મારો પહેલો પ્રેમ ભાગ -૨ Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો પહેલો પ્રેમ ભાગ -૨

મારો પહેલો પ્રેમ - ભાગ ૨

સાગર જયારે પોતાના ગામ પહોંચ્યો ત્યારે વાતાવરણ ગમગીન હતું. તેના કાકાના દીકરા રામના ચહેરા પર ચિંતાના વાદળો હતા. સાગરને ફાળ પડી, કશું અમંગળ તો નહિ બન્યું હોય ને?

રામ તેને લઈને અંદરના ઓરડામાં આવ્યો જ્યાં હેતાભાભી એક ખાટલા પર સુતા હતા. તેમનો ચહેરો નિસ્તેજ થઇ ગયો હતો, જાણે લાંબા સમયથી ભાભી બીમાર હતા.

સાગર ...... રામભાઈ બોલ્યા જે દિ થી તે ગામ છોડ્યું તે દિ થી તારી ભાભીએ ખાટલો પકડ્યો.

પણ મને કહેવડાવું તો હતું?..................મારી કોલેજમાં ફોન તો છે. ત્યાં તમે મને ફોન કરી શક્યા હોત.

ભાઈ સાગર, પણ આપણા ગામમાં ક્યાં કોઈની પાસે ફોન છે? કે હું તને ફોન કરું.

રામની વાત બરાબર હતી સાગરના ગામડામાં કોઈને ઘેર ફોનનું કનેકશન હતું નહિ.

અરે તમે મને પત્ર લખી શક્યા હોત, મેં હેતાભાભીને સરનામું તો આપેલ.

આ વાક્ય સાગરને અધૂરું છોડવું પડ્યું, કારણ કે રામભાઈ તો ભણ્યા જ નહોતા. હેતાભાભી ધોરણ ૭ સુધી ભણેલ હતા પણ તેઓ તો બીમાર હતા.

પોતાની આંખોમાંથી આવતા આંસુ સાગરે મહા મહેનતે રોક્યા અને ગળગળા સાદે પૂછ્યું મારા ભાભીને શું થયું છે? જરા કહો તો ખરા.

સહેજ ખોંખારો ખાઈને રામભાઈએ વાત આગળ ચલાવી,

બરાબર સાંભળજે સાગર.

લોકો ગમે તે કહે પણ મને લાગે છે તારો વિયોગ તારી ભાભીને સાલ્યો છે.

(ઉપર આંગળી ધરીને) ઉપરવાળાની શાખે કહું છું,

જ્યારથી તું આપણું ગામ છોડી કોલેજે ભણવા શહેરમાં ગયો ત્યારથી તેના ચહેરા પર મેં નુર નથી ભાળ્યું.

પછી ક્યારેય મેં તેને હસતા જોઈ નથી.

તું ગયો ત્યારે શરુ શરુમાં ખાવાનું બંધ કર્યું, બહું ખેંચ કરું તો થોડું ઘણું ખાય.

ગામમાં દાકતરને બતાવ્યું તો કહે અશક્તિ છે. દુધમાં આ દવા લેશો એટલે ઠીક થઇ જશે.

પછી શહેરમાં સરકારી દવાખાને બતાવ્યું, તેમણે ય ઘણાય રીપોર્ટ કરાવડાવ્યા.

પાછું સારું થાય એટલે થોડું ખાવા પણ મંડે. પણ જે ઉમંગથી પહેલા કામ કરતી, હસીને બોલતી, એવું તો પછી કદી બન્યું જ નહિ.

હું ઘણી વાર પૂછતો, હેતા તારો જીવ કેમ મુંજાય છે? તને શું થાય છે?

તે કશું બોલતી નહિ, બસ થોડું હસતી. પણ લગરીક જ હસતી.

છેલ્લે જામનગર ઈરવીન હોસ્પીટલમાં લઇ ગયા. ત્યાં નિદાન થયું કે તારી ભાભીને ટીબી છે.

રામભાઈની આંખો વહેવા લાગી.

