લુંટારો Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લુંટારો

લુંટારો


ઈશ્વરસિંહ જેવો હોટેલના રૂમમાં દાખલ થયો, કુલવંત કૌર પલંગ પરથી ઉભી થઇ. પોતાની ધારદાર આંખોથી તેણે તેની તરફ જોયું અને દરવાજાની સાંકળ અંદરથી બંધ કરી દીધી. રાતના બાર વાગી ચુક્યા હતા. શહેરનું વાતાવરણ કોઈ અજીબ રહસ્યમય ખામોશીમાં ડૂબી ગયેલું હતું.


કુલવંત કૌર પોતાના પલંગમાં પલાઠી વાળીને બેસી ગઈ. ઈશ્વરસિંહ હાથમાં પોતાની કિરપાણ લઈને વિચારોમાં ડૂબેલો ખુણામાં ઉભો હતો. આવી જ રીતે થોડી ક્ષણો ખામોશીમાં જ વીતી ગઈ. કુલવંતને થોડીવાર પછી પોતાનું આસન પસંદ ન આવ્યું એટલે એણે પોતાની બંને ટાંગ પલંગની નીચે લટકાવીને હલાવવાનું ચાલુ કર્યું. તો પણ ઈશ્વરસિંહ કશું બોલ્યો નહી.

કુલવંત લોહી ભરેલા માંસલ હાથ-પગ વાળી છોકરી હતી. પહોળા ગોળ કુલા માંસથી ભરપુર હતા. એની છાતી કઈક વધારે જ ઉપર ઉઠેલી હતી. તેજ આંખો, ઉપરના હોંઠ પર આછી લાલી, અને શરીરના વળાંકો પરથી ખબર પડે તેમ હતી કે તે કોઈ મોટા ઘરની છોકરી હતી.


ઈશ્વરસિંહ માથું નીચું કરીને એક ખૂણામાં ઉભો હતો. એના માથા પર કસીને બાંધેલી પાઘડી ઢીલી થઇ ગઈ હતી. એણે હાથમાં જે કિરપાણ પકડેલી હતી એમાં થોડી ધ્રુજારી હતી. એના આકાર અને બાંધા પરથી ખબર પડી જાય કે કુલવંત જેવી છોકરી માટે એ બરાબરનો મરદ હતો.


અમુક ક્ષણ આ રીતે જ વીતી ગઈ, કુલવંત થોડી ચિડાઈ ગઈ. પોતાની ધારદાર આંખોને નચાવીને એ એટલું જ બોલી: “ઈશ્વરીયા...”


ઈશ્વરસિંહે ગરદન ઉઠાવીને કુલવંત કૌરની તરફ જોયું, પરંતુ કુલવંતની બાહો સામે એકવાર જોઇને એ બીજી દિશામાં જોઈ ગયો.


કુલવંતે રાડ નાખી: “ઈશ્વરસિંહ...” પરંતુ તરત જ ચુપ થઇ ગઈ, પલંગ પરથી ઉઠી અને તેની તરફ ઉભી થઈને બોલી: “આટલા દિવસ સુધી તું ક્યાં ગાયબ હતો?”


ઈશ્વરસિંહે પોતાના સુકાઈ ગયેલા હોંઠો પર જીભ ફેરવી, “મને ખબર નથી.”

કુલવંત ફરી ચિડાઈ: “આતે કઈ જવાબ છે તારો?”


ઈશ્વરસિંહે પોતાની કિરપાણ એક તરફ ફેંકી દીધી, અને બેડ પર જઈને સુઈ ગયો. એવું લાગી રહ્યું હતું કે તે ઘણા દિવસોથી બીમાર હતો. કુલવંત કૌરે ઈશ્વરસિંહ સામે જોયું અને તેના પર તેને હમદર્દીની ભાવના પેદા થઇ.

