પાડવા નથી માંગતી. " હું આટલું કહેતાં તો વિચલીત થઈ ઊઠું છું.
"
આપણે ત્રણેય સાથે રહીશું." તે કહી ઉઠતો.
"
ના આકાશ, એ એટલું સહેલું નથી. " હું એને સમજાવવા પ્રયાસ કરતી.
"
નીલ, ધરા પણ તારા જેવી જ પ્રેમાળ અને સાલસ છે. " તે ધરાનો સ્વભાવ અંદાજીને મને કહેતો.
"
પણ ધરા પર હું કોઈ જ જુલમ કરવા માંગતી નથી. " હું મારો મત સ્પષ્ટ કરતાં કહેતી.
"
હું બંન્ને માંથી કોઈનેય પણ અન્યાય થવા નહીં દઉં. " તે બાલિશ એવી દલીલો કરતો.
"
સ્ત્રી નાં હૃદયને એક સ્ત્રી જ સમજી શકે છે. " હું એને સમજાવવા ફરી પ્રયાસ કરતી.
"
તો તું જ કહે નીલ, હું શું કરું ?" તે સ્હેજ વ્યાકુળ થઈ પૂછી બેસતો.
"
મને ભૂલી જા. "હું જરાક સખ્તાઈથી કહેતી.
"
એ શક્ય જ નથી. " પોતાનાં હૃદયની હાલત વર્ણવતા એ ગળગળો થઈ ઉઠતો.
"
તને પહેલાં ખબર નહોતી ? " હું સ્હેજ ક્રોધ કરી બેસતી.
"
તને જોઈને બધું જ વિસરી બેઠો. " એ પોતાની નિઃસહાયતા બતાવતા કહેતો.
"
આકાશ, તારા માટે મારાં હૃદયનાં દ્વાર હંમેશા ખુલ્લાં જ રહેશે પણ તારા ઘરે આવો તારી સાથે રહેવું
શક્ય નથી જ." હું મારો નિર્ણય એને જણાવી દેતી.
આવા કંઈ કેટલાંયે સંવાદો અમે અનેકો વખત કર્યા હતા. અને એ સર્વનાં અંતે જ મેં આજીવન કુંવારા રહેવાનો નિર્ણય લીધો હતો. આકાશના નામનો ચાંલ્લો કરી હું મારી જિંદગી ગુજારવા લાગી. આકાશ વારંવાર મારાં ઘરે આવતો, ઘણીવાર અમે નદીકિનારે ફરવા ય જતાં. આમ તેની લાગણીભીની પળોને હું પંપાળતી અને એની વાર્તા આગળ ચાલતી. તે સતત મને ઝંખતો, ક્યારેક તો અચાનક જ તે મારે બારણે આવી ચડતો અને ત્યારે હું તેને સાંત્વના આપી, મારા સ્નેહવારિથી ભીંજવી તેને હસતાં હસતાં વિદાય કરતી, વ્યથાનાં સાગરમાં વમળાતો, અટવાતો, ભીંસાતો તે મારી પાસે આવતાં જ શાંત બની જતો. મારું અલ્લડપણું તેને ખૂબ ગમતું અને મને ગમતો તેનો મારાં પ્રત્યેનો પ્રેમ, ગણતરીનાં દિવસોમાં જ તેની નવલકથા પૂરી થતી અને ફરી ખોવાઈ જતો તે તેની વ્યસ્તતામાં, અમારા દિવસો આમ જ વ્યતીત થતા રહ્યાં. મારી જીંદગીમાં તો એક નવી જ બહાર આવી હતી, - આકાશ રૂપે.....
એક દિવસ ખૂબ વાવાઝોડું ફૂંકાયું, વરસાદ પણ ધોધમારી વરસવા લાગ્યો. મારી સમગ્ર જીંદગીમાં આટલો ધોધમાર વરસાદ મેં ક્યારેય જોયો જ નહોતો. બારી બારણાં બંધ કરી હું રજાઈ ઓઢીને પડી હતી ત્યાં અચાનક બારણાંની સાંકળ ખખડી, કોણ હશે અત્યારે ? અને તે ય આટલાં તોફાનમાં ? મારું હૃદય અજાણ્યા ભયથી થડકવા લાગ્યું હતું, બીકથી ધ્રુજતા અને ફફડતા હૃદયે મેં બારણું ખોલ્યું તો સામેઆકાશ ઊભો હતો, તે આખો ને આખો પલળી ગયો હતો.
"
આકાશ તું ? અત્યારે ?"
"
તારા વગર ન રહેવાયું એટલે ચાલ્યો આવ્યો." તે બોલ્યો.
"
પણ આટલા તોફાનમાં ?" મેં જરાક ચિંતિત થઈ પૂછ્યું.
"
તોફાન તો મારાં હૃદયમાં ઉમટ્યું છે." તે જરા વ્યાકુળ અવાજે બોલ્યો.
"
તું જા અત્યારે, તું તારા કાબૂમાં નથી." મેં એને સ્હેજ ધક્કો મારતા કહ્યું.