સાગરની આંખો પણ ભીની થઇ,

કંઈ વાંધો નહિ ભાઈ, હવે તો ટીબી મટી જાય છે. તમે ચિંતા ન કરો.

બસ મને તો એક ઉપરવાળાનો આધાર છે રામભાઈ બોલ્યા.

વધુ ખાંસી ચડવાથી હેતાની ઊંધ ઉડી ગઇ.

તેની નજર સાગર પડી. અને આંખો હાસ્યથી છલકાઈ ગઇ.

તમે ક્યારે આવ્યા સાગરભાઈ?

મારાથી ઉભું નહિ થવાય તમે મારી પાસે આવો, મારે ઓવારણા લેવા છે.

જોયું સાગર, તને જોઇને કેવી ખુશ થઇ ગઇ? રામભાઈ બોલ્યા.

તે નો થાઉં? મારો લાડકો દિયર આવ્યો છે.

અને ત્રણે જણ હસી પડ્યા.

એ....ઈ.... સાંભળો છો? મારે સાગરભાઈ સાથે થોડી વાતો કરવી છે,

તો આ ઓરડામાં કોઈ ન આવે તેનું તમે જરા ધ્યાન રાખશો?

હેતાના અવાજમાં યાચના અને કરુણા હતી.

અરે ગાંડી.......એમાં શું? હું પણ નહિ આવું અને કોઈને પણ આવવા નહિ દઉં.

આ મારું વચન છે.

તમે હજુ એવા ને એવા ભોળા રહ્યા. હેતા બબડી.

સાગરભાઈ મારી પાસે બેસો.

ત્યાં નહિ? અહીં બિલકુલ મારા માથાને અડીને બેસો.

હેતાએ સાગરનો હાથ નાજુકતાથી પકડી રાખ્યો.

અરે વાહ, હવે તો તમે

ફિલ્મના હીરો જેવા સરસ દેખાઓ છો.

સાચું કહેજો, ક્યારેય ભાભીની યાદ આવી નહિ?

ભાભી મને તમારી યાદ બહું જ આવતી હતી, સાગરે કહ્યું.

જાઓ ને જૂઠા? જુઠું બોલવામાં તો તમે અને કાનુડો બેય સરખા.

કાનુડો ગોપીઓ પાસે જુઠું બોલે અને તમે મારી પાસે.

અને તોય બેય મને બહું વહાલા લાગે.

ભાભી આ તમને શું થઇ ગયું? સાગરે ગળગળા અવાજે પૂછ્યું.

ભાઈ મને કશું નથી થયું, સહેજ અશક્તિ જેવું રહે છે.

તમે અને તમારા ભાઈ અમથી ચિંતા કરો છો.

પણ મને એક કાગળ તો લખવો હતો? મનેય પરાયો સમજ્યો? સાગરની આંખો વહી રહી હતી.

સાગરનો હાથ પોતાના હાથમાં લઇ હેતા બોલી મેં તમને મારા જીવ કરતા વધારે ચાહ્યા છે.

તમે ભણવા શહેરમાં ગયા અને જાણે મારી તો દુનિયા જ લુંટાઈ ગઈ.

હું જયારે પરણીને આવી ત્યારે માંડ ૧૪ વર્ષની હોઈશ અને તમારા ભાઈને ૨૧ વરહ થયેલ. ત્યારે આપણા સમાજમાં બાળ લગ્ન સામાન્ય ગણાતા.

હું તો સાત ચોપડી ભણેલ. પણ તમારા ભાઈ તો સાવ અભણ. મેં પન્નાલાલ પટેલની " મળેલા જીવ" કન્હૈયાલાલ મુનશીની "ગુજરાતનો નાથ" તેવી ઘણી બધી વાર્તાઓ વાંચેલ ત્યારે મારા મનમાં પ્રેમની વાત્યું ઘોળાતી રહેતી. મને પણ કાના અને કાક જેવો ભરથાર મળે તેવા ઓરતા હતા.