બાજુમાં બેસીને ઈશ્વરના માથા પર હાથ રાખીને તેણે પ્રેમથી પૂછ્યું: “જાનું, શું થયું તને?”


ઈશ્વરસિંહ છત તરફ જોઈ રહ્યો હતો. તેની આંખો તેણે ત્યાંથી હટાવીને કુલવંતના ચહેરા તરફ રાખી, “કુલવંત...” તે બોલ્યો.


અવાજમાં દર્દ હતું. કુલવંત પોતાના હોઠને દાંત વચ્ચે દબાવતી બોલી, “હા જાનું.”


ઈશ્વરસિંહે પોતાની પાઘડી ઉતારી. કુલવંતની તરફ જોયું. તેના માંસલ કુલા ઉપર જોરથી થપાટ મારી અને પોતાનું માથું હલાવીને પોતાની જાતને જ કહ્યું, “આ છોકરીનું દિમાગ જ ખરાબ છે.”


માથું હલાવવાથી તેના વાળ ખુલી ગયા. કુલવંત પોતાની આંગળીઓ ઈશ્વરના વાળમાં ફેરવવા લાગી. આમ કરતા કરતા તેણે ખુબ પ્રેમથી પૂછ્યું, “ઈશ્વરસાહેબ, ક્યાં રહી ગયા હતા આટલા દિવસ?”


“મારા દુશ્મનની માં ના ઘરે.” ઈશ્વરસિંહે કુલવંતને ધુરીને જોયું અને તરત જ પોતાના બંને હાથોથી તેની ઉભરતી છાતીને મસળવા લાગ્યો- “કસમ વાહે ગુરૂકી કુલવંત...તું ભારે જાનદાર ઔરત છે.”


કુલવંત કૌરે પોતાની અદાથી ઈશ્વરસિંહનો હાથ એક તરફ કરી નાખ્યો અને પૂછ્યું, “તને મારા સમ, બતાવ તું ક્યાં રહ્યો? શહેરમાં ગયો હતો?”


ઈશ્વરસિંહે એક ઝાટકે પોતાના વાળને પકડીને બાંધતા જવાબ આપ્યો, “નહી.”


કુલવંત ફરીથી ચિડાઈ ગઈ, “નહી, તું શહેરમાં જ ગયો હતો, અને તે ખુબ બધા રૂપિયા લૂટ્યા છે, જે તું મારાથી છુપાવી રહ્યો છે.”


“જે તારી સાથે ખોટું બોલે એ ખુદના બાપની ઔલાદ ન હોય કુલવંત.”


કુલવંત થોડી ક્ષણો માટે ચુપ થઇ ગઈ, પરંતુ ફરીથી ભડકી ઉઠી, “પરંતુ મારી સમજમાં એ નથી આવતું કે એ રાત્રે તને થયું શું? આરામથી તું મારી સાથે સુતો હતો. તું શહેરથી લુંટીને લાવેલો એ બધા જ ઘરેણા તે મને પહેરાવીને રાખ્યા હતા. મને ચુંબન કરી રહ્યો હતો, અને અચાનક તને શું થયું કે તું ઉઠ્યો, કપડા પહેર્યા, અને બહાર નીકળી ગયો.”


ઈશ્વરસિંહનો ચહેરો ઝાંખો પડી ગયો. કુલવંતે આ જોયું અને તરત જ કહ્યું, “જોયું, તારો ચહેરો કેવો ઝાંખો પડી ગયો ઈશ્વરીયા, કસમ વાહે ગુરૂકી...દાળમાં જરૂર કશુંક કાળું છે.”


“તારા જીવના સોગંદ, કશું જ નથી.”


ઈશ્વરસિંહનો અવાજ નિર્જીવ હતો. કુલવંતની શંકા વધુ મજબુત થઇ. પોતાના ઉપલા હોંઠ ભીંસીને તેણે એક-એક શબ્દ પર ભાર દઈને જોરથી કહ્યું,”ઈશ્વરસિંહ, શું વાત છે? તું એવો મરદ નથી દેખાતો જેવો તું આજથી આઠ દિવસ પહેલા હતો.”


