પત્થર Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

પત્થર

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : પથ્થર

શબ્દો : 1202

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

પથ્થર


લોકો કહેતા કે મહેશ બહુ અવળચંડો છે, તે તો ગામનો ઉતાર છે ઉતાર. ભણ્યો વધારે એટલે પોતાની જાતને મહાન માનવા લાગ્યો બાકી વહેવારમાં તો સાવ મીંડું અને સ્વભાવે એટલો રૂક્ષ કે ન પૂછો વાત. ક્યારેય કોઈ સાથે સરખી રીતે વાત જ ન કરે. અને તેની આંખોમાં તો જાણે ખીલા જડ્યા હોયને એટલી કોરી લાગે. લાગણીનું તો નામ પણ ન મળે, જાણે પત્થર જ જોઈ લ્યો. ઉંમર હશે પાંત્રીસેક ની પણ સ્વભાવે અને વર્તને સાવ જડ લાગે.


એકવાર અનાયાસે જ મહેશ એક સમારંભમાં મળી ગયો. મહેશ વિશે ઘણું ઘણું સાંભળવાથી હું મહેશને મળવા ઉત્સુક તો હતો જ. આમ તેનાં અચાનક મળી જવાથી મને આનંદ થયો, અને તેથી ય વધારે આનંદ ત્યારે થયો જ્યારે બધાની હાજરીમાં તે મને પગે લાગ્યો. મને થયું ભલે લોકો મહેશને જડ કહે, પત્થર કહે પણ મહેશ એવો તૈ ન જ હોઈ શકે.


પછી તો વારંવાર મારે મહેશને મળવાનું થતું, લોકોને તેની આંખો લાગણીશૂન્ય અને કોરી લાગતી પણ મને એની આંખોમાં કોઈક અકથ્ય વેદના ઘૂઘવતી દેખાતી. તેનાં જાડાં જાડાં હોઠ ઘણીવાર કંઈક કહેવા લંબાતા હું જોતો પણ તે ખૂલતાં પહેલાં જ બંધ થઈ જતાં ઘણીવાર મેં જોયાં છે. તેનાં લાંબા લાંબા વાળની અસ્તવ્યસ્તતામાં તેની જાત પ્રત્યેની બેદરકારી અછતી થયા વિના ન રહેતી. પાંત્રીસી જ વટાવી હોવાં છતાં તેની ચાલમાં મેં ક્યારેય ઉત્સાહ જોયો જ નથી.


હું જ્યારે જ્યારે તેને મળ્યો છું મેં હંમેશા તેને એક બેદરકાર માણસ તરીકે જ જોયો છે, કપડાં પણ પહેરવાં પડે માટે પહેરવાં, પેટ માંગે તે માટે ખાવું, અને જીવન પણ જીવન છે માટે જીવવું, બાકી ન કોઈ ઉત્સાહ, ન કોઈ આનંદ, ન કોઈ જીજીવિષા, અને આવા માણસને સૌ કોઈ જડ ન કહે તો પછી બીજું શું કહે ?


જ્યારે મેં તેનાં જીવનમાં ડોકિયું કરવાનાં પ્રયત્નો કર્યાં ત્યારે મને સમજાયું કે આ માણસની જડતા તેનાં સંજોગો પર જ આધારિત છે, જો તેને સંજોગો સારા મળ્યાં હોત, તો કદાચ આ માણસ કોઈક ટોચની જગ્યાએ જરૂર હોત જ એમાં કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી જ. યુવાન વયે મહેશને એક છોકરી સાથે પ્રેમ થયો, એ સમયે જોયો હોય તો મહેશ ભારે મોજીલો અને તરવરિયો, તેની ચાલમાં એક ચોક્કસ પ્રકારની ખુમારી દેખાતી, અને તેનો પહેરવેશ જોઈ કોઈ તેનાથી અંજાયા વિના ન રહે, એવું તેનું ટકોરાબંધ વ્યક્તિત્વ તેનાં અપટુડેટ કપડાંમાં નિખરી આવતું હતું.


મહેશની પ્રેમિકાને મજબૂરીથી બીજે પરણવું પડ્યું અને તેનાં આઘાત માંથી મહેશ લગભગ માંડ માંડ બહાર નિકળી શક્યો. એ સમયની તેની ખુમારી એટલી કે આ આઘાત તેણે હસતાં હસતાં પચાવી પણ દીધો, પણ દિલમાં એક દર્દ એક ટીસની સાથે.