અને ત્યારે તો છોકરા છોકરીના લગન માબાપ અને મોટેરા જ ગોઠવતા જેના લગન થવાના હોય તે છોકરા - છોકરીને કોઈ પૂછવાય રોકાતું નહિ.. મારે મોટેરાને ખાલી એટલું પૂછવું છે કે ત્યારે મારે લાયક થોડું ઘણું ભણતો હોય એવો એક પણ છોકરો આપણા સમાજમાં ત્યારે નહોતો?

તમારા ભાઈ વિષે મને કોઈ ફરિયાદ નથી, તેઓ તો એક દમ ભોળા અને ભગવાનના માણસ છે. એમણે કદી મને ઊંચા સાદે બોલાવી નથી. મારી દરેક વાત માની છે.

પણ મારી પ્રીતની સરવાણી હું કોની ઉપર ઠાલવું? મારા ઓરતા જાણે અધૂરા રહેવા જ સર્જાયા હતા. હું રાતોની રાતો રડી છું. દિવસોના દિવસો ઉદાસીમાં કાઢ્યા પણ આનો ઉકેલ ક્યાંથી કાઢવો? એક રાધાને માટે કાન ક્યાંથી ગોતવો?

પણ આ વાત કદાચ તમને નહિ સમજાય. સાગરભાઈ કારણ કે તમે પુરુષ છો.

અને હું તો ત્યાં સુધી કહીશ કે કન્હાને પણ ગોપીઓની વાતો પુરેપુરી તો નહિ જ સમજાઈ હોય.

આખરે કાન પણ પુરુષ, તે ગોપીઓને રડાવી શકે, પણ તેના વિરહને ન સમજી શકે.

૧૬ વરસે તો હું આણે આવી ત્યારે તમે માંડ સાત આઠ વરસના હશો.

તમારા માં જ મેં મારો કાનો દીઠો, હું તમને મારે ઘેર લાવતી. ચોકલેટ આપતી. તમારી કાલી કાલી વાતો સાંભળતી.

તમારી સાથે ભણતી રૂપા તમારી સાથે દાદાગીરી કરતી, અને તમે તેનું ન માનતા તો તમારી સાથે કિટ્ટા કરી દેતી.

ત્યારે રડતા રડતા તમે જ મારી પાસે આવતા અને કહેતા

ભાભી, ઓલી રૂપાડી મારી સાથે વાત નથી કરતી.

અને હું રૂપા અને તમને બંનેના મારા ઘેર બેસાડી, રૂપાને સમજાવી બંનેને ચોકલેટ આપતી અને બુચા કરાવતી.

અને તમે બંને મને મારા એક એક ગાલ પણ પપ્પીઓ કરતા.

તમે જયારે બાર વરસના હતા ત્યારે તમને બહુ જ તાવ આવ્યો હતો, ગામમાં ડોક્ટરને બતાવ્યું ડોકટરે દવા દીધી પણ તાવ ઉતર્યો નહિ. તમારું આખું શરીર ઘગતું હતું. તમારી બા તો ગભરાઈ જ ગયેલા અને અડધી રાતે મને બોલાવવા આવેલ.

મને કહે રૂપાવહુ, મારા સાગરને તાવ આવ્યો છે અને ઘેનમાં પણ તારું જ નામ બબડે છે.

રૂપાભાભી મારું માથું દબાવી આપોને એમ બબડ્યા કરે છે, તો જરાક વાર મારે ઘેર આવ.

અને મેં પાણી પણ પીધા વગર તમારા ઘર તરફ દોટ મેલીતી.

મેં તમને જોયા ત્યારે જ મારા જીવમાં જીવ આવ્યો.

તે આખી રાત હું તમારી પથારી પાસેથી ખસી નહોતી, આખી રાત મેં ભીના પોતા તમારા શરીરે ફેરવ્યા કર્યા.

તમારી બાને પણ બે ત્રણ ઝોકા આવી ગયેલ, પણ મેં એક મટકું પણ નહોતું માર્યું.

