અમે તો જંગલી ફૂલોની જાત. Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે તો જંગલી ફૂલોની જાત.

અમે તો જંગલી ફૂલોની જાત.

આજે લેખક તરીકે મારી ભાષા ઘણી પરિપક્વ થઇ હોય એવું લાગે છે, પરંતુ શરૂઆતમાં જ્યારે એક અમેચરનેસ હતી ત્યારે મેં ખુદ માટે એક લેખ લખેલો. ખુદ માટે લખવામાં આવતા શબ્દો તમારા જીવનને બદલાવતા હોય છે. મેં અનુભવ્યું છે કે જે સપનાઓ અને જાતને માટેની શિખામણો મેં વર્ષો પહેલા મારી ડાયરીની અંદર લખેલી એ બધી જ મહદ અંશે સાચી પડી છે. મારું ચારિત્ર્ય એવું જ ઘડાયું છે જેવું એક કોરા કાગળ સામે બેસીને મેં ઈમેજીન કરેલું.

ઘણા સમયે પહેલા લતા-મંગેશકરે ગાયેલું ‘ઓ મન કરના તું ઐસે કરમ’ ગીત સાંભળ્યા પછી એક ટ્રાન્સમાં ઘુસી ગયો હતો. એવી અવસ્થા જ્યારે તમે તમારી જાત સાથે સૌથી વધુ નજીક હોઉં છો. એ સમયે મારા મન ને મેં એક પ્રાર્થના કહેલી. એ જ સમયે પેન અને કાગળ લઈને લખેલી. આજે એ શબ્દો સાર્થક નીવડતા હોય એવું લાગી રહ્યું છે. તમારી જાતને પૂર્ણ જાગૃતિમાં કહી દીધેલી વાતો તમારું આખું અસ્તિત્વ સ્વીકારી લેતું હોય છે. જ્યારે તમે તમારી જાતને કહી દો છો કે તારે કેવા માણસ બનવાનું છે, તારે કેવા ચારિત્ર્ય સાથે જીવવાનું છે ત્યારે તમારું ‘હોવું’ એ શિખામણને સ્વીકારી લેતું હોય છે.

તો અહી મેં એ આખો પત્ર લખ્યો છે. આને લખ્યાને સમય થઇ ગયો હોવાથી એની અપરિપક્વતા માટે ક્ષમા આપજો:

એ મન...તું એવા કર્મો કરજે, જેના દરેક કદમ સત્યના રસ્તા પર હોય. એ સત્યનો રસ્તો અને આખી જીવનની સફર ગમે તેટલી મુશ્કીલ હોય, તને ડર ન લાગે. ડર ન લાગવો જોઈએ. એ મન...તું એવા રસ્તાને પસંદ કરજે જેમાં તારે ક્યારેય કપટ ના કરવી પડે. સામાન્ય જગત ભલે રાડો પાડી-પાડીને તને કહે કે તારે જીવવા-કમાવા-બીજા ભૂખ્યા ના સુવે તે માટે થોડી કપટ કરવી પડશે, પરંતુ એ મન...તું માનતું નહી. તું એવા કર્મો કરજે જેમાં ભલે સમય આવ્યે ભીખ માંગવી પડે, પરંતુ તારા કર્મો કપટ વિનાના હોય.

તારે જુકવાનું નથી. તારે માત્ર સત્ય સામે જુકવાનું છે. સત્યનો રસ્તો ભલે કંટાળો રહ્યો, પરંતુ તારે ત્યા જ ચાલવાનું છે. ખબર છે કેમ? કારણ કે એ રસ્તા પર ચાલતો થઈશ એટલે લોકો તારા પર હસશે. તું ઓછું કમાઇશ, તારું જીવન વધુ મહેનત માંગી લેશે. તારો જીવવાનો અંદાજ લોકોનો જીવ બાળશે. ક્યારેય તું તારે રસ્તે રઝળી પડીશ. દુનિયાની ઠોકરો ખાઇશ. તારા દુશ્મનો તને મારવાનું છોડશે નહિ. પણ...