પછી તો જીવન સાથે જેમ તેમ એડજેસ્ટ થતો ગયો, મા બાપની ઈચ્છી ખાતર પરણ્યો પણ ખરો, પણ જીવન જીવવાનો કોઈ ઉમળકો એનામાં બચ્યો નહોતો, બધાં સાથે હળે મળે ખરો પરંતુ પોતાનાં હૃદયનું દર્દ હૃદયમાં જ ભંડારી રાખીને તે માંડ કરીને જીવતો. એ હજુ તો જીવતા શીખતો હતો ને એવામાં જ સમાચાર મળ્યાં કે એની પ્રેમિકા કે જે પોતાની મજબૂરીને લઈને બીજે પરણી હતી તે પોતાનાં મન સાથે સમાધાન કરી નહીં શકવાથી આત્મહત્યા કરી બેઠી છે, એની પ્રેમિકાનાં આવા દુઃખદ સમાચાર ની વાત મહેશ માટે એક વસમો ઘા બની ગઈ, અંદરખાને તેને સતત એમ લાગ્યા કરતું કે આ બધી જ પરિસ્થિતિ માટે જવાબદાર એ પોતે જ છે, જો તેને લઈને પોતે ભાગી ગયો હોત તો આવું બનત જ નહીં, પણ હવે તો એ કરી પણ શું શકે ?


ધીમે ધીમે તેનો આ ઘા પણ રૂજાતો ચાલ્યો અને કાચનું વાસણ સંધાય ખરું તોય છેમ એની તિરાડ કાયમ રહી જાય તેમ, તેનું હૃદય પણ આ આઘાતમાંથી બહાર તો આવ્યું પરંતુ આ આઘાતે તેનેરૂક્ષ બનાવી દીધો હતો, પત્ની ને ખાતર જીવતો ય ખરો, પરંતુ પોતાની તમામ જવાબદારીઓ અદા કરવાં છતાં તે પોતાની પત્ની ને અંતરનું સુખ ક્યારેય ન આપી શક્યો.


અને સંજોગવશાત એને પત્ની પણ એવી મળી હતી કે તેણે મહેશનાં અંતરને ઢંઢોળવાનો ક્યારેય પ્રયત્ન સુધ્ધાં કર્યો નહોતો. તેનાં કોઈપણ પ્રકારનાં ગમા અણગમાનો વિચાર તે કરતી ન હતી, ન કદી તે મહેશનાં હૃદયની વેદના સમજવાનો પ્રયત્ન કરતી, આમ મહેશ અને તેની પત્ની બંન્ને જણાં એક આભાસી છાયાનાં સંતોષ જેવાં સંતોષથી જ જીવી રહ્યાં હતાં. મહેશ ક્યારેય પોતાની પત્નીને હૃદયપૂર્વક ચાહી જ નહોતો શક્યો. એવામાં મહેશને એક યુવતી સાથે પરિચય થયો. અલ્હડ, તોફાની, બેફિકર અને મસ્તીખોર... પછી તો તેમનાં સંબંધો વિકસતાં ચાલ્યાં, માયાને પણ મહેશની દોસ્તી ગમવા લાગી હતી, મહેશને પણ માયામાં તેની મૃત પ્રેમિકાનાં દર્શન થવા લાગ્યા હતાં, મહેશ ફરી હસમુખ અને વાચાળ બનવા લાગ્યો હતો.

મહેશની વેદનાને માયાનાં સાંનિધ્યમાં વાચા ફૂટતી. ક્યારેક લાડ કરીને તે પૂછતો : 'તને મારી પ્રેયસી કહું ?'


માયા જવાબ આપતી : 'ના'


મહેશ ફરી કહેતો : ' મને તું ગમે છે, કેમ ગમે છે તે ખબર નથી કેમ ?'


માયા પ્રત્યુત્તર આપતી : 'એમ તો હું ઘણાં બધાંને ગમતી હોઈશ.'


મહેશ વાતને આગળ વધારતાં કહેતો,: ' મને તારા પ્રતિ પ્રીત જાગી છે, તારા આવવાથી, તને મળવાથી મારી વેદના હળવી બને છે.'


માયા કહેતી : ' તારી વેદનાને હું જરૂરથી હળવી કરીશ.'


મહેશ ફરી કહેતો : ' તારા પ્રત્યેનું આ મમત્વ, આ માયા ક્યાં જઈને પહોંચશે ?'