તમારી બાએ તે દાડે કીધેલ, નક્કી તમારી બે વચ્ચે આગલા જનમની લેણા દેણી છે. બાકી આવી ચાકરી કોણ કરે?

હેતાભાભીને હવે ખાંસી આવવા લાગી, સાગરે માટલામાંથી પાણી ગ્લાસમાં કાઢી હેતાભાભીને આપ્યું.

થોડીવાર ખામોશી છવાઈ ગઈ.

પહેલા તમારા તરફ જે વાત્સલ્ય ભાવ હતો તે ક્યારે પ્રેમ ભાવમાં પલટાઈ ગયો તેની ખબર પણ ન પડી.

જેમ કવિ કલાપી તેમની રાણી સાથે આવેલ દાસીને પહેલા વાત્સલ્ય ભાવથી પ્રેમ કરતા હતા પણ બાદમાં તે છોકરી જુવાન થઇ ત્યારે પ્રેમ થયો અને તેની સાથે બધાના વિરોધ વચ્ચે લગ્ન પણ કરેલ.

પણ તે પુરુષ હતા, રાજવી હતા, તેઓ તેમ કરી શકે પણ હું રહી સ્ત્રી અને લાચાર સ્ત્રી હું તેવું કેવી રીતે કરી શકું? અને હું તો કહ્યા વિના રહી શકતી એટલે તમને કહું છું, બાકી સામાન્ય સ્ત્રી તો શરમ અને સમાજ શું કહેશે તે વિચારીને આવી વાત હોઠ પર કદી ન લાવે. હા ઘૂંટાઈ ઘૂંટાઈને મરી જાય.

પણ મેં તમારું મન તો જાણ્યું જ નોતું, અને હું પણ તમને આવો પ્રેમ કરું છું તે તમે કોલેજે ભણવા ગયા ત્યારે જ જાણ્યું.

તમને નવાઈ લગતી હશે કે ભાભી આવી વાત કાં કરે?

હા સાવ સાચી વાત એ છે કે સ્ત્રીઓ પોતાના મનની વાત સારી પેઠે છુપાવી જાણતી હોય છે.

અને મૃત્યુ પર્યંત ઘણી સ્ત્રીઓ આવી વાતો છુપાવતી આવી છે.

અરે ગામની જ વાત જણાવું તો આપણા ગામમાં રમેશ અને હરેશ દુબઈ ગયા છે. અને બે વરસે ઘેર આવે છે.

રમેશની પત્નીને તેના દિયર વિનોદ જોડે સબંધ છે. અને હરેશની પત્ની તો તેના દિયર મહેશ અને તેના સગા સસરા રામુકાકા સાથે ચાલુ છે. અને આખું ગામ આ વાત જાણે છે.

સાગર હબક ખાઈ ગયો.

ભાભી આવી બધી વાતો મને ના કરો

કોઈના ઘેર શું ચાલે છે તેનાથી મને શું ફરક પડવાનો?...........સાગર ઉશ્કેરાઈ ગયો.

સાગરભાઈ આકરા ન થાવ, આ તો સંજોગ માણસને બદલી નાખે એવું મારું કહેવાનું થાય છે.

તમે જરા મારું માથું દબાવો.

સાગર હેતાભાભીનું માથું દબાવવા લાગ્યો, કપાળ ખુબ જ ગરમ હતું.

ભાભી તમે દવા લીધી?

હવે દવા લઉં કે ના લઉં કંઈ ફરક પડવાનો નથી.

જો આવું કરશો તો હું તમારી સાથે નથી બોલવાનો. સાગર ખિજાયો.

સાગરે હેતાભાભીને દવા પીવડાવી.

હવે હેતાને ઊંઘ આવતી હતી.

સાગર પણ ત્યાં જ ખુરશીમાં આંખો બંધ કરી પડ્યો રહ્યો. સાગર વિચારતો રહ્યો, અરે આવું તો તેણે હેતાભાભી વિષે સપનામાં પણ વિચાર્યું નથી.