પણ...સાંજે જ્યારે આંખો બંધ કરીને તું સુઇશ ત્યારે તને તારા જીવનના લાખો સાચા રંગોનો નશો હશે. આખા દિવસ સત્યના રાહ પર રહીને ખેલાયેલી જંગનો મધ-મીઠો થાક હશે. સાચા કર્મોનો ખુશીના આંસુ આપી દે તેવો ભાર હશે. તને રાત્રે તારો જીવાયેલો દિવસ સાર્થક લાગશે. તારા પોતાનાઓ સાથે તું સાચું હસી શકીશ. તારી હંસી ઉડાવતા, તારી સામે આંગળી ચીંધતા, તારી આગળ નીકળી સફળ થઇ ગયેલા માણસો તને પાંગળા લાગશે. તેમના જીવન તને વાસ મારી ગયેલા- સડતા-ગંધાતા જીવવા ખાતર જીવતા, કમાવા ખાતર કમાતા, અને ખુશ રહેવા ખાતર ખુશ રહેતા અર્થ વગરના લાગશે. તું પામી જઈશ કે તે જ્યારથી સાચી મહેનતનો રસ્તો પકડ્યો છે ત્યારથી જ તું મહાનતાને પામી ગયો છે. રાત્રે તારી આંખ મીંચાઈ જશે. મીઠી ઊંઘ આવશે. તને સવારે ઉઠીને તારા જુના દિવસની મહેનતનો નશો નહી ઊતર્યો હોય. તારા પગ ફરી સત્યની કેડી તરફ દોડવા લાગશે.

ઓ મન...સાચી રીતે જીવેલી જીંદગી જ મહાનતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે, એટલે બસ તું...ભીનું-ભીનું જીવું લેજે.

એ મન...તને ખબર છે એક દિવસ તારું આ શરીર એમ જ બંધ પડી જશે. નાકમાં રૂ ભરાશે. ફાટી રહી ગયેલી ખુલ્લી આંખો પર હથેળી ફરશે. તારા પર સફેદ કાપડ આવશે. તને નનામી સાથે બાંધીને બાળી કે દાટી દેવામાં આવશે. થોડા દિવસમાં તારે નામે લાડવા ખવાઈ જશે. તારા માટેની ખીર પણ કાગડા ખાઈ જશે. અને એક દિવસ તું ભુલાઈ જશે. ખબર છે કેમ? કારણકે આપણે બધા અહી ભૂલવા માટે જ હોઈએ છીએ. એમાં જ ભલાઈ છે. અબજો વર્ષોથી અવિરત ચાલતી આ પૃથ્વીને તારા મરવાથી કશો ફરક પડવાનો નથી, પરંતુ તારા જીવવાથી ફરક પડે છે. તારા જીવવાના અંદાજથી ચોક્કસ તું કેટલાયે જીવનને અસર કરતો જઈશ.

એટલે જ ...એ મન...આ અખિલ બ્રમ્હાંડમાં તારી એકલતાને સમજીને તારે તેને જીવવી પડશે. રોજે સવારે તારી સામે ધમધમતું શહેર ખડું હશે, કે ખાલું ગામડું પડ્યું હશે. તારે સવારે ઉઠીને ભીડમાં ખોવવાનું છે, અને ત્યાં તારી જાતને સાબિત કરી બતાવવાની છે. એ મન...તું ટ્રાય કરજે. તું અયોગ્ય-ખરાબ-નબળા-ભ્રષ્ટાચારી-લાલચી-કપટી રસ્તે જવાનું એકવાર પસંદ કરજે. તું બે પળ માટે ખુશ થઈશ, પરંતુ એ ખુશી અખંડ નહી હોય. તારા કર્મોએ કોઈના જીવનને સારી અસર કરી નહી હોય. તારા હૃદય માંથી મીઠી ઊંઘ ‘ગુડ-નાઈટ’ નહી કરે. કારણ ખબર છે? કારણ કે...તારા ખરાબ-ખોટા કર્મોએ બીજા કોઈના જીવનને દુખી-હેરાન કર્યા હશે. તારો લેવાયેલો હરામનો રૂપિયો બીજા કોઈના પસીનાનો હશે. ઊંઘ કેમ આવશે? છેવટે જયારે મરણના ખાટલે તારી આંખો અર્ધ-નિંદ્રામાં ખુલ્લી હશે, અને જીવ તાળવે પહોચ્યો હશે, ગંગાજળ જયારે ત્યારે ખુલ્લી રહી ગયેલી જીભ પર મુકાતું હશે...ત્યારે તને તારી જીવાઈ ગયેલી, વીતી ચુકેલી જિંદગીની વ્યર્થતાનો અવાજ આવશે. જીવવાની કોમળતા ખબર પડશે. તને ખબર પડશે કે સાલું ભવ્ય જીવન જીવીને પણ માણસો ગધેડાની ઢીંકથી કે મચ્છરના ડંખથી મરી જતા હોય છે! તો પછી જેટલું જીવવા મળ્યું છે એટલું સારી રીતે, સાચી રીતે કેમ જીવી ન લેવું?