માયા ફરી હસીને સ્હેજ પણ અકળાયા વિના છતાં ઈધો જવાબ વાળતી : 'હું ભવિષ્યમાં નથી માનતી.'


મહેશ વળી એને પામવાનો પ્રયત્ન કરતાં કહેતો : ' મારું મન તને ઝંખવા લાગ્યું છે.'


માયા કહેતી : 'એ વાત પણ મારાથી છૂપી નથી જ.'


મહેશ વળી એકની એક જ વાત કહેતો : ' હું તને ચાહું છું પછી આપણી વચ્ચે આ દિવાલ કેવી ?'


માયા કહેતી : ' પ્રેમ ને અને દિવાલને તે વળી કેવો સંબંધ ?'


મહેશ નફિકરાઈથી કહેતો : ' મને તારી ભૂખ જાગી છે.'


માયા કહેતી : 'માણસની ભૂખ ભાંગી જાય ને પછી તેને અન્ન ની કિંમત નથી રહેતી.'


મહેશ એનો પણ વળતો જવાબ આપતો અને એને મનાવવા પ્રયત્ન કરતો : ' પણ અન્ન સાથે એકતા તો જરૂરથી કેળવાય છે.'


માયા કંટાળતી અને સ્પષ્ટ જવાબ આપતાં કહેતી : 'મને આવી છીછરી વૃત્તિ જરાપણ પસંદ નથી.'


માયા હંમેશા મહેશની નજીક રહેવા પ્રયત્ન કરતી, મહેશની વ્યગ્રતા તે જોઈ જ નહોતી શકતી જાણે. તે પણ જો મહેશને ઉદાસ જોવે તો પોતે પણ ઉદાસ જ બની જતી અને તેમ છતાં પણ તે જરૂરી અંતર ચોક્કસ પણે રાખતી.

આમ ને આમ જ શી ખબર કેવી રીતે કેટલોય સમય વીતતો રહ્યો, મહેશ તેને મેળવી લેવા સતત તડપતો. માંડ માંડ મળેલી શીળી છાયામાં પણ તે સતત દાઝતો રહેતો, જ્યાં તેનું હૃદય ખીલી ઉઠતું હતું ત્યાં તેને વિકસવાની તક મળતી ન હતી, અને જ્યાં એને વિકસવાની તક મળતી હતીત્યાં તેનું દિલ કોળાતું નહોતું, અને એક સમાય એવો આવ્યો કે માયા પણ રડતાં હૈયે અને ભાંગેલ હૃદયે તેનાંથી રિસાઈને ચાલી ગઈ હતી.


તડપતાં, તરફડતાં એવા મહેશે પોતાનો રસ્તો શોધી લીધો, હવે તેને બધી સ્ત્રી માત્ર સ્ત્રી જ દેખાતી હતી, હવે મહેશની લાગણી કદી મ્હોરતી નહોતી, તે પત્થર બન્યો હતો તેમ ફરી પાછો પત્થર બની ગયો છે. લોકો તેને જડ કહે છે જડ, અને મહેશ ? મહેશ તો ઈશ્વરને પણ કહે છે કે : ' હું જેને ચાહી શકું તેની સાથે મ્હોરી ન શકું ? તેં પહેલાં પ્રીતિને છીનવી લીધી અને પછી માયાને પણ છીનવી લીધી, તો પછી મને પણ લઈ લેવો હતો ને, મને લેતાં શું ભગવાન તને જોર આવતું હતું?'


હવે મહેશ જીવે છે એક જીવતી લાશ જેવો, લાગણી અને પ્રેમ તેની આંખોમાં કે વર્તનમાં ક્યાંયે પણ જોવાં મળતાં નથી, જીવવા ખાતર જીવવું, ખાવા ખાતર ખાવું, પહેરવા ખાતર પહેરવું એ જ એનો ભંત્ર બની ગયો છે. ક્યારેક કોઈ અતિ આવેશમાં આવે તો એ ગણિકાનો સહારો લે છે તો ખરો પણ તે પણ એકઘરેડ પૂર્વક, ઉષ્મા તો તેનામાં જરાપણ બચી જ નથી, અને બચે પણ ક્યાંથી ? કદાચ આટલું જાણી લીધાં પછી તમે મહેશને તેનાં હૃદય સાથે ઓળખશો કે પછી પણ તમે એને પત્થર સમજી આગળ ચાલ્યા જશો ?

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843