જાણે કોઈએ એના ઉપર હુમલો કર્યો હોય એમ ઈશ્વરસિંહ એકદમ બેઠો થયો, અને કુલવંતને પોતાના મજબુત હાથોમાં સમેટીને પોતાની પૂરી તાકાતથી હલાવવાનું શરુ કર્યું, “જાનું, હું એનો એ જ છું, તને આખી ચૂસીને તારી હાડકાની ગરમી કાઢી નાખનારો.”


કુલવંત કૌરે કશું કર્યું નહી, પરતું તે ફરિયાદ કરતી રહી, “તને એ રાત્રે શું થઇ ગયું હતું?”


“મને કશું નહોતું થયું.”


“કહીશ નહી?”


“કોઈ વાત હોય તો કહું ને.”


“જો ખોટું બોલ્યો તો મને તારા હાથોથી સળગાવી દેજે.”


ઈશ્વરસિંહે પોતાના હાથ કુલવંતના ગળાની બને બાજુ મુક્યા, અને તેના હોઠ પર પોતાના હોઠ ચિપકાવી દીધા. કુલવંત ઈશ્વરના ઝભાના બટન ખોલવા લાગી. ઈશ્વરસિંહે પોતાનો ઝભો કાઢ્યો, અને કુલવંતને વાસનાભરી નજરથી જોતો કહેવા લાગ્યો, “આવ જાનું, આજે તો તાશની બાજી થઇ જાય.”


કુલવંતના ઉપરના હોઠ પર પરસેવાની બુંદો ફૂટી નીકળી. એક અદા સાથે એણે પોતાની આંખો ઘુમાવી અને કહ્યું, “ચલ નીકળ અહીંથી.”


ઈશ્વરસિંહે એના ભર્યા-ભર્યા કુલા ઉપર જોરથી ચીમટો ભર્યો. કુલવંતને દુખ્યું એટલે એક તરફ ખસી ગઈ, “એવું ન કર ઈશ્વરીયા, મને દર્દ થાય છે.”


ઈશ્વરસિંહે આગળ વધીને કુલવંતના ઉપરના હોંઠ પોતાના દાંત નીચે દબાવી દીધા અને ચૂસવા લાગ્યો. અને કુલવંત કૌર એકદમ પીગળી ગઈ. ઈશ્વરસિંહે પોતાનો લેંઘો ઉતારીને ફેંકી દીધો અને કહ્યું, “તો પછી થઇ જાય એક બાજી.”


કુલવંત કૌરના ઉપરના હોઠ ધ્રુજવા લાગ્યા. અને જે રીતે બકરાની ખાલ ઉતરતી હોય એમ ઈશ્વરસિંહે કુલવંતની કમીઝનો છેડો પકડીને ઉતારીને એક બાજુ મૂકી દીધું. પછી એણે ફરીને કુલવંતના નગ્ન શરીરને જોયું, અને તેની કમર ઉપર જોરથી ચીમટો ભરતા કહ્યું, “કુલવંત, કસમ વાહે ગુરૂકી, જબરી માદક ઔરત છે તું.”


કુલવંત પોતાની કમર પર ચિમટાના ઉભરતા ડાઘને જોવા લાગી, “જબરો ઝાલીમ છે તું ઈશ્વરીયા.”


