તલસાટ Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

તલસાટ

*તલસાટ*

એ દોડી રહી હતી.. નામ તો ગમે તે હોઈ શકે એનું.... સીતા, સલમા, સુઝી કે પછી સુરિન્દર... પણ... એ દોડી રહી હતી... સુરક્ષિત અને સોનેરી જીવનના તલસાટમાં....

અજાણી જગ્યા, રાત્રિનો ભયાનક અંધકાર, ધડકતા હૈયે અને છલકતાં નેત્રે... એ પાછળ જોયા વિના જ દોડી રહી હતી. એને પોતાને ખબર નથી કે, તેની આ દોડ ક્યારે અને ક્યાં જઈને અટકશે...?? અને ક્યારે એને એ અણધાર્યા આઘાતમાંથી કળ વળશે..?? તેમ છતાં એ દોડી રહી હતી.

એના તન અને મન બંનેમાં કળતર થઈ રહી હતી. એને ઠંડી લાગી રહી હતી પણ શરીરને ઢાંકવા માટે દુપ્પટો ક્યાં હતો એ તો.... એણે હાથની પકડ વધુ મજબૂત બનાવીને મૂઠી વાળી લીધી. છતાં ઠંડક અને દૂર દૂરથી કૂતરાઓના ભસવાનો અવાજ એના હૈયાને ખળભળાવી રહ્યા હતા. એના ધબકારાની ગતિ ખૂબજ વધી ગઈ હતી. એ શ્વાસ ખાવા જરાક થંભી ત્યાંતો એની પાછળ દોટ મૂકનારાઓના પગનો ધ્વનિ એને વિચલિત કરી ગયો. એણે ફરી પાછું આંખ મીંચીને દોડવાનું ચાલુ રાખ્યું.

દોડતાં-દોડતાં આખરે એને એ નિર્જન વિસ્તારમાં બીજના ચંદ્રના આછા અજવાસમાં એક મકાન જેવું કંઈક દેખાયું. ઉપર ફરકતી ધજાને કારણે એને સમજતાં વાર ન લાગી કે, આ એક પવિત્ર જગ્યા છે, એક દરગાહ છે, ઉપરવાળાનું ઘર છે. એણે અહિં આશરો મેળવવા માટે હોંશભેર દિવાલ ઠેકી. અંદર આવતાં જ એના મનોમસ્તિષ્કમાં લોબાનના ધૂપની મહેક પ્રસરી ગઈ. અહિંયા તે પોતાને વધુ સુરક્ષિત માનવા લાગી. હવે એને કોઈનો પગરવ પણ સંભળાતો પણ નહોતો. એણે નિરાંતનો શ્વાસ લીધો. બહાર મૂકાયેલા માટલામાંથી થોડું પાણી પીધું અને થોડું મોં પર છાંટીને એક ખૂણામાં સંકોચાઈને બેસી ગઈ.

“ચાલો રાત તો નીકળી જશે પણ આવતીકાલનું શું..??? કાલે સૂરજ ઉગતાં મારું શું થશે..?? હું ક્યાં જઈશ...?? બહાર તો એ ભૂખ્યા વરૂઓ મને ફાડી ખાવા તૈયાર જ બેઠા હશે.. હવે હું શું કરીશ...???” એના હ્રદયમાં ટીસ ઊઠી. એનો આત્મા ચૂંથાઈ રહ્યો હતો, આંખો ચોધાર આંસુ વહાવી રહી હતી અને છાતી ફાટફાટ થઈ રહી હતી. એની નજર સમક્ષ ચાર દિવસ પહેલાનું તે દ્રશ્ય આવી જતાં એનું આંતરમન ચિત્કાર કરી ઉઠયું.

“માત્ર આઠ જ દિવસમાં મારી જિંદગીએ આ તે કેવો પલટો લીધો ને..?? મારી આવી તે કેવી કિસ્મત કે...??” તે હિબકે ચડી ગઈ અને ચોધાર આંસુ વહાવતી એની આંખો સમક્ષ અઠવાડિયા પહેલાંનો સમય જાણે પુર્ન:જીવિત થઈ ગયો.

