ગ્રહણ પ્રકરણ ૪ Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રહણ પ્રકરણ ૪

ગ્રહણ

(પ્રકરણ = ૪)

એ પાપની નિશાની છે કે આકાશના પ્રેમની...??? એ નક્કી જ ન કરી શક્તી ધરતી, ગર્ભમાં જ એની હત્યા કરવા સુધી પહોંચી ગઈ હતી. પણ..., આજે એ જ સંતાનના આગમને એનું હ્રદય હિલોળે ચડયું હતું. ક્ષિતિજ પણ આપેલ વચન મુજબ જ ધરતી પર કોઈપણ જાતનો હક્ક જમાવ્યા વગર જ નીશા ઉપર એક પિતાની જેમ જ અખૂટ વ્હાલ વરસાવતો હતો. ઉપરથી ક્ષિતિજની જેમ જ નીશાના ગાલમાં પડતું ખંજન એને ક્ષિતિજની વધારે નજીક લઈ જતું. પણ.... નીશાની હેઝલ બ્રાઉન આંખો જોતાં ધરતીની નજર સમક્ષ આકાશની છબિ તરવરવા લાગતી અને એના હ્રદયમાં એ ‘કાયર’ પ્રત્યે કડવાશ અને આંખોમાં નફરતના ભાવ ઉપસી આવતાં.

***********************************************

“કિચૂડ..... કિચૂડ.....” વરસાદી ભેજના કારણે ફૂલી ગયેલા દરવાજાના અવાજના કારણે ધરતીની અતીત યાત્રામાં ફરી પાછો વિક્ષેપ પડ્યો. એની સામે હાથમાં તાજા ગુલાબના હાર સાથે ફિક્કું હાસ્ય વેરાવતી નીશા ઊભી હતી.

હારને ટેબલ ઉપર મૂકીને નીશા પાસેની ખુરશી ખેંચીને તેના પર ફસડાઈને બેસી ગઈ. એના ચહેરા પર ચિંતાની આછેરી લકીરો નજરે પડતી હતી.

આકાશના દગાની વરવી યાદને તાજી કરતી એ આંખોથી દૂર રહેવા માટે કાળજે પથ્થર મૂકીને નીશાને કાયમ પોતાનાથી અળગી રાખી હતી એ જ આંખોમાં આંખ પરોવીને ધરતીએ એને પૂછ્યું, “શું થયું બેટા...?? કેમ આટલી ઉ..દાસ દેખાય છે..??? ફોન કો’નો હતો...??? પે’લા પ્ર..ભા....”

“...અરે! ના... ના.. મોમ, એવું કાંઈ નથી ને ફોન તો મારી ફ્રેન્ડનો હતો. મોમ, મારે આવતીકાલે જ અહિંથી નીકળવું પડશે. યુ નો, મારી પરીક્ષા નજીક છે, અને જો મારી ગેરહાજરી વધી જશે તો મને પરીક્ષામાં બેસવા નહીં મળે. જો એવું થશે તો હું ડેડનું સપનું કેવીરીતે પૂરું કરી શકીશ...???? તને યાદ છે ને એ દિવસ...??? જ્યારે મારું એસ.એસ.સીનું ૯૦% રિઝલ્ટ આવ્યું હતું ત્યારે મારા ડેડ કેટલા ખુશ હતા નહીં...??” મારા શબ્દનો ભાર જાણે ધરતીથી સહન ન થયો. એના હ્રદયમાં હળવી ટીસ ઊઠી પરંતુ.. પોતાનામાં ખોવાયેલી નીશા ક્ષિતિજની આદમ કદની છબિની આંખોમાં આંખો પરોવતી ચારેક વર્ષ પહેલાનાં સમયમાં પહોંચી ગઈ. એની આંખો સામે અતિ આનંદિત અને હાસ્ય વેરાવતો ક્ષિતિજનો ચહેરો ઉપસી આવ્યો.

“ગુડ વેરી ગુડ... જો બેટા, આવી જ રીતે ખંતથી આગળ વધતી રહીશ તો ઉત્તરોત્તર સફળતાના શિખરો આમ જ આસાનીથી પાર થતાં રહેશે અને તું પ્રગતિના પંથ ઉપર મક્કમતાથી ડગ માંડી શકીશ દીકરા...” ક્ષિતિજનો લાગણીસભર હાથ નીશાના માથા પર ફરી રહ્યો એ સાથે એના ડાબા ગાલે પડતું ખંજન વધુ ઊંડું બની રહ્યું.