"
ના જઈશ તો તને લઈને જ જઈશ." રઘવાયો થતાં એ બોલ્યો.
"
તો પછી તારા બાળકનું શું ? તારી પત્ની નું શું ?" - મેં મારી ચિંતા વ્યક્ત કરતાં પૂછી લીધું.
"
તારો સાથ હશે તો હું બધાંને ન્યાય આપી શકીશ, તારા આગમને મારી કલા વિકસશે, તારે આવવું જ પડશે નીલ." એણે લગભગ વિનંતી કરતાં કહ્યું.
"
અત્યારે તો તું ઘરે જા, ધરા ઘરે તારી ચિંતા કરતી હશે." મેં વાસ્તવિકતા નો તાગ આપતા એને કહ્યું.
" તું નહીં આવે નીલ ?" ખૂબ મક્કમ સ્વરે એણે મને આહવાન કર્યું હોય તેમ એ બોલ્યો."
તું અને ધરા બંન્ને સાથે લેવા આવો તો જરૂરથી આવીશ બસ ?" મેં મારાં હથિયાર હેઠાં મૂકતાં વાસ્તવિક રસ્તો અપનાવતો સામો પ્રહાર કર્યો.
આમ ને આમ અમારું વાકયુધ્ધ ચાલ્યું, હું તેની સાથે જવા તૈયાર ન જ થઈ, અને એ રિસાયો, માંડ માંડ તો મેં એને મનાવ્યો. પણ તે ઘરે જવાતૈયાર જ નહોતો, તે ઘણો બેચેન હતો, તેની આંખોમાં નર્યી વેદના ડોકાતી હતી. તેનાં હૃદયમાં એક ન સમજાય તેવું તોફાન ઉમટ્યું હતું. કદાચ તેની બીજી નવલકથાના અંત માટે તે વ્યથિત હતો. મેં તેને નીચે બેસાડ્યો - મારી લગોલગ, પછી તેનું માથું ખોળામાં લઈ હેતથી વાળમાં આંગળી ફેરવવા લાગી. બહાર વરસાદ ચાલુ જ હતો, અચાનક....
વીજળીનો એક જોરદાર કડાકો થયો. બંધ બારી - બારણાં ખળભળી ઊઠ્યાં. કોડિયામાંનો દીવો રામ થઈ ગયો. હું ધ્રુજી ઉઠી.
થોડીવારે વરસાદ રહી ગયો, આકાશ હવે સ્વસ્થ થઈ ગયો હતો. મેં ફરી દીવો પેટાવ્યો અને આકાશ બીજા દિવસે મને લેવા આવવાનું વચન આપી વિદાય થયો. આકાશનાં શબ્દોમાં, તેની વાણીમાં એક મક્કમ નિર્ધાર હતો. હું બેહદ ખુશ હતી. તેની નવલકથાનો અંત નક્કી સુખદ જ આવવાનો. ન સમજાય તેવો સંતોષ ને એક નવો જ થનગનાટ મારા અંગેઅંગમાંથી પ્રગટવા લાગ્યો.
બીજા દિવસે ન્હાઈ - ધોઈ, ભગવાનને દીવો કરી,જમી- પરવારી, મેં મારાં બેગ, બિસ્ત્રા, વગેરે સઘળું પેક કર્યું, આજે તો આકાશ સાથે ધરા પણ આવવાની હતી. આજે પહેલીવાર તેનાં પનોતાં પગલાં મારાં ઘરમાં પડવાનાં હતાં. હમણાં આવશે, હમણાં આવશે વિચારતાં વિચારતાં જ મને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં ને ઊંઘમાં મેં તરતી હોડી જોઈ, હોડી ધીમે ધીમે આગળ વધતી હતી. અચાનક...... હોડી હાલક ડૉલક થવા લાગી અને હું સફાળી ઝઝકીને બેઠી થઈ ગઈ, હું જાગી ત્યારે લગભગ સાંજ પડી ગઈ હતી. બારણું ખોલી મેં દૂર દૂર સુધી નજર દોડાવી પણ આકાશ ક્યાંયથી આવતો ન દેખાયો...મારું મન અજ્ઞાત આશંકાથી ફફડવા લાગ્યું, બપોરે જોયેલ દુઃસ્વપ્ન વારંવાર સ્મૃતિપટ પર આવવા લાગ્યું ને એમ ને એમ રાત ઢળી.
આકાશ કેમ નહીં આવ્યો હોય ? તેને શું થયું હશે ? ક્યારે સવાર પડે ને ક્યારે આકાશના ઘરે દોડી જાઉં ? મનમાં થતું હતું કે મેં તેને સજોડે આવવાનું ન કહ્યું હોત તો ? શા માટે એ જ વખતે હું તેની સાથે ન ગઈ ? કાલે જ આકાશ સાથે ચાલી નિકળી હોત તો ?