એ મન...

ખુલ્લા દિલથી જીવ્યા પછી નનામી પર સુવાની મજા આવશે. કપટ વગર જીવેલા જીવનનો નશો હોય છે. જો સાચા મનથી પ્રેમ કર્યો હશે તો તારી પાછળ રડવા વાળું પણ દિલ ફાડીને રડતું હશે. સાચી મહેનત કરીને થાકેલું શરીર જલ્દીથી બળી જશે. પવનની લહેરખી આવશે, અને રાખ સારી રીતે ઉડી શકશે.

એ મન...

હવે કોઈ કારણો આપવા બેસતું નહી. તને એક્સ્યુઝ આપવાની ખોટી જન્મજાત ટેવ છે. બધું જ શક્ય છે. તું બદલી શકે છે. હજુ મોડું થયું નથી. આવતીકાલ હજુ બાકી છે. શરીરને બંધ થવાને હજુ વાર છે. તું ભૂતકાળને ભૂલી જા. જૂની કપટ-લાંચ-ભ્રષ્ટાચારને ભૂલી જા. આવતીકાલથી નહી, પરંતુ અત્યારથી જ તું એ સાચો રસ્તો પકડી લે. સૌને ખબર હોય છે કે એ રસ્તો ક્યાં છે. નથી ખબર? તારા હૃદયમાં જ કંડારાયેલો છે. તારા જન્મથી સાથે જ ઈશ્વર-ખુદાએ તને આપી દીધેલો છે. તારે તો બસ તેને શોધવાનો છે. સવાશેર સુંઠ જેણે ખાધી છે એને યાદ કરીને ત્યાં ચાલવાની હિમ્મત કરવાની છે.

અને એ રસ્તે ચાલીને તું બદલી શકે છે. તારું જીવન બીજા હજારો જીવનને બદલી શકે છે. તારી નનામીમાં કેટલા માણસો જોડાઈ છે તે નહી, પરંતુ કેવા માણસો જોડાઈ છે તેનાથી ફરક પડે છે. આ અખિલ બ્રમ્હાંડમાં સમાયેલી તારી એકલતા આખરે રાખ બનીને ઉડવાની છે, અથવા દટાઈને માટી બની જવાની છે. તો ચલ ને દોસ્ત...પેલા રસ્તા પર એક ચક્કર મારી લે ને...

અસ્તુ.

આ મારે માટે મનની પ્રાર્થના હતી. અત્યારે આંખમાં આંસુ છે આ વાંચીને! મન ઘણા રસ્તાઓ અનુસરી ચુક્યું છે તેનું ગર્વ પણ છે, અને હજુ ખુબ લાંબી મંજિલ બાકી છે.

અને હા...આ ટાઈટલ કેમ આવું એવો સવાલ તમને થયો હશે. અમે તો જંગલી ફૂલોની જાત! બસ મન થયું અને આપી દીધું. એ શીર્ષકને લેખ સાથે કોઈ સંબંધ નથી! સોરી ફોર ધેટ.