એક હતો એન્જીનીયર – 1
(દોસ્તો...આ કહાની મારી પોતાની છે. મારી નાનકડી સફરની વાત છે. ગામડામાં ભણીને, પછી સાયન્સ પતાવી, એન્જીનીયર બનીને, છેલ્લે લેખક કઈ રીતે બન્યો તેની દાસ્તાન. આ સ્ટોરી હું ત્રણ-ચાર ભાગમાં શેર કરીશ, એટલે આ લેખને ક્રમશ: માનીને આગળના લેખ પણ વાંચી જવા. મારા શબ્દોમાં મેં પૂર્ણ પણે પ્રમાણિકતા વાપરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે તમને ગમશે.)
ઇટ્સ ટાઈમ. ઇટ્સ ધ પરફેક્ટ મોમેન્ટ. ઘણા સમયથી થતું હતું કે મારે મારી કહાની શેર કરવી છે. જેવી છે તેવી... વિચિત્ર-ભાંગેલી-બોગસ-બોરિંગ-લોડ... જેવું જીવન જીવાયું છે તે બધું જ પૂરી પ્રમાણીકતાથી આ ઈન્ટરનેટના વર્ચ્યુલ વિશ્વમાં વહેતું મૂકી દેવું છે. બસ...હ્રદયમાં જેટલું પડ્યું છે એ બધું જ કાઢી નાખવું છે. જયારે નાનો હતો અને પપ્પા સાથે ખેતરથી પાછો ફરતો ત્યારે તરસ લાગે ત્યારે નદી કિનારે જઈને એક ખાડો ખોદતા. હું વિચારતો: પપ્પા નદીનું પાણી કેમ પીવાનું વિચારતા નથી? કેમ તે આ ખાડાના ડહોળા પાણીને ઉલેચીને, થોડી વાર રાહ જોયા પછી દેખાતા પાણીને પીવે છે? એ સમયે એમની પાસે જવાબ હતો, પરંતુ મારી પાસે સમજણ ન હતી. આજે એ સમજણ આવી ગઈ છે. કદાચ. પેલા ખાડાનું પાણી જેમ ઉલેચતા જઈએ એમ ચોખ્ખું- નિર્મળ- અને પ્રમાણિક થતું જતું હતું. એ પાણીની મીઠાશ આગળ નદી કશું જ ન હતી. એવું જ આપણા હૃદયનું, અને હૃદયને અનુસરીને જીવતા જીવનનું છે એવું મેં અનુભવ્યું છે. હું જેમ-જેમ મારી અંદરના ગંદવાડને ઉલેચતો જાઉં છું એમ ક્યાંક- કોઈ ખૂણે- હૃદય વધુ પ્રમાણિક-ચોખ્ખું બનતું લાગી રહ્યું છે. મારે બસ આ મનનો ખાડો ઉલેચતો જવાનો છે. કોઈ ફિકર કર્યા વગર.
દોસ્તો... મારે આખી સફર કહેવી છે. મારે મારા જાત અનુભવ કહેવા છે. મારે તમને પ્રૂફ આપવું છે કે- આ વિશ્વમાં આત્માના પુરા ઊંડાણથી તમે ખરેખર કોઈ વસ્તુને ખુબ-ખુબ-ખુબ ચાહો...તો આ વિશ્વ પણ એ સર્જન-વિચાર સ્વીકારી લે છે. કોઈ સમયે તમને એ મળી જ જાય છે. મારે તમને જે સફર કહેવી છે એ એક સીધીસાદી જીવાયેલી લાઈફની ઓટો-બાયોગ્રાફી જ છે. એમાંથી તમને, અને ખાસ તો લેખક બનવા માંગતા યુવાનોને કશુંક જાણવા મળી શકે. મારા વિચારો તમને પ્રેક્ટીકલ ના લાગે એવું બની શકે...પરંતુ હું પ્રયત્ન કરીશ કે મારી પૂરી પ્રમાણિકતાથી લખું. હું પ્રયત્ન કરું કે હું જેવું જીવ્યો છું તદન એવું જ તમને મારા શબ્દોથી કહી શકું.
કોલેજ. રંગ દે બસંતીનો પેલો ડાયલોગ યાદ છે? ‘કોલેજ દી ગેટ કે ઇસ તરફ હમ લાઈફ કો નચાતે હે...તે દુજી તરફ લાઈફ હમકો નચાતી હે’ એ ક્યાંક મારી લાઈફમાં સાચો પડવાનો હતો. 11-12 સાયન્સ મેં મારી લાઈફમાં જીવેલા સૌથી ડીપ્રેસ્ડ-બોગસ વરસ હતા. રાજકોટની ક્રિયેટીવ સાયન્સ સ્કુલમાં હોસ્ટેલમાં એ બે વરસ કેટલા પ્રેશર-ચિંતા-અને એકલતામાં કાઢ્યા છે એ મને જ ખબર છે. હું ગામડાની સ્કુલમાં 1 થી 10 સુધી ક્લાસ ટોપર હતો. અચાનક રાજકોટમાં જુદાજુદા ગામડાના ક્લાસ ટોપર એક જ ક્લાસમાં. ત્રણેય મેઈન વિષયનું પ્રેશર અને રાજકોટની ગોખણીયા પદ્ધતિ. આજે એ સમજાય છે. એ સમયે એ બધા શિક્ષકો ભગવાન જેવા લાગતા હતા. સવારથી સાંજ સુધી કેટલા ટકા કેમ આવશે એનું દસ કિલોનું દિમાગમાં વજન. સાયન્સ મેં 81% સાથે પૂરું કર્યું અને હું રબર જેવો થઇ ગયેલો. શાંત. સ્થિર. ડરપોક. ગંભીર. બાઘો. બોઘો.