ઈશ્વરસિંહ પોતાની કાળી મૂછોમાં મલકાયો, “થવા દે આજે ઝાલીમ.” અને એટલું કહીને એને વધુ ઝુલ્મ કરવાનું શરુ કર્યું. કુલવંત કૌરના હોઠને ચૂસવા લાગ્યો, કાનની બુટીને બટકું ભર્યું, તેના ઉભરતા સ્તનોને ચોળવા લાગ્યો, અને એના માંસલ કુલાઓ ઉપર મોટા અવાજ પેદા કરતી થાપટ મારી, તેના ગાલ પર બચકા ભર્યા, અને એની છાતીને ચૂસી-ચૂસીને થુંકથી ભીની કરી દીધી. કોઈ આગ ઉપર ચઢાવેલી પાણીની હાંડીની જેમ કુલવંત કૌર જાણે ઉભરાવા લાગી. પરંતુ આ તમામ હરકતો છતાં ઈશ્વરસિંહ પોતાની અંદર આગ પેદા ન કરી શક્યો. જેટલા દાવ એને યાદ હતા, એ બધા જ દાવ એણે કોઈ પહેલવાનની જેમ વાપરવાના શરુ કર્યા પરંતુ કશું સફળ ન થયું. કુલવંત કૌરના શરીરના તાર ખેંચાઈને થાકી ગયા, અને બિનજરૂરી છેડછાડથી કંટાળીને તેણે કહ્યું, “ઈશ્વરીયા, બાંટ ખુબ મારી, હવે પતા ફેંક, મારાથી નથી રહેવાતું.”


આ સાંભળીને જ ઈશ્વરના હાથની પતાની થપ્પી જાણે નીચે પડી ગઈ, અને તે કુલવંતની બાજુમાં સુઈ ગયો અને એના માથા પર પરસેવો વળી ગયો.


કુલવંત કૌરે એને ગરમ કરવાની ઉપસાવવાની ખુબ કોશિશ કરી, પરંતુ નાકામ રહી. અત્યાર સુધી તો બધું બોલ્યા વિના પણ થઇ જતું હતું, પરંતુ જ્યારે કુલવંતના અંગો સામે ઈશ્વરસિંહનું અંગ ઢીલું દેખાયું ત્યારે એ ઝટકા સાથે પલંગ પરથી ઉભી થઇ નીચે ઉતરી ગઈ. સામેની ખીંટી પર એક ચાદર લટકતી હતી તે ખેંચીને ઝડપથી ઓઢી લીધી, અને પોતાના નસકોરા ફુલાવીને ધૃણા સાથે પૂછ્યું, “ઈશ્વરીયા, એ કઈ હરામજાદી ઔરત છે જેની પાસે તું આટલા દિવસ રહીને આવ્યો છે, અને તને એણે નીચોવી નાખ્યો છે?”


કુલવંત ગુસ્સામાં ઉકાળવા લાગી, “હું પૂછું છું કોણ છે એ રાંડ, કોણ છે એ પતા ચોરનારી?”


ઈશ્વરસિંહે થાકેલા અવાજમાં કહ્યું, “કોઈ નથી કુલવંત, કોઈ પણ નથી.”


કુલવંત કૌરે પોતાના ઉભરાયેલા કુલાઓ ઉપર હાથ રાખીને પૂરી દૃઢતા સાથે કહ્યું- “ઈશ્વરીયા, આજે હું સાચું ખોટું જાણીને જ રહીશ, તને વાહે ગુરુજીની સોગંદ: તારી બાજુમાં કોઈ ઔરત સુતી હતી?”


ઈશ્વરસિંહે કશુંક કહેવાની કોશિશ કરી, પરંતુ કુલવંતે મંજુરી ન આપી,

“સોગંદ ખાવા પહેલા વિચારી લે જે હું પણ સરદાર નિહાલસિંગની દીકરી છું, ટુકડા કરી નાખીશ જો ખોટું બોલ્યો તો. હવે ખા વાહે ગુરુજીની સોગંદ કે તારી પાસે કોઈ ઔરત સુતી હતી?”