તે તો આ પ્રેમને ખાલી દિયર ભોજાયનો નિર્મળ પ્રેમ માનતો હતો.

રામભાઈ સાવ અભણ અને હેતાભાભી ભણેલા અને સાહિત્યની વાર્તાઓ પણ વાંચે, પછી તેની ચર્ચા તો તેની જોડે જ કરતા. પણ તે ચર્ચા કરે તો પણ કોની જોડે કરે?

અને કોઈ સ્ત્રીને ઓરતા હોય તેમાં ખોટું શું?

ત્રણ ચાર કલાક સુધી હેતા ભર ઊંઘમાં રહી. આંખો ખોલી તો સાગરભાઈ આંખો બંધ કરી કંઈક વિચારતા હતા.

સાગરભાઈ મારી ખાલી એક વાત માનશો?

હેતાભાભીનો અવાજ હવે ક્ષીણ થતો જતો હતો.

ભાભી આજ સુધી તમારી એક પણ વાત ન માની હોય તેવું બન્યું છે ખરું?

એમ નહિ. મારા માથે હાથ મૂકી સોગંદ લો.

લો તમારે માથે હાથ મૂકી ઈશ્વરના સોગંદ લઉં છું.

હવે બરાબર મારા લાડકા અને વહાલા દિયર.

જુઓ, આ ચાવી મારા ટ્રંકના તાળાની છે.

ટ્રંકની અંદર મારા લગન વખતનું ઘરચોળું, મંગળસૂત્ર, કેડનો કંદોરો, હાથની આંગળીઓની સોનાની વીંટી, પગની આંગળીઓના વેઢ, કેડનો કંદોરો, કાનની બુટ્ટી,, નાકની નથણી, કપાળની બિંદી, હાથના બાજુ બંધ, લઈને આવો.

સાગર હેતાભાભીએ કહેલ બધા કપડા અને દાગીના લઈને હેતા ભાભીને આપ્યા.

જુઓ હું ઘરચોળું અને બીજા કપડા પહેરું છું ત્યાં સુધીમાં તમે સોનાભાભીના ઘેર જઈ આવો.

મેં બાજુવાળા મારા દેરાણી અને તમારા સોનાભાભીને મહેંદી, નખ રંગવાની શીશી, અતરની નાની શીશી વગેરે તૈયાર રાખવાનું કહેલ જ છે કે મારે તેની ગમે ત્યારે જરૂર પડશે. અને તેમના ગુલાબના ક્યારામાંથી બે ગુલાબના ફૂલ લાવવાનું ન ભૂલશો.

આ બધું શું છે ભાભી? આ બધા શું નાટક આદર્યા છે? સાગર ગુસ્સે થઈને તાડૂકી ઉઠ્યો.

હેતાભાભીની આંખોમાંથી અશ્રુ બિંદુઓ રેલાયા.

હમણા તો તમે મારા માથે હાથ મૂકી સોગંદ લીધા કે હું જે પણ કહીશ તે તમે કરશો.અને તમે તો બરાડા પાડો છો.

સાગરભાઈ, તમારા સમ હવે હું વધુ નહિ જીવું, મારાથી હવે વધારે ખેંચાય તેમ નથી.

હું માત્ર તમારી રાહ જોઇને જ જીવી રહી હતી.

સાગર જયારે સોનાભાભીને ત્યાં ગયો ત્યારે તેમણે બધી વસ્તુઓ તૈયાર કરી રાખેલ જ હતી. તેમણે સાગરને મીઠો આવકાર આપ્યો. અને પાણીનો ગ્લાસ ધર્યો.

સાગરભાઈ તમે કોલેજે ભણવા ગયા પછી હેતાભાભી બહુ હિજરાયા.

આટલું કહીને સોનાભાભી ગુલાબના ફૂલ ચૂંટવા ગયા.

સાગર જયારે સોનાભાભીને ઘરથી આવ્યો ત્યારે હેતાભાભી કોઈ નવોઢાની જેમ સોળે શણગાર સજીને બેઠા હતા.