યુવાની આવી હતી. સાયન્સના ભારને લીધે હું દબાયેલી સ્પ્રિંગ જેવો બની ગયેલો. જેવો ભાર ઉઠ્યો કે હું સ્પ્રિંગની જેમ ઉછળ્યો. કોલેજ-લાઈફને ચૂસીને- ઘસીને- ધડબડાટી કરી લેવાની ચૂલ ઉપડેલી. મેં ઘણીવાર લખ્યું છે એમ મારા ખેડૂત માં-બાપ માત્ર ૨-૨ ચોપડી ભણ્યા છે, પરંતુ એમનું શાણપણ-સમજણ ખુબ ઉંચી છે. અમે પાંચ ભાઈ-બહેન (મારાથી ચાર મોટી બહેન) સાયન્સ કરેલા છીએ. 12 સાયન્સ પૂરું કર્યા પછી માં-બાપે મને પૂરો ઉડવા દીધો. મને ‘Charotar University of science and Technology, Changa’ માં Electrical Engineering માં TFWS ની ફ્રી સીટ મળી ગઈ. આમતો અમારે પાંત્રીસ વીઘા જમીન છે, પરંતુ ખોટો આવકનો દાખલો આપીને ઓછી ફી ભરી શકાય એ માટે મેં મારા ઘરને ગરીબ બતાવેલું!
ચાલુ થઇ ધગધગતા- અફળાતા- વિફરેલા જનુન સાથેની કોલેજ લાઈફ. કોલેજના ગેટની અંદર પગ મુક્યો ત્યારે નક્કી કરેલું કે... ભુક્કા કાઢી નાખું! અંદર ઘૂસીને જોયું કે આતો અલગ-અલગ સ્કુલના ક્લાસ ટોપર્સ એક જ ક્લાસમાં આવ્યા છે! બધા જ ૩ ઈડિયટ્સમાં બતાવેલી રેસમાં લાગ્યા છે. ગોખી-ગોખીને આવેલા ઘેટાઓનું ટોળું હવે ઈલેક્ટ્રોન-પ્રોટોનના વિશ્વમાં! ફક! હું ડરી ગયેલો. આ બધાથી હું અલગ કઈ રીતે? કોઈ રીતે નહી. મારે તો થોડું અલગ બનવું હતું. મેં ક્લાસમાં વધુ ધ્યાન આપ્યું. ખુબ ધ્યાન આપ્યું. મળ્યું શું? કંટાળો. સીધું-સાદું ગણિત છે: જો તમને સાયન્સમાં મજા આવી હોય તો એન્જીનીરીંગ એ સાયન્સનું ઊંડું અર્થઘટન છે! લાગી ગઈ! ખુબ વાંચ્યું શરૂઆતમાં! સેમેસ્ટર પૂરું થયુંને માત્ર 6.5/10 SGPI આવ્યા. મેં સ્વીકારી લીધું કે મારે ‘કશુક’ બનવું છે એમાં એવો કોઈ ‘જબરો એન્જીનીયર’ ક્યારેય બની શકવાનો નથી. મારા જેવા કલુ-લેસ ગધેડાઓ પાર વગરના હતા. આખું ટોળું હતું. દેખાતું હતું કે- ડોબા પ્રોફેસરોને પણ એન્જીનીરીંગ ગમતું હોય એવું લાગતું નથી! મારી કોલેજ જંગલ કાપીને ઉભી કરેલી આકર્ષક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એવી જ હોસ્ટેલો ધરાવતી યુનિવર્સીટી હતી. કોલેજથી થોડે દુર ખેતરો વચ્ચે આવેલી મારી ‘આશીર્વાદ’ હોસ્ટેલમાં મારે એક ગ્રુપ બનેલું. એમાં પણ બે ચાર નોન-ગુજરાતી ઈંગ્લીશ મીડીયમના દોસ્તો. એમાંથી એક દોસ્ત બિમલ. બિહારી બોય. મોડી રાત્રે એના રૂમમાં જઈને અમે એકબીજાની ક્યારેય ન કહેલી વન-સાઈડેડ લવસ્ટોરી અને લાઈફસ્ટોરી કહેતા. એક રાત્રે બિમલને કહ્યું: ‘સાલા ફ્યુચર કા ડર લગ રહા હે. એસે હી એન્જીનીયર બનકે મેં લાઈફમેં ઘંટા ભી ઉખાડને વાલા નહી હું.’ બિમલ હસી પડતો. બોલતો- ‘યે સબ અભી મત સોચ. કોલેજ કો એન્જોય કર. યે ચાર સાલ જલસા કર લે. યે ટાઈમ વાપસ નહી આયેગા. ફ્યુચર દેખા જાયેગા’