ઈશ્વરસિંહે ખુબ દુખ સાથે માથું હલાવીને હા કહી. કુલવંત કૌર તો ગાંડા જેવી થઇ ગઈ. દોડીને તેણે ખૂણામાં પડેલી કિરપાણ ઉઠાવી. કિરપાણનું મ્યાન ખેંચીને એક તરફ ફેંક્યું, અને ઈશ્વરસિંહ ઉપર હુમલો કરી દીધો.


થોડી જ વારમાં લોહીના ફુવારા ઊડ્યા. કુલવંતને એનાથી પણ સંતોષ ન થયો તો એણે ઈશ્વરસિંહના ખુલ્લા વાળ ખેંચવાનું શરુ કર્યું. સાથે-સાથે પોતે ગુસ્સામાં ધ્રુજતી-ધ્રુજતી ગાળો દેવા લાગી. ઈશ્વરસિંહે થોડીવાર પછી પોતાના નબળા અવાજમાં વિનંતી કરી, “જવા દે હવે કુલવંત, જવાદે.”


અવાજમાં ખુબ દર્દ હતું. કુલવંત પાછળ હટી ગઈ.

લોહી ઈશ્વરસિંહના ગળા પરથી ઉડી-ઉડીને એની મૂંછો પર પડી રહ્યું હતું. એણે પોતાના ધ્રુજતા હોંઠ ખોલ્યા અને કુલવંત કૌરની તરફ આભાર અને ફરિયાદની ભેગી નજરથી જોયું.


“મારી જાન, તે ખુબ ઉતાવળ કરી નાખી, પરંતુ જે થયું તે ઠીક થયું.”


કુલવંતની ઈર્ષ્યા વધુ ભડકી, “પણ કોણ છે એ ઔરત? તારી માં?”


લોહી ઈશ્વરસિંહની જીભ સુધી પહોંચી ગયું, અને તેણે જ્યારે એનો સ્વાદ ચાખ્યો ત્યારે એના શરીરમાં જાણે વીજળીનો ઝટકો પડ્યો.


“...અને હું...પણ છ આદમીઓના ખૂન કરી ચુક્યો છું આ કિરપાણથી.”


કુલવંતના દિમાગમાં બીજી ઔરત હતી, “હું પૂછું છું કોણ છે એ હરામજાદી ઔરત?”


ઈશ્વરસિંહની આંખો ધૂંધળી પડી રહી હતી. એક હળવો ચમકારો એ આંખોમાં પેદા થયો અને કુલવંત કૌરને તેણે કહ્યું, “એ ઔરતને ગાળ ના દઈશ.”


કુલવંત હવે રાડ નાખવા લાગી, “હું પૂછું છું કોણ છે એ?”


ઈશ્વરના ગળામાં અવાજ બેસી ગયો. “કહું છું.” કહીને એણે પોતાની ડોક પર હાથ ફેરવ્યો, અને પોતાનું વહી જતું ખૂન આંગળીઓ ઉપર લઈને હસ્યો, “માણસની જાત પણ અજીબ ચીજ છે.”


કુલવંતને જવાબની રાહ હતી, “ઈશ્વરીયા, તું મુદાની વાત કર.”


ઈશ્વરસિંહની મુસ્કુરાહટ તેની લોહી ભીની મૂછો પર વધુ ફેલાઈ, “મુદાની જ વાત કરું છું. ગળું ચિરાયું છે મારું, હવે તો ધીમે ધીમે જ બધી વાત કરીશ.”


અને એ જ્યારે બતાવવા લાગ્યો ત્યારે એના કપાળ પર ઠંડા પરસેવાના ટીપા બાઝવા લાગ્યા. “કુલવંત, મારી જાન- હું તને નથી બતાવી શકતો કે મારી સાથે શું થયું. માણસની ભૂખ પણ અજીબ ચીજ છે. શહેરમાં લુંટ ફેલાઈ તો બધાની જેમ મેં પણ ભાગ લીધો. ઘરેણા, પૈસા, મિલકત જે કઈ પણ હાથ લાગ્યું એ બધું જ મેં તને આપી દીધું, પરંતુ મેં તને એક વાત ન કહી?”