મને બહુ થાક લાગ્યો છે, હું હવે વધારે બેસી શકું તેમ નથી. હેતાભાભીએ ખાટલામાં લંબાવ્યું.

જલ્દી જલ્દી મારા હાથોમાં મહેંદી લગાવો. અને પછી મારા નખ રંગી આપો.

સાગર યંત્રવત બધું કરતો રહ્યો. તેનું મન વિષાદથી ભરાઈ ગયું.

સાગરભાઈ જરા તો હસતું મોઢું રાખો, તમને મારા સમ છે.

નાના હતા ત્યારે તો મારું કહ્યું બધું માનતા.

અત્યારે પણ તમારી વાત માની તો રહ્યો છું.

હા પણ તમારા દિલમાં ઉજમ નથી. હેતાભાભી સાગરને બાથમાં લઇ હીબકા ભરી રડવા લાગ્યા.

સાગર પણ રુદન પર કાબુ રાખી શક્યો નહિ.

ચાર દીવાલોની વચ્ચે તેમના ડુંસકા પડઘાતા રહ્યા.

બસ હવે આ સિંદુર મારા સેંથામાં લગાવી દો.

હેતાભાભીના સેંથામાં સિંદુર લગાવતા સાગરનો હાથ ધ્રુજતો રહ્યો.

પણ તેમના ચહેરા પર નજર કરી તો એવો ઓશિયાળો ચહેરો લાગ્યો કે કમને પણ સાગરે હેતાભાભીના સેંથામાં સિંદુર લગાવવું પડ્યું.

હેતાભાભી ખુબ જ થાકી ગયા હતા. ખાંસી પણ બહુ આવતી હતી.

સાગરભાઈ આ જનમમાં તો હું તમારી ન થઇ શકી, પણ આવતા જનમ માટે મેં તમને બોટી લીધા છે.

હવે મને મોતનો પણ ડર નથી.

જાવ તમારા ભાઈને બોલાવી લાવો, અને તમે પણ અહીં જ રહેજો. આજની રાત હું નહિ કાઢી શકું.

ભાભી આવી વાત ન કરો, તમને કશું નથી થવાનું. સવારે તો હું તમને જામનગર ઈરવીન હોસ્પિટલ લઇ જઈશ. લો આ દવા સાથે થોડું દૂધ લો. સાગરે હેતાભાભીને દવા અને દૂધ આપ્યા. અને રામભાઈને બોલાવી લાવ્યો.

તમને અજાણ્યે પણ દુભવ્યા હોય તો માફ કરજો. રામ સામે જોઈ હેતા બોલી.

અરે ગાંડી વાંક તો મારો હતો કે તું ભણેલી અને હું સાવ અભણ ડોબા જેવો. પણ ક્યારેય તે મને ઓછું આવવા ન દીધું. રડતા રડતા રામ આટલું જ બોલી શક્યો.

તે રાત હેતાના જીવનની અંતિમ રાત બની. પણ તેના ચહેરા પર અપાર શાંતિ, અને તૃપ્તિના નિશાન હતા.

જાણે સામેથી હસતા હસતા મૃત્યુ દેવતાના ખોળામાં બેસી ગઈ.

નનામીની આગળ સાગર અને રામે કાંધ આપી હતી. રામ બોલો ભાઈ રામના હળવા ઉચ્ચારો થઇ રહ્યા હતા. લગભગ નાના મોટા બધાજ શોકમય હતા. નાના મોટા બધાજ હેતાના છુટા મોંએ હેતાના વખાણ કરી રહ્યા હતા.

જયારે રામે અગ્નિ દાહ આપ્યો. ત્યારે સાગરે જે પોક મૂકી. જાણે ઝાડવા રોવડાવ્યા.

અને ત્યારે ત્યાં હાજર રહેલ તમામના મનમાં એક જ સવાલ ઘુમરાતો હતો.

હેતાના મોતથી સાગરને આટલું રુદન કેમ આવ્યું?