“શ્યોર ડેડ શ્યોર... તમે મને એમ.બી.એ. બનાવવાનું જે સપનું જોયું છે એને હું મારી મહેનત અને તમારા મારા પરના વિશ્વાસને આધારે અવશ્ય સાકાર કરીને બતાવીશ જ.” ક્ષિતિજને વળગી પડતાં નીશા બોલી. ધરતી એ બંનેના ખંજનની ઊંડાઈ માપતી રહી.

“હાસ્તો વળી, તું જલ્દી થી જલ્દી તારું ભણવાનું પૂરું કર એટલે ‘નીશા એન્ટરપ્રાઈઝ’ની સંપૂર્ણ જવાબદારી તને સોંપીને હું નિવૃત થઈ જાઉં અને મારી જાતને આપેલું વચન પૂર્ણ કરી શકું.” ક્ષિતિજ હળવા નિશ્વાસ સાથે બોલી ગયો.

“હેં મોમ, ડેડ કયા વચનની વાત કરતા’તા એ દિવસે...??? ભૂતકાળની યાદને તાજી કરતા નીશા પ્રશ્નસૂચક ભાવે ધરતીની આંખો તરફ તાકી રહી.

“હં... હેં...????” ક્ષિતિજની છબિ સામે તાકી રહેલી ધરતીની કોરીધાકોર આંખો અને એમાં દેખાઈ રહેલા વણઉકેલ્યા ભાવ નીશાના હ્રદયને હચમચાવી ગયા. સમયસૂચકતા વાપરી એણે વાત બદલી નાખતાં કહ્યું,

“ચલ છોડ એ બધું. યુ નો, મોમ...., મારે કાલે સવારે જ અહીંથી નીકળવાનું છે એટલે પૅકિંગ કરવી પડશે અને એકાદ-બે મેલ પણ મોકલવાના છે એ બધું પતાવીને હું અબીહાલ આવું છું. હજુ તો મારે તારી સાથે ઢગલાબંધ વાતો કરવી છે. કારણકે હવે હું જઈશ તો પછી ચાર મહિના દીધા આડા... સમજી.. બાય ધ વે, મેં આ ડેડના ફૅવરિટ ગુલાબના ફૂલોનો હાર બનાવડાવીને ટેબલ પર મૂક્યો છે એને ડેડની ફોટો પર જરૂરથી ચડાવી દેજે. મેં સાંભળ્યું છે કે, સ્વર્ગવાસી સ્વજનની ફોટો પર હાર ચડાવવાથી આપણે એમના પરત્વેની લાગણી, પ્રેમ, શ્રધ્ધા, વિશ્વાસ તેમજ આસ્થા પૂરવાર કરીએ છીએ. કેમ ખરું ને...??” નીશા જતાં-જતાં ધરતીના હ્રદયમાં એક હળવી ટકોર કરતી ગઈ.

....લાગણી, પ્રેમ, શ્રધ્ધા, વિશ્વાસ.... નીશાના મુખેથી બોલાયેલા શબ્દો ધરતીના કાનમાં વારંવાર અફળાવા લાગ્યા. સામે પડેલા હારને જોતાં એની મુખમુદ્રા તંગ બની ગઈ. નીશાનો આગ્રહ એને નિર્ણય લેવા માટે મજબૂર બનાવી રહ્યો હતો. તે ટેબલની બાજુમાં પડેલી આરામ ખુરશી ઉપર ફસડાઈ ગઈ એના કાનમાં જાણે ક્ષિતિજનો અંતિમ સમયનો અવાજ પડઘાવા લાગ્યો એ સાથે એની દ્રષ્ટિ ધૂંધળી પડી ગઈ અને એ ધૂંધળી દ્રષ્ટિમાં આઠેક દિવસ પહેલાનો એ સમય ચલચિત્રની પટ્ટીની માફક પસાર થવા લાગ્યો.

***************************************

“આ.... તમે... શું... શું... બોલો છો.... એનું કાંઈ.. ભાન... બાન.. છે કે નહીં...????” ફફડતાં હોઠ અને ધડકતી છાતીએ ધરતી કાનના પડદા ફાટી જાય એવા બુલંદ અવાજે બરાડી ઊઠી.