ઈશ્વરસિંહે ઘા ની અંદર દર્દ મહેસુસ કર્યું, અને કરહવા લાગ્યો. કુલવંત કૌરે એના તરફ દયા પણ ન ખાધી અને બેરહમીથી પૂછ્યું, “કઈ વાત?”


ઈશ્વરસિંહે મૂછો પર જામી ગયેલા લોહીના ટીપા ઉડાડતા કહ્યું, “જે મકાન પર...મેં હુમલો કરેલો હતો...એમાં સાત...એમાં સાત આદમી હતા. છ મેં મારી નાખ્યા...આ જ કિરપાણથી, જેનાથી તે મને....છોડ એ બધું...સાંભળ...એક છોકરી હતી, ખુબ જ સુદર, એને જીવતી ઉઠાવીને હું મારી સાથે લાવ્યો.”


કુલવંત ચુપચાપ સાંભળતી રહી. ઈશ્વરસિંહે એકવાર ફરી ફૂંક મારીને મૂછો પરનું લોહી ઉડાડ્યું- “કુલવંત જાન...હું તને શું કહું, કેટલી સુંદર હતી એ છોકરી. હું એને પણ મારી નાખતો, પણ મેં વિચાર્યું- કે ના ઈશ્વરીયા...કુલવંત સાથે તો રોજે મજા માણે છે, આજે આ મીઠાઈ પણ ચાખીને જો.”


કુલવંત કૌરે માત્ર કહેવા ખાતર કહ્યું, “હં...”


“અને હું એને ખભા પર નાખીને ચાલવા લાગ્યો...રસ્તામાં...હું શું કહી રહ્યો હતો?...હા...રસ્તામાં...નહેરની પાસે...રસ્તાથી દુર...બાવળની ઝાડીમાં...એ ઝાડીમાં મેં એને સુવડાવી દીધી...પહેલા વિચાર્યું કે બધું કરી નાખું...પણ પછી ખબર પડી કે નહી...કે... ” આ કહેતા-કહેતા ઈશ્વરસિંહની જીભ સુકાઈ ગઈ.


કુલવંતે ગુસ્સામાં દિવાલ પર થુંક્યુ અને પૂછ્યું, “પછી શું થયું?”


ઈશ્વરસિંહના જડબા માંથી મુશકેલીથી આ શબ્દો નીકળ્યા, “મેં...મેં પછી...પછી બાજી રમી...પણ...પણ...”

એનો અવાજ ડૂબી ગયો.


કુલવંત કૌરે એને ઢંઢોળીને પૂછ્યું, “પછી શું થયું?”


ઈશ્વરસિંહે પોતાની બંધ થતી આંખો ખોલી અને કુલવંત કૌરના ગુસ્સામાં ધ્રુજતા શરીરની સામે જોયું અને કહ્યું, “એ...એ...મરી ગઈ હતી...લાશ હતી...એકદમ ઠંડુ માંસ...જાનું, મને તારો હાથ દે..”


કુલવંત કૌરે પોતાનો હાથ ઈશ્વરસિંહના હાથ પર રાખ્યો જે બરફથી પણ ઠંડો હતો.

(સઆદત હસન મંટોની કૃતિ ઠંડા ગોશ્ત નો આ ભાવાનુવાદ મેં કરેલો છે. વાર્તાની મૂળ તાકાત ખોવાઈ ન જાય એ માટે મેં એના અંદર મૂળ ઉર્દુ કૃતિમાં આવતા શબ્દો મેં એમ જ રાખેલા છે જેવા મૂળ કૃતિમાં છે. મેં આ કહાનીનું નામ લુંટારો રાખ્યું છે તેનું કારણ છે કે તે ઠંડુ માંસ શબ્દ કરતા વધુ યોગ્ય લાગ્યું છે. )