*******************************************************

એના દૂરના મામા એના માટે શ્રીમંત ઘરનું માગું લઈને આવ્યા હતા. અને ત્રણેક દિવસમાં બંનેની મુલાકાત પણ ગોઠવાઈ રહી હતી. ભાવિ જીવનસાથી સાથે થવા જઈ રહેલી મુલાકાતના વિચારે જ એનું હૈયું અપાર આનંદ અનુભવી રહ્યું હતું. માત્ર અઢાર વર્ષની એ કોડભરી કન્યાના ઉરે કંઈ કેટલાયે અરમાન અને સોનેરી શમણાંઓ આકાર લઈ રહ્યા હતા. તેની સાથે સંબંધ જોડાવાથી એની જિંદગી તો બદલી જ જવાની હતી પણ સાથે સાથે એની ત્રણ નાની બહેનો અને માતા-પિતાનો પણ ભવ સુધરી જવાનો હતો તે વિચારે એનું હ્રદય વધુ તીવ્રતાથી આ મુલાકાત ઝંખી રહ્યું હતું.

મનમાં ને મનમાં ઉજ્જવળ ભવિષ્યની કામના કરતી બરાબર ત્રીજે દિવસે એ પોતાના દૂરના મામા સાથે એક વિશાળ ઈમારતની સામે ઊભી હતી. બહુ ભણેલી તો હતી નહિં પણ ત્યાંના રંગઢંગ પરથી એને કંઈ અજુગતું તો જરૂર લાગ્યું. એટલે એણે અંદર જવાની આનાકાની કરી પણ મામાના દબાણ અને પોતાના અને પોતાના પરિવારના સમૃધ્ધ ભવિષ્યની લ્હાયમાં એને રૂમ નં. ૩૦૫ના દરવાજે ટકોરા મારતી ઊભી કરી દીધી. હજુ તે કાંઈ સમજે કે વિચારે તે પહેલા જ બે કાળા ખરબચડા હાથે એને અંદર ખેંચીને દરવાજો બંધ કરી દીધો. ૫૫-૬૦ વર્ષનો કાબરચીતરા વાળ વાળો આધેડ, મોઢામાંથી આવતી દારૂની તીવ્ર દુર્ગંધ, પાન ખાઈ ખાઈને સડી ગયેલા દાંત, બહારની બાજુએ લચી પડેલી મોટી મોટી બે લાલધૂમ આંખો અને કાન ફાડી નાખે એવું અટ્ટહાસ્ય....!! એને સુગ ચડી ગઈ.

“આ તે કેવો જીવનસાથી...??? નક્કી કંઈ ભૂલ થતી લાગે છે.. એણે પાછાં વળીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યાંતો એના કાને પહાડી અવાજ પડઘાયો, “ક્યાં જાય છે એ છોકરી..?? પૂરા પચ્ચીસ હજારમાં તારો સોદો કર્યો છે પે’લા સાથે... હા.. હા.. હા.... હવે તું ફક્ત મારી છો મારી. હવે હું જ નક્કી કરીશ કે તારી સાથે શું કરવું...”

એના તો પગ તળેથી જાણે જમીન જ સરકી ગઈ.

“આટલો મોટો દગો …?? શું મારા માતા-પિતાને આ બાબતની ખબર હશે..?? એમણે તો ક્યાંક પૈસાની લાલચમાં મારો સોદો.... ના..ના.. એ લોકો મારી સાથે આવું ન જ કરે.. એ તો મારા માવતર છે. હવે મારું શું થશે...??” એનું મનોમંથન પૂરૂં થાય એ પહેલા તો પેલા નરાધમે એના ઉપર તરાપ મારીને એનો દુપ્પટો છીનવી લીધો ને ખી.. ખી.. કરતો હસવા લાગ્યો. પરિસ્થિતિ પારખી જતાં એણે ઘણી જ આજીજી, વિનવણી અને યાચનાઓ કરી પણ... બધું પથ્થર ઉપર પાણી.. ની જેમ વ્યર્થ ગયું. પોતાના પૈસા વસૂલવા માટે તે નરપિશાચે એ કોડભરી કુમળી કળીને પૂરા ચાર દિવસ સુધી ગોંધી રાખીને એનું ભરપૂર શોષણ કરીને એના તન અને મન ઉપર ન રુઝાય તેવા ઉઝરડા તો પાડી જ દીધા પણ તેની સાથે-સાથે એનો બીજી જગ્યાએ સોદો કરવાની પેરવીમાં પણ લાગી ગયો.