વિચારોમાં, બેચેનીમાં, ફફડાટમાં, મૂંઝવણમાં જેમતેમ મેં રાત તો કાઢી પણ સવારે લેવા આવવાનું કહીને ગયેલો આકાશ બીજા દિવસે પણ ન આવ્યો. મારું જમણું અંગ ફરકતું અને હું બેચેન બની જતી, એક અજાણ્યા ભયથી જ હું ફફડી ઊઠતી, એ જ રાત્રે નક્કી કર્યું કે આવતી કાલે સવારે ઊઠીને સીધી જ આકાશના ઘરે પહોંચી જઈશ.
ત્રીજા દિવસની સવાર તો મારી માંડ કરીને પડી, બ્રશ કરી ન્હાઈ ધોઈ, દીવો અગરબત્તી કરીને અખબાર પર નજર ફેરવવા લાગી, પહેલા પાના પરના સમાચાર પર નજર પડતાં જ હું આક્રંદી ઊઠી, "ડૉ. આકાશ દેસાઈ અને તેમનાં પત્નીનું કાર અક્માતમાં મૃત્યુ, નાનકડો પુત્ર અનાથ બની ગયો......"
મારાથી પોક મૂકીને રડી પડાયું, ન રોકી શકી હું મારી જાતને, મારું સર્વસ્વ જાણે હાથતાળી દઈને લૂંટાઈ ગયું હતું. મારો હાથ રડતાં રડતાં જ કપાળ સુધી લંબાયો અને તે જ સમયે લગ્નપહેલાંજ હું ગંગાસ્વરૂપ નીલ દેસાઈ બની ગઈ હતી.
પછી તો પરાણે સ્વસ્થતા ધારણ કરીને હું નાનકડા અનિકેતને મળવા દોડી ગઈ, મને જોઈ અનિકેત મને વળગીને ખૂબ રડ્યો. હું એને મારાં ઘરે, મારાં ગામ લઈ આવી, પાંચ વર્ષનો અનિકેત નાનો હોવા છતાં ઘણું બધું સમજતો હતો, તે વારંવાર ઉદાસ બની જતો અને મને કહી ઉઠતો કે "મા, મારાં મમ્મી પપ્પા તમને જ લેવા નિકળ્યા હતાં." આ સાંભળીને હું વધુ બેચેન બની જતી. અનિકેત ઘણીવાર મને આકાશ સાથે મળવા આવતો ત્યારે આકાશે જ તેને મને મા ચહીને બોલાવતા શીખવ્યું હતું.
અમે મા - દિકરો સાથે જીવવા લાગ્યા, તેને સ્કૂલે લેવા મૂકવા હું જ જતી અને જેમ બને તેમ તેને આનંદમાં રાખવાનાં તમામ પ્રયત્નો હું કરતી. તે મીઠડો તો એવો કે ક્યારેક હું ઉદાસ બની જતી તો અવનવા તોફાન કરીને તે મને હસાવી દેતો.
થોડા દિવસ આમ જ વીત્યા અને અચાનક મારી તબિયત બગડી. ચક્કર, ઉબકા જેવી પરિસ્થિતિથી હું ગભરાઈ ગઈ, એ વરસાદી રાત આવું પરિણામ લાવશે તેની મને કે આકાશને ક્યાં ખબર હતી ? મેં વિચાર્યું, જો બીજું બાળક આવશે તો ? તો કદાચ હું સ્વાર્થી બનીશ અને તો અનિકેતને... આકાશની પહેલી નિશાનીને હું ન્યાય નહીં આપી શકું. આ વિચાર આવતાં જ મેં જન્મતાં પહેલાં જ બાળકને મારી નાંખ્યુ. બાળકને આગમન પહેલાં જ મારી નાંખવાનું પાપભલે થાય, ભલે મારે પાપની સજા ભોગવવી પડે પણ અનિકેતને અન્યાય તો ન જ થવા દેવાય. હા... ધરા હોત તો વાત જુદી હોત, આ વિચારે જ મને સ્વસ્થ બનાવી ને આવનાર બાળકને આવતાં પહેલાં જ અટકાવી દીધું.
આજે તો અનિકેત મોટો એન્જિનિયર બની ગયો છે, અને મારી પૂરી કાળજી રાખે છે, હજુ યે જ્યારે જ્યારે ગુલમહોર પર લાલચટ્ટક ફૂલો બેસે છે ત્યારે ત્યારે હું બેચેન બની ઊઠું છું, પણ અનિકેત મારીવ્યથા જોઈ મારાં ખોળામાં માથું મૂકી મને વાત્સલ્યનીતરતી "મા" બનાવી મારી વ્યથાને પળવારમાં ખંખેરી નાંખે છે. તેનાં વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં ક્યારેક મારો આંખમાંથી આંસુ ટપકે છે, તો તે તરત જ મને કહે છે કે, "મા, આપણે રડીએ તો ત્યાં ઉપર, મમ્મી પપ્પા દુખી ન થાય ?"
મારી નજર દૂર રહેલાં આંબા પર પડે છે,આંબા પર બેઠેલી સાખને જોઉં છું ને થાય છે - અનિકેત છે પછી હું વંધ્યા કેવી ?
નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
મોબાઈલ નંબર – 9898504843