“મને ખબર જ હતી કે, જ્યારે તમને સાચી હકીકતની જાણ થશે ત્યારે તમારી હાલત કાંઈ આવી જ થઈ જશે એટલે જ આટલા વર્ષોથી આ વાત મારા હ્રદયના એક ખૂણે દાટીને.....”

“હં... ઉં... તો.. પછી આ.....”

“તમે મને બોલી લેવા દ્યો પ્લીઝ! મને બોલી લેવા દ્યો... હું તમારો ગુનેગાર છું, તમારી જિંદગીમાં કદીએ મોક્ષ ન પામી શકે એવા ગ્રહણનો તમને સ્પર્શ કરાવનાર હું જ છું એ ગુનાનો એકરાર મને કરી લેવા દ્યો. પછી ફરી આવો સમય મને મળે કે ન મળે. હું મારા દિલ ઉપર ગુનાનો કોઈ બોજ લઈને ઉપરવાળા પાસે જવા નથી માંગતો. આ વાત કદાચ હું નીશાની સામે ન કબૂલી શક્યો હોત એટલે જ મારા જીવથીએ વ્હાલી મારી દીકરીને મારા અંતિમ સમયે પણ.....” મારી શબ્દ પર ભાર મૂક્તાં બાકીના શબ્દો ક્ષિતિજની ઉધરસ રૂપી પહાડ હેઠળ ધરબાઈ ગયા.

ક્ષિતિજના મુખની અસ્ખલિત વાણી સાંભળીને જાણે ધરતીનું મગજ બહેર મારી ગયું હતું. તેના માથા ઉપર કોઈ હથોડા વિંઝતું હોય એમ તેનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું. તે લમણે હાથ દઈને ફસડાઈ પડતાં માંડમાંડ બોલી શકી, “એટલે.... એટલે... આટલા વર્ષો મેં મારી જિંદગીને તારતાર કરી નાખનાર, મારું જીવન રોળી નાખનાર, મારો પ્રેમ છીનવી લેનાર અને મારા માથા ઉપર અમીટ ગ્રહણની છાપ છોડનાર સાથે....?????” આગળનું વાક્ય ધરતીના રુદન સાથે તણાઈ ગયું.

“ધરતી, પ્લીઝ!!.....”

“પ્લીઝ!!!.....??? હં.. ઉં... આ શબ્દ તારી ડિક્ષનેરીમાં છે પણ ખરો??? તું આ શબ્દનો મતલબ સમજે પણ છે એમ...??? હં... જો એવું હોય તે દિવસે તેં મારા આ ‘પ્લીઝ!!’ શબ્દનું માન રાખીને મારું જીવન નષ્ટ ન કર્યુ હોત મિ. રેપીસ્ટ...” ધરતીનું મુખ ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું, એનું શરીર ધ્રુજી રહ્યું હતું. એની ચંચળતા તો ક્યારની મરી પરવારી હતી પણ ત્યારબાદ અપનાવેલ ધીરતા, ગંભીરતા, શાલીનતા અને પુષ્ટતા અત્યારે ઓઝલ થઈ ચૂકી હતી.

ક્ષિતિજ દરેક પળે મૃત્યુની વધુને વધુ નજીક સરકી રહ્યો હતો. પણ અત્યાર સુધી ધરતીના ઉરે તેની ‘દેવ’ તરીકે અંકાયેલી છબિ ખરડાઈ ચૂકી હતી. ધરતીના હ્રદયમાં સ્થાપાયેલું કાયમી સ્થાન ડોલી ગયું હતું. માસીબાના ટેકે તે માંડ ઊભી રહી શકી હતી. ઘરનું વાતાવરણ બોઝિલ બની ગયું હતું. અત્યાર સુધી અહેસાનના ભાવ નીચે દબાયેલી ધરતી વિફરેલી વાઘણ બની ચૂકી હતી.

“...વાય... સે મી વાય...??? તેં મારી સાથે આવું....????” ક્ષિતિજને બોચીએથી હચમચાવતાં અને ત્રાડ પાડતાં ધરતી બોલી.

આટલાં વર્ષો પછી પહેલી વાર ધરતીના થયેલો સ્પર્શ અને એપણ આવી રીતે.... ક્ષિતિજના ગળે ડૂમો બાઝી ગયો... એણે ગળા નીચે થૂંક ઉતારીને હળવો ખોંખારો ખાધો અને ભારે સંયમતાથી બોલ્યો......

(ક્રમશ:)