અને..... પાંચમા દિવસે એની કિસ્મત કહો કે બદકિસ્મત, હૉટલના રૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો ને કોણ જાણે એનામાં ક્યાંથી આટલી હિંમત આવી ગઈ. એનામાં હતું એટલું જોર લગાવીને એ દોડવા લાગી. એને થયું કે રખેને કોઈ મદદ મળી જાય પણ... એની ધારણાં ખોટી પડી. એક તો અજાણ્યું ગામ હતું ને ઉપરથી આ જગ્યા ગામને છેવાડે આવેલી હતી જેની એક બાજુએથી જંગલ વિસ્તાર શરૂ થતો હતો અને બીજી બાજુએથી નદી પસાર થતી હતી. એને કોઈ મદદ મળે એવી શક્યતા તો હતી જ નહિં. એકવાર તો એના મગજમાં નદીમાં પડતું મૂકીને મરવાનો વિચાર પણ ઝબક્યો પરંતુ બીજી જ મિનિટે એણે તે વિચારને ખંખેરીને સુરક્ષિત જિંદગીના તલસાટમાં જંગલ તરફ દોટ મૂકી.

હાં...હં.... વિચાર કરતાં-કરતાં અત્યારે પણ એને હાંફ ચડી ગઈ. પેલા જંગલીએ કરેલા અત્યાચાર યાદ આવતા તે ધ્રુજી ઉઠી. એ માર્દવતાથી પોતાના તારતાર થયેલા શરીર ઉપર હાથ ફેરવવા લાગી અને મક્કમતાથી બોલવા લાગી, “હું અત્યારે આ પવિત્ર જગ્યાએ છું એની હાજરીમાં પોતાની જાતને વચન આપુછું કે, હું દુનિયાથી લડીશ. જે મારે ભાગે સહન કરવાનું આવ્યું છે એનો પડછાયો સુધ્ધાં મારી બહેનો પર પડવા નહિં દઉં.” મક્કમ નિર્ધાર કરવાથી એનું તન અને મન હલકું ફૂલ બની ગયું અને તે નિંદ્રાને આધીન બની ગઈ.

‘ધડામ્......’ અચાનક કોઈ અવાજથી એ અવાક્ બની સફાળી બેઠી થઈ ગઈ. એનું માથું ભમી રહ્યું હતું. “આ લો..કો.. અહિંયા... ક્યાંથી...???” એ ઉઠીને દરગાહની દિવાલ તરફ ભાગી. ત્યાંતો એની પાછળ પડેલા તે બંને જાલિમોએ એને અસંખ્ય તમાચા ઝડી દીધા. અને એને ઢસડીને દરગાહની બહાર લઈ જવાની કોશિશ કરવા લાગ્યા. પણ જાણે જીવનના તલસાટમાં એનામાં એટલું બળ આવી ગયું કે એણે બાજુમાં પડેલા લોબાન જલાવવાના વાસણને ઉપાડીને એક જણનાં માથે ફટકારી દીધું. તેને હળવા તમ્મર આવી ગયા. એટલે તે બંને જણા વિફરી ઉઠયા. નફરત અને ગુસ્સામાં તેમણે દરગાહ પર ઓઢાળાયેલી ચાદર ખેંચીને એ માસૂમના ગળા ફરતે વીંટાળી દીધી અને એ તરફડતા દેહને દરગાહની છતની આડીમાં તે જ ચાદર વડે લટકાવીને બંને જણાંએ ત્યાંથી ચાલતી પકડી. અને પાછળ મૂકતા ગયા... દર્દથી સિસકતી એક કોડભરી અને કુમળી કળી અને એનો ઘાયલ આત્મા....

અને.... જાણે... સિસકી રહેલા એના ઘાયલ આંતરમનમાંથી આવતો અવાજ તે નિશ્વચેતન દરગાહમાં ચારેકોર ગૂંજી રહ્યો.... “મને મરવું નથી... મને જીવવું છે... મને મારી જિંદગી જોઈએ છીએ... મારે મરવું નથી...” પણ..... એના તરફડી રહેલા દેહ અને તૂટતા જતાં પ્રત્યેક શ્વાસની સાથે-સાથે એના જીવનનો તલસાટ પણ હમેંશા હમેંશાને માટે શમી ગયો.

***************************** અસ્તુ ***********************************