અને એ જ કર્યું! દોસ્તોનું જબરજસ્ત ગ્રુપ બન્યું. પહેલીવાર ‘Fuck’ શબ્દ એ ઈંગ્લીશ વાળા દોસ્તોએ શીખવ્યો. ગુગલનું દસ ટ્રાય પછી મેઈલ ખુલ્યું. ઓરકુટથી ઇન્ટરનેટ વિશ્વ શું છે એ ખબર પડી. ફેસબુક તો નવું જ આવતું હતું. રેગીંગનો ડર. બંક માર્યા. છોકરી પાછળ પડ્યા. પટાવી ના શક્યા. બીજી શોધી. ના મજા આવી. લેક્ચરર ગમી ગઈ! એક્ઝામના દસ દિવસ પહેલા કોર્સ જોયો. બેકાર પેપર ગયા. દોસ્તોને કેટીના ઢગલા થયા. વધુ કેટી ભેગી થઇ. ફાટી પડી, કોલેજને ગાળો દીધી. પેલી પ્રોફેસરની સેક્સી બોડી આને માટે જવાબદાર લાગી! સેમ્યુઅલ-શોનક-રજત દિલોજાન દોસ્ત બન્યા. પહેલા તો મોબાઈલમાં પોર્ન-ક્લિપ્સ જોયેલી, અને એ ક્લીપના સીન અઠવાડિયા સુધી યાદ કરીને કામ ચાલી જતું. હવે તો હોસ્ટેલમાં લેપટોપમાં સ્ટીરીયો ઉપર પોર્ન જોઈ. હિન્દી ડબિંગની ફિલ્મોને લીધે ઈંગ્લીશ નહી આવડે એવું લાગ્યું એટલે ના સમજાય તો પણ ઈંગ્લીશ સબટાઈટલ વાળી ફિલ્મો ચાલુ કરી. બીયર-વ્હીસ્કીના નશામાં સ્કૂલની લવ-સ્ટોરી સૌને સંભળાવી. પહેલા પપ્પાએ કહ્યું હતું કે બાજુના વિદ્યાનગરમાં ના જતો. છોકરાઓ ત્યાં દારૂ પીવે છે. બગડે છે. હું વિદ્યાનગરમાં રહેતા દોસ્તોના આગ્રહથી જવા લાગ્યો. જુદીજુદી ફ્લેવરના હુંકાનો કેફ ચડ્યો. વગર પેટ્રોલની માંગી બાઈક ફેરવી. ફિલ્મો ટોકીઝમાં ઘસી કાઢી. મુવી ડાઉનલોડ કરીને ટોરેન્ટને પણ હેંગઓવર આવી ગયું! એસાઈનમેન્ટના ઉતારા કર્યા. પ્રોફેસરને તો ત્રીજી પેઢીની ગાળો આપી. બેંચ પર ઊંઘ કરી. વાઈવામાં પ્રોફેસરે ત્રીજી પેઢી યાદ કરાવી. પ્રેક્ટીકલમાં ‘પું’ થઇ ગયું. હોસ્ટેલમાં રમેલી NFS યાદ આવી ગઈ, FF આવ્યો! ધેટ્સ ગુડ. બોગસ ટેક-ફેસ્ટ, એથી બોગસ કલ્ચરલ ફેસ્ટ, એથી બોગસ કોન્વોકેશન અને એના ભાષણો, એથીયે બોગસ પેલો માલ બીજા છોકરા સાથે છે એની ફીલિંગ! દોસ્તો સાથે આખી રાત ગપ્પાબાજી, દુનિયા બદલવાની વાતો, પ્લેસમેન્ટના સપના, અને કશુક કરી બતાવવાની તમન્ના.
ખેર... હું ઘેટું હતો. એક નંબરનું ઊંધું ઘાલીને આંખો બંધ કરીને દોસ્તોના ટોળામાં ભાગતું ઘેટું. ‘કોલેજ-લાઈફ’ના અને દોસ્તીના નશામાં ત્રણ સેમેસ્ટર ખત્મ કરી નાખ્યા. ગમે તેમ કરીને 7.0/10 CGPI લઇ લીધા. હું બહારથી ખુશ હતો. અંદરથી પણ. પરંતુ કોઈ મોડી રાત્રે લેપટોપમાં કોઈ મુવી પૂરું કર્યા પછી રૂમની બાલ્કનીમાં એકલા બેસું ત્યારે અંદરનો ભોળો યુવાન સવાલ કરતો: જીતું...ક્યાં ભાગી રહ્યો છે?
મારી પાસે જવાબ ન હતો. જવાબ મળવાનો હતો.
(હજુ ઘણુબધું કહેવાનું બાકી છે, બીજા ચેપ્ટરમાં ક્રમશ:)